અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે, એક વખતે ગઢડામાં મહારાજ રાત્રિને સમે સભા કરીને પોતાના સર્વોપરી પુરુષોત્તમપણાની વાતુ કરતા હતા તે સમે જે એકાંતિક જ્ઞાનવાન સંત હતા તે તો જેમ ચમકપાણમાં લોઢું તણાય તેમ મહારાજની મૂર્તિમાં સમગ્રપણે તણાઈ જાતા તથા ચંદ્રમાને દેખીને ચકોર પક્ષી સર્વે પ્રકારે જોડાય તેમ મહારાજના મુખકમલરૂપી ચંદ્રમા તેને વિષેથી નીકળતું એવું વચનરૂપી અમૃત તેનું પાન કરવાને વિષે શ્રદ્ધાવાન એવા થકા એકાગ્ર ચિત્તે કરીને સર્વે જોડાઈ જતા હવા. ને એવી રીતે પુરુષોત્તમ નિરૂપણની વાતુ કરતાં બાર ઉપર બે વાગ્યાનું ટાણું થયું પણ વાતુમાં દ્રઢ આસક્તિએ કરીને કોઈને મટકું પણ આવ્યું નહિ. ત્યાં તે સમે જે સંત સૂતા હતા તેમાંથી એક સંત જાગ્યા ને ધૂન કરી. ત્યારે મહારાજ બોલ્યા જે, “એ શું થયું?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, “મહારાજ, એ તો પાળી બદલાણી.” ત્યારે મહારાજ બોલ્યા જે, “આવી ભગવાનનાં સ્વરૂપ સંબંધી અગાધ ગહન વાતો થાય છે તેમાંય સૂતા હશે!” ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, “મહારાજ, એ એક નહિ પણ ઘણા સૂતા છે.” ત્યારે મહારાજ કહે, “અહો! અહો! આવી વાતુ થાય છે ને જે સૂતા છે તેને બહુ જ ખોટ ગઈ. કેમ જે આવી વાતુ ક્યાંથી સમજશે?” ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે જે, “આવી વાતુ સાંભળે છે તે સર્વેને મળો તો જે સૂતા છે તેને પસ્તાવો થાય.” પછી મહારાજ સર્વેને મળતા હવા. ત્યારે જિજ્ઞાસાનંદ સ્વામી જે સૂતા હતા તે સર્વેને કહી આવ્યા જે, “શું સૂતા છો? મહારાજ સબકુ મીલતે હૈ.” ત્યાં તો ઊઠી ઊઠીને સૌ આવવા મંડ્યા. ત્યારે મહારાજે કહ્યું જે, “સાધુ વધી ગયા!” એમ કહીને બેસી ગયા. એમ જે રુચિવાળા હતા ને મહિમાએ સહિત જ્ઞાનવાળા હતા તેને તો આખી રાત મહારાજ દર્શન દેતા હોય કે વાતુ કરતા હોય ત્યારે આખી રાત મહારાજનાં દર્શન કરતા ને વાતો સાંભળતા ને કેટલાક સૂઈ પણ રહેતા. અને આંહી પણ સર્વોપરી વાતુ થાય છે ને સર્વોપરી સાધુનો જોગ છે તેમાં જે રુચિવાળા છે તે તો આખી રાત ને આખો દિવસ વાતુ સાંભળે છે ને દર્શન કરે છે ને કેટલાક બહારગામથી આવી આવીને સમાગમ કરી જાય છે ને કેટલાક આંહીં મેડે મંડળી ભેળી થઈને મલકની નિંદા કરે છે ને કેટલાક ગપ્પાં મારે છે તેમાં શું પાકે. બહુ ખોટ જાશે. આ વાતુ તથા આ જોગ મળવો બહું દુર્લભ છે.
Gunatitanand Swami
અક્ષરામૃતમ્
કથા સાંભળવાનો આદર રાખવો, ને કથામાં ઊંઘ આવે તો સર્પનો દેહ આવે. ને કર્તવ્ય હોય તેમાં મન હોય તો નિદ્રા આવે નહિ. ચરખાવાળા, ચિંચોડાવાળા ને બકરાંવાળા કોઈ ઊંઘતા નથી. માટે એવી રીતની આદરે સહિત લગની હોય તેને નિદ્રા ન આવે. તે આ ભંડાર કર્યો ત્યારે બે મહિના સુધી કોઈ ઊંઘ્યું જ નહિ. ને કામ જીતવો તે તો લોકાલોક ફેરવવાથી પણ મોટો છે. પૃથ્વી ગળી ગયા એવા દૈત્ય હતા પણ કામ, ક્રોધ જીતાણા નહોતા, માટે જે કર્તવ્ય હોય તે કરે એ ડાહ્યો ને આ તો દેહના અંત સુધી ચલાવવું છે. પછી કારિયાણીના દશના વચનામૃતની વાત કરી.
દામોદરને કાંઠે કરોડું માણસ બાળ્યાં પણ વેંત ધરતી ચડી નથી. માટે બે દિવસ જીવવું તેમાં પ્રભુ ભજી લેવા. આ તો ગાડે ઉચાળા છે ને પંદર આના કથાવાર્તા હોય ને એક આનો બીજી ક્રિયા હોય ત્યારે જીવમાં સુખ આવે. આ તો પંદર આના બીજી ક્રિયા ને એક આનો વાતુ, તેમાં શું પાકે?
મારવાડના રાજા આગળ બ્રાહ્મણ કથા કરે ત્યારે રાજા ચોપાટે રમે ને રાડું પાડે જે, “દે કાળીના ધડમાં!” ત્યારે બ્રાહ્મણ જાણે, “આમાં શું સંભળાય?” એમ ધારી અટક્યો. ત્યારે રાજા કહે, “મહારાજ, તું તારે બકે જા! મૈં સુનતા હૂઁ!”
લાખું મણ બાજરો પાક્યો, કરોડું મણ ઘી, ગોળ પૃથ્વી ઉપર વરસ્યું પણ કોઈને ખબર નથી, તેમ આટલી આટલી કલ્યાણની વાતુ થાય છે પણ કોઈને ખબર નથી.
જ્ઞાન છે તે કહ્યે-સાંભળ્યે વૃદ્ધિ પામે પણ પોતામાં ને પોતામાં રાખે તો જેમ નંદરાજાનું ધન કોઈને કામ ન આવ્યું તેમ કોઈને કામ ન આવે. માટે કહેવું ને સાંભળવું તો જેમ બાળક વૃદ્ધિ પામે તેમ જ્ઞાન વૃદ્ધિ પામે.
મહારાજ કહે, “અમે ચાર વાતથી ધરાતા નથી. તે શું જે, કથા, વાતુ, ભજન ને સેવા.” તે આપણને શીખવ્યું. પોતે ‘હરે, હરે’ કરતા તે પણ આપણને શીખવતા જે, તમે પણ આવી રીતે કરશો ત્યારે તમારો ઠા રહેશે.
કથા, કીર્તન, ધ્યાન ને ભજન એ ચાર વાતુ રાખે તેને ભગવાનની સ્મૃતિ રહે. લાખ પૂળામાં જરા અગ્નિ પડે તો બધું બળી જાય તેમ ગ્રામ્ય કથા તો એવી છે જે બધુંયે બાળી દે. લાધો ઠક્કર ગ્રામ્ય વાતો બહુ કરતો તેથી મહારાજ વઢ્યા ને કહે, “તેને પેસવા દેશો નહિ.”
રીંગણીને પાણીએ પુષ્ટિ થાય તેમ પ્રગટ ભગવાન ને પ્રગટ સંતના મહિમાની વાતુથી સત્સંગની પુષ્ટિ થાય. માટે મહિમાની વાતુ નિરંતર કહેવી અને સાંભળવી. સ્ત્રીનો કે દ્રવ્યનો પ્રસંગ રાખશો તેનું નાક કપાશે.
અહીં અમે મંદિરની દરેક ક્રિયા અમારા હાથમાં રાખી છે અને શણગારનાં દર્શન કરી આવીને છાસવાળા, પાણીવાળા, રોટલાવાળા ને બીજી ક્રિયાવાળાને તેમની ક્રિયા સોંપીએ છીએ. અને જો આગળથી કહીએ જે, “આ કામ તમારે કરવું છે,” તો ભગવાન પડ્યા મૂકીને તે ક્રિયા વહેલા ઊઠી કરવા મંડી જાય ને કથાવાર્તામાં મન રાખે નહિ. અને આ તો એમ રહે જે, સ્વામી કોણ જાણે કઈ ક્રિયા સોંપશે? તે સૌ સભામાં આવી નિરાંતે કથાવાર્તા સાંભળે છે. તો પણ વચમાં માયા પેટ કૂટી જાય છે. તેને પણ ઠોઈ રાખીએ છીએ, તે આજ વિઘ્ન કરવા માયા આવી હતી. તે શું જે, આપણે વાતુ કરતા હતા તે ટાણે ઘીવાળો કોઠારે ઘી દેવા આવેલ તેથી ત્રીકમદાસ આવી કહે જે, “સ્વામી, આ ઘી લેવું છે તે કોઠારે આવો.” પછી અમે કહ્યું જે, “હમણાં ખમો.” ત્યારે વળી ઘડીક વારે આવ્યા ને કહે જે, “સ્વામી, ઘીવાળો ઉતાવળો થાય છે ને ખમતો નથી.” ત્યારે અમે કહ્યું જે, “ઉતાવળો થાતો હોય તો ભલે જાય.” એ વાત ઘીવાળે સાંભળી તે તુરત અમારી પાસે આવ્યો ને કહે જે, “સ્વામી, હું ઉતાવળો નથી થયો. એ તો કોઠારી ઉતાવળ કરે છે. મારે તો સામટું ઘી વેચાય છે તો વાર લાગે તો ફિકર નથી.” ત્યારે આ ત્રીકમદાસનું પોગળ ઉઘાડું પડ્યું. એમ માયા પ્રવેશ કરીને કથામાં આવરણ કરવા આવે છે. માટે આગ્રહ રાખી ભગવાન મુખ્ય રાખશું ત્યારે જ મહારાજ રાજી થશે.
અહો! આ વાતુ કેવી છે! તો સૂતા રહીએ અને કોઈ મથુરાનો પેંડો મોઢામાં મૂકી જાય તેમ મોટા છે તે વાતુ સંભળાવે છે, માટે આપણે પણ ખપ રાખી વિચાર કરવો કે મહારાજ અને આ સાધુ અહીં જીવનું મૂળ અજ્ઞાન કાઢવા આવ્યા છે તેથી રાતદિવસ વાતો કરી સોપો પડવા દેતા નથી. અને આપણા માટે આવ્યા અને આપણે ગાફલાઈ રાખી સૂઈ રહીએ તે કેવું કહેવાય! માટે આ જોગ તો એવો છે કે સત્સંગી નથી થાવું ને થઈ જવાશે. તે ઉપર કલ્યાણભાઈની વાત કરી જે, ચણાના ખેતરમાં ચોર આવી ફાંટ ભરી ચણા લઈ જાતા હતા ત્યાં કલ્યાણભાઈને દીઠા તે બીના. પણ કલ્યાણભાઈએ તો બહુ સન્માન આપી કહ્યું કે, “ભલે લીધા ને આવો આપણે ઓળા પાડી ખાઈએ ને બીજા ઘેર લઈ જાજો.” પછી પોતે ઓળા પાડીને આપ્યા ને કહ્યું જે, “હંમેશ આવતા જાજો ને ખેતર તમારું છે, જોઈએ તેટલા લઈ લેવા.” પછી ચોરને બહુ ગુણ આવ્યો ને ચોરી કરતાં આળસ્યા અને સત્સંગી થયા એમ સત્સંગ કરાવ્યો.
વળી બીજી વાત કરી જે, વણથળીના કોઈક કણબીને કલ્યાણભાઈના શેઢાશેઢ ખેતર પણ કલ્યાણભાઈની વાતુ ન સાંભળવી એવી ટેક ને તેને એમ જે, ‘જો વાતુ સાંભળીશ તો સત્સંગી થઈ જવાશે,’ તેથી કલ્યાણભાઈ ભેળો ન થાય. પણ કલ્યાણભાઈએ ધાર્યું જે, ‘આને મારે સત્સંગી કરવો.’ પછી વાડ વાવ્યો ને તૈયાર ઊગીને મોટો થયો ત્યારે તે પટેલને કહ્યું જે, “તમે આ વાડમાં ભાગ રાખો તો ઠીક. અમારાથી ખર્ચે પુગાતું નથી.” તેણે ના કહી ને એ વાત તેની સ્ત્રી આગળ કરી. ત્યારે તે કહે જે, “ભાગ શું કામ મૂકો છો? કાંઈ મહેનત કે ઝાઝું ખરચ નથી, તૈયાર જમણ જમવા જેવું છે.” પછી ભાગની હા પાડી કહ્યું જે, “હું તેમાં કામ કરવા નહિ આવું.” ત્યારે કલ્યાણભાઈ કહે, “કામ અમે કરશું.” આથી તેને કલ્યાણભાઈનો મનમાં બહુ ગુણ આવ્યો. પછી પાસે બેસવા લાગ્યો ને વાતુ કરે તે ગુણ આવ્યાથી સારી લાગે ને એમ વાતુ કરતાં કરતાં સત્સંગી કરી દીધો. પછી મહારાજની મૂર્તિનાં ચિહ્નવર્ણન તેની આગળ કહે. તેમાં એક ચિહ્ન કલ્યાણભાઈને સાંભરે નહિ જેથી વર્ણન ન કરેલ. પછી તે રાત્રીએ તેને મહારાજે દર્શન આપ્યાં તે તેને કહ્યું જે, “બધાં ચિહ્ન ધારો છો ને આ ચિહ્ન કેમ નથી ધારતા?” ત્યારે તે કહે જે, “કલ્યાણભાઈએ મને કહ્યું નથી.” પછી આ વાત તેણે કલ્યાણભાઈને કરી ત્યારે કલ્યાણભાઈ કહે, “અહો! તમને મહારાજે દર્શન દીધાં! એ તો ભારે વાત કહેવાય!” એવો સત્સંગી કરવાનો ભારે આગ્રહ. વળી બીજી વાત કરી કે, પોતાના ખેતરમાં રખત ખડ રાખી મૂક્યું હતું. પછી કોઈ ખડ લેવા સીમમાં જાતા હોય તેને કલ્યાણભાઈ કહે, “ચાલો મારે ખેતર રખતનું બહુ સારું છે.” એમ કહીને તેડી જાય ને પોતે પણ કાપી ખડ લેવરાવા લાગે ને વાતુ કરતા જાય ને ફાંટમાં નાખતા જાય, આથી તે ખડ લેનારાને બહુ ગુણ આવ્યો ને સત્સંગી થઈ ગયા. વળી દર વરસે કલ્યાણભાઈ સાથી રાખે તેને વાતુ કરી સત્સંગી કરી ને બીજે વરસે બીજાને રાખી નવા સત્સંગી કરે, એમ મોટા એકાંતિકને સત્સંગ કરાવવાનો બહુ આગ્રહ. કારણ મહારાજનો એવો મત કે ઘણા જીવનું કલ્યાણ કરવું તે ઘણા જીવનું કલ્યાણ કરે તે અતિ મોટા છે. જેમ પર્વતભાઈ બહુ મોટા હતા અને તેમની મોટાઈ સત્સંગમાં પણ બહુ તે શાથી જે, ઘણાને સત્સંગ કરાવતા. માટે જેણે પર્વતભાઈનાં દર્શન ન કર્યાં હોય તે આ કલ્યાણભાઈનાં દર્શન કરો એટલે પર્વતભાઈનાં દર્શન થઈ રહ્યાં.
આમ સવારમાં ઊઠીને કથા કરવી એવો કેને આદર છે? ને ત્રિલોકમાં જ્યાં જ્યાં સભાઓ છે ત્યાં સર્વ ઠેકાણે વિષયની જ વાતુ છે. માટે ભગવાન ભજવાનો આદર રાખવો. જેમ વિવાહ કરે છે, કાયટાં કરે છે ત્યારે કાંઈ ઘરનાં કામ મેલી દે છે? ખેતી મૂકી દે છે? કે વાડના કોસ છોડી મૂકે છે? એ તો વિવાહ થાતો જાય ને ઘરનું બીજું કામ પણ થાતું જાય તેમ ભગવાન ભજાતા જાય અને બીજાં કામ પણ થાતાં જાય. અમે વાતુ કરીએ છીએ તેમાં કેટલીક કામની ઉપેક્ષા રાખીએ છીએ ત્યારે વાતુ થાય છે. માટે કથા, કીર્તન, વાર્તા ને ધ્યાન એનો કેડ મેલવો જ નહિ.
શ્રવણ, મનન ને નિદિધ્યાસ કરીને ઠરાવ કરીએ તો સ્થિતિ ન ફરે ને એવો વિચાર કરવો જે તેમાં બીજુ કોઈ પેસી શકે નહીં. ને આવી વાતું સારુ તો બાદશાહે બાદશાહીયું મૂકી છે. સ્ત્રી પુરુષનો ત્યાગ કરે છે ને ભરતજીએ મળની પેઠે રાજ્ય ત્યાગ કર્યું. માટે આવી વાતમાં જીવ પેસે નહીં એટલે બીજી સુવાણ્ય અને ડોળ ગમે. ને આવી વાતું હૈયામાં પેઠી હોય તેને બીજી વાત ગમે નહીં.
શાંતિ તો આવી વાતુયે કરીને જ થાય છે. ને કામમાં આસક્તિ હોય ને વિષયનો જોગ થયો, લોભમાં આસક્તિ હોય ને રૂપિયા મળ્યા, ને માનનો સ્વભાવ હોય ને મંહતાઈ મળી ત્યારે કેવું થયું જે, ઓછું પાત્ર ને અધિકું ભણ્યો. આવી વાતું તો આ સત્સંગમાં છે. બીજા કોઈ કહેનાર નથી. બદરિકાશ્રમવાળા ને શ્વેતદ્વીપવાળા કથાવાર્તા કર્યા કરે છે તેથી બીજા લોકથી એ ત્યાગમાં વખણાય છે. સાધુ સમાગમે બ્રહ્માના લોકનું સુખ મળે તો તે પણ નજરમાં ન આવે. માટે સાધુ સમાગમ જેવું કોઈ બળવાન સાધન નથી.
મહારાજ જમતાં જમતાં હરે બોલતા, તે શું કાંઈ ભૂલી ગયા હતા? પણ આપણને શીખવતા. ભવ જે સંસાર તેને તરવા રૂપ આ ભગવાનની કથા, મહિમાની કથા તે જેને સારી લાગતી નથી તેને પશુની ઘાત કરનારો ખાટકી જાણવો. બે વચનામૃત વાંચીને સટ સટ માળા ફેરવીને માનસી પૂજા કરીને નવરા થઈને બેઠા પણ જ્ઞાન વિના તો પૂર્ણાનંદે પંચમહાપાપનો અર્થ કર્યો એવું સમજાય.
બપોરે વાત કરી જે, આ વાતુ કેવી છે તો એક તો લાખ રૂપિયાની વાત કરે ને એક લાખ રૂપિયાનો ઢગલો કરે. તેમ એક તો વાત જ કરે ને એકને તો એ વાતનો અનુભવ થયો છે, તે અનુભવવાળાને આનંદ આવે તેવો વાચક જ્ઞાનવાળાને આવે નહિ. જેમ ધનનો મહિમા રબારી આગળ કહીએ તો એને આનંદ જણાય નહિ ને ઓલ્યે કહ્યું જે, બધું નાશ પામો પણ ધન થાઓ. એવા આગળ ધનનો મહિમા કહીએ તો રાજી થાય અને આનંદ આવે. તેમ આ વાતુ છે તે અનુભવવાળાને આનંદ આવે. સર્વ દ્રવ્યના ઉપાર્જનમાં મંડ્યા છે, તે એકાન્તુ કરે તો પણ એ વાત, કાગળ લખે તો પણ એ વાત, અમથા ઊભા હોય તો પણ એ વાત. માટે એનું મનન મૂકી દઈને ભગવાન ને સંતનું મનન કરવું, કેમ જે જોયા જેવા તો ભગવાન ને એકાંતિક એ બે જ છે.
સાંજે વાત કરી જે, આપણે નિત્ય પ્રત્યે એવા શબ્દ કાનમાં નાંખવા જે જીવ અવળે માર્ગે ચાલે જ નહિ. તે આ તો કોઈ જીવે આદર કર્યો નથી. જેમ ભણવાનો, લખવાનો, ખેતીનો, વેપારનો ઇત્યાદિક આદર કર્યા છે ને એનું ફળ તો રોટલા મળે એ જ, તેમ આપણે પણ પ્રભુ ભજવાનો આદર કર્યો છે. તે આ ફળની તો વાત જ ન કહેવાય.
સારાં સારાં લૂગડાં હોય, સારાં સારાં પકવાન હોય તે સર્વ નાશ થઈ જાશે પણ આ વાતુ ધારી હશે તો તે નાશ નહિ થાય.
મહારાજ કહે, “અમારે બુદ્ધિવાળા ઉપર હેત છે તે બુદ્ધિવાન હોય તેને આ વાતુ સમજાય ને તેને ખબર પડે જે, આટલી વાત આપણા સ્વભાવ ઉપર થઈ.” માટે દેહાભિમાન વધારવું હોય તેને આ વાત શું ગુણ કરશે? તે ચીણામાંથી ગોળાનાં ભીલાં નહિ પાકે તેમ કહ્યા વિના સ્વભાવ નહિ ટળે.
જેટલી ભગવાનની વાતો પેસે તેટલો સત્સંગ. બાકી કજિયા કરવા કરવા તે તો જીવનો સ્વભાવ જ છે. આવી વાતું કરીએ છીએ એ કોઈ પ્રેરક થઈને કરાવે છે, પણ હું ધારતો નથી ને ધાર્યા બા’ર વાતું થાય છે. કોઈ કહેશે જે, આટલી વાતું કરે છે તે કોઈને શીખામણું દે છે પણ અમારે તો પંડને સમજવું છે. તે ઉપર લવા બાદશાહની દાઢીની વાત કરી. ૧ (૨૧) ૧. લવો બાદશાહનો કારભારી હતો. એક વાર તેને બાદશાહે, “મારી અને તારી બેઉની દાઢીને આગ લાગે તો કોની પહેલા ઓલવું?” એવું પૂછ્યું ત્યારે લવાએ કહ્યું, “જહાંપનાહ! પહેલા મારી દાઢીને બે લસરકા મારી લઉં પછી તમારી...” – સ્વામીની વાત ૪/૧૩૬
સો કલ્પ સુધી ભક્તિ કરો પણ દોષ ન ટળે. ત્યારે પૂછ્યું જે, “દોષ ન ટળે ત્યારે ભક્તિનું ફળ શું?” ત્યારે કહ્યું જે, “દુર્વાસા સો થાળ જમી ગયા ને સ્વભાવ આવ્યો ત્યારે ઠેકાણું ન રહ્યું, માટે સ્વભાવ ટાળ્યા વિના તો ટળે જ નહિ. ને પૃથુના જેવી ને ગોપીઓના જેવી ભક્તિ થાય તો તો દોષ ટળે ખરા. તે પૃથુ રાજાએ દશ હજાર કાન માગ્યા ને આપણે ઘડીક કથામાં બેસવું તેમાં ઊંઘ આવે છે. માટે ભગવાનની વાતું સમજાય ત્યારે ઊંઘ કેમ આવે ને આળસ કેમ થાય?”
સત્સંગે કરીને વાતુ જીવમાં ઊતરી ગઈ હોય તો પ્રહ્લાદની પેઠે કોઈ દિવસ ડગે નહિ. પછી કાળ, કર્મ ને માયા તેનું નામ લઈ શકે નહિ. મણિધર નાગ કંડિયામાં ન આવે તેમ તે કોઈના લાગમાં ન આવે, અને બળિયા છે તે મન-ઇંદ્રિયુંના દોર્યા દોરાતા નથી. શબ્દે કરીને નિષ્કામી થાય છે માટે જેવો સંગ કરે છે તેવો થઈ જાય છે.
કેટલાક તો માંદાનું મિષ લઈને કથાવાર્તામાં આવતા નથી ને આસને સૂઈ રહે છે. દેહ સાથે ભાઈબંધાઈ કરીને એ લોચાને જાળવીને બેઠા છે. પ્રભુ ભજવા આવ્યા છે પણ કસર રહી જાશે. સિદ્ધ થયા છે તે મેડે ચડી બેઠા છે અને કાચા છે તે અહીં બેઠા છે. રઘુવીરજી મહારાજ કહેતા જે, “મહારાજો! સિદ્ધ થયા હો તો અમને સિદ્ધ કરવા આવો અને કાચા હો તો શીખવા આવો.” તમે જાણો છો કે કાંઈ જાણતા નથી, પણ આંહીં બેઠાં બધું જાણીએ છીએ.
મહારાજના સ્વરૂપનું નિરૂપણ કરવું તે જ્ઞાનયજ્ઞ કહેવાય અને વૃત્તિ પાછી વાળવી તે યોગયજ્ઞ કહેવાય. એવા યજ્ઞે કરીને જીવ વૃદ્ધિ પામે છે. કથાવાર્તામાં જે બંધાણો હશે તે વહેલા-મોડો અક્ષરધામમાં જશે.
વાતું કરવી ત્યારે મહારાજનો પ્રતાપ ને મહિમા વેણે વેણે લાવવાં. મહારાજને સંભારવા અને બીજુ બધું વિસારવું.
કથાવાર્તા વિના તો ત્યાગી હોય તેને પણ જગત પ્રધાન થઈ જાય ત્યારે બીજાને થાય તેમાં શું?
કથાવાર્તા વિના તો મરને બ્રહ્માનો લોક હોય તેનો પણ ત્યાગ કરી દેવો. ને આ વાતો સમજાણી હોય તો ગમે એટલો વૈભવ હોય તો પણ નજરમાં ન આવે. વાતુમાં શ્રદ્ધા વિના તો પ્રાગજી દવેએ મહારાજને કહ્યું જે, “આવા ત્યાગના પ્રસંગ બબ્બે ચાર-ચાર વાર નીકળે તો હું તો મરી જઈશ.” માટે श्रद्धावान् लभते ज्ञानं ૧ શ્રદ્ધા હોય તે જ્ઞાનને પામે. રોટલા તો ભગવાન આપશે. भोजने छादने चिंता वृथा कुर्वन्ति वैष्णवाः ૨ મહારાજ કહે, “પશુ-પંખી સર્વે પોતાનાં બચ્ચાંનું પોષણ કરે છે ત્યારે આ સાધુ-સત્સંગી તે અમારાં છોકરાં છે તેનું પોષણ કેમ નહિ કરીએ.” (૨૮) ૧. શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ । જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥ અર્થ: નિયમમાં છે ઇન્દ્રિયો જેનાં ને શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે ને જ્ઞાનને પામીને તત્કાળ પરમ પદને પામે છે. - વચનામૃત ગઢડા મધ્ય ૧૬ ૨. જેઓ વૈષ્ણવ - ભગવાનના ભક્ત છે તેઓ ભોજન અને વસ્ત્રની ચિંતા વૃથા (ખોટી) કરે છે, કારણ કે જે વિશ્વંભર - જીવપ્રાણીઓનું પોષણ કરનાર - ભગવાન છે તે પોતાના જ શરણે આવનારની ઉપેક્ષા કરશે શું? સ્વામીની વાત ૫/૩૩૫
પારાણ્યું કરે છે તેમા શ્રોતાનો ને વક્તાનો શુદ્ધ ભાવ હોય તો સારું થાય.
જીવ વૃદ્ધિ નથી પામતો તેનું શું કારણ જે સભામાં વાતુ થાય તે કોઈક ઉપર નાખે પણ પોતા ઉપર ન લે ને પરબારી કાઢે છે એટલે વૃદ્ધિ નથી પમાતું. પણ પોતા ઉપર લે ને તે વાતુનું શ્રવણ, મનન કરીને જીવમાં ઉતારે તો વૃદ્ધિ કેમ ન પામે? કથાવાર્તા વિના અંતર સૂનું થઈ જાય છે. જેમ માણસ વિનાની જગ્યા શૂન્ય થઈ જાય તેમ થઈ જાય છે. માટે જેમ ટોપીવાળો છે તે નિત્ય પ્રત્યે કવાયત કરાવે છે ત્યારે તેની વિદ્યા નવીન રહે છે તેમ આપણે કથાવાર્તા વિના ઘડી માત્ર રહેવું નહિ. રઘુવીરજી મહારાજે દેહ મૂક્યો ત્યારે હવે એથી આપણે કોઈ વા’લું ન કહેવાય તે હવે રોવા માંડીએ તો પણ તેનાં દર્શન તો થાય નહિ. માટે હવે તો આપણે સર્વે ભજન કરવા માંડીએ ત્યારે શાંતિ થાય પણ શોક કર્યે શાંતિ ન થાય. તે વાત વરતાલમાં પણ અમે કરી હતી. ભગવાનની વાતુ બહુ મોટી છે તે શું? જે ગયા તે સારુ રૂવે પણ છે તેને સમજે નહિ તે કારમીક સમજાય નહિ. તે તો ધીરે ધીરે શ્રવણ, મનન, નિદિધ્યાસ કરે તો એ વાતુ ઊતરે. વાતુ ઊતર્યા વિના તો હૈયામાં સુખ રહેનારું જ નહિ. તે સો મણ અન્નનો ઢગલો હોય પણ માંહીથી શેર ખાઈએ તો જ ભૂખ જાય, તેમ વાતુ ધારીને તે તે પ્રમાણે જ્યારે વરતશું ત્યારે જ સુખ થાશે.
કેટલાક છે તે અમથા જાગે ને કથામાં ઊંઘે, તેને જો કહીએ તો દુઃખ લાગે તે કહેવાય નહિ. શ્રવણ ભક્તિ વિના ગમે તેટલા શાસ્ત્ર પોતાની મેળે વાંચે પણ જ્ઞાન થાય નહિ, માટે ગુરુ કર્યા જોઈએ. ગુરુ વિના તો કોઈ વાત આવડનારી જ નહિ. કેટલાક કરે છે આત્માની વાતુ ને વરતે છે દેહમાં, તે શું? માટે કાંઈક વરતવા માંડે તો વાતુ પ્રમાણ થાય. માટે જ્યાં સુધી મંદવાડ આવ્યો નથી ને આવરદા નથી આવી રહી એટલામાં વચનામૃતનો અભ્યાસ કરી લેવો ને સારા ભગવદીનો સમાગમ કરી લેવો. જે વાત થાય તે સમે થાય.
રજોગુણી માણસ આગળ વાત કરવી પડે ત્યારે જીભ ઝાલીને વાત કરીએ તો ઠીક પડે ને તેના દેહના ખબર પૂછ્યા જોઈએ. રાજકોટના કરસનજી વોરાએ પરચો માગ્યો તેને અમે કહ્યું જે, “નવરા થાશું ત્યારે પરચો દેવા આવશું.” જેને બહુ રજોગુણ, બહુ અજ્ઞાન ને તમ તેને આ વાતું ધગેલ લોઢી ઉપર થોડા છાંટા જેવી લાગે. અને જેનું અંતર સત્ત્વથી વાસિત થયું હોય તેને આ જ્ઞાન સારું લાગે છે. વૃત્તિના વેગ લાગે ત્યારે હૈયું ધગી જાય છે. માટે શાંતિ રાખે તો વૃત્તિયુંમાં સુખ રહે ને વાસિત થાય ત્યારે દહાડે દહાડે વાતુ સમાસ કરતી જાય. રૂડાભક્તના દીકરે લીંબડો પીધો તે જ્યાં બેસે ત્યાં લીંબડો જ ગંધાય ને અફીણવાળા પાસે અફીણ ગંધાય, તેમ જ્ઞાનનું થાય ત્યારે વાસિત જાણવું.
કથામાં ને વાતુમાં ઊંઘ આવે છે, તે શું જે, આપણે શ્રદ્ધા નથી. જેમ ધારણું ગણે છે ને માપારો દાણા ભરે છે ૧ ને ભૂખ્યો ને તરસ્યો સાંજ સુધી ખળામાં રહે છે તેવી લગની આપણે ભગવાન ભજવામાં નથી. (૩૩) ૧. કપાસ કે ગોળ જોખતી વખતે કાંટા પર ઉભેલ માણસ ધારણ ગણે તે વારે વારે બોલ્યા કરે. એ જ રીતે દાણાનો માપનારો માપ ગણે.
જીવનો સ્વભાવ એવો છે જે, કાંઈ રમૂજ હોય કે નવીન જેવું હોય તે સાંભળ્યામાં ને જોવામાં પ્રીતિ વર્તે. ને નગરમાં કોઈક જનાવર આવ્યું તે વીસ વીસ ગાઉથી માણસ જોવા આવ્યાં ને આ ગામમાં ગેંડું આવ્યું છે તેને જોવા માણસ ઊભા જ છે. ડાહ્યા હોય તેને ભગવાનના જન્મકર્મ ગાઈને જ દિવસ કાઢવા. કથાવાર્તા વિના તો ભગવાનમાં જોડાતો જોડાતો વિષયમાં જોડાઈ જાય એવો જીવનો સ્વભાવ છે.
સત્સંગ આટલો વાતેથી થયો છે. એમ મહારાજે વાતુ કરવાનું પ્રતિપાદન કર્યું. તે દિવસથી અમે પ્રગટ પ્રમાણ મહારાજના સ્વરૂપના મહિમાની વાતો કરીએ છીએ. તે મહારાજે રહ્યા ત્યાં સુધી વાતુ જ કરી છે અને અમે પણ મહારાજની મરજી પ્રમાણે વાતુ કર્યા કરીએ છીએ. તે અમે એટલું બોલ્યા છીએ તે લખનાર હોય તો આ પૃથ્વી ને આકાશ બધે ભરાઈ જાય એટલા શબ્દ બોલ્યા છીએ. પણ સાંભળનાર જેવો પાત્ર તે પ્રમાણે ગ્રહણ કરે છે.
મહાત્મ્યે સહિત નિશ્ચયવાળાથી શું ન થાય? જે ભગવાન કે સંત બતાવે તે થાય એવી આ વાતું છે. બાદશાહ્યું પડતી મૂકીને સાંભળ્યા જેવી છે. પારસમણિ ને ચિંતામણિની ખાણો પડતી મૂકીને સાંભળ્યા જેવી છે. બાયડી-છોકરાં રઝળાવીને સાંભળ્યા જેવી છે. માગી ખાઈને, વાયુ ભરખીને સાંભળ્યા જેવી છે! આ ‘વચનામૃત’ પ્રમાણે વર્તતા હોય તેને મહારાજ પોતાના ધામમાં બળાત્કારે લઈ જાય. માટે આપણે એ મારગે ચાલવું.