ભક્તિ ધર્મ સુત શ્રીહરિ, સહજાનંદ સુખરૂપ। વિનય સહિત વંદન કરું, પાવન પરમ અનુપ॥ ચિંતવિ ચરણનખચંદ છટા, લખી ઉર અમિત પ્રતાપ। વંદું વિઘ્ન વિનાશકર, હરણ વિપત અણમાપ॥ સ્વામિનારાયણ સુખદ, પ્રગટ વિદિત જગસૂર। ત્રિવિધ તાપ અજ્ઞાન તમ, કળિમળ મત કર ચૂર॥
Nishkulanand Swami
પ્રકારઃ ૧
આપો વાણી રસભરી, વિમળ મતિ અવિનાશ। ચરણ વંદી આદર કરું, પુરુષોત્તમપ્રકાશ॥
રચું ગ્રંથ પ્રગટ ગુણ જુક્ત રે, કૃપા કરો હરિજન મુક્ત રે। આ ગ્રંથ પ્રગટ પર જાણી રે, લેજ્યો પ્રગટ મહિમા ઉર આણી રે॥ નામ પુરુષોત્તમપ્રકાશ રે, પુરુષોત્તમ મહિમા નિવાસ રે। પુરુષોત્તમ પરમ દયાળ રે, તે જ ભક્તિધર્મના બાળ રે॥
એ છે દિવ્ય સદા સાકાર રે, એના મહિમાનો વાર ન પાર રે। નવ પો’ચે મન વાણી વિચાર રે, એવા અગમ શ્રી ધર્મકુમાર રે॥ જેને નિગમ નેતિ નેતિ કહે રે, અલ્પ બુદ્ધિ પાર કેમ લહે રે। એના ચરણકમળ પરતાપ રે, કરું કંઈક અમાપનો માપ રે॥ લખું દિશમાત્ર તે વિચારી રે, કૃપા કરજ્યો સંત સુખકારી રે। જ્યાં રે’ છે સદા સુખકારી રે, વર્ણવું ધામ તે મૂર્તિ સંભારી રે॥
શ્રીગોલોક ધામ મોઝાર રે, અક્ષરધામ છે હરિનું સાર રે। કોટિ રવિ શશિ તડિત અનળ રે, તેમના તેજથી અતિ નિર્મળ રે॥
એ છે પરમ દિવ્ય અતિ શ્વેત રે, સચ્ચિદાનંદ રૂપનિકેત રે। જેને બ્રહ્મપુર કહે અમૃતધામ રે, પરમપદ આદિ અનંત નામ રે॥ જેને કે’ છે બ્રહ્મ ચિદાકાશ રે, એમાં સદાય શ્રીહરિનો વાસ રે। એ શ્રીકૃષ્ણનું અક્ષરધામ રે, પરમ પાવન પૂરણકામ રે॥
એમાં સદાય શ્રીહરિ વિરાજે રે, નીરખી કોટિ કામછબી લાજે રે। એ છે પુરુષોત્તમ અધિરાય રે, વાસુદેવ નારાયણ કે’વાય રે॥ પરમાત્મા પરબ્રહ્મ નામ રે, બ્રહ્મ ઈશ્વર પરમેશ્વર શ્યામ રે। કહે વિષ્ણુ વૈકુંઠપતિ સ્વામી રે, એ છે અનંત નામના નામી રે॥ એ છે અક્ષરપર અવિનાશ રે, સર્વકર્તા નિયંતા નિવાસ રે। કારણકારણ કળા વિકાશ રે, અંતરજામી નિર્ગુણ સ્વયંપ્રકાશ રે॥
એ છે સ્વતંત્ર સર્વાધાર રે, એવા ભક્તિધર્મના કુમાર રે। અનંત કોટિ મુક્ત બ્રહ્મરૂપ રે, તેમને ઊપાસ્યા યોગ્ય અનુપ રે॥
અનંત કોટિ બ્રહ્માંડની જેહ રે, ઊત્પત્તિ સ્થિતિ લય કહિએ તેહ રે। એવી લીલા જેની અતિ સાર રે, એવા ધર્મકુંવર કિરતાર રે॥ માયા પુરુષ કૃતાંત અનાદિ રે, પ્રધાનપુરુષ મહત્તત્ત્વ આદિ રે। એ આદિ અનંત શક્તિધાર રે, એના પ્રેરક ધર્મકુમાર રે॥
અનંત કોટી બ્રહ્માંડના જેહ રે, સ્વામી રાજાધિરાજ છે તેહ રે। સદા કિશોર મૂર્તિ શોભાધામ રે, પરમ પાવન પૂરણકામ રે॥ દેખી કોટિ રતિપતિ લાજે રે, મેઘ નવીન શ્યામ છબી છાજે રે। ભક્તવત્સલ મહા ભયહારી રે, એવા ધર્મકુંવર સુખકારી રે॥
પ્રકારઃ ૨
સુંદર મૂર્તિ શ્રીહરિ, લાવણ્યતાનું ધામ। દયા સુધા પૂરિત નયન, નટવર છબી ઘનશ્યામ॥
શોભા કીરતિ ઊદારતા, અનંત ભુવનની આય। ઉમંગ ભરિ ઊદે થઈ, નવ નીરદ તનમાંય॥ નવ રસ નવ મૂર્તિ ધરિ, આણી અનુપમ હેત। સજલ જલદ શ્યામ તનુ, મન કર્મ કર્યું નિકેત॥
વસ્યા વાસ જુક્તે કરિ, નવ રસ નવે પ્રકાર। ભ્રકુટિ નેત્ર મુખહાસ ગતિ, ઉર તન બાહુ ઊદાર॥ નવરસને જાણી નિજ દાસ રે, આપ્યો નિજ તનમાંહી નિવાસ રે। રુદ્ર વીર ભયાનક તીન રે, વસે ભ્રકુટિમાંહી પ્રવિન રે॥ રસ શૃંગાર વસે તનમાંઈ રે, કરુણા શાંતિ નેણે સુખદાઈ રે। રસ હાસ્ય ને અદ્ભુત કા’વે રે, હરે ચિત્ત હરિ હેતે બોલાવે રે॥
રસ વિષે અસુર રહ્યા મોઈ રે, હરિનાં દિવ્ય ચરિત્રને જોઈ રે। એમ રસને અમિત અલંકાર રે, ધર્યા નિજ ઇચ્છાએ અપાર રે॥
રસ અલંકાર તે વિનાય રે, હરિનું રમણીય રૂપ સદાય રે। દિવ્ય અમાયિક અભિરામ રે, હરિનું રૂપ સદા છબીધામ રે॥ કરે ગ્રણ જ્યારે કિરતાર રે, શોભા પામે રસ ને અલંકાર રે। વસ્ત્ર ભૂષણ વાહન જેહ રે, કરે ગ્રહણ શોભે ત્યારે તેહ રે॥
સદા પૂરણકામ મોરાર રે, કરે ભક્ત ભાવે અંગીકાર રે। ઉપમા અલંકાર દેવાની રીત રે, ભક્તભાવ જણાયે પ્રીત રે॥ કોટિ કામતણી છબી છાજે રે, હરિનું હસવું જરા જોઈ લાજે રે। હરિનાં દિવ્ય વસ્ત્રને જોઈ રે, લાજે તડિત ચામીકર દોઈ રે॥ હરિનાં અમૂલ્ય આભૂષણ જોઈ રે, રહ્યા સુરનર મુનિમન મોઈ રે। કરણે કુંડળ મકરાકાર રે, મહા તેજ તણો અંબાર રે॥
નીરખી લાજ પામ્યા વારમવાર રે, વસ્યા રવિ શશી ગગન મોઝાર રે। શોભાસાગર શોભાના ધામ રે, ભક્તવત્સલ દીનબંધુ નામ રે॥
રસરૂપ ગુણાકર દેવ રે, મહામુક્ત કરે જેની સેવ રે। સર્વ સુખમય મૂર્તિને જાણી રે, મહામુક્ત ધારે ઉર આણી રે॥ જોઈ રૂપછટા સુખદાઈ રે, રમા રાધા કરે સેવકાઈ રે। તજી ચંચળતા રમા પ્યારી રે, સેવે સ્થિર થઈ સુકુમારી રે॥
શું હું વર્ણવું રસના એક રે, અલ્પ બુદ્ધિ વિચાર વિવેક રે। સહસ્રવદન પાર નહિ પાવે રે, શુક નારદ નિગમ નિત્ય ગાવે રે॥ એવા કૃષ્ણ કમળદલ નેણ રે, મુખ મધુર મનોહર વેણ રે। અઘમોચન લોચન વિશાળ રે, કૃપાસિંધુ શ્રીકૃષ્ણ કૃપાળ રે॥ ચાલે સુંદર ગજગતી ચાલ રે, લાજે નિરખીને રાજમરાલ રે। કર લટકાં જોઈને જન રે, પામે આનંદ સ્થિર થાય મન રે॥
એવા દિવ્ય વિગ્રહ દીનાનાથ રે, ભેટે મુક્ત મુનિને ભરિ બાથ રે। સદા પ્રસન્ન પ્રપન્ન પ્રતિપાળ રે, કરે ચરિત્ર દીનદયાળ રે॥
વા’લો અક્ષરધામના ધામી રે, અસંખ્ય મુક્તતણા એક સ્વામી રે। સદા સ્વતંત્ર સ્વરાટ વિરાજે રે, સર્વોપરિ શ્રીહરિ છાજે રે॥
પ્રકારઃ ૩
શોભા સાગર સુખ સદન, રમા રમણ ઘનશ્યામ। કંદર્પદર્પ વિમોચન, પરમ પુરુષ અભિરામ॥ રાજત મસ્તક દિવ્ય અતિ, કિરીટ મુગટ કમનીય। અતિ ચતુરાઈએ જુક્ત છે, શોભા સરસ બનીય॥ નાના રત્ન વૈદૂર્ય મણિ, કૌસ્તુભ સ્ફટિક પીત। ઇન્દ્રનીલ મરકતમણિ, મણિગણ કણ અગણિત॥
ગજમોતી ઘણા છીપસુત, પન્ના પિરોજા લાલ। વર પોખર માણિક મધ્યે, કંચન જડીત પ્રવાલ॥
એવી શોભા મુગટની જોઈ રે, રહ્યાં મુક્ત તણાં મન મોઈ રે। એવો મુગટ ધર્યો છે માથ રે, રૂડા શોભે છે મુક્તોના નાથ રે॥ કર્યું કેસર તિલક ભાલ રે, વચ્ચે કુંકુમ ચંદ્રક લાલ રે। શોભે અધર અરુણ પ્રવાલ રે, મૃગમદની ટીબકડી છે ગાલ રે॥
શરદઋતુતણું જે કમળ રે, પરમ પુનિત અરુણ અમળ રે। તેની પાંખડી સરખાં શોભિત રે, અણિયાળાં લોચન ચોરે ચિત્ત રે॥ નેણે વરષે અમૃત અવિનાશ રે, કરે પાન નિત્યે નિજદાસ રે। નીરખી નેણાં તૃપ્ત ન થાય રે, તેમને કલ્પ પલક સમ જાય રે॥ શોભે ગલુબંધ કૌસ્તુભ મણિ રે, શોભા સરસ જોયા જેવી બણી રે। રૂડું સરસ સુગંધિમાન રે, એવું શીતળ ચંદન ગુણવાન રે॥
તેણે ચરચ્યાં છે સર્વે અંગ રે, નીરખી લાજે કોટિ અનંગ રે। એવી શોભાને ધરતા શ્યામ રે, પુરુષોત્તમ પૂરણકામ રે॥
આજાનુ ભુજા અભિરામ રે, બાંધ્યા બાજુ શોભે સુખધામ રે। મણિ નંગ જડિત બાજુ રાજે રે, જોઈ કોટી રવિ શશી લાજે રે॥ કર પોંચી કનક કડાં શોભે રે, વેઢ વીંટી જોઈ મન લોભે રે। ઉર ઊતરી મોતીની માળા રે, શોભે રાજીવનેણ રૂપાળા રે॥
જોઈ શોભા અંગોઅંગ તણી રે, થયો મૂર્છિત રતિનો ધણી રે। મલ્લિકા માલતી રાય વેલી રે, જાઈ જૂઈ ને ચંપા ચમેલી રે॥ કુંદ કેતકી બકુલ ને નૂત રે, પોપ પારિજાત પ્રસુત રે। નવ કંજ કેસર સેવતી રે, ગુલછવી ગુલદાવદી અતિ રે॥ એવાં પુષ્પ સુગંધી સાર રે, ગણતાં ન આવે વાર ને પાર રે। એનાં ભૂષણ રચિ અતિ ભારી રે, પૂજે રાધા રમા સુકુમારી રે॥
એવી શોભાને ધરતા દયાળ રે, શોભે ભક્તતણા પ્રતિપાળ રે। ગ્રહી કર વર વેણુ મુરારી રે, ધરી અધર મધુર સ્વરકારી રે॥
કરે મધુરે મધુરે સ્વર ગાન રે, સુણી શ્રવણ છૂટ્યાં મુનિધ્યાન રે। સપ્ત સ્વર સરસ ત્રણ ગ્રામ રે, એકવીસ મૂર્છના વિશ્રામ રે॥ તાલ કાળ માન ગતિ જાણી રે, બાવીશ સુરતિના ભેદ આણી રે। આરોહી અવરોહી લે છે રે, અસ્તાઈ સચાઈ કે’ છે રે॥
છો રાગ ને બત્રીશ રાગણી રે, છત્રીશ કે’ છે કવિ ભણી રે। તેના નામ રીતુ સ્વર તાલ રે, વસ્ત્ર ભૂષણ રૂપ રસાલ રે॥ એમ વેણુમાં ગાયે વિહારી રે, સુખ આપે છે શ્રી ગિરિધારિ રે। એમ ગોપ ગોપીના નાથ રે, શ્રીદામાદિ સખા છે સાથ રે॥
પ્રકારઃ ૪
ચક્ર સુદરશન આદિ જે, આયુધ મૂર્તિમાન। દિવ્ય દેહે સેવે સદા, પ્રભુપદ પરમ સુજાન॥
નંદ સુનંદ શ્રીદામવર, શક્રભાનુ શશીભાન। એ આદિક અસંખ્ય ગણ, રૂપ ગુણ શીલવાન॥ સેવત પ્રભુપદ પ્રીત કરી, પાર્ષદ પરમ પ્રવિર। રાજત સદા સમીપમાં, મહા સુભટ રણધીર॥
કોટિ ચંદ્ર રવિ સમ દ્યુતિ, નવ નીરદ તનમાંય। નીરખી નાથ શોભાનિધિ, આનંદ ઉર ન સમાય॥ અનંતકોટિ કલ્યાણકારી ગુણ રે, તેણે જુક્ત છે મૂરતિ તરુણ રે। ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય આદિ રે, નવ નિધિ સિદ્ધિ અણિમાદિ રે॥ એ આદિક ઐશ્વર્ય અપાર રે, સેવે પ્રભુપદ કરી પ્યાર રે। મૂર્તિમાન વેદ ચ્યારે ગાય રે, હરિનાં ચરિત્ર કીર્તિ મહિમાય રે॥
વાસુદેવાદિ વ્યૂહ અનુપ રે, કેશવાદિક ચોવીશ રૂપ રે। વારાહાદિક બહુ અવતાર રે, એ સર્વના હરિ ધરનાર રે॥
એવા શ્રીહરિકૃષ્ણ ભગવાન રે, પુરુષોત્તમ કૃપાનિધાન રે। આ જે ઐશ્વર્ય સર્વે કે’વાય રે, તેણે જુક્ત થકા હરિરાય રે॥ ભૂવિ પર એકાંતિક ધર્મ રે, તેને પ્રવર્તાવવો એ છે મર્મ રે। બદરિકાશ્રમને માંઈ રે, થયો શાપ અતિ દુઃખદાઈ રે॥
ઋષિ દુર્વાસાને શાપે કરી રે, ભૂવિ પ્રગટ્યા મનુષ્ય તનુ ધરી રે। નિજ એકાંતિક ભક્ત જાણી રે, ભક્તિ ધર્મ ઉપર હેત આણી રે॥ વળિ મરિચ્યાદિક ઋષિરાજ રે, હરિના એકાંતિક ભક્ત સમાજ રે। અસુરગુરુ નૃપ થકી ભારી રે, તેમની રક્ષા કરવાને મુરારી રે॥ ભક્તિ ધર્માદિકને દયાળ રે, સુખ આપવા પરમ કૃપાળ રે। નિજ પ્રબળ પ્રતાપે કરિ રે, અસુર ગુરુ નૃપનો મદ હરી રે॥
એમનો નાશ કરવાને કાજ રે, શસ્ત્ર ધાર્યાં વિના મહારાજ રે। કરવા નાશ તે સર્વ ઊપાય રે, નિજબુદ્ધિ બળે મુક્તરાય રે॥
ગ્રહી કળિબળને વારંવાર રે, પામ્યો અધર્મ વૃદ્ધિ અપાર રે। તેનો કરવા અતિશે નાશ રે, કરવા સુખિયા સર્વે નિજદાસ રે॥ નિજ દર્શ સ્પર્શાદિકે કરી રે, વળી રચી વચનરૂપ પતરી રે। કરવા અનેક જીવનો ઉદ્ધાર રે, ઇચ્છા કરી ધરવા અવતાર રે॥
નિજધામ પમાડવા સારુ રે, દેવા અખંડ સુખ ઉદારું રે। ઉર ધારી અચળ એવી ટેક રે, એવા પરમ દયાળ છે એક રે॥ કરવા કરુણા કળિ મધ્યે ભારી રે, દીનબંધુ દયા દિલ ધારી રે। મોટો અર્થ વિચાર્યો છે એહ રે, કરવા અભય નારી નર તેહ રે॥ એમ પૂર્ણ પુરુષોત્તમરાય રે, દિધો કોલ વૃંદાવનમાંય રે। ભક્તિ ધર્મને આપ્યું વચન રે, સત્ય કીધું તે જગજીવન રે॥
કોશલ દેશ અયોધ્યા પ્રાંત રે, પ્રભુ પ્રગટ થયા કરી ખાંત રે। ધર્યો નર વિગ્રહ સ્વછંદ રે, પરમ પાવન પરમાનંદ રે॥
શ્રીનારાયણ ઋષિરૂપ રે, થયા પ્રગટ તે પરમ અનુપ રે। થયા ભક્તિ ધર્મના બાળ રે, શ્રીકૃષ્ણ ભક્તપ્રતિપાળ રે॥
પ્રકારઃ ૫
ભક્તિ ધર્મને ભુવને, થયા પ્રકટ પૂરણ બ્રહ્મ। આપ ઇચ્છાએ આવિયા, જેને નેતિ કહે નિગમ॥ સુંદર દેશ સરવારમાં, છપૈયા છબીનું ધામ। તિયાં પ્રભુજી પ્રગટ્યા, પુરુષોત્તમ પૂરણકામ॥
સંવત અઢાર સાડત્રીશના, ચૈત્ર શુદિ નવમીને દિન। તે દિન જીવન જનમ્યા, ભક્તભયહારી ભગવન॥ વસંત ઋતુ વિરોધી સંવત્સર, ઊત્તરાયણ અર્ક અનુપ। શુક્લ પક્ષ પુષ્ય નક્ષત્રે, સોમવાર તે સુખરૂપ॥ વૃશ્ચિકલગ્ન ને કૌલવકરણ રે, યોગ શુક્રમાં દુઃખ હરણ રે। દશ ઘડી રૂડી રાત્ય જાતાં રે, સુખ સેજમાં સુતાં’તાં માતા રે॥
તે સમે પ્રગટ્યા મહારાજ રે, કરવા અનેક જીવનાં કાજ રે। વ્યોમે વિબુધ વાજા બજાવી રે, કરે દર્શન વિમાન લાવી રે॥
સુરવનિતા ગાય વધાઈ રે, અતિ મોદ ભરી મનમાંઈ રે। મંદ સુગંધ શીતળ વાય રે, વાયુ સુંદર જન સુખદાય રે॥ સ્વર્ગ શોભી રહ્યું છે અપાર રે, થાય જય જય શબ્દ ઉચ્ચાર રે। કરે પુષ્પ વૃષ્ટિ પુરંદર રે, વર્ષે સુગંધી સુમન સુંદર રે॥
તાંડવ નૃત્યે ત્રોડે શિવ તાન રે, ગાયે ગાંધર્વ અપ્સરા ગાન રે। થયા નિર્ધૂમ યજ્ઞ હુતાશન રે, હવાં નિર્મળ જનનાં મન રે॥ એમ અમર પામ્યા આનંદ રે, તેમ ભૂમિ મગન જનવૃંદ રે। ગાય ઘરઘર મંગળ વધાઈ રે, હરષ ભરી માનિની મનમાંઈ રે॥ રહ્યો ચૌદિશે આનંદ છાઈ રે, પ્રભુ પધારિયા ભૂમિમાંઈ રે। કરવા કોટિ કોટિનાં કલ્યાણ રે, પોતે પધાર્યા પરમ સુજાણ રે॥
માત તાત પામ્યાં છે આનંદ રે, જોઈ પુત્ર તે પૂરણ ચંદ રે। મનોહર મૂર્તિ મરમાળી રે, થાયે મન મગન જન ભાળી રે॥
જે જે જુવે છે નયણાં ભરીને રે, તેનાં મન ચિત્ત લે છે હરીને રે। મુખ મૃગાંકસમ સુખ દેણ રે, શોભે કર ચરણ ચારુ નેણ રે॥ અંગોઅંગ શોભા છે અનુપ રે, નખશિખ છબી સુખરૂપ રે। જોઈ સફળ કરે જન જન્મ રે, એવી રૂપાળી મૂર્તિ છે રમ્ય રે॥
જુવે હેતે જે જન હુલસી રે, તેના અંતરમાં જાયે વસી રે। પછી વિસાર્યા પણ ન વિસરે રે, સુતાં બેઠાં સદાયે સાંભરે રે॥ એવી મૂર્તિ આજ અલૌકિક રે, ધરી બહુની ટાળવા બીક રે। સહુ ભક્તજનને સુખ દેવા રે, આપે અક્ષરપતિ થયા એવા રે॥ દિન દિન પ્રત્યે જો દયાળ રે, વધે નિત્ય ચંદ્ર જેમ બાળ રે। મુખહાસે જુક્ત છે હમેશ રે, બહુ શોભે છે બાલુડે વેષ રે॥
રુવે નહિ રાજી રહે ઘણું રે, તેણે મન હરે છે સહુતણું રે। સુખમય મૂર્તિ મહારાજ રે, આવ્યા સૌને સુખ દેવા કાજ રે॥
મોટે ભાગ્યે આવ્યા ભગવાન રે, દેવા સૌ જનને અભેદાન રે। જેમ આવ્યા છે ધામથી ધારી રે, તેમ તારશે નર ને નારી રે॥ સહુ જનને કરવા છે સુખી રે, નથી રાખવા કોઈને દુઃખી રે। સહુ જીવની લેવી છે સંભાળ રે, એહ અર્થે આવ્યા છે દયાળ રે॥
પ્રકારઃ ૬
જનમી જનક જનની ઘરે, રહ્યા દયા કરી કાંઈક દન। રમ્યા જમ્યા રૂડિ રીત્યશું, ભક્તિ ધર્મને ભવન॥ ત્યાં બાળચરિત્ર બહુ કર્યાં, પછી આઠમે વર્ષે આપ। પિતા થકી તે પામિયા, ઉપવીત અતિ નિષ્પાપ॥ ત્રણ વર્ષ તપાસીને રહ્યા, તાત ભવન શ્રી અવિનાશ। પછી પ્રભુજી પધારિયા, જઈ કર્યો વનમાંહી વાસ॥
સાત વરષ વન વેઠિયું, વળતો વાલમે કર્યો વિચાર। જે અર્થે આ અવતાર છે, તે કરું હવે નિરધાર॥
પછી જોગી ગોપાળને મળી રે, કરી એની ઇચ્છા પૂરી વળી રે। મળ્યા પ્રભુજી પૂરણ કામ રે, તજી તન ગયા અક્ષરધામ રે॥ પછી નવલખે પર્વત પધાર્યા રે, બહુ જોગીને મુદ વધાર્યા રે। જોગી નવ લાખ જોઈ જીવન રે, થયા નાથ નીરખીને મગન રે॥
તે પણ તન તજી નિરધાર રે, અવધે ગયા અક્ષર મોઝાર રે। એમ જીવ ઉદ્ધારવા કાજ રે, ફરે હદ્ય બેહદ્ય મહારાજ રે॥ જે જે જીવ આવે છે નજરે રે, તેને ધામના નિવાસી કરે રે। દરશે સ્પરશે કોઈ દેહધારી રે, થાય અક્ષરના અધિકારી રે॥ નર અમર ને જે અસુર રે, પામે પ્રભુ પેખે બ્રહ્મપુર રે। એમ જીવ જક્તના જેહ રે, પામે અક્ષરધામને તેહ રે॥
તીર્થ શહેર પુર નગ્ર ગ્રામ રે, ફર્યા જે જે ધરણી પર ધામ રે। ત્યાં ત્યાં જેણે નિરખ્યા ઘનશ્યામ રે, તે તે પામિયા અક્ષરધામ રે॥
ગિરિ ગુફામાં જે ગેબ હતા રે, કંઈ સમુદ્ર તટ સેવતા રે। તેનું કર્યું છે પરમ કલ્યાણ રે, પોતે મળી પ્રગટ પ્રમાણ રે॥ નિજ મૂર્તિ પ્રતાપે મહારાજ રે, કર્યાં અનેક જીવનાં કાજ રે। એમ ઉદ્ધારતા બહુ જન રે, આવ્યા સોરઠમાં ભગવન રે॥
સોરઠ દેશે સોયામણું ગામ રે, મન લોભે શોભે લોજ નામ રે। તિયાં અલબેલો આવી રહ્યા રે, કરી બહુ જીવ પર દયા રે॥ એમ પધારિયા પ્રાણનાથ રે, પછી સંભારિયો મુક્ત સાથ રે। કરી સૂરત્ય ને જોયા સંભાળી રે, મુનિ મુક્તની મંડળી રૂપાળી રે॥ જ્યારે નાથે કર્યું ચિંતવન રે, આવ્યા જ્યાં હતા ત્યાંથી જન રે। આવી મળ્યા મહારાજ સંગ રે, મુક્તમંડળ અતિ ઉછરંગ રે॥
લાવ્યા પાયે જોડી જુગ પાણ રે, બોલ્યા વિનતિ કરી મુખ વાણ રે। આવ્યાં હર્ષનાં નયણે નીર રે, જોઈ બોલિયા શ્યામ સુધીર રે॥
મુનિ સર્વે સુખી છો તમે રે, તમે મળે રાજી થયા અમે રે। પછી મરીચ્યાદિ મુનિ સાથ રે, રહ્યા પ્રભુ પાસે જોડી હાથ રે॥ પછી મુનિ કહે મહારાજ રે, જેમ કો’ તેમ કરિએ આજ રે। ત્યારે નાથ કે’ તારવા જંત રે, દેશોદેશ ફરો બુદ્ધિવંત રે॥
અહિંસાદિક નિયમ પળાવો રે, જન્મ મર્ણનાં ખાતાં વળાવો રે। વળિ અન્ન જળ દેશે જે તમને રે, તે સહુ પ્રાણી પામશે અમને રે॥ દરશ સ્પરશ કરી પડશે પાય રે, તેની જરૂર કરીશ હું સા’ય રે। તમારા ને મારા જે મળેલ રે, તેને થાશે કહું બહુ સે’લ રે॥
પ્રકારઃ ૭
વળતાં મુનિ બોલિયા, શું શું ધરાવિએ વ્રતમાન। કયી પેર્યે ભજન કરાવીએ, કયી પેર્યે ધરાવીએ ધ્યાન॥
કેવિ રીતે અમે વરતીએ, કેવો રાખીએ વળી વેષ। કેવી રીતે વાત કરીએ, કેવો આપીએ ઉપદેશ॥ જગમાં જે જિજ્ઞાસુ જન, નર નારી હશે અપાર। કે’શું નરને કલ્યાણનું, નહિ કહિએ નારીને નિરધાર॥
મુક્ત ને માનિની મળી, વળી કરે પરસ્પર વાત। દર્શ સ્પર્શ દારા હાસ્યથી, થાય નરને જ્ઞાનની ઘાત॥ માટે નર આગે નિરધાર રે, કે’શું વાત કરી અતિ પ્યાર રે। પુરુષ પ્રમોદશું બહુ પેર રે, ફરી દેશો દેશ ગ્રામ શહેર રે॥ રૂડો રહસ્ય પુરુષને કે’શું રે, દારા સંગ થકી દૂર રે’શું રે। આજ મોર્યની અમે સાંભળી રે, ખાધી મોટે મોટે ખોટ વળી રે॥
બ્રહ્મા ભૂલ્યા તનયાતન જોઈ રે, તેણે ખરી લાજ વળી ખોઈ રે। શિવ મોહિની જોઈ મન મોહ્યું રે, તેણે જોગકળા બળ ખોયું રે॥
ઈંદ્ર અહલ્યા રૂપ નિહાળી રે, થયો ભ્રષ્ટ હતો ભાગ્યશાળી રે। જોઈ મોહિની રૂપને અસુર રે, નેણે વેણે થયા ચકચૂર રે॥ પરાશર ઋષિ તપોધન રે, મોહ્યા મત્સ્યગંધા જોઈ મન રે। એકલશ્રૃંગી વસે વનમાંઈ રે, જેને ભામિની ભાન ન કાંઈ રે॥
દેખી સુંદરીને દિલે ડૂલ્યા રે, જેણે જ્ઞાન ધ્યાન નિ’મ ભૂલ્યા રે। ઋષિ સૌભરી સફરી સંગ રે, જોઈ તર્ત વ્રત કર્યું ભંગ રે॥ નારદ પર્વતે નીરખી સુંદરી રે, ઇચ્છા બેઉએ વરવા કરી રે। દેવગુરુ ભૂલ્યા દિશ પોતે રે, નિજ અનુજવધૂ રૂપ જોતે રે॥ યયાતિ સુંદરી સુખ આશ રે, માગ્યું જોબન પુત્રને પાસ રે। આગ્નિધ્ર ને દીર્ઘતમા જેવા રે, એહ આદિ બીજા કંઈ એવા રે॥
નર અમર નારીને સંગે રે, કોય રહ્યા નહિ શુદ્ધ અંગે રે। જોગી જતિ તપસી સંન્યાસી રે, વનવાસી નિરાશી ઊદાસી રે॥
ડાહ્યા શાણા ચતુર સુજાણ રે, કવિ કોવિદ નારીના વેચાણ રે। ભટ પંડિત પ્રવીણ પુરાણી રે, જેની સુધા સમાન છે વાણી રે॥ હોય જશ જગતમાં જેનો રે, નારી ન મળી ત્યાં લગી તેનો રે ઋષીશ્વર મુનીશ્વર મને રે, ડરી વનિતાથી વસે વને રે॥
જાણે એનો સંગ છે એવો રે, ભારે હેડ્યબેડી બન્ધ જેવો રે। માટે એથી ઉગારી લેજો રે, બીજું કેવું ઘટે તે સુખે કે’જો રે॥ નથી એવું કઠણ કાંઈ કામ રે, તમે કો’ને ન થાય ઘનશ્યામ રે। જે જે કહો તે તે અમે કરીયે રે, સર્વે વચન શીશ પર ધરિયે રે॥ તન મનના સુખને ત્યાગી રે, રે’શું વચનમાં અનુરાગી રે। જેહ અર્થે મોકલ્યા છે આંઈ રે, તેમાં કસર ન રાખીએ કાંઈ રે॥
પણ અરજી કરી તમને અમે રે, દિલ ધારજો દીનબંધુ તમે રે। અમે કહ્યો તે અમારો આશે રે, મારા પ્રાણપતિ તમ પાસે રે॥
એમ બોલ્યા મુનિ સહુ મળી રે, લીધું સર્વે પ્રભુએ સાંભળી રે। પછી હસી બોલ્યા અવિનાશ રે, ધન્ય નિરમોહી મારા દાસ રે॥
પ્રકારઃ ૮
શ્રીહરિ ક’ સંત સાંભળો, એવો કરવો નથી ઉપાય। જેણે કરીને જક્તનું, બંધન તમને થાય॥ એવી રીતને રાખશું, જેહ રહ્યા ન રે’શે કોય। શાસ્ત્રમાં પણ શોધતાં, કિયાં હોય કે વળી નો’ય॥
જેમ અલૌકિક અવતાર છે, તેમ કાઢું અલૌકિક રીત। સહુ ઉપર શિરોમણિ, વળિ ઘણી પરમ પુનિત॥ તે રીત કહું તે હૃદે ધરી, સહુ રહો થઈ સાવધાન। એમ મુનિ મંડળને આગળે, શ્રીમુખે કહે ભગવાન॥ રે’જો પંચ વ્રત પ્રમાણ રે, ધારી વિચારી સહુ સુજાણ રે। પંચ વ્રત છે સહુને પાર રે, નથી એથી બીજું કાંય બા’ર રે॥
જોશો વિધવિધે જો વિચારી રે, ભર્યા અર્થે છે એ અતિ ભારિ રે। તેમાં ધન ને ત્રિયાનો ત્યાગ રે, ઘણો કહ્યો છે કરી વિભાગ રે॥
અષ્ટ પ્રકારે તજવી નારી રે, તેમ ધન તજવું વિચારી રે। કોઈ દેશ કાળ ક્રિયા સંગે રે, એથી અળગું રે’વું અષ્ટ અંગે રે॥ સહુ જાણજો જન એમ પંડ્યે રે, ધન ત્રિયા બે નથી બ્રહ્માંડે રે। એમ નક્કી કરી નિરધાર રે, ફરો પરહિતે પૃથવી મોઝાર રે॥
અંગે રાખજો અંબર એટલાં રે, શીત ઉષ્ણ ન પીડે તેટલાં રે। કંથા કૌપીન ને કટીપટ રે, એટલાં તો રાખજો અમટ રે॥ તે પણ જાચીને જીરણ લેજો રે, એવી રીત્યે સહુ મુનિ રે’જો રે। અન્ન માગીને જમજો મધ્યાહ્ને રે, રસે રહિત સહિત જળ પાને રે॥ સર્વે મેળવી ભેળું તે કરી રે, જમજો એક વાર ભાવભરી રે। એમ રહી સહુ મુનિરાય રે, ફરજો દેશ પરદેશને માંય રે॥
કરજો પુરુષ આગળે વાત રે, જેમ છે તેમ વળી સાક્ષાત રે। જ્યારે નિ’મ ધારે જાણો જન રે, કે’જો કરે પ્રગટ ભજન રે॥
ધરે પ્રગટ પ્રભુનું ધ્યાન રે, જેવા ભૂમિયે છે ભગવાન રે। ધરતાં ધ્યાન થાશે પ્રકાશ રે, તેણે મગન થાશે મને દાસ રે॥ આપે દેખશે અક્ષરધામ રે, દેખી માનશે પૂરણકામ રે। એમ અનંત જીવ આશરી રે, જાશે અખંડ ધામે કામ કરી રે॥
તેના સંગી બીજા જે જન રે, કરશે ભાવ કરીને ભજન રે। તે તો પામશે એ ધામ આપ રે, એવો મોટો છે આજ પ્રતાપ રે॥ વળી અન્ન જળ તમને જે દેશે રે, આપી અંબર અક્ષર ઘર લેશે રે। જેહ ધામના અમે રે’નાર રે, લઈ જાશું તે ધામ મોઝાર રે॥ નથી જોવી જીવની કરણી રે, રીત આ વારની દોષ હરણી રે। જ્યારે ભરવું હોય મોટું વા’ણ રે, વો’રે શાલ દાળ્ય લોહ પાષાણ રે॥
જેવો માલ મળે તેવો વો’રે રે, તોયે ઠાલું છે કહી બકોરે રે। એવો આજ મોટો છે અવતાર રે, બહુ જીવ કરવા ભવપાર રે॥
તે તો સર્વે જાણો છો તમે જન રે, સમજી રહો મનમાં મગન રે। નિર્ભય નિઃશંક થૈ સહુ રે’જો રે, વાતો પ્રગલ્ભ મન કરી કે’જો રે॥ એમ મુનિને કહ્યું મહારાજે રે, સુખસાગર ગરીબ નિવાજે રે। આવ્યા લેર્ય મેર્યમાં આ વાર રે, પરમ સનેહી પ્રાણ આધાર રે॥
પ્રકારઃ ૯
પછી મુક્તને આપી આગન્યા, તમે ફરો દેશ પ્રદેશ। જેમ કહ્યું તેમ વર્તજો, રાખજો સાધુનો વેષ॥ પછી મુનિ પરવર્યા, જેમ હાલ્યાં હુડિયાં વા’ણ। ભારે વા’ણને ભરવા, સહુ સજ્જ થયા છે સુજાણ॥ પછી પોતે પ્રભુજીએ, ઉર વિચારિયું એમ। બહુ જીવ જેમ ઉદ્ધરે, મારે કરવું તર્ત તેમ॥
બંધાવું બહુ પેરે કરી, સુંદર સદાવરત। જે જમે અન્ન અમતણું, તે પામે પરમ ગતિ તરત॥
એમ કૈ’ બંધાવ્યાં અન્નક્ષેત્ર રે, જમે જન અન્ન પવિત્ર રે। ઝાઝે હેતે જનને જમાડે રે, કરી વાત આનંદ પમાડે રે॥ સુણી વાત રળિયાત થાય રે, પછી સમજી રહે સત્સંગ માંય રે। એમ સદાવ્રત બાંધ્યાં બહુ રે, તેહ ગામ તણાં નામ કહું રે॥
લોઝ માંગરોલ અગત્રાઈ રે, સદાવ્રત માણાવદ્ર માંઈ રે। મેઘપુર ધોરાજી સાંકળી રે, અન્ન આપે ભાડેરમાં વળી રે॥ જામવાળી ને નવેનગરે રે, બ્રાહ્મણ ભેખ ત્યાં ભોજન કરે રે। ફણેણી ને જાણો જેતપર રે, જમે જન સરધાર સુંદર રે॥ કોટડું ગઢડું કારિયાણી રે, જમી બોલે જે જે જન વાણી રે। માણેકવાડે ને મેથાણ માંઈ રે, જેતલપુર શ્રીનગર ત્યાંઈ રે॥
એહ આદિ ગામે આપે અન્ન રે, જેહ જમે તે થાય પાવન રે। તેણે તજે બીજું ભજે શ્યામ રે, તન મૂકે પામે પર્મ ધામ રે॥
એમ અનેક જીવ ઉદ્ધાર્યા રે, ભય ટાળી ભવજળ તાર્યા રે। તોયે ન માન્યું નાથનું મન રે, કર્યા જન તારવા જગન રે॥ જાણ્યું જગ્નમાં જમશે જે અન્ન રે, જાશે ધામે તે થાશે પાવન રે। એમ જગ્ન કર્યા બહુ જાગે રે, જમ્યા દ્વિજ અતિ અનુરાગે રે॥
ક્ષત્રી વૈશ્ય ને શુદ્ર વળી રે, જમ્યા બહુ જન એ આદિ મળી રે। લેખું ન થાય લાખ હજારે રે, એમ જમાડ્યા જગ આધારે રે॥ જે જે જમ્યા એ જગનનું અન્ન રે, પામ્યા પરમ પ્રાપ્તિ પાવન રે। એમ વે’તી કીધી છે જો વાટ રે, બ્રહ્મમોહોલ માંહી જાવા માટ રે॥ જે જે જીવ પામિયા સંબંધ રે, તેના છોડાવિયા ભવ બંધ રે। આપ પ્રતાપે અક્ષરધામે રે, સહુને પો’ચાડિયા ઘનશ્યામે રે॥
કેના જોયા નહિ ગુહ્ના વાંક રે, એવો આજ વાળ્યો આડો આંક રે। આ સમામાં જેનો અવતાર રે, તેના ભાગ્ય તણો નહિ પાર રે॥
ત્યાગે કરી તપી ખપી જાય રે, તોયે પણ એ ધામે ન જવાય રે। સર્વે પાર છે સુખની સીમા રે, જન સે’જે સે’જે જાય તેમાં રે॥ સે’જે સે’જે આપે છે આનંદ રે, સમરથ સ્વામી સહજાનંદ રે। સિંધુ પર્યંત ભૂમિના વાસી રે, સહુ થયા એ ધામના નિવાસી રે॥
એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપ રે, તેણે ઉદ્ધારિયા જન આપ રે। એવાં કર્યાં અલૌકિક કાજ રે, તોયે રીઝ્યા નહિ મહારાજ રે॥ જાણે હજીયે કાંયે ન કીધું રે, મને સેવીને સુખ ન લીધું રે। પામે સુખ મારી પૂજા કરી રે, અશન વસન ભૂષણે ભાવ ભરી રે॥
પ્રકારઃ ૧૦
પ્રેમે કરીને પૂજા તણી, હરિજને ન પૂરિ હોંશ। સેવી ન શક્યા સ્વામીને, અતિ રહિ ગયો અપશોષ॥ મત્સ્યાદિક મોર્યે ધર્યા, અસંખ્યાત અવતાર। કારજ નિમિત નવાં નવાં, તન ધર્યાં નિરધાર॥ જળ સ્થળમાં જાણજો, અવતાર ધર્યા છે અનેક। સર્વે જીવને સુખ આપવા, હોયે ન હોયે એ એક॥
સેવકને સેવી સુખ લેવું, કેવું થયા પૂરણકામ। એમ ન માન્યું જન મન, ત્યારે પ્રગટિયા ઘનશ્યામ॥
મહા મોટા મત્સ્ય અવતાર રે, પણ રહ્યા જળ મોઝાર રે। માનવીએ તેને ન મળાય રે, વણ મળે અજ્ઞાન ન જાય રે॥ અન્ન જળ અંબર આભૂષણ રે, તેલ ફુલેલ સુગંધી પણ રે। અત્તર ચંદન પુષ્પની માળા રે, તેણે પૂજી શું થયા સુખાળા રે॥
કર્યાં કાંયેક જીવનાં કાજ રે, પછી પધાર્યા ધામ મહારાજ રે। કચ્છ પ્રભુ પણ કૃપા કરી રે, આવ્યા જન અર્થે તન ધરી રે॥ જે અર્થે આવ્યા અવિનાશ રે, કર્યો તે તને તેવો સમાસ રે। બહુ જીવને અર્થ ન આવ્યા રે, આવી દેવ દાનવ સમજાવ્યા રે॥ વપુ વારાહ વાલમ લીધું રે, પૃથ્વીનું તે કાર્ય કીધું રે। તેને પણ બીજાં બહુ મળી રે, સુખ ન લીધું સેવીને વળી રે॥
નૃસિંહ રૂપ ન ઉત્તમ તન રે, ધારી ઉદ્ધારિયા નિજજન રે। પણ ક્રોધે ભર્યા ભયંકાર રે, કેમ સેવી શકે નરનાર રે॥
વામનજીએ વપુને ધારી રે, લીધી પૃથવી પિંડ વધારી રે। બલિ બોલે બાંધ્યો બહુ પેર રે, પછી વર દઈ વસિયા ઘેર રે॥ પરશુરામ રૂપે પ્રગટ થઈ રે, કરી નક્ષત્રી પૃથવી લઈ રે। તેમાં સહુનો ન થયો સમાસ રે, સેવી સુખ ન પામિયા દાસ રે॥
રામરૂપ ધરી થયા રાજ રે, કર્યાં મોટાં મોટાં બહુ કાજ રે। તે તો લખાણાં લાખો ઠેકાણે રે, દેવ દાનવ માનવ જાણે રે॥ પણ દીન દાસ રહી પાસ રે, પૂજી પૂરી કરી નહિ આશ રે। શું આપીને ઓશિંગલ થાય રે, રાંકે રાજાને કેમ પૂજાય રે॥ કૃષ્ણાવતારમાં ક્રીડા કરી રે, બહુ તાર્યા એ અવતાર ધરી રે। તે છે વાત પુરાણે પ્રસિદ્ધ રે, લખી વ્યાસજીએ બહુ વિધ રે॥
દિધા સેવકને સુખ ભારી રે, સેવી સુખ પામ્યાં નર નારી રે। પણ એમના એમ ન રહ્યા રે, પછી રાજાઅધિરાજ થયા રે॥
ત્યારે સહુને મળ્યાનું સુખ રે, ન રહ્યું થયું દાસને દુઃખ રે। બુદ્ધ કલકી બે અવતાર રે, પ્રયોજને પૃથવી મોઝાર રે॥ તે તો કરી લિયે જ્યારે કામ રે, પાછા પધારે પોતાને ધામ રે। એહ આદિ બહુ અવતાર રે, તે તો અવતારીના નિરધાર રે॥
પણ સર્વે રીતે સુખકારી રે, તે તો પુરુષોત્તમ અવતારી રે। તેહ પોતે પધાર્યા છે આજ રે, અક્ષરધામના ધામી મહારાજ રે॥ માટે સર્વે રીતે સેવ્યા જેવા રે, આજ અલબેલો થયા છે એવા રે। સહુ જનની પૂરવા હામ રે, આવ્યા આપે કહું ઘનશ્યામ રે॥
પ્રકારઃ ૧૧
પુરુષોત્તમ પધારિયા, સર્વે અવતારના આધાર। અગણિત જીવ આ જગતના, તે સહુની લેવા સાર॥
સ્થૂળ સૂક્ષ્મ જે જળે સ્થળે, જિયાં જિયાં રહ્યા’તા જન। તિયાં તિયાંથી તારિયા, આવી ભૂમિ પર ભગવન॥ કોઈ પ્રકારનો પ્રાણધારી, પામિયા જે પ્રસંગ। તે સહુ સુખિયા થયા, ગયા અક્ષરે થૈ શુદ્ધ અંગ॥
જેમ અર્કને ઊગવે કરી, રહે નહીં અણુએ અંધાર। તેમ સહજાનંદ સૂર્યથી, જન પામ્યા સુખ અપાર॥ બહુ અવતારના જે દાસ રે, તેની પૂરી કરવાને આશ રે। ધર્યું રૂપ અલૌકિક એવું રે, સહુને પૂજવા સેવવા જેવું રે॥ સહુ લોકને આવિયો લાગ રે, મળ્યો મહાસુખ લેવાનો માગ રે। મત્સ્યાદિકના રહ્યા’તા મુંઝાઈ રે, સેવી સુખ લેવા મનમાંઈ રે॥
તે સહુનું ઊઘાડિયું બાર રે, નાના મોટાનું એક જ વાર રે। લિયો લાવો દાવો ભલો આવ્યો રે, આવ્યો અવસર આજ મન ભાવ્યો રે॥
જેવી સમૃદ્ધિ જેવી સામગરી રે, તેવે પૂજો પ્રસન્ન થાશે હરિ રે। અશન વસન ભૂષણે ભાવ ભરી રે, પૂજો ફળ ફૂલ મૂળ કંદે કરી રે॥ જળ દળ જે જે કાંઈ મળે રે, પૂજો પૂજાશે આજ સઘળે રે। કુંકુમ કસ્તુરી કપૂર કેસર રે, અર્ઘ્ય અગર ચંદન અત્તર રે॥
ધન ધાન્ય વૃક્ષ ને વાહને રે, ગાય ગવા મહિષી સદને રે। વાડી ખેત્ર વસુંધરા વળી રે, સેજ પલંગ પાથરણાં મળી રે॥ ગાદી તકીયા ઓછાડ ઓસીસે રે, જે જે આપશો તે આજ લેશે રે। કમળનાળ ડોડા ડોડી પાન રે, લઈ રાજી થાશે ભગવાન રે॥ દૂધ મધ દહીં મહી વળી રે, ઘી ગોળ શર્કરા ગળી રે। ઇક્ષુદંડ ખાંડ ને ખારેક રે, એહ આદી વસ્તુ જે અનેક રે॥
પાન બીડી લવીંગ સોપારી રે, જાયફળ એલા તજ સારી રે। એહ આદિ જમવાનાં જેહ રે, આવે ઊત્તમ પૂજવામાં તેહ રે॥
જે જે શુદ્ધ વસ્તુ સુખદાઈ રે, તે તે આવે સર્વે સેવામાંઈ રે। એવો આજનો છે અવતાર રે, સહુ જીવને સુખ દેનાર રે॥ હળી મળી પાસે રહીયે રે, પગ પૂજી સ્પર્શી સુખ લૈયે રે। એમ સહુને બહુ સુગમ રે, થયા પોતે તે પૂરણ બ્રહ્મ રે॥
સર્વે અવતારનો જે સંકોચ રે, ભાંગ્યો ભક્તનો ન રાખી પોચ રે। મત્સ્ય કચ્છ વરાહ નરસિંગ રે, તે તો મનુષ્યથી વિજાતિ અંગ રે॥ સજાતિ વિના સુખ ન આવે રે, માટે નરપ્રભુ ભક્તને ભાવે રે। ધરે નરતન હોય નરેશ રે, તોય બહુને ન હોયે ઊપદેશ રે॥ વિપ્ર ક્ષત્રિ ન સાંભળે વાત રે, વૈશ્ય શુદ્ર કરે વાત ઘાત રે। માટે આ જે લીધો અવતાર રે, શોધી સારતણું ઘણું સાર રે॥
સૌને સુગમ અગમ નહિ અણું રે, સર્વે આગમે નિગમે ઘણું રે। થયા એવા પોતે પૂર્ણકામ રે, પૂરી સર્વે જીવની હામ રે॥
તોય વળતું વિચાર્યું છે એમ રે, બહુ જીવ તે ઉદ્ધરે કેમ રે। દઈ દર્શન દોષ નિવારું રે, તેણે પામે પરમ ધામ મારું રે॥
પ્રકારઃ ૧૨
મોટી મે’ર કરી હરિ, પધારિયા પૂરણકામ। અનેક જીવને આપવા, પોતાનું પરમ ધામ॥ દયાનિધિ દયા કરી, જીવ જક્તના ઉપર જોર। તાન એક જીવ તારવા, ધારિ વપુ ધર્મકિશોર॥
અહોનિશ એ ઊપાયમાં, રહ્યા છે રાજ અધિરાજ। અમિતને અભય કરવા, સોંપવા સુખ સમાજ॥ પડતું મેલ્યું પૂજા સ્પર્શનું, દરશનનું રાખ્યું દાન। જે જન નીરખે નાથને, તે પામે સુખ નિદાન॥ એહ અર્થે કરે છે ઊપાય રે, નિત્ય નવા નવા મનમાંય રે। જાણે સૌ જન દર્શન કરે રે, ભાવે અભાવે નામ ઓચરે રે॥
લેતાં સ્વામિનારાયણ નામ રે, થાયે પ્રાણી તે પૂરણકામ રે। લેશે નામ નીરખશે નેણે રે, પરમ પ્રાપ્તિ પામશે તેણે રે॥
માટે મોટા ઉત્સવ સમૈયા રે, કરું જાયે નહિ કેણે કૈ’યા રે। પછી ફૂલદોલ રામનૌમી રે, પ્રબોધની એકાદશી સૌમી રે॥ તે દિ આવે લાખો લેખે જન રે, કરે મહાપ્રભુનાં દરશન રે। જુવે સભા સામું સુખકંદ રે, અમૃતદૃષ્ટિએ આપે આનંદ રે॥
સહુ જન તણા તાપ હરે રે, સુખ શાંતિ અંતરમાં કરે રે। સહુ સુખિયા થઈ જન મને રે, જાય પોત પોતાને ભુવને રે॥ રાત્યદિ સાંભરે સ્વામી સંત રે, તેણે રાજી રહે છે અત્યંત રે। કરતાં એ લીલાનું ચિંતવન રે, તેણે પામે પરમ ધામ જન રે॥ એવા સમૈયા વરસો વરસ રે, કરે એક બીજાથી સરસ રે। તેમાં કૈક પૂજે કૈક સ્પરશે રે, સૌને આનંદના ઘન વરસે રે॥
નિત્ય નવી કરે નાથ લીળા રે, ત્યાગી ગૃહી કરી બહુ ભેળા રે। સંત બટુ સંન્યાસી સમોહ રે, જેને કામ લોભ નહિ મોહ રે॥
જોઈ એવાને જક્તના જન રે, સહુ કે’ છે કરી ધન્ય ધન્ય રે। સંત શ્રીહરિને દરશને રે, પામે મહા મોટો આનંદ મને રે॥ એવા જન જગતમાં જેહ રે, પામ્યા અક્ષરધામને તેહ રે। એવો કર્યો મોટો ઉપકાર રે, બહુ જીવ કરવા ભવપાર રે॥
બંધ થઈ ગયાં બીજાં બાર રે, પરમ પદ પામ્યાં નરનાર રે। જીવ સંયમનીએ શીદ જાય રે, પ્રગટ પ્રભુજી છે પૃથવી માંય રે॥ આજ શક્કો સહજાનંદ તણો રે, બેઠો બળવંત બળિયાનો ઘણો રે। જ્યારે પ્રગટિયા પ્રભુ પોતે રે, જોયા નજરે આવ્યા જીવ જોતે રે॥ સ્વર્ગ મર્ત્યલોક ને પાતાળ રે, દીઠા તેને દુઃખિયા દયાળ રે। તેને છોડાવ્યા બંધથી છેક રે, ગયા એ પણ ધામે અનેક રે॥
બેસે રાજા ગાદિ પર કોય રે, છોડે બંધીવાનના બંધ સોય રે। તેમ બંધથી છોડાવ્યા બહુ જન રે, પોતે પ્રગટી શ્રીભગવન રે॥
મહા મોટો પ્રતાપ પ્રગટાવી રે, રીત નૌતમ ન્યારી ચલાવી રે। જેને ઊપર નહિ બીજો કોય રે, તે તો જેમ કરે તેમ હોય રે॥ સૌના નાથ નિયંતા સ્વામી રે, સૌ ધામતણા પણ ધામી રે। તે તો અઢળક આજ ઢળિયા રે, થયા સુખી જન જેને મળિયા રે॥
પ્રકારઃ ૧૩
દેશોદેશથી આવે દરશને, નિ’મ ધારી સહુ નરનાર। આવિને નીરખે નાથને, તેણે લિયે સુખ અપાર॥ સમૈયે સમૈયે સુખ દેવા, ઉત્સવ કર્યા અનેક। દયા કરી દીનબંધુએ, જીવ નિર્ભય કરવા નેક॥ તેહ જ અર્થે તાન છે, જીવ મોકલવા નિજધામ। આવ્યા કારજ એ કરવા, ઘણે હેતે કરી ઘનશ્યામ॥
એટલા માટે અનેક રીતે, કરે ઉપાય આઠું જામ। જ્યાં જ્યાં ઉત્સવ સમૈયા કર્યા, કહું તે તે ગામનાં નામ॥
સહુથી મોર્યે ઉત્સવ માંગરોલ રે, થયા જન ત્યાં ભેળા અતોલ રે। પછી લોજે કરી બહુ લીલા રે, ત્યાં પણ થયા’તા જન બહુ ભેળા રે॥ અગત્રાયે આઠમ ઉત્સવ રે, કરી તાર્યા જીવ કૈ ભવ રે। ભલી ભાડેરે આઠમ ભજાવી રે, કરી લીલા માણાવદ્ર આવી રે॥
મેઘપુરના ઉત્સવ માંઈ રે, દ્વિજ જમાડી કરી ભલાઈ રે। પંચાળાનો સમૈયો પ્રસિદ્ધ રે, આપ્યાં સુખ સહુને બહુવિધ રે॥ જૂનેગઢ જઈ મહારાજ રે, કરી ઉત્સવ કર્યાં બહુ કાજ રે। ધોરાજીની લીલા ધન્ય ધન્ય રે, જોઈ જન થયા છે મગન રે॥ કરિયાણામાં ઉત્સવ કીધો રે, બહુ જનને આનંદ દીધો રે। ગઢડાની તો નહિ આવે ગણતી રે, યાં તો ઉત્સવ કર્યા છે અતિ રે॥
કારિયાણીના કેટલાક કહું રે, યાં તો લીલા કરી બહુ બહુ રે। સારંગપુર છે સારું ગામ રે, કરી ઉત્સવ સાર્યું સૌનું કામ રે॥
બોટાદમાં લીલા બહુ બની રે, ભલી ભજાવી છે હુતાશની રે। લોયે લીધો સહુ જને લાવ રે, પુરા કર્યા છે ભક્તના ભાવ રે॥ નાગડકાની લીલા જન જાણે રે, સારો સમૈયો સુંદરિયાણે રે। કરમડની વાત શું કહું રે, નાથ નીરખી સુખી થયા સહુ રે॥
કાળુતળાલ માંડવી તેરા રે, કર્યા ભુજે ઉત્સવ કઈ વેરા રે। મછિયાવ્યમાં મહારાજ આવી રે, ભલી હુતાશની ત્યાં ભજાવી રે॥ જેતલપુરમાં જગન કીધા રે, કંઈ જનને શરણે લીધા રે। અમદાવાદની ચોરાશી કીધી રે, કર્યું ખોખરે કામ પરસિધિ રે॥ આદરોજનો અન્નકૂટ કીધો રે, કર્જીસણે જને લાવો લીધો રે। સિદ્ધપુરનો સમૈયો સુંદર રે, કર્યો અલબેલે આનંદભર રે॥
વડથલ પીપળી તવરા કાવ્યા રે, થયા સમૈયા પોતે ન આવ્યા રે। ડભાણની લીલા કહી દાખું રે, જિયાં જન મળ્યા હતા લાખું રે॥
વડતાલની લીલા વખાણી રે, લખે લખતાં મ ન લખાણી રે। વડોદરામાં વાલ્યમ જઈ રે, તાર્યા જન દરશન દઈ રે॥ સુરત પધારિ શ્યામ સુંદર રે, તાર્યાં દરશને કઈ નારી નર રે। ધર્મપુરમાં ધરિયો મુગટ રે, કર્યો વાંસદે ઉત્સવ અમટ રે॥
એહ રીત્યે બીજે ઘણે ગામ રે, સંગે સંત લઈ ફર્યા શ્યામ રે। એમ પવિત્ર કરી પૃથવી રે, તાર્યા જીવ કાઢિ રીત નવી રે॥ અતિ આનંદ જનને પમાડ્યું રે, બ્રહ્મમો’લનું બાર ઊઘાડ્યું રે। સહુ જાઓ ધામમાં આ સમે રે, સ્વામી સહજાનંદને હુકમે રે॥
પ્રકારઃ ૧૪
એમ અનેક ઉત્સવ કર્યા, ફર્યા વળી ગામોગામ। આપી દરશન આપનું, જન કર્યા પૂરણકામ॥
દેશ પ્રદેશે પધારિયા, જન હેતે જીવન પ્રાણ। પરમારથ અર્થે કરી, પ્રગટ્યા શ્યામ સુજાણ॥ દયાળે દયા કરી, ધરી મૂરતિ મંગળરૂપ। જે જે પ્રસંગ જન પામિયા, તે થયા શુદ્ધ સ્વરૂપ॥
નખશિખ રૂપ નાથનું, જાણો કલ્યાણના છે કોટ। જેણે નીરખ્યા નયણે ભરી, તેને ના રહી કંઈ ખોટ॥ જેણે જોયાં ચરણ રૂપાળાં રે, સોળે ચિહ્ન સહિત શોભાળાં રે। પગ જમણા અંગોઠામાં રેખ રે, જોઈ મીટે તે મેષોનમેષ રે॥ જેણે પગ આંગળી વળી પેખી રે, પામ્યા ધામ ધન્ય કમાઈ લેખી રે। નખ જોયા છે જેણે નિહાળી રે, જોઈ ફણાની શોભા રૂપાળી રે॥
ઘૂંટી પેની પીંડી પેખી હામે રે, તે તો પો’તા છે અક્ષર ધામે રે। જાનુ ઉરુ જોયા જેણે ઝાંખી રે, દૂંદ ફાંદ જોઈ રુદે રાખી રે॥
કટિ જોઈ મોહ્યું મન જેનું રે, થયું અક્ષરમાં ઘર તેનું રે। જોઈ નાભિને નયણાં ભરી રે, વળી પેટ જોયું પ્રેમે કરી રે॥ નલ સ્તન નીરખિયા જેણે રે, કર્યો વાસ અક્ષરમાં તેણે રે। છાતી હૈયું જોયું જેણે હેરી રે, પામ્યા પ્રાપ્તિ તે ધામ કેરી રે॥
કુખ પડખાં બે જે બગલું રે, તે જોઈ કરી લીધું છે ભલું રે। ખભા ભુજા જોઈ જેણે દ્રગે રે, તેહ પામ્યા ધામ ઉછરંગે રે॥ બેઊ ડેડરિયો બહુ રૂપાળી રે, કોણી કળાઈ જેણે નિહાળી રે। કાંડાં કરભ જોઈ મન મોહ્યું રે, હાથ હથેળિયે ચિત્ત પ્રોયું રે॥ જોઈ જે જને રેખા રૂપાળી રે, પામ્યા બ્રહ્મમો’લ ભાગ્યશાળી રે। પોંચે પાંચ આંગળી પ્રવર રે, નીરખી તસુ ટેરવાં સુંદર રે॥
નખ નીરખી હરખશે ઉર રે, જાશે બ્રહ્મમો’લે જરૂર રે। કર સુંદર જોશે બે સાર રે, નીરખે પરમ સુખ દેનાર રે॥
કંઠ ખાડા વચ્ચે એક તિલ રે, દાઢી હોઠ દાંત જે અવલ રે। જિહ્વા નાસિકા કપોળ સાર રે, જોયે પરમ સુખ દેનાર રે॥ ડાબા કાનમાં બિંદુ જે શ્યામ રે, જે જુવે તે પામે સુખધામ રે। વાંસે તિલ મોટો જોયો જેણે રે, ખરું કર્યું ધામે જાવા તેણે રે॥
આંખો પાંપણો ભ્રકુટિ ભાળી રે, ભાલ વચ્ચે રેખા જે રૂપાળી રે। નલવટ તાળુ છે રૂપાળું રે, જેણે જોયું મુખ મરમાળું રે॥ વળી કેશ જોયા શ્વેત શ્યામ રે, તે સહુ પામિયા પરમ ધામ રે। જેણે નખશિખ નીરખ્યા નાથ રે, તે તો સહુ જન થયા સનાથ રે॥ એવા સર્વે અંગે સુખકારી રે, જેણે જોયા તેનાં ભાગ્ય ભારી રે। એવી મૂરતિ મંગળરૂપ રે, નખશિખા લગી સુખ સ્વરૂપ રે॥
નથી એમાં અમંગળ અણું રે, શું હું કહી દેખાડું ઘણું ઘણું રે। મૂર્તિ મનોહર છે મરમાળી રે, બ્રહ્મમો’લ જવાય એને ભાળી રે॥
અતિ અનુપમ છે જો અકળ રે, બહુ સહુથી છે જો સબળ રે। એ તો સર્વના કારણ આવ્યા રે, જે કોઈ સ્વામી સહજાનંદ કા’વ્યા રે॥
પ્રકારઃ ૧૫
જગજીવન જગ કારણે, પોતે પ્રગટિયા પરબ્રહ્મ। સુખદાયક જન સહુના, પૂરણ પુરુષોત્તમ॥ સુંદર મૂર્તિ સોયામણિ, અતિ રૂપાળી રંગરેલ। મનભાવન મહારાજની, છબી શોભાએ ભરેલ॥
એવી મૂર્તિ અવલોકિને, કહો કોણ ન કરે પ્રીત। જન જુવે જે ઝાંખી કરી, તેનું ચોરાઈ જાય ચિત્ત॥ જે જે ક્રિયા જગદીશ કરે, જન ધરે તેનું ધ્યાન। તે તે જાય હરિ ધામમાં, નકી વાત નિદાન॥ જે જે રીતે જોયા જગપતિ રે, તે તે પામિયા પરમ પ્રાપતિ રે। સુતાં જાગતાં દાતણ કરતાં રે, તેલ ફુલેલ અત્તર ચોળતાં રે॥
ના’તાં અંગે અંબર પે’રતાં રે, વળી ચાખડી પર ચડતાં રે। શ્વેત પછેડી અંગે ઓઢતાં રે, દીઠા જીવન જેણે જમતાં રે॥
જમ્યા જે જાયગા જેને ઘેર રે, શાક પાક સુંદર સારી પેર રે। લેહ્ય ચોષ્ય ભક્ષ્ય ભોજન રે, દીઠા જમતા જેણે જીવન રે॥ એવી મૂર્તિ જે જને જોઈ રે, પામ્યા પરમ ધામને સોઈ રે। જોયા જીવનને પૂજ્યા જને રે, કુંકુમ કસ્તુરી સુગંધી ચંદને રે॥
અંગે દિગંબર વાઘાંબર રે, મૃગાજિન ને દીઠાં ટાટાંબર રે। ગોદડી ને ચાદર ચોફાળ રે, દીઠાં ઓઢેલે દીનદયાળ રે॥ ધોતી ગૂડકી ગૂઢે રંગે રેંટે રે, કસી કમર દુશાલ ફેંટે રે। અંગરખી સુરવાળ જામે રે, જોઈ કૈક ગયા હરિધામે રે॥ ડગલી સોનેરી રૂપેરિયે રે, કિનખાપની હૈયે ધારિયે રે। ડગલી જરીની બોર કસુંબાવાળી રે, ચકમો પટુપામરી રૂપાળી રે॥
બોરી ચોફાળ શાલ દુશાલે રે, ડગલી ગર્મ પોસની રૂમાલે રે। પાઘ કસુંબી સોનેરી સારી રે, બાંધી બોકાની લિયે ઉર ધારી રે॥
મુગટ કુંડળ મનમાં ધારે રે, ટોપી કેવડા ફૂલની સંભારે રે। ગુંજાહાર જોયા કરી હામે રે, તે તો જન ગયા હરિધામે રે॥ તોરા ગજરા ને કંકણ રે, હાર ફૂલના જોયા અનગણ રે। મોતી પરવાળાં ને કપૂર રે, તેના અતિ શોભે હાર ઉર રે॥
વેઢ વીંટી ને કડાં સોનાને રે, ખોશ્યાં ફૂલ સોનાનાં બે કાને રે। એહ આદિ આભૂષણ ભારી રે, ધર્યાં અંગે એવી છબી ધારી રે॥ જેહ જન કરે છે ચિંતવન રે, તે થાય છે પરમ પાવન રે। બેઠા ખાટ પાટ ને પલંગે રે, જોયા ખુરસી ઢોલિયે ઉમંગે રે॥ સાંગામાંચી ગાદી ચાકળે રે, મેડે મંચે આસન સઘળે રે। ગોખવાણ વંડી દેવોલે રે, કુબા ઘર મેડી આદિ બોલે રે॥
મંદિર મંડપ દલિચા ચાદરે રે, તંબુ રાવટિયે બહુ વેરે રે। અટારી અગાશી ઓટે આંગણે રે, દીઠા તિયાં બેઠા ભાવ ઘણે રે॥
ગાડી વે’લ્ય આદિ જે વાહન રે, ગજ બાજે બેઠા જોયા જન રે। તે જન જાશે બ્રહ્મમો’લ માંઈ રે, તેમાં સંશય કરશો માં કાંઈ રે॥ એમ શ્રીમુખે કહ્યું તે સંભારી રે, વાત લખી છે સારી વિચારી રે। તે તો જૂઠી નથી જરાભાર રે, સહુ નિશ્ચે જાણો નિરધાર રે॥
પ્રકારઃ ૧૬
એમ કહ્યું’તું કૃપા કરી, હરિજન પર કરી હિત। જે જે મેં લીલા કરી, તે જન ચિંતવજો નિત॥ જનમ કરમ જે માહેરાં, ગાયે સાંભળે સંભારે સોય। તે જન જરૂર જાણજો, મારા ધામના વાસી હોય॥ એમાં કાંઈ અટપટું નથી, જાણી લેજો જન જરૂર। અન્ય ઉપાય અળગા કરી, ધારી લિયો એટલું ઉર॥
ભવજળ પાર ઊતરવા, જાણો મારાં ચરિત્ર છે ઝાજ। માટે સૌને સંભારવાં, એમ શ્રીમુખે કહે મહારાજ॥
એ છે વાત ધારવા જેવી રે, ધારી વિચારી સહુને લેવી રે। જોવા મુક્તને મધ્યે મહારાજ રે, સહુ લઈ પોતાનો સમાજ રે॥ પૂજ્યા મુનિએ બહુ પ્રકારે રે, સુંદર લઈ ષોડશ ઉપચારે રે। કરે સ્તુતિ મુનિ જોડી હાથ રે, એવી રીત્યે સંભારે જે નાથ રે॥
એતો ચિંતવન છે જો એવું રે, બ્રહ્મમો’લે લઈ જાવા જેવું રે। વળી મળતા મુનિને મહારાજ રે, લેતા ચરણ છાતિયે મુનિરાજ રે॥ વળી જમાડતા મુનિજન રે, ભાત્ય ભાત્યનાં લઈ ભોજન રે। પ્રેમે પિરસતા પોતે નાથરે, લઈ લાડવા જલેબી હાથ રે॥ ના ના કરતા જમાડતા જોરે રે, એવી મૂર્તિ સંભારો નિશભોરે રે। આપે મુખમાં લાડુ જલેબી રે, આવે સુખ સંભારે એ છબી રે॥
દેતા દહીં દૂધ દોવટ રે, ઢોળી માથે હસી ચાલે ચટ રે। ખાંડ સાકર દેતા પોશ ભરી રે, એવી મૂર્તિ રાખો રુદે ધરી રે॥
એમ સંભારતાં ઘનશ્યામ રે, નિશ્ચે પામશો પરમ ધામ રે। વળી ચિંતવો ચટકંતી ચાલ રે, જોતાં લટકાં થાશો નિહાલ રે॥ હસવું બોલવું રમવું સંભારી રે, ત્રોડે તાન તાળી સુખકારી રે। અંગ દબાવતાં અવિનાશ રે, બહુ બળે દાબતા તે દાસ રે॥
શીત ઋતુમાંહી સંભારતાં રે, જોયા છાતી કાઢીને તાપતાં રે। ચકમો ચોફાળ ને રજાયે રે, એવા સંભારી રાખો ઉરમાંયે રે॥ ઉષ્ણ ઋતુમાંહિ અવિનાશી રે, સંભારતાં મૂર્તિ સુખરાશી રે। નાંખે પંખે શું દાસ પવન રે, શીતળ છાયાયે બેસી જીવન રે॥ પીતા નીર નિર્મળ નાથ રે, પેટ ઉપર ફેરવતા હાથ રે। પીતાં પય-શરકરા સારી રે, એવી મૂર્તિ રાખો ઉર ધારી રે॥
ચોમાસામાં ઓઢેલ કામળી રે, ધરી છતરી શિરપર વળી રે। એમ સંભારી શ્યામ સુખકારી રે, થાયે અક્ષરધામ અધિકારી રે॥
હૈયે હાર અપાર સહિતે રે, રાખે હરિ મૂર્તિ હેતે પ્રીતે રે। સુંદર ચાંદલા સહિત લલાટ રે, જોવું બ્રહ્મમોહોલ જાવા માટ રે॥ જે જે રીત્યે જોયા જન જેણે રે, કરી લીધું નિજ કાજ તેણે રે। જે જે એમ ચિંતવે છે જન રે, તે તે પામે અક્ષર પત્તન રે॥
એવો મોટો છે આ અવતાર રે, સર્વે રીતે છે સહુને પાર રે। ઘનશ્યામ નામનો એ અર્થ રે, કરવા હરિ સહુને સમર્થ રે॥ તેમ સહુ જનને સુખ દેવા રે, પ્રભુ પ્રગટ્યા આ સમે એવા રે। આપ્યો બહુ જનને આનંદ રે, સુખદાયક શ્રીસહજાનંદ રે॥
પ્રકારઃ ૧૭
વળી સંભારવા શ્રીહરિ, જેવી રીતે જોયા હોય। સુખ થાવાની સંપત્તિ, એહ જેવી બીજી નહિ કોય॥
અન્ન વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા જાયે નહિ વણ તોય। શીત ન વીતે વહ્નિ વિના, તેમ નાથ વિના સુખ નોય॥ ઇચ્છે સુખ કોઈ અંતરે, તે સંભારે સુંદર શ્યામ। જે સંભારે સુખ ઊપજે, વળી પામિયે પરમ ધામ॥
જેમ રવિમંડળે રજની નહિ, શશીમંડળે નહીં તલ તાપ। તેમ મૂર્તિ મહારાજની, હરણ સર્વે સંતાપ॥ એવી મૂર્તિ અતિ સુખકારી રે, સહુને રાખવી હૃદે સંભારી રે। બેઠા દીઠા દીવી અજવાળે રે, હાંડી મેતાબ રૂડે રૂપાળે રે॥ જોયા શશી સૂર્યને તેજે રે, એહ વિના પ્રકાશ બીજે રે। જળમળતી મૂરતિ જોવી રે, જોઈ ચિત્તમાંહિ પરોવી રે॥
વસંત ઋતુએ વસન વસંતિરે, પે’ર્યાં હોય અનુપમ અતિ રે। રમતાં દીઠા હોય સખા સંગે રે, રંગભીનો ભર્યા અતિ રંગે રે॥
નાખે પિચકારી વારિ ભરી રે, નિજજન પર હેતે હરિ રે। વળી નાખે ગુલાલ લાલ ઘણો રે, સંભારે એ સમો સોયામણો રે॥ એહ મૂર્તિ ધારતાં ઉર રે, બ્રહ્મમો’લે જાવાનું જરૂર રે। વળી રંગભીનો ભર્યા રંગે રે, જેવા જોયા હતા સખા સંગે રે॥
ના’તા નદી નદ ને તળાવે રે, કુંડ કૂવા ને સાગર વાવ્યે રે। તે તો થયાં સરવે તીરથ રે, જેમાં ના’યા શ્રીહરિ સમરથ રે॥ એવી મૂર્તિ મળી છે જેને રે, કાંઈ બીક ન રાખવી તેણે રે। કરી લીધું છે સર્વે કામ રે, તન છૂટે જાશે નિજધામ રે॥ વળી સંભારવા સખા સાથે રે, ચડ્યા ઘણા મૂલા ઘોડા માથે રે। ધરી ઢાલ અલૌકિક અસિ રે, છડી લાકડી ને વળી બંસી રે॥
ખેલે સાંગ્ય કમાન ને તીરે રે, બાંધ્યો કટાર તે મહાવીરે રે। છતર ચમર અબદાગરિયે રે, એવી મૂર્તિ અંતરમાં ધરિયે રે॥
બેઠા આંબા આંબલી છાંયડે રે, આસોપાલવ પીંપર વડે રે। પીપલ બકોલ ને બોરસડિયે રે, બીજાં બહુ તરુ બોરડિયે રે॥ જે જે વૃક્ષે બેઠા દીઠા નાથ રે, ત્યાં ત્યાં સંભારવા સખા સાથ રે। એહ સંભારતાં અહોનિશ રે, થાય બ્રહ્મમો’લે પરવેશ રે॥
એમ અનેક વિધે આ વાર રે, ઊઘાડ્યું છે કલ્યાણનું બાર રે। વળી બેઠા હોય જે તે જાગે રે, ફૂલવાડી ઝાડી બહુ બાગે રે॥ વન ઉપવન એહ આદિ રે, દીઠી મૂર્તિ રૂપાળી રાયજાદી રે। વળી રાજા રંકને ભવન રે, શેઠ શાહુકારને સદને રે॥ જોયા લોક પટેલને ઘેર રે, વળી બ્રહ્મસભામાં બહુ વેર રે। એમ જ્યાં જ્યાં જોયા જગપતિ રે, મહામનોહર મૂરતિ રે॥
ત્યાં ત્યાં સંભારતાં ઘનશ્યામ રે, સરે જાણજો સઘળાં કામ રે। એમ સોંઘું કર્યું કલ્યાણ રે, સહુ જાણજો જન સુજાણ રે॥
જે જે આ સમે પામ્યા જનમ રે, નથી કોય કે’વાતું તેને સમ રે। જેમ પારસને કોઈ પામે રે, તેનાં સર્વે સંકટ વામે રે॥
પ્રકારઃ ૧૮
એમ અનેક રીત્યે વળી ઉરમાં, જે સંભારે સુંદર શ્યામ। તે તન છૂટે પામશે, અખંડ અક્ષર ધામ॥ મંગળકારી સારી મૂરતિ, ધરી આજ દેવા આનંદ। એહ મૂર્તિની સ્મૃતિયે, તર્યા કંઈક જનનાં વૃંદ॥
સુખનિધિ આ સંસારમાં, સહુ જન જાણો જરૂર। મૂરતિ શ્રી મહારાજની, દૃઢ ધારવા જેવી ઉર॥ જેમ જેમ જોયા જગદીશને, તેમ તેમ સંભારે સંત। સર્વે આચરણને સંભારતાં, પામે સુખ અત્યંત॥ વળી સંભારવા ઘનશ્યામ રે, પુરુષોત્તમ પૂરણકામ રે। કેને દેતા ફૂલડાંની માળ રે, કેને દેતા પ્રસાદીના થાળ રે॥
કેને દેતા વસ્ત્ર ને ઘરેણાં રે, કેને ફળ દલ સુખદેણાં રે। કેને અન્નકણ કોરી રૂપૈયારે, દિયે નાથ દેખીને દુઃખિયા રે॥
કેને આપે છે ઘોડા ઘરેણાં ભારી રે, કેને આપે છે પાઘ ઊતારી રે। એવા દીનબંધુ છે દયાળુ રે, સંભારતાં થાયે જો સુખાળુ રે॥ કેને મળે છે બાથમાં ઘાલી રે, કેને મગન કરે ચરણ આલી રે। કેને મીઠી વાણ્યે બોલાવે રે, કહે એવું જેવું એને ભાવે રે॥
કેને અમૃત દૃષ્ટે નિહાળે રે, જોઈ જનતણા તાપ ટાળે રે। કેને બેસારે પ્રભુજી પાસ રે, કેને સાથે કરે હરિ હાસ રે॥ એવી મૂરતિ અંતર ધારી રે, સૂતાં બેઠાં રાખે જે સંભારી રે। તે સૌ અક્ષરના અધિકારી રે, થાશે નિશ્ચે કરી નર નારી રે॥ જાણો આદ્ય અંત ને મધ્યે રે, સુખી થયા શ્યામ સંબંધે રે। જેણે જોયા જગનો આધાર રે, તેનો બેડો થયો ભવપાર રે॥
હસતા રમતા ભમતા ભોમે રે, દીઠા જોઈ રે’તા વાલો વ્યોમે રે। વળી ગતા વાતા ને ફરતા રે, કાજુ કરનાં લટકાં કરતા રે॥
નીર ક્ષીર સમીર પીતા રે, આસન કરતા ને મૌન ગ્રહેતા રે। એમ જે જે રીત્યે જને જોયા રે, નીરખી નાથને નયણે મોહ્યા રે॥ તે તો પામિયા પરમ પ્રાપતિ રે, કરી અક્ષરધામમાં ગતિ રે। આજ અનેક રીત્યે અવિનાશરે, જોઈ સુખ પામ્યા બહુ દાસ રે॥
એવો મોટો મહિમા મૂર્તિનો રે, નવીન સુખ પામવા નગીનો રે। કહી કહીને કહ્યું જે ઘણું રે, મોટું માહાત્મ્ય મૂર્તિ તણું રે॥ તોયે જથારથ છે જેમ રે, કે’તાં કે’તાં ન કે’વાય તેમ રે। આજ પ્રગટાવી પ્રતાપ રે, તાર્યા અનેક જીવને આપ રે॥ સામર્થી સહુથી છે ન્યારી રે, વાવરી છે સમર્થ સુખકારી રે। અનંત પોં’ચાડ્યા અક્ષરધામે રે, સુખદાયક શ્રીઘનશ્યામે રે॥
ધર્મ એકાંતિક તે સ્થાપિયો રે, નિજ આશ્રિતમાં તે વ્યાપિયો રે। અસુર ગુરુ નૃપનો કિધો નાશ રે, નિજ સામર્થીએ અવિનાશ રે॥
પુરુષોત્તમ પોતે પધારિ રે, લીધા અનેક જીવ ઉદ્ધારી રે। આપ સામર્થી વાવરી ઘણી રે, જોઈ નહિ કરણી જીવતણી રે॥ આજ બહુ જન તારવા આવ્યા રે, આવી સ્વામી સહજાનંદ કા’વ્યા રે। જે જન સમરશે સહજાનંદ રે, તે જન પામશે પરમ આનંદ રે॥
પ્રકારઃ ૧૯
દરશનનું કહી દાખિયું, કહું સ્પરશનું જે પુનિત। સ્પર્શ કરી જન પામિયા, અતિ સુખ અમિત॥ સ્પર્શ પુરુષોત્તમનો, કહો જીવને થાશે કેમ। એ વાત નથી વાત સરખી, સહુ ઉર વિચારજો એમ॥ અમાયિક માયિકનો, જાણો મોંઘો થાવો મેળાપ। ભાનુ રજની ભેળાં મળે, એવો કર્યો નથી કેણે થાપ॥
તે અમળતી વાત મળી, વળી સ્પર્શ્યા પુરુષોત્તમ। ત્રિલોકમાં વળી તેહની, શોધતાં ન મળે સમ॥
પુરુષોત્તમ જે પરબ્રહ્મ રે, જેને નેતિ નેતિ કે’ નિગમ રે। અતિ દુર્લભ દર્શન જેનાં રે, ભવ બ્રહ્માને ન થાય તેનાં રે॥ જ્યારે અજ ઈશને અગમ રે, તારે મનુષ્યને ક્યાંથી સુગમ રે। જેનાં દરશન પણ ન થાય રે, ત્યારે તેને કેમ સ્પર્શાય રે॥
અતિ દરશ સ્પરશ જેનાં દૂર રે, તે તો કર્યાં હરિયે હજૂર રે। માટે જે પ્રાણી પામિયા સ્પર્શ રે, તે તો થયા સહુથી સરસ રે॥ જેને મળિયા હૈયામાં ઘાલી રે, તેને બેઠા છે અક્ષર આલી રે। જેની છાપી છે ચરણે છાતી રે, તેની પ્રાપતિ નથી કે’વાતી રે॥ જેને માથે હાથ મુક્યો નાથે રે, તે તો મળી બેઠા મુક્ત સાથે રે। જેને ચાંપવા આપ્યા છે ચરણ રે, તેને રહ્યું નહિ જન્મ મરણ રે॥
જેણે અત્તર ચોળ્યાં છે અંગે રે, થયો સ્પર્શ એહ પ્રસંગે રે। જેણે ચોળ્યું છે તેલ ફુલેલ રે, અતિ સારી સુગંધી ભરેલ રે॥
અંગે ચોળ્યું તેલ મીણતણું રે, એમ સ્પર્શાણું અંગ આપણું રે। એહ સ્પર્શનું ફળ જે પામે રે, જાયે તે જન અક્ષર ધામે રે॥ વળી નવરાવતાં નાથને રે, થયો સ્પર્શ તેનો હાથને રે। અંગ ચોળી નવરાવ્યા નીરે રે, સ્પર્શ્યા હાથ તે નાથ શરીરે રે॥
વસ્ત્ર પે’રાવતાં થયો સ્પર્શ રે, તે આપનાર સુખનો સરસ રે। ચરચ્યાં ચંદન મળિયાગર રે, સારી સુખડ્ય કાજુ કેસર રે॥ કર્યો કુંકુમનો ચાંદલો રે, ભાવે કરી હરિભક્તે ભલો રે। માળા પે’રાવતાં સ્પર્શ થયો રે, કુંડળ ધરતાં કર અડી ગયો રે॥ બાજુ બેરખા બાંધતાં બાંયે રે, પૂજા કરીને લાગતાં પાયે રે। પૂજા કરતાં સ્પર્શાણું પંડ રે, તે તો પામશે ધામ અખંડ રે॥
લેતાં હાથોહાથ વળી તાળી રે, સ્પર્શી સુંદર મૂર્તિ રૂપાળી રે। નખશિખા સ્પર્શતાં નાથ રે, ગયા સ્વધામે થઈ સનાથ રે॥
એવો સ્પર્શ પુરુષોત્તમ તણો રે, નથી કે’વાતો છે અતિ ઘણો રે। સ્પર્શ્યાં ચરણારવિંદ પાવન રે, સહુ જતને પૂજે છે જન રે॥ સ્પર્શ્યાં વસ્ત્ર છે પૂજવા જેવાં રે, પૂજ્યાં ચંદન અંગ ધારી લેવાં રે। પૂજ્યા હાર તે પે’રવા હૈયે રે, જેથી અક્ષરધામમાં જૈયે રે॥
જે જે વસ્તુ સ્પર્શી હરિ અંગ રે, તે તો કલ્યાણકારી જેમ ગંગ રે। સ્થાવર જંગમ જળ સ્થળ જેહ રે, થયાં હરિ સંબંધે શુદ્ધ તેહ રે॥ સ્પર્શી વસ્તુ એ મંગળકારી રે, ત્યારે પુરુષોત્તમની રીત્ય ન્યારી રે। માટે જેને સ્પર્શ્યા પરબ્રહ્મ રે, તેને પરમ ધામ છે સુગમ રે॥
પ્રકારઃ ૨૦
અશન વસન ભૂષન, વાહન વાસન જેહ। પુરુષોત્તમને સ્પર્શતાં, થયાં શુદ્ધ સહુ એ તેહ॥ માયિક તે અમાયિક થયાં, થયાં ગુણમય ગુણાતીત। સ્પર્શતાં પરબ્રહ્મને, સહુ થયાં પરમ પુનીત॥
એવી રીત્યે અવિનાશીયે, કર્યો અનેક જીવનો ઉદ્ધાર। પરમ ધામે પોં’ચાડિયા, અલબેલે આ વાર॥ દરશ સ્પર્શ દયાળ દઈ, કર્યું કોટિ કોટિનું કલ્યાણ। તેમ પરમ પરસાદી થકી, પમાડ્યા પદ નિર્વાણ॥ દીધા પરસાદીના બહુ થાળ રે, દયા કરીને દીનદયાળ રે। ભોજન બહુ ભાત્ય ભાત્યનાં રે, આપ્યાં જેને જૂજવી જાત્યનાં રે॥
મૂકી માથે નાથ હાથ દિયે રે, જન મગન મન કરી લિયે રે। વળી આપે મુખમાંહી પાક રે, સુંદર ભોજન ને વળી શાક રે॥
જે જે જન પ્રસાદી એ પામ્યા રે, તે તો સર્વે સંતાપને વામ્યા રે। થયા નિર્ભય ભય બેઠા ટાળી રે, પામ્યા બ્રહ્મમોહોલ ભાગ્યશાળી રે॥ વળી પય પાણી પીધેલ રે, તેહ જે જનને દીધેલ રે। તેહ જન જાશે બ્રહ્મમો’લ રે, તિયાં પામશે સુખ અતોલ રે॥
દહીં મહી દૂધ ને જે ઘૃત રે, આપ્યાં પોતાનાં જમેલ તર્ત રે। જે જે જમેલ પ્રસાદી આલી રે, લાગી જમતાં પોતાને જે વા’લી રે॥ તે પ્રસાદીને પરતાપે રે, જાશે અક્ષરે જમતલ આપે રે। વળી ફળ મૂળ દળ દીધાં રે, જે જે જને હાથોહાથ લીધાં રે॥ ગોળ ખાંડ સાકર શેલડી રે, જમેલ નાથની જેહને જડી રે। ચણેચી ને વળી ચોળાફળી રે, મેથી મૂળા ને મોગરી વળી રે॥
જે જે વસ્તુ પોતાની જમેલ રે, અર્ધી જમીને અરધી આપેલ રે। એવી પોતાની છે પરસાદી રે, અનેક રીતની જે એહ આદિ રે॥
જે જે પામિયા છે એહ જન રે, તે તો પો’ત્યા છે બ્રહ્મસદન રે। ચણા ચણોલી મગ પરદેશી રે, રૂડાં શિંગોડાં જમ્યા જ્યાં બેસી રે॥ પાક ઘઉં ચણા બાજરીનો રે, ગળી ગુંદલી વળી મકાઈનો રે। પોતે જમી આપી જે જીવને રે, તેહ લીધી હેતે કરી જને રે॥
તેનાં ભાગ્ય નથી કે’વાં લાગ્ય રે, થઈ બ્રહ્મમો’લમાંઈ જાગ્ય રે। વળી હરિ જમેલ મુખવાસ રે, આપ્યો નાથે જાણી નિજદાસ રે॥ તે મુખવાસની વાત શી કહું રે, જે પામી સુખ પામિયા સહુ રે। એમ બહુ રીતના મુખવાસ રે, પામી પામિયા બ્રહ્મમો’લે વાસ રે॥ પ્રીતે પોતાની પ્રસાદી દઈ રે, જગે જીવ ઉદ્ધરિયા કંઈ રે। દરશ સ્પરશ ને પ્રસાદી રે, જે જે જન પામ્યા રાયજાદી રે॥
તે તો થયા અક્ષરના વાસી રે, એમ ઉદ્ધાર્યા આવી અવિનાશી રે। વે’તી કીધી છે અક્ષરવાટ રે, જાવા જીવ સહુને એ માટ રે॥
એમ અનેકને જો ઉદ્ધાર્યા રે, આપ પ્રતાપે પાર ઉતાર્યા રે। છોટા મોટાને થઈ છે છૂટી રે, સૌને મળે છે પ્રાપતિ મોટી રે॥ એમાં કૃપાનું કામ ન રહ્યું રે, સૌને એ ધામ સુગમ થયું રે। મેલ્યા મોક્ષના છોડી વાવટા રે, તાર્યા જગના જીવ સામટા રે॥
પ્રકારઃ ૨૧
એહ રીતે અગણિતને, તાર્યા પોતાને પ્રસંગ। તે પોં’ચાડ્યા પરમ ધામમાં, સહુને કરી શુદ્ધ અંગ॥ જે જે જનને જાણજો, થયો શ્રીહરિનો સંબંધ। તરત તેહ પ્રાણી તણા, છૂટી ગયા ભવબંધ॥ અતિશે સામર્થી આ સમે, વાવરતાં ન કર્યો વિચાર। ઉદાર મને આવિયા, જન તારવા જગ આધાર॥
સુખનિધિ સહજાનંદજી, કીધી ઇચ્છા આણી ઉમંગ। અનંત જીવ ઉદ્ધારિયા, એમ પોતાને પ્રસંગ॥
મોટો પરતાપ મૂર્તિ તણો રે, કહ્યો થોડો ને રહી ગયો ઘણો રે। હવે પોતાને સંગાથે સંત રે, આવ્યા છે જે મુક્ત અનંત રે॥ તેહ દ્વારે ઉદ્ધાર્યા જે જન રે, તે પણ થયા પરમ પાવન રે। જ્યાં જ્યાં ફરી મુક્તની મંડળી રે, કરી વાત જે જને સાંભળી રે॥
સુણી વાત લાગી અતિ સારી રે, તે તો હેતે લીધી હૈયે ધારી રે। પછી નિ’મ ધારી નકી મને રે, રહ્યા જે જે જન વચને રે॥ તે તો તન તજે જેહ વારે રે, આવે નાથ તેડવાને ત્યારે રે। તેડી જાયે તે પોતાને ધામ રે, થાય તે જન પૂરણકામ રે॥ વળી જેણે આપ્યું અન્ન જળ રે, કંદ મૂળ પાન ફૂલ ફળ રે। એહ આપનાર જેહ જન રે, જાય ધામમાં થાય પાવન રે॥
વળી હાથ જોડી પાયે લાગે રે, શીશ નમાવીને બેસે આગે રે। સુણે શ્રદ્ધાયે વાત સંતની રે, બહુ પેરે સુબુદ્ધિવંતની રે॥
સુણી વાત લિયે ગુણ હૈયે રે, તેપણ ધામના નિવાસી કહિયે રે। વળી સંતને કોઈ સંતાપે રે, નિરમાની જાણી દુઃખ આપે રે॥ તેની ભીડ્યમાંહિ પોતે ભળી રે, કરે સંત તણી સા’ય વળી રે। એવી રક્ષાના કરનાર રે, એવા જન ઉદ્ધાર્યા અપાર રે॥
વળી સંત જાણી શીલવંત રે, નાખે માથે આળ અત્યંત રે। ખોટાં કલંક ધરે સંત શિર રે, પાપી આળ ચડાવી અચિર રે॥ તેનો પક્ષ લઈ પોતા માથે રે, કરે લડાઈ લબાડ સાથે રે। એહ પક્ષના જે લેનાર રે, જાય તે જન ધામ મોઝાર રે॥ વળી ખાતાં પીતાં સંત જોઈ રે, લીધો ગુણ કે આવા ન કોઈ રે। જોઈ વર્તવું ને વળી વેશ રે, સુણી સારો લાગ્યો ઉપદેશ રે॥
જેને વા’લી લાગી સંત વાત રે, રાખ્યાં નિ’મ થઈ રળીયાત રે। તેને તન છૂટે તતકાળ રે, આવે તેડવા દીનદયાળ રે॥
તેને આપે અક્ષરમાં વાસ રે, મહાસુખ પામે છે તે દાસ રે। કર્યો સંતનો દરશ સ્પરશ રે, ગાયા જિહ્વાએ સંતના જશ રે॥ તે પણ ધામના છે અધિકારી રે, ખરી વાત લખી છે વિચારી રે। વાત શ્રીમુખથી સાંભળેલ રે, નથી બીજે તે ક્યાંયે લખેલ રે॥
કહ્યું શ્રીમુખે શ્રીભગવાને રે, તે મેં સાંભળ્યું છે મારે કાને રે। આજ જીવ અનેક પરકારે રે, લઈ જાવા છે જો ધામ મારે રે॥ એમ મને કહ્યું’તું મહારાજે રે, રાજી થઈને રાજ અધિરાજે રે। તે પ્રમાણે લખ્યું છે લઈ રે, નથી મારા હૈયાની મેં કઈ રે॥
પ્રકારઃ ૨૨
શ્રીમુખથી સુણી સામ્રથી, નથી કે’વાતી તે કોએ રીત। કહિયે હૈયે સમાય નહિ, છે એવી આજની અગણિત॥
એક સૂર પ્રકાશે સહુને, એક શશી કરે શીતળ। એક મેઘ પલાળે પૃથવી, વરસાવી સુંદર જળ॥ એહ એક પણ કરે એટલું, સહુને સરખો સમાસ। આ તો અનેક રીતશું, આવ્યા ઉદ્ધારવા અવિનાશ॥
જેમ જ્વાળા બાળે શુદ્ધાશુદ્ધને, શુદ્ધાશુદ્ધ પલાળે મેઘ। શુદ્ધાશુદ્ધ સમઝે નહિ, જ્યારે વાયુ વાય કરી વેગ॥ એમ આજ તાર્યા છે અપાર રે, ગુણાગુણ ન જોયા લગાર રે। જેમ મોટો સદાવ્રતી હોય રે, તે તો ભૂખ્યાનું મુખ ન જોય રે॥ તેમ આજ સદાવ્રત મોટું રે, બાંધ્યું છે તારવા જીવ કોટ્યું રે। પશુ પંખી પન્નગ નરનારી રે, લીધાં આપ સામર્થિયે તારી રે॥
દેવ દાનવ ભૂત ભૈરવ રે, એહ આદિ ઉદ્ધારિયા સરવ રે। કીટ પતંગ પરજંત પ્રાણી રે, તાર્યા અગણિત લિયો જાણી રે॥
જે જે આ સમે જગમાંયે જીવ રે, થયા સત્સંગ સંબંધે શિવ રે। જેમ એક હોય ચિંતામણિ રે, ટાળે પીડા તે ત્રિલોક તણી રે॥ તેમ બહુ ચિંતામણિ હોય રે, ત્યારે દુઃખી રહે નહિ કોય રે। સંત સંન્યાસી સત્સંગી બટુ રે, એને સંબંધે પામે છે સુખ મોટું રે॥
ચિંતામણિ ઘણી ઘણી હરિ રે, તેની વાત જાતી નથી કરી રે। માટે હરિ હરિના જે દાસ રે, તેથી પામ્યાં કૈ બ્રહ્મમો’લે વાસ રે॥ એનું આશ્ચર્ય માનો ન કોય રે, સમર્થથી શું શું ન હોય રે। સમર્થ સરવ પરકારે રે, કરે તે તે જે જે મન ધારે રે॥ તેની કોણ આડી કરનાર રે, ના હોય ધણીનો ધણી નિરધાર રે। માટે સહુ માની લેજો સઈ રે, આજ એમ ઉદ્ધાર્યા છે કંઈ રે॥
જેમ દરશ સ્પરશ પરસાદી રે, આપી તાર્યા નર નારી આદિ રે। તેમ હરિજન ત્યાગી ગૃહી રે, તેથી પણ ઉદ્ધારિયા કહી રે॥
વળી આ સમે ધરિયું જે નામ રે, તેને જપતાં જાયે અક્ષરધામ રે। નીલકંઠ નામ ઘનશ્યામ રે, સદા સર્વ સુખનું ધામ રે॥ જેહ નામે પામે સુખ સહુ રે, એવું નામ અનુપમ કહું રે। સહજાનંદ આનંદ સુખકારી રે, એહ નામ જપે છે નર નારી રે॥
સ્વામિનારાયણ નારાયણ રે, ભજી કૈ થયા ધામ પરાયણ રે। લેતાં નારાયણ મુનિ નામ રે, પામ્યા કંઈ સુખ વિશ્રામ રે॥ હરિ હરિકૃષ્ણ કૃષ્ણ કે’તાં રે, તર્યા અપાર એ નામ લેતાં રે। એવાં નામનાં નામી જે સ્વામી રે, તે છે અક્ષરધામના ધામી રે॥ સહુના નિયંતા સહુના નાથ રે, સહુના સ્વામી સુખની મીરાંથ રે। એવું નામ જપે જન જેહ રે, પામે પૂરણ સુખને તેહ રે॥
હાલે હૂકમ એ નામ તણો રે, આજ અમલ એહનો ઘણો રે। શક્કો સર્વે પ્રકારે છે એનો રે, નથી અમલ આજ બીજા કેનો રે॥
કોઈ મા લિયો બીજાની ઓટ રે, જેમાં જાયે જાણો જન ખોટ રે। ખરાખરી એ વાત ખોટી નથી રે, વારેવારે શું કહિયે જો કથી રે॥
પ્રકારઃ ૨૩
પુરુષોત્તમ પધારિયા, બહુ જીવનાં કરવા કાજ। સર્વે સામર્થી સહિત પોતે, આજ આવિયા મહારાજ॥ અનેક ઉપાયે કરી હરિ, ખરી આદરી છે વળી ખેપ। આ સમે જેનો જન્મ છે, તેને આવી ગયું ઘણું ઠેપ॥
દાસના દરશ સ્પરશથી, કર્યાં છે બહુનાં કલ્યાણ। ત્રિલોકના જીવ તારવા, વડું મંડાણું છે વહાણ॥ પાર ઉતાર્યા પરિશ્રમ વિના, બેસી નામરૂપી એ નાવ। જે જને જપ્યા જીભથી, તે તરી ગયા ભવ દરિયાવ॥ એવો નામનો છે પરતાપ રે, ધન્ય જે જન જપે આપ રે। પૂર્ણ પુરુષોત્તમ સુખધામ રે, તેણે ધર્યું સહજાનંદ નામ રે॥
સહજાનંદ સહજાનંદ ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે। સહજાનંદ નામ જેને મુખે રે, તે તો બ્રહ્મપુર જાશે સુખે રે॥
જેહ મુખે એ નામ ઉચ્ચાર રે, તે તો પામી ગયા ભવપાર રે। સહજાનંદ નામ સમરતાં રે, નથી પરિશ્રમ પાર ઊતરતાં રે॥ સહજાનંદ નામ જે વદને રે, તે તો પહોંત્યા બ્રહ્મસદને રે। સહજાનંદ સહજાનંદ ગાતાં રે, નથી કઠણ એને ધામ જાતાં રે॥
સહજાનંદ સહજાનંદ કહિયે રે, જાણે એથી પરમ પદ લહિયે રે। જેને અખંડ એ છે રટન રે, તેને ન રહે ભવ અટન રે॥ સ્વામિનારાયણ શબદે રે, પ્રાણી વાસ કરે છે બેહદે રે। સહજાનંદ નામ સુણ્યું કાને રે, તેને આવ્યું છે એ ધામ પાને રે॥ સહજાનંદ એ નામ સાંભળી રે, જાયે પાપ પૂરવનાં બળી રે। સુણી સ્વામિનારાયણ નામ રે, સર્યાં કંઈક જીવનાં કામ રે॥
કાને એ નામની ભણક પડી રે, તેને અક્ષરપોળ ઊઘડી રે। સ્વામિનારાયણની કીરતિ રે, સુણી રહે નહિ પાપ રતી રે॥
સ્વામિનારાયણની જે કથા રે, સુણે જાયે નહિ જન્મ વૃથા રે। સ્વામિનારાયણ નામ પદ રે, સાંભળતાં આવે સુખ સદ રે॥ છંદ અષ્ટક ને વળી શ્લોક રે, સુણે ભણે પોં’ચે બ્રહ્મલોક રે। સાખી શબ્દ સ્વામી નામે જેહ રે, સર્વે કલ્યાણકારી છે તેહ રે॥
શ્વાસ ઉશ્વાસે સમરે સ્વામી રે, તેની વ્યાધિ જાયે સર્વે વામી રે। રહે રસનાએ રવ એનો રે, ધારા અખંડ ઉચ્ચાર તેનો રે॥ તે તો પામે છે પરમ પ્રાપતિ રે, નથી ફેર તેમાં એક રતિ રે। એવો નામ તણો પરતાપ રે, કહ્યો સહુથી અધિક અમાપ રે॥ જાણે અજાણે જપશે જેહ રે, પરમ ધામને પામશે તેહ રે। એવું આજ ઉઘાડ્યું છે બાર રે, કરવા બહુ જીવને ભવપાર રે॥
સકાર કે’તાં સર્વે દુઃખ વામે રે, હકાર કે’તાં હરિધામ પામે રે। જકાર કે’તાં જય જય જાણો રે, નકાર કે’તાં નિર્ભય પ્રમાણો રે॥
દકાર કે’તાં દદામા દઈને રે, પામે ધામ સહજાનંદ કહીને રે। સ્વામિનારાયણ નામ સાર રે, જેથી જીવ તર્યા છે અપાર રે॥ કલિજુગમાં કર્યું છે વાણ રે, રે’વું નારાયણ પરાયણ રે। નથી એથી વાત કાંય મોટી રે, મર કરે ઉપાય કોઇ કોટિ રે॥
પ્રકારઃ ૨૪
એમ આજ અવિનાશીએ, કર્યું સોંઘું કલ્યાણ। જે જડે નહિ મોટા જોગીને, તે વણ શ્રમે કર્યું વાણ॥ દેહ દમ્યા વિના દાસને, આપ્યું ધામ અવિનાશ। તોયે મન માન્યું નહિ, થયું નહિ હૈયું હુલ્લાસ॥ પછી ઉત્સવ આદર્યા, વરસોવરસ વરતાલ। દેઈ દરશન દાસને, કરવા કોટિક નિહાલ॥
રામનવમી પ્રબોધની, ઉત્સવના દિન એહ। અણ તેડ્યે સહુ આવજો, કહ્યું શ્રીમુખે કરી સનેહ॥
અમે પણ આવશું જરૂર રે, થાશે દરશને દુઃખ દૂર રે। સંત સહિત નીરખશો નેણે રે, અતિ સુખી થાશો સૌ તેણે રે॥ એમ કહ્યું આપે અવિનાશ રે, સુણી રાજી થયા સહુ દાસ રે। પછી ઉત્સવ ઉપર એહ રે, થયાં સાબદા સૌ મળી તેહ રે॥
પૂર્વ પશ્ચિમ ઊત્તર દક્ષિણ રે, ચાલ્યા ઉત્સવ પર તતક્ષણ રે। સુણ્યો સમૈયો શ્રવણે જેણે રે, કરી તરત તૈયારી તેણે રે॥ આવ્યા વાયદે વરતાલ ગામ રે, ત્યાગી ગૃહી પુરુષ ને વામ રે। પછી વા’લમ પણ વરતાલ રે, આવ્યા કરવા સહુને નિહાલ રે॥ આવ્યાં હતાં જે જન અપાર રે, દરશન કરવાને નર નાર રે। તે સહુને દરશન દીધાં રે, જને નેણે નીરખી સુખ લીધાં રે॥
બેઠા મોટે મેડે મહારાજ રે, સૌને દરશન દેવાને કાજ રે। ઊભા થઈને આપે દયાળ રે, લિયે સહુ જનની સંભાળ રે॥
પે’રી સુંદર વસ્ત્ર સોનેરી રે, જોયા જેવી શોભા જામા કેરી રે। પે’રી પાયજામો જરીનો રે, નૌતમ નાડીનો રંગ નવીનો રે॥ કસી કમર સોનેરી શાલે રે, બાંધ્યો સોનેરી રેંટો વા’લે રે। ધર્યાં છોગાં તેમાં ફૂલનાં રે, લટકે તોરા મોંઘા મૂલના રે॥
કંઠે કનક કુસુમના હાર રે, ઓપે પરવાળા તે અપાર રે। બાજુ કાજુ કુંડળ કાને રે, શોભે સારાં ઘરેણાં સોનાને રે॥ વેઢ વીંટી કર કડાં શોભે રે, જોઈ જનતણાં મન લોભે રે। હૈયે હારને હીરા સાંકળી રે, મોતી માળા શોભે વળી વળી રે॥ એવાં વસ્ત્ર ઘરેણાંને પેહેરી રે, જુવે સહુ જનને વા’લો હેરી રે। જન જોઈ એવી મૂરતિ રે, હૈયે હેત વાધે છે જો અતિ રે॥
નીર્ખી હર્ખી અંતર ઉતારે રે, જેવા જોયા તેવા ઉર ધારે રે। જેણે જેણે જોયા જગદીશ રે, નીર્ખી જેણે નમાવિયાં શીશ રે॥
તે તો અક્ષરના અધિકારી રે, થયાં બહુ સહુ નર નારી રે। એવી મૂર્તિ ઉર જેને રહી રે, તેને સર્વે કમાણી જો થઈ રે॥ ભાગે આવ્યો તેને બ્રહ્મમો’લ રે, જિયાં અતિ સુખ છે અતોલ રે। એહ સુખને આપવા કાજ રે, આપે આવિયા છે જો મહારાજ રે॥
માટે કરે છે મોટા જો મેળા રે, બહુ જન કરવાને ભેળા રે। માટે જેણે જોયા એ સમૈયા રે, તે તો બ્રહ્મમો’લવાસી થયા રે॥ ઘણી રીતે હેતે ઘનશ્યામ રે, લઈ જાવા છે પોતાને ધામ રે। જીવ અર્થે આવ્યા છે આપે રે, તાર્યા જીવ આપ પ્રતાપે રે॥
પ્રકારઃ ૨૫
વળતું વાલમે વિચારીયું, ઉત્સવ કરવા અનેક। સહુ જન મળે સામટા, સમઝાય સહુને વિવેક॥ વરસો વરસ વેગે કરી, આવે દરશને દોય વાર। એવી કરું હવે આગન્યા, મારા જનને નિરધાર॥ અખંડ રહેશે ઉત્સવ એહ, નથી એક બે વરસની વાત। માટે ઉપાય બીજો કરું, જેથી થાશે સહુ રળિયાત॥
મંદિર કરાવું મોટાં અતિ, મૂર્તિયો બેસારું માંય। સુગમ સહુ નરનારને, પૂજે સ્પરશે લાગે પાય॥
જિયાં લગી દર્શન અમે દૈયે રે, વળી સમૈયે અમે આવિયે રે। પણ અવાય નહિ સમૈયે રે, દરશન વિના દાઝે જન હૈયે રે॥ માટે મૂર્તિયો અતિ સારી રે, કરી મંદિર દિયો બેસારી રે। તેને પૂજે પ્રેમ વધારી રે, ત્યાગી ગૃહી વળી નરનારી રે॥
એમ વાલમે કર્યો વિચાર રે, માંડ્યાં મંદિર કરવા તે વાર રે। અમદાવાદમાં કરાવી મંદિર રે, તિયાં બેસારિયા બેહુ વીર રે॥ નર નારાયણ સુખરાશી રે, પધરાવી કરાવી ચોરાશી રે। જે જે દર્શન કરશે એનાં રે, મોટાં ભાગ્ય માનવાં જો તેનાં રે॥ મંગલમૂર્તિ મહાપ્રભુ, શ્રીસહજાનંદ શ્યામ। સુખસાગર સંતાપ હરન, રટું નિરંતર નામ॥
ગોવિંદને ગમતું સદા, ગામ વ્રતાલ વિશેષ। જળ છાયા ફળ ફુલ કરી, ગુણવંત ગુર્જર દેશ॥
વરતાલ મંદિર આદર્યું રે, તે તો સહુથી સરસ કર્યું રે। નવ મંદિર સુંદર સારાં રે, કર્યાં નૌતમ તે ન્યારાં ન્યારાં રે॥ પૂરવ દિશાનાં મંદિર ત્રણ રે, માંય મૂર્તિઓ મન હરણ રે। લક્ષ્મીનારાયણ જાણો જોડ્ય રે, એતો બેસાર્યા શ્રીરણછોડ રે॥
ઉત્તર મંદિરે ધર્મ ભગતિ રે, પાસે પોતાની મૂરતિ રે। દક્ષિણ દેરામાંહિ રાધાકૃષ્ણ રે, જોઈ જન મન થાય પ્રશ્ન રે॥ વળી પોતાની મૂર્તિ બેસારી રે, તે તો સહુથી છે બહુ સારી રે। એહ મૂર્તિ મંગળ રૂપ રે, સહુ જનને સુખ સ્વરૂપ રે॥ વસ્યા આવી વરતાલ ગામ રે, ધર્મનંદને કર્યું નિજધામ રે। તિયાં વર્ષોવરષ આવે જન રે, આવે ઉત્સવે કરે દરશન રે॥
ઉત્સવ વિના પણ આડે દિને રે, આવે અનેક જન દરશને રે। જે જે દરશન કરે કોય દાસ રે, તે તો પામે બ્રહ્મમો’લે વાસ રે॥
એવું ધાર્યું છે ધર્મનંદને રે, તેની કોણ કરે કહો મને રે। જેનો હુકમ પાછો ન ફરે રે, તે તો જેમ ધારે તેમ કરે રે॥ આજ મહારાજે ધાર્યું છે એમ રે, કેનું ફેરવ્યું ફરશે કેમ રે। માટે એ વાટે કલ્યાણ જાણો રે, કહ્યું શ્રીમુખે સત્ય પ્રમાણો રે॥
નથી વાત આ વડાઈ સારુ રે, સાચી લખતાં શીદ શંકા ધારું રે। માટે બહુ રીતે તારવા કાજ રે, આજ આવ્યા છે પોતે મહારાજ રે॥ તાર્યા આવીને જીવ અનેક રે, વરતાલે તો વાળ્યો વશેક રે। જોયા ઉત્સવ સમૈયા જેણે રે, કરી લીધું છે કારજ તેણે રે॥ જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજ્યા સંત મુક્ત જેવા રે। કરી ભક્તિ અતિ ભલે ભાવે રે, તેને તુલ્ય કહો કોણ આવે રે॥
એનું ફળ છે અક્ષરધામ રે, પામી થાશે તે પૂરણકામ રે। એ તો વાત છે સાચી સઘળી રે, શ્રીમુખથી મેં જો સાંભળી રે॥
પ્રકારઃ ૨૬
ચલ ઉત્સવ ચડોતરે, વરતાલે વારમવાર। ઠીક પોતે ઠરાવિયા, જગ તારવા જીવ અપાર॥
રામનૌમી એકાદશી, પ્રબોધની જે પાવન। આવે અગણિત એ સમે, સહુ જન કરે દરશન॥ સંત અનંત સૌ મળે, વળી ભેળા હોય ભગવંત। તેનાં દરશન કરતાં, પામે પરમ પદ અનંત॥
વળી મનોહર મૂર્તિયો, મંદિરમાં સુંદર સાર। જે નિરખે નયણાં ભરી, તે પામી જાય ભવપાર॥ ધન્ય ધન્ય ધામ વરતાલ રે, સારો આવ્યો છે સર્વે તાલ રે। જેમ મંદિર સારું સુંદર રે, તેમ મૂર્તિયો મનહર રે॥ નીર્ખી જન મગન થાયરે, હર્ખી હર્ખી હરિગુણ ગાય રે। જળ અમળ નાયે ગોમતી રે, જિયાં નાહ્યા પોતે જગપતિ રે॥
કરે ઓટા દેરીનાં દર્શન રે, લિયે છાપ તે થાય પાવન રે। અતિ અમૂલ્ય આંબલા છાય રે, બેઠા હરિ કરી જ્યાં સભાય રે॥
સુંદર સારું શોભે છે તળાવ રે, જિયાં જોયા મનોહર માવ રે। તીયાં આંબલી એક રૂપાળી રે, બેઠા સંતપતિ પાટ ઢાળી રે॥ આંબા ઉભે શોભે છે અતોલે રે, જિયાં હરિ બેઠા હિંડોલે રે। પ્રેમે પે’ર્યાંતાં સોનેરી પટ રે, વળી માથે ધર્યો’તો મુગટ રે॥
એવી જુવે છે જે સર્વે જાગ્ય રે, તેનાં કહ્યાં ન જાયે ભાગ્ય રે। ધન્ય કૂપ અનુપ એ બેહુ રે, નાહ્યા નાથ સાથે સંત સહુ રે॥ ધન્ય ભૂમિકા ભાગ્ય અમિત રે, થઈ હરિચરણે અંકિત રે। ધન્ય ધન્ય એ શે’રી બજાર રે, જિયાં હરિ ફર્યા બહુવાર રે॥ ધન્ય ઘર ઓસરી આંગણાં રે, જિયાં પગલાં થયાં પ્રભુ તણાં રે। ધન્ય રાણ્ય વાડી ધર્મશાળા રે, જિયાં જમ્યા છે સંત સઘળા રે॥
(લાડુ જલેબી સુતર ફેણી રે, સેવદલ શીરો ને રોટલી ઝીણીરે। દુધપાક ને પુરી કંસાર રે, હરિયે હાથે ફેર્યા વારંવાર રે॥
સાટા ઘેબર ને માલપુડા રે, રસ દહીં દૂધ મોતિયા રૂડા રે। ફર્યા પંગતમાં પંચ વાર રે, જમ્યા સંત થયો જે જે કાર રે॥ ૨॥) એહ આદિ બીજાં બહુ સ્થાન રે, જિયાં જમ્યા રમ્યા ભગવાન રે। જુવે સર્વે સ્થળ એ સંભારી રે, એક એકથી કલ્યાણકારી રે॥ ભારે ભાગ્ય છે એ ભૂમિતણાં રે, રમ્યા રાજ રાખી નહિ મણા રે। જે જે જન જાયગા એ જોશે રે, તે તો અતિ મોટી ખોટ ખોશે રે॥
લેશે અલભ્ય લાભ અપાર રે, તે તો નિશ્ચે જાણો નિર્ધાર રે। બ્રહ્મમો’લ જાવાને નિસરણી રે, એવી ઘનશ્યામે કરી ઘણી રે॥ બહુ પેરે ઉઘાડ્યાં છે બાર રે, અક્ષરધામે જાવા આ વાર રે। બહુ રીત કરી બહુનામી રે, આપ્યાં સુખ રાખી નથી ખામી રે॥ જે અર્થે અક્ષરથી આવ્યા રે, સંગે મુગત સરવે લાવ્યા રે। તતપર છે તેહ કરવા રે, કર્યું એ ધામ બહુ જન તરવા રે॥
કૈંક કરશે દર્શન આવી રે, કૈંક પૂજશે પૂજા લાવી રે। કૈંક જોડશે આવીને હાથ રે, તે તો થઈ ચૂક્યા છે સનાથ રે॥
બેઠા માથેથી મટાડી બીક રે, ઠરી બેસશે ધામમાં ઠીક રે। અવશ્ય કરવાનું હતું તે થયું રે, પામ્યા ધામ કામ સરી ગયું રે॥ તે તો પુરુષોત્તમ પ્રતાપે રે, બહુ ઉદ્ધારિયા જન આપે રે। હરિ ધારે તે શું શું ન થાય રે, તેનું આશ્ચર્ય ન માનો કાંય રે॥
પ્રકારઃ ૨૭
વરણવી વાત વરતાલની, કોટિ ઘણીમાંથી કિંચિત। ગાઉં રીતિ ગઢડા તણી, જિયાં ઉદ્ધારિયા અગણિત॥
ઘણું ઘણું ઘનશ્યામ જિયાં, રહી કર્યાં માંગલિક કાજ। અનંત જીવ ઉદ્ધારિયા, મહા નિજબળે મહારાજ॥ પાપી સુરાપી પલલભક્ષી, લખી ન જાયે અવળાઈ લેશ। એવા જન ઉદ્ધારિયા, આપી આપે ઉપદેશ॥
વળી ઉત્સવ સમૈયા અતિ કર્યા, તેમાં આવિયા જે જે જન। તે જનને પણ તારિયા, દઈ પોતે દરશન॥ કર્યા ઉત્સવ અતિ અપાર રે, જગજીવન જગ આધાર રે। અષ્ટમી અન્નકોટ ઉત્સવ રે, કર્યા ભવજળ [બૌજન] તારવા ભવ રે॥ વસંતપંચમી ને ફૂલદોલ રે, તે દી રંગ ઉડાડ્યો અતોલ રે। રામનૌમી એકાદશી આદિ રે, તે દી લીલા કરી રાયજાદી રે॥
અષ્ટમી ઉત્સવે આવ્યા દાસ રે, રાખ્યા ચોમાસાના ચાર માસ રે। નિત્ય ના’વા જાતા સંત સાથ રે, જન જોઈને થાતા સનાથ રે॥
ના’તા નૌતમ કરતા લીલા રે, ભળી વળી પોતે સંત ભેળા રે। ગાતા વાતા આવતા ઉતારે રે, જન જમાડતા તેહ વારે રે॥ જમી આપે જમાડતા જન રે, ભાત્ય ભાત્યનાં અન્ન વ્યંજન રે। દેતા દહીં દૂધ તે દોવટે રે, સારા શોભતા સોનેરી પટે રે॥
બહુવાર પંગત્યમાં ફરતા રે, એમ અષ્ટમી ઉત્સવ કરતા રે। અન્નકોટ ઉપર આવે દાસ રે, તેને ઊઠી મળે અવિનાશ રે॥ હાર ઉતારી હૈયેથી દિયે રે, જન નમાવી મસ્તક લિયે રે। પછી પુછે સુખ સમાચાર રે, એમ આપે સુખ અપાર રે॥ પછી અનેક ભાત્યનાં અન્ન રે, કરી રાખ્યાં જે ભરી ભાજન રે। તે તો પંક્તિ કરી પીરસ્યાં રે, જમી જન મનમાં હૂલસ્યાં રે॥
નિજ હાથે જમાડે છે નાથ રે, મૂકી જન માથે હરિ હાથ રે। એમ આપે છે સુખ અલેખે રે, તે તો નર અમર સૌ દેખે રે॥
એહ ઉત્સવમાં હતા જન રે, તેનાં ભાગ્ય માનો ધન્યધન્ય રે। પણ એમાં તો ન હોય ભેળા રે, કેડે સાંભળી જેણે એ લીલા રે॥ તે તો બ્રહ્મમો’લે ભલી ભાત્ય રે, જાશે બીજાને લઈ સંગાત્ય રે। તેમાં સંશે કરશો મા કાંઈ રે, હરિએ ઇચ્છા કરી ઉરમાંઈ રે॥
વળી વસંત પંચમીએ વાલે રે, બહુ સખા રંગ્યા’તા ગુલાલે રે। પોતે ભરી ગુલાલની ઝોળી રે, નાંખી રંગ્યા હતા સંત ટોળી રે॥ એહ સમો સંભારે જે જન રે, વળી સાંભળી કરે ચિંતવન રે। તેને અક્ષરધામનું બાર રે, જાણો ઉઘડિયું છે આ વાર રે॥ શીદ શંકા રાખે જન મન રે, મળ્યે સહજાનંદ ભગવન રે। આજ બહુ જીવ તારવા સારુ રે, કર્યા અલબેલે ઉપાય હજારું રે॥
જીવ જોરેશું જાવા છે લઈ રે, સુખી કરવા છે સુખ દઈ રે। હશે જીવને જાવાનું બીજે રે, પણ જાવું પડશે રીઝે ખીજે રે॥
એમાં નહિ પડે કેણે ફેર રે, શીદ કહેવરાવો વેરવેર રે। હરિ પ્રતાપે બ્રહ્મમો’લમાં રે, જાવા આવી ગયા છે તોલમાં રે॥
પ્રકારઃ ૨૮
ગણિયે વળી ગઢપુરથી, જીવ ઉદ્ધારિયા અપાર। તે લેખે ન આવે લેખતાં, વળી થાય નહિ નિરધાર॥ નિત્ય પ્રત્યે નવા નવા, ઉત્સવ થાયે અહોનિશ। જોઈ જન મગન મને, વળી ન્યૂન ન માને લેશ॥
અનેક ભાત્યને ભોજને, જન જમાડે જીવનપ્રાણ। પછી જમાડે જગપતિ, જમે સંત સહુ સુજાણ॥ સંતમંડળ વળી શ્રીહરિ, ભરી નયણે નીરખે જન। તેને તરત તૈયાર છે, હરિધામમાંહી સદન॥ એમ અનેક રીત્યે મહારાજ રે, કર્યાં બહુ બહુ જીવનાં કાજ રે। વળી કરવા બહુનાં કલ્યાણ રે, શું શું કરિયું શ્યામ સુજાણ રે॥
કર્યો હુતાશનીનો સમૈયો રે, તે તો કોઈથી ન જાય કૈ’યો રે। મળ્યા સંત હરિભક્ત સહુ રે, આવ્યા બીજા પણ જન બહુ રે॥
પોતે પે’રી અંબર અમૂલ રે, શોભે પાઘના પેચમાં ફૂલ રે। હૈયે હાર અપાર ગુલાબી રે, શોભે અતિ સુંદર અજાબી રે॥ એવી મૂરતિ મન ભાવન રે, રમે જનને સાથે જીવન રે। હાથે લઈ પોતે પિચકારી રે, નાખે રંગ સોરંગનાં વારિ રે॥
વળી ઉપર નાખે ગુલાલ રે, તેણે સખા થાય રંગ લાલ રે। નાખે સખા તે રંગ સોરંગ રે, તેણે રંગાય વાલાનું અંગ રે॥ લાલ ગુલાલની ભરી ઝોળી રે, નાખે જન પર રમે હોળી રે। એવા દીઠા જેણે દ્રગ ભરી રે, તે તો ગયા ભવજળ તરી રે॥ એવી લીલા કરે છે મહારાજ રે, તે તો સહુ જનનાં સુખ કાજ રે। કે’શે સુણશે જે સંભારશે રે, તેણે સંસાર સિંધુ તરશે રે॥
એમ સહુ જનને સુખ થાવા રે, ચાલ્યા રંગે રમી નાથ નાવા રે। નાહ્યા નાથ સાથે સખા સહુ રે, એહ સમાની શી વાત કહું રે॥
શોભે સખા મધ્યે ઘનશ્યામ રે, જોયા જેણે તેણે કર્યું કામ રે। શોભા બહુ પ્રકારની બની રે, એવી રીતે રમ્યા હુતાશની રે॥ પછી આવી રામનૌમી રૂડી રે, સંભારતાં સહુને સુખમૂડી રે। મળ્યા જન હજારો હજાર રે, સતસંગી કુસંગી અપાર રે॥
તે તો સહુને દરશન થયાં રે, દર્શન વિના તો કોય ન રહ્યાં રે। જોયા જેણે જેણે નયણે નાથ રે, તે તો સર્વે થયા છે સનાથ રે॥ તે તો ભવમાંહી નહિ ભમે રે, એમ શ્યામે ધાર્યું છે આ સમે રે। જન જક્તના તારવા કાજ રે, એવું પણ લીધું છે મહારાજ રે॥ માટે દરશ સ્પરશ દઈને રે, બ્રહ્મમો’લે જાવા છે લઈને રે। વળી એકાદશી કપિલા છઠે રે, દીધાં દર્શન પોતે રૂડી પેઠે રે॥
લાખો લેખે લોકે લીધો લા’વ રે, નીર્ખી નયણે મનોહર માવ રે। એહ દર્શનને પરતાપે રે, જાય અક્ષરધામમાં આપે રે॥
એમ સોંઘું કીધું છે સહુને રે, આજ તારવા જન બહુને રે। નથી જોતા નરસા ને સારા રે, અક્ષરમાં જાય છે એક ધારા રે॥ કર્યો ચાલતો મોક્ષ મારગ રે, ભૂમિ થકી બ્રહ્મમો’લ લગ રે। આવે અંતકાળે નાથ આપે રે, તેડી જાય છે નિજ પ્રતાપે રે॥
પ્રકારઃ ૨૯
એમ ઉત્સવ કરી હરિ, ફરી ફરી દિયે દરશન। અનેકને સુખ આપવા, અતિ પોતે છે પરસન॥ મહા મનોહર મૂરતિ, અતિ સુખદ સહજાનંદ। સહુ જનને સામટું, જાણે આપું મારો આનંદ॥ લે’રી આવ્યા બહુ લે’રમાં, અતિ મે’ર કરી મે’રવાન। દુઃખીયા જીવ સુખીયા કર્યા, વળી પાપી કર્યા પુણ્યવાન॥
ભાગ્ય મોટાં એ ભૂમિનાં, જિયાં હર્યા ફર્યા હરિ આપ। પાવન થઈ એ પૃથ્વી, હરિ ચરણને પ્રતાપ॥
ધન્ય ધન્ય ઉત્તમ દરબાર રે, જિયાં પોતે રહ્યા કરી પ્યાર રે। રમ્યા ભમ્યા જમ્યા જિયાં નાથ રે, જમ્યો મહામુક્તનો જ્યાં સાથ રે॥ ધન્ય ઓરડા ધન્ય ઓસરી રે, જિયાં હરિ બેઠા સભા કરી રે। દિયે દરશન પોતે પરબ્રહ્મ રે, જેને નેતિ નેતિ કે’ નિગમ રે॥
એહ ભૂમિકાનાં મોટાં ભાગ્ય રે, નથી જાણજો એ કહ્યા લાગ્ય રે। ફળી ચોક વળી શું વખાણું રે, શ્વેતવૈકુંઠ સમ જાણું રે॥ ચરણરજે ભર્યાં ભરપૂર રે, સ્પરશે રજ કરે દુઃખ દૂર રે। તિયાં પાપી તજે કોઈ પ્રાણ રે, તે પણ પામે પદ નિર્વાણ રે॥ સોય અગ્ર સમાન અવની રે, નથી વણ સ્પરશ્યે પાવની રે। ધન્ય શેરી બજાર ને હાટ રે, ધન્ય ઉત્તમ ગંગાનો ઘાટ રે॥
ધન્ય ગઢપુરનાં ઘર ફળી રે, ચરણ અંકિત ભૂમિ છે સઘળી રે। ધન્ય વાડી વૃક્ષની છાંય રે, હરિ સ્પર્શ વિના નથી કાંય રે॥
ધન્ય ધન્ય નારાયણ હૃદ રે, સહુ પ્રાણધારી સુખપ્રદ રે। ધન્ય સીમ ક્ષેત્ર વાવ્ય ખળાં રે, કર્યાં હરિએ પવિત્ર સઘળાં રે॥ ધન્ય ઘેલા નદીના ઘાટ રે, કર્યા પંચ પવિત્ર ના’વા માટ રે। તિયાં જે જે જન આવી નાશે રે, તે તો અંતર બાહ્ય શુદ્ધ થાશે રે॥
ના’શે નિરમળ જળ જેહ રે, પરમ ધામને પામશે તેહ રે। જિયાં ના’યા છે જગજીવન રે, એથી નથી નીર કોય પાવન રે॥ પુરુષોત્તમ સ્પરશની જે વસ્તુ રે, ન મળે જ્યાં લગી ઉદે ને અસ્તુ રે। બહુ દેશ બહુ ગામ ઘર રે, કર્યાં સ્પરશી પવિત્ર સુંદર રે॥ જિયાં જિયાં વિચર્યા વાલમ રે, કર્યાં ઘર તે વૈકુંઠ સમ રે। સ્પરશી જાગ્યે ત્યાગે કોય તન રે, જાય બ્રહ્મમો’લ તેહ જન રે॥
એમ ધારી આવ્યા છે અવિનાશી રે, કરવા બહુને ધામના વાસી રે। નિજબળને પ્રતાપે કરી રે, બહુ જીવને તારે છે હરિ રે॥
તેહ સારુ વિચરે વસુધાય રે, બીજો અર્થ નથી એને કાંય રે। અર્થ એ જ ઉદ્ધારવા પ્રાણી રે, આવ્યા શ્યામ એ કામે લિયો જાણી રે॥ માટે જિયાં જિયાં હરિ રહ્યા રે, જે જે સ્થાનકે પોતે હરિ ગયા રે। તે તો સ્થાનક કલ્યાણકારી રે, જે જે જોયાં તે રાખવાં સંભારી રે॥
એ છે દોયલા દનની દોલત્ય રે, સહુ માની લેજો વાત સત્ય રે। હરિને આગ્રહ છે આજ અતિ રે, કરાવવા પોતાની પ્રાપતિ રે॥ એ જ અર્થ કરવો છે સિદ્ધ રે, જીવ તારવા છે બહુ વિદ્ધ રે। એહ સારુ આવ્યા છે આ વાર રે, તે તો નિશ્ચે જાણો નિરધાર રે॥
પ્રકારઃ ૩૦
વળતું વાલમે વિચારિયું, આંહિ મંદિર કરીએ એક। માંહિ બેસારિયે મૂરતિ, અતિ સારી સહુથી વિશેક॥ ગઢડે મહારાજ ઘણું રહ્યા, એમ જાણે છે સહુ જન। માટે મંદિર કરાવિએ, મર આવી કરે દરશન॥
મૂરતિ દ્વારે મનુષ્યનું, થાશે કોટિનું કલ્યાણ। એહ ઉત્તમ ઉપાય છે, એમ બોલિયા શ્યામ સુજાણ॥ સુણી સંત રાજી થયા, રાજી થયા સહુ હરિજન। પછી મોટું મંદિર કરાવવા, અતિ ઉતાવળું ભગવન॥ કર્યું ખાત મુહૂર્ત હરિ હાથે રે, તિયાં હું પણ હતો સંગાથે રે। નાખી નાથે પાયો નક્કી કર્યું રે, એમ આપે મંદિર આદર્યું રે॥
હાં હાં કરતાં થયું તૈયાર રે, વળી ઘણી લાગી નહિ વાર રે। કર્યું મોટું મંદિર બે માળ રે, કરાવિયું હેતે શું દયાળ રે॥
થયું મંદિર પૂરું જે વાર રે, માંહિ મૂરતિ પધરાવી તે વાર રે। ગુણસાગર જે ગોપીનાથ રે, તે તો પધરાવ્યા પોતાને હાથ રે॥ રાધા સહિત શોભે અતિ સારા રે, જે જુવે તેને લાગે પ્યારા રે। એ તો વાસુદેવ ભગવાન રે, જે જુવે તે થાય ગુલતાન રે॥
એ જે ગોપીનાથની મૂરતિ રે, એ તો સુંદર શોભે છે અતિ રે। એવી મૂરતિ એમ પધરાવી રે, સુંદર મંદિર સારું બનાવી રે॥ બાંધ્યું ધામ શ્યામે સહુ કાજ રે, મે’ર કરીને પોતે મહારાજ રે। કંક દેશનું કરવા કલ્યાણ રે, કર્યું કામ એ શ્યામ સુજાણ રે॥ જે જે જન કરે દરશન રે, મૂરતિ જોઈ થાયે મગન રે। કરે દંડવત પરણામ રે, તે તો પો’ત્યા છે પરમ ધામ રે॥
વળી મન કર્મ ને વચને રે, નિરખ્યા ગોપીનાથ જે જને રે। તે તો પામશે અક્ષરધામ રે, થાશે જન તે પૂરણકામ રે॥
એમ દયા કરીને દયાળે રે, કર્યાં કલ્યાણ બહુનાં આ કાળે રે। કોઈ ભાવે અભાવે આજ ભજે રે, આવે હરિ તેડવા તન તજે રે॥ ભાવે કરી કરે જે ભગતિ રે, તે તો પામે પરમ પ્રાપતિ રે। અન્ન ધન વાહન વસને રે, વાસણ ભૂષણાદિ પૂજ્યા જને રે॥
ફળ ફૂલ આદિક જેહ રે, હેતે કરી આપે જન તેહ રે। કુસુમ હાર તોરા ને ગજરા રે, બાજુ કાજુ કુંડળ ગુછ ખરા રે॥ આપી નાથને જોડિયા હાથ રે, તે તો થઈ ચૂક્યા છે સનાથ રે। થાય સેવા તે સર્વે જો રીતે રે, કર્યું જન હેતે પોતે પ્રીતે રે॥ કર્યું કામ એ મોટું મહારાજે રે, સહુ જીવના કલ્યાણ કાજે રે। એમ બહુ બહુ કર્યા ઉપાય રે, જીવ લઈ જાવા ધામમાંય રે॥
તેનો આગ્રહ છે આઠુ જામ રે, નથી પામતા પળ વિશરામ રે। જાણે બાંધી ધામ ઘણાં ઘણાં રે, કરું બાર અપાર મોક્ષતણાં રે॥
ચાર વર્ણ ને આશ્રમ ચાર રે, સહુ પામે ભવજળ પાર રે। મારો આવવાનો અર્થ શિયો રે, જ્યારે જીવને સંકટ રિયો રે॥ ગઢપુર મંદિરથી અપાર રે, કૈક જીવનો કર્યો ઉદ્ધાર રે। ખાયે પીયે રહે ખુશી રમે રે, આવે નાથ તેડવા અંત સમે રે॥
પ્રકારઃ ૩૧
ગણ્યો ન જાયે ગઢપુરનો, માનો મા’ત્મ્ય ને મહિમાય। જિયાં સંત હરિજન સહુ મળી, વળી નીરખે નાથ સદાય॥ સતસંગી બાઈ ભાઈને, થયાં દર્શન ગઢડે ગામ। દર્શન વિના કોય દેશનાં, નથી રહ્યાં પુરુષ ને વામ॥ અઢળક ઢળ્યા મળ્યા જિયાં, વળી આપ્યાં છાતીમાં ચર્ણ। તે ચરણ ચિત્તે ચિંતવતાં, જાણો જાય જન્મ ને મર્ણ॥
બહુ પેર પરસાદીઓ, વળી ઇયાં મળી છે જરૂર। તેનું ઘસાતું બોલવું, એથી બીજો કોણ અસુર॥
એ તો ભોગવશે એનું પાપ રે, તેનો આપણે શો સંતાપ રે। વળી જે જે કર્યું જગતાત રે, કહું સાંભળજો તેની વાત રે॥ સોરઠ દેશવાસી જન કાજે રે, કરાવિયું મંદિર મહારાજે રે। જોઈ જીરણગઢ માંઈ જાગ્ય રે, દીઠી દેવળ કરવા લાગ્ય રે॥
જાણ્યું આ જાગ્યે મંદિર થાય રે, તેનો મોટો વધે મહિમાય રે। મોટું શેહર તીરથ વળી મોટું રે, જિયાં આવે મનુષ્ય કોટાનકોટું રે॥ તેહ સહુને થાય દરશન રે, તેણે કરી તરે બહુ જન રે। વળી દેશમાં સારા સતસંગી રે, જેની પ્રીત પ્રભુમાં અભંગી રે॥ સ્વામી રામાનંદજીના શિષ્ય રે, હેતે હરિ ભજે છે હમેશ રે। સહુ સિદ્ધ સમાધિ સંપન્ન રે, અતિ અનઘ જાણો એ જન રે॥
વળી આવી અમે એહ દેશ રે, રહી ગયા વરણીને વેષ રે। જોઈ પવિત્ર દેશ પાવન રે, ઘણું ઘણું માની ગયું મન રે॥
પછી લોભી રહ્યા લોજ ગામ રે, કરવા અનેક જીવનાં કામ રે। કરતા બહુ બહુ અમે વાત રે, સુણી સહુ થાતા રળિયાત રે॥ વળી દેખાડતા પરતાપ રે, થાય સમાધિ ટળે સંતાપ રે। સમાધિયે સુખી નર નાર રે, ના’વે સમાધિથી કોઈ બા’ર રે॥
કોઈ સુરપુર અવલોકે રે, કોઈ રહી જાય સત્યલોકે રે। દેખે કૈલાશ ને બદ્રીવન રે, કોઈ દેખે છે મુક્ત નિરન્ન રે॥ દેખે સ્વર્ગ મૃત્યુ ને પાતાળ રે, એવું દેખાડતા તતકાળ રે। કોઈ દેખે છે ગોલોક ધામ રે, જોઈ માને છે પૂરણકામ રે॥ કોઈ અક્ષરધામ અવલોકે રે, જોઈ મીટ થકી તે ન મુકે રે। દેખે પર ને પોતાનું મન રે, દેખે ઘાટ પરસ્પર જન રે॥
એવો પ્રગટ કર્યો’તો પ્રતાપ રે, સૌ જન કરવા નિષ્પાપ રે। રહ્યા એ દેશમાં અમે ઘણું રે, સહુને દર્શન થયું અમ તણું રે॥
તેહ દેશમાંહી હવે દાસ રે, અમ વિના થયા છે ઉદાસ રે। માટે મંદિર થાય એક સારું રે, એમાં બહુ છે ગમતું અમારું રે॥ માટે જીરણગઢમાં જઈ રે, કરાવું મંદિર સુંદર સઈ રે। પછી મંદિર કરવા કાજ રે, મોકલ્યા છે મોટા મુનિરાજ રે॥
કર્યો આદર થાવા દેવળ રે, અતિ સરસ અનુપ અકળ રે। થયું થોડાક દિનમાં તૈયાર રે, ત્યાં તો પધાર્યા પ્રાણ આધાર રે॥ સંતો મૂર્તિયો સારી સારી રે, મારે હાથે હું દિયું બેસારી રે। એહ મૂર્તિનો મહિમાય રે, કે’તાં કેડ્યે કેણે ન કે’વાય રે॥
પ્રકારઃ ૩૨
પછી મંદિરમાંહી મૂરતિયો, પધરાવી કરી બહુ પ્રીત। સુખકારી તે મૂરતિ, અતિ સારી સુંદર શોભિત॥
મધ્યના મંદિરમાં મનોહર, જોયા જેવી જે જોડ। પ્રેમે કરી પધરાવિયા, ત્રિકમરાય રણછોડ॥ પૂર્વ દેરે પધરાવિયા, રાધારમણ કૃષ્ણ કૃપાળ। આવી બેઠા ગરુડાસન, અતિ દયા કરીને દયાળ॥
પશ્ચિમ દેરે પધરાવિયાં, શિવ પારવતી સુખરૂપ। ગણપતિ વૃષભ વળી, મળી શોભે છે અતિ અનુપ॥ સુંદર મૂરતિયો સરખી સારી રે, તે તો મંદિરમાંય બેસારી રે। જોયા જેવી મૂર્તિ જૂનેગઢ રે, જે જે જુવે તેને લાગે રઢ રે॥ એવી પોતે મૂર્તિ પધરાવી રે, ગઢડેથી જૂનેગઢ આવી રે। કરવા અનેક જીવનું કલ્યાણ રે, કર્યું કામ શ્યામ સુજાણ રે॥
કર્યો ઉત્સવ અતિ ત્યાં ભારી રે, આવ્યાં દર્શને સૌ નરનારી રે। તેને ભોજન કરાવ્યાં ભાવતાં રે, પછી નાહી નાથ જમ્યા હતા રે॥
જમી પોતે જમાડિયા જન રે, ભાવે પીરસિયું ભગવન રે। ફરિ ફરિ ફેરવે મોદક રે, દિયે દોય માગે કોઈ એક રે॥ અતિ હેત છે હરિજન માથે રે, માટે જમાડે છે જન હાથે રે। એમ જમાડી રહ્યા જન જ્યારે રે, મળ્યા સહુ સંતને તે વારે રે॥
મળી વળી સંત પાયે પડ્યા રે, વળતા નાથ રૈવતાચળ ચડ્યા રે। એમ હરે ફરે કરે કાંઈ રે, સહુ જનને છે સુખદાઈ રે॥ મંદિર કરાવ્યું જે મહારાજે રે, સહુ જીવના કલ્યાણ કાજે રે। કોઈ આવી દર્શન કરશે રે, તે તો અપાર સંસાર તરશે રે॥ એહ મોટો કર્યો ઉપકાર રે, બહુ જીવ તારવા આ વાર રે। પશ્ચિમ દેશ કરવા પુનિત રે, કર્યું મંદિર સારું શોભિત રે॥
વળી સંતને આપી આગન્યા રે, રે’વું નહિ આંહિ આવ્યા વિના રે। વરષો વરષ એક માસ રે, કરવો આ મંદિરમાંહિ વાસ રે॥
એવી આગન્યા આપી દયાળે રે, તે તો માની લીધી છે મરાળે રે। વળી કરી છે હેતની વાત રે, તેણે સહુ થયા રળિયાત રે॥ કહે આ દેશ છે બહુ સારો રે, સહુ જન મનમાં વિચારો રે। ઇયાં રામાનંદ સ્વામી રે’તા રે, જીવ બહુને અભયદાન દેતા રે॥
સોરઠ દેશનાં સર્વે ગામ રે, તેમાં વસે છે પુરુષ ને વામ રે। તે સહુને દરશન થયાં રે, કોઈ દરશન વિના ન રહ્યાં રે॥ વળી અમે પણ જો સોરઠે રે, સરવે ફર્યા છીએ સારી પેઠે રે। સહુ જાણે છે અમને જન રે, વળી થયાં છે સહુને દર્શન રે॥ જે જે જપે છે અમારું નામ રે, તે તો પામશે પરમ ધામ રે। વળી આ મૂરતિ જે બેસારી રે, તે નીરખશે જે નરનારી રે॥
તેને શીદ રાખી જોઈએ શંકા રે, જાશે બ્રહ્મમો’લે દઈ ડંકા રે। એમ ધારીને આવ્યા છીએ અમે રે, સત્ય માનજ્યો સહુજન તમે રે॥
આ વારનો જે અવતાર રે, એવો ન થાયે વારમવાર રે। નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજ્યો સૌ મનમાંથી રે॥
પ્રકારઃ ૩૩
એવી વાત વાલમે કરી, ધરી હરિ હૈયે ઘણું હેત। સુણી મગન મુનિ થયા, વળી સતસંગી સમેત॥ આશ્ચર્ય પામ્યા સહુ અંતરે, એવાં સુણી વાલાનાં વેણ। જાણું જીવ ઉદ્ધારવા, આવ્યા આપે શ્યામ સુખદેણ॥
પ્રાણધારી જે પ્રથવિયે, તે સહુને લેવા સ્વધામ। એહ આગ્રહ ઉરમાં, ઘણો ઘણો કરે ઘનશ્યામ॥ જોઈ મહારાજની મરજી, હાથ જોડી કહે મુનિરાજ। જેમ કહો તેમ કરિયે, કે’જો કૃપા કરી હરિ આજ॥ તારે નાથ કહે સુણો સંત રે, આજ તારવા જીવ અનંત રે। માટે જેમ જેમ જીવ તરે રે, એમ કરવું છે સહુને સરે રે॥
માટે દેશોદેશમાં દેવળે રે, માંડો સારી મૂર્તિયો સઘળે રે। એહ મૂર્તિનાં દર્શન કરશે રે, તે તો અપાર પ્રાણી ઉદ્ધરશે રે॥
જાણો એહ ઉપાય છે ભારી રે, સહુ જુવો મનમાં વિચારી રે। માટે કચ્છમાં મંદિર કરવું રે, થાય પ્રાણીને પાર ઊતરવું રે॥ એવું સુણી સંત સજ્જ થઈ રે, કર્યું ભુજમાં મંદિર જઈ રે। માંહી બેસાર્યા નરનારાયણ રે, કચ્છ દેશ તારવા કારણ રે॥
વળી ધોળકે મંદિર કરાવી રે, તેમાં મૂર્તિ સારી પધરાવી રે। એવો કરિયો એહ ઉપાય રે, જેણે કરી જન સુખી થાય રે॥ (મોરલીમનોહર હરિકૃષ્ણ રે, પોતે શ્રીજી થઈ અતિ પ્રશ્ન રે। જીવ અનંત ઉદ્ધારવા કાજ રે, આવ્યા ત્યાં ઘણી વાર લઈ સમાજ રે॥ ૧॥) કરાવિયું એ કાજ સંતરાજે રે, બહુ જીવને તારવા કાજે રે। વળી નાથ કે’ કહું છું અમે રે, કરજો થાય તો મંદિર તમે રે॥ પછી સંત જોઈ જોઈ જાગ્યા રે, દેશોદેશ દેરાં કરવા લાગ્યા રે। જે જે દેશમાં દેવળ થયાં રે, તે તે દેશમાં જન જે રહ્યાં રે॥
તે તો ઉત્સવ સમૈયા માથે રે, આવે સહુ દરશને સાથે રે। કરી દર્શન પ્રસન્ન થાય રે, મુખે સ્વામિનારાયણ ગાય રે॥
લેતાં સ્વામિનારાયણ નામ રે, થાય શુદ્ધ સહુ નર વામ રે। સ્વામિનારાયણ નામ જેવું રે, નથી બીજું નામ કોઈ એવું રે॥ માટે જે જપશે એ નામ રે, તે તો પામશે અક્ષરધામ રે। એવો એ નામનો પરતાપ રે, પ્રગટાવ્યો પૃથ્વી પર આપ રે॥
બહુ પ્રકારે કરવા કલ્યાણ રે, નાથે ધારિયું છે નિરવાણ રે। માટે જે જે ક્રિયાઓ કરે છે રે, તેમાં અનંત જીવ તરે છે રે॥ એમ જીવ જગતના સહુ રે, કર્યા તારવા ઉપાય બહુ રે। એહ ઉપાયમાં જે આવી ગયા રે, તે સહુ ભવપાર થયા રે॥ એહ અર્થે આપે આવિયા રે, કરી બહુ જીવ પર દયા રે। આજ જક્તના જીવ છે જેહ રે, તર્યા પ્રભુ પ્રતાપથી તેહ રે॥
અતિ સામર્થી વાવરી છે આજ રે, આવી પુરુષોત્તમ મહારાજ રે। સહુ પાર સહુને સરે રે, આજ એવી સામર્થી વાવરે રે॥
જે જે જાણશે તે તે વખાણશે રે, બીજા જન તેહ શું જાણશે રે। નથી વાત જેવડી એ વાત રે, એમ જાણે છે સંત સાક્ષાત રે॥ તે તો કહે છે કર વજાડી રે, ચોખા ચોખી જો વિગતિ પાડી રે। તેની પ્રતીતિ ન પડે જેને રે, ના’વે અલૌકિક સુખ તેને રે॥
પ્રકારઃ ૩૪
વળી શ્રીહરિ કે’ સંત સાંભળો, મોટાં કરાવિયાં મંદિર। તેમાં બેસારી મૂરતિયો, અતિ સારી સુંદિર॥ જે જે દેશે મંદિર કર્યાં, તે તે દેશને આવ્યાં કામ। હવે સરવે દેશને અરથે, એક બંધાવીયે સારું ધામ॥ દેશી પ્રદેશી દર્શન કરે, તેનાં પ્રજાળવાં વળી પાપ। એવું મંદિર એક કરવું, એમ બોલ્યા શ્રીહરિ આપ॥
ભાગ્ય જગાડવાં ભાલનાં, ધોલેરે બાંધીએ ધામ। તેમાં બેસારિયે મૂરતિ, અતિ શોભિત સુંદર શ્યામ॥
એહ બંદર સુંદર સારું રે, જિયાં આવે છે લોક હજારું રે। તિયાં મંદિર કરવું એક રે, સારું સહુથી વળી વિશેક રે॥ એમ નાથે કરી નિરધાર રે, પૂછ્યું પુંજાભાઈને તે વાર રે। સુણો પુણ્યવાન પુંજાભાઈ રે, કરિયે મંદિર ધોલેરા માંઈ રે॥
વળી સતસંગીને કહે શ્યામ રે, કો’તો ધોલેરે બાંધિયે ધામ રે। સહુ બોલો શુદ્ધભાવે કરી રે, એમ હરિજનને કહે હરિ રે॥ ત્યારે હરિજને જોડ્યા હાથ રે, ધન્ય ધન્ય કહે સહુ સાથ રે। જાગે ભાગ્ય મોટું જો અમારું રે, કરો મંદિર તો બહુ સારું રે॥ મંદિરના જોગે મહારાજ રે, રહે સંતનો સહુ સમાજ રે। હરતાં ફરતાં દર્શન થાય રે, અતિ મોટો એ લાભ કે’વાય રે॥
નથી એથી બીજું કાંઈ સારું રે, એમાં અતિ રૂડું છે અમારું રે। એમ બોલ્યા સતસંગી સહુ રે, સુણી નાથ રાજી થયા બહુ રે॥
પછી આપ્યાં છાતીમાં ચરણ રે, જેહ ચરણ ભવભયહરણ રે। કર્યા નિરભય છાપી છાતી રે, કહ્યે વાત એ નથી કે’વાતી રે॥ કર્યા બ્રહ્મમો’લના નિવાસી રે, રાજી થઈ આપે અવિનાશી રે। પછી કહ્યું સહુ બાઈ ભાઈ રે, રે’જો મંદિરની સેવા માંઈ રે॥
પછી પુંજોભાઈ જે પવિત્ર રે, અતિ ડાહ્યા છે સહુના મિત્ર રે। જેને જક્તસુખ લાગ્યું ઝેર રે, પંચ વિષય સાથે રાખ્યું વેર રે॥ અન્ન ધન ને આયુષ જેહ રે, કર્યું હરિપરાયણ તેહ રે। એવા અતિ ઉદાર દંપતિ રે, કરી હરિને અર્પણ સંપતિ રે॥ ધન્ય ધન્ય ભક્તિ ભાઈયોની રે, તેથી અતિ અધિક બાઈયોની રે। એવા જન જોઈ શ્રદ્ધાવાન રે, બહુ રાજી થયા ભગવાન રે॥
દીઠા હરિજન ઠાઉકા ઠીક રે, એક એક થકી જો અધિક રે। પછી બોલ્યા શ્યામ સુખદાઈ રે, કરશું મંદિર જરૂર આંઈ રે॥
સહુ સેવામાંઈ તમે રે’જો રે, આ તો મોટો પરમાર્થ છે જો રે। યાંથી ઉદ્ધરશે લાખું ક્રોડી રે, એ તો નથી કમાણી કાંઈ થોડી રે॥ બીજાં કોટિ કોટિ કરે દાન રે, ના’વે જીવ ઉદ્ધાર્યા સમાન રે। જેથી જનમ-મરણ દુઃખ જાય રે, પામે અભયપદ સુખી થાય રે॥
એ તો પરમારથ મોટો ભારી રે, સહુ જુવો મનમાં વિચારી રે। એમ પોતે બોલ્યા પરબ્રહ્મ રે, પૂર્ણકામ જે પુરુષોત્તમ રે॥ તમે સાંભળો સૌ નર નાર રે, અમે કર્યો છે જે આ વિચાર રે। એવું સુણી હરખ્યાં સહુ જન રે, સુખદાયક સ્વામી ધન્ય ધન્ય રે॥
પ્રકારઃ ૩૫
પછી અલબેલે આગન્યા કરી, મંદિર કરવા માટ। ઇયાં મંદિર કરવું, જિયાં અમે ઢાળી છે પાટ॥
અતિ ઉત્તમ છે આ ભૂમિકા, મોટાં ભાગ્યવાળી ભરપૂર। ઓછું માહાત્મ્ય આનું નથી, જન મને જાણજો જરૂર॥ જિયાં બેસી અમે જમિયા, વળી ઢાળ્યો ઢોલિયો અમૂલ્ય। જુવો વિચારી જીવમાં, કોણ આવે આ ભૂમિને તુલ્ય॥
માટે મંદિર આંહિ આરંભો, અતિ ઉરે આણી આનંદ। થાશે સરસ સહુથી, એમ બોલિયા સહજાનંદ॥ પછી આદરિયું છે મંદિર રે, અતિ ઉતાવળું તે અચિર રે। ખાત મુહૂર્ત ખાંત્યેશું કીધું રે, પછી મંદિરનું કામ લીધું રે॥ થાય અહોનિશ કામ એહ રે, કરે જન કરીને સનેહ રે। થયું તૈયાર વાર ન લાગી રે, ત્યાં તો પધાર્યા શ્યામ સુહાગી રે॥
જોઈ મંદિર મગન થયા રે, સારું સારું કર્યું કે’ છે રહ્યા રે। હવે બેસારિયે જો મૂરતિ રે, રાધાકૃષ્ણની સારી શોભતી રે॥
પછી સમે સિંહાસન માથે રે, મદનમોહન પધરાવ્યા હાથે રે। કરી પૂજા આરતી ઉતારી રે, થયો જયજય શબ્દ ભારી રે॥ મદનમોહનની જે મૂરતિરે, તે તો સુંદર શોભે છે અતિ રે। જે જે નીરખે નયણાં ભરી રે, તેનું મન ચિત્ત લિયે હરી રે॥
એવી મૂરતિયો છે અતિ સારી રે, પ્રતિપક્ષીને પણ લાગે પ્યારી રે। મદનનું પણ મોહે મન રે, ત્યારે બીજા ન મોહે કેમ જન રે॥ શોભાસાગર સુખની ખાણી રે, છબી જાતી નથી જો વખાણી રે। જોઈ જોઈ જન મન લોભે રે, એવા મદનમોહન શોભે રે॥ મહા મનોહર જે મૂરતિ રે, તે તો બેસારી કરી હેત અતિ રે। કર્યો મોટો ઉત્સવ એહ દન રે, સહુને કરાવ્યાં ભોજન રે॥
કર્યો સમૈયો બહુ સારો રે, લાગ્યો પ્રેમી જનને પ્યારો રે। જમ્યા રમ્યા સંત રૂડી રીતે રે, પરિપૂરણ થયા સહુ પ્રીતે રે॥
જાણો જમ્યા તે હરિને હાથે રે, સંત સર્વે સતસંગી સાથે રે। જે કોઈ ઉત્સવ પર આવિયું રે, તે તો જમ્યા વિના નહિ રહ્યું રે॥ જમ્યા સહુ ઉત્સવનું અન્ન રે, એવો સમૈયો કર્યો ભગવન રે। જે જે જમિયા જન અન્ન એહ રે, થયા મોક્ષભાગી સહુ તેહ રે॥
વળી કર્યાં જેને દરશન રે, તે તો થયા પરમ પાવન રે। એવો કર્યો મોટો ઉપકાર રે, જગ જીવ તારવા આ વાર રે॥ મૂરતિ બેસારી સારી સુંદર રે, અતિ શોભિત મહા મનોહર રે। નિજભક્તની પુરવા આશ રે, મૂર્તિ બેસારી ધોલેરે વાસ રે॥ કરવા અનેક જીવનું કલ્યાણ રે, આપે ઉઘાડી મોક્ષની ખાણ રે। આવે દેશી પરદેશી દર્શને રે, નીરખે હરખી હરખી મને રે॥
જેણે જેણે જોયા નયણે નાથ રે, વળી પાયે લાગ્યા જોડી હાથ રે। તેનાં સરી ગયાં સર્વે કામ રે, વળી પામશે પરમ ધામ રે॥
એમ ઇચ્છા કરી છે હરિ આપ રે, જીવ તારવા આપ પ્રતાપ રે। બહુ જનની કરવી છે સાર રે, એવો કરી આવ્યા છે નિરધાર રે॥
પ્રકારઃ ૩૬
વળી શ્રીહરિ કે’ સહુ સાંભળો, બહુ બહુ બનાવ્યાં મંદિર। અનેક જીવ ઉદ્ધારવા, કર્યું કામ અનામ અચિર॥ સુંદર મંદિર સારાં થયાં, સ્થાપી મૂરતિયો મનોહર। પણ મદનમોહન મારા મનમાં, અતિ સારા લાગે છે સુંદર॥
નાનો દેશ નિરસ અતિ, દેહાભિમાનિને દુઃખરૂપ। તિયાં ત્યાગી હોય તે ટકે, બીજાને સંકટરૂપ॥ માટે મારે એ મંદિર પર, ઘણું ઘણું રહે છે હેત। ધન્ય ધન્ય એહ સંતને, જે ઇયાં રહે કરી પ્રીત॥ મારે વચને જે ઇયાં રહે છે રે, સુખ દુઃખ શરીરે સહે છે રે। એક મને કરવાને રાજી રે, નથી રાખી શરીર શું સાજી રે॥
એહ સંત બીજા સંત જેહ રે, બરોબર માનું કેમ તેહ રે। હોય બરોબર બેહુ જ્યારે રે, ત્યારે તમ ઘણું ઘેર મારે રે॥
પણ એમ જાણશો મા કોય રે, જેહ ત્યાગ વા’લો મને નોય રે। માટે સે’જે સે’જે તપ થાય રે, એવું છે જો એ મંદિર માંય રે॥ એહ સંતને જમાડશે જેહ રે, મોટા સુખને પામશે તેહ રે। બીજા જક્તના જમાડે ક્રોડ્ય રે, તોયે આવે નહિ એની જોડ્ય રે॥
એને પૂજી ઓઢાડે અંબર રે, વળી પાયે લાગે જોડી કર રે। તે તો જન જાયે બ્રહ્મમો’લ રે, સત્ય માનજો છે મારો કોલ રે॥ જેહ જન મારા રાજીપામાં રે, રહે હાથ જોડી ઊભા સામા રે। એથી સંત બીજા કોણ સારા રે, એવા સંત લાગે મને પ્યારા રે॥ દેહાભિમાની તો દીઠા ન ગમે રે, જે કોઈ ભક્તિથી ભાગતા ભમે રે। એમ શ્રીમુખે કહે વળી વળી રે, સત્ય લખ્યું જાણજો સાંભળી રે॥
જેવો સંતનો કર્યો સતકાર રે, તેવો મૂરતિમાં છે ચમત્કાર રે। જેહ દિનથી બેઠી એ મૂરતિ રે, તેહ દિનથી થયું સુખ અતિ રે॥
શે’રમાં પણ થયો સમાસ રે, દેશી પ્રદેશી વસ્યા કરી વાસ રે। જિયાં હતાં વાંસડાનાં ઘર રે, તિયાં થઈ હવેલિયો સુંદર રે॥ તે તો મદનમોહન પ્રતાપ રે, સહુ સુખિયાં થયાં છે આપ રે। તે તો જાણે છે પોતાના જન રે, બીજાને તો મનાયે નહિ મન રે॥
પણ જાણે અજાણે જે જન રે, કરશે મદનમોહનનાં દર્શન રે। તે તો આ લોક પરલોક માંઈ રે, મોટા સુખને પામે સદાઈ રે॥ જાણે અજાણે લેશે જે નામ રે, તે તો જન છે પૂરણકામ રે। ભાવ સહિત કરશે ભજન રે, તેનું બ્રહ્મમો’લે છે સદન રે॥ તેહ સારુ છે ધોલેરે ધામ રે, બહુ જીવનું કરવા કામ રે। દેશી પ્રદેશી આવી ત્યાં બહુ રે, કરે હરિનાં દર્શન સહુ રે॥
પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ રે, આવે ત્યાંથી તણાઈ તતક્ષણ રે। સો સો જોજનથી આવે જન રે, કરે મદનમોહનનાં દર્શન રે॥
તે તો અવિચળ ધામમાં આપે રે, જાશે પ્રગટ પ્રભુ પ્રતાપે રે। તેમાં સંશય કરશો માં કોય રે, હરિ ધારે તે શું ન હોય રે॥ માટે એ મૂરતિ દ્વારે કરી રે, જાશે બહુ જીવ ભવ તરી રે। તેહ સારુ કર્યું છે મહારાજે રે, અમૃતપદ પમાડવા કાજે રે॥
પ્રકારઃ ૩૭
એમ અનેક પ્રકારનાં, બહુ બહુ ઊઘાડ્યાં બાર। કલ્યાણ કરવા કારણે, અલબેલે જાણો આ વાર॥ આપ સંબંધે સંત સંબંધે, વર્ણી સંન્યાસી સંબન્ધે સોય। સાંખ્યજોગી સત્સંગી સંબંધે, શ્રેય પામ્યાં સહુ કોય॥ મંદિર મૂર્તિ સંબંધે, કર્યા કલ્યાણના ઊપાય। એ માંહેલો પ્રસંગ પ્રાણીને, થાય તો ભવદુઃખ જાય॥
જેમ અન્નધન આપી આપણું, કરે કંગાલને કોટિધ્વજ। એમ સમાજ દૈ તારે જીવને, એની સઈ આશ્ચરજ॥
એમ બહુ બહુ પરકારે રે, વાલે જીવ તાર્યા આ વારે રે। બહુ હરિ કરી પરમાર્થ રે, તાર્યા જીવ વાવરી સામર્થ્ય રે॥ વળતો વિચાર કર્યો છે વાલે રે, આવું આવું ઘણું કેમ ચાલે રે। મોટાં મોટાં કરાવ્યાં મંદિર રે, તેમાં રાખિયા સંત સુધીર રે॥
પણ તે તો સંત છે જો ત્યાગી રે, વસી કેમ શકશે વીતરાગી રે। મમત વિના મંદિર કેમ રે’શે રે, વાત બંધ એ કેમ બેસશે રે॥ જેહ ત્યાગી છે ત્રિયા ધન તણા રે, દેહસુખથી નિરાશી ઘણા રે। તેણે નહિ જળવાય જાગ્ય રે, નથી વાત એ બનવા લાગ્ય રે॥ માટે એના કરું એક ધણી રે, તો રાખે ખબર એની ઘણી રે। પછી સરવાર દેશથી સંબંધી રે, તેને તેડાવી જાયગા દીધી રે॥
સ્થાપ્યા દત્તપુત્ર પોતે સ્થિર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે। તેને આપે કર્યા આચારજ રે, કરવા બહુ જીવનાં કારજ રે॥
આપ્યાં વેં’ચી મંદિર ને દેશ રે, જેમાં કોઈને ન થાય કલેશ રે। સાધુ સત્સંગીના ગુરુ કીધા રે, દેશ ઉત્તર દક્ષિણ વેં’ચી દીધા રે॥ કહે સહુ સહુને દેશે રે’જો રે, સારો સહુને ઊપદેશ દેજો રે। તમને માનશે પૂજશે જેહ રે, મોટા સુખને પામશે તેહ રે॥
અન્ન ધન આપશે અંબર રે, પશુ વાહન ને વળી ઘર રે। ફળ ફૂલ દલ જળ દેશે રે, તે તો અખંડ ધામને લેશે રે॥ એહ આદિ જે આપશે વસ્ત રે, એવા ઘરધારી જે ગૃહસ્થ રે। વળી પધરાવશે પોતાને ઘેર રે, કરશે સેવા વળી સારી પેર રે॥ વળી કરશે સન્માન એનું રે, મારે કરવું છે કલ્યાણ તેનું રે। એમ આચારજથી કલ્યાણ રે, થાશે સહુ જીવનું સુજાણ રે॥
માનો મોક્ષનો છેલ્લો ઉપાય રે, એહ ઉપરાંત નથી કાંય રે। મૂર્તિ આચારજ ધર્મપાળ રે, રે’શે કલ્યાણ તે બહુ કાળ રે॥
જે જે એને કોઈ આશરશે રે, તે તો જરૂર ભવજળ તરશે રે। કરશે દર્શનને ગુણ લેશે રે, વળી પોં’ચ્ય પ્રમાણે કાંઈ દેશે રે॥ શ્રદ્ધા સહિત સેવા કરે સોઈ રે, વળી રાજી થાશે એને જોઈ રે। એવા જન જે જે જગમાંય રે, તેની કરવી મારે સહાય રે॥
મારી ઇચ્છા છે હમણાં એવી રે, પરમ પ્રાપતી સહુને દેવી રે। માટે મોક્ષનું મોટું દ્વાર રે, અમે ઉઘાડિયું છે આ વાર રે॥ આચારજથી બહુ ઉદ્ધરશે રે, જાણો બ્રહ્મનગર વાસ કરશે રે। એમ શ્રીમુખે કહ્યું શ્રીજીયે રે, જન સૌ સત્ય માની લીજિયે રે॥
પ્રકારઃ ૩૮
એમ મોટપ્ય આચારજની, ઘણી ઘણી કહી ઘનશ્યામ। એહ દ્વારે અનેકને, આપવું છે આજ નિજ ધામ॥
ધામધણીયે એમ ધારિયું, જન ઉદ્ધારવા છે અપાર। પાર પમાડવા પ્રાણીને, એહ કર્યા આપે ઉપકાર॥ આચારજથી અનેક જનનો, અવશ્ય સરશે અર્થ। એમ આપે આ સમે, વાવરી અતિ સામર્થ॥
ધર્મકુળને જે અનુસરે, ત્યાગી ગૃહી નર કોઈ નાર। પરિશ્રમ વિના તે પામશે, અપાર ભવનો પાર॥ આચારજ કર્યા છે જે અમે રે, તેની રીત સુણી લિયો તમે રે। નથી અન્ય આચારજ જેવા રે, જાય શ્રદ્ધા કરતા સેવા રે॥ લાવો લાવો એમ વળી કરે રે, ધન લેવા ધરણીએ ફરે રે। લિયે ધન ને તાકે ત્રિયને રે, તે કેમ કરે જીવનાં પ્રિયને રે॥
માટે એવા આચારજ આ નહિ રે, એ પણ વાત સમઝવી સહિ રે। આ તો ત્રિયા ધનના તાકુ નથી રે, તેની વાત કહિયે છીએ કથી રે॥
અમે બાંધી દીધી છે જે રીત રે, તેમાં રે’ છે કરી અતિ પ્રીત રે। શિષ્ય શ્રદ્ધાએ કરશે સેવા રે, ધન ધાન્યાદિ આવશે દેવા રે॥ તે તો સંતોષ સહિત લેશે રે, પણ કોઈને દુઃખ ન દેશે રે। એમ વરતશે એહ આપ રે, પણ નહિ કરે કોઈને સંતાપ રે॥
નિજ સંબંધી વિના બાઈયો સંગે રે, કે દી ન બોલે ન અડે અંગે રે। કોઈ ઉપર રોષ ન રાખે રે, વળી કોઈને કલંક નહિ નાખે રે॥ કેની જમાની પણ નહિ કરે રે, જૂઠી સાખ્ય પણ નહિ ભરે રે। પડશે આપત તો માગી ખાશે રે, કરજ કેનું ન કાઢવા જાશે રે॥ નહિ રાખે કોઈની થાપણ રે, નહિ વેચે ધર્માદાના કણ રે। સહુ ઉપર રાખશે દયારે, રે’શે એ ગુણે જે ગુણ કહ્યા રે॥
કળ છળ કપટ દગાઈ રે, તે તો રાખશે નહિ ઉર માંઈ રે। ઈરષા અદેખાઈ ને અમર્ષ રે, રાખી નહિ ખુવે પોતાનો જશ રે॥
નહિ રાખે કોઈ પર રોષ રે, એમ વર્તશે સદા અદોષ રે। એવા શુભ ગુણ જે અપાર રે, આપ્યો એવાને અમે અધિકાર રે॥ સહુના ગુરુ કરી સોંપી ગાદી રે, રીત રાખશે એ રાયજાદી રે। ધર્મવંશી ધર્મ થાપશે રે, સારો ઉપદેશ સૌને આપશે રે॥
એ તો કર્યું છે કલ્યાણ સારું રે, એમાં બહુ ગમતું છે અમારું રે। કાં જે કરવું છે બહુનું કારજ રે, નથી રાખવો ફેર એક રજ રે॥ એહ આચારજથી અપાર રે, બહુ જીવનો થાશે ઉદ્ધાર રે। એમાં નહિ પડે કાંઈ ફેર રે, શીદ કે’વરાવો વેરવેર રે॥ એમ જન પર હેત કરી રે, આપ ઇચ્છાએ આવ્યા છે હરિ રે। ગમે ત્યાંથી તારશે પ્રાણી રે, તેની ગતિ લેશે કોણ જાણી રે॥
ધાર્યું ધર્મસુતે ધામ દેવા રે, સહુ જનને શરણે લેવા રે। અતિ અસમર્થ જીવ અંગે રે, પોં’ચી ન શકે સુરપુર લગે રે॥
તેને તેડી જાવા અક્ષરધામ રે, એવું ધાર્યું છે જો ઘનશ્યામ રે। તેહ સારુ આવ્યા છે આપે રે, જીવ તારવા નિજ પ્રતાપે રે॥
પ્રકારઃ ૩૯
એમ કહી રીત કલ્યાણની, આ સમાની અગણિત। તે સૌએ શ્રવણે સાંભળી, અતિ ઉત્તમ પરમ પુનિત॥ એહ રીતમાં જે આવી ગયા, તે થયા પૂરણકામ। તે તો તન જ્યારે તજશે, ત્યારે પામશે પ્રભુનું ધામ॥
જેહ ધામને પામીને, પાછો ન પડે જન કોય। એવું અખંડ એ ધામ છે, ત્યાં સુખે વસે જન સોય॥ તે ધામને ધામીયે ધારિયું, દેવા સ્વધામનું જો સુખ। જીવ જગતના જોઈને, દયા આણી ટાળવા દુઃખ॥ મારા ધામમાં આવવા સહુ રે, એવા કર્યા ઉપાય મેં બહુ રે। સર્વે ઉપાય કીધા છે સારા રે, તેમાં તરશે જીવ અપારા રે॥
પણ છેલો છે આ જે ઉપાય રે, બહુ જીવ તરશે આ માંય રે। ધર્મવંશી આચારજ ધાર્યા રે, ગુરુ કરી ગાદીએ બેસાર્યા રે॥
કામ કર્યું છે એહ સારું રે, મન માન્યું છે બહુ અમારું રે। કાં જે એ છે ધર્મનું કુળ રે, માટે એ વાતનું ઊંડું મૂળ રે॥ જેવું અમારું કુળ મનાશે રે, તેને તુલ્ય બીજું કેમ થાશે રે। માટે વિચારીને વાત કીધી રે, ઘણું સમજીને ગાદી દીધી રે॥
ધર્મવંશી તે ધર્મમાં રે’શે રે, અધર્મ વાતમાં પગ ન દેશે રે। ધર્મ પાળશે ને પળાવશે રે, અધર્મની રીત ટળાવશે રે॥ આપ આપણે ધર્મ રાખશે રે, નર નારીનાં નિ’મ કૈ’ દાખશે રે। ત્યાગી ગૃહીના ધર્મ સૂચવી રે, કે’શે જૂજવા જૂજવા ચવી રે॥ કાં જે બેઠા છે ધર્મની ગાદી રે, કે’શે ધર્મની રીતિ જે અનાદિ રે। તેણે સૌ રહેશે ધર્મધારી રે, ત્યાગી ગૃહી નર ને જે નારી રે॥
ધર્મ અમને છે બહુ વા’લો રે, એમ કહે છે ધર્મનો લાલો રે। ધર્મવાળા સાથે હેત મારે રે, એમ વાલો કહે વારે વારે રે॥
અધર્મી સાથે મારે અદેખાઈ રે, રે’ છે રાત દિવસ મનમાંઈ રે। અધર્મી જનની જેહ ભગતિ રે, નથી ગમતિ મને જો રતિ રે॥ એના હાથનું અન્ન ન ભાવે રે, મર બહુ સારું કરી લાવે રે। અધર્મીના હાથનું જે પાણી રે, નથી પીતા તે અશુદ્ધ જાણી રે॥
એનું ચંદન પૂજા ને હાર રે, નથી લેતા અમે કરી પ્યાર રે। લાવે અઘવંત સેવા સાજ રે, તેનો તર્ત કરું છું હું ત્યાજ રે॥ ધર્મવાળા આપે અન્ન જળ રે, બહુ સ્વાદુ લાગે એ સકળ રે। ધર્મવાનનું ફળ દળ ફૂલ રે, જે દિયે તે જાણું છું અમૂલ રે॥ માટે ધર્મવાળાની જે ભક્તિ રે, તે તો મને ગમે છે જો અતિ રે। માટે ધર્મવાળા જીવ જોઈ રે, કર્યા છે મેં આચારજ દોઈ રે॥
એહ અધર્મ નહિ આચરશે રે, ઘણું અધર્મસર્ગથી ડરશે રે। ધર્મવંશીની ગાદિયે બેશી રે, વળી કા’વશે ધર્મ ઉપદેશી રે॥
માટે એથી તરશે અપાર રે, નિશ્ચે જાણજો એ નિરધાર રે। બહુ કાળ લગી કલ્યાણ રે, થાશે નિશ્ચે જાણો નિરવાણ રે॥ એવી ઇચ્છા છે જો અમારી રે, એવું ધામથી આવ્યા અમે ધારી રે। એમ બોલ્યા શ્રીહરિ હરખી રે, સુણી વાત લીધી છે જો લખી રે॥
પ્રકારઃ ૪૦
માટે સહુ ધર્મકુળ માનજો, સહુ કરજો એની સેવ। અન્ય જન જેવા એહ નહિ, એ છે જાણજો મોટા દેવ॥
એક બ્રાહ્મણને જાણો ભક્ત અતિ, વળી કા’વે અમારું કુળ। એને સેવતાં સૌ જન તમો, પામશો સુખ અતુલ॥ મનવાંછિત વાત મળશે, વળી સેવતાં એનાં ચરણ। એ છે અમારી આગન્યા, સર્વે કાળમાં સુખ કરણ॥
મન કર્મ વચને માનજો, એમાં નથી સંશય લગાર। એહ દ્વારે મારે અનેકનો, આજ કરવો છે ઉદ્ધાર॥ માટે સૌ રે’જો એને વચને રે, ત્યાગી ગૃહી સહુ એક મને રે। રે’જો ધર્મવંશીને ગમતે રે, વર્તશો મા કોયે મનમતે રે॥ એહ કહે તેમ સહુ કરજો રે, પૂછ્યા વિના તો પગ ન ભરજો રે। હાથ જોડીને રે’જો હજૂર રે, કરી ડા’પણ પોતાનું દૂર રે॥
વિદ્યા ગુણ બુદ્ધિ ને બળે રે, એને દબાવવા નહિ કોઈ પળે રે। ત્યાગી રાગી ને કવિ કોઈ હોય રે, તોય એને માનજો સહુ કોય રે॥
વાદ વિવાદ કરી વદને રે, એશું બોલશો મા કોય દને રે। એની વાત ઉપર વાત આણી રે, કે દી વદશો માં મુખે વાણી રે॥ એને હોડ્યે હઠાવી હરવી રે, પોતાની સરસાઈ ન કરવી રે। પોતે સમઝી પોતાને પ્રવીણ રે, એને સમઝશો માં ગુણે હીણ રે॥
જેમ એ વાળે તેમ વળજો રે, એના કામ કાજમાં ભળજો રે। એની માનજો સહુ આગન્યા રે, વર્તશો મા કોયે વચન વિના રે॥ એને રાજી રાખશો જો તમે રે, તો તમ પર રાજી છીએ અમે રે। એને રાજી રાખશે જે જન રે, તેણે અમને કર્યા પરસન રે॥ કાં જે અમારે ઠેકાણે એ છે રે, તે તો પ્રવીણ હોય તે પ્રીછે રે। બીજા જન એ મર્મ ન લહે રે, ભોળા મનુષ્યને ભોળાઈ રહે રે॥
પણ સમઝવી વાત સુધી રે, અતિ મતિ ન રાખવી ઊંધી રે। વચન દ્વારે વસ્યા અમે એમાં રે, તમે ફેર જાણશો માં તેમાં રે॥
અમે એમાં એ છે અમ માંઈ રે, એમ સમજો સહુ બાઈ ભાઈ રે। એથી અમે અળગા ન રૈ’યે રે, એમાં રહિને દર્શન દૈયે રે॥ જે જે જનને થાય સમાસ રે, તે તો અમે કરી રહ્યા વાસ રે। શે’ર પાટણે સનમાન જડે રે, તે તો અમારી સામર્થિ વડે રે॥
દેશ પરદેશે પૂજાયે આપ રે, તે તો જાણો અમારો પ્રતાપ રે। જિયાં જાય તિયાં જય જીત રે, તે તો અમે રહ્યા રૂડી રીત રે॥ એમ સમજો સહુ સુજાણ રે, અમ વિના ન હોય કલ્યાણ રે। ધર્મવંશી આચારજ માંય રે, સદા રહ્યો છું મારી ઇચ્છાય રે॥ અતિ ધર્મવાળા જોઈ જન રે, રે’વા માની ગયું મારું મન રે। માટે એને પૂજે હું પૂજાણો રે, તે તો જરૂર જન મન જાણો રે॥
એનું જેણે કર્યું સનમાન રે, તેણે મારું કર્યું છે નિદાન રે। એમ જાણી લેજો સહુ જન રે, એમ બોલિયા શ્રી ભગવન રે॥
સુણી જન મગન થયા રે, ધન્ય ધન્ય સ્વામી કે’વા રહ્યા રે। પછી સહુએ આચારજ સેવ્યા રે, તે તો મોટા સુખને લેવા રે॥
પ્રકારઃ ૪૧
એમ આચારજનું અધિકપણું, શ્રીમુખે કહ્યું ઘનશ્યામ। એહ દ્વારથી અનેકને, કરવા છે પૂરણકામ॥ ઘણા જીવ એહ ગૃહસ્થથી, ઉદ્ધારવા છે આ વાર। નરનારી જે જક્તમાં, તે સહુના એ તારનાર॥
એહ વિના વળી ત્યાગીથી, આજ ઉદ્ધારવા છે અનેક। એમાં પણ અમે રહી, ભવપાર કરવાં છે છેક॥ ત્યાગી તે સમજો સંતને, એમાં અમે કરી પરવેશ। બહુ જીવને તારશું, આપી ઉજ્જવળ ઉપદેશ॥ ધર્મકુળમાં કરી રહ્યા ધામ રે, તેમ સંતમાં છઉં કહે શ્યામ રે। સર્વે રીતે સંતમાં રહુ છું રે, એમાં રહી ઉપદેશ દઉં છું રે॥
સંત બોલે તે ભેળો હું બોલું રે, સંત ન ભૂલે હુંયે ન ભૂલું રે। સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છઉં સાક્ષાત રે॥
સંત જુવે તે ભેળો હું જોઉં રે, સંત સૂતા પછી હું સોઉં રે। સંત જાગે તે ભેળો હું જાગું રે, સંત જોઈ અતિ અનુરાગું રે॥ સંત જમે તે ભેળો હું જમું રે, સંત ભમે તે કેડ્યે હું ભમું રે। સંત દુઃખાણે હું દુઃખાણો રે, એહ વાત સત્ય જન જાણો રે॥
સંત હું ને હું તે વળી સંત રે, એમ શ્રીમુખે કહે ભગવંત રે। સંત માનજો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે॥ અંતરજામીપણે રહું એમાં રે, માટે નથી બંધાતા એ કેમાં રે। સંકલ્પ સ્વપ્ન ઉપવાસ રે, તે તો કરે છે જાણી મને પાસ રે॥ માટે અખંડ એમાં રહું છું રે, સારી સત્ય સુબુદ્ધિ દઉં છું રે। વળી જે જે મેં નિ’મ રખાવ્યા રે, તેમાં રહી એણે તન તાવ્યાં રે॥
માટે સંત વા’લા મને બહુ રે, ઘણી ઘણી વાત શું કહું રે। એને અન્ન જળ અંબર આપે રે, તે તો તપશે નહિ ત્રય તાપે રે॥
લાગી પાયે ને જોડિયા હાથ રે, તે તો સહુ થાય છે સનાથ રે। જોઈ રીત ને રાજી થાશે રે, વળી ગુણ તે સંતના ગાશે રે॥ કે’શે સંત તો એ બહુ સારા રે, ખરા કલ્યાણના કરનારા રે। એટલો જ ગુણ કોઈ ગ્રે’શે રે, તે તો બ્રહ્મમો’લે વાસ લેશે રે॥
એવા સંતની કરે પ્રસંશા રે, નીરખી હરખી હૈયામાં હૂલસ્યા રે। વળી વિનતિ વારમવાર રે, કરે સ્તુતિ તેહ અપાર રે॥ તે તો પામશે પરમ ધામ રે, વળી થાશે તે પૂરણકામ રે। કાં જે એ સંતમાં અમે છીએ રે, સાચા સંતથી દૂર ન રહીએ રે॥ માટે સંત એ કલ્યાણકારી રે, યાંથી બહુને લેવા છે ઉદ્ધારી રે। મોટો માર્ગ જે મોક્ષતણો રે, આજ કર્યો છે ચાલતો ઘણો રે॥
એમ માંડ્યો છે મોટો અખાડો રે, બ્રહ્મમો’લ જાવા રાત્ય દા’ડો રે। એવો અભાગી કોઈ ન કે’વાય રે, જે કોઈ આ સમામાં રહી જાય રે॥
સંત દેશ પરદેશ ફરે છે રે, સહુ જીવનાં અઘ હરે છે રે। એનાં દર્શન સ્પર્શ જે કરશે રે, તે તો ભવજળ પાર ઊતરશે રે॥ એ તો વીશ વસાની છે વાત રે, સહુ સમજજો સાક્ષાત રે। કહ્યું શ્રીમુખે એમ મહારાજ રે, સાકટમ નોતરું છે આજ રે॥
પ્રકારઃ ૪૨
વળી કહું કોય સંતને, સેવશે શ્રદ્ધાવાન। તેના અંતરથી ઊચળી, વળી જાશે જાણો અજ્ઞાન॥ સંત સેવ્યાથી સુખ મળે, વળી ટળે તન મન તાપ। પરમ ધામને પામિયે, તે પણ સંત પ્રતાપ॥ તે સંત શ્રીહરિ તણા, પ્રભુ પ્રગટના મળેલ। શૂરા સત્ય ધર્મ પાળવા, પંચ વિષયથી પાછા વળેલ॥
પરમાર્થ અર્થે આવિયા, નિજ સ્વાર્થ નહિ લવલેશ। એવા થકા ભમે ભૂમિમાં, આપે સહુને સારો ઉપદેશ॥
આપે જ્ઞાન દાન જનને રે, કહી વા’લપનાં વચનને રે। હિતકારી છે સહુના સનેહી રે, જાણો પર ઉપકારી એહી રે॥ સાચા સંત સગા સૌ જનના રે, ઉદાર છે અપાર મનના રે। જેને શત્રુ મિત્ર સમતોલે રે, સુખે દુઃખે દિલમાં ન ડોલે રે॥
હાની વૃદ્ધિ ને સમ વિષમ રે, નથી આપ અરથે ઊદ્યમ રે। હર્ષ શોક ને નૈ હાર્ય જીત રે, માન અપમાને સમ ચિત્ત રે॥ અહં મમત ને મારું તારું રે, એહ નથી લાગતું જેને સારું રે। જક્તદોષ નથી જેમાં જરા રે, એવા સંત તે સંત મારા ખરા રે॥ એમાં રહું છું હું રાત્ય દિન રે, સત્ય માનજો મારું વચન રે। અતિ પવિત્ર અંતર પેખી રે, સદા રહ્યો છું શુદ્ધ લેખી રે॥
એવા સંતને હૃદિયે રઈ રે, કરું જીવના કલ્યાણ કંઈ રે। એહ સંત મળે જે જનને રે, કરે પળમાંહિ પાવન તેને રે॥
એવા સંત છે સગાં સહુના રે, સુખદાયક જન બહુના રે। જેવી એ સંત કરે છે સા’ય રે, તેવી કોઈ થકી કેમ થાય રે॥ માત તાત ને સગાં સંબંધી રે, કરે હિત એહ બહુ વિધિ રે। એનું હિત રહે યાનું યાંહિ રે, ના’વે કલ્યાણનાં કામ માંહિ રે॥
દેવ ગુરુ કુળ ને કુટુંબ રે, એહ નહિ સાચા સંત સમ રે। સાચા સંત તેમાં અમે રૈ’યે રે, મળી જીવને અભયદાન દૈયે રે॥ અભયદાન તો એવું કે’વાય રે, કાળ માયાથી નાશ ન થાય રે। એવું કોઈ વિઘન ન કા’વે રે, જે કોઈ નિર્ભયને ભય ઉપજાવે રે॥ એવું નિર્ભય પદ નિર્વાણ રે, તેના દેનારા સંત સુજાણ રે। એવા સંતનો જેને આશરો રે, તે તો સંશે પરો પરહરો રે॥
જાણો જનમ મરણ ભય ટાળી રે, જાશું ધામે વજાડતાં તાળી રે। સંત સમાગમ પરતાપે રે, જાશું બ્રહ્મમો’લ માંહિ આપે રે॥
એમ સહુને કહે શ્રીહરિ રે, સત્સંગ મહિમા ભાવ ભરી રે। મોટું દ્વાર છે એ મોક્ષતણું રે, આજ ઉઘાડ્યું છે અતિ ઘણું રે॥ કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે, અતિ અગણિત અપ્રમાણ રે। પણ સહુથી સરસ સંતમાં રે, રાખ્યું વાલમે એની વાતમાં રે॥
એમ ઉઘાડ્યાં અનંત બાર રે, વા’લે કલ્યાણનાં આ વાર રે। જે જે ધારી આવ્યા હતા વાત રે, તે તો પૂરી થઈ સાક્ષાત રે॥ જ્યારે થયું છે પૂરું એ કામ રે, ત્યારે રાજી થયા ઘનશ્યામ રે। કર્યો જેજેકાર જીવ તારી રે, વળતી વાલમે વાત વિચારી રે॥
પ્રકારઃ ૪૩
વળતું વાલમે વિચારિયું, થઈ રહ્યું સર્વે કામ। કેડ્યે કાંયે રહ્યું નહિ, થયું સારું કહે ઘનશ્યામ॥
જે અરથે અહિ આવિયા, તે સરિયો સરવે અર્થ। અગણિત જીવ ઉદ્ધારિયા, વાવરી પોતાની સામર્થ॥ કેડ્યે વળી કલ્યાણના, બહુ બહુ કર્યા ઉપાય। કસર ન રાખી કોઈ વાતની, એમ નાથે માન્યું મનમાંય॥
જણ જણ પ્રત્યે જૂજવું, કર્યું ચાલતું મોક્ષનું કામ। પરિશ્રમ વિના પામવા, અખંડ અક્ષર ધામ॥ કર્યા કોટિ કોટિ ઉપાય રે, અમે આવી અવનિ માંય રે। અમારી મૂરતિને પ્રસંગે રે, કર્યું કલ્યાણ જીવનું જગે રે॥ સંત સંબંધે કલ્યાણ કીધું રે, તેને પણ અખંડ ધામ દીધું રે। વળી બાંધ્યાં સદાવ્રત ઘણાં રે, તે પણ બારણાં કલ્યાણ તણાં રે॥
વળી ધ્યાન ધારણા સમાધિ રે, કરાવી વીસરાવી ઉપાધિ રે। વળી પ્રગટ કરી પંચ વ્રત રે, આપ્યું પળાવી પદ અમૃત રે॥
બહુ દેશ તીર્થ ગામ શે’ર રે, તાર્યા ફરી હરિ કરી મે’ર રે। કરી ઉત્સવ બહુ સમૈયા રે, તાર્યા જીવ જાયે નહિ કહ્યા રે॥ કર્યા જગન ને બહુ જાગ રે, તે પણ જીવ ઉદ્ધારવા કાજ રે। વરષોવરષ કર્યા વળી મેળા રે, કરવા જીવ બ્રહ્મમો’લે ભેળા રે॥
બાંધ્યાં કલ્યાણ સારું બહુ ધામ રે, શ્રીઠાકોરજીના ઠામોઠામ રે। તેમાં બેસારી સારી મૂરતિ રે, તે પણ જીવના કલ્યાણ વતી રે॥ કર્યા આચારજ મહારાજે રે, તે પણ જીવને તારવા કાજે રે। બહુ બાંધી કલ્યાણની સડક રે, જાય ધામે જીવ થૈ નિધડક રે॥ થઈ વાત સરવે એ મોટી રે, તરશે જીવ કોટાન જો કોટી રે। એ તો બહુ કહ્યું થયું સારું રે, હવે માનિયું મન અમારું રે॥
સારા સરા કર્યા છે સમાજ રે, કેડ્યે કલ્યાણ કરવા કાજ રે। કર્યાં બંધ અમંગળ બાર રે, આવી ભૂમિએ અમે આ વાર રે॥
કેને લેવા ન આવે કૃતાંત રે, એમ જાણજો આજ વૃતાંત રે। તરણિ ઊગે રહિ જાય તમ રે, ત્યારે માર્તંડનું શું મા’તમ રે॥ તેમ અમે આવ્યે અઘ રહે રે, ત્યારે પતિતપાવન કોણ કહે રે। દીનબંધુ કહે છે દયાળ રે, તે તો કૂડું ન પડે કોઈ કાળ રે॥
માટે સર્વે એ નામ સત્ય કીધાં રે, જન અપાર ઉદ્ધારી લીધાં રે। સારો ફેરો ફાવ્યો છે આ વાર રે, બહુ જીવ કર્યા ભવપાર રે॥ વળી કલ્યાણકારી જે વસ્ત રે, તે પણ પૃથ્વી પર છે સમસ્ત રે। બહુ તે વડે થાશે કલ્યાણ રે, સ્પર્શી પામશે પદ નિર્વાણ રે॥ અમે હૈયે ન હૈયે જો આંઈ રે, નથી રાખ્યું કેડ્યે કામ કાંઈ રે। સર્વે કરીને લીધું છે કાજ રે, એમ કહે છે શ્રીમહારાજ રે॥
જે જે કર્યા છે અમે ઉપાય રે, જે કોઈ આવી જાશે એ માંય રે। તેને અંતકાળે અમે આવી રે, તેડી જાવું છે તન તજાવી રે॥
અશ્વ રથ વિમાન વે’લ સારી રે, લૈ જાવા સુખપાલે બેસારી રે। એ તો અવશ્ય બિરુદ છે અમારું રે, ધાર્યું છે સહુ જીવને સારું રે॥
પ્રકારઃ ૪૪
વળી શ્રીહરિ હેતે કરી, મોટી કહી માહાત્મ્યની વાત। પવિત્ર છે સ્પર્શે કરી, આ પૃથવી સાક્ષાત॥ જિયાં જિયાં અમે વિચર્યા, વળી રહ્યા જે જે ગામ। તે જરૂર જન જાણજો, સરવે થયાં છે સ્વધામ॥
તિયાં પ્રાણી કોઈ તન તજે, જાણ્યા વિના એહ જાગ્ય। કહ્યાં ન જાય વળી કોઈથી, એવાં ઉઘડિયાં એનાં ભાગ્ય॥ ચરણે અંકિત જે અવનિ, વળી પદની સ્પર્શેલ રજ। તે જોતાં ન જડે જાણજો, જેને ઇચ્છે છે ઈશ્વર અજ॥ પદરજના સ્પર્શ પ્રતાપે રે, જન અભય થાય છે આપે રે। ભવભય હરણી એ રજ રે, થાય નિર્ભય એમાં શું આશ્ચરજ રે॥
જન ભુવનમાં જ્યાં જ્યાં ગયા રે, તિયાં દિનરજની જે રહ્યા રે। એહ ભૂમિકાનાં ભાગ્ય ભારી રે, થઈ ધામરૂપ સુખકારી રે॥
એહ પૃથ્વી પર તજે પ્રાણ રે, તે તો પામે પદ નિરવાણ રે। વળી નદી નદ ને તલાવ રે, સિંધુ કુંડ કૂવા વળી વાવ રે॥ તિયાં જિયાં જિયાં અમે ના’યા રે, સ્પરશ્યું પાણી જે અમારી કાયા રે। તેહ સ્પર્શનું જેહ પાણી રે, જન ઉદ્ધારણ લિયો જાણી રે॥
તેહ તટે તજે કોઈ તન રે, પામે અમૃત ધામે સદન રે। એમ કલ્યાણના જે ઉપાય રે, બહુ કર્યા છે આ જગમાંય રે॥ બાગ બગીચા ને ફૂલવાડી રે, વૃક્ષ વેલી વન વળી ઝાડી રે। એહ આદિ જાયગા અપાર રે, જિયાં રહ્યા અમે કરી પ્યાર રે॥ એ તો સ્થાનક છે તીર્થરૂપ રે, અતિ પવિત્ર જાણો અનુપ રે। એહ સ્થાને મૂકે કોઈ દેહ રે, પામે અક્ષરધામને તેહ રે॥
એમ અનેક પ્રકારે આજ રે, કર્યા ઉપાય કલ્યાણ કાજ રે। સર્વે તીર્થનાં તીર્થ કહીએ રે, જિયાં સંત અમે ના’યા છીએ રે॥
તિયાં જન કોઈ જઈ ના’શે રે, થઈ પાવન ધામમાં જાશે રે। એહ જળમાં જંતુ જે રે’ છે રે, ધન્ય ભાગ્ય સંત તેનાં કે’ છે રે॥ એહ પર અંડજ ઊડી જાશે રે, તેહ પરમ પાવન થાશે રે। અવધિ આવ્યા સમે તન ત્યાગી રે, જાશે સ્વધામમાંઈ સુભાગી રે॥
સર્વે ધામના ધામ એ થિયાં રે, રહ્યા સંત સહિત અમે જિયાં રે। બીજાં તીર્થ ધામ બહુ કા’વે રે, પણ અમે રહ્યા તે તુલ્ય નાવે રે॥ કાં જે પામ્યા અમારો પ્રસંગ રે, તેને તુલ્ય આવે કેમ ગંગ રે। એને સ્પર્શ્યા’તા વામન પાવે રે, તે તો હરિ અવતાર કા’વે રે॥ પણ અવતારના જે અવતારી રે, વાત તેની તો જાણજો ન્યારી રે। જાણો પુરુષોત્તમનો સ્પરશ રે, તે તો સહુ થકી જો સરસ રે॥
સર્વે ધામના જે કોઈ ધામી રે, તે તો અમે નારાયણ સ્વામી રે। વાત આજની છે અતિ મોટી રે, જેથી જીવ તર્યા કોટિ કોટિ રે॥
ચરાચર સ્થાવર ને જંગમ રે, તે સહુને થયું છે સુગમ રે। સહુ ચાલ્યા જાય છે સ્વધામ રે, નથી પડતું કોઈનું કામ રે॥ એમ વે’તી કરી છે અમે વાટ રે, બ્રહ્મમો’લમાં જાવાને માટ રે। શ્રીમુખે કહે એમ શ્રીહરિ રે, સહુ વાત માનજો એ ખરી રે॥
પ્રકારઃ ૪પ
વળી વળી શું વર્ણવું, વળી આ સમાની વાત। જીવ જગતના ઉપરે, આજ અમે છીએ રળીઆત॥ જાણિયે આખી જક્તને, લઈ જાયે અમારે ધામ। કેડે ન રાખિયે કોઈને, એમ હૈયે છે ઘણી હામ॥ તે સારુ ભૂમિ ઉપરે, કંઈ રાખ્યા સુખના સમાજ। અમારા અંગસંગની વસ્તુ, રાખી જીવનાં કલ્યાણ કાજ॥
ફરી ફરી ફેરો પડે, એવું કરવું નથી આ વાર। સહુ જીવનો સામટો, આજ કરવો છે ઉદ્ધાર॥
તેહ સારુ છાપી દીધાં ચરણ રે, જે છે મોટા સુખનાં કરણ રે। ચરણ ચિંતવે ચિહ્ને સહિત રે, વળી પૂજે કોઈ કરી પ્રીત રે॥ પાન ફૂલે પૂજશે જે જન રે, એકાગ્ર રાખી શુદ્ધ મન રે। તેને અંતરે થાશે પ્રકાશ રે, લેશે સુખ અલૌકિક દાસ રે॥
તેણે માનશે પૂરણકામ રે, વળી પામશે અખંડ ધામ રે। એવો ચરણ તણો છે પ્રતાપ રે, શ્રીમુખે કહે શ્રીહરિ આપ રે॥ સત્ય માનજો સહુ તમે જન રે, આ છે અતિ હિતનાં વચન રે। આથી આપશું સુખ અંતર રે, રાખો ભારે ભરુંસો ભીતર રે॥ વળી પૂજવા પટ મૂરતિ રે, આપી સહુને કરી હેતે અતિ રે। પ્રેમે પૂજશે પ્રેમ વધારી રે, પૂજા વિધિ સુંદર લઈ સારી રે॥
કરી પૂજા ઉતારશે આરતી રે, કરશે ધૂન્ય ને વળી વિનંતી રે। તેહ મૂરતિમાં આપે રહી રે, સર્વે પૂજાને માનશું સહી રે॥
લેશું પૂજા એની કરી પ્રીત રે, પછી દેશું સુખ રૂડી રીત રે। નિર્મળ અંતરવાળા જે જન રે, તેની પૂજા લેતાં હું પ્રસન્ન રે॥ એમ પ્રગટ પટ મૂરતિમાં રે, પૂજી પામશે સુખની સીમા રે। બીજી મૂરતિયો બહુ જગે રે, મર સેવે પૂજે સરા લગે રે॥
તોય એવો પરિચય ન પામે રે, જેથી સરવે સંકટ વામે રે। બીજી મૂરતિ ને આ જે મૂરતિ રે, તેમાં ફેર જાણજો છે અતિ રે॥ કાં જે આ મૂરતિને સ્પરશ રે, થયો અમારો માટે સરસ રે। જાણો આ મૂરતિને સેવતાં રે, દુષ્ટ શમી જાશે દુઃખ દેતાં રે॥ કામ ક્રોધ લોભ ને જે મોહ રે, એવો અધર્મ સર્ગનો સમોહ રે। એહ અંતરે રહ્યો છે છાઈ રે, તેણે ભીતર રહ્યું છે ભરાઈ રે॥
તે તો પટ મૂરતિ પૂજવે રે, પાપ નાસે કે’ નૈ રૈ’યે હવે રે। એવો પટ મૂરતિ પ્રતાપ રે, જાણો સહુ હરણ સંતાપ રે॥
એ પણ માનો મોક્ષની નિસરણી રે, કરી છે જો ધામ જાવા તણી રે। એહ વિના અનેક જે ઉપાય રે, કર્યા જાવા બ્રહ્મમો’લ માંય રે॥ સર્વે ઉપાય થયા છે સારા રે, નથી એ વિના બીજા કરનારા રે। એ તો કર્યા છે અમે વિચારી રે, સહુ કરવા અક્ષર અધિકારી રે॥
એમ જાણો જન નિરધાર રે, આજ તરે છે જીવ અપાર રે। જે જે અમે કર્યા છે ઉપાય રે, નથી એકે તે અર્થ વિનાય રે॥ સર્વે સમજી વિચારી કર્યા છે રે, એને આશરી કંઈક તર્યા છે રે। તે તો સહુ જાણે છે સાક્ષાત રે, નથી મુખના કહ્યાની વાત રે॥
પ્રકારઃ ૪૬
વળી એક કહું ઉપાયને, તમે સાંભળજો સહુ જન। કર્યો કલ્યાણને કારણે, અતિ અમે થઈ પ્રસન્ન॥
જેહ ઉપાયે આ જીવને, સર્વે પ્રકારે શ્રેય થાય। મોટા સુખને ભોગવે, આ લોક પરલોક માંય॥ લાજ ન જાયે આ લોકમાં, પરલોકે પરમ આનંદ। કર્યો ઉપાય એવો અમે, સહુ જાણજો જનવૃંદ॥
સત્ય શાસ્ત્ર સારાં કર્યાં, ભર્યાં અર્થે અતિ અનુપ। તેમાં બાંધી રૂડી રીતને, ત્યાગી ગૃહીને સુખરૂપ॥ ત્યાગી ગૃહીને તારવા અર્થ રે, બાંધ્યા ઘણા સુખદાયી ગ્રંથ રે। તેમાં બહુ પ્રકારની વાત રે, સૂચવી છે અમે સાક્ષાત રે॥ કહ્યા ત્યાગી ગૃહીના વળી ધર્મ રે, સહુને પાળવા સારુ પર્મ રે। રીત જૂજવી કહી જણાવી રે, વર્ણાશ્રમ ધર્મની કહી સંભળાવી રે॥
સહુ સહુના ધર્મમાં રે’વા રે, અમે ગ્રંથ કર્યા કહું એવા રે। દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ને શુદ્ર રે, તેને તરવા સંસાર સમુદ્ર રે॥
વળી બટુ ગૃહી વાનપ્રસ્થ રે, સંન્યાસી આશ્રમ સુજશ રે। દ્વિજ વર્ણના ધર્મ વિચારી રે, સર્વે અમે કહ્યા સુખકારી રે॥ શમ દમ ક્ષમા ને સંતોષ રે, અધર્મ સર્ગથી રે’વું અદોષ રે। એહ આદિ ધર્મ અપાર રે, કહ્યા વાડવના નિરધાર રે॥
ક્ષત્રી વર્ણના ધર્મ વર્ણવી રે, કહ્યા સર્વે રીતના સૂચવી રે। કરવી સહુ જનની રખવાળ રે, અતિ દિલમાં થઈ દયાળ રે॥ ધારી વિચારી ધરવી ધીર રે, કામ પડે થાવું શૂરવીર રે। એહ આદિ જે ક્ષત્રીના ધર્મ રે, રાખે જરૂર રાખવા શ્રમ રે॥ વૈશ્ય વર્ણના ધર્મ છે જેહ રે, રાખે ગૌધન વે’પાર તેહ રે। ખેતી વ્યાજ વોરા પણ કરે રે, દગા કપટ પાપ પરહરે રે॥
એવી રીતે વરતે વૈશ્ય વળી રે, એવી રીત લખી છે સઘળી રે। શૂદ્ર સેવા કરે તે સહુની રે, ત્રણ વર્ણ કહ્યા તેહુની રે॥
એમ ચારે વર્ણની જો રીત રે, અમે લખાવી ગ્રંથ પુનિત રે। વર્ણિધર્મ કહ્યા જે વખાણી રે, તે પણ ગ્રંથમાં છે લિયો જાણી રે॥ અષ્ટ પ્રકારે ત્રિયા ધન ત્યાગ રે, વિષય સુખ સાથે છે વૈરાગ રે। ભારે બ્રહ્મચર્ય વ્રત ધારી રે, રાખે ભાવે કરી બ્રહ્મચારી રે॥
ગૃહસ્થાશ્રમના ધર્મ છે ઘણા રે, તે પણ સર્વ લખ્યા તેહ તણા રે। વાનપ્રસ્થના વિવિધ પ્રકારે રે, લખ્યા એહ આશ્રમ અનુસારે રે॥ એને સરે સંન્યાસી આશ્રમ રે, તેના પણ લખાવ્યા છે ધર્મ રે। ચારે વર્ણ ને આશ્રમ ચાર રે, તે પણ લખ્યા છે કરી વિચાર રે॥ સહુનાં કલ્યાણ કરવા સારુ રે, અતિ તાન માનો છે અમારું રે। વળી અતિ ત્યાગીના જે ધર્મ રે, તે પણ લખ્યા છે કરી શ્રમ રે॥
તેહ શાસ્ત્રનાં સાંભળો નામ રે, સહુને સુણતાં છે સુખધામ રે। ધર્મામૃત નિષ્કામશુદ્ધિ રે, વળી શિક્ષાપત્રી લખી દીધી રે॥
એહ વિના બીજા છે જે ગ્રંથ રે, કર્યા અમે કલ્યાણને અર્થ રે। એમ કહ્યું શ્રીજીએ શ્રીમુખે રે, સહુ જનને તારવા સુખે રે॥
પ્રકારઃ ૪૭
વળી અમારે જે આશરે, બાયું આવિયું બહુ બહુ। તેને કહ્યા ધર્મ તેહના, તેણે પામી પરા ગતિ સહુ॥ સતીગીતામાં જે સૂચવ્યા, સધવા વિધવાના ધર્મ। તેમ જ રહી ત્રિયા સહુ, પામી છે ધામ જે પર્મ॥
જે ધર્મ નો’તા ધરા ઉપરે, નરનારીના નિરધાર। તે અમે પ્રગટ કરી, બહુ તારિયાં નર નાર॥ એમ અનેક રીતશું, અતિ કર્યો છે ઉપકાર। જીવ આખા જક્તના જેહ, તેહ કરવા ભવપાર॥ અતિ અતિ કર્યા મેં ઉપાય રે, તે તો કે’તાં કે’તાં ન કે’વાય રે। જે જે કર્યું અમે આ જગમાં રે, તે તો ચલાવા મોક્ષ મગમાં રે॥
જે જે અમે કરાવિયા ગ્રંથ રે, નર નારીને તારવાં અર્થ રે। વળી પદ છંદ કીરતન રે, અષ્ટક ને સ્તુતિ જે પાવન રે॥
તેને શીખે સુણે ભણે ગાય રે, તે તો અક્ષરધામમાં જાય રે। કાં જે અંકિત અમારે નામે રે, માટે પોં’ચાડે એ પરમ ધામે રે॥ જેમાં સ્વામિનારાયણ નામ રે, એવી કથા સુણે નર વામ રે। એવી કીર્તિ સાંભળતાં જન રે, થાય અતિ પરમ પાવન રે॥
વળી પદ જે નામે અંકિત રે, તેને ગાયે સુણે કરી પ્રીત રે। જેમાં સહજાનંદ સ્વામી નામ રે, આવે જે કાવ્યમાં ઠામો ઠામ રે॥ એવી કાવ્ય કે’તાં ને સાંભળતાં રે, વાર ન લાગે મહાસુખ મળતાં રે। મહામંત્રરૂપ એહ કા’વે રે, તેને તુલ્ય બીજું કેમ આવે રે॥ નામ પ્રભુનાં અનંત અપાર રે, સહુ ભાવે ભજે નર નાર રે। પણ સ્વામિનારાયણ કે’તાં રે, નથી વાર ભવપાર લેતાં રે॥
આજ એ નામનો છે અમલ રે, તે ન વિસારવું એક પલ રે। લેતાં નામ નારાયણ સ્વામી રે, જાણો તે બેઠા ધામને પામી રે॥
જેહ મુખે એનો ઉચ્ચાર રે, તે તો જાણો પામ્યા ભવપાર રે। માટે એ નામની કાવ્ય કા’વે રે, તેને શીખવી સુણવી ભાવે રે॥ વળી અમારા અંગનું અંબર રે, બહુ સ્પરશેલ સારું સુંદર રે। એહ પ્રસાદિનું જેહ પટ રે, મળે ટળે સર્વે સંકટ રે॥
એહ વસ્ત્ર અનુપમ અતિ રે, થાય પૂજતાં પરમ પ્રાપતિ રે। અતિ માહાત્મ્ય એનું અતુલ્યે રે, કહો કયાંથી મળે એહ મુલ્યે રે॥ જે જે અમારા સંબંધની વસ્ત રે, ન મળે ગોતતાં ઉદે ને અસ્ત રે। જણસ અમ સંબંધીની જે જે રે, છે એ કલ્યાણકારી માની લીજે રે॥ તે તો રાખી છે અમે અપાર રે, સહુ જન અરથે આ વાર રે। નખ શિખા લગી નિરધાર રે, રાખી સ્પરશી વસ્તુ કરી પ્યાર રે॥
સ્પરશી ચીજ જે બહુ પરકારે રે, અડી હોય જે અંગે અમારે રે। તે તો સર્વે છે કલ્યાણકારી રે, માટે રાખી છે અમે વિચારી રે॥
એમ અનેક પ્રકારે આજ રે, બહુ જીવનાં કરવાં છે કાજ રે। આવ્યા છીએ અમે એમ ધારી રે, સર્વે જીવને લેવા ઉદ્ધારી રે॥ એમ કહ્યું આપે અવિનાશે રે, તે તો સાંભળીયું સહુ દાસે રે। સુણી સહુ થયાં પરસન રે, કહે સ્વામી શ્રીજી ધન્ય ધન્ય રે॥
પ્રકારઃ ૪૮
પછી જોયું વિચારી જીવને, કરી રહ્યા સર્વે કામ। સહુ જનને સુગમ થયું, સે’જે પામશે સ્વધામ॥ જે અરથે અમે આવિયા, તે અરથ સરિયો આજ। ધારી આવ્યા’તા જે ધામથી, તે કરી લીધું છે કાજ॥ બાંધી બળવંત પીઠિકા, કેડે તારવા કોટાન કોટ। કર્યું હિત અતિ આ સમે, અમે રાખી નથી કાંઈ ખોટ॥
ફેરો અમારો સુફળ થયો, ગયા સહુ જનના સંતાપ। અનેક જીવ ઉદ્ધર્યા, આજ અમારે પરતાપ॥
કરી લીધું છે સર્વે જો કામ રે, એમ વિચારિયું ઘનશ્યામ રે। કે’વા રાખ્યું નથી કેડે કાંઈ રે, જાવા મોક્ષના મારગ માંઈ રે॥ બહુવિધ ઉઘાડિયાં બાર રે, કરવા કલ્યાણને આ વાર રે। હવે પધારું હું મારે ધામ રે, જે સારું આવ્યા’તા તે થયું કામ રે॥
પછી જે જે પાસે હતા જન રે, તેને કે’ છે એમ ભગવન રે। સહુ ધારજો અંતરે ધીર રે, હવે નહીં રહે આ શરીર રે॥ થોડે ઘણે દિને ધામે જાશું રે, અમ કેડ્યે ભરશો મા આંસું રે। જો રાજી કરવા હોય અમને રે, રે’જો એમ જેમ કહ્યું તમને રે॥ ત્યાગી ગૃહી વળી નર નારી રે, રે’જો સહુ સહુના ધર્મ ધારી રે। ધર્મવાળાં જન મને વા’લાં રે, બિજાં જાણું છું નરસાં નમાલાં રે॥
છેલી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રે’જ્યો રે। શિક્ષાપત્રી માંહિ અમે રે’શું રે, રહી એમાં સહુને સુખ દેશું રે॥
રે’શું સતસંગ માંહિ સદા રે, હરવા સતસંગની આપદા રે। પણ હમણે જેમ દેખો છો રે, દેખી જન્મ સુફળ લેખો છો રે॥ એમ નહિ દેખો હવે અમને રે, સાચી વાત કહું છું તમને રે। એવી રીત્યે કહ્યું અવિનાશે રે, તે તો સાંભળીયું સહુ દાસે રે॥
આપી ભલામણ ભલી વિધિ રે, પછી કરવાની હતી તે કીધી રે। ગયા અક્ષરધામમાં આપે રે, જન બહુ તપ્યા એહ તાપે રે॥ નવ રહી શરીરની સાધ રે, પામ્યાં અંતરે દુઃખ અગાધ રે। રહે ધારતાં કેમ કરી ધીર રે, નથી સુકતાં નયણે નીર રે॥ પછી વાલાનાં વચન સંભારી રે, ઘણી વારે ધીરજ પછી ધારી રે। જે જે કહ્યાં છે જેને વચન રે, તે તે રીતે રહ્યાં સહુ જન રે॥
પોતે પધાર્યા પોતાને ધામ રે, કરી જીવ અનેકનાં કામ રે। જે જે ધારી આવ્યા’તા ધામથી રે, કર્યું કામ તે હૈયે હામથી રે॥
મુનિ મંડળ સહિત આવ્યા’તા રે, સંગે સમાજ સારો લાવ્યા’તા રે। જેહ અર્થે આવ્યા’તા આંઈ રે, સર્યો અર્થ ન રહ્યું કેડે કાંઈ રે॥ એવો અલૌકિક અવતાર રે, બહુ જીવ કર્યા ભવપાર રે। એહ મૂરતિ મળી છે જેને રે, કાંઈ ખામી રહી નહિ તેને રે॥
એવી એ મૂરતિ મંગળકારી રે, તેહ જેહ રહ્યા છે ઉર ધારી રે। એવા જન મળે જેને જેને રે, અક્ષરધામે આપે વાસ તેને રે॥ તે તો શ્રીમુખે કહ્યું’તું સો વાર રે, નિશ્ચે કરાવ્યું’તું નિરધાર રે। વળી રહ્યા છે સતસંગ માંય રે, અંત સમે કરે આપે સા’ય રે॥
પ્રકારઃ ૪૯
એહ રીતે અલબેલડે, કર્યાં કંઈ કંઈક કામ। આપી આનંદ આશ્રિતને, વળી પુરી હૈયાની હામ॥ અમાયિક સુખ આપિયાં, માયિક દેહની માંય। તે પ્રસિદ્ધ જાણે છે પૃથવી, નથી છાની છપાડી કાંય॥
દેશ દેશમાં ડંકો દઈ, વળી બેહદ ચલાવી વાત। જે નાવે બુદ્ધિની બાથમાં, તે સોંઘી કરી સાક્ષાત॥ અભર તે સભર ભર્યા, અતર તાર્યા કાંઈ જન। અગમ તે સુગમ કર્યા, પ્રભુ થઈ પોતે પરસન॥ આવી કર્યાં અલૌકિક કામ રે, પછી પધારિયા નિજધામ રે। કર્યા કારજ આશ્ચર્યકારી રે, જેવા આવ્યા’તા ધામેથી ધારી રે॥
એવો માંડયો’તો આવી અખાડો રે, જીવ તારવાને રાત્ય દા’ડો રે। બહુ આખેપ આગ્રહ કરી રે, ભવે જીવ તાર્યા ભાવ ભરી રે॥
કરી ગયા મોટાં મોટાં કાજ રે, આવી આ ફેરે આપે મહારાજ રે। ખુબ ખેલી ગયા એક ખ્યાલ રે, જોઈ અનંત જન થયા ન્યા’લ રે॥ ખરાખરો મચાવીને ખેલ રે, રૂડી રમત્ય રમ્યા અલબેલ રે। એવા ખોળે ન મળે ખેલારુ રે, જેને જુવે હજારે હજારું રે॥
બીજા બહુ વેષ બનાવ્યા રે, તે તો સહુને અર્થ ન આવ્યા રે। કોઈ રિજ્યા ને કોઈ ન રિજ્યા રે, એહ વેષે અરથ ન સિજ્યા રે॥ આ તો સર્વે વેષના વેશી રે, જાણે નરાકૃતિની દેશી રે। ખોટ્ય ન રાખી ખેલની માંય રે, ભલો ભજાવ્યો આપ ઇચ્છાય રે॥ રૂડી રમત્ય રમી રૂપાળી રે, લીધાં જનને નિજધામ વાળી રે। એવા રમ્યા ન રમશે કોયે રે, જેહ ખેલને જોઈ જન મોયે રે॥
એવો અકળ ખેલને ખેલી રે, ગયા સહુને વિલખતાં મેલી રે। ઘણું સાંભરે છે સમાસમે રે, તેણે બીજી વાત નવ ગમે રે॥
જેમ બાજીગરની બાજી રે, જોઈ જોઈ જન થાય રાજી રે। જાણે આવી ન દીઠી ન સાંભળી રે, તેને કેમ શકે કોયે કળી રે॥ અતિ અકળ ખેલને ખેલી રે, ગયા સમેટી બાજી સંકેલી રે। નટ રીત નાથની ન જાણી રે, જાણ્યું અમટ રાખશે દયા આણી રે॥
ત્યાં તો સંકેલી ગયા સ્વધામ રે, કરી જનનાં જીવિત હરામ રે। આંખ્યો થઈ ગઈ અભાગણી રે, ક્યાંથી નીરખે મૂરતિ નાથ તણી રે॥ મુખ અભાગિયું થયું અતિ રે, કયાંથી પામે પ્રસાદી એ રતિ રે। જિહ્વા અભાગણી ને અનાથ રે, ક્યાંથી બોલે હવે હરિ સાથ રે॥ કાન અભાગિયા લીધા જાણી રે, ક્યાંથી સુણે ગે’રે સ્વરે વાણી રે। હાથ રહ્યા અભાગિયા એવા રે, ક્યાંથી કરે હરિની હવે સેવા રે॥
દરશ સ્પરશ ને જે પ્રસાદિ રે, કે’વું સુણવું સંબંધ એ આદિ રે। થયો સંબંધ પણ રહ્યો અધૂરો રે, તે તો કેમ થાય હવે પૂરો રે॥
ગઈ હાથથી વાત વેગળી રે, હાર્યા મહાચિંતામણિ મળી રે। પારસ પામ્યા’તા પરિશ્રમ પખી રે, પણ પૂરી ભાગ્યમાં ન લખી રે॥ થયા નિરધન ધનને હારી રે, ગયું સુખ રહ્યું દુઃખ ભારી રે। એમ થયું સૌ જનને આ વાર રે, પધારતાં તે પ્રાણ આધાર રે॥
પ્રકારઃ ૫૦
પુરુષોત્તમ પધારિયા, કરી કામ અલૌકિક આપ। અનેક જીવ ઉદ્ધારિયા, પ્રગટાવી પ્રબળ પ્રતાપ॥
થોડાક દનમાં સ્થાવર જંગમ, તારિયા જીવ તતકાળ। કળ ન પડી કોઈને, એવું કરિયું દીન દયાળ॥ અનેક જીવને ઉપરે, અઢળ ઢળ્યા અવિનાશ। જગજાળ કાપી આપી પદવી, બ્રહ્મમો’લે કરાવ્યો નિવાસ॥
અણ ચિંતવે આવી ગયા, અતિ અચાનક અલબેલ। ખબર ન પડી ષટ મતને, એવો ખેલી ગયા એક ખેલ॥ સૌ શાણા રહ્યા છે વિચારી રે, આ તો વાત થઈ વણધારી રે। એણે ઠીક કર્યું’તું ઠરાવી રે, એ તો સમજણ અર્થ ન આવી રે॥ જોઈ રહ્યા’તા જૂજવી વાટ રે, તે તો વાત ન બેઠી કોઈ ઘાટ રે। કોઈ કે’તા હરિ થઈ ગયા રે, થાશે હવે કે’ છે બીજા રહ્યા રે॥
કોઈ કે’તા છે કળિનું રાજ રે, પ્રભુ ન હોય પ્રગટ આજ રે। જોગી કે’તા જોગકળા પખી રે, નથી કલ્યાણ રાખ્યું છે લખી રે॥
જૈન કે’તા પાંચમો છે આરો રે, આજ નોય કલ્યાણનો વારો રે। કે’તા તપી તપ્યા વિના તન રે, ક્યાંથી કલ્યાણ જાણજો જન રે॥ કે’તા સંન્યાસી સર્વે નાશ થાય રે, તારે જનમ મરણ તાપ જાય રે। કે’તા પંડિત એમ પુરાણી રે, પ્રભુ પ્રગટ હશે તો લેશું જાણી રે॥
જંગમ કે’તા છે અગમ વાત રે, આજ નોયે પ્રભુ સાક્ષાત રે। શેખ કે’તા છે તેરમી સિદ્ધિ રે, આજ પામે મુકામ કોણ વિદ્ધિ રે॥ ભક્ત કે’તા ભક્તિ કર્યા વોણું રે, શીદ કરો કલ્યાણનું વગોણું રે। કે’તા વેદાંતિ વણ જાણે બ્રહ્મ રે, શાને કરો છો ઠાલો પરિશ્રમ રે॥ કે’તા મારગી નકલંક થાશે રે, કુડિયા કપટિ ઘાણે ઘલાશે રે। કે’તા પ્રણામી રાજ્ય સખી પખી રે, નહિ પામે ધામ નવી સખી રે॥
કે’તા ગોસ્વામિના સહુ એમ રે, સમાશ્રય વિના તરે કેમ રે। રામાનુજના કે’તા એહ રીત રે, જીવ તરશે ચકરાંકિત રે॥
વામી કે’તા કલ્યાણ છે તારે રે, માનો મળવે પંચ મકારે રે। ભેખધારી કે’તા વણ ભેખે રે, તર્યા ના’વ્યા નજરે કોઈ દેખે રે॥ તુરક કે’તા આવશે આખરી રે, તેદિ ઉદ્ધારશે કજા કરી રે। એમ બહુ પ્રકારે બહુ બહુ રે, વાટ જોઈ રહ્યા’તા સહુ રે॥
પણ કોઈનું ધાર્યું ન રહ્યું રે, વણ ધારે વચ્ચે બીજું થયું રે। એવો લીધો અલૌકિક અવતાર રે, સહુના ધાર્યા-વિચાર્યાથી બા’ર રે॥ બહુ રહ્યા સહુ વાટ જોતા રે, પીર મુરીદ ગુરુ શિષ્ય સોતા રે। અણચિંતવી આનંદ એ’લી રે, થઈ અમૃતરસ ચાલ્યો રેલી રે॥ તેમાં પડ્યા સાકરના કરા રે, વરસ્યા મોતીડાંના મેઘ ખરા રે। ભાંગી સરવે ભૂખ્યાની ભૂખ રે, કર્યું દૂર દારિદ્ર્ય દુઃખ રે॥
આપે આવી ગયા અણધાર રે, જન ઉદ્ધારવા આણી વાર રે। અકળ કળા એની ન કળાણી રે, ડાહ્યા શ્યાણાને રહી અજાણી રે॥
ન પડી ગમ રહ્યા ગમ ખાઈ રે, ના’વી વાત મતિના મત માંઈ રે। અગમ અપાર કા’વે અકળ રે, કહો કેને પડે એની કળ રે॥
પ્રકારઃ ૫૧
અવતારી અકળ અમાપને, વંદુ હું વારમવાર। અજર અમર અવિનાશીને રે, જાઉં વારણે વાર હજાર॥ અગોચર અતોલ અમાયિક, અખંડ અક્ષરાતીત। અગમ અપાર અખિલાધાર, અછેદ્ય અભેદ્ય અજીત॥
પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ, પરાત્પર પરમ આનંદ। પરમેશ્વર પરમાત્મા, પૂરણ પૂરણાનંદ॥ સુખદ સરવેશ્વર સ્વામી, સરવાધાર સદા સુખકંદ। સત ચિત આનંદમય, શ્રીહરિ સહજાનંદ॥ એવા અનેક નામના નામી રે, વળી અનંત ધામના ધામી રે। એવા સ્વામી જે સહજાનંદ રે, જગજીવન જે જગવંદ રે॥
તે તો આવ્યા હતા આપે આંહિ રે, અતિ મે’ર આણી મન માંહિ રે। આવી કરિયાં અલૌકિક કાજ રે, ધન્ય ધન્ય હો શ્રીમહારાજ રે॥
ધન્ય ધન્ય પરમ કૃપાળુ રે, ધન્ય દીનના બંધુ દયાળુ રે। ધન્ય પ્રભુ પતિતપાવન રે, ધન્ય ભવતારણ ભગવન રે॥ ધન્ય દાસના દોષ નિવારણ રે, ધન્ય ભૂધર ભવ તારણ રે। ધન્ય આશ્રિતના અભય કરતા રે, ધન્ય સર્વેના સંતાપ હરતા રે॥
ધન્ય અખિલ બ્રહ્માંડના ઈશ રે, ધન્ય કર્યા ગુના બકશિશ રે। ધન્ય નોધારાંના આધાર રે, આવી ઉદ્ધાર્યા જન અપાર રે॥ ધન્ય ભક્તવત્સલ ભગવાન રે, આવ્યા હતા દેવા અભય દાન રે। ધન્ય દુર્બળના દુઃખહારી રે, ધન્ય સંતતણા સુખકારી રે॥ શરણાગત જે સર્વે જનના રે, મોટા મે’રવાન જો મનના રે। સર્વે જીવની લેવા સંભાળ રે, આવ્યા હતા જો આપે દયાળ રે॥
કરી બહુ જીવનાં જો કાજ રે, પછી પધારિયા મહારાજ રે। એવા પૂરણ પરમારથી રે, ધર્મ એકાંતિક સ્થાપ્યો અતિ રે॥
તેનો જેને થયો છે સંબંધ રે, તેના છૂટિયા છે ભવબંધ રે। થઈ રહ્યાં તેનાં સર્વે કામ રે, તન છૂટે પામશે પર્મ ધામ રે॥ એવો મોટો પ્રતાપ પ્રગટાવી રે, ગયા મોક્ષનો માર્ગ ચલાવી રે। પૂરણ પ્રગટાવી પ્રતાપ રે, પછી પધારિયા પ્રભુ આપ રે॥
સહુ જનની કરવા સાર રે, હરિ આવ્યા હતા આણીવાર રે। પામર પ્રાણી પામ્યા ભવ પાર રે, જન સ્પરશતાં પ્રાણ આધાર રે॥ ધન્ય ધન્ય પ્રભુ પરતાપ રે, જન મન હરણ સંતાપ રે। દેશો દેશ રહ્યો જશ છાઈ રે, પ્રબળ પ્રતાપ પૃથ્વી માંઈ રે॥ ધન્ય ધન્ય ધર્મના બાળ રે, ધન્ય ધન્ય જન પ્રતિપાળ રે। ધન્ય ધન્ય ધર્મ ધુરંધર રે, ધન્ય ધર્મવર્મ દુઃખહર રે॥
ધન્ય ધરણી પર ધર્યું તન રે, ધન્ય આપ સંબંધે તાર્યા જન રે। ધન્ય ધન્ય ધામના ધામી રે, ધન્ય ધન્ય સહજાનંદ સ્વામી રે॥
કર્યો પરિપૂરણ પરમાર્થ રે, તેમાં કૈ જીવનો સર્યો અર્થ રે। ધન્ય રાખી ગયા રૂડી રીત રે, તેમાં ઉદ્ધાર્યા જીવ અમિત રે॥ ધન્ય ધન્ય સર્વેના ધણી રે, મહિમા મોટપ્ય ન જાય ગણી રે। ધન્ય ધન્ય બિરુદને ધારી રે, ગયા અનેક જીવ ઉદ્ધારી રે॥
પ્રકારઃ ૫૨
જય જય જગજીવનને, જય જય જગપતિરાય। જય જય જગદીશને, જય જય કહી જન ગાય॥ જય કૃપાળુ જય દયાળુ, જય દીનબંધુ દુઃખહર। જય જય સમર્થ શ્રીહરિ, જય સુખદ શ્યામ સુંદર॥ જય પ્રતાપ પ્રગટ પ્રબળ, જય પરાત્પર પરબ્રહ્મ। જય જય જગકારણ, જય જય કહે નિગમ॥
જયકારી પ્રગટ્યા પૃથવી પર, જયકારી કીધાં કૈક કામ। જયકારી ધારી મૂરતિ, પૂરી સહુના હૈયાની હામ॥
જય જય જગના જીવન રે, જય જય પ્રભુજી પાવન રે। જય જય જનહિતકારી રે, જય જન્મ મરણ દુઃખહારી રે॥ જય જય જનક જીવના રે, સુખદાયક છો સદૈવના રે। જય જનના જનની જેવા રે, જય સદા ઇચ્છો છો સુખ દેવા રે॥
જય જય જીવન જગવંદ રે, જય જય સ્વામી સહજાનંદ રે। જય જય સુખદ ઘનશ્યામ રે, જય જય કર્યાં બહુ કામ રે॥ જય જે કર્યાં આવી કારજ રે, જોઈ જન પામ્યા છે આચરજ રે। અતિ અલૌકિક કામ કીધાં રે, આશ્રિતને અભયદાન દીધાં રે॥ બહુ ઉપાય કલ્યાણ કેરા રે, કર્યા આવી આ જગે ઘણેરા રે। તે તો લખ્યા જેટલા લખાણા રે, કૈક રહ્યા ને કૈક કે’વાણા રે॥
બહુ પ્રકારે ઉદ્ધાર્યા પ્રાણી રે, તેની લેશ લખી છે એંધાણી રે। સાંગોપાંગ અથ ઇતિ કે’વા રે, નથી વાલમિક વ્યાસ જેવા રે॥
જે જે દીઠી આવી જાણ્યા માંઈ રે, તે તે લખી થોડી ઘણી કાંઈ રે। એક દિવસની વાત વળી રે, લખતાં ન લખાય સઘળી રે॥ તેવાં વરષ ઓગણપચાસ રે, તે પર એક દિન દોય માસ રે। એટલામાં કર્યાં જે જે કાજ રે, તેને કોણ લખે કવિરાજ રે॥
થોડા માંયે લેજો ઘણું જાણી રે, સર્વે વાત કેથી ન કે’વાણી રે। આ છે ગ્રંથ માહાત્મ્યનો ઘણો રે, તેમાં કહ્યો પ્રતાપ પ્રભુતણો રે॥ તે તો સર્વે જાણજો સત્ય રે, નથી અક્ષર એકે અસત્ય રે। પણ પૂરી પ્રતીતિ જેને નોય રે, તેને આગળ્ય કે’શો માં કોય રે॥ એને લખી લખાવી મા દેશો રે, જેને હોય હરિમાં અંદેશો રે। તેને અર્થે આ વાત નહિ આવે રે, જેનું મન માન્યું કાવે દાવે રે॥
જે નો’ય પૂરી પ્રતિતીવાળા રે, તે તો ક્યાંથી થાય સુખાળા રે। સુખ લેશે સાચા સતસંગી રે, સુણશે કે’શે આ ગ્રંથ ઉમંગી રે॥
ગાશે કે’શે સુણશે આ ગ્રંથ રે, તેના સર્વે સરશે અર્થ રે। આ લોકમાં આનંદ રે’શે રે, પરલોકે મોટું સુખ લેશે રે॥ માહાત્મ્ય કહ્યું છે અતિશે મોટું રે, ખરાખરું જાણો નથી ખોટું રે। રખે અપોચિયાની લઈ ઓટ રે, પરિપૂરણમાં ખોળો ખોટ રે॥
સમર્થથી શું શું ન થાય રે, એમ સહુ સમજો મન માંય રે। એમ સમજી સરવે સુજાણ રે, વાત પકી કરી છે પ્રમાણ રે॥ તેને તક પાકી ગઈ પૂરી રે, કોઈ વાત ન રહી અધૂરી રે। પામ્યા પૂરણ પરમાનંદ રે, થયા ન્યા’લ કે’ નિષ્કુળાનંદ રે॥
પ્રકારઃ ૫૩
ધન્ય ધન્ય આ અવતારને, ઉદ્ધાર્યા જીવ અપાર। દયા આણી દીનબંધુએ, સર્વેની લીધી સાર॥
અક્ષરધામથી આવિયા, કાવિયા ધર્મના લાલ। પ્રીતે કરીને પધારિયા, કૈકને કર્યા નિયાલ॥ અક્ષરાતીત અગમ જે, સુગમ થયા ઘનશ્યામ। અનંત અચ્યુત અવિનાશી, જે ધર્યું સહજાનંદ નામ॥
અખંડ અકળ અપાર જે, તે થયા મનુષ્યાકાર। અજર અમર અમાપ જે, તેણે લીધી સૌની સાર॥ અછેદ્ય અભેદ્ય અક્ષરાત્મા, અગોચર થયા ગોચર। અરૂપ અનુપમ અતિ ઘણા, તે થયા શ્યામ સુંદર॥ અતોલ અમોલ આગમે કહ્યા, તે થયા ધર્મના બાળ। નેતિ નેતિ નિગમ કહે, તેણે લીધી છે સંભાળ॥
બાળા ભક્તિ જે પ્રેમવતી, તેના થયા છે તન। ધર્મવૃષના ધામમાં, રમ્યા જમ્યા જીવન॥
અલૌકિક આપે આવી કરી, આપ્યાં અલૌકિક સુખ। માત તાતના મનનાં, દૂર કર્યાં છે દુઃખ॥ સુખી કરી જન સહુને, પછી પધારિયા ભગવન। સઘન વન વસમાં વળી, તે જોયાં સર્વે જીવન॥
કૈં કૈં કારજ કરિયાં, વાલે વળી વનમાંય। ત્યાગી ગૃહી તેમાં મળ્યા, તેની કરી પોતે સા’ય॥ અનેક જીવ ઉદ્ધારવા, ફરિયા દેશ વિદેશ। નિર્ભય કર્યાં નારી નરને, આપી ઉત્તમ ઉપદેશ॥ ધામ તીરથ ધરા ઉપરે, જોયા જે જીવન પ્રાણ। દૈવી આસુરી જીવનાં, કર્યાં છે કોટ કલ્યાણ॥
કલિયુગનું રાજ્ય કાઢિયું, સતજુગ વરતાવ્યો સોય। શુદ્ધ ધર્મમાં સહુ રહે, અશુદ્ધ ન આચરે કોય॥
મનુષ્ય પશુધર્મ પાળતાં, તે શુદ્ધ કર્યાં નર નાર। સત અસત ઓળખાવિયું, સમજાવ્યું સાર અસાર॥ પંચ વ્રત પ્રગટ કરી, પ્રવર્તાવ્યાં પૃથવી માંય। નિ’મ ધાર્યા નર નારીયે, કળિમળ ન રહ્યું ક્યાંય॥
પવિત્ર પ્રાણધારી કર્યા, તે તો પોતાને પ્રતાપ। જે અર્થે આપે આવિયા, તે અર્થ સારિયો આપ॥ કૈં કૈં કારજ કરિયાં, જીવના કલ્યાણ કાજ। ધ્યાન ધારણા સમાધિયે, સુખી કર્યા જન આજ॥ રીત અલૌકિક લોકમાં, દેખાડી દીનદયાળ। સુખી અંતરે સૌને કર્યા, ધન્ય ધન્ય ધર્મના બાળ॥
ઉત્સવ સમૈયે ભેળા કર્યા, સતસંગી વળી સંત। દરશ સ્પરશ દઈ આપનું, આપિયાં સુખ અત્યંત॥
જુગત્યે જન જમાડિયા, પોતે લઈ પકવાન। મગન કર્યા સંત સહુને, દઈને દરશન દાન॥
પ્રકારઃ ૫૪
આજ લે’રી આવ્યા છે લે’રમાં, મે’ર કરી છે મહારાજ। અઢળ ઢળ્યા અલબેલડો, કર્યાં કઈકનાં કાજ॥ દુઃખ કાપ્યાં દુઃખી દાસનાં, સુખી કર્યા સહુ જન। બ્રહ્મમો’લે તેને મોકલ્યા, પોતે થઈ પરસન॥
પૂરણ બ્રહ્મ પધારીને, ભાંગી છે સર્વેની ભૂખ। આ સમામાં જે આવિયા, ટાળિયાં તેહનાં દુઃખ॥ ધન્ય ધન્ય પાવન પૃથવી, જે પર વિચર્યા નાથ। ચરણ અંકિત જે અવની, સદા માને છે સનાથ॥ ધન્ય દેશ સોઈ શે’રને, જીયાં રહ્યા અવિનાશ। ધન્ય ધન્ય ગામ નગરને, જીયાં કર્યો વાલે વાસ॥
ધન્ય ધન્ય વારિ વહનિ, ના’યા તાપ્યા પ્રભુ પંડ। ધન્ય ધન્ય શૂન્ય સમીરને, ભાગ્યશાળી આ બ્રહ્માંડ॥
ધન્ય ધન્ય બ્રહ્મા ભવને, જેણે જોયા જીવન। ધન્ય ધન્ય મઘવા મેઘને, ભીંજ્યા ભાળ્યા ભગવન॥ ધન્ય ધન્ય શશી સૂરને, ઉડુ પામિયા આનંદ। દેવ દાનવ મુનિ માનવી, સુખી કર્યા સહુ વૃંદ॥
સ્થાવર જંગમ ચરાચર, સહુની લીધી છે સાર। સ્થૂળ સૂક્ષ્મ જીવ જગમાં, ઉતારિયા ભવપાર॥ ભોગી કર્યા બ્રહ્મમો’લના, આપિયું અક્ષરધામ। આપ પ્રતાપે ઉદ્ધારિયા, કરિયા પૂરણકામ॥ વેરો ન કર્યો વર્ષતાં, ઘન પેઠ્યે ઘનશ્યામ। શુદ્ધ કરી સહુ જીવને, આપિયું ધામ ઈનામ॥
કોટ ઉઘાડ્યા કલ્યાણના, ભાગ્યના ખોલ્યા ભંડાર। ભૂખ ભાંગી ભૂખ્યા જનની, જગે કર્યો જે જેકાર॥
ડંકા દીધા જગે જીતના, શ્યામે સહુને ઉપર। પ્રબળ પ્રતાપ જણાવિયો, દેશ ગામ ને ઘરોઘર॥ બૃહદ રીત આ વિશ્વમાં, વરતાવી છે બહુવિધ। ચાલી વાતો ચારે દેશમાં, પ્રભુપણાની પ્રસિદ્ધ॥
સ્વામિનારાયણ સહુને, નક્કી લેવરાવ્યું નામ। ભજન કરાવી આ ભવમાં, આપિયું અક્ષરધામ॥ સંભળાવ્યું વળી શ્રવણે, સહજાનંદ નામ સોય। કે’શે સુણશે એ નામને, તેને દુઃખ કોય નો’ય॥ એમ અનેક અભય કર્યા, પોતાતણે પરસંગ। અખંડ ધામ તેને આપિયું, સહુ કરી શુદ્ધ અંગ॥
અણતોળ્યાં સુખ આપિયાં, આશ્રિતને આ વાર। અનેક પ્રકારે અંતરે, સુખી કર્યા નર નાર॥
રૂડી મૂડી પામ્યાં રોકડી, નહિ ઊધારાની વાત। અમલ ભર્યાં સહુ ઉચ્ચરે, પ્રભુ મળ્યા છે સાક્ષાત॥ ઓશિયાળું શીદ ઓચરે, બોલે મગન થઈને મુખ। જન્મ મરણનું જીવમાં, રહ્યું નહિ જરા કેને દુઃખ॥
પ્રકારઃ ૫૫
અમલ ભર્યા સૌ અંતરે, આવે અંત્યે અવિનાશ। દેહ તજાવી દાસને, આપે છે અક્ષરવાસ॥ નર નારી નિઃશંક થયાં, ભાંગી બેઠા સહુ ભય। શરણ લીધું જેને સ્વામીનું, તેને કર્યા નિરભય॥ સહુને ઉપર શ્રીહરિ, શક્કો બેસાર્યો સુંદર। ભક્તિ કરાવી આ ભવમાં, તાર્યા કંઈક નારી નર॥
નૌતમ રીતને નાથજી, પ્રગટાવી પૃથવી માંય। સાંભળ્યું નો’તું જે શ્રવણે, એવું કર્યું આવી આંય॥
આનંદ આપ્યો અતિ ઘણો રે, આ સમામાં અલબેલ; પુરુષોત્તમ પ્રગટી રે.॥ અમૃતના સિંધુ ઉલટ્યા રે, રંગડાની વાળી છે રેલ... પુરુષોત્તમ.॥ નિર્ભયની નોબત્યું વાગિયું રે, મળીયા મોહનરાય... પુરુષોત્તમ.। વિધવિધ થયાં વધામણાં રે, કસર ન રહી કાંય... પુરુષોત્તમ.॥
ખોટ્ય ગઈ છે ખોવાઈને રે, જીત્યનાં જાંગિર ઢોલ... પુરુષોત્તમ.। દુઃખ ગયું બહુ દનનું રે, આવિયું સુખ અતોલ... પુરુષોત્તમ.॥ કળશ ચઢાવ્યો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મોડ... પુરુષોત્તમ.। ધન્ય ધન્ય આ અવતારને રે, જોવા રાખી નહી જોડ... પુરુષોત્તમ.॥ સહુને પાર સહુ ઉપરે રે, એવી ચલાવી છે રીત... પુરુષોત્તમ.। નો’તી દીઠી નો’તી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત... પુરુષોત્તમ.॥
સર્વના સ્વામી જે શ્રીહરિ રે, સર્વના કા’વિયા શ્યામ... પુરુષોત્તમ.। સર્વેના નિયંતા નાથજી રે, સર્વેનાં કરિયાં કામ... પુરુષોત્તમ.॥
સ્વામિનારાયણ નામનો રે, શક્કો બેસારિયો આપ... પુરુષોત્તમ.। એ નામને જે આશર્યા રે, તેના તે ટાળિયા તાપ... પુરુષોત્તમ.॥ ધામી જે અક્ષરધામના રે, તેણે આપ્યો છે આનંદ... પુરુષોત્તમ.। અખંડ આનંદ આપી જીવને રે, કાપ્યાં ભારે ભવફંદ... પુરુષોત્તમ.॥
ખાતાં વળાવ્યાં છે ખોટ્યનાં રે, ખરી કરાવી છે ખાટ્ય... પુરુષોત્તમ.। બંધ કીધાં બીજાં બારણાં રે, વે’તી કીધી અક્ષર વાટ્ય... પુરુષોત્તમ.॥ તમ ટાળ્યું ત્રિલોકનું રે, પ્રકાશી પૂરણબ્રહ્મ... પુરુષોત્તમ.। અંધારું રહ્યું’તું આવરી રે, તે ગયું થયું સુગમ... પુરુષોત્તમ.॥ સૂરજ સહજાનંદજી રે, આપે થયા છે ઉદ્યોત... પુરુષોત્તમ.। પૂર્વની દિશાયે પ્રગટી રે, ખોટા મોટા તે કર્યા ખદ્યોત... પુરુષોત્તમ.॥।૧૫॥ અષાઢી મેઘે આવી કર્યાં રે, ઝાઝાં બીજાં ઝાકળ... પુરુષોત્તમ.। પૂર ચાલ્યાં તે પૃથવિયે રે, ધોયા ધરતીના મળ... પુરુષોત્તમ.॥
ગાજ વીજ ને વરસવું રે, અગમ સુગમ કર્યું સોય... પુરુષોત્તમ.। સહુ જનને સુખ આપિયાં રે, દુઃખી રહ્યું નહિ કોય... પુરુષોત્તમ.॥
ધર્મનો ઢોલ સુણાવિયો રે, દેવા લાગ્યા પોતે દાત્ય... પુરુષોત્તમ.। દુર્બળનાં દુઃખ કાપિયાં રે, ન જોઈ જાત કુજાત્ય... પુરુષોત્તમ.॥ ધન્ય ધન્ય મારા નાથજી રે, ધન્ય ઉદ્ધારિયા જન... પુરુષોત્તમ.। ધન્ય ધન્ય આ અવતારને રે, ભલે મળ્યા ભગવાન... પુરુષોત્તમ.॥
વારે વારે જાઉં વારણે રે, કર્યાં અમારાં કાજ... પુરુષોત્તમ.। ઘણે હેતે ઘનશ્યામજી રે, મળ્યા અલબેલો આજ; પુરુષોત્તમ.॥ કહિયે મુખથી કેટલું રે, આપિયો છે જે આનંદ... પુરુષોત્તમ.। નિષ્કુળાનંદ જાય વારણે રે, સે’જે મળ્યા સહજાનંદ... પુરુષોત્તમ.॥