મનોહર સુંદર મૂરતિ, સહજાનંદ સુખરૂપ॥ નખશિખ સુધી નીરખતાં, આવે આનંદ અનૂપ॥ પ્રથમ પ્રભુ પ્રગટને, રાખું હૃદયામાંય॥ અંગોઅંગ અવલોકીને, અંતર રહું ઉછાય॥ પુરુષોત્તમ પરમ દયાળ, નાથ નીરખ્યા છે। શ્રીભક્તિધર્મના બાળ, નાથ નીરખ્યા છે॥ સુખદાયી સહજાનંદ, નાથ૦। સત્સંગીના સુખકંદ, નાથ૦॥
Nishkulanand Swami
૧. સ્વરૂપ ચિંતામણિ
અંગોઅંગમાં અવિનાશ, નાથ૦। તેણે હૈયે છે હુલાસ, નાથ૦॥ પ્રથમ પેખીને બે પાવ, નાથ૦। આવે અંતરે ઉછાવ, નાથ૦॥
અંબુજ અરુણ વર્ણ બે ચરણ, નાથ૦। હરિભક્તના ભયહરણ, નાથ૦॥ તેમાં શોભે ચિહ્ન સોળ, નાથ૦। અવલોકે સુખ અતોળ, નાથ૦॥ જમણા ચરણનાં ચિહ્ન જોઈ, નાથ૦। સ્વસ્તિ અષ્ટકોણ છે સોઈ, નાથ૦॥ વજ્ર અંકુશ ને ધ્વજ, નાથ૦। જવ જાંબુ કહિયે કંજ, નાથ૦॥
પગ બેહુમાં ઉર્ધ્વરેખ, નાથ૦। શોભે અતિશય વિશેષ, નાથ૦॥ પગ ડાબે ચિહ્ન સાત, નાથ૦। સદા સુખદાયી સાક્ષાત, નાથ૦॥ મત્સ ત્રિકોણ ને વ્યોમ, નાથ૦। કલશ ધનુષ ને સોમ, નાથ૦॥ ગોપદ સોતા ગણિયે સાત, નાથ૦। સોળે ચિહ્ન એહ વિખ્યાત, નાથ૦॥ જમણે અંગૂઠે નખમાંય, નાથ૦। શોભે ઉર્ધ્વરેખ એક ત્યાંય, નાથ૦॥ બેઉ પાવલિયા પૂનિત, નાથ૦। ચોટે આંગળિયો જોઈ ચિત્ત, નાથ૦॥
જેવી અરુણ કમળની કળી, નાથ૦। એવી શોભે પગ આંગળી, નાથ૦॥ નખશ્રેણી મણિ સમ, નાથ૦। ઊપડતા ને રૂડા રમ્ય, નાથ૦॥
અંગૂઠા આંગળિયો બહુ સારી, નાથ૦। જોઈ અંતર લિયો ઉતારી, નાથ૦॥ આંગળી અંગૂઠા ઉપર, નાથ૦। શોભે ઝીણા રોમ સુંદર, નાથ૦॥ ફણા તણા લાંક જોઈ, નાથ૦। શોભે ઘુંટી ઘણું દોઈ, નાથ૦॥ ગોળ રંગચોળ બે પેની, નાથ૦। શું હું કહું શોભા તેની, નાથ૦॥
કાંડાં કોમળ બે કહીએ, નાથ૦। જંઘા જોઈને સુખ લઈએ, નાથ૦॥ પિંડી સરખી ને સુંવાળી, નાથ૦। નળી લાગે છે રૂપાળી, નાથ૦॥ જોયા જેવા છે બે જાનું, નાથ૦। ઘૂંટણ નામ ધામ શોભાનું, નાથ૦॥ ડાબા જાનું પર ચિહ્ન જોઈ, નાથ૦। મારું મન રહ્યું છે મોહી, નાથ૦॥ ઊરુ શોભે સુંદર સુંવાળા, નાથ૦। રંભાસ્થંભ સાથળ રૂપાળા, નાથ૦॥ દુંદ ફાંદ દગે દેખી, નાથ૦। મારી ધન્ય કમાઈ લેખી, નાથ૦॥
કોમળ કટી કહીએ કેવી, નાથ૦। જોઈ અંતર ધાર્યા જેવી, નાથ૦॥ પે’રી વળ દેઈ પછેડી, નાથ૦। મારું મન બાંધ્યાની બેડી, નાથ૦॥
ઊંડી નાભિ ગોળ ગંભીર, નાથ૦। જોઈ જીવ ધરે છે ધીર, નાથ૦॥ પેટ રૂડું ને રૂપાળું, નાથ૦। પિપળપાન સમ સુવાળું, નાથ૦॥ ત્રિવળી પડે છે જો તેમાં, નાથ૦। પોયણ સમ શીતળ સુખ જેમાં, નાથ૦॥ નળ નીરખી મોહ્યું મન, નાથ૦। શોભે સુંદર શ્યામ સ્તન, નાથ૦॥
છબીદાર ઊપડતી છાતી, નાથ૦। પો’ળી રૂપાળી રંગરાતી, નાથ૦॥ હેતે ભર્યું અતિ હૈયું, નાથ૦। તે કેમ કરી જાય કહ્યું, નાથ૦॥ કૂખ પડખાં બે બગલું, નાથ૦। જોતા સુખ આવે છે ભલું, નાથ૦॥ ખભા ખૂબ જોયા મેં ખાંતે, નાથ૦। શોભા શું વખાણું વાતે, નાથ૦॥ ભુજા ભરી બેઉ બળે, નાથ૦। જોઈ જનમ મરણ ભય ટળે, નાથ૦॥ અતિ આજાનું બે બાહુ, નાથ૦। જોઈ બલહારી હું જાઉં, નાથ૦॥
ગજ સૂંઢ સરીખી શોભે, નાથ૦। દેખી લોચન મારાં લોભે, નાથ૦॥ દિલ માન્યું જોઈ ડેડરિયો, નાથ૦। ગોળ અતોળ વળભરિયો, નાથ૦॥
કોણી સુંદર શ્યામ સુંવાળી, નાથ૦। રૂડી લાગે છે રૂપાળી, નાથ૦॥ કળાઈ કાંડાં કૈ’એ કરભ, નાથ૦। જોઈ ગળે મીનમન ગરભ, નાથ૦॥ હાથ હથેળી છે રાતી, નાથ૦। જોઈ રેખા ઠરે છે છાતી, નાથ૦॥ પાંચે પાંચ આંગળિયો સારી, નાથ૦। વેઢા વિરા ઉપર વારી, નાથ૦॥
તસુ ટેરવાં છે રાતાં, નાથ૦। નથી કૈ’યે મે કે’વાતાં, નાથ૦॥ નખ લાલમણિ સમ સારા, નાથ૦। તે તો મને લાગે પ્યારા, નાથ૦॥ તીખા અગ્ર ને તેજસ્વી, નાથ૦। જોઈ જીવમાં ગયા વસી, નાથ૦॥ કર સુંદર સરખા બેઉ, નાથ૦। જોઈ દિલ ઉતારી લેઉં, નાથ૦॥ કંઠ કંબુ સમ અવલ, નાથ૦। તેના ખાડા વચ્ચે તલ, નાથ૦॥ ગળું રૂપાળું છે ઘણું, નાથ૦। રૂડું સુંદર સોયામણું, નાથ૦॥
દાઢી દેખી દિલડું ઠરિયું, નાથ૦। જોઈ વિષયસુખ વીસરિયું, નાથ૦॥ એવી ચિબુકે ચિત્ત ચોટે, નાથ૦। મન માન્યું મનોહર કોટે, નાથ૦॥
અધર પરવાળાં સમ પેખી, નાથ૦। દિલડું રીઝ્યું તેને દેખી, નાથ૦॥ હેતે ભરી વાણી હોઠે, નાથ૦। સુણી બીજે મન ન ગોઠે, નાથ૦॥ દેખી દાંતતણી આવળિયું, નાથ૦। કહીએ કુંદકુસુમની કળિયું, નાથ૦॥ રૂડા રૂપાળા રસભરિયા, નાથ૦। સારા સુવર્ણે સાંકરિયા, નાથ૦॥
રસનાયે છે રૂડી વાણી, નાથ૦। સુણી ચિત્તવૃત્તિ લોભાણી, નાથ૦॥ ચોખું બોલે છે ચતુરાયે, નાથ૦। સુણી વાણી પર બલજાયે, નાથ૦॥ મુખ ભર્યું મનોહર હાસે, નાથ૦। જોઈ જનમ મરણ દુઃખ નાસે, નાથ૦॥ નાસા અણિયાળી છે એવી, નાથ૦। શુકચંચુ દીપશગ જેવી, નાથ૦॥ તે પર શીળી ચિહ્ન નિહાળો, નાથ૦। જમણે ગાલે તિલ રૂપાળો, નાથ૦॥ ગૌર કપોળ છે ગોળ, નાથ૦। જોઈ આવે સુખ અતોળ, નાથ૦॥
કર્ણ હરણ દુઃખના કહિયે, નાથ૦। જોઈ મોટા સુખને લઈએ, નાથ૦॥ વામ કાને બિંદુ શ્યામ, નાથ૦। અતિ શોભે શોભાધામ, નાથ૦॥
કાનબૂટે ચોટે ચિત્ત, નાથ૦। જોઈ મન થાય ચકિત, નાથ૦॥ વાંસો લાંસો વાલો લાગે, નાથ૦। જોઈ તિલ મોટો દુઃખ ભાગે, નાથ૦॥ આંખ્યો મન ગમતી મર્માળી, નાથ૦। રાતી રેખાયે રૂપાળી, નાથ૦॥ અતિ ભરી છે અમૃતે, નાથ૦। નિહાળી જોઈ છે મેં નિરાંતે, નાથ૦॥
પાંપણ ઉપર કરચલિયું, નાથ૦। સારી શોભે છે બે ભલિયું, નાથ૦॥ ભ્રકુટિ નયણે નીરખી, નાથ૦। દીસે કામકમાન સરખી, નાથ૦॥ ભાલ વચ્ચે રેખા રૂડી, નાથ૦। મારી મીટ તણી છે મૂડી, નાથ૦॥ મોટે ભાગ્યે ભર્યું ભાલ, નાથ૦। જોઈ લમણા છઉં નિહાલ, નાથ૦॥ નળવટ જોઈ મન લોભાણું, નાથ૦। જાણ્યું દોયલા દિનનું નાણું, નાથ૦॥ કેશ કપાળ વચ્ચે કૈ’યે, નાથ૦। ચિહ્ન ચિંતવી સુખ લૈયે, નાથ૦॥
તાળુ રૂપાળું છે તેહ, નાથ૦। વાધે વિલોકે સનેહ, નાથ૦॥ સુંદર વાળ શ્વેત શ્યામ, નાથ૦। પેખી થાય પુરણકામ, નાથ૦॥
શિખા સુંદર છે સારી, નાથ૦। નખશિખા પર બલિહારી, નાથ૦॥ એવી મૂર્તિ મિરાંથ મારી, નાથ૦। લેઉં અંતરે ઉતારી, નાથ૦॥ શોભે નખશિખા શરીર, નાથ૦। ચિત્તે ચિંતવી ધરું ધીર, નાથ૦॥ પુષ્ટ અંગોઅંગ સુંદર, નાથ૦। મૂર્તિ મરમાળી મનહર, નાથ૦॥
મૂર્તિ ઘણી છે ઘનશ્યામ, નાથ૦। શાંત સ્વભાવે સુખધામ, નાથ૦॥ મહારાજની મૂર્તિ ન્યારી, નાથ૦। કરચરણાદિક પર વારી, નાથ૦॥ અંગોઅંગે અવલોકી, નાથ૦। આવે આનંદ અલોકી, નાથ૦॥ નખશિખા સુખની ખાણી, નાથ૦। જીભે જાય નહિ વખાણી, નાથ૦॥ એવી મૂર્તિ મનરંજન, નાથ૦। ચિત્તે ચિંતવું છું નિશદિન, નાથ૦॥ પ્રથમ પોઢી જાગે જ્યારે, નાથ૦। જોઈ જન મગન મન ત્યારે, નાથ૦॥
દિયે દર્શન દીનદયાળ, નાથ૦। નિજભક્તના પ્રતિપાળ, નાથ૦॥ પછી દેહક્રિયા કરી આવે, નાથ૦। હાથ મૃત્તિકાયે મટીયાવે, નાથ૦॥
ચોળી એકુકી આંગળિયો, નાથ૦। ધોઈ શુદ્ધ કરે સઘળિયો, નાથ૦॥ પછી દાતણ કરતા શ્યામ, નાથ૦। મુખ ધોઈ લો’તા સુખધામ, નાથ૦॥ વતુ કરાવતાં વળી, નાથ૦। નખ લેતાં દશ આંગળી, નાથ૦॥ અંગે અત્તર ચોળેલ, નાથ૦। તેલ સુગંધી ફુલેલ, નાથ૦॥
વળી નાતા ઉન્હે નીરે, નાથ૦। લુ’તાં લાસુ પટ શરીરે, નાથ૦॥ બીજું પે’રે કોરું પટ, નાથ૦। ચઢતાં ચાંખડિયે ચટ, નાથ૦॥ ઓઢી પછેડી પાવન, નાથ૦। આવ્યા જમવાને જીવન, નાથ૦॥ બેઠા ચાકળે અવિનાશ, નાથ૦। હતો નિષ્કુળાનંદ પાસ, નાથ૦॥ ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે પ્રથમઃ ચિંતામણિઃ॥
૨. થાળ ચિંતામણિ
ભોજન બહુ રસે ભર્યાં, જુગતે કરિયાં જેહ॥ આણ્યાં ચોકી ઉપરે, તાજાં જમવા તેહ॥
પાક બહુ પ્રકારના, વિધવિધના વ્યંજન॥ પુર્યા કટોરા પ્રેમશું, જુગતે જમે જીવન॥ મોદક મગદળ ને મોતિયા, જમતાં જોયા છે। લાખણસાઈ ને સેવૈયા, જમતાં જોયા છે॥ તળિયા બળિયા માંય તેજાના, જમતાં૦। કાજુ કળીયા મનમાન્યા, જમતાં૦॥
પેંડા પતાસાં ને પૂરી, જમતાં૦। સૂતરફેણી ને સાબુડી, જમતાં૦॥ શક્કરપારા સેવ સુંવાળી, જમતાં૦। પૂરી કચોરી રૂપાળી, જમતાં૦॥ હલવો હરિસો રસાળો, જમતાં૦। ગેબર ગુંદરપાક રૂપાળો, જમતાં૦॥ ગગન ગાંઠિયા ગુંદવડી, જમતાં૦। ગળાસાટા ગળપાપડી, જમતાં૦॥ શીરો સાથુ સાકર ચણા, જમતાં૦। મુરકી મુરબો મેસુબ ઘણા, જમતા૦॥ માલપુડા સાકરતણા, જમતાં૦। બરફી બીરંજ એલચીદાણા, જમતાં૦॥
બાટી બાજરા ઘઉંની, જમતાં૦। ઘણા ઘીમાં બોળી ઉની, જમતાં૦॥ ખાજાં ખીર ખુરમા ગોળા, જમતાં૦। દૂધપાક દહીંથરાં બો’ળા, જમતાં૦॥
માખણ મહી દહીંવડાં, જમતાં૦। ચૂરમું લાપસી બે રૂડાં, જમતાં૦॥ કંસાર બાસુંદિયો ભલી, જમતાં૦। કેરી રસ રૂડી રોટલી, જમતાં૦॥ પૂડલા ને પૂરણપોળી, જમતાં૦। રેવડી પકોડી બોળી, જમતાં૦॥ ગુલાબ ટોપરાંના પાક, જમતાં૦। જલેબી ને સુંદર શાક, જમતાં૦॥
જાર બાજરી બાવટ પોળી, જમતાં૦। ઘીમાં ઘઉંની ઝબોળી, જમતાં૦॥ મઠ જવના રોટલા, જમતાં૦। ચીણા ચણાના બહુ ભલા, જમતાં૦॥ સુગંધી ભાત ને ખીચડી, જમતા૦। કોદરી કાંગવું ને કડી, જમતાં૦॥ જાર બાજરાનું ધાન, જમતા૦। સામો બંટીનું નિદાન, જમતાં૦॥ રોટલી ને ગળવાણું, જમતાં૦। અવલપાક આંબલવાણું, જમતાં૦॥ રાતાં મરચાં ને રોટલા, જમતાં૦। મગ ચણાના પૂડલા, જમતાં૦॥
અડદ મગ ચણાની દાળ, જમતાં૦। તુવેર મેસુરની દયાળ, જમતાં૦॥ વાલ મઠ ને વટાણા, જમતાં૦। કાજુ કળથી ચોળા દાણા, જમતાં૦॥
વૃંતાક વાલોળ વળી, જમતાં૦। સારાં સૂરણ ઘીમાં તળી, જમતાં૦॥ સારા શક્કરિયાનાં શાક, જમતાં૦। વઘાર્યા હાથે શું વૃંતાક, જમતાં૦॥ રૂડાં રતાળું પતાળું, જમતાં૦। પરવર પાપડી દયાળું, જમતાં૦॥ કેરાં કારેલાં કંકોડા, જમતાં૦। કોળા ચીકણ ને ચીભડાં, જમતાં૦॥
ગલકાં ગવાર ને ઘિસોડા, જમતાં૦। શાક સાંગરીયોનાં રૂડા, જમતાં૦॥ ભીંડાફળી વળી ડોડા, જમતાં૦। ચોળાફળી ને ચીચોડાં, જમતાં૦॥ નઈ દૂધિયાં ને ટીંડોરા, જમતાં૦। કાજુ કરેલ તે કોરા, જમતાં૦॥ ભરથ ભર્યાં ઘણા ઘીનાં, જમતા૦। રૂડાં રાઈતાં રાઈનાં, જમતાં૦॥ કોમળ કૂબી ને કોચલાં, જમતાં૦। શાક એક એકથી ભલાં, જમતાં૦॥ તાજાં તરબૂચ પંડોળાં, જમતાં૦। શાક સારા સુંદર બો’ળા, જમતાં૦॥
રસે ભર્યાં રૂડાં કહિયે, જમતાં૦। સીમા શાક તણી ન લહિયે, જમતાં૦॥ ભર્યા હળદર હવેજે, જમતાં૦। વળી બહુ મસાલે બીજે, જમતાં૦॥
ટાંકા તાંદળિયાની ભાજી, જમતાં૦। સારા સુવા તલવણી તાજી, જમતાં૦॥ મેથી મોરણની પણ સારી, જમતાં૦। ભીંડા ડોડીની વઘારી, જમતાં૦॥ મૂળા કરલીની પણ કરી, જમતાં૦। વળી મીઠું ને મોગરી, જમતાં૦॥ લૂણી ચીલ ને ચણેચી, જમતાં૦। જમે પોતે આપે વેં’ચી, જમતાં૦॥ ભાજી તાજી રાઈ સારી, જમતાં૦। ઘણે ઘી જીરે વઘારી, જમતાં૦॥ અજમો પોઈ પત્રવેલાં, જમતાં૦। ભજીયા અળવીનાં કરેલાં, જમતાં૦॥
કોળાં વૃંતાક ને આદુ, જમતાં૦। ભજિયા રતાળુંનાં સ્વાદુ, જમતાં૦॥ ભર્યાં હવેજે ભજિયા, જમતાં૦। કંઈ કહ્યા મેં કંઈ રહ્યા, જમતાં૦॥
ફાફડા ને વડાં વડી, જમતાં૦। કળી ગાંઠિયા ફૂલવડી, જમતાં૦॥ પાપડ અડદ ને મગના, જમતાં૦। ઝીણા લોટની સગના, જમતાં૦॥ જાર બાજરાના સારા, જમતાં૦। જમતાં પાપડ લાગે પ્યારા, જમતાં૦॥ માસુખ મઠનાં મઠિયાં, જમતાં૦। લાગે ફરસાં ન જાય કહ્યાં, જમતાં૦॥
ચણા વાલના લીલવા, જમતાં૦। પય સાકર ને પૂંવા, જમતાં૦॥ વળી અવલ જો અથાણાં, જમતાં૦। ધર્યાં વાટકામાં ઘણાં, જમતાં૦॥ કેરી રાયતી રૂપાળી, જમતાં૦। બીજી બોળેલ રસાળી, જમતાં૦॥ લીંબુ બીલીનાં બનાવ્યાં, જમતાં૦। લીલી હળદીનાં મન ભાવ્યાં, જમતાં૦॥ કેરાં કરપટાં કર્મદાં, જમતાં૦। ગરમર વાંસનાં રાઈજાદાં, જમતાં૦॥ આરિયાં આમળાં ને આદુ, જમતાં૦। ખરાં ખારેકનાં સ્વાદુ, જમતાં૦॥
મરચાં ગુંદાં ને સેલરા, જમતાં૦। કાજુ મૂળ કંદ કેરાં, જમતાં૦॥ વૃંતાક પતાળુનાં વળી, જમતાં૦। બાવળ ગુવારની ફળી, જમતાં૦॥
કોઠીંબાની જે કાચલિયો, જમતાં૦। બીજી હળદી તેલે ભરિયો, જમતાં૦॥ લીંબુ રસ રૂડા નાંખી, જમતાં૦। સુંદર સારી આગે રાખી, જમતાં૦॥ આંબુવાનાં જે અથાણાં, જમતાં૦। બોળ્યાં સરસિયામાં ઘણાં, જમતાં૦॥ મૂળ સર્ગવાનાં સ્વાદે, જમતાં૦। ઉત્તમ અથાણાં એ આદે, જમતાં૦॥
મેથી લવિંગ ને મરિયાં, જમતાં૦। લીંબુ ખારેકમાં ભરિયાં, જમતાં૦॥ મીઠું હળદર ને ધાણા, જમતાં૦। ભેળાં આથેલ અથાણાં, જમતાં૦॥ આથ્યાં અદ્રક ને કટેરાં, જમતાં૦। વળી ચટણી વેરમવેરા, જમતાં૦॥ એવાં અથાણાં અનેક, જમતાં૦। વિધવિધના વિષેક, જમતાં૦॥ કુર કરમલડો કરિયાં, જમતાં૦। તલસાંકળી જાજરિયાં, જમતાં૦॥ ઘૃત દૂધ દહીંની તર, જમતાં૦। શ્વેત ભાત ને સાકર, જમતાં૦॥
સાકર રાબ સાકર પાણી, જમતાં૦। મગજળ ઘી તીખાં વખાણી, જમતાં૦॥ લીંબુરસ મરિયાં વારિ, જમતાં૦। સાંઠા શેરડિયો પણ સારી, જમતાં૦॥
ઉભા દર્શન કરવા દાસ, જમતાં૦। આપ્યા મહાસુખ મુખવાસ, જમતાં૦॥ લાવ્યા લવિંગ સોપારી, જમતાં૦। જાયફળ એલચી સારી, જમતાં૦॥ કાથો ચૂનો પાકાં પાન, જમતાં૦। બીડી સમારી સમાન, જમતાં૦॥ સુવા સૂંઠ્ય ને સંચળ, જમતાં૦। મરી અજમો જે અવલ, જમતાં૦॥
બુંદ આદુ ને વરિયાળી, જમતાં૦। તજ જાવંત્રી તમાલી, જમતાં૦॥ આપ્યા મુખેથી મુખવાસ, જમતાં૦। પામ્યા તંબોળ તે દાસ, જમતાં૦॥ પછી આણ્યાં સુંદર ફળ, જમતાં૦। અતિ સ્વાદુ ને નિર્મળ, જમતાં૦॥ લાવી દાસે પાસે ધરિયાં, જમતાં૦। રૂડાં રૂપાળાં રસભરિયાં, જમતાં૦॥ જાંબુ લીંબુ પાકી કેરી, જમતાં૦। સારાં કેળાં જે સોનેરી, જમતાં૦॥ દેખી દાડમ બેદાણે, જમતાં૦। સ્વાદુ સીતાફળ વખાણે, જમતાં૦॥
જામફળ જોયા જેવાં, જમતાં૦। રામફળ પણ એવાં, જમતાં૦॥ રાણ્યો સુડિયાં ને બોર, જમતાં૦। સારાં જમે ધર્મકિશોર, જમતાં૦॥
પીલું શેતૂ તરસાળું, જમતાં૦। બીલાં નારંગી દયાળુ, જમતાં૦॥ ડોડાં અંજીર અનુપ, જમતાં૦। ખારેક ખજૂર રસરૂપ, જમતાં૦॥ ટોપરાં ને કાજુકળિયા, જમતાં૦। દ્રાક્ષ નીલવા જે ગળિયા, જમતાં૦॥ રૂડાં બદામ સિંગોડા, જમતાં૦। મગ ચારોળી જે રૂડાં, જમતાં૦॥
કમળનાળ કુંણા જોઈ, જમતાં૦। ગુલાબ ગુલસુબા ફુલ સોઈ, જમતાં૦॥ શ્રૃંગીવિષતરુનાં પાન, જમતાં૦। જેઠીમધ ડોડી નિદાન, જમતાં૦॥ ચણેચી ચીભડાં ને ચોળા, જમતાં૦। રાઈ મોગરી ને મૂળા, જમતાં૦॥ મેથી મૂળાની ડાંડલિયો, જમતાં૦। કૂણી નર્મ કાજું ભલિયો, જમતાં૦॥ મીઠું મરી જીરૂં તાજું, જમતાં૦। જમે કાકડિયો જોઈ કાજું, જમતાં૦॥ દાળ દાળિયા ને મમરા, જમતાં૦। ધાણી બાજરી તલ ખરા, જમતાં૦॥
પોંક બાજરા ઘઉંનો, જમતાં૦। ચણા ગુદલીનો ઉનો, જમતાં૦॥ મકાઈ ને બહુ મેવા, જમતાં૦। પ્રદેશી મગ ચણા કેવા, જમતાં૦॥
કાજુ કરા ટાઢા હીમ, જમતાં૦। કોમળ નિર્મળ લૈલિમ, જમતાં૦॥ પાકાં ચીભડાં રસાળું, જમતાં૦। પાકી આંબલી દયાળું, જમતાં૦॥ ફણસ બિજોરાંના કળિયા, જમતાં૦। લાગે અન્નાસના ગળિયા, જમતાં૦॥ ગુંદાં કર્મદાં ટીંબરવાં, જમતાં૦। પીપર મધ કોઠાં ને મરવા, જમતાં૦॥
મીંઢી આવળ મરચાં રાતાં, જમતાં૦। કઠણ બહુ કસ્તુરી ખાતાં, જમતાં૦॥ થેગ કંદ ચંદ પોળી, જમતાં૦। જાય નિષ્કુળાનંદ ઘોળી, જમતાં૦॥ ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે દ્વિતીયઃ ચિંતામણિઃ॥
૩. લીલા ચિંતામણિ
કરપતર થાળી થાળમાં, ત્રાંસળી કટોરા ત્રાંસ॥ પનવાડાં પડિયા વાટકા, જમ્યા કનક ઠામે અવિનાશ॥ અબખોરા કટોરા કળસિયા, કઠારી ઝારી તુંબ કમંડળ॥ ચળુ કરી ચતુરાઈશું, પીધાં નિરમળ જળ॥
દાંત સુધારી બેઠા પાટે, ભૂધર ભાળ્યા છે। આવ્યા જન પૂજવા માટે, ભૂધર ભાળ્યા છે॥ ચરચે ચંદન મળિયાગરે, ભૂધર૦। કુંકુમ કસ્તુરી કેસરે, ભૂધર૦॥ સારી સુખડ શરીરે, ભૂધર૦। જને ચરચી ધીરે ધીરે, ભૂધર૦॥ કર્યાં કુંકુમના ચાંદલા, ભૂધર૦। શોભે ચોખા ચોડ્યા ભલા, ભૂધર૦॥ હૈયે લલાટે બે હાથે, ભૂધર૦। કર્યાં તિલક ચંદ્ર સાથે, ભૂધર૦॥ અંગે અંબર વિના રે’તા, ભૂધર૦। દિગંબર દર્શન દેતા, ભૂધર૦॥
વનકળ વાઘાંબર સુંદરે, ભૂધર૦। મૃગાજિન ટાટાંબરે, ભૂધર૦॥ પછી કોપીન કટવેડે, ભૂધર૦। રાખી અલફી તાર કેડે, ભૂધર૦॥
ગોદડી ચાદર ચોફાળે, ભૂધર૦। દીધાં દરશન દયાળે, ભૂધર૦॥ ખેસ ધોતી પોતી પે’રી, ભૂધર૦। ગૂઢે રેંટે (ફેંટે) લે’રી, ભૂધર૦॥ સુરવાળ ગૂડકી જામે, ભૂધર૦। જોઈ અંગરખી દુઃખ વામે, ભૂધર૦॥ પે’રી આંગી અંગે વા’લે, ભૂધર૦। કસી કમર દુશાલે, ભૂધર૦॥
ડગલી સોનેરી રૂપેરી, ભૂધર૦। કિનખાપની જો પે’રી, ભૂધર૦॥ ડગલી જરીની પે’રેલ, ભૂધર૦। બોરકસુની બાંધેલ, ભૂધર૦॥ પટુ પાંબરી ચકમે, ભૂધર૦। શાલ દુશાલે દુઃખ શમે, ભૂધર૦॥ બોરીચોફાળ રૂમાલે, ભૂધર૦। પે’ર્યો રાતો રેંટો વાલે, ભૂધર૦॥ ડગલી ગરમ પોસની પે’રિયે, ભૂધર૦। પાઘ કસુંબી સોનેરિયે, ભૂધર૦॥ વસ્ત્ર અત્તરમાં રસબસે, ભૂધર૦। બોકાની પાઘડિયે ધસમસે, ભૂધર૦॥
મુગટ કુંડળ મોલિડે, ભૂધર૦। કસુંબી ફેંટે કંકોલીડે, ભૂધર૦॥ પાઘ મુગલી મરેઠિયે, ભૂધર૦। સુરતી કાઠીની સોરઠિયે, ભૂધર૦॥
ટોપી કચ્છ કવેડા ફલૂની, ભધૂ ર૦। ગુંજા જરિયાન મહામલૂની, ભધૂર૦॥ તોરા ગજરા બાજુએ, ભૂધર૦। કંકણ ફૂલ ને કાજુએ, ભૂધર૦॥ ગુંજા રતાંજળી હારે, ભૂધર૦। અર્ક અનકણના અપારે, ભૂધર૦॥ ગુલાબ ગુલદાવદી માલે, ભૂધર૦। ચંપા ચંમેલી વિશાલે, ભૂધર૦॥
ગુલસુમના ગોટા હજારી, ભૂધર૦। ફેંટો ફૂલપછેડી ધારી, ભૂધર૦॥ હીરા મોતી મણિ માળે, ભૂધર૦। પના પીરોજા પ્રવાળે, ભૂધર૦॥ ફૂલ કપૂર ને હારે, ભૂધર૦। બાજુ તોરા પવિત્રાં સારે, ભૂધર૦॥ સોના પાઘ સોના ઝરમરિયાં, ભૂધર૦। છોગાં પણ સોનેરી ધરીયા, ભૂધર૦॥ તોરા શિરપેચ સોનાને, ભૂધર૦। ખોસ્યાં ફૂલ સોનાનાં કાને, ભૂધર૦॥ સોના દોરો સોનાસાંકળિયે, ભૂધર૦। સોના માળા સોનામાંદળિયે, ભૂધર૦॥
હાર કંઠી પણ કનકને, ભૂધર૦। બલિહારી એ બાનકને, ભૂધર૦॥ હીરા સાંકળી ઝૂમણું, ભૂધર૦। શોભે કાને કુંડળ ઘણું, ભૂધર૦॥
સોના બાજુ સોના કડે, ભૂધર૦। પોંચી વેઢ વીંટી નંગ જડ્યે, ભૂધર૦॥ કરડા ફેરવા અંગૂઠી, ભૂધર૦। મુદ્રિકા સોનાની દીઠી, ભૂધર૦॥ કટી મેખળા ને તોડો, ભૂધર૦। શોભે સોનાનો તે રૂડો, ભૂધર૦॥ પે’રી રૂપાની ચાંખડિયે, ભૂધર૦। એવા દીઠા છે આંખડિયે, ભૂધર૦॥
ઘમકે ઘુઘરિયો ખડાયે, ભૂધર૦। ચડતાં પગથિયે ચડાયે, ભૂધર૦॥ પે’રી કમળફૂલવાળી, ભૂધર૦। ચમકે ચંપાની રૂપાળી, ભૂધર૦॥ સાગ સીસમની પણ સારી, ભૂધર૦। ચરણે ચાંખડિયો ચમકારી, ભૂધર૦॥ કિશોરી સૂતર ને વાણે, ભૂધર૦। મોજડી ઓખાઈ અણવાણે, ભૂધર૦॥ ખાટ્ય પાટ્ય ને પલંગે, ભૂધર૦। બેઠા ઢોલિયે ઉમંગે, ભૂધર૦॥ છપર પલંગ ખાટલે, ભૂધર૦। ખૂરશી બાજોઠ પાટલે, ભૂધર૦॥
સાંગામાંચી સિંહાસને, ભૂધર૦। ગાદી ચાકળે આસને, ભૂધર૦॥ મેડે મંચે ડોલ હીંડોલે, ભૂધર૦। ગોખ વા’ણ વંડી દેવાલે, ભૂધર૦॥
કૂબા ઘર મેડી હવેલી, ભૂધર૦। બેઠા બંગલે શંકા મેલી, ભૂધર૦॥ મંદિર મંડપ દલિચા દેરે, ભૂધર૦। તંબુ રાવટીએ બહુવેરે, ભૂધર૦॥ અટારી અગાશી જાળિયે, ભૂધર૦। બેઠા મોહનજી માળિયે, ભૂધર૦॥ ઓટે ઓસરી પડસાળે, ભૂધર૦। દીધાં ત્યાં દરશન દયાળે, ભૂધર૦॥
બેઠા ચોક ફળી ચોતરે, ભૂધર૦। છાંટી ભૂમિ ફુવારા ભરે, ભૂધર૦॥ સારી આસણી સાદરિયે, ભૂધર૦। દરશન કામળી પર કરીએ, ભૂધર૦॥ ગોદડી ગોદડાં ગાદલાં, ભૂધર૦। ત્યાં દરશન થયા છે ભલાં, ભૂધર૦॥ ઝાડ પા’ડ ને પાષાણે, ભૂધર૦। બેઠા ભૂમિ પર જન જાણે, ભૂધર૦॥ ગાડી વે’લ રથ પાલખિયે, ભૂધર૦। મૂર્તિ મેને બેઠી લખિયે, ભૂધર૦॥ ગાડું ચારટ સુખપાલે, ભૂધર૦। જુવે જન વા’લાને વા’લે, ભૂધર૦॥
કરિ કરલિએ બહુ બાજે, ભૂધર૦। સોનેરી સખલાદિ સમાજે, ભૂધર૦॥ બેઠા નિજ સેવકને અંસે, ભૂધર૦। જેમ બ્રહ્મા બેઠા હંસે, ભૂધર૦॥
એક સમામાં મુનિ મળી, ભૂધર૦। આવ્યા પૂજા કરવા વળી, ભૂધર૦॥ વસ્ત્ર ઘરેણાં પે’રાવી, ભૂધર૦। ચરચ્યાં ચંદન સુંદર લાવી, ભૂધર૦॥ ધૂપ દીપ પુષ્પહારે, ભૂધર૦। કરી પૂજા બહુ પ્રકારે, ભૂધર૦॥ પછી ઉતારી આરતિ, ભૂધર૦। કરી ધુન્ય સ્તુતિ અતિ, ભૂધર૦॥
પછી પ્રભુ થયા પ્રસન્ન, ભૂધર૦। મળ્યા નિજજનને જીવન, ભૂધર૦॥ ચરચ્યાં ચરણ બે ચંદને, ભૂધર૦। લીધાં ઉર વચ્ચે નિજજને, ભૂધર૦॥ છાપી નિજજનની એમ છાતી, ભૂધર૦। પછી બેસારી પંગતી, ભૂધર૦॥ બેઠા પંગતે મુનિરાજ, ભૂધર૦। આવ્યા પીરસવા મહારાજ, ભૂધર૦॥ પીરસે પંગતમાં હરિ પોતે, ભૂધર૦। જન તૃપ્ત ન થાય જોતે, ભૂધર૦॥ લાડુ જલેબી લઈને, ભૂધર૦। જાય જોરાજોર દઈને, ભૂધર૦॥
બહુ પીરસે પ્રેમે કરી, ભૂધર૦। ફરે પંગતમાં ફરીફરી, ભૂધર૦॥ લેઈ લેઈ ભોજનનાં નામ, ભૂધર૦। આપે ઘણે હેતે ઘનશ્યામ, ભૂધર૦॥
લીધા લટકે લાડુ હાથ, ભૂધર૦। નિજજન જમાડે નાથ, ભૂધર૦॥ માસુખ મુખમાં મોદક આપે, ભૂધર૦। વળી મસ્તક ચરણે છાપે, ભૂધર૦॥ દેતા દહીં દૂધ દોવટે, ભૂધર૦। આપે ખાંડ સાકર કર મોટે, ભૂધર૦॥ પે’રી પછેડી ખેસની, ભૂધર૦। શોભા શી કહું વેષની, ભૂધર૦॥
ચાલે ઉતાવળા ચટકે, ભૂધર૦। પે’રી ગૂડકી નાડી લટકે, ભૂધર૦॥ ફરે પંગતમાં બહુ ફેરા, ભૂધર૦। પીરસે પાક પોતે ઘણેરા, ભૂધર૦॥ એમ જોરે જન જમાડે, ભૂધર૦। પીરસી પીરસી હાર પમાડે, ભૂધર૦॥ એમ જમાડ્યા જન જ્યારે, ભૂધર૦। કર પગ ધોયા તે વારે, ભૂધર૦॥ પછી ઉતારે પધાર્યા, ભૂધર૦। નિજજન મન મોદ વધાર્યા, ભૂધર૦॥ ત્યાં ઢોલિયો ઢાળેલે, ભૂધર૦। તે પર પાથરણાં પાથરેલે, ભૂધર૦॥
સુંદર ગાદલાં ગોદડે, ભૂધર૦। ઓછાડ ઓસિસાં રૂડે, ભૂધર૦॥ મેલ્યાં ગાલમસુરિયાં ગાલે, ભૂધર૦। ચાંપે ચરણ નિજજન વા’લે, ભૂધર૦॥
શીત ૠતુમાંહિ સારી, ભૂધર૦। તાપે સુખડ્યે સુખકારી, ભૂધર૦॥ ચકમો ચોફાળ રજાઈ, ભૂધર૦। ઓઢી પછેડી તે માંઈ, ભૂધર૦॥ ઉષ્ણ ઋતુમાં અવિનાશી, ભૂધર૦। શીતળ જળ પીતાં સુખરાશી, ભૂધર૦॥ પંખા કરતાં સેવક પાસે, ભૂધર૦। શીતળ ચંદન ચરચ્યાં દાસે, ભૂધર૦॥
ચોમાસામાં ચઢી ચાંખડિયે, ભૂધર૦। સુંદર સારી કર લાકડિયે, ભૂધર૦॥ ઓઢી કામળી સુંવાળી, ભૂધર૦। ધારી છતરી રૂપાળી, ભૂધર૦॥ આવી બેઠા સભામાંય, ભૂધર૦। જન સર્વે લાગ્યા પાય, ભૂધર૦॥ ત્યાં પરિયંક પાથરણે, ભૂધર૦। બેઠા રસિયો રાજીપણે, ભૂધર૦॥ તે પર ઓછાડ સોરંગી, ભૂધર૦। બેઠા તકિયાને ઓઠંગી, ભૂધર૦॥ નીરખી જન મન મગન થયાં, ભૂધર૦। સુંદર હાર પે’રાવ્યા તિયાં, ભૂધર૦॥
પછી ત્યાગી ગૃહી દાસે, ભૂધર૦। પૂછ્યા પ્રશ્ન પ્રભુ પાસે, ભૂધર૦॥ તેનો ઉત્તર કરતાં આપે, ભૂધર૦। કર લટકાં કરી દુઃખ કાપે, ભૂધર૦॥
રૂડા પ્રશ્નને સાંભળી, ભૂધર૦। ઉઠ્યા જનને મળવા વળી, ભૂધર૦॥ મળ્યા ત્યાગીને બહુ ભાતી, ભૂધર૦। પછી છાપી ચરણે છાતી, ભૂધર૦॥ પછી સત્સંગી સુખસીમા, ભૂધર૦। લીધાં તેણે ચરણ છાતીમાં, ભૂધર૦॥ એવાં અલૌકિક સુખ દેતાં, ભૂધર૦। આનંદ નિષ્કુળાનંદ લેતાં, ભૂધર૦॥
ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે તૃતીયઃ ચિંતામણિઃ॥
૪. દર્શન ચિંતામણિ
પછી વાજાં લઈ વિધવિધનાં, કર્યું ગવૈયે ગાન॥ તે ભેળા ભળી હરિ, ત્રોડે ત્રુગટિ તાન॥ સંત સહુ ઊભા થઈ, રચ્યો મનોહર રાસ॥ ફરે કરી કીરતનને, તે ભેળા ફરે અવિનાશ॥ દીવો દીવી ને અજવાળે, દ્રગે દીઠા છે। હાંડી ફાનસે રૂપાળે, દ્રગે દીઠા છે॥ ઝાડ મેતાબ ઉજાસે, દ્રગે૦। શશી સૂરજને પ્રકાશે, દ્રગે૦॥
બળતી અગ્નિ બપોરિયે, દ્રગે૦। ગમતી દેહ ઘણું ગોરિયે, દ્રગે૦॥ ઊઘડી રાત્ય ઉડુગણ તેજે, દ્રગે૦। એહ વિના ઉજાસે બીજે, દ્રગે૦॥
વસંતે વસ્ત્ર પે’રી વસંતિ, દ્રગે૦। ખાંત્યે ખેલ કરતા અતિ, દ્રગે૦॥ અબિર ગુલાલ નાખતાં, દ્રગે૦। શોભા ન જાયે કૈ’ ભાખતાં, દ્રગે૦॥ કર લઈ ગુલાલ ગોટા, દ્રગે૦। નાખે નિજજન પર જોઈ મોટા, દ્રગે૦॥ વળી પિચકારી નાખતાં, દ્રગે૦। કરતાં ખેલ બહુ મનગમતા, દ્રગે૦॥
રંગ તાંસળી તાંબડિયે, દ્રગે૦। ઘણો ભરી ગાગરડિયે, દ્રગે૦॥ રંગભીનો રમતા રંગે, દ્રગે૦। પોતાના સખા સંગે, દ્રગે૦॥ સર્વે સખા રસબસ કરતાં, દ્રગે૦। દઈ તાળી ધૂન્ય ઓચરતાં, દ્રગે૦॥ રમતાં રમતાં વસ્ત્ર અંગનાં, દ્રગે૦। થયા સરવે રાતા રંગના, દ્રગે૦॥ કર ચરણ મુખ રંગેલે, દ્રગે૦। શોભે આંખ્યો તેજ ભરેલે, દ્રગે૦॥ રમતાં કુસ્તી મલની સાથે, દ્રગે૦। ના’વા જાતા સંત સંગાથે, દ્રગે૦॥
ચઢ્યા ઘણે મૂલે હરિ ઘોડે, દ્રગે૦। સર્વે સખા ચાલ્યા જોડે, દ્રગે૦॥ નાહ્યા નિર્મળ જળમાં જઈ, દ્રગે૦। ત્યાં કરી લીલા કંઈ, દ્રગે૦॥
ના’તા ના’તા સખા સાથે, દ્રગે૦। બહું નીર ઉછાળે હાથે, દ્રગે૦॥ પછે નાહી નીસર્યાં બા’રે, દ્રગે૦। પે’ર્યાં કોરા વસ્ત્ર ત્યારે, દ્રગે૦॥ કર્યો કુંકુમનો ચાંદલો, દ્રગે૦। બહુ શોભે છે તે ભલો, દ્રગે૦॥ નાહી નાથ આવ્યા ઉતારે, દ્રગે૦। કર્યાં દાસે દરશન ત્યારે, દ્રગે૦॥
ના’તા નદી નદ તળાવે, દ્રગે૦। કુંડ કૂવા સાગર વાવે, દ્રગે૦॥ સમૈયા ઉત્સવ કરતાં, દ્રગે૦। મેળામાંહિ ઘોડે ફરતાં, દ્રગે૦॥ મહારુદ્ર અતિરુદ્ર માંહિ, દ્રગે૦। કરી ચોરાશી પણ તાંહિ, દ્રગે૦॥ બ્રહ્મભોજન કરાવ્યાં ભારે, દ્રગે૦। ખટ્માસ સુધી એક વારે, દ્રગે૦॥ કર્યો વૃંદાનો ત્યાં વિવા, દ્રગે૦। ફર્યા ફુલેકામાં એવા, દ્રગે૦॥ ધરી ઢાલ અલૌકિક અસિ, દ્રગે૦। છડી લાકડી વળી વંસિ, દ્રગે૦॥
ખેલે સાંગ કમાન તીરે, દ્રગે૦। બાંધ્યો કટાર મહાવીરે, દ્રગે૦॥ પેચકબજ કટારિયે, દ્રગે૦। છત્ર ચામર અબદાગરિયે, દ્રગે૦॥
વળી ચાલતા હરિ વાટે, દ્રગે૦। સરિતા સાગર ને ઘાટે, દ્રગે૦॥ રસ્તે વણરસ્તે વિચરતાં, દ્રગે૦। વળી રાત્ય દિવસે ફરતાં, દ્રગે૦॥ તાઢ તડકામાં સંઘ સાથે, દ્રગે૦। ચાલે મેઘ વરસતાં માથે, દ્રગે૦॥ આંબા આંબલી છાંયડે, દ્રગે૦। આસોપાલવ પીપર વડે, દ્રગે૦॥
પીપળ બકુળ બોરસડિયે, દ્રગે૦। બીજાં બહુ તરુ બોરડિયે, દ્રગે૦॥ ઠાકોર મંદિર કરવા કાજે, દ્રગે૦। લીધી માથે ઇંટ્ય મહારાજે, દ્રગે૦॥ પથર કેલ મૃત્તિકા માથે, દ્રગે૦। લઈ ચાલે સખા સાથે, દ્રગે૦॥ એમ હરિ મંદિર કરાવી, દ્રગે૦। માંહી મૂર્તિયો પધરાવી, દ્રગે૦॥ વળી હરિ મંદિરને ફરતાં, દ્રગે૦। સો સો પ્રદક્ષિણા કરતાં, દ્રગે૦॥ જોતાં મૂર્તિ સુંદર સારી, દ્રગે૦। ધાતુ પાષાણ પટ પ્યારી, દ્રગે૦॥
તેને દંડવત્ જો કરતાં, દ્રગે૦। વળી સામુ જોઈ બહુ રે’તા, દ્રગે૦॥ જમતા પ્રસાદી બહુ પ્રીતે, દ્રગે૦। તુળસીદળ નિર્મળ સમીતે, દ્રગે૦॥ પીતાં દૂધ પડતો દોરો, દ્રગે૦। પીધું ઘૃત ભરી કટોરો, દ્રગે૦॥ વળી ઉત્સવ સમૈયા માંહિ, દ્રગે૦। આવ્યા દાસ હજારો ત્યાંહિ, દ્રગે૦॥
કરે દર્શન પૂજા દાસ, દ્રગે૦। તેનું ગ્રહણ કરે અવિનાશ, દ્રગે૦॥ પૂજી સ્પર્શી લા’વો લીધો, દ્રગે૦। તેણે જન્મ સફળ કરી લીધો, દ્રગે૦॥ જોઈ નાથ સમાધિ થઈ, દ્રગે૦। પડ્યાં પ્રાણ નાડી વિના કંઈ, દ્રગે૦॥ ના’વે સમાધિથી બા’રે, દ્રગે૦। વણ ભણે વેદ ઉચ્ચારે, દ્રગે૦॥ વળી દેખે અક્ષરધામ, દ્રગે૦। લિયે ગોલોકનું નામ, દ્રગે૦॥ શ્વેતદ્વીપ વૈકુંઠ દેખે, દ્રગે૦। બ્રહ્મપુર કૈલાસ પેખે, દ્રગે૦॥
વળી વિશાળાના વાસી, દ્રગે૦। દેખે છે જન તે સુખરાશી, દ્રગે૦॥ જગાડે સમાધિમાંથી જ્યારે, દ્રગે૦। કરે વાત ધામની ત્યારે, દ્રગે૦॥
તે સાંભળી સુખધામ, દ્રગે૦। હસે મંદ મંદ ઘનશ્યામ, દ્રગે૦॥ શ્વે મુમુક્ષુને સાધુ કરતાં, દ્રગે૦। નંદપદવી નામ ધરતાં, દ્રગે૦॥ કહે દેશ પ્રદેશ ફરજ્યો, દ્રગે૦। સ્વામિનારાયણ ઉચ્ચરજ્યો, દ્રગે૦॥ કથા કીરતન જે કા’વે, દ્રગે૦। સુણે હરે હરે કરી ભાવે, દ્રગે૦॥
કાવ્ય કવિની સાંભળતાં, દ્રગે૦। માળા તુલસીની ફેરવતાં, દ્રગે૦॥ સુખડ્ય સુત્રની પણ સારી, દ્રગે૦। ફૂલમાળા પર બલહારી, દ્રગે૦॥ શહેર પુર ગામ ઘોષે, દ્રગે૦। ફૂલવાડી વાડી નેસે, દ્રગે૦॥ ખેત્ર ખળામાં મહારાજ, દ્રગે૦। તેનાં કામ કરાવા કાજ, દ્રગે૦॥ રાજા રાંકને ભુવને, દ્રગે૦। શેઠ શાહુકાર સદને, દ્રગે૦॥ લોક પટેલને ઘેરે, દ્રગે૦। બ્રહ્મસભામાં બહુ વેરે, દ્રગે૦॥
કોય રોગી જોગી જાણી, દ્રગે૦। જાય પોતે તિયાં તાણી, દ્રગે૦॥ ખરી ખબર તેની લેતાં, દ્રગે૦। દિયે સુખ થાય જે દેતાં, દ્રગે૦॥
ભુખ્યો પ્યાસો હોય કોઈ પ્રાણી, દ્રગે૦। આપે અન્નજળ દુઃખિયો જાણી, દ્રગે૦॥ દીન ઉપર દયા ઘણી, દ્રગે૦। જેનો કોઈ ન હોય ધણી, દ્રગે૦॥ વળી મોટાના મો’બતી, દ્રગે૦। જન સારાના સોબતી, દ્રગે૦॥ જાતાં વિવા’ વરામાંહી, દ્રગે૦। જઈ આવે પોતે ત્યાંહી, દ્રગે૦॥
કેને ઘેર થયા મે’માન, દ્રગે૦। કર્યું બહુ તેણે સનમાન, દ્રગે૦॥ વળી મે’માન રાખતાં, દ્રગે૦। તેની અવળાઈ સાંખતા, દ્રગે૦॥ માંદાને જોવા જાતાં, દ્રગે૦। વળી વઢતાં ને વારતાં, દ્રગે૦॥ સબળ નિર્બળને સંતાપે, દ્રગે૦। તે તો ખમી ન શકે આપે, દ્રગે૦॥ દુઃખી ગરીબની ગમ લેવી, દ્રગે૦। હરિની સહજ પ્રકૃતિ એવી, દ્રગે૦॥ કેને પ્રસાદી આપતાં, દ્રગે૦। દર્શન દઈ દુઃખ કાપતાં, દ્રગે૦॥
કેને ફૂલહાર દિયે વસ્ત્ર, દ્રગે૦। ઘોડાં ઘરેણાં ને શસ્ત્ર, દ્રગે૦॥ કેને ગાયો મહિષી રૂપૈયા, દ્રગે૦। કોરી કણ ન જાય કહ્યાં, દ્રગે૦॥
જમાડે સાધુને સુખકારી, દ્રગે૦। જમે સાંખ્યયોગી સંસારી, દ્રગે૦॥ બ્રાહ્મણ બ્રહ્મચારી ભેખધારી, દ્રગે૦। જમાડ્યાં રાંક મઉ નરનારી, દ્રગે૦॥ મઉને વસ્ત્ર રૂપૈયા દીધા, દ્રગે૦। બહુ દુઃખિયા સુખિયા કીધા, દ્રગે૦॥ ભાટ ચારણ ઢાઢી લંગાં, દ્રગે૦। રાવલ રાસલિયાં જન મંગાં, દ્રગે૦॥
તેને વસ્ત્ર ઘરેણાં ઘોડાં, દ્રગે૦। આપ્યાં ઘણાં નહી કાંય થોડાં, દ્રગે૦॥ વાવ્ય કુંડ કૂવા તળાવે, દ્રગે૦। તે તો પ્રભુ પોતે ગળાવે, દ્રગે૦॥ પર્વ સદાવ્રત બંધાવ્યાં, દ્રગે૦। આપ્યાં અનાવટે અન્ન ભાવ્યાં, દ્રગે૦॥ જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ, દ્રગે૦। કે’તા ભક્તિનો વળી મર્મ, દ્રગે૦॥ પંચવિષય પરાજય કરી, દ્રગે૦। જીવને ભજાવતાં હરિ, દ્રગે૦॥ કેનેક કે’વું ઘટે તે કે’તા, દ્રગે૦। કોયનું સાંભળી પણ લેતાં, દ્રગે૦॥
હસતાં રમતાં ના’તાં ખાતાં, દ્રગે૦। ઘોડાં ખેલવી ફૂદડી ફરતાં, દ્રગે૦॥ ધીરા ઉતાવળા પગ ધરતાં, દ્રગે૦। વળી કરનાં લટકાં કરતાં, દ્રગે૦॥
જાતાં વળતાં ગાતાં કે’તા, દ્રગે૦। નીર ખીર અમીરસ પીતાં, દ્રગે૦॥ આસન કરતાં મૂન્ય ગ્રહેતાં, દ્રગે૦। ઉદાસી રહે સૂઈ જાગતાં, દ્રગે૦॥ પ્રકરણ ફેરી ધર્મ થાપતાં, દ્રગે૦। કરતાં નિજજનને નિમ રતા, દ્રગે૦॥ ગિરિગહ્વર વન ઉપવને, દ્રગે૦। જોયા દેશ પ્રદેશે જીવનને, દ્રગે૦॥
તાપસવેષે કેશ શીશે, દ્રગે૦। એમ જીવ બહુ ઉપદેશે, દ્રગે૦॥ નાસાગ્રેવૃત્તિ વણસમરતિ, દ્રગે૦। આંખ્ય મટકું પણ ન ભરતી, દ્રગે૦॥ પ્રાણાયામ કરતાં યોગ શીખતાં, દ્રગે૦। યોગકળા દેખાડી દેતાં, દ્રગે૦॥ એવી અનેક રૂડી રીતે, દ્રગે૦। ચિંતવું છું મૂર્તિ ચિત્તે, દ્રગે૦॥ સૂતાં બેઠાં ને જાગતાં, દ્રગે૦। જાય દન એમ ચિંતવતાં, દ્રગે૦॥ તેણે રહે છે અતિ આનંદ, દ્રગે૦। એમ કહે નિષ્કુળાનંદ, દ્રગે૦॥
ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે ચતુર્થઃ ચિંતામણિઃ॥
૫. માહાત્મ્ય ચિંતામણિ
એમ નખશિખા મૂર્તિ નાથની, સમરતાં સુખ થાય॥ અહોનિશ ઉરમાં ધારતાં, કરવું રહે ન કાંય॥ ચરિત્ર સર્વ ચિંતવી, મૂરતિ ધારે મન॥ કાળ માયા કર્મનું, વ્યાપે નહિ વિઘન॥
મૂર્તિ તમારી સુખકારી, જીવન જાણું છું। છો અવતારના અવતારી, જીવન જાણું છું॥ મહાસમર્થ છો મહારાજ, જીવન૦। વળી આપે રાજાધિરાજ, જીવન૦॥ પુરુષોત્તમ પૂરણબ્રહ્મ, જીવન૦। તમને નેતિ કહે નિગમ, જીવન૦॥ વાસુદેવ દયાળુ સ્વભાવ, જીવન૦। મહાપુરુષ મહાનુભાવ, જીવન૦॥ નારાયણ નિર્વિકારી, જીવન૦। મહા પરમ મંગલકારી, જીવન૦॥ ભક્તભયહારી ભગવાન, જીવન૦। આપ્યાં આશ્રિતને અભયદાન, જીવન૦॥
સચ્ચિદાનંદ દિવ્યમૂર્તિ, જીવન૦। જેને અતિ અગમ કહે શ્રુતિ, જીવન૦॥ છો પરમ કલ્યાણકારી, જીવન૦। એવી નૌતમ મૂર્તિ ન્યારી, જીવન૦॥
તમે કોટિ બ્રહ્માંડાધીશ, જીવન૦। વળી સર્વેતણા છો ઈશ, જીવન૦॥ ધર્મધુંરધર ધન્ય ધન્ય, જીવન૦। ભક્તિધર્મના નંદન, જીવન૦॥ અલૌકિક મૂર્તિ આપે, જીવન૦। જોયે જનમમરણ દુઃખ કાપે, જીવન૦॥ તમે કાળમાયાના નિયંતા, જીવન૦। છો ગુણસાગર ગુણવંતા, જીવન૦॥
તમે ભવ બ્રહ્માના સ્વામી, જીવન૦। અકળ મૂર્તિ અંતરજામી, જીવન૦॥ પતિતપાવન અશરણ શરણ, જીવન૦। અધમ ઉદ્ધારણ અઘહરણ, જીવન૦॥ નખશિખ મૂર્તિ મંગળરૂપ, જીવન૦। આવે જોએ સુખ અનૂપ, જીવન૦॥ આનંદ પાવ આનંદ કર, જીવન૦। આનંદમાં મુખ મનોહર, જીવન૦॥ આનંદરૂપ અનુપમ એવું, જીવન૦। સૌ જનને જોયા જેવું, જીવન૦॥ આનંદ વસન ભૂષણ અંગે, જીવન૦। આનંદ આપો છો ઉછરંગે, જીવન૦॥
કૃપાસિંધુ છો ઘનશ્યામ, જીવન૦। ક્રોધ લોભ નિવારણ કામ, જીવન૦॥ પરમાત્મા પૂરણબ્રહ્મ, જીવન૦। નીલકંઠ કહે નિગમ, જીવન૦॥
જીવ ઈશ્વરના છો સ્વામી, જીવન૦। વળી સર્વે ધામના ધામી, જીવન૦॥ ક્ષર અક્ષરથી છો પર, જીવન૦। અક્ષરબ્રહ્મ તમારું ઘર, જીવન૦॥ કાળ માયા તમારી શક્તિ, જીવન૦। કરો બહુ કારજ એ વતી, જીવન૦॥ કોટિ બ્રહ્માંડને કરે છે, જીવન૦। ઉત્પત્તિ સ્થિતિ ને હરે છે, જીવન૦॥
તેના નિયંતા છો તમે, જીવન૦। સત્ય સ્વામી જાણ્યા અમે, જીવન૦॥ કારણના કારણ કહીયે, જીવન૦। કાળના પણ કાળ લહીએ, જીવન૦॥ આત્માના આત્મા છોજી, જીવન૦। પ્રાણના પણ પ્રાણ છોજી, જીવન૦॥ તમે ઈશ્વરના ઈશ્વર, જીવન૦। અંતરજામી છો અઘહર, જીવન૦॥ સર્વેના છો સાક્ષી સાર, જીવન૦। સકળ ફળના દેનાર, જીવન૦॥ સ્વયં જ્યોતિરૂપ રાજો, જીવન૦। માયાગુણથી પર બિરાજો, જીવન૦॥
નિરાકાર નિરંજન કહે છે, જીવન૦। તે શું તમારી ગતિ લહે છે, જીવન૦॥ છો અખંડ અવિનાશી, જીવન૦। માયા રહિત છો સુખરાશી, જીવન૦॥
તમારી મૂર્તિનું પરિમાણ, જીવન૦। કરી શકે શું અજાણ, જીવન૦॥ ચાર મુખે જો બ્રહ્મા ભાખે, જીવન૦। પાંચ મુખે શિવ કહી દાખે, જીવન૦॥ સહસ્ર મુખે કહે શેષ, જીવન૦। ષડાનન ગાય ગણેશ, જીવન૦॥ તોય કોયે ન પામે પાર, જીવન૦। એવી મૂર્તિ છે અપાર, જીવન૦॥
સર્વે શાસ્ત્ર પુરાણ માંયે, જીવન૦। ગુણ તમારા ગવાયે, જીવન૦॥ સર્વે દેવ વંદન કરે છે, જીવન૦। વેદ સ્તુતિ ઉચ્ચરે છે, જીવન૦॥ એવા સમર્થ સહુના સ્વામી, જીવન૦। સહુ રહે છે શીશ નામી, જીવન૦॥ તમારો ભય ભૂમીને ભારી, જીવન૦। તેણે રહી છે લોકને ધારી, જીવન૦॥ તમારા ભયે સમે તરુ ફળે, જીવન૦। ફૂલ ફળ વન સઘળે, જીવન૦॥ તમારા ભયથી શેષ હંમેશે, જીવન૦। ચૌદ લોક ધાર્યા છે શીશે, જીવન૦॥
તમારા ભય થકી સાક્ષાત, જીવન૦। વાસુ વરસાવે વરસાત, જીવન૦॥ તમારા ભયથી સૂર્ય શશી, જીવન૦। ફરે કાળશક્તિ અહોનિશી, જીવન૦॥
તમારા ભયે બ્રહ્માંડે મૃત્યુ, જીવન૦। રહે છે સદા સર્વત્ર ફરતું, જીવન૦॥ બ્રહ્મા વિષ્ણુ શારદા શિવ, જીવન૦। રહે છે મરજીમાં તતખેવ, જીવન૦॥ છે એક એક બ્રહ્માંડાધીશ, જીવન૦। તે પણ નમાવે છે શીશ, જીવન૦॥ એવા છોજી એક નિયંતા, જીવન૦। સહુ રહે છે તમથી ડરંતા, જીવન૦॥
એવા મોટા છો મહારાજ, જીવન૦। તે મળ્યા છો મને આજ, જીવન૦॥ તે તો નાથ કરી છે દયા, જીવન૦। તે ગુણ કેમ કરી જાય કહ્યા, જીવન૦॥ તમે મે’ર મુજ પર કીધી, જીવન૦। વળી બુડતાં બાંહ્ય ગ્રહી લીધી, જીવન૦॥ જે જે કર્યો તમે ગુણ, જીવન૦। બીજો કરે એવો કુંણ, જીવન૦॥ તમે બિરુદ પાળ્યું તમારું, જીવન૦। જોયું નહિ કર્તવ્ય અમારું, જીવન૦॥ તમે ગર્ભવાસ ત્રાસ ટાળ્યો, જીવન૦। એ તો આડો આંક જ વાળ્યો, જીવન૦॥
જનમતાં જતન કીધી, જીવન૦। મારી બહુનામી બહુવિધિ, જીવન૦॥ ખાનપાન ખબર રાખી, જીવન૦। શું હું દેખાડું કહી દાખી, જીવન૦॥
આજ સુધી પણ અમારી, જીવન૦। રાખો છો ખબર સારી, જીવન૦॥ પળે પળે કરો પ્રતિપાળ, જીવન૦। એવો બીજો કોણ દયાળ, જીવન૦॥ વળી અંતકાળે આવો છો, જીવન૦। રથ વે’લ વિમાન લાવો છો, જીવન૦॥ વળી ઘણે મૂલે ચઢી ઘોડે, જીવન૦। આવો છો સખા લઈ જોડે, જીવન૦॥
એમ અલબેલાજી આવો, જીવન૦। દેહ દાસતણું મુકાવો, જીવન૦॥ તેને તેડી જાઓ છો સાથે, જીવન૦। બેસારી રથ વિમાન માથે, જીવન૦॥ તેને આપો છો અક્ષરધામ, જીવન૦। થાય છે જન તે પૂરણકામ, જીવન૦॥ બીજો એવો કોણ કૃપાળુ, જીવન૦। તમ વિના દીઠા નહિ દયાળુ, જીવન૦॥ તમે દીનતણા છો બંધુ, જીવન૦। સુખકારી સુખના સિંધુ, જીવન૦॥ તમે નાથ અનાથ જનના, જીવન૦। તમે મહેરબાન છો મનના, જીવન૦॥
તમે નોધારાના આધાર, જીવન૦। તમે દુર્બળના દાતાર, જીવન૦॥ તમે ભક્તના ભય હરતા, જીવન૦। નિજજનને નિર્ભય કરતા, જીવન૦॥
તમે સંતજનના સ્નેહી, જીવન૦। કાપો કષ્ટ પડે જેહી, જીવન૦॥ તમે દાસતણાં દુઃખ કાપી, જીવન૦। કર્યા સુખિયા સુખ જ આપી, જીવન૦॥ એવા ભક્તવત્સલ ભગવાન, જીવન૦। દીધાં આશ્રિતને અભયદાન, જીવન૦॥ તમે અશરણના છો શરણ, જીવન૦। દુઃખ ટાળી સુખના કરણ, જીવન૦॥
નિજજનના સુખ સારું, જીવન૦। ઇયાં આવવું છે તમારું, જીવન૦॥ તમે અગમ સુગમ થઈ, જીવન૦। આવી જન ઉદ્ધાર્યા કંઈ, જીવન૦॥ તમે નરતન ધરિયું નાથ, જીવન૦। સર્વે સામગ્રી લઈ સાથ, જીવન૦॥ દઈ દર્શ સ્પર્શનું દાન, જીવન૦। નિર્ભય જન કર્યા નિદાન, જીવન૦॥ મૂર્તિ તમારી મહારાજ, જીવન૦। સરે સહુનાં જોઈ કાજ, જીવન૦॥ દર્શ સ્પર્શ જે તમારો, જીવન૦। મહામોટુ સુખ દેનારો, જીવન૦॥
મળવું તમારું છે મોઘું, જીવન૦। તે તો સહુને થયું છે સોંઘું, જીવન૦॥ કિયાં અમે કિયાં આપ, જીવન૦। કીડી કુંજરનો મેળાપ, જીવન૦॥
સહુના નાથ તમે નિયંતા, જીવન૦। સર્વાધાર સર્વના કરતા, જીવન૦॥ સર્વ પર છો સર્વેશ્વર, જીવન૦। સહુના પ્રેરક પરમેશ્વર, જીવન૦॥ ક્યાં તમે ને ક્યાં અમે, જીવન૦। તે તો કૃપા કરી છે તમે, જીવન૦॥ તમે અઢળક ઢળ્યા છો આજ, જીવન૦। મહામે’ર કરી મહારાજ, જીવન૦॥
દેખી દુઃખિયા અતિ દાસ, જીવન૦। તમે આવ્યા છો અવિનાશ, જીવન૦॥ કરવા અનેકનો ઉદ્ધાર, જીવન૦। સહુ જનની લેવા સાર, જીવન૦॥ એવી તકમાં હું પણ આવ્યો, જીવન૦। મારો ફેરો સફળ ફાવ્યો, જીવન૦॥ મારા સરિયાં સર્વે કાજ, જીવન૦। તે તો તમે મળ્યે મહારાજ, જીવન૦॥ દુઃખ દરિયામાંથી તાર્યો, જીવન૦। વળી અધમને ઉદ્ધાર્યો, જીવન૦॥ મારા સાચા છો સનેહી, જીવન૦। જોઈ જોઈ જોયું તેહી, જીવન૦॥
ખરી વેળાનો ખજીનો, જીવન૦। છો દામ દોયલા દિનો, જીવન૦॥ મારા મરણ ટાણાની મૂડી, જીવન૦। વળી ભવસાગરની હુડી, જીવન૦॥
એહ ભરોંસો છે મોટો, જીવન૦। તે તો કે દી ન થાય ખોટો, જીવન૦॥ બદલે નહિ બિરુદ તમારું, જીવન૦। શીદ શંકા મનમાં ધારું, જીવન૦॥ છે અચળ મારે આશરો, જીવન૦। ખરા દિનમાં ખરાખરો, જીવન૦॥ મૂર્તિ તમારી મીરાંથ મારી, જીવન૦। નહીં મેલું હું હવે ન્યારી, જીવન૦॥
રાખીશ જીવ સાથે હું જડી, જીવન૦। નહીં મેલું હું અળગી ઘડી, જીવન૦॥ તેમ નહીં મુકાય તમથકી, જીવન૦। કહે નિષ્કુળાનંદ નકી, જીવન૦॥ ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે પંચમઃ ચિંતામણિઃ॥
૬. સુખ ચિંતામણિ
એહ ભરોંસો ભીંતરે, અચળ છે ઉરમાંય॥ શરણાગતની શ્યામળા, સદા કરો છો સહાય॥ સુખના સાગર શ્રીહરિ, સદા સર્વદા શ્યામ॥ નિજજનના નિધિ નાથજી, પુરુષોત્તમ પૂરણકામ॥
મૂર્તિ તમારી મહારાજ, સુખકારીજી। સૌ જનનો સુખ સમાજ, સુખકારીજી॥ સાકાર મૂર્તિ સુખ ભંડાર, સુખ૦। સ્પરશી બહુ પામ્યા ભવપાર, સુખ૦॥ પ્રગટ મૂર્તિ પ્રતાપે, સુખ૦। સુરાસુર ઉદ્ધાર્યા આપે, સુખ૦॥ જે જે પ્રગટ પ્રસંગ પામ્યાં, સુખ૦। તેનાં સર્વે સંકટ વામ્યાં, સુખ૦॥ તમથી સરિયાં સૌના કામ, સુખ૦। તમે સૌના સુખ વિશ્રામ, સુખ૦॥ સ્પરશી પગ અંગૂઠો હવી, સુખ૦। જન બહુ તારણ જાહ્નવી, સુખ૦॥
વળી પદરજ સ્પરશી શલ્યા, સુખ૦। થઈ ગૌતમ તરુણી અહલ્યા, સુખ૦॥ એવો પદરજનો પ્રતાપ, સુખ૦। ટળ્યો તરત તેનો સંતાપ, સુખ૦॥
વળી પદ સ્પર્શતાં કાળી, સુખ૦। થયો નિર્ભય ભવભય ટાળી, સુખ૦॥ વૃંદાવનનાં વેલી વન, સુખ૦। થયાં પદરજથી પાવન, સુખ૦॥ ઉદ્ધવ અક્રુરને મન પ્યારી, સુખ૦। એવી પદરજ છે તમારી, સુખ૦॥ પગ પાવન પ્રીતે જોઈ, સુખ૦। તુલસી રહી છે ત્યાં મોઈ, સુખ૦॥
એવાં ચરણ સદા સુખકારી, સુખ૦। ધરે ધ્યાન તેનું ત્રિપુરારી, સુખ૦॥ શેષ સુરેશ અજ શશી, સુખ૦। અર્ક અગ્નિ જે તેજસ્વી, સુખ૦॥ નારદ શારદ સહસ્ર અઠ્યાસી, સુખ૦। તે પણ હરિ પગના ઉપાસી, સુખ૦॥ એવા અશરણશરણ ચરણ, સુખ૦। ધારે હરિજન અંતઃકરણ, સુખ૦॥ પૂજે જન મળી વળી પ્રીતે, સુખ૦। વળી ચિંતવે છે નિત્ય ચિત્તે, સુખ૦॥ એવા પગ પાવન છે બહુ, સુખ૦। સુખદ જાણી સેવે સહુ, સુખ૦॥
સ્પર્શી પાવન છે પૃથવી, સુખ૦। તેણે રાજી રહે નિત્ય નવી, સુખ૦॥ એવા પાવલિયાને પેખી, સુખ૦। દિલડું રિઝે જનનું દેખી, સુખ૦॥
જંઘા જોઈને ઇન્દિરા, સુખ૦। ચરણ ચાંપે ધીરાધીરા, સુખ૦॥ જાનું જુગલ જોઈ જન, સુખ૦। સદા સુખી મન મગન, સુખ૦॥ સાથળ સુંવાળી બે સારી, સુખ૦। મગન પીઠ ધરી પન્નગારી, સુખ૦॥ ઉદર સુંદર અતિ સારું, સુખ૦। જોઈ જન ત્યાં રહ્યાં હજારું, સુખ૦॥
નાભિ થકી અજ ઉપજી, સુખ૦। પામ્યા મોટ્યપ મનરંજી, સુખ૦॥ ઉર જોઈ શોભાધામ, સુખ૦। કર્યો કમળાએ વિશ્રામ, સુખ૦॥ ગળે શોભા જોઈ ઘણી, સુખ૦। પામી સુખ ત્યાં કૌસ્તુભમણિ, સુખ૦॥ મુખે સુખ પામી સરસ્વતી, સુખ૦। રહી છે રાજી થઈને અતિ, સુખ૦॥ મુખે સુખ પામ્યાં કંઈ જન, સુખ૦। મુખ સહુનું સુખ સદન, સુખ૦॥ મુખે મોહ્યા મોટા મુનિ, સુખ૦। મુખ સુખનિધિ સહુની, સુખ૦॥
મુખ જોઈ દુઃખ ટળે છે, સુખ૦। આવે સુખ શાંતિ વળે છે, સુખ૦॥ એવું મુખ સુખનું દેનાર, સુખ૦। જેથી સુખ પામ્યાં નરનાર, સુખ૦॥
ભુજા બેઉ સુખના ભરિયા, સુખ૦। મળી તાપ તનના હરિયા, સુખ૦॥ કરને લટકે કારજ કીધાં, સુખ૦। જોઈ જન મને સુખ લીધાં, સુખ૦॥ અભય વર બે રહ્યાં હાથે, સુખ૦। એવા કર મેલો જન માથે, સુખ૦॥ કર આંગળી સુખસદન, સુખ૦। જેણે ધાર્યો ગોવર્ધન, સુખ૦॥
રાખ્યાં ગાય ગોપી ગોવાળ, સુખ૦। કરી વ્રજજનની પ્રતિપાળ, સુખ૦॥ હાથે દાસ તણાં દુઃખ હરિયાં, સુખ૦। આપી સુખ સુખિયાં કરિયાં, સુખ૦॥
એમ સાકાર મૂર્તિ સંબંધે, સુખ૦। સુખિયા આદિ અંતે મધ્યે, સુખ૦॥ મૂર્તિ વડે મોટ્યપ સહુની, સુખ૦। કોણ તપસી ઋષિમુનિ, સુખ૦॥ મૂર્તિ મેલી મોટ્યપ ઇચ્છે, સુખ૦। તેને વાત બની બગડી છે, સુખ૦॥ શૂન્ય સુમનની નોય દામ, સુખ૦। મૂર્ખ તેની કરે છે હામ, સુખ૦॥
તેમ મૂર્તિ તમારી મેલી, સુખ૦। સુખ સાટે મળશે સેલી, સુખ૦॥ તમે જનના સુખને કાજ, સુખ૦। સદા સાકાર છો મહારાજ, સુખ૦॥ સાકાર વિના ન સરે કામ, સુખ૦। માટે સાકાર છો સુખધામ, સુખ૦॥ ચાર વેદ વદે એ વાત, સુખ૦। પ્રભુ પ્રગટ છો સાક્ષાત્, સુખ૦॥ ષટ શાસ્ત્ર કે’ છે ખોળી, સુખ૦। મોટ્યપ પ્રગટની વણતોળી, સુખ૦॥ અઢાર પુરાણમાં એમ કહે છે, સુખ૦। પ્રભુ સદા સાકાર રહે છે, સુખ૦॥
સ્મૃતિ શ્રુતિનું એ તાન, સુખ૦। સદા સાકાર રહે ભગવાન, સુખ૦॥ તેણે કરી રહે છે સમુ, સુખ૦। નહીં તો વણસી થાયે વસમું, સુખ૦॥
ન રહે એક સ્થિતિ એક રીતી, સુખ૦। સહુ કોઈ આદરે અનીતિ, સુખ૦॥ ધર્મ ધરા પર ન રહે, સુખ૦। સહુ કોઈ અધર્મને ગ્રહે, સુખ૦॥ દેવ દાનવ માનવ મુનિ, સુખ૦। માને નહીં મરજાદા કોયની, સુખ૦॥ ચાર વર્ણ આશ્રમ ચાર, સુખ૦। સહુ ભ્રષ્ટ થાય નરનાર, સુખ૦॥
માટે સહુના ધર્મ રખાવા, સુખ૦। તમે રહો આવાના આવા, સુખ૦॥ અધર્મ ઉથાપી ધર્મ થાપો, સુખ૦। તમે હરિજનને સુખ આપો, સુખ૦॥ તમે ધર્મધુરંધર કા’વો, સુખ૦। ધર્મ સારુ ધરા પર આવો, સુખ૦॥ તમે ધર્મતણી છો ઢાલ, સુખ૦। ધર્મવર્મ ધર્મલાલ, સુખ૦॥ ધર્મપાળક ધર્મકુમાર, સુખ૦। તમે સંતજનના શણગાર, સુખ૦॥ દાસ દોષ નિવારણ નાથ, સુખ૦। એમ કહે છે સહુ જનસાથ, સુખ૦॥
તમે ભક્તતણા ભયહારી, સુખ૦। તમે સંતજનના સુખકારી, સુખ૦॥ કપટી કુટિલ દગાદાર, સુખ૦। તેના નાશના કરનાર, સુખ૦॥
તમે અધર્મીના અરિ કા’વો, સુખ૦। નમે’રી ઉપર મે’ર ન લાવો, સુખ૦॥ કુકર્મી કુબુદ્ધિના છો કાળ, સુખ૦। તમે નિજજનના પ્રતિપાળ, સુખ૦॥ તમારી મૂર્તિ મીરાંથ મોટી, સુખ૦। સેવી સુખ પામ્યા કૈ કોટિ, સુખ૦॥ તમારી મૂર્તિ ચિંતામણિ, સુખ૦। સમુ ચિંતવે સુખનિધિ ઘણી, સુખ૦॥
સંતજન ચિંતવે છે સવળું, સુખ૦। અસંતજન ચિંતવે છે અવળું, સુખ૦॥ જે જે જન ચિંતવે છે જેવું, સુખ૦। તે તે ફળ પામે છે તેવું, સુખ૦॥ કલ્પતરુ તુલ્ય તમે, સુખ૦। ચિંતવે જે જનને જેવું ગમે, સુખ૦॥ કલ્પતરુ ચિંતામણિ કહીયે, સુખ૦। તમને તે ઉપમાં કેમ દઈયે, સુખ૦॥ તે તો સુખ દુઃખના દેનાર, સુખ૦। તમે સદા સુખ ભંડાર, સુખ૦॥ જોને અસુર અભાગી અતિ, સુખ૦। મહા દુષ્ટમય દુરમતિ, સુખ૦॥
કરતા મનસુબા મારવા, સુખ૦। નિત્ય પ્રત્યે નવા નવા, સુખ૦॥ તેને મારી મોક્ષ આપી, સુખ૦। એવી મૂર્તિ કહી પ્રતાપી, સુખ૦॥
માટે મૂર્તિ મંગળમૂળ, સુખ૦। એથી પામ્યા સુખ અતૂળ, સુખ૦॥ એથી અમંગળ નહીં કેનું, સુખ૦। શું શું કહી દેખાડું તેનું, સુખ૦॥ મંગળ કરચરણાદિક કહિયે, સુખ૦। મંગળ નખશિખા લગી લહિયે, સુખ૦॥ મંગળ ચાલ્ય ચરિત્ર માનું, સુખ૦। મંગળમાં અમંગળ શાનું, સુખ૦॥
મંગળ દેવું લેવું એવું, સુખ૦। સર્વે મંગળકારી કે’વું, સુખ૦॥ મંગળકારી વાણી મુખની, સુખ૦। મંગળ દ્રષ્ટિ કરો છો સુખની, સુખ૦॥ સર્વે ક્રિયા મંગળકારી, સુખ૦। મંગળ મૂર્તિની બલિહારી, સુખ૦॥ મંગળમય મૂર્તિ જેણે જોઈ, સુખ૦। તેને ન્યૂન ન રહી કોઈ, સુખ૦॥ મંગળ મૂર્તિને પ્રતાપ, સુખ૦। સ્પર્શે પ્રજળે પૂરણ પાપ, સુખ૦॥ મંગળ મૂર્તિને સમરતાં, સુખ૦। મટે સંકટ શ્રીહરિ કરતાં, સુખ૦॥
મંગળ મૂર્તિને ચિંતવતાં, સુખ૦। કિલ્બિષ જાય શુભ થાય સેવતા, સુખ૦॥ મંગળ મૂર્તિનું ધ્યાન ધરતાં, સુખ૦। થાય અંતરમાં સુખ સમતા, સુખ૦॥
મંગળ મૂર્તિના ગુણ ગાવતાં, સુખ૦। માટે મેં નથી મૂકાતા, સુખ૦॥ મંગળ મૂર્તિ જોઈ મન રાતો, સુખ૦। તેણે રહું છું ફુલાતો, સુખ૦॥ મંગળ મૂર્તિ જોઈ મેં મને, સુખ૦। રાજી રહું છું રાત્ય દને, સુખ૦॥ મંગળ મૂર્તિ જોતાં મારે, સુખ૦। સઈ ઓછપ્ય છે આ વારે, સુખ૦॥
પૂર્ણકામ પ્રગટ પ્રતાપે, સુખ૦। એમ મને મનાણું આપે, સુખ૦॥ તેનો નથી થાપ ઉથાપ, સુખ૦। તે તો પ્રગટને પ્રતાપ, સુખ૦॥ મૂર્તિ સંભારવા સારુ, સુખ૦। કરતું મનસૂબો મન મારું, સુખ૦॥ તે તો પૂરણ થયો પ્રમાણ, સુખ૦। કર્યાં મૂર્તિનાં વખાણ, સુખ૦॥ હરિસ્મૃતિ થાય હૈયે, સુખ૦। માટે હરિસ્મૃતિ કહિયે, સુખ૦॥ કે’તા સુણતાં મટે ભવફંદ, સુખ૦। એમ કહે નિષ્કુળાનંદ, સુખ૦॥
ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે ષષ્ઠઃ ચિંતામણિઃ॥
૭. મૂર્તિ ચિંતામણિ
અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર॥ જોતાં નાવે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર॥ સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોય॥ સર્વોપરિ છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય॥ પ્રગટ પ્રબળ મૂર્તિ, અચરજકારી છે। જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અચરજકારી છે॥ અકળ અનુપ અમાપ, અચ૦। કોય કરી શકે નહી થાપ, અચ૦॥
અગમ અતોલ અપાર, અચ૦। નિગમે ન થાય નિરધાર, અચ૦॥ શિવ બ્રહ્મા સરખા કહે છે, અચ૦। તોય અતિ અપાર રહે છે, અચ૦॥
પ્રગટ મૂર્તિનો મહિમાય, અચ૦। સર્વે સુખતણી સીમાય, અચ૦॥ મોટ્યપ હરિમૂર્તિની અતિ, અચ૦। કે’તા કહેવાય નહીં કોયવતી, અચ૦॥ જે જે હરિ મૂર્તિથી થયું, અચ૦। તે તે મેં ન જાય કહ્યું, અચ૦॥ બહુ બહુ થાય ચમત્કાર, અચ૦। તેને કહેતાં ન આવે પાર, અચ૦॥
જે કોય કેદી ન સૂણ્યું કાન, અચ૦। તે તો દેખાડ્યું ભગવાન, અચ૦॥ અલૌકિક વસ્તુ આવે લોકે, અચ૦। તે તો જન સહુ અવલોકે, અચ૦॥ અશન વસન સુંદર માળા, અચ૦। પ્રસાદી દાળ્ય રોટા રૂપાળા, અચ૦॥ તલલાડું તોરા હાર, અચ૦। ફળ ફૂલ અમૂલ્ય અપાર, અચ૦॥ પામે સમાધિયે તે દાસ, અચ૦। જાગે જ્યારે ત્યારે રહે પાસ, અચ૦॥ જે જે આપે સમાધિ માંયે, અચ૦। તે તે લઈ આવે જન આંયે, અચ૦॥
અમાયિક માયિકમાં આવે, અચ૦। એથી અન્ય આચરજ શું કા’વે, અચ૦॥ વળી અનેક પરચા આપે, અચ૦। પામે જન પ્રગટ પ્રતાપે, અચ૦॥
તે તો કે’તા ન કે’વાયે, અચ૦। મોટો હરિમૂર્તિ મહિમાયે, અચ૦॥ જે જે આ સમાની વાત, અચ૦। તે દીઠી મેં સાક્ષાત, અચ૦॥ સંતદાસ પ્રગટ પ્રતાપે, અચ૦। ગયા જળમાં ના’વા આપે, અચ૦॥ દીધી જળમાં ડૂબકી દાસે, અચ૦। નીસર્યા નરનારાયણ પાસે, અચ૦॥
તિયાં દોઢ માસ રઈ, અચ૦। ત્યાંની ખબર આવ્યા લઈ, અચ૦॥ તે તો આચરજ વાત કહેવાય, અચ૦। આ દેહે એમ જવાય, અચ૦॥ વળી ફરી મેલ્યા મહારાજે, અચ૦। હીમાળો ઉલ્લંઘ્યો મુનિરાજે, અચ૦॥ આવી પથરા નદી ત્યાંયે, અચ૦। ઉતર્યા શ્રી હરિની ઇચ્છાયે, અચ૦॥ નાહ્યા માનસરોવર ઘાટે, અચ૦। કૈકૈ કારજ કીધાં વાટે, અચ૦॥ એહ સામર્થી સ્વામીની, અચ૦। બીજી કહું બહુનામીની, અચ૦॥
એક સચ્ચિદાનંદ સંત, અચ૦। મહામોટા સાધુ અત્યંત, અચ૦॥ તેને રૂંધ્યા ઘરમાં ઘાલી, અચ૦। રાખી ચોકી તાળાં આલી, અચ૦॥
તેમાંથી નીસરી ગયા, અચ૦। તાળાં તેમનાં તેમ રહ્યાં, અચ૦॥ ભૌતિક દેહ અભૌતિક થયું, અચ૦। એહ કારણ હરિનું કહ્યું, અચ૦॥ વળી હરિમૂરતિ પ્રતાપે, અચ૦। સુખિયા થયા સાધુ આપે, અચ૦॥ એક વ્યાપકાનંદ મુનિ, અચ૦। તે પર મે’ર મોટી પ્રભુની, અચ૦॥
સદા રહે મૂર્તિમાંઈ, અચ૦। હરે ફરે હરિ ઇચ્છાઈ, અચ૦॥ વળી જે જે બોલે જિહ્વાય, અચ૦। તે તો તેમનું તેમ થાય, અચ૦॥ એક મૂઈ જીવાડી ઘોડી, અચ૦। એહ વાત નહિ કાંયે થોડી, અચ૦॥ વળી વાડવસુત જીવાડ્યો, અચ૦। પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો, અચ૦॥ તે સામર્થી સહજાનંદની, અચ૦। કહિ કેમ જાય આનંદકંદની, અચ૦॥ વળી વ્યાપકાનંદે એક, અચ૦। કાપી કષ્ટ ઉગાર્યો વણિક, અચ૦॥
એવાં અનેક અલૌકિક કાજ, અચ૦। કર્યાં સંત દ્વારે મહારાજ, અચ૦॥ વળી સંત સ્વરૂપાનંદ, અચ૦। જેને અંતર સદા આનંદ, અચ૦॥
કરી સમાધિ સંયમિની ગયા, અચ૦। દીઠા જીવ દુઃખિયા તિયાં, અચ૦॥ નરક કુંડમાં નરનાર, અચ૦। પાપી પીડાતાં અપાર, અચ૦॥ તેને દેખી દયા આવી, અચ૦। બોલ્યા હરિમૂર્તિ બળ લાવી, અચ૦॥ નીસરો નરક થકી સહુ બા’ર, અચ૦। પ્રગટ પ્રતાપે નરનાર, અચ૦॥
કાઢી જીવ કીધા કુંડ ખાલી, અચ૦। જેને જમે નાખ્યા’તા ઝાલી, અચ૦॥ તે નીસર્યા હરિ પ્રતાપે, અચ૦। એ તો અતોળ વાત અમાપે, અચ૦॥ એક હરિજન પર્વતભાઈ, અચ૦। સદા રહે હરિમૂર્તિમાંઈ, અચ૦॥ એક દિન વિચાર્યું એવું, અચ૦। વરાહરૂપ હશે વળી કેવું, અચ૦॥ ત્યાં તો રૂપ રૂડાં ચોવિશે, અચ૦। ઊભાં આગળ નજરે દિશે, અચ૦॥ એક એકથી અનૂપ, અચ૦। ચિત્તચોર ચોવિશે રૂપ, અચ૦॥
વળી પ્રગટ મૂર્તિ પાસે, અચ૦। ઊભી દીઠી તે પણ દાસે, અચ૦॥ સર્વે રૂપ સમાણાં તેમાં, અચ૦। પ્રગટ મૂર્તિ સુખની સીમા, અચ૦॥
તે તો પર્વતભાઈ પાસ, અચ૦। સદા રહે છે શ્રી અવિનાશ, અચ૦॥ એવી વાત આજ દિન પે’લી, અચ૦। નથી શ્રવણે સાંભળેલી, અચ૦॥ વળી એહ મૂર્તિના બળે, અચ૦। થયું કામ કહું એક પળે, અચ૦॥ એક ભક્ત રૂડો રતનો, અચ૦। કરે ધ્યાન ધંધો ઘરનો, અચ૦॥
તેને ઘેર દિવ્ય સ્વરૂપે, અચ૦। આવ્યા નાથ રથ અનુપે, અચ૦॥ હતો રથ હાલો હાલ્યે, અચ૦। વળગ્યો રથને રતનો વાલ્યે, અચ૦॥ પોહોત્યો પલમાં જુગ જોજને, અચ૦। બેઠા બાંધે બાર સદને, અચ૦॥ તે તો દિધું હતું દોકાન, અચ૦। તેમાં મૂકી ગયા ભગવાન, અચ૦॥ ભૌતિકભાવ રહ્યો નહીં રતિ, અચ૦। પામ્યા દિવ્ય દેહની ગતિ, અચ૦॥ એવાં અનંત ચમતકાર, અચ૦। પ્રગટ મૂર્તિમાં અપાર, અચ૦॥
વળી એક મેઘ હલવાઈ, અચ૦। સદા રહે સમાધિમાંઈ, અચ૦॥ કરે કંદોઈનું કાજ, અચ૦। પળ ભૂલે નહીં મહારાજ, અચ૦॥
તપાવે તેલ અતિ તાવડે, અચ૦। તેમાંથી કળી કાઢે કર વડે, અચ૦॥ તેમાં રતિ ન દાઝે આપે, અચ૦। તે તો હરિમૂર્તિ પ્રતાપે, અચ૦॥ વળી એક ડોસો યવન, અચ૦। તેને થયું હરિનું દર્શન, અચ૦॥ રહી મૂર્તિ અંતરમાંઈ, અચ૦। ભૂલ્યો દેહ દીસે નહિ કાંઈ, અચ૦॥
તેને બાપે બાંધ્યો બંધે, અચ૦। રોક્યો ઘરમાં ઘાલી સંબંધે, અચ૦॥ આપ્યાં કમાડ દીધાં તાળાં, અચ૦। બેઠાં બારણે રખવાળાં, અચ૦॥ તેમાંથી દેહ અદર્શ થઈ, અચ૦। નીસર્યો બાર ગાઉ પર જઈ, અચ૦॥ ત્યાં પણ બંધ કર્યો વળી બીજે, અચ૦। ત્યાંથી નીસરી ગયો ત્રીજે, અચ૦॥ આવરણ એક આડું નવ રહ્યું, અચ૦। ભૌતિક દેહ અભૌતિક થયું, અચ૦॥ તે તો જાણે છે જન મનમાં, અચ૦। એહ સામર્થી ભગવાનમાં, અચ૦॥
એવી કેટલીક વાતો કરિયે, અચ૦। પ્રગટ મૂર્તિની વૈખરિયે, અચ૦॥ ઘણી વાત થોડામાં કહી, અચ૦। બીજી ઘણી ગ્રંથોમાં રહી, અચ૦॥
સર્વે વાત સંભારી કહેવા, અચ૦। નથી આ જગમાં કોઈ એવા, અચ૦॥ જોયું અંતર ઊંડુ ખોળી, અચ૦। સામર્થ્ય વાલામાં વણતોળી, અચ૦॥ આ મૂર્તિની જે મોટાઈ, અચ૦। નાવે નાવે કહ્યાંમાંઈ, અચ૦॥ આ મૂર્તિ સહુથી ન્યારી, અચ૦। શું હું કહું વડાઈ વિસ્તારી, અચ૦॥
આ મૂર્તિ સહુથી નોખી, અચ૦। ચોક્કસ વાત કહું છું ચોખ્ખી, અચ૦॥ આ મૂર્તિ નહીં અન્ય જેવી, અચ૦। હરિ ધરી ન ધરશે એવી, અચ૦॥ આ મૂર્તિ છે અલૌકી, અચ૦। માનો માન મનનું મૂકી, અચ૦॥ આ મૂર્તિ નહીં કોય સરખી, અચ૦। જુવો અંતર ઊંડુ નીરખી, અચ૦॥ આ મૂર્તિનો મહિમાય, અચ૦। કોટિ કવિયે કેમ કહેવાય, અચ૦॥ આ મૂર્તિનું પરમાણું, અચ૦। લખતાં કેણે ન લખાણું, અચ૦॥
કૈક કહી કહી કે’ છે ઘણું, અચ૦। બળ બહુ દેખાડે બુદ્ધિતણું, અચ૦॥ તોય જથારથ જાણવા, અચ૦। નથી કોય જૂના નવા, અચ૦॥
એવી મૂર્તિ છે આજની, અચ૦। હરિજનના સુખ સાજની, અચ૦॥ સહુને પાર આવ્યા છે પોતે, અચ૦। જન સુખિયા થાય સહુ જોતે, અચ૦॥ એહ મૂર્તિના પ્રસંગે, અચ૦। કૈક સુખિયા થયા અંગે, અચ૦॥ એવી મૂર્તિ સુખમય સારી, અચ૦। તે તો દ્વિજ ધર્મ ઘર ધારી, અચ૦॥
ધન્ય ધન્ય દ્વિજ ધર્મકુમાર, અચ૦। કર્યા બહુ જીવ ભવપાર, અચ૦॥ તે ગણતાં ન ગણાય, અચ૦। કહ્યો મૂર્તિનો મહિમાય, અચ૦॥ મોટ્યપ કહેવા મૂર્તિતણી, અચ૦। હતી હામ હૈયામાં ઘણી, અચ૦॥ પૂરી થઈ પામ્યો આનંદ, અચ૦। એમ કહે નિષ્કુળાનંદ, અચ૦॥ ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિત હરિસ્મૃતિ મધ્યે સપ્તમઃ ચિંતામણિઃ॥