મંગળ મૂર્તિ શ્રીઘનશ્યામજી, શરણાગતના સદા સુખધામજી। પતિતપાવન પૂરણકામજી, અધમ ઉદ્ધારણ નિર્ભય નામજી॥ નામ નિર્ભય નિગમ કહે, જે સમરતાં સંકટ ટળે। દુષ્કૃત જેહ દેહ ધારીનાં, તેહ પાપના પુંજ પળે॥
Nishkulanand Swami
કડવું – ૧
પુરુષોત્તમ પ્રગટનું, નામ નિર્ભય નિશાણ। જે જન જીભે ઉચ્ચરે, તે પામે પદ નિર્વાણ॥ જે નામે પામી ગુણિકા ગતિ, થયો અજામિલનો ઉદ્ધાર। અગણિત એહ નામથી, પતિત પામ્યા ભવપાર॥ કરી ખરી દીનતા કરી, કરી આરતશું અરદાસ। અર્ધો શબ્દ ઉચ્ચારતાં, આવ્યા વા’રે અવિનાશ॥
કામુકિની કરણી કશી, અજામિલ નહિ અઘહીણ। નારાયણના નામથી, થયા પાર પ્રીછો પ્રવિણ॥
ત્રિલોકમાં તપાસતાં, નાવે નારાયણ નામ તુલ્ય। પતિતને પાવન કરવા, એ છે નિધિ અમુલ્ય॥ જપ તપ તીર્થ જોગ જગન, વ્રત વિધિ દીયે વળી દાન। નિષ્કુળાનંદ નારાયણના, ના’વે નામ સમાન॥ ૮॥ કડવું॥
કડવું – ૨
નારાયણના નામનો મોટો મહિમાયજી, સુણ્યું મેં સર્વે શાસ્ત્રમાંયજી। જીવ હિત અર્થે એવું નહિ કાંયજી, સમજુ સમજી સમરે સદાયજી॥ સમજુ સમજી સમરે, નિશ દિન નારાયણ નામ। શ્વાસ ઉશ્વાસે સંભારતાં, પળ પામે નહિ વિરામ॥
શેષજી મહાત્મ્ય સમજી, કરે અખંડ નામ ઉચ્ચાર। સહસ્ર મુખમાં જુગલ જીભે, રટે છે એકતાર॥ પૃથુ મહિમા પ્રીછીને, માગ્યા દશ હજાર કાન। નારાયણના નામ સુણવા, અતિશય ઉરમાં તાન॥ હિરણ્યકશિપુ શ્રવણે સાંભળ્યો, નારાયણ નામનો નાદ। તપ તજી ત્રિયા ભજી, તેના થયા ભક્ત પ્રહ્લાદ॥
પ્રહ્લાદ પ્રગટી પ્રીતશું, ભાવે ભજ્યા શ્રી ભગવાન। અભક્ત કુળમાં ભક્ત થયા, નામ પ્રતાપે નિદાન॥
વિભીષણને ભક્ત થાવું, નોયે રાક્ષસ કુળની રીત। પણ જે જે જપે જગદીશને, તે થાય સર્વે પુનીત॥ અસુરકુળને અઘે ભર્યા, તર્યા એવા જીવ અનંત। નિષ્કુળાનંદ નારાયણ નામનો, મહિમા મોટો અત્યંત॥ ૮॥ કડવું॥
કડવું – ૩
ભવજળ તરવા ઘનશ્યામ નામ નાવજી, આવી બેસે કોઈ રંક કે રાવજી। પામે ભવપાર સે’જે સ્વભાવજી, તેહ વિના તરવા અન્ય ન ઉપાવજી॥ ઉપાવ નથી આ જીવને, ભવજળ તરવા કાજ। નારાયણના નામરૂપી, જાણો અજર એ જા’જ॥ મશક તુંબાં મગાવીને, કહું કટિયે બાંધે કોય। સરે ન ઉતરે સિંધુને, જે અતિ અગાધ છે તોય॥
તેમ સાધન સર્વે કહિયે, તુંબા મશકને તુલ્ય। તેને ભરોંસે ન ભવ તરે, જાય જનમ અમૂલ્ય॥
માટે બળ રાખી બહુનામીનું, રહેવું નિર્ભય નરને નચિંત। પતિતપાવન બિરુદ છે, તે તજશે નહિ કોઈ રીત॥ એહ વિશ્વાસ અંતરે, રાખી તજે બીજું બળ। તેહ પ્રાણી ઊતરશે, ભલી ભાતે ભવજળ॥
અચળ આશ્રય ઉરમાં, પ્રભુ પ્રગટનો પ્રમાણ। એવા જન જે જગમાં, તે પામે પરમ કલ્યાણ॥ જ્યારે પોત ન તારે પાષાણને, તારે કાષ્ટ તરણ કાં તુંબડાં। નિષ્કુળાનંદ એ નાવનાં, વખાણ કેમ થાય વડાં॥ ૮॥ કડવું॥
કડવું – ૪
એહ વિના ઉપાય હોય કોઈ એકજી, કે’જો સહુ સમજી કરી વિવેકજી। એહ વિના સાધન બીજાં અનેકજી, અતિ મતિ ગતિયે નક્કી કર્યું નેકજી॥ નક્કી તેનો નિર્ણય કર્યો, જોઈએ નિશ્ચયનું નરને જોર। નાથના નિશ્ચય વિના, અતિ રહે અંધારું ઘોર॥
પૂરણ પુરષોત્તમ પ્રગટી, નરતન ધરે નાથ। તેહ મૂર્તિ જેહને મળે, તે સર્વે જન સનાથ॥ મનુષ્યાકાર અપાર સામર્થી, જેહ સમે ધરે જેહ નામ। તેહ નામ સમરતાં, જન થાયે પૂરણકામ॥ જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ। તેમ નામ ઘનશ્યામને, થાય કલ્યાણ કોટ॥
જેમ ઇંદુમાં અગ્નિ નહિ, નહિ અર્કમાંહી અંધાર। તેમ પ્રભુ પ્રગટમાં, નો’ય અમંગળ નિરધાર॥
વિદ્યુત ન તજે વહનિ, શીતળતા ન તજે શ્રીખંડ। તેમ કલ્યાણ મહારાજમાં, રહ્યું અતિશય અખંડ॥ એહ દૃષ્ટાંતને ઉર ધરી, રે’વું નિઃસંશય નિર્ભય વળી। નિષ્કુળાનંદ નિશ્ચે કહે, સત્ય માનજો સહુ મળી॥ ૮॥ કડવું॥
વિશ વશા એહ વાત છે, તમે સાંભળજો સહુ જન રે। અંતર શત્રુ અજિત છે, પળે પળે પાડે છે વિઘન રે... વિશ૦॥ સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, એણે લીધી છે સહુની લાજ રે। દેવ દાનવ માનવ મુનિ, એણે રોળિયો સુરરાજ રે... વિશ૦॥ નિર્દોષ જન કોઈ નજરે, નથી આવતાં નિરધાર રે। કામ ક્રોધ લોભ મોહમાં, સહુ એબે ભર્યાં અપાર રે... વિશ૦॥
એવા અવગુણ અવલોકીને, હરિ કરે કેનું કલ્યાણ રે। નિષ્કુળાનંદ તૈયે નાથને, ઠાલો ફેરો પડ્યો પરમાણ રે... વિશ૦॥ ૪॥ પદ॥
કડવું – ૫
જ્યારે જુવે જનના અવગુણ અવિનાશજી, ત્યારે કોઈ હોય નહિ હરિદાસજી। પતિતપાવન નામની જે આશજી, તેથી કહું સહુ થાય નિરાશજી॥
નિરાશ થાય નરતન ધારી, જોઈ સંકલ્પનું જોર। મન વચન કર્મે કરી, કે’ દિ મટે નહિ હરિના ચોર॥ કાં તો મનમાં ભોગવે, કાં તો વચને કરે વ્યભિચાર। કાં તો કામાદિક કર્મે કરી, ધારી રહ્યા નર ને નાર॥
શુદ્ધ અંતરે શોધતાં, જોતાં ન જડે કોઈ જીવ। અંતર એવાં અવલોકીને, કહો પ્રસન્ન થાય કેમ પીવ॥ માટે કલ્યાણ કોઈનું, માનશો મા મનમાંય। નિષ્કલંક થયા વિના, કારજ ન સરે કાંય॥ અવિનાશીનું શું ઊપન્યું, નિરર્થક ધર્યું નરતન। નારાયણના નામનું, ભયહરણ નહિ ભજન॥
વેદ પુરાણે વર્ણવ્યો, અનેક જીવનો ઉદ્ધાર। એહ વાતનો અંતરે, કહો કેમ થાય નિરધાર॥
ભાંગી પડ્યું ભવ તરવું, વાત ઊભી ન રહી એક। નિષ્કુળાનંદ નાસ્તિકપણું, ઉરમાં તે આવીયું નેક॥ ૮॥ કડવું॥
કડવું – ૬
દોષે રહિત દેહધારી ન હોયજી, ચૌદ લોકમાં ચિંતવી જોયજી। કલંક રહિત સુણ્યા નહિ કોયજી, નહિ અસમર્થ સમર્થ હતા સોયજી॥
સમર્થ શિવ બ્રહ્મા સહી, તે જાણે સહુ જગ સોય। ડાઘ લાગ્યો જે દોયને, તે કહે છે સહુ કોય॥ ઇંદ્ર ચંદ્ર આદ્યે કંઇ, સુર અસુર અનેક। સહુનું શ્રવણે સાંભળ્યું, નિર્દોષ નહિ એહ નેક॥
કૃષ્ણ કામિની કામવશ થઇ, સુત સાંબ સન્મુખ જોઈ। અહલ્યા રેણુકા દ્રૌપદી, નિર્દોષ ન દીઠાં કોઈ॥ પરાશર નારદ સૌભરી, સનકાદિક જે સુજાણ। વશિષ્ઠ વળી વિશ્વામિત્ર, એકલશૃંગી પ્રમાણ॥ કેનેક કામે રોળિયા, કેનિક લિધી લોભે લાજ। કેનેક ક્રોધે કાયર કરી, રોળિયા રંક ને રાજ॥
એવી વાતો અંતરે, તોળી કરવો તપાસ। હારવી નહિ હિંમતને, મટવું નહિ હરિદાસ॥
ચડે તેહ પડે ખરા, બેસે ઊજળે વળી ડાગ। નિષ્કુળાનંદ એ નવું નથી, એમ સમજો સુભાગ॥ ૮॥ કડવું॥
કડવું – ૭
એવી વાતો આગે બહુ થઈજી, નથી કે’વાની તોપણ કઈજી। એહ રીતે લાજ કો’કેની રઈજી, પણ એહ સહુની મોટપ ન ગઈજી॥
મોટપ ન ગઈ મોટાતણી, તે નારાયણને નિશ્ચે કરી। અતિ બળ આશ્રયનું, તેણે સંશયને લીધો હરી॥ ભૂંડી વાસના ભક્તને, જો અણુ અંતરમાં થાય। સમજે બળ સાધનનું, તો સુખ ન રહે કાંય॥
માટે બળ મહારાજનું, રાખવું હૃદિયામાંય। તેહ વિના અપરાધ ટાળવા, અન્ય નથી ઉપાય॥ એવી રીતે અનેક જીવનો, આગે થયો ઉદ્ધાર। સાર્થક સર્વે થયા, આગમ હરિ અવતાર॥ એહ વિના અનેક રીતે, વળી વાત ન બેસે બંધ। દૈવી આસુરી ઉદ્ધર્યા, તે શ્રીહરિને સંબંધ॥
મૂરતિ શ્રી મહારાજની, મહાનિધિ મંગળરૂપ। જાણે અજાણે જે આશરે, તે થાય શુદ્ધ સ્વરૂપ॥
અજાણે અમૃત પાનથી, નર અમર થાય આપ। નિષ્કુળાનંદ નારાયણ સંબંધે, સ્પર્શે નહિ પંચ પાપ॥ ૮॥ કડવું॥
કડવું – ૮
સાધન સર્વે સમજવાં સત્યજી, એહમાં એકે નથી અસત્યજી। રાખવાં નરને નક્કી કરી નિત્યજી, વિઘન પડે ન હારવી હિમત્યજી॥ વિઘન પડે વ્યાકુળ થઈ, અતિ થાવું નહિ ઉદાસ। પતિત પાવન નાથનો, વડો રાખવો વિશ્વાસ॥ ભોળાઈએ કાંઈ ભૂલ્ય પડે, થાય ન કરવાનું કામ। નર નિશ્ચેનું બળ લઈ, સમરવા ઘનશ્યામ॥
કચવાઈ કાયર થઈ, પાછા ન ભરવા પગ। હૈયે હિંમત ન હારવી, મંડ્યું રે’વું મુવા લગ॥
પડતાં આખડતાં રાહજ પંથે પડી ન રે’વું પૃથવી, લેવો એનો એહ રાહ॥ જરૂર પો’ચશું જાણવું, શ્રીહરિની હજૂર। પગે પગે પંથ કાપશું, એમ જાણવું જન જરૂર॥
ભક્ત છીએ ભગવાનના, મન વચન કર્મે કરી। નિશ્ચે કર્યું છે નાથનું, તે ફરશે નહિ ફેરવે ફરી॥ અચળ જાણી એ આશરો, ન્યૂન માનવી નહિ મન। નિષ્કુળાનંદ એ વારતા, નકી નિરવિઘન॥ ૮॥ કડવું॥ ભીંતર ભરોસો ભગવાનનો રે, જોઈએ ભક્તને ભરપૂર। બીજી વાત છે બાદલી રે, તમે જાણી લેજો જરૂર... ભીંતર૦॥
જેમ એક એકડો ટાળિયે રે, વળી વાળીયે સોયેક શૂન્ય। બુદ્ધિવાનને બેરજ બાંધવી રે, તે તો સમજણ્યમાં નૂન્ય... ભીંતર૦॥
તેમ મેલી બળ મહારાજનું રે, સાધનની માનવી સા’ય। ભરી ગોળી વારિ વલોવતાં રે, ઉતરે નહિ માંખણ કાંય... ભીંતર૦॥ માટે મનમાં મોટો માનવો રે, પ્રગટ પ્રભુનો પ્રતાપ। નિષ્કુળાનંદ તેહ નરનાં રે, ટળી જાયે અંતરના તાપ... ભીંતર૦॥ ૪॥ પદ॥
કડવું – ૯
હરિની આજ્ઞા માનવી મનજી, નરને કરવાં સર્વે સાધનજી। તેમાં કાંઈ ફેર ન પાડવો જનજી, પ્રગટ પ્રભુને કરવા પ્રસન્નજી॥ પ્રસન્ન કરવા મહાપ્રભુને, રે’વું આજ્ઞાને અનુસાર। જે જે જેના ધર્મ છે, તે તે પાળવા કરી પ્યાર॥
ધર્મે રાજી ધર્મના સુત, ધર્મ સાધુનો શણગાર। ધર્મ ધારી સહુ રહ્યા, ચાર વર્ણ આશ્રમ ચાર॥ તેમ ધર્મ ત્યાગી તણા, નિર્લોભી ને નિષ્કામ। નિઃસ્પૃહી નિર્માનિતા, નિઃસ્વાદી એહ નામ॥ તેમાં ફેર એક તલભાર, નવ પડવા દેવો નેક। મુવા સુધી મૂકવી નહી, ગૃહી ત્યાગી એક ટેક॥
મુખથી મોળી વારતા, ભૂલ્યે ભાષણ કરવી નહી। બળે સહિત બોલવું, સહુ સહુને ધર્મે રહી॥
કાયરની વાતે કોઈને, ના’વે શૂરાતન સોય। નપુંસક નરથી નારને, પુત્રની પ્રાપ્તી ન હોય॥ માટે હૈયે હિંમત ધરો, અને કરો ખરો ખેલ। નિષ્કુળાનંદનો નાથજી, થાશે રાજી અલબેલ॥ ૮॥ કડવું॥
કડવું – ૧૦
રાજી કરવા પ્રગટ ભગવાનજી, સમાસમે સહુને રે’વું સાવધાનજી। મેલી જન મન તનનું માનજી, રાખવું હરિને રાજી કરવા તાનજી॥ તાન એમ તને મને, રાજી કરવાને હરિકૃષ્ણ। અહોનિશ રહે આલોચના, જાણે કેમ પ્રભુ થાય પ્રસન્ન॥
તેને અર્થે તને કરી, કરે જપ તપ જોગ જગન। તીરથ વ્રત કરે વળી, રાજી કરવા ભગવન॥ તેહ સારુ તાવે તનને, સહે કાયાયે કષ્ટ કોટ। પણ હરિભક્તની રીતમાં, આવવા ન દિયે ખોટ॥ મેલી ગમતું નિજ મનનું, કરે ગમતું તે ગોવિંદતણું। જેમ વાળે તેમ વળે વળી, મૂકી મમત આપણું॥
વા’લાના વચનનો, અતિ ઉર ઊંડો વિશ્વાસ। માહાત્મ્ય જાણી મહારાજનું, તજે અન્ય સુખ આશ॥
સુખ નર નિર્જર તણાં, સમઝે સ્વપ્ન સમાન। નિર્ભય સુખ જાણી નાથનું, તેહ પર રહે ઘણું તાન॥ એને અર્થે આપણું, ગણે નહિ તન મન। નિષ્કુળાનંદ તે નર પર, પ્રભુ થાશે પ્રસન્ન॥ ૮॥ કડવું॥
કડવું – ૧૧
વળી પ્રભુ પ્રસન્ન કરવા કાજજી, બહુ બહુ કર્યું મોરે ઋષિરાજજી। મોટે મોટે મહીશે મૂક્યાં રાજસાજજી, તન સુખ સર્વે કરિયાં તાજજી॥ તજ્યાં સુખ સંસારનાં, ભજ્યાં શ્રી ભગવન। એની રીત સુણી શ્રવણે, થાય ત્રાહિ ત્રાહિ મન॥ આરુણી ને ઉપમન્યુ, ઋષિ જાજળી તપસી જેહ। પ્રભુજીને પ્રસન્ન કરવા, ગણ્યું નહિ નિજદેહ॥
મયૂરધ્વજ ને મીરાં વળી, ભૂપ ભર્તૃહરિ ને ગોપીચંદ। સમસ્ત બરેજ ને શેખ ફરીદ, મનસૂર ને બાજિંદ॥
એહ આદિ અનેક બીજા, ઘણું રાજી કરવા ઘનશ્યામ। સુખ તજ્યાં શરીરનાં, અન્ન ધન ધરા ત્રિયા ધામ॥ પંચ વિષયને પરહરી, થયા અરિ મન ઇંદ્રિ તણા। પરલોકની પ્રતીત આણી, સહ્યાં કષ્ટ શરીરે ઘણાં॥
ખોટ ન આણી ખપમાં, બાંધી મમત મહાસુખ માંઈ। તનસુખથી મન ઊતર્યું, ઠર્યું નહિ ચિત્ત ક્યાંઈ॥ એવી રીત હરિભક્તની, પ્રભુ વિના બીજે પ્રીતિ નહિ। નિષ્કુળાનંદ નક્કી વારતા, હરિજનની વર્ણવી કહી॥ ૮॥ કડવું॥
કડવું – ૧૨
વળી વળી કહું હરિજનની જે રીતજી, સહુ કોઈ સુણજો દઈ એક ચિત્તજી। જેની બંધાણી પ્રભુ સાથે પ્રીતજી, તેને રે’વું મન ઇંદ્રિય જીતજી॥ મન ઇંદ્રિયને જીતવા, કરવી જુગતિ જન જરૂર। એની આગળ અનાથ રે’તાં, દુઃખ ન થાયે દૂર॥ આગ્નીધ્ર ને દીર્ઘતમા, વળી ઇંદ્રાદિ સુર અસુર। અજીત ઇંદ્રિયે થયા, રહ્યા તેણે દુઃખી ભરપૂર॥
વિષય સારુ વિકળ થયા, કર્યાં ન કર્યાંનાં કાજ। મે’ણું માથે રહી ગયું, કહો કિયાં રહી લાજ॥
લાજ ગઈ ને કાજ બગડ્યું, વળી કલંક બેઠો શિર। આજ સુધી એ વાતને, નિંદે છે ધાર્મિક ધીર॥ માટે સહુએ સચેત રે’વું, નવ ગ્રે’વું એવું આચરણ। નિર્વિઘન એહ વાત છે, સદાય એહ સુખકરણ॥
સુણી સુખ ઘનશ્યામમાં, ચોટાળવું તેમાં જઈ ચિત્ત। અસત્ય સુખની આશ મૂકી, બાંધવી પ્રભુશું પ્રીત॥ એવા ભક્ત ભગવાનના, અતિ વા’લા વા’લાને મન। નિષ્કુળાનંદ નિર્ભય થયા, જેની ઉપર પ્રભુ પ્રસન્ન॥ ૮॥ કડવું॥ જેને પ્રસન્ન થયા પરબ્રહ્મ રે, જેને પ્રસન્ન૦। તેને નડે નહિ કોઈ કર્મ રે, જેને પ્રસન્ન૦॥ ટેક જેમ કોઈ પારસને પામે, તેને કરવો ન રહે ઉદ્યમ। ઉદ્યમ વિના અતિ સંપત્તિ પામે, વામે વેળા વિષમ રે... જેને પ્રસન્ન૦॥
નવનિધિ અષ્ટસિદ્ધિ આ લોકે, સહુને પામવી અગમ। તે તો દાસી થઈ રહે છે દ્વારે, સા’ય કરવા સુગમ રે... જેને પ્રસન્ન૦॥
સે’જે સે’જે સુખ રહે સહવાસે, પડે નહિ પરિશ્રમ। વણ ચિંતવે આવી મળે વસ્તુ, એમ વદે છે આગમ રે; જેને પ્રસન્ન૦॥ અચળ આસન ઉપર બેઠા આવી, જે છે આસન અતિ રમ્ય। નિષ્કુળાનંદ નિઃશંક થયા છે, નિશ્ચે કહે છે નિગમ રે; જેને પ્રસન્ન૦॥ ૪॥ પદ॥
કડવું – ૧૩
નિગમ કહે છે વારતા નકીજી, જૂઠી ન થાય તેહ કોઈ થકીજી। સર્વે પુરાણે પ્રમાણી પકીજી, તે છે જગ છતી નથી એહ ઢાંકીજી॥
ઢાંકી નથી એહ વારતા, છે પુરાણમાં પ્રસિદ્ધ। સાધન નરને ન મૂકવાં, રાખવાં ભલી વિધ॥ વચન લઈ વા’લા તણું, કરવું પુરુષ-પ્રયતન। વચન વડે વડાઈ છે, તે જાણજો તમે જન॥
વિધિ વામ વચને કરી, સરજે સંહારે સૃષ્ટિ સોય। શશી સૂરમાં સમર્થપણું, તેહ વચન વિના નો’ય॥ અહીંદ્ર ઇંદ્ર આદિ કઈ, જગમાંહી મોટા જેહ। મોટપ તેહ મહારાજથી, પામ્યા છે સહુ કોઈ એહ॥ મહિમા જાણી મહાપ્રભુનો, નથી લોપતા વચન લેશ। તેણે કરીને તેહની, રહી છે મોટાઈ હંમેશ॥
ફેર પડ્યાનો ફડકો ઘણો, અતિ રહે છે ઉરમાંઈ। તેણે કરી તત્પર રે’ છે, સર્વે સમે સદાઈ॥
એમ કરતાં અષ્ટમાં, એક બે જો અવળાં હોય। નિષ્કુળાનંદ નચિંત રહેવું, હરિ શરણાગતને સોય॥ ૮॥ કડવું॥
કડવું – ૧૪
ભવ બ્રહ્માને આવી ગઈ ભૂલજી, ખરી ખોવાણી લાજ અમૂલજી। ત્યારે સુર અસુરનાં શિયાં શૂલજી, અંતર અરિ
અંતઃશત્રુ અજીત છે, પળે પળે પાડે છે ફેર। હંમેશ હરિભક્તપણું, રે’વા ન દિયે કોય વેર॥ ક્ષણક્ષણમાં ખોટા ખરા, ઘણા ઘણા ઘડે છે ઘાટ। તેણે કરી ત્રિલોકમાં, નાના મોટા એક વાટ॥
કામ ક્રોધ લોભે વળી, લીધી નહિ કેની લાજ। ઓશિયાળા સહુ અંતરે, રહે નર અમર સુરરાજ॥ વિકટ છે એહ વારતા, હરિભક્ત રે’વું હંમેશ। દાઘ ન લાગે દલમાં, કામ ક્રોધ લોભનો લેશ॥ મોટા મેશના મંદિરમાં, વસવું શ્વેત વસન। લાગે નહિ મેશ લુગડે, એવા તો કોઈક જન॥
વેરિને વાસે વસવું, વળી રાખવી ઊગરવા આશ। કુશળ નર તે કેમ રહે, વે’લો મોડો થાય વણાસ॥
અદોષ રહેવું એહથી, એવી સુણી નહિ કોઈ રીત। નિષ્કુળાનંદ એ નવું નથી, સહુ વિચારી જુવો ચિત્ત॥ ૮॥ કડવું॥
કડવું – ૧૫
પંચ વિષય છે સહુનું પોષણજી, જેમ જન જીવે ખાઈ અન્નકણજી। પલ જળ ફળ દલ દાર તૃણજી, વણ પોષણે પામે પ્રાણી મરણજી॥
પોષણ વિના પ્રાણીના, પ્રાણ રે’વા નહિ કોઈ રીત। તેમ લોભાદિક લાગી રહ્યા, કોઈ બળે ન ટળે અજીત॥ કાઢી કાઢી જાય કાઢવા, ત્યાગી ત્યાગી કરવા ત્યાગ। મુવા સુધી મૂકે નહિ, ભીંતરમાંથી એ ભાગ॥
બહુ બળ એહ ઉપરે, કરે કોઈક જન અતિ। પોં’ચે નહિ દન પાછળે, એમ સમજવું શુભમતિ॥ અંડજ જેમ ઊંચાં ચઢી, ઇચ્છે અડવા વળી આકાશ। પોં’ચે કઈ પેર પંખિયાં, જેનો વૃક્ષ પર છે વાસ॥ તેમ વિષયથી વેગળાં, નવ રહે કોઈ નિરધાર। એવી ખોટ્ય ખોળતાં, કોઈ હોય નહિ ભવપાર॥
દૈહિક દોષ દેહમાં, જે રહ્યા છે એકતાર। તેને શોધી શુદ્ધ કરતાં, લાગે સહુને વાર॥
માટે મોટો માનવો, મને પ્રભુજીનો પ્રતાપ। નિષ્કુળાનંદ ન કરવો, અંતરમાંહિ ઉતાપ॥ ૮॥ કડવું॥
કડવું – ૧૬
મેલી પ્રતાપ ઘનશ્યામનો ઘણોજી, લિયે આશરો સાધન તણોજી। માને મહિમા તેમાં આપણોજી, બીજા કોઈ ગણો કે ન ગણોજી॥
ગણો કે કોઈ નવ ગણો, પણ નિજ પ્રતાપ માને મને। જોર મૂકી જગદીશનું, સુખ માને કરી સાધને॥ સાધને કરી સ્વર્ગ લોકમાં, જાતો હતો નહૂષ નરેશ। શચીપતિયે પૂછીયું, ત્યારે કહ્યું ન કહ્યું લેશ॥
ત્યારે અમરેશે એમ કહ્યું, પૂછે આરતવાન કોઈ આવીને। જથારથ તેને જણાવવું, ભાળી ભક્ત ભાવિકને॥ ત્યારે નહૂષ કહે અન્નકણ ગણે, ભૂરજ ઉડુ આકાશ। વનપાત ગાતરોમાવલી, કરે કોઈ તેનો તપાસ॥ પણ મારા પુન્યનો, ન થાય કોણે નિરધાર। એમ કે’તાં મોટપ આપણી, પડ્યો પૃથ્વી મોઝાર॥
મેલી પ્રતાપ મહારાજનો, અને ગાયો પોતાનો ગુણ। આજ પહેલાં પડ્યાં કંઈ, કહોને તે તર્યો કુણ॥
માટે ભરોંસો ભગવાનનો, રાખવો અતિશય ઉર। નિષ્કુળાનંદ એહ વારતા, અચળ જાણો જરૂર॥ ૮॥ કડવું॥ અચળ ભરોંસો ભગવાનનો, જોઈએ જનને જાણો। એહ વિના બીજી વારતા, પાંપળાં પ્રમાણો... અચળ૦॥
હરિપ્રતાપ હૈયા થકી, ન મટાડવો માનો। સમર્થ સમજવા સ્વામીને, જોવો દોષ પોતાનો... અચળ૦॥ સરસ ન થાવું સંતથી, રે’વું દાસના દાસ। દીન જાણી દયા કરે, હરે તન મન ત્રાસ... અચળ૦॥ એહ વારતા અનુપમ છે, નિરવિઘન નિહાળો। નિષ્કુળાનંદ બીજી વારતા, ભરી વિઘને ભાળો... અચળ૦॥ ૪॥ પદ॥
કડવું – ૧૭
નિરવિઘન છે નાથનું શરણજી, નિજસેવકને સદા સુખકરણજી। જોગ અજોગ હરે અઘના ઓઘને, છે એવું પરમ પાવન। જે જે જન એને આશર્યા, તે સર્વે થયા ધન્ય ધન્ય॥
ગોપીને ગોવાળ બાળ, ગાય ગોધા ને વત્સ વળી। અઘાસુર બકાસુર ને બકી, એહ આદ્યે બીજાં મળી॥ કુબજ્યા વળી કંસ આદિ, શાલવ ને શિશુપાળ। એવાને અભય પદ આપ્યું, બીજો એવો કોણ દયાળ॥ પાંડવ ને પાંચાલી વળી, કુંતા સમ નહિ કોય। સૌનું શાસ્ત્રમાંહિ સાંભળ્યું, નેક નિર્દોષ ન હોય॥
સુણી પુરાણે પરીક્ષા કરી, જાણું જથાર્થ જરૂર। કલંક રહિત કોઈ નહિ, કોણ ભક્ત અભક્ત અસુર॥
પણ જેને સંબંધ શ્રીહરિ તણો, તે પામ્યા પદ નિર્વાણ। એહ આદિ અનેક એવા, તેનું કેમ ન કહીયે કલ્યાણ॥ દાસ અદાસના દોષને, જ્યારે જુવે જગજીવન। નિષ્કુળાનંદ હરિધામને, પામે નહિ કોઈ જન॥ ૮॥ કડવું॥
કડવું – ૧૮
અઘાસુર બકાસુર ને બકીજી, એહ તો અસુર ખરા ધરથકીજી। શાલવ ને શિશુપાળ ક્રોધકીજી, એહનું કલ્યાણ નવ જોઈએ નકીજી॥ નકી ન જોઈએ કલ્યાણ એનું, જોઈએ નિશ્ચે નરકમાંહિ વાસ। તે પણ સમાવ્યાં તેજમાં, એવા છે અવિનાશ॥ જેમ ભૂંડા ભૂંડાઈ નવ તજે, ભલા તજે નહિ ભલાઈ। તેમ દયા દયાળમાં, સહી રહી છે સદાઈ॥
નવ જુવે જનની કરણી, જુવે નિજ મોટપ્ય જગદીશ। આવે અઘવંત આશરે, તેના ગુન્હા કરે બક્ષીસ॥
ટળે નહિ એહ ટેવ પડી, પાપીનાં પ્રજાળવા પાપ। એહ અર્થે નરતન ધરી, હરિ આવે અવનિયે આપ॥ મહા અઘહર મૂરતિ, જેહ જને જોઈ ઝાંખી કરી। તે જન્મ મરણની જાળમાં, નિશ્ચે નર ના’વે ફરી॥
એવા પભુને આશરી, રે’વું મને મગન મસ્તાન। કોઈ રીતે અકાજ આપણું, નહિ થાય નિદાન॥ શરણ લઈ ઘનશ્યામનું, શાને કરવો સંશય શોક। નિષ્કુળાનંદ નિશ્ચે પામશું, ગુણાતીત જે ગોલોક॥ ૮॥ કડવું॥
કડવું – ૧૯
વળી કહું એક વારતા સરસજી, પતિવ્રતા જેને એક પુરુષજી। પંચને પત્ની એક નેક નરસજી, એમ કહે છે પુરાણ અષ્ટાદશજી॥ અષ્ટાદશ આગમમાં, નિર્ણય કર્યો છે નેક। પતિને બહુ પતની, પત્નિને પતી એક॥ એહ મર્યાદા પુરાણમાં, બાંધી બહુ બળવાન। સહુ સહુને ધર્મે રહી, ભજવા શ્રીભગવાન॥
ધર્મદ્વેષી હરિધામમાં, નવ પોં’ચે નિર્વાણ। પંચાલી આદિ એ પંચનું, કેમ માનવું કલ્યાણ॥
માટે એ વાત મૂકી દિયો, લિયો હરિ શરણનું જોર। ક્રિયા જોતાં કોઈની, નથી આવતો નોર॥ પ્રજ્ઞાચક્ષુ પતિ સુણી, કરી ગંધારીએ મન ગોત। તરત નેત્ર મિચિયાં, એવી પતિવ્રતા ઉદ્યોત॥
પણ શ્રીહરિના સંબંધ વિના, અર્થ ન સર્યો એક। શઠપણે સમજ્યા વિના, ઠાલી ઝાલી એહ ટેક॥ એવા જીવ કંઈ જગતમાં, ઘણું ધર્મવાળા કે’વાય। નિષ્કુળાનંદ કે’ કર્ણદાની, જરાસંઘ બ્રહ્મણ્ય જગમાંય॥ ૮॥ કડવું॥
કડવું – ૨૦
પ્રાચીનબર્હિ નૃપ પ્રસિદ્ધિજી, જેણે યજ્ઞ કર્યા બહુ વિધિજી। અગ્નિકુંડે કરી ભૂમિ ભરી લીધીજી, ન મળી યજ્ઞ જાગ્ય ત્યારે અરજી કીધીજી॥ અરજી કીધી અધિપતિ, સુણી આવીયા નારદ સોય। ભલો ભલો તું ભૂપતિ, તુજ જેવો નરેશ ન કોય॥ ભરી જગને ભૂમિકા, તેમાં હોમ્યાં પશુ હજાર। તે વાટ જુએ છે સ્વર્ગમાંહિ, તને તેમ જ કરવા ત્યાર॥
કે’ છે અસમર્થ જાણી અમને, એણે જોરે તે લીધો જીવ। અર્થ સાર્યો આપણો, એણે કાપી અમારી ગ્રીવ॥
એહ તું નથી તપાસતો, જજ્ઞ સારુ ગોતે છે જાગ। એહ મોટી મૂરખાઈનો, તું કરને હવે ત્યાગ॥ એવું સુણી નારદથી, ભૂલ્ય મૂકી દીધી ભૂપાળ। યજ્ઞનું ફળ જોઈને, તેમ જ કર્યું તત્કાળ॥
માટે મેલી મદત મહારાજની, જાણે નિજ કર્તવ્યનું જોર। જેમ લાગે લાલ માલ નહિ, જેવાં શિયાળ બગાંમણાં બોર॥ સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત છે, હૃદે રાખવું હરિ ઉપરાળ। નિષ્કુળાનંદ એહ વારતા, છે સુખદાયી સદાકાળ॥ ૮॥ કડવું॥ સુખદાયી સદા શ્યામળો, જીવ જરૂર ઉરમાં જાણ્ય। દૃઢ ભરોંસો ધર્મનંદનનો, અતિ અંતરમાંઈ આણ્ય... સુખ૦॥
પ્રથમ પો’ચ પોતાની જોઈને, પછી મનમાં ધરીયે માન। એવું ન થાય આપણે, જેવું ભલું કરે ભગવાન... સુખ૦॥
જેમ મેઘ જીવાડે મેદિની, વળી અર્ક ટાળે અંધાર। એવું કામ કોયથી રે, જોને નવ થાય નિરધાર... સુખ૦॥ તેમ જે નીપજે જગદીશથી, તે ન નીપજે જીવથી જાણ્ય। નિષ્કુળાનંદ ન કીજીયે રે, ઠાલી તપાસ્યા વિના તાણ્ય... સુખ૦॥ ૪॥ પદ॥
કડવું – ૨૧
જુઠી સામર્થી જીવની જાણીયેજી, પૂરણ સામર્થી પ્રભુની પ્રમાણીયેજી। એહ ભરોંસો દૃઢ ઉરમાં આણીયેજી, વણ તપાસે વળી શીદ તાણીયેજી॥
તપાસ વિના ન તાણીયે, જોઈએ જીવ વિચારી વાત। મોટાની મોટપ શા વડે, એમ સમજવું સાક્ષાત॥ પિતા પાળે જેમ પુત્રને, વળી પ્રીતે કરે પ્રતિપાળ। સુખ કરે ને દુઃખ હરે, શોભાવે સદાય કાળ॥
ખાવા પીવા બોલવા, વળી રે’વા શીખવે રીત। અરિ મિત્ર પર આપણાં, તેહ નકી કરાવે નિત॥ એમ હમેશ હેત કરે, ફરે બાળકની વાંસે વળી। પ્રીતે પાળે પુત્ર જાણી, માત તાત દોયે મળી॥ બાળપણમાં બહુ પેરે, આવે બની અપરાધ। તોયે અવગુણ ન લીયે અર્ભનો, સમઝે સુતને અસાધ॥
એમ મોટાની મોટપનો, કોઈ પામી શકે નહિ પાર। પુત્ર પિતાને પટંતરે, સમઝુ સમઝો સાર॥
એમ જીવને જગદીશ છે, જનક જનની સમાન। નિષ્કુળાનંદ એહ નવ તજે, નિશ્ચે જાણો નિદાન॥ ૮॥ કડવું॥
કડવું – ૨૨
પત્નીનું પાલન કરે જેમ પતિજી, પ્રજાનું પાલન કરે છે ભૂપતિજી। સદગુરુ શિષ્યને આપે સદમતિજી, એહ રીત જાણો જુગોજુગ છતિજી॥
છતી છે એ છાની નથી, હોય જે જે જેના આશ્રિત। તે તેનું પાલન કરે, એહ અનાદિની રીત॥ આવડત ન હોય જો એહમાં, તો કરે વા’લપશું વાત। હૈયે હેત અતિ ઘણું, દેખાડે દિન ને રાત॥
જેમ પડે એને પાધરું, એમ અખંડ કરે ઉપાય। પોતાના જાણી પીડા હરે, કરે સેવકની સા’ય॥ તેમ ઘનશ્યામ જાણી ઘરનાં, કરે મે’ર હરે મહાકષ્ટ। એહ વારતા વેદ પુરાણે, સૂચવે છે જો સુસ્પષ્ટ॥ પોતાના જાણી નવ પરહરે, કરે પ્રીતે કરી પ્રતિપાળ। અવગુણ ન જુવે અર્ભના, જેમ જનની જાળવે બાળ॥
પશુ પંખી નર નિર્જર, સહુ સુતને પાળે સદાય। તેમ શ્રીહરિકૃષ્ણ કરે, સેવક જનની સા’ય॥
નિરાધાર નારાયણ વિના, નર નિપજ્યા નહિ એક। નિષ્કુળાનંદ એહ વાતને, વિચારો કરી વિવેક॥ ૮॥ કડવું॥
કડવું – ૨૩
માતાપિતાથી પામે પ્રાણી દેહજી, તેહમાં આવી વસે જીવ જેહજી। ન હોય કર્તવ્ય એહનું એહજી, એહના કારણ શ્રીહરિ તેહજી॥ શ્રીહરિ વિના સમાજ એવો, કહોને કોણથી થાય। શ્રવણ નયન નાસિકા, દંત જીહ્વા કરી મુખમાંય॥
હાથ પગ આંગળીયો, નખ શિખા મુવાળા મોછ કીધો સમાજ સુખનો, કોઈ રીતે ન રાખી ઓછ॥ વળી અંતઃકરણ ને ઇંદ્રિયો, પ્રાણવાયુ દશ પ્રકાર। એવું કરતાં કોઈને, ન આવડે નિરધાર॥ કસર કોઈ વાતની, નારાયણે રાખી નથી। જુવો વિચારી જીવમાં, વળી વળી શું કહું કથી॥
જીવ જાણે હું જોર છઉં, જે કરું તે કેમ ન થાય। પણ વિચારે આવી વાતને, તો જેમ છે તેમ જણાય॥
માટે અસમર્થ આપણે, સમર્થ શ્રીભગવાન। એવું સમઝી અંતરે, મૂકવું કર્તવ્યનું માન॥ કર્યું શ્રીકૃષ્ણનું થાય છે, જનથી ન થાય જરાય। નિષ્કુળાનંદ નિહાળીયે, ઊંડું અંતરમાંય॥ ૮॥ કડવું॥
કડવું – ૨૪
કૃષિ કરે જેમ કૃષિજનજી, વિવિધ ભાતનાં વાવે વળી અન્નજી। જાણે અન્ન વડે થાશે બહુ ધનજી, એમ મનસુબો કરે નિત્ય મનજી॥
કરે મનસુબો મનમાં, જાણે ભરીશ કણ કોઠાર। પણ તે તો હરિને હાથ છે, નથી જાણતો તે નિરધાર॥ અવનીથી અન્નને ઉગાડવું, વળી મોટા કરવા મોલ। તે તો કરી ન શકે કરષિ, તપાસી કરવો તોલ॥
જે જન અન્ન વાવે જેવું, તેવું થાય છે તદરૂપ। તેહ કર્તવ્ય ભગવાનનું, એમ સમજવું સુખરૂપ॥ નિર્વિઘન નીપજાવવું, તેહ જાણો છે હરિને હાથ। ખેડુ જુવે જો ખોળીને, તો નવ વિસારે નાથ॥ કિંચિત કર્તવ્ય કૃષિતણું, ઘણું કર્તવ્ય ઘનશ્યામનું। એમ જીવનું કર્તવ્ય જોતાં, કે’વા માત્ર છે કામનું॥
જો કોઈ નરથી નીપજે, તો કષ્ટ રાખે કહો કોણ। માનો નર નિર્બળ છે, જોઈ લેવું એહ જોણ॥
માટે શ્રીહરિના શરણ વિના, કારજ કોઈ ન થાય। નિષ્કુળાનંદ એમ નરને, માની લેવું મનમાંય॥ ૮॥ કડવું॥ જાણો જન સમર્થ શ્રી ભગવાન...। ટેક એ જીવનું જોર ન જાણવું રે, અમથું કરે અભિમાન। કર્યું ન થાય કોઈનું રે, નર નિર્જરથી નિદાન... જાણો૦॥
એ પ્રાણી સુખને પામવા રે, કરે તે સર્વસ્વ દાન। જશ વાધે આ જગ્તમાં રે, વળી સહુ કરે સન્માન... જાણો૦॥ જપ તપ તીરથ જોગ જે રે, ધરે વન જઈ ધ્યાન। અર્થ ન સરે એહથી રે, જેવી વર વિનાની જાન... જાણો૦॥ એ મેલી બળ મહારાજનું રે, કરે ઉપાય કોઈ આન। નિષ્કુળાનંદ નિષ્ફળ છે રે, જાણો જોર થયું એ જ્યાન... જાણો૦॥ ૪॥ પદ॥
કડવું – ૨૫
જ્યારે જોયે આ જીવનું જોરજી, ત્યારે કોઈ રીતે ન આવે નોરજી। અંતરશત્રુ અતિ મહા ઘોરજી, મટવા ન દિયે મહા પ્રભુના ચોરજી॥ ચોર જેમ ચોરી કરે, અને હરે મા’જનનો માલ। તેમ અંતર અરિ ચોરી કરી, વળી કરી મૂકે કંગાલ॥
પછી મુખે દીનપણું દાખવે, વળી મને માને નિરધન। વરતે તો પણ તેજ વિના, એમ રાંક રહે રાતદન॥ જેમ દીપશિખા શમી ગઈ, રહી કેડે કાળી મશ। જ્યાં જ્યાં જાય ત્યાં સાંભળે, આપણો અપજશ॥ ઝાંખપ આવી જે જીવમાં, તે તો કેમ કરી કરે ત્યાગ। રાતદિન ફડકો રહે, જેમ તસ્કર ઉપર કાગ॥
આત્મા ન મનાય આપને, નહિ માથે પ્રભુ પ્રતાપ। એણે કરી રહે અભાગિયો, નવ મનાયે નિષ્પાપ॥
એક પ્રભુને પરહરી, જણાવે પોતાનું જોર। તે તો સો સો ઉડુ ઉગે સામટા, પણ ભાષ્કર વિના ન હોય ભોર॥ તેમ જે જે થાય જગદીશથી, તે તે ન થાય નર અમર થકી। નિષ્કુળાનંદ એ વાતને, સમઝવી પૂરણ પકી॥ ૮॥ કડવું॥
કડવું – ૨૬
જુઓ ભગવાને રચ્યું આ બ્રહ્માંડજી, તેમાં કર્યા સાત દ્વીપ નવ ખંડજી। જેમાં વસ્યા જન જૂજવે પંડજી, એહ સહુ ભજે છે હરીને અખંડજી॥ અખંડ ભજે છે અવિનાશીને, વળી થઈ દીન આધીન। સમર્થ જાણે છે સ્વામીને, જાણી પોતાને બળહીન॥ વળી આ બ્રહ્માંડમાં, કર્યા સમુદ્ર તે સાત। જળ તેનાં જૂજવાં, બનાવિયાં બહુ ભાત॥
વળી મરજાદના મોટા ગિરિ, આડા નાખિયા એહ। તેણે કરી નિજ નિજ સ્થાનકે, સુખે વસિયાં તેહ॥
મધ્યે એક મેરુ કર્યો, કર્યા નવ લખ તારા લઈ। શશિ સૂર સમર્થ કર્યા, પ્રકાશવા સહુને સઈ॥ સ્થાવર જંગમ જીવ કર્યા, કર્યાં પોષણ તે બહુ પેર। આપ ઇચ્છાએ એહ કર્યું, તેની ન લાગી વેર॥
એવા સમર્થ શ્રીહરિ, જે જે ધારે તેહ થાય। મૂકી એવાનો આશરો, નિર્બળ નિજબળ ગાય॥ આશ્ચર્ય વારતા એ ઘણી, ભૂચરને વસવું વ્યોમ। નિષ્કુળાનંદ એ નરનું, જાણ્યા વિનાનું જોમ॥ ૮॥ કડવું॥
કડવું – ૨૭
કોઈક નર થઈ શઠજ્ઞાનીજી, રહ્યા છે સ્વતંત્ર પોતાને માનીજી। નિર્લેપ આપને માને અજ્ઞાનીજી, ઓળખી ન શક્યા એ અવિદ્યા છાનીજી॥ છાની અવિદ્યાએ છેતર્યા, થયા પ્રભુના પિતરાઈ। બેઠા થઈ બરોબરિયા, માની પોતાના મનમાંઈ॥ બાંધી મરજાદ બહુનામીયે, તેને ત્રોડવા રહે છે તૈયાર। મુષો જેમ મદિરા પીયને, મારવા ઇચ્છે માંજાર॥
અલ્પ મતી અતિ બળ કરે, પહોંચ્ય પોતાની નવ પરખે। પણ ખદ્યોત ને જેમ ખગ ભાનુ, તે સમઝાય કેમ સરખે॥
જેમ તાડિપી તાડે ચડે, જાણ્યું પહોંચ્યો હું સહુની પાર। પણ ભાંગે તાડે હાડ ભાંગશે, એવો આવતો નથી વિચાર॥ જે એક બ્રહ્મ આગમે કહ્યું, તે તો જાણો તાડ સમાન। તેથી પડ્યા પ્રાણી કંઈ, નર અસુર નીદાન॥
માટે એ દિશને મૂકવી, થાવું હરિના દાસ। મન કર્મ વચને કરી, ભાવે ભજવા અવિનાશ॥ પ્રભુ સરિખા પ્રભુ જ છે, બીજે થવાય નહી કોઈ રીત। નિષ્કુળાનંદ એહ મર્મને, જન ચિંતવી જુવો ચિત્ત॥ ૮॥ કડવું॥
કડવું – ૨૮
જીવ કરી પુણ્ય જો પ્રભુ થવાયજી, તો પ્રભુ પૃથવીમાં કેમ માયજી। ઘર ઘર પ્રત્યે સૌ પ્રભુ કે’વાયજી, પછી ધાર્યું સહુનું સરખું ન થાયજી॥ ધાર્યું ન થાય ધરા ઉપરે, વળી આકાશમાં પણ એક। એ મત અણસમજુ તણો, તમે સમજુ સમજો વિવેક॥
જોને એક જ રીતિ ને એક જ નીતિ, વળી એક જ ક્રિયા અમૂલ। જેમ જેનો ઉદ્ભવ કર્યો, તેમાં પડતી નથી ભૂલ॥ જેમ જેને રાખ્યાં ઘટે, તેમ રાખ્યાં ચર અચર। મેલે ન કોઈ મરજાદને, ભૂમિ વ્યોમે નર અમર॥
શેષ સાહી રહ્યા પૃથવી, દશ દિશે રહ્યા દિગપાળ। સિંધુ ન મૂકે મર્યાદને, હદ મૂકે ન માયા કાળ॥ તેહ એક પ્રભુની આગન્યા, સહુ માને છે શ્રદ્ધાય। પોત પોતાની રીતમાં, ફેર પાડવા ન દિયે કાંય॥ એ ઘણે પ્રભુએ ઘડ્ય ન બેસે, તમે જુવો વિચારી વાત। સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, ઘણી અગણિતે ઉતપાત॥
માટે મનમાં માનવું, કર્યુ એક હરિનું થાય છે। નિષ્કુળાનંદ નિગમ તેને, નેતિ નેતિ કરી ગાય છે॥
નેતિ નેતિ કરી નિગમ જેના, ગુણ નિશદિન ગાયે રે। એહ જેવા તો એક જ એ છે, બીજે કેમ થવાય રે॥ સૂરજ સરખો એક સૂરજ છે, શશી સરીખો શશી રે। સિંધુ સરીખો એક સિંધુ છે, એને ઉપમા કશી રે॥
શૂન્ય સરિખો એક શૂન્ય છે, સમીર સરીખો સમીર રે। તેજ સરિખું એક તેજ છે, નીર સરીખું નીર રે॥ એમ પ્રભુ સરીખા એક પ્રભુ છે, બીજો ન હોય બરાબરી રે। નિષ્કુળાનંદ કે’ નિશ્ચય કરીને, માની લીયો વાત ખરી રે॥ ૪॥ પદ॥
કડવું – ૨૯
જેને દર્શને દુષ્કૃત ટળેજી, જેને સ્પર્શે મહાપાપ બળેજી। જેની કીર્તિ સુણતાં કર્મ બળેજી, જેનું નામ લેતાં મહાસુખ મળેજી॥
મળે સુખ મોટું ઘણું, જેહને સંબંધે જરૂર। મંગળકારી મૂરતિ, અમંગળ કરે દૂર॥ જેના દર્શન સારુ દેવતા, વળી ઇચ્છે છે રહી આકાશ। રાત દિવસ હૃદિયે રહી, નાથ નિરખવા આશ॥
સદાય સુખી સુર રહે, ખાન પાનની નહીં ખોટ। પણ દીનબંધુના દર્શન વિના, માને અભાગી મોટ॥ વળી કંઈક વસે છે વનમાં, તજી સર્વે સુખ સમાજ। શીત ઉષ્ણ સહન કરે, તે હરિ દર્શન કાજ॥ એવું માહાત્મ્ય દર્શનનું, તેહ એક શ્રીહરિનું હોય। બીજાના દર્શનનું, માહાત્મ્ય ન જાણે કોય॥
એવું દર્શન જેહને થયું, ગયું તેનું પ્રજળી પાપ। જીવનમુક્ત તેહ સહી, છતી દેહે એહ છાપ॥
બ્રહ્મમોહોલનું બારણું, મેલ્યું ઉઘાડી એહને કાજ। નિષ્કુળાનંદ નિર્ભય પદ, પામશે એ ભક્તરાજ॥ ૮॥ કડવું॥
કડવું – ૩૦
વળી સ્પર્શ પ્રભુનો પરમ પાવનજી, જેહ જેહ પામ્યા સંત અસંત જનજી। તેહ તેહ થયા સહુ ધન્ય ધન્યજી, એહની સમતા કરે શું સાધનજી॥
સાધન બિચારાં શું કરે, આપે કર્યાં પ્રમાણે ફળ। સ્પર્શ કરતાં મહાપ્રભુનો, આપે સુખ અટળ॥ સ્પર્શ પામી પૂતના, હરિ ધવાર્યા લઈ હાથ। પુરુષોત્તમના સ્પર્શથી, શંખણી થઈ સનાથ॥
ગોવિંદ સ્પર્શથી ગોપિકા, થઈ સર્વે શ્રુતિ સમાન। કુબજા સ્પર્શી કૃષ્ણને, નિર્ભય થઈ નિદાન॥ એવો સ્પર્શ પાવન અતિ, પરમ પ્રાપ્તિનો દેનાર। પાપી પ્રાણીનો સ્પર્શ જેહ, તેહ આવે કેમ એની હાર॥ એવો સ્પર્શ જેને થયો, તે કૃતાર્થ કે’વાય છે। બીજાં કોટિ સાધન કરે, પણ તેહ તુલ્ય ક્યાંય થાય છે?॥
પરબ્રહ્મનો સ્પર્શ પામી, જેહ થયા પૂરણ કામ। તન મૂકતાં તરત તેહ, પામશે પ્રભુનું ધામ॥
જેમ પારસના પ્રતાપથી, લોહપણું ન રહે લગાર। નિષ્કુળાનંદ એમ નાથ સ્પર્શે, પ્રાણી પામે ભવપાર॥ ૮॥ કડવું॥
કડવું – ૩૧
કીર્તિ પ્રભુની સુણતાં કાનજી, જાય અણસમજણ અજ્ઞાનજી। પ્રગટ પ્રભુશું લાગે તાનજી, એવું કાંય નથી એહની સમાનજી॥ સમાન ન દીઠું શોધતાં, હરિકીર્તિ જેવું કોય। જશ સુણતાં જગદીશના, થયા સંસાર પાર જન સોય॥
પૃથુ ને પરીક્ષિત આદિ, વળી જનક જેવા નરેશ। નારદ હનુ સનક આદિક, હરિ કથા સૂણે છે હમેશ॥ જુવો વળી આ જક્તમાં, હરિજશ સૂણે છે હેતે કરી। કષ્ટમાં એહ કામ આવે, સંકટ સર્વે જાય તરી॥ એવી કીર્તિ કોણની, જેને સાંભળીને તાપ ટળે। અન્ય કથાને કાને સૂણતાં, પુણ્ય સર્વે પરજળે॥
પતિતને પાવન કરવા, જશ હરિના છે જાહ્નવી। એહ પખી પવિત્ર થાવા, નથી ઉપાય માનો માનવી॥
એવા જશ જેણે સાંભળ્યા, તે સનાથ થયા સહુ। ઓછું ન માનવું અંતરે, માનવી મોટપ બહુ॥ જેની કહીયે પવિત્ર કીરતિ, એવા તો હરિ એક છે। નિષ્કુળાનંદ એ નક્કી કરવું, એહ જ સારો વિવેક છે॥ ૮॥ કડવું॥
કડવું – ૩૨
જેનું નામ જપ્યે આવે અઘ અંતજી, સમરતાં સુખ મળે અનંતજી। પામે મોટપ જપતાં જંતજી, એમ સમઝીને સમરે છે સંતજી॥
સંત માહાત્મ્યને સમઝી, નવ મૂકે નારાયણ નામ। શ્વાસો શ્વાસે તે સમરે, ઘણે હેતે ઘનશ્યામ॥ ગજ ગુણિકા અજામિલ આદિ, ભજી નામ થયા ભવપાર। પતિતપાવન નામ હરિનું, એથી પામ્યા અનેક ઉદ્ધાર॥
ધ્રુવ પ્રહ્લાદ ને દ્રૌપદી, થયાં નામ ભજીને નિઃશંક। પાણી ઉપર પાષાણ તર્યા, તે પણ નામને અંક॥ મોટા મુનિ માળા લઈ, જપે છે નારાયણ નામ। રાત દિવસ રટણ કરતાં, પળ ન પામે વિરામ॥ જોગી વસે જઈ વનમાં, ખાય ફળ ફૂલ વન પાન। એમ દમી નિજ દેહને, વળી ભજે છે ભગવાન॥
મહામાલ માન્યો મને, નારાયણના નામમાંઈ। તેણે કરી એકતાર અંતરે, સમરે છે જો સદાઈ॥
એવો મહિમા મૂર્તિ તણો, પ્રીછવ્યો બહુ પ્રકાર। નિષ્કુળાનંદ એ વારતા, નક્કી છે નિરધાર॥ ૮॥ કડવું॥ જેની મૂર્તિ મંગળરૂપ છે, સ્પર્શતાં પાપ પલાય રે। અનેક જન્મનાં અઘ અતિ, જેનું નામ જપતાં તે જાય રે... જેની૦॥
જેને દર્શને સર્વે દુષ્કૃત ટળે, બળે બહુ કર્મના કોટ રે। જેનું સ્મરણ કરતાં સંકટ શમે, વળી લાગે નહિ કાળની ચોટ રે... જેની૦॥ જેની કીર્તિને સુણતાં કાનમાં, થાય નર નિર્ભય નિદાન રે। જેનો મહિમા ન કે’વાય મુખથી, એવા છે એ શ્રીભગવાન રે... જેની૦॥ એમ સર્વે અંગે સુખદાઈ છે, મૂર્તિ જેની મનોહર રે। નિષ્કુળાનંદ એહ નાથને, ના’વે કોઈ બીજું સરાભર રે... જેની૦॥ ૪॥ પદ॥
કડવું – ૩૩
એમ સમજ્યા વિના જે અધૂરાજી, પ્રાકૃત ગુણે કરી માને પૂરાજી। પરને પીડવા સુધા અતિ શૂરાજી, પળે પળે દલમાં તર્ક અતિ તૂરાજી॥ તૂરા અતિ અંતરમાં, તેણે ગરીબની ગણતી નહિ। શિયાળ વેષ લઈ સિંહનો, બિવરાવે બીજાં કહિ॥ પણ જંબુક મન નથી જાણતો, આ તો બળ છે અજીનનું। તેણે કરીને થાય છે, અપમાન દુર્બળ દીનનું॥
એમ ગુણ ગોવિંદના, જરાયક પામે છે જન। માને હું મોટો થયો, સર્વે ગુણે સંપન્ન॥
તેણે કરી તન મનમાં , ફોગટ રહે છે ફૂલ્ય। પણ તપાસતો નથી તેહને, જે ભારે આવી ગઈ ભૂલ્ય॥ જોને પે’રી ઘરેણાં પરનાં, મને માનવી મોટાઈ કેમ। જ્યારે ઉતારી લેશે અંગથી, ત્યારે રહીશ તેમનો તેમ॥
માટે મોટપ માનવી, મોટી મહા પ્રભુ માંઈ। જોઈ પોતાના જોરને, જન જોમ ન કરવું કાંઈ॥ નિશ્ચય નથી નિપજતું, આપણાથી અણુંભાર। નિષ્કુળાનંદ એમ નરને, કરવો વારમવાર વિચાર॥ ૮॥ કડવું॥
કડવું – ૩૪
એમ વિચાર કરવો નરને ઘણોજી, શુભ ગુણ સર્વે શ્રીહરિતણોજી। ગુણસાગર ગોવિંદને ગણોજી, એ સમ નહિ ગુણ આપણોજી॥ આપણા ગુણને ગણતાં, અતિશય અનાદર થાય। અર્થ એકે સરે નહિ, જાણો જરૂર લજ્જા જાય॥ પો’ચ્ય ન હોય પોતા પાસળે, વળી કરે વડાઈની વારતા। કામ પડે કેમ કરશું, એમ નથી વિચારતા॥
જેમ દામ વિનાની હામ હૈયે, કરે કોઈ સુખ કારણે। તે તો પાંગુળુંએ ચાલવા પણ લીધું, વિના વાહન બારણે
માટે મોટપ ન માનવી, ગુણ પરના પામીને। દીન આધીન વરતવું, સૌ સંતને શીશ નામીને॥ અલ્પ ગુણના અભિમાનમાં, અપરાધ થાય શુદ્ધ સંતનું। પામવાનું સુખ રહે પાછળે, આવે દુઃખ અત્યંતનું॥
માટે વિચારી વરતવું, ઘણું ઘણું ગરજુ થઈ। અલમસ્તી ન દેવી આવવા, બેગરજુ થાવું નઈ॥ આવી વાતને અંતરે, રાખશે જન રૂડી રીતશું। નિષ્કુળાનંદ તે ઉપરે, પ્રસન્ન થાશે પ્રભુ પ્રીતશું॥ ૮॥ કડવું॥
કડવું – ૩૫
આપણા ગુણમાં અવિદ્યા રહીજી, અતિશય ઝીણી ઓળખાય નહિજી। સ્વભાવ સરિખી રહી છે થઈજી, તેણે મૂંઝવ્યા મોટા મોટા કંઈજી॥
મોટા મોટા કંઈ મૂંઝવ્યા, મનાવી ગુણનું માન। અંતરમાંઈ બેઠી અજા, તે જોરે કરે છે જ્યાન॥ કવિમાં થઈ કવિરૂપે, ગાયકમાં ગાયક થઈ। પંડિતમાં થઈ પંડિતરૂપે, તેને કેણે કળી નઈ॥
દીનમાં થઈ દીનરૂપે, થઈ દાતારમાંહિ દાતાર। જોગી જતિ તપસી સંન્યાસી, વર્ણાશ્રમરૂપે અપાર॥ ભૂપમાં થઈ ભૂપરૂપે, ધનવાનમાં ધનવાન। ઉચ્ચ નીચ નરનારમાં, જ્યાં જેવું અભિમાન॥ આપાપર ને ચર અચર, સૌને અંતરે વસી અજા। પર પોતાનાં પરઠી, કરે છે બેઠી કજા॥
આવ્યો ગુણ જે આપમાં, તેનું બળ લઈ બોલે ઘણું। એમ અવિદ્યાયે ફેરવ્યું, શીશ તે સૌ જનતણું॥
ભૂલ્યા દિશ ભગવાનની, લીધી આપણા ગુણની ઓટ। નિષ્કુળાનંદ એ નરને, ખરા ખરી ગઈ છે ખોટ॥ ૮॥ કડવું॥
કડવું – ૩૬
એહ અવિદ્યા લેવી ઓળખીજી, વણ સમજે ન થવાય સુખીજી। જાણ્યા વિના જન થાય છે દુઃખીજી, શાંતિ ન વળે સમજ્યા પખીજી॥ સમજ્યા વિના શાંતિ સહી, રહે અંતરે અતિ ઉદ્વેગ। પ્રીછવા ન દિયે પાધરું, ભીતરમાં માયાનો ભેગ॥ દિયે ઉપદેશ દિવસ રજની, તું દેહ દેહ છો તું દેહ। તેહ વિના રૂપ તાહરું, નથી બીજું કહું તેહ॥
બાળ જોબન વળી વૃદ્ધ તું, તું છો શ્યામ ગૌર શરીર। રોગી અરોગી તું સુખી દુઃખી, કાયર તું શૂરવીર॥
તું ઉત્તમ મધ્યમ તું, ડાહ્યો ભોળો તું દાસ અદાસ। એમ મનાવ્યું અંતરે, કરી હૈયામાંઈ વાસ॥ અવિદ્યાયે એમ દૃઢાવ્યું, ઉરમાંઈ અનેક પ્રકાર। તેમ જ માની તનમાં, સહુ વર્તે છે સંસાર॥
પણ ઊંડું વિચારી અંતરે, કેણે ખરી ન કરી ખોળ। જેમ છે તેમ જાણ્યા વિના, સહુ કરે છે ડામાડોળ॥ સાચી વાત નથી સૂઝતી, નથી કરતા તેનો તપાસ। નિષ્કુળાનંદ નિર્બળ થઈ, પડિયા માયાને પાશ॥ ૮॥ કડવું॥ સમજ્યા વિના રે સંતાપ, શમે નહિ સમજ્યા વિના રે સંતાપ। સહુ વિચારો અંતરે આપ... શમે૦। ટેક આતમાને એકે નહિ રે, નાત જાત માઈ બાપ। એ તો સંબંધી શરીરનાં રે, પ્રીછી પરહરિયે પરિતાપ.. શમે૦॥
માનિનતા મેલ ઉતારિયે રે, તો ખરી છે નિર્મળ ખાપ। આડ્ય ન કરે આંખ્યને રે, થાય ઠીકો ઠીક જ થાપ... શમે૦॥
હીરા જડાવિયે આંખ્યને રે, પૂર્ણ વડગે એ પાપ। રંગ ચડ્યે પોત પલટે રે, સહુ છેતરાય દેખી છાપ... શમે૦॥ એમ આત્માથી અડગો રહી રે, શરીરરૂપી પાળ્યો સાપ। નિષ્કુળાનંદ એ નરસું થયું રે, ગયું તેજ રહ્યું તમ વ્યાપ... શમે૦॥ ૪॥ પદ॥
કડવું – ૩૭
એમ સમજે છે સંત સુજાણજી, બીજા કરે છે બહુ ખેંચાતાણજી। આપાપરને પરઠી પ્રમાણજી, હેતુ વિના સહુ થાય હેરાણજી॥
હેરાણ થાય છે હેતુ વિના, તે તો અણસમઝણ આપણી। જેમ એરણ લુહારની, પર તાપે તે પીડા તાપની॥ જેમ અંબર સુંદર ઓઢીયે, તે હોય કૂચ્યની કંડુવે ભરું। અળગું ન કરીએ અંગથી, તો દુઃખનું નાવે સરુ॥
જેમ માથે મેષનો મોટલો, કોઈ ઉપાડે કોયલા તણો। ખપ ન આવે ખાધાતણો, લાગે ડાઘ લૂગડે ઘણો॥ મેલે તો મેલાય ખરા, ગુણ અવગુણ બેઉ બોજ। અણસમજે ઉપાડી ફરે, ખરી કર્યા વિના ખોજ॥ જેમ તરવું ઊંડા તોયને, માથે હીરા પથરા મોટ છે। તેમ ગુણ અવગુણ જક્તના, ખરા દેનારા ખોટ છે॥
હરિભક્તને હૈયામાંઈ, વિચારવું તે વારમવાર। વો’રવા નહિ વિષ વ્યાળ વીંછી, એ છે દુઃખના દેનાર॥
જે જે વળગે આ જીવને, થાય અટપટું કરતાં અળગે। નિષ્કુળાનંદ આ જક્ત ઉપાધિ, વણ વળગાડી વળગે॥ ૮॥ કડવું॥
કડવું – ૩૮
કેનેક બળ અન્ન ધન રાજ્યતણુંજી, કેનેક બળ વળી વિદ્યાનું ઘણુંજી। કેનેક બળ દેહ દેખી આપણુંજી, એહ માંયેલું બળ નથી મારે અણુંજી॥ અણું નથી એહ માંહેલું, બળ બીજાનું વળી માહરે। સમર્થ સહજાનંદજી, હું તો શરણ છઉં તાહરે॥
આકરી વેળામાં આવજો, પ્રભુજી તમે મારી પાસ। ખરી વેળામાં ન ખસવું, હરિ જાણી પોતાનો દાસ॥ વસમી વેળાએ વાલમાં, વળી વળી કરજો વા’રને। સંકટમાં શ્રીહરિ સ્વામી, શ્યામળા કરજો સારને॥ અંતવેળા છે વસમી, એમ વદે છે વેદ પુરાણ। તેહ સમે તમે તરત આવી, સાર લેજો શ્યામ સુજાણ॥
ઊઠે દેવતા અંગના, એક દંડો ચાલે વળી શ્વાસ। તેહ સમે તમે સંભાળજો, મારા અલબેલા અવિનાશ॥
માગું છું એહ મહાપ્રભુ, દુઃખ ફોજ કરજો દૂર। વ્યાધિમાં વ્યાકુળ વેળા, શ્રીહરિ રે’જો હજૂર॥ છેલ્લી ભલામણ એ જ છે, કરજો વસમી વેળાએ વા’ર। વારમવાર વિનતિ કરી, કહે નિષ્કુળાનંદ નિરધાર॥ ૮॥ કડવું॥
કડવું – ૩૯
કઠણ વેળા અતિ અંતની કે’વાયજી, મહાશૂરવીરે પણ ન સે’વાયજી। એહ દુઃખને ઉપમા ન દે’વાયજી, તે સમે ધીરજ કેણેક ગ્રહેવાયજી॥ ગ્રહેવાય નહિ ઘણા દુઃખમાં, ધીરજ મોટા ધીરથી। રોમ રોમે વીંછી વેદના પ્રગટે, જ્યારે ચાલવું થાય શરીરથી॥
તેહ સમામાં કોણ કેનું, જ્યારે પરવશ પ્રાણી પડે। સ્વાર્થ લઈ સહુ સહુનો, સગાં સંબંધી સર્વે રડે॥ તેહ સમે શ્રીહરિ સ્વામી, વા’લા મા કરજો વેલ। આધાર મારા આવજો, ઉતાવળા અલબેલ॥ મોટે મોટે એહ માગિયું, કરજો વસમી વેળાએ વા’ર। તેહ સુણીને શ્યામળા, પ્રભુ કરું છું પોકાર॥
ઘણા હેતુ છો ઘનશ્યામજી, સુખદ સાચા સનેહ। તમ વિના ત્રિલોકમાં, નથી સા’ય કરવા એહ॥
એહ સમો જો સુધર્યો, તો સુધર્યું સર્વે ઘણું। એહ સમો જો બગડ્યો, તો શું ઉપજ્યું શુભ ગુણતણું॥ તેહ માટે તમ પાસળે, માગું છું હું મહારાજ। નિષ્કુળાનંદ કહે નાથજી, એહ સમે રાખજો લાજ॥ ૮॥ કડવું॥
કડવું – ૪૦
લાજ મારી છે હરી તમારે હાથજી, મુજ અનાથના તમે છો નાથજી। સંકટમાંહી સ્વામી રે’જો સાથજી, એટલી સુણજો ગરીબની ગાથજી॥ ગાથ સુણી ગરીબની, ગુણનિધિ ગ્રે’જો બાંય। મ જોશો અવગુણ માહેરા, શ્રીહરી કરજો સા’ય॥
અધમ ઉદ્ધારણ પતિતપાવન, દીનબંધુ છો દયાળ। જોઈ બિરુદ સામું શ્યામળા, સુખદાયી લેજો સંભાળ॥ ઘણા ગુન્હા ઘનશ્યામજી, તમે બક્ષ્યા આગે આશ્રિતના। તેમ ગુન્હા ગોવિંદ મારા, બક્ષજો બહુ રીતના॥ તમારાને તમ વિના, નથી અન્ય કોઈ આધાર। તે જાણો છો જગદીશ તમે, શું કહું હું વારમવાર॥
જેના જે આશ્રિત છે, પ્રભુ તેની છે તેને લાજ। તેહ વિના ત્રિલોકમાં, એનું કોણ હેતુ મહારાજ॥
તેહ સારુ હરિ તમને, વળી વળી વિનતિ કરું। અવર બીજા ઉપાયથી, નથી આવતું દુઃખનું સરું॥ જે કે’વાનું હતું તે મેં કહ્યું, હરિકૃષ્ણ જોડી જુગ હાથ। દીનબંધુ દીલ ધારજો, નિષ્કુળાનંદના નાથ॥ ૮॥ કડવું॥
નાથજી નિવારો રે દોષ નિજ દાસના રે, જોશો મા અવગુણ મારા જીવન। પ્રભુજી સંભારી રે બીરુદ પોતાતણું રે, કરીયે પતિતને રે પાવન... નાથજી૦॥ અનેક અધમ રે આગે ઉદ્ધારિયા રે, થાય નહિ ગણતાં તેનો રે થાપ। દીનના બંધુ છો રે દીનદયાળજી રે, શરણાગતના હરણ સંતાપ... નાથજી૦॥ આકરી વેળાયે રે આવો છો ઉતાવળા રે, વા’લા નથી કરતા વેળ લગાર। સહી ન શકો રે સંકટ સંતનાં રે, પૂર્ણ હેતુ છો પ્રાણ આધાર... નાથજી૦॥
સંસાર તો સર્વે રે જેને શત્રુ જ છે રે, મિત્ર એક તમે રે મહારાજ। નિષ્કુળાનંદ રે કહે નરતન ધરી રે, આવો છો અલબેલા એહ કાજ... નાથજી૦॥ ૪॥ પદ॥
કડવું – ૪૧
કાજ કરવા સંતનાં ઘનશ્યામજી, આવો છો અવનિયે મૂકી નિજ ધામજી। તે તો હરિજનનાં કરવા કામજી, તમ વિના ઠરવા નથી સંતને ઠામજી॥ ઠામ નથી બીજે ઠરવા, તમ વિના તમારા જનને। તેહ સારુ અવનિયે આવો, નાથ ધરી નર તનને॥ હાજર છો હરિજનનાં, કષ્ટ કાપવા કરુણાનિધિ। નિમિષ એક નથી રે’તા ન્યારા, કરો છો રક્ષા બહુ વિધિ॥
બાપ પાળે જેમ બાળને, ક્ષણુ ક્ષણુએ લિયે ખબર। તેહ થકી અધિક હેતે, જન પાળો છો બહુ પેર॥
સંતના શત્રુ સંહારવા, તતપર રો’ છો તૈયાર। અંતર બારે અરિ ભક્તના, સદ્ય કરો છો સંહાર॥ હરિજનને હંમેશ હજારું, વિઘન કરે છે વિબુધ। તેને અર્થે તૈયાર રાખ્યાં છે, ચાર કરે ચાર આયુધ॥
ધન્ય ધન્ય સમર્થ ધણી, ધર્મનંદન ધર્મના પાળ। સધર્મીના સ્નેહી છો, છો અધર્મીના કાળ॥ હેતુ છો હરિજનના, સદા સર્વદા સુંદર શ્યામ। નિષ્કુળાનંદના નાથજી, વાલમ મારા વિશ્રામ॥ ૮॥ કડવું॥
કડવું – ૪૨
વિશ્રામ છો વા’લા વસમે સમેજી, જ્યારે નિજજનને દુષ્ટ આવી દમેજી। તે તમારા સંત ઘણું ઘણું ખમેજી, પણ તેનું દુઃખ તમને નવ ગમેજી॥ ગમે નહિ ગરીબ પીડતાં, તમે કરો છો ક્રોધ તેહ કારજે। દાસનાં દુઃખ ટાળવા, રાખતા નથી આળસ રજે॥ શીઘ્ર રહો છો સ્વામી મારા, તે સંતનાં સંકટ ટાળવા। અખંડ રે’ છે બહુ અંતરે, તાન પોતાના જન પાળવા॥
ક્ષણ એક ખમી ન શકો, પીડા જન પોતાના તણી। એને અર્થે અલબેલડા, કરો છો જતન ઘણી॥
માટે નિઃશંક નિજજન રે’ છે, વિઘ્ન કોઈ વ્યાપતું નથી। સા’ય કરો છો જે સંતની, તે કે’વાતું નથી કથી॥ ગુણ તમારા ગણતાં, આવતો નથી વળી અંત। એવું વા’લું નથી અંગ આપનું, જેવા વા’લા છે સંત॥
જણાય છે મારા જીવમાં, સંત હેતે રો’ છો સાવધાન। કહી દેખાડું શું કૃપાનિધિ, ભક્તભયહારી ભગવાન॥ સાચા સ્નેહી શ્યામળા, તમે સંતના છો શ્રીહરિ। નિષ્કુળાનંદ એ વારતા, ખચિત છે ખરા ખરી॥ ૮॥ કડવું॥
કડવું – ૪૩
તમને વા’લા છે તમારા જે જનજી, તેહ હરિજનનું કહું વર્તનજી। નથી વિસારતા તમને નિશદનજી, તમ વિના બીજે નથી માનતું મનજી॥
મન બીજે નથી માનતું, રે’ છે તમારા ચરણમાં ચિત્ત। દૈહિક દુઃખે નથી દાઝતા, નથી પંચ વિષયમાં પ્રીત॥ સૂતાં બેઠાં જાગતાં, ગાયછે જો તમારા ગુણ। મિટ થકી નથી મુકતા, સુંદર મૂર્તિ સગુણ॥
અન્ય ભરોસો ઉરમાં, વળી નથી કેનો નિરધાર। તમ વિના ત્રિલોકમાં, નથી પડતો બીજાનો ભાર॥ સર્વેના કારણ સમજી, સમરે છે શ્વાસ ઉશ્વાસ। મોક્ષાદિ નથી માગતા, રે’ છે ચતુરધાથી ઉદાસ॥ નિષ્કામી નિષ્પાપ નિર્મળ, નિર્વૈર મે’ર મને ઘણી। એવા જન જોઈ આપણા, તમે કરો રક્ષા તેહ તણી॥
તમારે તેહ તેહને તમે, એમ અરસ પરસ છે પ્રીત। તેનાં પાળો છો લાડ તમે, શ્રીહરિ જો રૂડી રીત॥
આશ્ચર્ય એનું અમને, વળી નથી મનાતું મન। નિષ્કુળાનંદના નાથજી, છો ભક્તવત્સલ ભગવાન॥ ૮॥ કડવું॥
કડવું – ૪૪
હરિબળગીતા હેતે સાંભળશેજી, તેહના સર્વે શોક સંશય ટળશેજી। સમજી સાંભળતાં પાપ પળશેજી, નિરબળ નરને બળ મળશેજી॥
મળશે બળ નિરબળને, તે પ્રભુને પ્રતાપે કરી। સમુદ્ર જે સંકટનો, તે તરત નર જાશે તરી॥ પુષ્ટિ છે પ્રભુના દાસને, આ ગ્રંથમાં ઘણી ઘણી। હાર્યાને હિંમત આવશે, અપો’ચ ટળશે આપણી॥
લડથડતાંને લાકડી, કાજુ આપી છે કરમાંઈ। ભોંયે પડ્યાનો ભય ટળ્યો, કહું બીક ન રહી કાંઈ॥ હિંમત સહિત હાલશે, કરી કાયરતા વળી દૂર। આગળ પગ આરોપશે, થઈને સાચો શૂર॥ ઘણું બળ ઘનશ્યામનું, અતિ આવશે ઉરને વિષે। મોળપ મટશે મનની, આ ગ્રંથ જો સાંભળશે॥
એકાદશ પદ ચુંવાળીશ કડવાં, વળી ચારસેં એનાં ચરણ છે। નિર્બળ સબળ સંતને, સદા એહ સુખકરણ છે॥
સંવત અઢાર અઠાણુંનો, માસ પુરુષોત્તમ પુન્યમ દને। નિષ્કુળાનંદ જન હિત અર્થે, કર્યો ગ્રંથ સમજી મને॥ ૮॥ કડવું॥ મને માનીયો મોદ અપાર, સમઝી વાત સારી। સારી પેઠ્યે મેં શોધિયું સાર, મતિ જેવી હતી મારી॥
મારી જાણમાં આવિયું જેમ, તેમનું મેં તેમ કહ્યું। કહ્યું અંતર ઉપજ્યું એમ, સમઝવા સારું થયું॥ થયું નિર્ધનને ધનરૂપ, વસમી વેળા સમે। સમે અંતર તાપ અનૂપ, દુષ્ટ કોઈ નવ દમે॥ દમે સમજ્યા વિના શરીર, પ્રગટ પ્રભુને મેલી। મેલી મહી વલોવતાં નીર, પ્રાપતિ સઈ છેલ્લી॥
છેલ્લી સમજણ સંતની એહ, પ્રતાપ પ્રભુનો જાણે। જાણે સમર્થ શ્રીહરિ તેહ, ભરોંસો એ ઉર આણે॥
આણે ટાંણે કરવો વિચાર, વિવેકે વળી વળી। વળી નરને કરવો નિરધાર, મોટા જો સંતને મળી॥ મળ્યો મનુષ્ય દેહ અમૂલ્ય, ફરી ફરી મળતો નથી। નથી ઘટતી રાખવી ભૂલ્ય, કહું શું હું કથી કથી॥
કથી કહ્યું મેં સર્વનું સાર, શાણા સમઝી લેજો। લેજો નિષ્કુળાનંદનો વિચાર, સુંદર સારો છે જો॥ ૮॥ પદ॥