સમરું શ્રીઘનશ્યામ, મંગળ કરવા માહેરું॥ અમૃતપદ એ નામ, અમંગળ અળગું કરે॥ ધર્ય થકી ધરિયે ધ્યાન, પ્રગટ પુરુષોત્તમ તણું॥ નિર્વિઘ્ન હોય નિદાન, વિઘ્ન સર્વે વિરમે વળી॥ અતિ ઝીણી છે આ કથા, કહે ન સમજે કોય॥ સો સંક્ષેપે સૂચવું, મતિ દિયો એવી મોય॥
Nishkulanand Swami
પ્રસંગઃ ૧
વારમવાર વિનય કરી, કરું કથા ઉચ્ચાર॥ મતિ અતિ પોં’ચે નહિ, તે પોં’ચાડો તમે પાર॥
સદ્ગુરુ શિષ્ય સંવાદ શું, કરું કથા પ્રકાશ॥ જે સુણતાં શુદ્ધ શિષ્યને, હોય હૃદયતમ નાશ॥ શિષ્ય કહે સદ્ગુરુ સુણો, પૂછું છું લાગી પાય॥ મૂર્તિ જોવા મહારાજની, ઇચ્છું છું હું ઉરમાંય॥
દિન બહુનો દાખડો, કરું છું કૃપાનિધાન॥ પણ આજ સુધી અંતરમાં, ભાળ્યા નહિ ભગવાન॥ જેમ કહો તેમ કરું, હાથ જોડી રહું હજૂર॥ દીનબંધુ દયા કરો, તો હરિ દેખાય ઊર॥ અંતર મારું અણોસરું, વણ દીઠે વ્રજચંદ॥ જ્યારે દેખું જગપતિ, ત્યારે સુખ આનંદ॥
એમ શિષ્ય સદ્ગુરુને કહે, અરજી એહ મહારાજ॥ અંતરમાં ઇચ્છા ઘણી, નાથ નીરખવા કાજ॥
સદ્ગુરુ કહે શીદ કરે, અમથો શિષ્ય ઉમંગ॥ સાંભળ્ય તારાં સંબંધી, કેને છે સતસંગ?॥ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે કહિયે કુસંગી ચાર॥ ત્યાં જોવા ઇચ્છે જગદીશને, તું કરી કોણ વિચાર॥
શ્રવણ ત્વચા દ્રગન દોય, રસના નાસા નેક॥ કહિયે પંચ એ કુસંગી, કર્ય તું હૈયે વિવેક॥ તેમાં જોવા ઇચ્છે જગપતિ, શું સમજી તું સુજાણ॥ મલિન મંદિરમાં હરિ, ન દરશે કે દી નિરવાણ॥ શિષ્ય કહે સમજ્યો નહિ, કહું કુસંગી તે કોયે॥ સમજ્યો સર્વે સતસંગી, એમ મનાણું મોયે॥
વણ સમજ્યે વરત્યાં નહિ, ઘરના ઘાતક એહ॥ અભાવ એનો નથી આવતો, સમજું છું પરમ સનેહ॥
અવગુણ એના ઓળખાવિયે, કહું કૃપાનિધાન॥ દગો એનો હું દેખીને, સમજી રહું સાવધાન॥ મેં જાણ્યું એહ માહેરાં, હેતુ છે જો હમેશ॥ સનેહીમાં શત્રુપણું, મેં લયું નહિ લવલેશ॥
જેમ છે તેમ જણાવિયે, આપી શિખામણ સાર॥ ડહાપણમાં દીઠું નહિ, આભ સમ અંધાર સમજી શાણો આપને, કરે બીજાની હાસ॥ મોટો મૂરખ નિસર્યો, જ્યારે કર્યો તપાસ॥ પરને બહુ પરમોદિયા, કર્યા સતસંગી કોટ્ય॥ વૃત્તિ ન વાળી અંતરે, કહો ટળે કેમ ખોટ્ય॥
અરિતા અંતઃકરણની, પંચ ઇંદ્રિય જે પૈશૂન્ય॥ એટલું મને ઓળખાવીએ, એમ કહી રહ્યો શિષ્ય મૂન્ય॥
તૈયે સદ્ગુરુ કહે નથી જાણતો, તું શિષ્ય અજ્ઞાની જોર॥ ઓળખાવું એકો એકને, ચોખાં છે જેહ ચોર॥ મનની ચોરી મોર્યથી, કહું કાંયેક નિરધાર॥ પદાર્થ બહુ પ્રભુ વિના, રાખ્યાં હૃદય મોઝાર॥
સંકલ્પે સૃષ્ટિ સબે આણી વસાવી ઉર॥ કહો હરિ કિયાં રહે, ભીંતર છે ભરપૂર॥ સર નદી વાપી કૂવા, સિંધુ સાતે દ્વીપ॥ સંકલ્પે સર્વે એહ, મન દેખાડે સમીપ॥ દેશ વિલાયત નગર પુર, ગામ ઘોષ વનવાટ॥ આણી ભર્યાં એહ અંતરે, ગિરિ ગહ્વર ઘર ઘાટ॥
જે જે વસ્તુ જગતમાં, તે ઘાલી ગોતી ઘરમાંય॥ અવિનાશી રહે એટલી, નથી જાયગા ક્યાંય॥
સારાસાર સમજે નહિ, લૈ લાવે છે ઝડી ઝોટ્ય॥ સંકલ્પ સુખ દુઃખના, કરે રાત દિન કોટ્ય॥ જે જે વિલોકે વસ્તુને, તેમાં થાય તદ્રૂપ॥ રગરગમાં રમી રહે, સુખદ દુઃખદ સ્વરૂપ॥
દામ દામ સમરે દામને, ભામ ભામ સમરે ભામ॥ કામ કામ સમરે કામને, ધામ ધામ સમરે ધામ॥ સુખ સુખ સમરે સુખને, દુઃખ દુઃખ સમરે દુઃખ॥ ભૂખ ભૂખ સમરે ભૂખને, એહવો જ મન વિમુખ॥ નિમિષ એક નવરો નહિ, સંકલ્પ કરતાં સોય॥ જાગ્રત સ્વપ્ન સર્વમાં, દીધી છે દોરી પ્રોય॥
જડે ન જોયે જાયગા, કહો હરિ રહે કોણ ઠામ॥ શિષ્ય તું સમજ્યા વિના, હૈયે ન કરિયે હામ॥
સર્વે સંકલ્પ સુખના, કરતાં આવે સ્વાદ॥ એક સંકલ્પ હરિ તણો, નેક થયો નિરસ્વાદ॥ ભૂંડી વસ્તુ ભીતરે, આણી ભરી અનેક॥ રૂંધી હૃદયે રાખિયો, એવો નરસો નેક॥
તેને તેં ઓળખ્યો નહિ, જાણ્યો પરમ સ્નેહ॥ જો વિચારી શિષ્ય તું, અરિ કહે તું એહ॥ સમજ્યા વિના સુજાણ, સુખ ન હોય કોઈ દને॥ સો નકી વાત નિરવાણ, જાણી લહે તું શિષ્ય સહી॥
પ્રસંગઃ ૨
ત્યારે શિષ્ય કહે સમજ્યો સહી, જે જે કહી કૃપા કરી વાત॥ આજ થકી મેં ઓળખ્યાં, ઘરને કરી છે ઘાત॥
એહ વિના એવા કોયે, બીજા જે દગાબાજ॥ કૃપા કરી કે’જો ફરી, ઓળખું એને હું આજ॥ તૈયે સદ્ગુરુ કહે સાંભળ્ય વળી, બીજી બુદ્ધિ તું જાણ્ય॥ એહ તારા અંતરમાં, હંમેશ કરે છે હાણ્ય॥
જે જે સંકલ્પ મન કરે, તે તે બુદ્ધિ કરે પ્રમાણ॥ નિઃસંશય નિશ્ચય કરે, ન ફરે તે નિરવાણ॥ માત તાત સુત સંબંધી, વળી તે વર્ણાશ્રમ॥ ઠીક એહ ઠેરાવિયાં, નાત્ય જાત્ય કુળ ધર્મ॥ બાળ જોબન વૃદ્ધપણું, નામ રૂપ નિરધાર॥ નકી તે નિશ્ચય કર્યું, ભર્યું ભીતર મોઝાર॥
નર નારી ત્યાગી ગૃહી, વળી જે લીધો વેશ॥ તેને તેવું મનાવિયું, અંતરમાં અહોનિશ॥
પશુ પંખી પન્નગ નગ, વન વેલી જે જે જાત॥ બુદ્ધિયે બહુ નિશ્ચય કર્યા, વિદેશ દેશ વિલાત॥ એક એકમાં અનેક વિધિ, નામ રૂપ ગુણ આકાર॥ એ સર્વે અંતર આણિયાં, કે’તાં ન આવે પાર॥
જે જે જાણી જગતમાં, વસ્તુ વિવિધ પ્રકાર॥ તે તે દૃઢાવી અંતરે, ભર્યો તેનો ભંડાર॥ અવનિ આપ વળી તેજ જે, અનિલ ને આકાશ॥ પદાર્થ એહ પંચના, કરી ભેળી લઈ કાશ॥ મણમણનું મનાવિયું, કણકણની કહું વાત॥ ધણધણનું દૃઢાવિયું, જણજણની જે જાત॥
પોત પોતાનું પારખ્યું, જોત્ય જોત્યનું જેહ॥ રંગરંગના રૂપને, તરત મનાવ્યું તેહ॥
વાતવાતની વિગતી, જાતજાતનું જેમ॥ પાતપાતનું પારખ્યું, ઘાતઘાતનું એમ॥ વણજ વેપાર વે’વાર વ્યાજ, ખત કાગળની ખોંચ॥ બુદ્ધિમાં બેસી ગઈ, પર પોતાની પોં’ચ॥
રસરસના રૂપને, જાણે જેમ છે તેમ॥ ખટરસ ખોળી ખરા કર્યા, ત્યાં હરિ દેખાયે કેમ॥ સૂતાં ઊઠી સુખના, કરે બુદ્ધિ બહુ વિચાર॥ આ ખાધે સુખ ઉપજે, આ ખાધે વાધે વિકાર॥ હોજ હવેલી મેડિયું, મંદિર મો’લ મોલાત॥ ઘર કોટ બહુ બંગલા, મતિયે મનાવી એ વાત॥
એવાં અનેક અંતરે, ભર્યા લઈ ભરપૂર॥ અશુદ્ધ એવું અવલોકીને, હરિ રહે છે દૂર॥
વળી રાગરાગ હૃદે રહ્યાં, છંદ પ્રબંધની રીત॥ વર્ણવર્ણ વિગતી ખરી, કાના માત્ર સહિત॥ શાસ્ત્ર શાસ્ત્ર સર્વનું, શોધી લિયે સાર॥ આવે મળતું અંગમાં, તે રાખે કરી બહુ પ્યાર॥ જળજળનું જાણે ઘણું, ફળફળનો બહુ ફેર॥ ખળખળની ખોજ ખરી, પળપળની બહુ પેર॥
રાળ રૂપૈયા મો’રમાં, મનાવ્યો છે માલ॥ કથીર રૂપા કનકમાં, વેરો ન પડે વાલ॥
માણેક મોતી મણિકણી, પના પિરોજા હીર॥ લાલ પ્રવાળાં લસણિયાં, થાપ્યા મતિએ થીર॥ જડીબુટી જાણે ઘણી, ગરમ વાયુ વાસીત॥ એહ આદિ બહુ અંતરે, નવેનવાં નિતનીત॥
મંત્ર જંત્ર મૂઠ્ય ટોનો, નાટક ચેટક ચોટ॥ ભૈરવ ભૂત ભવાની ભય, કૈ દેવ અદેવ કોટ॥ જે જે જાણ્યા જગતમાં, તે તે નિશ્ચે કર્યાં ઊર॥ કહો શિષ્ય હરિ ક્યાં રહે, ભર્યું ભીતર ભરપૂર॥ કહી કહી કહ્યાં ઘણા, રહી રહી ગયાં અનેક॥ સહી સહી વાત શોધી કહું, નહીં નહીં ન કે’વાયે નેક॥
મેં કહ્યા દગા અંગઅંગના, રહી ગયા કઈ રોમરોમ॥ જથારથ એ જાણવા, છે બુદ્ધિને ફોમ॥
જેણે જાણી નિશ્ચય કર્યા, ભર્યા ભીતરને માંઈ॥ ખાલી ઠેકાણું ખોળતાં, રે’વા દીધું નહિ ક્યાંઈ॥ શિષ્ય નથી તું સમજતો, તું છું ભોળો ભૂપ॥ તુંને બોળ્યો તાહેરે, તેનું ન જાણ્યું રૂપ॥
સાચી કહું છું એ વાત, સમજે સુખ પામીશ સહી॥ નહિ તો શત્રુ સાક્ષાત, વાત બગાડશે બહુ કહું॥
પ્રસંગઃ ૩
શિષ્ય કહે સાચું સહી, રહ્યું અંધારું ઘોર॥ જેને શાહા સમજતો, તે તો નીસર્યા ચોર॥ વળીવળી બતાવજો, ઓળખાવજો અરિ એહ॥ કહો કપટ કપટી તણાં, હું સુણીશ કરી સ્નેહ॥
સદ્ગુરુ કહે ચિત્ત તાહરું, ચિંતવે બહુ આકાર॥ કહી કહી કહીએ કેટલા, કહેતાં તે નાવે પાર॥ જે મને ઉત્થાને મેલિયાં, પ્રજ્ઞા કર્યાં પ્રમાણ॥ તે તે ચિત્ત નિત્ય ચિંતવે, જાગ્રત સ્વપ્ન સોહે જાણ॥ માત તાત સુત સંબંધી, દેહ ગેહ ઘર નાર॥ ભાઈ ભોજાઈ ભગિની, એહ ચિંતવે વારંવાર॥
અવગુણ ગુણ અરિ મિત્રને, સંભારે ચિત્ત સોય॥ સુખદ પદાર્થ સમજી, ચિંતવે ચિત્ત નિત્ય પ્રોય॥
અન્ન ધન ધામ ધરણી, પશુ પંખી ગામ ગરાસ॥ દેશ પ્રદેશ પુર નગર, ચિત્ત ચિંતવે શ્વાસોશ્વાસ॥ પેખી પર પોતા તણા, રાખે હેત કુહેત॥ એવું સમજી અંતરે, ચોખું મનાવે ચિત્ત॥
આ પંડિત આ મૂરખો, આ ડાહ્યા ભોળા દોય॥ ચિત્ત નિત્ય એમ ચિંતવે, સહજ સ્વભાવે સોય॥ આ રોગી આ રોગી નહિ, આ બુઢા જુવાન બાળ॥ આ રૂપ કુરૂપ નારી નર, ચિત્ત ચિંતવે તત્કાળ॥ પંચભૂતથી પ્રગટ્યાં, જડ-ચૈતન્યની જાત॥ અણચિંતવે એકે નહિ, ચિત્ત ચિંતવે દિન ને રાત॥
ચિત્તે ચિંતવી ચિંતવી, રાખ્યાં હૃદયમાં રૂપ॥ ત્રિલોકમાં તલેતલ, સંભારે સોય સ્વરૂપ॥
સર્વે રૂપ સંભારતાં, ન રહે નવરું નેક॥ તારું સારું કેમ કરે, શિષ્ય સમજ વિવેક॥ એણે કર્યું અતિ અવળું, તારું ટાળ્યું ઠામ॥ તિયાં નીરખવા નાથને, કરું છું હૈયામાં હામ॥
આખા જગતની આપદા, ભરી ભીતર મોઝાર॥ એમાં જોવા જગદીશની, લાલચ મ કર લગાર॥ શિષ્ય સોદો સંકટ થયો, ગયો મનુષ્યનો દેહ॥ અજ્ઞાન આખા વિશ્વનું, રાખી રહ્યો તું તેહ॥ પળે પળે પડ્યો પેચમાં, બળે બળે બળવાન॥ ગળે ગળે ઝાલી ગળ્યો, કળે કળે કહું નિદાન॥
તારું ધાર્યું ક્યાં રહ્યું? જો શિષ્ય વિચારી વાત॥ માને નહિ કોઈ માંહેલાં, મળી એ જાત કુજાત॥
મન માને મા’લે મળી, ચાલે ડોટાડોટ॥ કર્યું કારજ આપણું, દીધી તુજને ખોટ॥ ખોટ મોટી શીદ ખાયે, જાયે જન્મ આ એળ્યે અતિ॥ વિચારી જોને ઉરમાંયે, કાંય કામ ન થયું રતી॥
પ્રસંગઃ ૪
શિષ્ય કહે હું શઠમતિ, રતી ન સમજ્યો રીત॥ મન બુદ્ધિ માન્યાં માહેરાં તેમ જ માન્યું ચિત્ત॥
વેરી તે વા’લાં જાણિયાં, એહ મોટું અજ્ઞાન॥ ધર થકી ધુતાપણું, ન કળ્યું મેં નિદાન॥ વળી વળી કરજો વારતા, લળી લળી લાગું પાય॥ મળી મળી માનીશ મહાપ્રભુ, કળી કળી કે’જો કાંય॥
સદ્ગુરુ કહે નખશિખા લગી, અંગમાંહિ અહંકાર॥ અહં-મમત કરી માનિયું, યત્કિંચિત્ કૈ’યે લગાર॥ મન સંકલ્પ મો’રે કહ્યા, બુદ્ધિ નિશ્ચયના બહુ॥ ચિત્તે રાખ્યા ચિંતવી, તે હું ને મારું સહુ॥ મારાં માત ને તાત છે, મારાં ભગિની ભાઈ॥ મારી જાત ને નાત છે, મારા સગાં ને સાઈ॥
સુત કલત્ર સંબંધી, મારું કુળ કુટુંબ॥ એને અર્થે આ તને, સહું કષ્ટ વિષમ॥
એહ મારાં હું એહનો, તજું નહિ ત્રય કાળ॥ મમત એહ મેલું નહિ, કરું નિત્યે પ્રતિપાળ॥ એને દુઃખે હું દુઃખિયો, એહને સુખે સુખ॥ એહને જમે હું જમ્યો, એહને ભૂખ્યે ભૂખ॥
એ છે મારા આતમા, એહ છે મારું તન॥ એ છે મારા પ્રાણપ્રિયે, એ છે મારાં જીવન॥ મારા મિત્ર ગોત્ર, એહ મારો વંશ વધાર॥ મેલું કેમ એ મમતને, મારા એ આધાર॥ અન્ન ધન માલ માહેરો, મારાં પશુ પરિવાર॥ કુળ મારું ઊંચુ અતિ, હું કુળનો શણગાર॥
મારે બાપદાદે બહુ કર્યાં, મો’રે મોટાં કામ॥ તે ઘરનો હું દીકરો, નહિ લજાવું નામ॥
હું મોટો હું મોવડી, પૂછે સહુ મને વાત॥ દાસ દાસી માહેરે, કરે સેવા દિન રાત॥ હુકમ ન ફરે માહેરો, કંપે સર્વે જન॥ શહેર પુર ગઢ ગામનો, હું છું એક રાજન॥
મારે તુલ્ય ત્રિલોકમાં, કોણ આવે કહો આજ॥ જુઓ સર્વે જગતથી, મારી મોટી લાજ॥ હું જે કરું તે થાય છે, હું કરું તે ન ફરે કામ॥ હું ચલવું તો ચાલે ખરું, હું છઉં સહુનો શ્યામ॥ મારું ધાર્યું થાય છે, ન ધાર્યું નવ થાય॥ બીજો મારી બરાબરી, જુઓ નથી જગમાંય॥
હું રૂપાળો રૂડો ઘણું, હું ગોરો અંગ અપાર॥ થોભા કલમા કાતરા, મૂછ મારી વળદાર॥
પૂર્વ પશ્ચિમ હું ફર્યો, ઉત્તર દક્ષિણાદિ દેશ॥ દાઢી જટા જોઈ જાણજો, રાખ્યા છે પંચ કેશ॥ હું હું કરી હાલે ઘણું, અહં મમત અપાર॥ હું મારું માને સહી, એહ જાણો અહંકાર॥ હું પુરાણી પંડિત હું, હું ભણ્યો છું વેદ॥ શાસ્ત્રમાત્ર સર્વેનો, હું જાણું છું ભેદ॥
જે જે મેં નિર્ણય કર્યો, તેમાં કાઢે કોઈ ખોટ્ય॥ જાવા ન દેઉં જીતીને, કરું હું કળાઓ કોટ્ય॥
હું વક્તા વાચાળ હું, હું મંડળીનો મેત॥ મારા મુખની વારતા, સહુ સુણે કરી હેત॥ હું ગુરુ હું ગરઢો, બીજા સરવે બાળ॥ મારી બરોબર એ સહુ, આવે નહિ કોઈ કાળ॥
હું મારું કરી માનિયું, જગમાં યત્કિંચિત॥ એહ અહંતા રૂપની, શિષ્ય સુણી લે રીત॥ અહં મમતે રાખ્યાં અતિ, ભરી ભીતર મોઝાર॥ જે જે પદાર્થ જગતમાં, નામ રૂપ ગુણ આકાર॥ છલોછલ શરીરમાં, ભર્યાં એહ ભરપૂર॥ કહો હરિ તે ક્યાં રહે, શિષ્ય સમજ જરૂર॥
દિન બહુથી દાખડો, તેં આદર્યો છે આપ॥ પણ કેમ આવે હરિ તિયાં, તારા ઘરમાં પાપ॥
કાઢ્યાં ન નીસરે કોયથી, એવાં ઘાલ્યાં છે મૂળ॥ કળે બળે જાય કાઢવા તો, સો સો કરે એ શૂળ॥ હરિને દોષ દઈશ મા, શ્રી હરિ છે જો તૈયાર॥ આવી વસે અંતરે, જો હોય નવરું નિરધાર॥
ગોબરવાડે ઘર ભર્યું, ઉકરડો અતિ ગંધ્ય॥ એવું અંતર તાહેરું, કેમ રહે હરિ તેહ મધ્ય॥ અંતર અતિ અશુદ્ધ, વિવિધ ભાતે વિકારે ભર્યું॥ તિયાં રહે કેમ બુદ્ધ, અતિ શુદ્ધ જે શ્રીહરિ॥
પ્રસંગઃ ૫
શિષ્ય કહે એહ સત્ય છે, તમે કહ્યું જેમ છે તેમ॥ વાત ગઈ બહુ બગડી, કહો કરું હવે કેમ॥ ઉપાય એહનો અમને, બતાવિયે વાલમ॥ કહો કેમ એહ નીસરે, તેહની પડાવો ગમ॥ અંતઃકરણ રહે અંતરે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર॥ જક્ત પદાર્થ જે કહ્યાં, તે તો રહે છે બા’ર॥
કેમ આવ્યાં એહ અંતરે, ભરાઈ ગયાં ભીતર॥ નિસાર્યા નીસરે નહિ, કરી રહ્યાં એહ ઘર॥
એની મેળે એહ આવવા, નથી નિશ્ચે સમર્થ॥ આવી સહુ સબળાં થયાં, આદરિયો અનર્થ॥ અણઇચ્છ્યાં એ આવી રહ્યાં, કે લાવિયાં વળી કોય॥ પૂછું છું એહ પ્રશ્નને, સદ્ગુરુ કહેજો સોય॥
સદ્ગુરુ કહે સાચી કહું, તેં પૂછી તેહની વાત॥ શ્રુતિ દઈ સાંભળ્ય હવે, કહું તુંને સાક્ષાત॥ અંતઃકરણની આગળે, પ્રધાન રહે છે પંચ॥ જોઈએ જેવું જે સમે, તેવો સોંપે છે સંચ॥ દિગ વાયુ દિનકર કહું, વરુણ અશ્વિનીકુમાર॥ જડ ચૈતન્ય જે જક્તમાં, તેહ લાવી કરે તૈયાર॥
દિગદ્વાર દોય કાન છે, સમીર દ્વાર સોય ચર્મ॥ અર્ક દ્વાર સો આંખ્ય દો, એહ સમજી લે મર્મ॥
વરુણદ્વાર જાણો જીભને, અશ્વિનીકુમાર દ્વાર નાક॥ વળગ્યા પંચે વો’રવા, ન જુએ પાક નપાક॥ દિગ કાન દ્વારે કરી, વડો કરે વેપાર॥ શબ્દ સર્વે જક્તના, લઈ લઈ ભર્યા ભંડાર॥
નર નારી વૃદ્ધ બાળના, યુવાના શબ્દ જેહ॥ વહોરી વિવિધ ભાતશું, અંતરે ઊતર્યા એહ॥ પશુ પંખી પન્નગના, જડ ચૈતન્યના જેમ॥ નામ રૂપ આકાર ગુણ, વિગતે વહોર્યા એમ॥ સુખદુઃખદાયી શોધીને, રાખ્યા રુદિયા માંય॥ જેમ બોલે તેમ જાણી લિયે, સંશય ન રહે કાંય॥
શત્રુ મિત્ર શબ્દને, સમજે સર્વ સુજાણ॥ ભેળા કર્યા લૈ ભીતરે, ઘટ માંહી ઘમસાણ॥
ઢોલ નગારાં દુંદુભિ, તૂરી શરણાઈ શંખ॥ ઝાંઝ મૃદંગ મંજીરાં, ગોમુખ શીંગી અસંખ્ય॥ સતાર સરોદા સારંગી, સરીમંડળ મોરચંગ॥ ભેર્ય ભૂંગળાં વાંસળી, દોકડ મોવર્ય ઉપંગ॥
ઘડિયાળ ઘંટા ઘૂઘરા, ઝાલર જંતર જેહ॥ વીણા વેતાંન રવાજ ડફ, રણશીંગ તિંદરી તેહ॥ કરણાટક-કમાચા, સ્વર અલગોજા સાર॥ તવલ ત્રાસાં ખંજરી, પડઘમ આદિ અપાર॥ જે જે વાજાં સાંભળ્યાં, તેનો કરી નિરધાર॥ લઈ ઉતાર્યાં અંતરે, નામ રૂપ આકાર॥
ગ્રામ સ્વર તાલ મૂર્છના, તાનતણો નહિ પાર॥ સુણી શીખી સાંભળી, ભર્યાં હૃદય મોઝાર॥
કવિત સવૈયા સાખી છપ્પે, જે જે છંદની જાત॥ દોહા ચોપાઈ સોરઠા, શીખ્યો સહુની વાત॥ પૂર્વછાયા પરજિયા, પૂરા અધૂરા છંદ॥ શબ્દ તણા સમૂહનાં, વસ્યાં અંતરમાં વૃંદ॥
કાવ્ય કથા પુરાણ પદ, શાસ્ત્ર વેદ બહુવિધ॥ એહ ભરાણાં ભીતરે, પેખી દેખ પ્રસિદ્ધ॥ એક પશુમાં અનેક વિધ, અતિ જુદા ઉચ્ચાર॥ રીત જે રવરવ તણી, કે’તાં ન આવે પાર॥ ગજ બાજ ગાય મહિષી, ઊંટ ખૂંટ ખર જંબુ વાઘ॥ શબ્દ શ્વાનના સાંભળી, ન હોય અતિ અનુરાગ॥
રીંછ ભીંછ ને ભૂંડણાં, વ્યાઘ્ર વાનર નોળ॥ શબ્દ સુણી સમજી, રાખ્યા હૃદયે અતોળ॥
રોઝ ગેંડા સેમરાં, સાબર સીંગા સોય॥ રૂપ સહિત રાખ્યાં હૃદે, રહ્યું ન બા’રું કોય॥ એહ આદિ અનંત પશુ, કહેતાં તે નાવે પાર॥ રવરવે જુદાં જાણિયે, નામ ગુણ આકાર॥
કહી કહી કહીએ કેટલા, પશુ શબ્દ પ્રકાર॥ આવી રહ્યા સહું અંતરે, નથી માગ લગાર॥ મોર બપૈયા શુક મેના, શબ્દ એના સુખદેણ॥ કાક કપોત ચીબરી, ઉલૂક શબ્દ દુઃખદેણ॥ સારસ હંસ ષટપદા, રવ એહના રસાળ॥ બક સીંચાણા શકરા, એહ બોલ્યે બહું જંજાળ॥
એહ આદિ અનંત ખગ, બોલે બહુ પ્રકાર॥ શુભાશુભ સ્વર સાંભળી, રાખ્યા હૃદય મોઝાર॥
પંખી બહુ પેરપેરનાં, બોલીમાં બહુ ફેર॥ શબ્દ સમજે સહુના, એહમાં નહિ અંધેર॥ શબ્દ આવે કાનમાં, લાવે રૂપ આકાર॥ તે તે સર્વે સમજીને, ભર્યાં લઈ ભંડાર॥
પગ માંડ્યાની જાયગા, નથી નવરી નેક॥ ત્યાં તેડે છે નાથને, વણ કરે વિવેક॥ શ્રવણ દ્વારે શોધીને, આણ્યા શબ્દ અનંત॥ ઉતાર્યા લૈ અંતરે, સમજે એહ બુદ્ધિવંત॥ એમ વસાવ્યાં અંતરે, જક્ત પદારથ જોર॥ તે જાણે છે તાહેરાં, પણ એ છે ચોખાં ચોર॥
શિષ્ય તું સમજ્યો નહિ, ગયો એળ્યે અવતાર॥ તારું તારા ઉપરે, ચાલ્યું નહિ લગાર॥
ગાફલ તું ઘરઘરના, ઠગી ખાય છે ઠગ॥ કામ પડે કેનાં નહિ, સર્વે સ્વારથ લગ॥ કહિયે શિખામણ કેટલી, હૈયે નહિ ઉકેલ॥ આશા સહી એ અંબુની, ઉન્મત્ત માથે હેલ॥
ઉન્મત્ત નરની સંપત, અવર જનને આવે અરથે॥ પોતે ભોગવે વિપત, બુદ્ધિહીન જે બાવરો બહુ॥
પ્રસંગઃ ૬
શિષ્ય કહે સાચું સહી, મેં સમજાણું નહિ સોય॥ તમે કહ્યે તપાસિયું, મારું ન મળે કોય॥
ઠગઠગ ઠગ એ ફાંસિયાં, શાહા જાણી કર્યો સાથ॥ મોટા રણમાં રોળિયો, માર્યો ગયો અનાથ॥ એહ જેવાં હોય અંગમાં, ઓળખાવો મુને આજ॥ નાથ તમારા હાથમાં, મારી છે ગુરુ લાજ॥
એવું સુણી સદ્ગુરુ બોલિયા, સુણજે શિષ્ય સુધીર॥ ત્વચા દ્વારે વો’રિયા, સ્પર્શ બહુ સમીર॥ સ્પર્શ સુખદ સંસારમાં, દીઠા સુણ્યા સોય॥ પિંડ અંતર સ્પર્શ્યા વિના, મળ્યે મેલ્યા નહિ કોય॥ શીત ઉષ્ણ શરીરશું, પ્રીતે સ્પર્શ્યા જેહ॥ ચર્મ મર્મ ચોખાં કરી, રાખ્યાં હૃદયે તેહ॥
નારી નાના બાળનો, સ્પર્શ તે સુખરૂપ॥ કોમળ કાયા સ્પરશી, અંતર ઉતારી અનૂપ॥
ગાદી તકિયા ગાદલાં, મશરુ કાં મખમલ॥ લાસાં ગાલ-મસુરિયાં, ઓશિસાં અવલ॥ રૂડાં સહુ રેશમી, સુંવાળા સુખદેણ॥ એનો સ્પર્શ પામતાં, કે’વા રે’ કાંયે કેણ॥
સેજ સમારી સુમને, કોમળ કળી ફૂલ॥ સ્પર્શ કર્યો સૂઈને, તે કેમ જાશે ભૂલ॥ મંદ સુગંધ શીતળનો, સ્પર્શ્યો પંડ્યે પવન॥ તેનું સુખ શરીરમાં, વીસરે નહિ કોય દન॥ ચૂવા-ચંદન ચરચી, અત્તર ચોળ્યાં અંગ॥ તેલ ફુલેલ તનમાં, સ્પર્શી પામે ઉમંગ॥
લીસાં સુવાળાં લૂગડાં, ઝીણાં ઘાટાં જેહ॥ જે જે સ્પર્શ્યાં પિંડને, અંતર ઉતાર્યાં એહ॥
અતિ સુવાળાં સાવટુ, તેહ સ્પર્શ્યાં ત્વચાય॥ ભર્યાં છે તેહ ભીતરે, સર્વે હૃદયા માંય॥ વનવેલી પાત પાષાણનો, સ્પર્શ સુખ દુઃખદાઈ॥ ગુણ સહિત ગ્રહણ કરી, રાખ્યાં હૃદયા માંઈ॥
વ્યાળ વીંછી વિષ વહનિ, સ્પર્શે પીડા થાય॥ એહ પણ સર્વે અંતરે, રાખ્યાં સમજી સદાય॥ સ્પર્શ પશુ જાતનો, શુદ્ધ અશુદ્ધ સોય॥ ઓળખી ઉતાર્યો અંગમાં, નિશ્ચે સંશય ન હોય॥ અનેક વિધની ઔષધી, ગુણ જાણે જન જરૂર॥ એક સ્પર્શે આનંદશું, એક પરહરે દૂર॥
જળ ફળ જે જે જગતમાં, સ્પર્શ કર્યો પ્રમાણ॥ એક સ્પર્શે પીડા ટળે, એક સ્પર્શે પ્રાણની હાણ॥
એમ સ્પર્શ સર્વે શોધીને, ઉતાર્યા છે ઉર॥ જડે નહિ જોતાં જાયગા, ભર્યા છે ભરપૂર॥ અવિનાશી રહે એટલો, નથી માગ મગન॥ સોય અગ્ર સૂનું નહિ, સર્વે વસ્યાં સઘન॥ જ્યાં ઢેઢ ઢીમર ઢોલવી, ત્યાં વિપ્ર વસે કોણ વિધ॥ કલાલ કસાઈ કાફરા, પાપી જ્યાં પ્રસિદ્ધ॥
એહવા તારે અંતરે, આવી વસ્યા અઘવંત॥ કહી દેખાડું કેટલાં, કહિયે ન આવે અંત॥
ઇયાં નીરખવા નાથને, શિષ્ય ઇચ્છે છે શું જોય॥ અશુદ્ધ એવા અંતરમાં, હરિનું દર્શન નો’ય॥ ગંધ ગોબરવાડમાં, કાગા કરે કલોલ॥ હંસ તિયાં હીસે નહિ, માને દુઃખ અતોલ॥
જેહ એવાં તેવો તુજ છે, મળ્યો સમ સ્વભાવ॥ અતિશે અવળું થયું, ન કર્યો તોયે અભાવ॥ વણસમજે વિનતિ કરી, અમથો કરે અરદાસ॥ નથી ઉધારો એહનો, પણ તું તારું તપાસ॥ તપાસી ન કર્યો તોલ, અંતરે નિરંતર અવલોકીને॥ ખોયો જન્મ અમૂલ્ય, વણ વિચારે વાત ગઈ॥
પ્રસંગઃ ૭
શિષ્ય કહે સમજ્યો સહી, આજ થકી એહ વાત॥ નેક અતિ નરસું થયું, ઘરને કરી ઉતપાત॥
વાઘ વીંછી વ્યાળને, પાળી કરે કોય પુષ્ટ॥ સુખ સ્વપ્ને આપે નહિ, દુઃખદાયી એહ દુષ્ટ॥ ગમ વિના ફાંસીગરનો, વડો કર્યો વિશ્વાસ॥ ગરીબ થઈ રહી ઘરમાં, નાંખી ગળામાંહી ફાંસ॥
જે જે મારાં વેરવી, પાપી પૂરાં પ્રસિદ્ધ॥ સદ્ગુરુ એ ઓળખાવજો, વેરી સહુ બહુ વિધ॥ સદ્ગુરુ કહે શુદ્ધ શિષ્ય તું, ઓળખ્યો મેં અભિપ્રાય॥ કહેતાં કસર નહિ રહે, જો સમુ તે સમજાય॥ અંતર ચોરી અણુ જેટલી, છાની નહિ રહે છેક॥ દઈશ દેખાડી તુજને, ઓળખાવી એકોએક॥
દિગ વાયુ દેખાડિયાં, તેમ જ સમજે સૂર॥ નેત્ર દ્વારે રૂપને, જોઈ લાવે છે જરૂર॥
બાળ યુવા યુવતી, વૃદ્ધ વનિતા જાણ॥ શ્યામ શ્વેત શરીર શું, પેખી રાખી પરમાણ॥ આભૂષણ અનેક વિધ, ઘણે પ્રકારે ઘાટ॥ કનક રૂપા ત્રાંબા કલી, પીતળ સીસાં પાટ॥
વેઢ વીંટી કુંડળ કડાં, હાંસ હૂલર હાર॥ પોંચી બાજુ બેરખા, કડી વેલ તંગળાકાર॥ તોરા ઉતરી સાંકળી, સુંદર મોતી શિરપેચ॥ કંકણ મુદ્રિકા મેખળા, નૂપુર રૂપદલવિચ॥ કે’તાં પણ કહેવાય નહિ, ઘરેણાં ઘણી જાત॥ રૂપ આકાર હૃદયે, રહે છે દિન ને રાત॥
રાળ રૂપૈયા મો’ર મમુદિ, પૈસા બહુ પ્રકાર॥ એહ સર્વે અંતરે, રહ્યા રૂપ આકાર॥
એહ આદિ અનેકવિધ, ધાતુ ધનનું રૂપ॥ આવી વસ્યું અંતરે, સમજ્યો સુખદ સ્વરૂપ॥ એક લોહમાં લેખું નહિ, એટલાં રૂપ આકાર॥ શસ્ત્ર સર્વ શોધી કહું, તો કહેતાં ન આવે પાર॥
ઠાર લુહાર કૃષીકર, સૈ સંઘાડિયા સોનાર॥ ઉદ્યમ કરે આયુધ વડે, નાઈ જણસાલી કંસાર॥ એનાં આયુધ અનેકવિધ, તે વડે ઘડ્યા જે ઘાટ॥ કહેતાં પણ કહેવાયે નહિ, નથી કહેતા તેહ માટ॥ ધુબાકો ને ધાર અણી, એહ સંબંધી આયુધ॥ લડી મરે સહુ લોકમાં, કરે પરસ્પર યુદ્ધ॥
રોમરોમમાં રમી રહ્યાં, રૂપ એ રગરગ માંય॥ નખશિખા ખાલી નથી, એ વિના અંતર કાંય॥
કાષ્ટ તણાં કહું કેટલા, ઘડી કર્યા જે ઘાટ॥ વા’ણ વહેલ્ય રથ પાલખી, પલંગ પટારા પાટ॥
ગાડાં ઘાંણી ઘોડિયાં, જોડિયાં સાંતી સોય॥ ચિચુ ચારટ ચરખા, રેંટ રેંટિયા હોય॥ મેડી મોહોલ હવેલિયો, તેમાં કર્યાં જે રૂપ॥ એહ ઉતાર્યાં અંતરે, સમજી સુખદ સ્વરૂપ॥
પૃથવીઘાટ બહુ પેખિયે, કર્યાં જેહ કુંભાર॥ નયણે જોઈ નકી કરી, રાખ્યા હૃદય મોઝાર॥ ગોળા ઘડા ગાગરડિયો, હાંડી ઢંકપાત્ર હજાર॥ કૂંડા કૂંડી તાવડી, બરણી બતક અપાર॥ કમંડળ કરવા કોડિયાં, ચપણ ચરૂડા ઈંટ॥ નાળ શરાવા મોભિયાં, રાખ્યાં ઉર જોઈ મીટ॥
એમ ઠાર લુહાર સોનારનાં, કંસાર કુંભાર સલાટ॥ કહ્યા ન જાયે કોયથી, ઘણા ઘડ્યા જે ઘાટ॥
ઝાડ પા’ડ પાષાણ પૃથવી, પુર શહેર નગર નદી કોટ॥ લઈ લઈ ભર્યાં ભીતરે, રાખી નથી કાંયે ખોટ॥ નોર ખરી ને ડાબલો, એહ સંબંધી પશુ જાત॥ રાખ્યાં રૂપ એહ હૃદયે, કહિયે ક્યાં લગી વાત॥
નર નારી નપુંસક, મનુષ્ય ત્રણ પ્રકાર॥ આણી ઉતાર્યાં અંતરે, નામ રૂપ આકાર॥ સિંગ સરાડી પોપટો, એહ સંબંધી જે અન્ન॥ ઓળખી રાખ્યાં એહને, ઝાઝી કરી જતન॥ ઘા વા બોલે ઘસરકે, એહ સંબંધી વાજિંત્ર॥ રૂપ સહિત રૂડી રીતે, એહ રહ્યાં છે અંત્ર॥
પંચરંગી બહુ પે’રનાં, કાપડ કહું છું કોટ॥ નેત્રથી ભીતર ભર્યાં, રાખી નહિ કાંઈ ખોટ॥
જે જે રૂપ જગતમાં, દીઠાં સુણ્યાં સોય॥ એહ રહ્યાં છે અંતરે, નથી તે બા’રુ કોય॥ વારંવાર શું વર્ણવું, ભર્યું ભૂંડાયે ઘર॥ કહી કહી કહિયે કેટલું, કાંઈક વિચાર તું કર॥
અમૂલખ આ મનુષ્યનો, જનમ જાય છે જાણ॥ ગાફલપણે ઘરમાં, થાય છે મોટી હાણ॥ તું માને છે તારા મનમાં, ભારે છું હું ભગત॥ સમજે છે સમજુ આપને, અણસમજુ જાણી જગત॥ સમજાવે છે તું સહુને, છે અંતરે અંધારું ઘોર॥ ઉઘાડી જો તું આંખ્યને, ઘેર્યું ઘર ઘણે ચોર॥
સમજ્યા વિના કાં સૂઈ રહ્યો, ગયો સર્વે માલ॥ લીધું લૂંટી લાંઠિયે, દીધા તે ભૂંડા હાલ॥
ખરી ખાધી તેં ખોટ, શત્રુ મિત્ર સમાન સમજી॥ કહી કહિયે જો કોટ, ગાફલને ગમ ન હોય રતી॥
પ્રસંગઃ ૮
શિષ્ય કે’ સદ્ગુરુ સુણો, ખરી બતાવી ખોટ॥ પર જાણી પોતા તણાં, બાંધી મમતની મોટ॥ દયા કરી દેખાડિયું, અંતરનું અજ્ઞાન॥ શઠપણે સમજ્યો નહિ, જોર થયું જે જ્યાન॥ ત્યારે સદ્ગુરુ બોલિયા, સાંભળ શ્રદ્ધાવાન॥ વેરી બતાવું તાહેરાં, જે નરસાં છે નિદાન॥
દિગ વાયુ સૂર કહ્યા, તેવો જ વરુણ વખાણ॥ રસના દ્વારે રહીને, લાવે રસ નિરવાણ॥
ખાટા ખારા તમતમા, તીખા ગળ્યા ચીગઠ॥ જીહ્વાએ જૂજવા જોઈને, શોધી લાવ્યો શઠ॥ પેંડા પતાસાં પૂરીઓ, શીરો સાબુડી સોય॥ શકરપારા સૂતરફેણી, સેવ સુંવાળી જોય॥
બરફી બિરંજ કળિ ગાંઠિયા, ઘેબર ગુંદરપાક॥ મગદળ મુરકી માલપુડા, મેસુબ સુંદર શાક॥ ખીર ખાજાં રોટલી, સાટા જલેબી જાણ॥ હલવો લાડુ લાપસી, બાસુંદિયો વખાણ॥ ફાફડા ફૂલવડી, ભજિયાં તે બહુ ભાત॥ પુડા પકોડી કઢી વઢી, દૈથરાં વડાં વડી વાત॥
જાણી જિહ્વાએ જૂજવી, સ્વાદ સર્વની રીત॥ આણી ઉતારી અંતરે, અતિ ઘણી અગણિત॥
શાક બહુ સોયામણાં, ભાજી તરકારી તેહ॥ વઘારી વિધવિધની, સુખદ જમતાં જેહ॥ ફળ દળ મૂળ કંદનો, જાણી જૂજવો રસ॥ જીભે ઉતાર્યો અંતરે, ઓળખી લે તું અવશ્ય॥
જે જે રસ આ જગતમાં, ભર્યા સભર ભરપૂર॥ તે તે રસ જીભે કરી, આણી ઉતાર્યા ઉર॥ એક વાર આહાર જે જે કર્યો, ભર્યો રસે ભરપૂર॥ તેને પાછો પામવા, કરે જતન જરૂર॥ વિસાર્યા વીસરે નહિ, જે રહ્યા હૃદયમાં રસ॥ સૂતાં બેઠાં સાંભરે, ખટકે રાત દિવસ॥
ભાંણે ટાંણે જો ન મળે, તો બળે અંતર બહુ રીત॥ ઘાયલ થઈ ઘૂમે ઘણું, એવી બંધાણી પ્રીત॥
સાલે ઘણા શરીરમાં, સ્વાદ તણા બહુ સાલ॥ દિન દિન પ્રત્યે દીન રહે, કરી મૂક્યો કંગાલ॥ એમ રસ અનેક વિધ, ભરાઈ રહ્યા ભીતર॥ ખસે ન કોઈના ખેસવ્યા, કરી રહ્યા એહ ઘર॥
પશુ પંખી પન્નગ લગે, નર નારી હેરાણ॥ દેવ દાનવ દેખિયે, સહુ રસના વેચાણ॥ નથી નજરે આવતા, રસનાના રસે રહિત॥ જિહ્વાએ સહુને જીતિયા, રહી રસના અજિત॥ એમ રીત છે રસની, સમજી લેજે સોય॥ જેને રસે ન રોળિયો, એવો ન દીઠો કોય॥
એમ તાહેરે અંતરે, સ્વાદ તણું છે સેન॥ તિયાં દયાળ દેખ્યા તણું, વારુ મ કર્ય તું વેન॥ શિષ્ય તું સમર્થ નહિ, જે કર તું એહનો ત્યાગ॥ વિગતે વિગતે વસી રહ્યાં, જરાય ન રહી જાગ॥
કિયાં આવી હરિ રહે, કિયાં રહી કરિયે વાત॥ અનાડી એહ અતિ ઘણાં, કરે મોટો ઉતપાત॥ અતિ કર્યો ઉતપાત, વાત હાથથી વહી ગઈ॥ દગો દિવસ ને રાત, અતિ આદરી બેઠાં સઈ॥
પ્રસંગઃ ૯
શિષ્ય કહે ખૂની ખરાં, મહાદુષ્ટ દુઃખ દેનાર॥ નકી કાઢ્યાં ન નીસરે, કરું હું કોણ વિચાર॥
જૈયે તમે જણાવિયાં, તૈયે કર્યો તપાસ॥ રૈયત તે રાજા થઈ, રાજા તે થયો દાસ॥ ભરાડી ભેળા થયા, તન માંહિ તસ્કર॥ માલ મળ્યે મૂકે નહિ, લૂંટેરુ લશ્કર॥
એને ભરોંસે ભવ ગયો, કર્યો ન કોય વિચાર॥ હજી છે કોય હરામના, ગુરુ કહો નિરધાર॥ વળતા સદ્ગુરુ બોલિયા, હજી અરિ છે એક॥ સચેત થઈ તું સાંભળે, કહું કરી વિવેક॥ અશ્વિનીકુમાર આવીને, ઘણો લિયે છે ગંધ॥ તે ઉતારે અંતરે, બહુવિધ કરવા બંધ॥
સુગંધ દુર્ગંધ દો કહિયે, નાકે સૂંઘી સોય॥ ઉતારી અંતરમાં, શુભ અશુભ દોય॥
ચૂવા ચંદન સુગંધી, સુગંધી અત્તર ધૂપેલ॥ કર્પૂર અગર સુગંધી, સુગંધી તેલ ફુલેલ॥ અર્ધવાસ નાસા લિયે, નિત્યનિત્ય એહ અનૂપ॥ આણી મેલી અંતરે, સમજી સુખદ સ્વરૂપ॥
ફૂલ તણી ફોર અતિ, જાણી જૂજવી જેહ॥ ભરી સુગંધી ભીતરે, તોળી તપાસી તેહ॥ ચંપા ચંબેલી જૂઈ જૂથિકા, ગેહેરી ગુલાબી વાસ॥ ડોલરિયે દિશે ઘણી, પાનડી પરિમલ પ્રકાશ॥ ગુલલાલા ગુલસોમના, ગુલદાવદી જે ફૂલ॥ નરમાલિની નાસિકા, લીયે વાસ અમૂલ॥
કમળ કેવડા કેતકી, પારિજાતક પીઆવાસ॥ મરુવા સુગંધી મોગરા, પરિમલ કરે પ્રકાશ॥
સુગંધી સહુ શોધીને, ઉતારી લઈ ઉર॥ ભરી છે તે ભીતરે, નથી રાખી કોઈ દૂર॥ અતિ સડેલો ઊંટિયો, કરક નરક વળી કુંડ॥ આવે દેખી ઉબકો, ભાળે જ્યારે એહ ભૂંડ॥
બહુ દુઃખદાયક દુર્ગંધી, નાકે જે ન સે’વાય॥ તે પણ રહી તનમાં, દુરગંધી દલમાંય॥ પશુ પંખી પન્નગની, નર નારીની નેક॥ બોલી ખોળી બહુવિધે, રાખી એકોએક॥ ગંધ સુગંધ ગણતાં, કેદિયે ન આવે પાર॥ ઘાલી છે તે ઘટમાં, લઈ લઈ નાસા દ્વાર॥
એમ સભર ભરાઈ રહ્યાં, શબ્દ સ્પર્શ રૂપ રસ॥ ગંધ સુગંધી ઘરમાં, રહ્યાં વસી એકરસ॥
કહ્યાં એહ તે કુસંગી, સતસંગી નહિ સોય॥ ના’વે કેના નોરમાં, કરે ન કબજે કોય॥
સહુ જાણે સત્સંગી થયા, ન રહ્યા કુસંગી કોય॥ ફોગટ ફૂલ્યે ફૂલિયા, દેખ્યું નહિ દિલમાંય॥ કામ ક્રોધ મદ લોભનું, મોહ માન મમતા મૂળ॥ પંચ વિષયથી પ્રગટે, સહુ જનને બહુ શૂળ॥
સત્વ રજ તમ કહિયે, એ તો છે મહેમાન॥ આવ્યા ગયા એ રહે, ન રહે નકી નિદાન॥ હરખ શોક હાણ વૃદ્ધિ, તારું મારું તેહ॥ પંચ વિષયથી પેખિયે, જીત્યા હાર્યા જેહ॥ સુખી દુઃખી સંસારમાં, પંચ વિષયથી પ્રમાણ॥ પેખી પર પોતા તણું, રહી છે ખેંચાતાણ॥
પ્રતીતિ પરલોકની, મહા નીચને નોય॥ સંકલ્પ સુખ થાવા તણો, કરે નહિ એહ કોય॥
કીર્તિ સુણવા કાનમાં, અતિ ઘણો ઉત્સાહ॥ સ્પર્શ લેવા શરીરમાં, ચિત્તમાં બહુબહુ ચાહ॥ રૂપ જોવા નયનને, રસ લેવા રસનાયે॥ સુગંધી લેવા નાકને, નથી આળસ કાંયે॥
શિષ્ય જો જુગતે કરી, એહ ખળની ખળાઈ॥ નવે એ નરસાં નીસર્યાં, દેખી જો દિલ માંઈ॥ એટલા સારુ નાથને, આવતાં અગમ થાય॥ તું તો તલખે તેડવા, શિષ્ય સમજ્યા વિનાય॥ નાથે તિયાં ન અવાય, વરતે વિક્ષેપ જિયાં વળી॥ તે તપાસ્ય તું તનમાંય, નેન રજ નવ રાખે રંચે॥
પ્રસંગઃ ૧૦
શિષ્ય નમાવી શીશને, અરજી કરે છે એમ॥ એહ કુપાત્ર કાઢવા, કરું ઉપાય હું કેમ?॥
સદ્ગુરુ કહે શ્રદ્ધાવાન, જેહ પામે પંચ નિદાન॥ વૈરાગ્ય સ્નેહ નિયમ જેહ, સતસંગ આત્મજ્ઞાન॥ એહ પંચને પ્રીછવી, કહું જૂજવાં જાણ॥ જેહ પામતાં પ્રાણીને, થાય વિષયની હાણ॥
તે તો તીવ્ર વૈરાગ્યનો, લાગે જેને વેગ॥ તે પંચ વિષયનો પંડમાં, ભળવા ન દિયે ભેગ॥ કાં તો સનેહ શ્યામશું, હોય અતિ ઘણો અપાર॥ અંગે તેને આવે નહિ, પંચ વિષય વિકાર॥ એવાં ઝાઝાં જક્તમાં, ન હોય નર ને નાર॥ પંચ વિષયના સુખને, અંગે ગણે અંગાર॥
માટે નિયમ નકી કરી, રાખે રુદિયા માંય॥ પંચ વિષયનું પંડમાં, રહે ન કિલ્બિષ કાંય॥
નિર્વેદ સ્નેહ નિયમનું, કારણ સંતનો સંગ॥ એથી જ્ઞાન ઉપજે, તો પણ થાય વિષયનો ભંગ॥ પ્રથમ વાત વૈરાગ્યની, સુણી લીજે સોય॥ પછી કહું હું પ્રીતિની, છેલી નિ’મની તોય॥
વિષલાડુ વિષ પાનશું, તરત તનનો નાશ॥ કહો સુખ કેમ ઉપજે, નાગ વ્યાઘ્ર સંગ વાસ॥ જેમ ખેરી વેરી ખાટકી, સફરી પર સીંચાણ॥ તેતર પર બાજ ફરે, તે લીધા કાં લેશે પ્રાણ॥ જેમ આખુ અહિ આગે રહે, ખીલી બિલીને પાસ॥ માંખી માંકડી આગળ્યે, નહિ ઉગર્યાની આશ॥
એક ચ્યે રચે રયા, એક ખોદે છે ઘોર॥ બળતા ગડતા દેખીને, રહે ઉદાસ નિશભોર॥
મુવા મુવા ખાધા ખરા, કેડે પડિયો કાળ॥ નાવે અમર નયણે, સ્વર્ગ મૃત્યુ પાતાળ॥ એહમાં હું પણ આવિયો, છઉં ઘડીક તાળ॥ તે પંચ વિષય પેખે નહિ, દેખે નજરે કાળ॥
એહવું જેને અંતરે, વરતે છે અહોનિશ॥ તેહને પંચ વિષયની, રહે નહિ ગંધ લેશ॥ કાં તો એવા વૈરાગ્યને, પામે કોઈ પુણ્યવાન॥ નહિ તો સનેહ શ્યામશું, કરે નકી નિદાન॥ સ્નેહમાં શુધ વીસરે, રહે નહિ તન ભાન॥ ઉન્મત્તવત અંગે ફરે, ભૂલે ભોજન પાન॥
દગે કરી દેખે નહિ, પર પોતાનું પંડ॥ રહે ઘણું ઘનશ્યામનું, આંખ્યે રૂપ અખંડ॥
શ્રવણશું સુણે નહિ, પર પોતાની વાત॥ શ્રોત્રે શ્રીઘનશ્યામના, રહ્યા શબ્દ સાક્ષાત॥ જીભેશું જાણે નહિ, બહુ બોલ્યાની રીત॥ બોલે તો સહુ કે’ બાવરો, જેને પ્રભુશું પ્રીત॥ એમ સરવે અંગની, શુધ ભૂલે સનેહ॥ કરતાં પ્રીત હરિકૃષ્ણશું, દેખે નહિ નિજદેહ॥
જેમ ગોપી ગોરસ વેચતાં, ભૂલી ગઈ તનભાન॥ મહી વેચવું કે’વું મૂકિયું, કહ્યું લિયો બાઈ કોઈ કાન॥
એવા સનેહી સંતને, પીડે ન પંચવિષય॥ જોતાં ન દેખે જગતને, દેખે શ્યામ સનેહ॥ એ વૈરાગ્ય સ્નેહની વિગતી, નકી કહી નિદાન॥ નિશ્ચે કહું હવે નિ’મને, તે પણ સાંભળ્ય કાન॥
કાને હરિકથા વિના, બીજી ઇચ્છે સુણવા વાત॥ તે દી અન્નને ત્યાગવું, એક દિવસ એક રાત॥ સ્પર્શ સુખદ શ્યામનો, સંતનો સુખદેણ॥ ત્વચા ઇચ્છે જો તે વિના, તો તજે અન્ન દિનરેણ॥ હરિ હરિની મૂરતિ, સંતરૂપ સુખદાય॥ તે વિના ઇચ્છે આંખ્ય જો, તો એક દિન અન્ન ન ખાય॥
પ્રસાદી પ્રભુ તણી, એ રસ રાખે આશ॥ સંત ઘટિત વિના રસના, ઇચ્છે તો એક ઉપવાસ॥
હાર સુગંધી હરિસંબંધી, સંત સંબંધી સોય॥ તે વિના ચાહે નાસિકા, તો એક ઉપોષણ હોય॥ મન મૂકી હરિ મૂરતિ, અન્ય સંકલ્પ કરે ચિત્ત॥ તો કરે ઉપોષણ એક દી’, ત્યારે હોય પુનિત॥
મેલી પ્રભુની મૂરતિ, અન્ય નિશ્ચય કરે કોઈ બુધ॥ તો અન્ન ન ખાય એક દિન, ત્યારે થાયે શુદ્ધ॥ મૂરતિ મૂકી મહારાજની, ચિત્ત કરે અન્ય ચિંતન॥ તો તેનો દોષ નિવારવા, ન જમે અન્ન એક દિન॥ હરિ મારા હું હરિ તણો, અહંકાર ન કરે જો એમ॥ એક દિવસ અન્નને, કહો જમે તે કેમ॥
વૈરાગ્ય સ્નેહ નિ’મની, કહી સુણાવી વાત॥ સંત સમાગમ જ્ઞાનની, કહું હવે સાક્ષાત॥
ત્રિશે લક્ષણ તનમાં, પ્રગટ પ્રભુના દાસ॥ એવા સંતના સંગથી, થાય વિષયનો નાશ॥ આત્મા અનાત્મા ઓળખી, ચોખો કરે વિભાગ॥ એવું જ્ઞાન જો ઉપજે, તો થાય વિષયનો ત્યાગ॥
નવે આવે એમ નિ’મમાં, એમ રહે કહું રૂડી રીત॥ સ્નેહ ત્રોડે શરીરશું, જોડે પ્રભુશું પ્રીત॥ શિષ્ય જે જે મેં કહ્યું, તેનો કરી તપાસ॥ નોકર ન રહિયે નવના, થાયે હરિના દાસ॥ એ નવે કાપ્યાં નાકને, નર નિર્જરનાં નિદાન॥ કહો શોભા શી રહી, ગયાં નાક ને કાન॥
કામ ક્રોધ મદ લોભ મોહ, તેણે ચઢાવ્યાં ચાક॥ એહને વશ જે જે થયાં, રહ્યાં કહો ક્યાં નાક॥
નાક વિનાનાં નકટાં, જો જાય પ્રભુની પાસ॥ જોઈ મુખ એ જનનું, હરિ થાય ઉદાસ॥ બૂચ્ચાં નકટાં બહુ મળી, કેનીક જાનમાં જાય॥ ખોટ મોટી એ વરને, નકટાંને નહિ કાંય॥
ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં, એથી મોટા નહિ કોય॥ આવી ખોટ જે અંગમાં, તે કહે છે સહુ કોય॥ પરાશર એકલશૃંગી, નારદ સૌભરી સુજાણ॥ આવી ખોટ જે એહને, તે કહે છે શાસ્ત્ર પુરાણ॥ માટે મેં તુજને કહ્યું, જાણે શિષ્ય જરૂર॥ કાઢ કસર તું એટલી, તો નથી નારાયણ દૂર॥
દૂર મ જાણે દયાળ, શ્રીઘનશ્યામ સમીપે રહે॥ તે દેખે તું તત્કાળ, અંતર ખોટ જો અળગી કરે॥
પ્રસંગઃ ૧૧
શિષ્ય કહે કર જોડીને, સુણિયે મારા નાથ॥ એ છે કામ માહેરું, કે કાંઈ છે હરિને હાથ॥
પડતી રાત પ્રભાત લગી, કોય ઉલેચે અંધાર॥ ઊગ્યા દિન વિન તમનો, કહો કેમ આવે પાર॥ જેમ આકાશે ઉડુ અતિ, કરે જામનીયે જ્યોત॥ દિનમાં એક દિસે નહિ, એ પ્રતાપ અર્ક ઉદ્યોત
નિશાચર નરસાં અતિ, દિયે રાતમાં દુઃખ॥ પણ જ્યારે રવિ પ્રગટે, ત્યારે શાહાને સુખ॥ માટે કહું સદ્ગુરુ સુણો, જોઈ એ પ્રભુનું જોર॥ એકલે મારે આદરે, નહિ ભાગે એહ ચોર॥ સદ્ગુરુ કહે એહ આગળે, નથી બીજાનું બળ॥ પ્રભુના પ્રતાપથી, સંત કાઢે કરી કળ॥
જગતમાં જે જીવ છે, અજ્ઞાની અપાર॥ તે શું વાત તપાસશે, જે વિષય વશ નરનાર॥
નથી એહને અંતરે, ખોટ્ય ખાટ્ય ખબર॥ પશુવત પાળે પિંડને, એવાં ઘણાં ઘરઘર॥ પણ જેને શરણ જગદીશનું, તેને કરવો તોલ ॥ જક્ત જાશે જમપુરીયે, ભક્ત જાશે બ્રહ્મમોલ॥
એ મોટી કમાણી માનીને, કરજો આગ્રહ કોય॥ દેખી તેનો દાખડો, સા’ય કરે હરિ સોય॥ રાતદિન હૃદયમાંઈ, લિયે એશું લડાઈ॥ સુખ-દુઃખ પડે શરીરને, કદીયે ન જાયે કાંઈ॥ સંકલ્પ એક શમાવતાં, ઊઠે બીજા અનંત॥ જુગતી કરી જીતી લિયે, સાચા કહિયે તે સંત॥
આવે અતિ કોઈ આકરો, જીત્યો પણ નવ જાય॥ જોઈ તેના જોરને, કાયર કેદી ન થાય॥
હૈયામાં હિંમત ઘણી, પાછા ન ભરે પગ॥ પ્રમાદપણું પરહરી, મંડ્યો રહે તે મૂવા લગ॥ ન દિયે દોષ નાથને, ખોળે પોતાની ખોટ॥ સતસંગી સાધુ તણી, મુખે કહે બહુ મોટ॥
જગજીવન તેને જોઈને, કરે કૃપાની દૃષ્ટ॥ પાપી એના પંડથી, ભાગી જાય તે ભ્રષ્ટ॥ જેમ સોએ તસ્કર સામટા, તાક્યા હોય તૈયાર॥ ધણી જાગ્યે ભાગે ભલા, વળી ન કરે કોય વાર॥ એમ પ્રભુના પ્રતાપથી, ભાગે છે એહ ભૂર॥ રજનીતમ કેમ રહે, જ્યારે ઊગે સૂર॥
એમ સાચા સંતની, સા’ય કરે ઘનશ્યામ॥ મદત ન મેલે મહાપ્રભુ, જોઈ જન નિષ્કામ॥
સુખ તજી શરીરનું, આદરિયું એહ કાજ॥ તેની હરિ રાખશે, જરૂર જાણો લાજ॥ ધ્રુવ પ્રહ્લાદ અંબરીષનો, રાખ્યો આગે રંગ॥ તેમ તેનો રાખશે, સાચો જોઈ સત્સંગ॥
કસર કોઈ જાતની, જ્યારે દેખે નહિ દયાળ॥ ત્યારે તેહ ભક્તની, પ્રભુ કરશે પ્રતિપાળ॥ ખરી હિંમત કરી ખેચરી, કર્યું સિંધુશું વેર॥ ત્યારે તેની ઉપરે, થઈ મોટાની મે’ર॥ માટે સાચો થઈ મંડે, રાજી કરવા રામ॥ તેને કેમ તરછોડશે, સુખદાયી ઘનશ્યામ॥
સાચા માથે શ્યામળો, રાજી છે રણછોડ॥ કાને ન સુણે કપટીનું, મર કરે સ્તુતિ ક્રોડ॥
બા’રે બીજું દેખાડવું, કરવું બીજું કામ॥ એવા કપટી ભક્તનું, નાથ ન પૂછે નામ॥ વેષ બનાવી સંતનો, રાખ્યો વિષયશું નેહ॥ ભજન તેનું ભીતરમાં, કહિયે જો કપટી તેહ॥
પંચ વિષય વશ થઈ રહ્યો, તેશું જ લાગ્યું તાન॥ કપટી તેને કારણે, ભજે છે ભગવાન॥ ધારી માળા તિલકને, સાધુ કહેવાણો સોય॥ અંતરમાં અસાધુતા, કાઢી ન શક્યો કોય॥ એવા કપટી જનની, શ્રીહરિ ન કરે સા’ય॥ સાચા સંતની શ્યામળો, આવી ગ્રહે છે બાંય॥
બાંય ગ્રહે બળવીર, તેહ ન મૂકે મહારાજ કદિ॥ એમ સમજી શિષ્ય સુધીર, કર આદર આગ્રહશું અતિ॥
પ્રસંગઃ ૧૨
શિષ્ય કહે જે સદ્ગુરુ કહ્યું, તે સર્વ સુણ્યું સુખધામ॥ પણ અંતર ઘાટ શમ્યા વિના, કેમ મનાય પૂરણકામ॥ ભજન સ્મરણ ધ્યાનમાં, એ આવે આડાં ઉ૨॥ તેણે કરીને તનમાં, ઝાંખ્યપ રહે જરૂર॥
કેટલાક ઘાટ કે’વાય છે, કેટલાક તો ન કે’વાય॥ ખરખરો એ ખોટનો, અંતરમાં અતિ થાય॥ ભક્ત થયા ભગવાનના, અને લિયે સંકલ્પ લાજ॥ એહ વાતની ઉરમાં, મોટી ખોટ ગુરુરાજ॥ અયોગ્ય સંકલ્પ ઊપજી, વરતે જો પળવાર॥ સુખ રહે કેમ તે સંતને, માને મને ધિક્કાર॥
સંકલ્પ સાચા સાધુને, અયોગ્ય થાય જો એક॥ દિલ દેહે દાઝે ઘણું, ન રહે સુખ તે નેક॥
તેને ઠેકાણું ઠરવા, બતાવિયે ગુરુ ધીર॥ જેણે કરી અતિ ઉરમાં, શાંતિ રહે સુખ શિર॥ અંડજ ઉદ્ભિજ જે કહીએ, સ્વેદજ જરાયુજ ખાણ॥ એમાં સહુ જન્મે મરે, એમ કે’ છે વેદ પુરાણ॥
પણ સંકલ્પના શરીરનો, ન કર્યો કોણે નિરધાર॥ ક્ષણ ક્ષણમાં જનમે મરે, તેનો નાવે પાર॥ જે જે સંકલ્પ ઉપજે, તે તે ધરાવે તન॥ એમ સમજી સંત સહુ, અતિ કંપે છે મન॥ પળપળમાં પિંડ ધારવાં, અશુભ શુભ અગણિત॥ તેની દાઝ તનમાં, કહો મટે કોણ રીત॥
સંકલ્પના શરીરનો, કે’તાં નાવે પાર॥ બીજા ચોરાશી બા’રની, સૌ જાણે છે નરનાર॥
માટે એ કેમ મટે, અંતર ઘાટ અજોગ॥ સંકલ્પ શમતાં સહુ શમે, જન્મમરણ ભવરોગ॥ સદ્ગુરુ કહે સુણ શિષ્ય તું, સાચું કહું સુજાણ॥ ઉત્તર આપું એહનો, પૂછ્યું પ્રશ્ન પ્રમાણ॥
જે જે ઉર ઘાટ ઉપજે, જે સમે જેહ કાજ॥ તે સમે સંભારવા, મનમોહન મહારાજ॥ જેમ સતયુગ ત્રેતા દ્વાપરે, ફરતું સુદર્શન॥ દાસનાં દુઃખ ટાળવા, ભય ભંજન ભગવન॥ તેમ આજ પ્રભુની મૂરતિ, સુદર્શન સમાન॥ અંતરશત્રુ સંતના, નાશ કરે નિદાન॥
ઊઠે ઘાટ જ્યાં ઉરમાં, તિયાં સંભારે શ્યામ॥ મૂર્તિ સંકલ્પ માત્રનું, તર્ત ટાળે ઠામ॥
જન જાચે જન્મોજન્મ, ભક્તિ દ્યો ભગવાન॥ તે જનમ બીજો નહિ, સંકલ્પ દેહ સમાન॥ હોય નહિ હરિજનને, ઉદર માને અવતાર॥ પણ ઘટ બંધાવા ઘાટનું, નવ દેવું નિરધાર॥
શિષ્ય કહે જન્મમરણનું, કારણ એહ કે’વાય॥ સંકલ્પ ત્યાં સાચું સહુ, સંકલ્પ સમે સમાય॥
તે તો પ્રભુ પ્રતાપથી, આવે ઉદ્ભવ અંત॥ અવર બીજા ઉપાયથી, સુખી ન હોયે સંત॥ માટે કૃપા કરી હરિ, સમાવે સંકલ્પ॥ સુખે ભજીયે શ્યામને, ન પડે કોયનો ખપ॥
જનનું જોર કેટલું, નિર્બળ નર કે’વાય॥ હરિ ધારે હૈયે એટલું, તો વાર ન લાગે કાંય॥ સદ્ગુરુ કહે એહ રીત નહિ, જે અંતર કરે ઉચ્છેદ॥ અંતર ત્યાં એહ પણ ખરાં, ઘાટઘાટના ભેદ॥ જ્યારે અંતર ઓગળી, વળી ટળી જાય છેક॥ ત્યારે તેહ જનને, ઉત્થાન ન રહે એક॥
ત્યારે તેહ જનને, ન રહે શરીર સંભાળ॥ દેહભાન ભૂલ્યા પછી, રહે ન તન બહુકાળ॥
વળી જ્યારે જે જે જનને, હરિ કરી દે એમ॥ ત્યારે બીજા જનનો, કઢાય વાંક કો’ કેમ॥ ભક્તિ તૈયે ભગવાનની, એથી ન થઈ અણુભાર॥ સોંપ્યું કામ જ્યારે શ્યામને, ત્યારે નીસર્યો નર નાદાર॥
ભક્ત ભક્તિ ભજાવવા, કરે ઉદ્યમ અપાર॥ જોઈ જનનો દાખડો, શ્રીહરિ કરે છે સાર॥ ભક્તનું કામ ભક્ત કરે, ભગવાનનું ભગવાન॥ અવળું સવળું સોંપવું, એહ મોટું અજ્ઞાન॥ માટે હરિબળ હૈયે ધરી, કરિયે અતિ આખેપ॥ પ્રભુના પ્રતાપથી, આવી જાય જો ઠેપ॥
મોરે મુક્ત જે જે થયા, તેણે કરી તપાસ॥ અંતરના અરિ જીતવા, વનમાં જૈ કર્યો વાસ॥
શબ્દ સ્પર્શ રૂપ રસ, સારો ગંધ સુગંધ॥ દુઃખદાઈ દેખી દિલે, તજ્યો તેનો સંબંધ॥ એણે એમ કહ્યું નહિ, જે કરશે મહાપ્રભુ મે’ર॥ અંતરશત્રુ જીતશું, સુખે બેઠાં ઘેર॥
માટે કે’દી દેવો નહિ, દીનબંધુને દોષ॥ એવું મુખે જે ઉચ્ચરે, તે પર કરે હરિ રોષ॥ કે’ એને અનુપ મેં આપિયો, મોંઘો મનુષ્યનો દેહ॥ તોયે વાંક અમ તણો, કાઢે કૃતઘ્ની એહ॥ નરતન પામી નવ કર્યો, ઉરમાં એમ વિચાર॥ પૂરણ કૃપા કરી હરિ, આપ્યો અમૂલ્ય અવતાર॥
અંતરશત્રુ જીતવા, સારો દીધો સમાજ॥ ભવજળ પાર ઉતરવા, નરતન ઉત્તમ જા’જ॥
તે આપ્યું અવિનાશિયે, દયા કરીને દયાળ॥ હવે હું આળસ કરું, તો રહે ખોટ્ય બહુ કાળ॥ એમ સમજે તે સંત છે, હરિભક્ત કહિયે હરિદાસ॥ ગુણ ગણે ગોવિંદમાં, અવગુણ પોતા પાસ॥
ભૂલ્યે પણ ભાખે નહિ, વૈખરિયે એહ વેણ॥ મારું દુઃખ મટ્યું નહિ, શ્યામ કા’વે સુખદેણ॥ દાસનાં દુઃખ કાપવા, ત્રિકમ રે’ છે તૈયાર॥ મારું દરદ મટ્યું નહિ, કરું કિયાં પોકાર॥ એમ બોલે અભાગિયો, દઈ હરિને દોષ॥ મિથ્યા વાંક મહારાજનો, કાઢી કરે અપસોસ॥
એવા ભક્ત બહુ જક્તમાં, તે પર કરે હરિ રીસ॥ માટે દોષ ન દેવો નાથને, સદ્ગુરુ કહે સુણ શિષ્ય॥
એમ ન કરે અપસોસ, રાતદિવસ રુદિયા વિષે॥ દૈયે હરિને દોષ, રોષ કરી રીસે નહિ॥
પ્રસંગઃ ૧૩
શિષ્ય કહે સદ્ગુરુ સુણો, કહી કૃપા કરી વાત॥ જે જે મેં પૂછિયું, તે કહ્યું તમે બહુ ભાત॥ શત્રુ સર્વે શોધીને, દેખાડ્યા દગાદાર॥ દીપક દીધો હાથમાં, અળગું કર્યું અંધાર॥ કોટી કોટી કૃપા કરી, ખોટ દેખાડી ખોળ્ય॥ અણસમજે લઈ એકઠી, ભેળી કરી’તી ભોળ્ય॥
તે જેમ છે તેમ જણાવિયું, અજાણ્યું ન રહ્યું એક॥ હવે હું ચેતું નહીં, તો એ મારો અવિવેક॥
અણસમજુને એટલી, આપે શિખામણ કોણ॥ પરમ હેતુ છો માહેરા, તે જોયું સહુ મેં જોણ॥ વળી પૂછું એક વારતા, દોય હરિના દાસ॥ એક દેખે હૈયે હરિ મૂરતિ, અને એકને બહુ વિશ્વાસ॥
એહ બેઉ બરોબરી, પામે પ્રાપતિ એક॥ કે ફેર છે કાંઈ ફળમાં, એ સદ્ગુરુ કહો વિવેક॥ ત્યારે સદ્ગુરુ બોલિયા, સાંભળ્ય શિષ્ય સુજાણ॥ જેને ભરોંસો ભગવાનનો, તેનું એ પરમ કલ્યાણ॥ જેમ પારસના સ્પર્શથી, લોહપણું ન રહે લગાર॥ તેમ પ્રભુ સ્પર્શ પ્રતાપથી, વામે સર્વ વિકાર॥
જડ માંહી પણ જાણવો, એટલો ચમતકાર॥ ચૈતન્યઘનમય મૂરતિ, તે મળતાં સુખ અપાર॥
માટે ન્યૂન ન માનવું, રે’વું આનંદમાં અભિરામ॥ જેને મળ્યા પ્રગટ પ્રભુ, તે સહુ છે પૂરણકામ॥ હવે જેને ઉર અખંડ રહે, હરિમૂર્તિ હૈયા મોઝાર॥ તેની વાત વર્ણવી, કહું હૃદયમાં ધાર॥
જેમ પામે કોય ચિંતામણિ, તે જે ચિંતવે તે થાય॥ તેમ જેને ઉર મૂરતિ રહે, તે દેખે જે જે ચા’ય॥ તે ઇચ્છે જો અમરાવતી, કે ઇચ્છે જો કૈલાસ॥ બ્રહ્મલોક ઇચ્છે વૈકુંઠને, તો દેખે સમીપે દાસ॥ શ્વેતદ્વીપ ગોલોકને, ઇચ્છે જો અક્ષરધામ॥ દેખી દૃગે પોતા તણે, માને પૂરણકામ॥
વળી રે’વાસી એ ધામના, તેહને દેખે તેહ॥ અગમ ન રહે એહને, જુવે ચિંતવી જેહ॥
જો જોવા ઇચ્છે મુક્તને, તો દેખે મુક્તમંડળ॥ સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, ન રહે કોઈ અકળ॥ જો ઇચ્છે જોવા અવતારને, દશ ચોવીસ અનંત॥ તો નીરખે સહુને નજરે, આવે સુખ અત્યંત॥
એમ એને અંતરે, વરતે સુખ અપાર॥ તે પ્રતાપ પ્રગટ પ્રભુનો, જન જાણે નિરધાર॥ મોટો પ્રતાપ મહારાજનો, જીભે કહ્યો ન જાય॥ અસામર્થી એમાં નથી, જેહ ધારે તેહ થાય॥ પણ જેમ જેને રાખ્યું ઘટે, તેહને રાખે તેમ॥ માટે સુખદ સહુના, કહિયે દુઃખદ કેમ॥
એમ જાણી જન મનમાં, રાખે વડો વિશ્વાસ॥ મેલી ગમતું મનનું, થઈ રહે હરિદાસ॥ વૈદ્ય જેમ બહુ વિધિયે, આપે ઔષધ અનેક॥ સહુ રોગીને સરખું, ઔષધ ન હોય એક॥ સમાધિ સખા સ્નેહનું, દાસ વિશ્વાસનું અંગ॥ માહાત્મ્ય મિત્ર વચન વળી, ભક્ત ભજન અભંગ॥
એ સર્વે અંગ શિરોમણિ, પામે પદ નિરવાણ॥ અધિક ન્યૂન એમાં નહિ, સમજી લે તું સુજાણ॥
પ્રગટ પ્રભુ મળ્યા પછી, ઓછપ ન માનવી અંગ॥ સહુ સરખું પામશે, અખંડ સુખ અભંગ॥ શિષ્ય જે જે તેં પૂછિયું, તે કહ્યું કરી વિસ્તાર॥ હજી હોય કાંઈ પૂછવું, તો પૂછ સુખે કરી પ્યાર॥
પૂછ કરી બહુ પ્યાર, શંકા તજીને શિષ્ય સુખે॥ મ કર સંકોચ લગાર, કરજે પ્રશ્ન પ્રગળ થઈ॥
પ્રસંગઃ ૧૪
શિષ્ય કહે સદ્ગુરુ સુણો, જે કહ્યા આગે ઉપાય॥ કઠણ છે એ કરવા, વિચારિયું ઉરમાંય॥ નિર્વેદ પણ હોય નબળો, સ્નેહ નિયમ પણ સમાન॥ સત્સંગ પણ સુધો નહિ, અતિ આત્મજ્ઞાન॥
શ્રોત્ર ત્વક્ નેત્ર કહ્યાં, રસના ઘ્રાણ મન બુદ્ધ॥ ચિત્ત અહંકાર ચોખાં નહિ, સરસ અતિશે શુદ્ધ॥ એહ સહુને નિમમાં, રાખે બહુ બળવાન॥ થોડે બળે થાતાં નથી, સદ્ગુરુ સુણો નિદાન॥ માટે કહો કૃપા કરી, હોય નિર્બળનો નિભાવ॥ હિંમત આવે હરિભક્તને, ભજે હરિ કરી ભાવ॥
સદ્ગુરુ કહે સુણ્ય શિષ્ય તું, કહું વાત એની અનૂપ॥ જે જે ક્રિયા જન કરે, તે થાય ધ્યાન સ્વરૂપ॥
જે દેખે જે સાંભળે, ત્યાં સંભારે હરિરાય॥ સુણ્ય શિષ્ય શ્રવણ દઈ, કહું એવો ઉપાય॥ પ્રથમ સંભારે શ્યામને, મનસુબાથી મો’ર વીસરે નહિ એહ વારતા, સર્વ કાળ સર્વ ઠોર॥
જે જે સંકલ્પ મન કરે, ચિત્ત કરે ચિંતવન॥ હરિ સંબંધ વિના હોય નહિ, જરૂર જાણે તું જન॥ બહુ નિશ્ચય બુદ્ધિ કરે, ધરે અહં અહંકાર॥ તેમાં સંબંધ લઈ શ્યામનો, ચિંતવે વારમવાર॥ જે જે શબ્દ સાંભળે, શ્રવણ ધરીને સોય॥ તે તે શબ્દ હરિ સંબંધ વિન, નિશ્ચય ન કરો તોય॥
પશુ પંખી નર નારના, જડ ચૈતન્યના જાણ॥ હરિ સંબંધે સાંભળવા, શબ્દ સર્વ સુજાણ॥
વાજાં છે બહુવિધનાં, કે’તાં ન આવે અંત॥ વાજ્યાં છે હરિ આગળે, એમ સમજે છે સંત॥ ગાન તાન ગણતી નહિ, રાગ રાગણી બહુ રીત॥ આલાપ્યાં હરિ આગળે, એમ ચિંતવે જન ચિત્ત॥
કવિત સવૈયા સાખી છપે, પૂર્વછાયા પરજિયા છંદ॥ દોહા ચોપાઈ સોરઠા, કહ્યા હરિ આગે કવિ ઈંદ॥ કાવ્ય કથા પુરાણ પદ, શાસ્ત્ર વેદ સુખધામ॥ તે સુણ્યા શ્રીહરિ પાસળે, એમ સાંભરે ઘનશ્યામ॥ સ્પર્શ સર્વે શોધિયે, સુંવાળા સુખરૂપ॥ હરિસંબંધે સંભારિયે, અતિ સુંદર અનૂપ॥
સ્પર્શ કોમળ શય્યા તણો, પે’ર્યાનાં પટ કોમળ॥ હરિસંબંધે સંભારતા, આવે સુખ અતોળ॥
કોમળ કુસુમની કળીએ, સુંદર સમારી સેજ॥ સુતા દીઠા શ્રીહરિ, આવ્યો આનંદ એજ॥ પંખેશું પવન કર્યા, ભર્યા હેતેશું હોજ॥ ઉષ્ણ ઋતુમાં અલબેલડો, બેઠા હરિ કરી મોજ॥
સ્પર્શ સર્વ સૂચવતાં, સાંભરે શ્રી ઘનશ્યામ॥ ધન્યધન્ય જન એ ધ્યાનને, અખંડ આઠું જામ॥ રૂપ અનુપ અતિ ઘણાં, અવલ નવલ અનૂપ॥ હરિસંબંધે સંભારિયે, તો સર્વે એ સુખરૂપ॥ સર નદી વાપી કૂવા, હરિ નાહ્યા પીધાં નીર॥ સાંભરે દેશ દરિયાવ નાવે, સુંદર શ્યામ સુધીર॥
દેશ વિલાયત નગર પુર, તિયાં થયાં દર્શન॥ ગામ ઘોષ વન વાટ ગિરિ, ગુહા ઘર ઘાટ નિર્ઝરન॥
પશુ પંખી પન્નગ લઈ, જેને હોય હરિસંબંધ॥ ગજ વાજ અજ ગો મહિષી, કરે ન વૃષભ બંધ॥ ધાતુ સપ્ત પ્રકારની, અનેક તેના આકાર॥ હરિસંબંધે જો સાંભરે, તો સર્વે સુખ દેનાર॥
નંગ ભૂષણ વાસણ વળી, શસ્ત્ર અસ્ત્ર અનેક॥ એહ સંબંધે હરિ સાંભરે, તો સુખદ એકોએક॥ ખાટ પાટ ખુરશી પલંગ પર, બેઠા દીઠા નાથ॥ રથ વેહેલ્ય ગાડી પાલખિયે, જોઈ જન સનાથ॥ છત્ર ચામર અબદાગિરિ, ધરી હરિને શીશ॥ તે સંભારતાં સાંભરે, જગજીવન જગદીશ॥
બેઠા પ્રભુ બાજોઠ પર, શ્રીહરિ ડોળ હિંડોળ॥ કરી અગર કપૂર આરતી, સુખ સંભાર્યે અતોળ॥
મેડી મંદિર માળિયે, મંચે બેઠા મહારાજ॥ તે સંભારતાં સાંભરે, સુંદર શ્રી હરિરાજ॥ યજ્ઞ સમૈયા ઉત્સવ અતિ, જન જોઈ જોઈ જમાડ્યાં હાથ॥ કો’ વાલમ કેમ વિસરે, સદા રે’તા હરિ સાથ॥
શીત ઉષ્ણ પ્રાવૃટ માંહી, સાંભરે સુખધામ॥ ધૂણી ધૂમ ધામે હરિ, બેઠા જ્યાં ઘનશ્યામ॥ ગ્રીષ્મ પ્રાવૃટ શરદઋતુ; શિશિર શીત વસંત॥ ફૂલડોળ ઉત્સવ ઉપરે, મળતા સંત અત્યંત॥ એમ સંબન્ધે સાંભરે, શ્રીહરિ સુખદેણ॥ આવડત હોય જો અંગમાં, તો ન ભૂલે રાજીવનેણ॥
પંચભૂતથી પ્રગટ્યાં, જડ ચૈતન્ય જે જાત॥ તે સંબન્ધે હરિ સાંભરે, શિષ્ય સુણી લે વાત॥
શિષ્ય સુણી લે વાત, સમજાવી સદ્ગુરુ કહે॥ એમ દિવસ ને રાત, અખંડ ધ્યાન હરિનું જો રહે॥
પ્રસંગઃ ૧૫
શિષ્ય કહે ધન્ય ધન્ય ગુરુ, ભલો બતાવ્યો ભેદ॥ સહજે શ્રીહરિ સાંભરે, થાય વિષય ઉચ્છેદ॥ વિષયમાંહી વિસારી નાથને, કરતાં કામ હરામ॥ તે સમુ સમજાવિયું, સંભારવા ઘનશ્યામ॥
સૂક્ષ્મ વાતો સૂચવી, કહો કોણ કે’નાર॥ અલ્પ પ્રશ્ન ઉપરે, કો’ છો કરી વિસ્તાર॥ વળી કે’વી હોય વારતા, તો કે’જો કૃપાનિધાન॥ શ્રદ્ધા છે સાંભળવા, સુણીશ કહું દઈ કાન॥ વચન તમારા મુખનાં, તે સર્વે સુખ દેનાર॥ હેતે ભર્યાં હોંસે કરી, સુણીશ હું કરી પ્યાર॥
સદ્ગુરુ કહે શિષ્ય સુણજે, રૂડી બતાવું રીત॥ રાત-દિવસ હૃદયે રહે, હરિ ચિંતવન ચિત્ત॥
રસ સરસ સંસારમાં, મળે જો મનભાય॥ તેમાં શ્રીહરિ સાંભરે, એવો કહું ઉપાય॥ ષટ રસ ખરા ખોળીએ, હરિ જમ્યા’તા જેહ॥ તે સમય સંભારતાં, સાંભરે શ્યામ સનેહ॥
રસોઈ રસે ભરી, કરી હરિને કાજ॥ તે જોતાં જગપતિ સાંભરે, જે જમ્યા હતા મહારાજ॥ સુંદર સ્વાદુ સુખડી, પેર પેરના પાક॥ પીરસતા પંગતમાં, સુખદ કરેલાં શાક॥ ભોજન વ્યંજન બહુ ભાતનાં, લેહ્ય ચોશ્ય ભક્ષ્ય ભોજ્ય॥ તે સાંભરતાં સાંભરે, જે હરિ જમતા કરી મોજ્ય॥
આંબુ લિંબુ જાંબુ જમ્યા, નાલિ કેળી રાણ્ય અનાર॥ જામ રામ સીતાફળ, ખારેક જમ્યા કરી પ્યાર॥
બહુ ફળ મૂળ કંદનો, કે’તાં ન આવે અંત॥ જે જે જમ્યા જગપતિ, તે સંબન્ધ સંભારે સંત॥ ચોળાફળી ચણેચી ચીભડાં, જમતા જે જગદીશ॥ મરચાં મેથી મૂળા મોગરી, એહ સંભાર્યને તું શિષ્ય॥
ફળ મૂળ પુષ્પ પાનને, જમતા જોયા નાથ॥ તે સંત નિત્ય ચિંતવી, સદા રહે છે સનાથ॥ ઈક્ષુદંડ ખંડ ખારવો, શર્કરા સુખદેણ॥ એહ સંબંધે સાંભરે, દીનબંધુ દિનરેણ॥ મહી માખણ ઘૃત પય લઈ, પીધાં પાણી પવન॥ તે દીઠે હરિ સાંભરે, જ્યારે જુવે એહ જન॥
જે જે રસ આ જક્તમાં, ગળ્યા ચીકણા ખાટા ખાર॥ તીખા ને વળી તમતમા, ખોળ્યા ષટ પ્રકાર॥
એમ રસ અનેક જેહ, પામ્યા હરિનો જોગ॥ સબીજ એમ સંભારતાં, રહે નહિ ભવરોગ॥ સુગંધીમાં પણ સાંભરે, જગજીવન જગતાત॥ વિધવિધે તે વર્ણવી, કહું કાંયેક તે વાત॥
ચૂવા ચંદન ચરચ્યાં, અત્તર ફુલેલ તેલ॥ તે સાંભરતાં સાંભરે, અંતરમાં અલબેલ॥
કર્પૂર કેસર કસ્તુરી, અગર અર્ઘ્ય અનૂપ॥ તેલ ધૂપેલ સંબન્ધશું, સાંભરે હરિ સુખરૂપ॥ પુષ્પ બહુ પ્રકારનાં, સુગંધ ભર્યાં અતિ સાર॥ તે જોતાં હરિ સાંભરે, અંગે ધર્યાં અપાર॥
તોરા ગજરા હાર હૈયે, પોંચી બાજું બાંય॥ ગુછ ગુલાબી ફૂલના, પુષ્પ કંકણ પાય॥ પંખા પછેડી ફૂલની, છડી છોગે છાયાં ફૂલ॥ ટોપી ઓપી ફૂલની, સર્વે ફૂલ અમૂલ॥ બહુ પેરે બહેકી રહી, શુદ્ધ સુગંધી સાર॥ એમ સુગંધમાં સાંભરે, પ્રીતમ પ્રાણ આધાર॥
એમ સુગંધી શોધીને, લેવી કરી તપાસ॥ જેમાં સંબંધ નહિ શ્યામનો, એવી લેવી નહિ વાસ॥
શબ્દ સ્પર્શ રૂપ રસ, કાંઈ સુગંધી સાર॥ હરિસંબન્ધે સુખદ સહુ, વણ સંબંધે દુઃખ વિકાર॥ વળી રહસ્યની વારતા, શિષ્ય સુણે સાક્ષાત॥ પંચ ઇન્દ્રિય પાવન કરે, એવી કહુ એક વાત॥
શ્રોત્ર ત્વક્ તુને કહું, શુદ્ધ થાવાની રીત॥ નયન જિહ્વા નાસિકા, એ હોય જેમ પુનીત॥ પ્રગટ પ્રભુ પામ્યા વિના, અનઘ ન હોય એક॥ પ્રસંગ પ્રગટનો પામતાં, હોય નિષ્પાપ એહ નેક॥ શ્રવણે શબ્દ સુણ્યા હતા, અતિ અઘે ભર્યા અશુદ્ધ॥ તે શબ્દ સુણતાં શ્યામના, થાય શ્રોત્ર દોય શુદ્ધ॥
સ્પર્શ ત્વચાએ શોધીને, કર્યો હતો કળિમળરૂપ॥ તે સ્પર્શ પ્રભુનો પામીને, થઈ ત્વચા શુદ્ધ અનૂપ॥
નયણે રૂપ નિહાળીને, પેખી કર્યા’તાં પાપ॥ તે રૂપ જોઈ મહારાજનું, નયણ થયાં નિષ્પાપ॥ રસના લઈ બહુ રસને, અઘે રહી’તી અવરાય॥ તે હરિપ્રસાદી પામીને, નિર્દોષ થઈ જિહ્વાય॥
નાસે વાસ અતિ નરસી, જગમાંય લીધી’તી જેહ॥ તે હાર હરિના સૂંઘતાં, ટળે પાપ એહ તેહ॥ એમ સંબંધ શ્રીહરિ તણે, પ્રજળે પંચે પાપ॥ પણ પ્રગટ પ્રભુ મળ્યા વિના, સમે નહિ સંતાપ॥ એમ પંચ ઇન્દ્રિયનાં પાપ જે, પ્રભુ સંબંધે પળાય॥ જે જે જન એમ જાણશે, તે તે શુદ્ધ સઘળાય॥
એહ ધ્યાન એહ ધારણા, એહ જ સહજ સમાધ॥ એમ સમજે શિષ્ય જે, તે પામે સુખ અગાધ॥
એમ વિષય પંચમાં, મુખ્ય રાખે મહારાજ॥ જેમ કરે કામ જે ગોટિકા, તે ન કરે કામ અવાજ॥ જેમ ધાય લોભી ધનને, કામી સંભારે કામ॥ એમ શિષ્ય સંભારવા, સુંદર શ્રી ઘનશ્યામ॥
એમાં કઠણ કાંઈ નથી, નથી કાયા કલેશ॥ એ કળ આવે અંગમાં, તો સહુથી વાત સરેશ॥ શિષ્ય જે જે તેં પૂછિયું, તે તે કહ્યું મેં તોય॥ સુંદર ગ્રંથ સારો થયો, સમજશે સહુ કોય॥ શિષ્ય જેમ છે તેમ કહ્યું, રતી રતીનું રૂપ॥ નિષ્કુળાનંદને ઉર રહી, કહી એ કથા અનૂપ॥
જે જન શ્રવણે સાંભળી, કરશે તને તપાસ॥ અંતર અરિ ઓળખશે, થાશે હૃદય પ્રકાશ॥
ફાટી દૃષ્ટ ફેરવી, આણી વાળશે ઉર॥ તેને સમુ સૂઝશે, જાણો જન જરૂર॥ બીજા કોટિ ઉપાયથી, કે દી કાજ ન હોય॥ શ્રીસહજાનંદ શરણ વિના, કુશળ ન દીઠો કોય॥
દેવ દાનવ માનવ મુનિ, સહુ વિષયને વશ॥ શિવ અજને સૂઝ્યો નહિ, જે અતિ થયો અપજશ॥ એટલા માટે આ કથા, વર્ણવી વિવિધ પ્રકાર॥ શુદ્ધ શિષ્ય સમજજે, સહુનું છે આ સાર॥ સંવત્ અઢાર છનુંવો, અષાઢ સુદી એકાદશી દન॥ રચ્યો ગ્રંથ વરતાલમાં, રાખી હૃદે ભગવન॥
કહી એ કથા અનૂપ, યથાર્થ જેમ છે તેમ સહી॥ સમજાવ્યું સર્વનું રૂપ, અનુપમ એહ વાત કહી॥