પ્રણમું પુરુષોત્તમ, અગમ નિગમ જેને નેતિ કહે। તે શ્રીહરિ થાઓ સુગમ, રમ્યરૂપ સાકાર સહિ॥
Nishkulanand Swami
મંગલાચરણ
એવા વસો મારે ઉર, દૂર કરવા દોષ દીનબંધુ। તે થાય ભક્તિ ભરપૂર, હજૂર રાખજો હરિ હેત કરી॥ ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ। ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદે છે ચારે વેદ॥
પરોક્ષ ભક્ત પામે નહિ, મનમાની મોટી મોજ। શાસ્ત્ર સર્વે શોધીને, ખરી કરી લ્યો ખોજ॥ શ્રી પુરુષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિ નેતિ કહી જેને ગાય નિગમજી। અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી॥ સુગમ થયા શ્રીહરિ, ધરી નરતનને નાથજી। જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી॥
આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ। દયા દિલમાં આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ॥
લે’રી આવ્યા આજ લે’રમાં, અતિ મે’ર કરી મે’રબાન। અનેક જીવ આશ્રિતને, આપવા અભયદાન॥ અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય। કૈક જીવ કૃતાર્થ કીધા, મહાઘોર કળિની માંય॥
ભાગ્યશાળી બ્રહ્મમો’લનાં, કર્યાં આપે આવી અગણિત। નિર્દોષ કિધાં નરનારને, રખાવી રૂડી રીત॥ નૌતમ શક્કો સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક। જે સાંભળ્યો નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિશેક॥ પૂરણ પુરુષોત્તમ પોતે, સરવેશ્વર સર્વના શ્યામ। જેની ઉપર જડે નહિ બીજો, તેહ કરે ધારે જેહ કામ॥
પ્રબળ પ્રતાપી પધારતાં, સમજવું શું શું ન થાય?। સમર્થ સહુથી શ્રીહરિ, જે પૂરણકામ કે’વાય॥
અતિ અગમ તે સુગમ થયા, થયા સેવી સુખ લેવા લાગ્ય। નિષ્કુળાનંદ મળ્યા એહ જેહને, તેહનાં ઊઘડિયાં ભાગ્ય॥
કડવું - ૨
ભાગ્ય જાગ્યાં (આજ) જાણવાં જેને ભેટ્યા ભગવાનજી, ત્રિલોકમાં ના’વે કોઈ તેહને સમાનજી। જેહને મળિયા પ્રભુ મૂર્તિમાનજી, જેહ મૂર્તિનું ધરે ભવ બ્રહ્મા ધ્યાનજી॥
ધ્યાન ધરે જેનું જાણજો, અજ ઈશ સરીખા સોઈ। તોયે અતિ અકળ છે એહને, જથારથ જાણે નહિ કોઈ॥ એવી અલૌકિક મૂરતિ, અમાયિક અનુપ અમાપ। આગમ નિગમને અગોચર અતિ, તેનો કરી શકે કોણ થાપ॥
થાપ ન થાયે એવા આગમે, વર્ણવિયા વારમવાર। તેહ પ્રભુને કેમ પામિએ, જેનો કોઈ ન પામિયા પાર॥ તેહ હરિ નરતન ધરી, આપે આવે અવનિ મોઝાર। ત્યારે મળાય એ મૂર્તિને, જ્યારે નાથ થાય નર આકાર॥ મહારાજ થાય જ્યારે મનુષ્ય જેવા, દેવા જીવોને અભયદાન। ત્યારે પલ પાકે સહુ પ્રાણધારીની, જ્યારે ભૂમિ આવે ભગવાન॥
ત્યારે ભક્તને ભક્તિ કરવા, ઊઘડે દ્વાર અપાર। થાય સેવકને સેવ્યા સરખા, જ્યારે પ્રગટે પ્રાણ આધાર॥
ત્યારે સુગમ થાય છે સહુને, પ્રાણધારીને પરમાનંદ। ન હોય દરશ સ્પર્શનું દોયલું, સદા સોયલા હોય સુખકંદ॥ સાકાર સુંદર મૂરતિ, જોઈ જન મગન મન થાય। પછી સેવા કરી એવા શ્યામની, મોટું ભાગ્ય માનવું મનમાંય॥
પણ મૂરતિ મૂકી મહારાજની, બીજું માગવું નહિ બાળક થઈ। નિષ્કુળાનંદ નિર્ભય થાવા, હરિભક્તિ વિના ઇચ્છવું નહિ॥
કડવું - ૩
જોને કોઈક કરે છે જપ તપ તીર્થજી, વ્રત દાન પુણ્ય કરે હરિ અર્થજી। સત્ય જોગ જગને વાવરે ગર્થજી, જેવી હોય તને મને ધને સામર્થજી॥ સામર્થ પ્રમાણે સહુ કરે, વળી કસર ન રાખે કોઈ। શુદ્ધ મન શુદ્ધ ભાવ શ્રદ્ધાએ, શુદ્ધ આદરે કરે સોઈ॥
એમ પ્રસન્ન કરી પરબ્રહ્મને, કરે અલ્પ સુખની આશ। તે શિશુ સમજણ સેવકની, ત્યાગી તૂપને માગી છાશ॥ જેમ રીઝવે કોઈ રાજનને, પ્રસન્ન કરીને માગે પિયાજ। તે આપતાં અતિ અવનીશને, લાગે લોકમાં ઘણી લાજ॥ માટે સેવા ખરી હરિની કરી, માગિયે નહિ માયિક સુખ। જે પામી પડે પાછું પડવું , રહે જેમ હોય તેમ દુઃખ॥
તે શોધી સર્વે સમજવું, જોઈ લેવું જીવમાં જરૂર। અંતવત સુખ ઇચ્છતાં, કેદિ દુઃખ ન થાય દૂર॥
જેમ કણ મૂકી કૂકસને, જાચે તુષને તજી તાંદૂળ। તેમ મૂરતિ મૂકી મહારાજની, ન માગવું સુખ નિર્મૂળ॥ ચાર પ્રકારની મુગતિ, અતિ સુખદ કહે સુજાણ। પણ મૂર્તિ મનોહર માવની, મૂકી ઇચ્છે એહને એ જ અજાણ॥
જેમ ફોગટ ફળ ફૂલ નહિ, મળે ફળ તો ફજેતીએ ભર્યાં। એવાં અલ્પ સુખ આવતાં, કહો કારજ સરે શું સર્યાં?॥ માટે રાજી કરી રંગરેલને, માગવું વિચારીને મન। નિષ્કુળાનંદ ન માગવું, જેને માથે હોય વિઘન॥
કડવું - ૪
વિઘને ભર્યાં સુખ સારુ સાધનજી, કરતાં મૂંઝાય છે શુદ્ધ સંતનાં મનજી। તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી॥ વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ। સુર અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ॥ જપતાં જાપ બાપ આપણે, પ્રહ્લાદજીને પીડા કરી। સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ મુદગળ ન બેઠા ઠરી॥
તપ કરી ત્રિલોકમાં, પામી પડિયા પાછા કઈ। એમ કરી તન તાવતાં, સુખ અટળ આવ્યું નહિ॥
વ્રત રાખતાં અંબરીષ પીડ્યો, દાન દેતાં પિડાયો નર ઘોષ। પુણ્ય કરતાં પાંડવ પાંચાલી, આવ્યા દુર્વાસા દેવા દોષ॥ જોગે પિડાણા શુક જડભરત, જગને પિડાણો નહૂષ ભૂપાળ। બળી વળી દધિચિ ઋષિ, રંતિદેવ સરીખા દયાળ॥
એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઈ। વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોઈ॥ જે જે જને એહ આદર્યું, પરલોક પામવા કાજ। તે તે જનને જાણજો, સુખનો ન રહ્યો સમાજ॥ વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહિ ભરપૂર। પરલોક ન દિયે પામવા, જન જાણી લેજો જરૂર॥
માટે વાટ એ તે મૂકવી, સમઝી વિચારીને શુભમતિ। નિષ્કુળાનંદ કે’ નિર્ભય થાવા, કરવી હરિની ભગતિ॥
પદ - ૧
સંતો ભક્તિ ઉપર ભય શાનો રે સંતો ભક્તિ ઉપર ભય શાનો. તે તો મન કર્મ વચને માનો રે... સંતો૦ ટેક. જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ શોભાનો। પામી પુણ્ય ખૂટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનો રે... સંતો૦॥ ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ અનુપ કાચનો। ટકે નહિ કેદી ટોકર વાગે, તો શિયો ભરુંસો બીજાનો રે... સંતો૦॥
જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધકા ધરપર, જાણો નથી ફજેતો એ છાનો। નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઈ લીધો દાખડો ઝાઝાનો રે... સંતો૦॥ સર્વે પર વિઘન સભરભર, નિર્ભય ભક્તિ ખજાનો। નિષ્કુળાનંદ કે’ ન ટળે ટાળતાં, ટળે તોય કળશ સોનાનો રે... સંતો૦॥ નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી। સમજીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી॥
અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની। તે વિના ત્રિલોક સુખને, માને શોભા મિયાનની॥
મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર। અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં, નિશ્ચે નિરસ નિરધાર॥ એમ માની માને સુખ માવમાં, કરે ભક્તિ ભાવે સહિત। ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત॥
અનન્ય ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી। ભાવે નહિ હરિભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી॥ નિષ્કામ ભક્તિ નાથની, જેને કરવા છે મને કોડ। બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ એની હોડ॥ એવી ભક્તિને આદરે, જેમાં લોકસુખ નહિ લેશ। તેમ સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ॥
મેલી ગમતું નિજ મનનું, હાથ જોડી રહે હરિ હજૂર। સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભીતરમાં ભરપૂર॥
ભાવે જેવું ભગવાનને, સમો જોઈ કરે તેવી સેવ। પણ વણસમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ॥ એવા ભક્તની ભગતિ, વા’લી લાગે વા’લાને મન। નિષ્કુળાનંદ કહે નાથજી, તે ઉપર થાય પ્રસન્ન॥
કડવું - ૬
પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી। જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી॥ ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે। તેને તોલે ત્રિલોક માંહિ, સમજી જુવો નહિ નીસરે॥
જેણે આ લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં। એક ભક્તિ ભાવી ભગવાનની, વિષયસુખ વિષ સમ કર્યાં॥ જેણે પંચ વિષયશું પ્રીત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા। તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા॥ રાજી કુરાજીયે કોઈને, નવ વણસે સુધરે વાત। નથી એથી સુખ મળવા ટળવા, જોઈએ હરિ રાજી રળિયાત॥
પરબ્રહ્મને પ્રસન્ન કરવા, કરે ભક્તિ માહાત્મ્યે સહિત। ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ રીત॥
નિષ્કપટ નાથની ભગતિ, સમજો સુખ ભંડાર છે। એની બરાબરી નોય કોઈ બીજું, એ તો સર્વે સારનું સાર છે॥ સાચી ભક્તિ ભગવાનની, સર્વે શિર પર મોડ છે। બીજાં સાધન બહુ કરે, પણ જુવો એની કોઈ જોડ છે॥
જેમ ગળપણમાં શર્કરા ગળી, વળી રસમાં સરસ તૂપ। જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ॥ એવી અનુપમ ભગતિ, ભાવી ગઈ જેને ભીતરે। નિષ્કુળાનંદ કે’ સર્વે સાધન, એની સમતા કોણ કરે॥
કડવું - ૭
ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમજુ સમજો સહુ મન માંયજી। પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી॥ કે’વાતું નથી કલ્પતરુ, નવનિધિ ને સિદ્ધિ સમેત। કામદુઘા અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઈ રીત॥ જેમ મંદારમાં સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ। સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ।૩॥ જેમ પન્નગારી પંખિયોમાં સરસ, શૈલમાં સરસ સુમેર। તેમ ભક્તિ સરસ સર્વ સાધને, એમાં નથી કહું કાંઈ ફેર॥
જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશી। તેમ ભક્તિ સરસ સર્વે રીતે, આપું ઉપમા એને કશી॥
જેમ પાત્રમાં અક્ષયપાત્ર સરસ, નાણામાં સરસ સુવર્ણમો’ર। તેમ ભક્તિ સરસ છે ભવમાં, એમ લખ્યું છે ઠોરમઠોર॥ જેમ પંચભૂતમાં શૂન્ય સરસ, સર્વે અમરમાં અમરેશ। તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર લવલેશ॥
જેમ કુંપે સરસ રસ કુંપકા, ભૂપે સરસ પ્રિયવ્રત। રૂપે સરસ કામદેવ કહિયે, તેમ ભક્તિથી નૂન્ય બીજાં કૃત્ય॥ કર્તવ્ય કરીને કાંઈક પામે, તે વામે કોઈ કાળે કરી। ભક્તિ એ ગતિ નિર્ભય અતિ, એમ શ્રીમુખે કહે છે શ્રીહરિ॥ એમ ભક્તિ ભગવાનની, વર્ણવી સહુથી સરસ। નિષ્કુળાનંદ કે’ તે વિના બીજાં, નિશ્ચે દેખાડ્યાં નરસ॥
કડવું - ૮
ભક્તિ સમાન નથી સાધનજી, વારમવાર વિચારું છું મનજી। જેસારુ જન કરે છે જતનજી, તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી॥
સઘન દુઃખ સાધનમાં, જેના ફળમાં બહુ ફેલ। માને સુખ તેમાં મૂરખા, જે હોય હૈયાના ટળેલ॥ જેમ સોનરખથી સોનું કરતાં, જોયે સવાલાખ ચડીચોટ। એક લાખ તૈયે ઊપજે, જાયે પા લાખની ખોટ॥
તેમ સાધન કરી શરીર દમે, વળી પામે તે માંહિથી સુખ। તે સુખ જાય જોતાંજોતાં, પાછું રહે દુઃખનું દુઃખ॥ જેમ વટે અમટ અરુણ ફળ, ખાવા કરે કોઈ ખાંત। રાતાં છે પણ રસ નથી, એમ સમજી લેવો સિદ્ધાંત॥ તેમ સુખ સર્વે લોકનાં, સુણી કરે હૈયે કોઈ હામ। જેમ અવલ ફુલ આવળનાં, પણ નાવે પૂજામાંહિ કામ॥
જેમ ત્રોડતાં ફળ તાડતણાં, થાય મહેનતના બહુ માલ। ખાતાં થાય બહુ ખરખરો, વળી વાધે શોક વિશાળ॥
અમૃત વેલી અલ્પ ભલી, વધુ તોય ભૂંડી વિષવેલ। તેમ ભક્તિ થોડી તોય ભલી, છે સર્વે સુખની ભરેલ॥ પંચ્યાણ આપે પાંચ રોકડા, લપોડશંખ કહે લેને લાખ। પણ ગણીને ગાંઠે બાંધ્યાતણી, વળી કોયે ન પૂરે સાંખ॥
તેમ હરિભક્તિથી સુખ મળે, તેવું સુખ બીજાથી ન થાય। નિષ્કુળાનંદ કહે નરને, જાણી લેવું એવું મનમાંય॥
પદ - ૨
સંતો જુવો મનમાં વિચારી રે સંતો જુવો મનમાં વિચારી, સાચી ભક્તિ સદા સુખકારી રે... સંતો૦ ટેક જૂઠી ભક્તિ જગતમાં કરે છે, સમઝ્યા વિના સંસારી; ખોવા રોગ ખાય છે રસાયણ, દીધા વિના દરદારી રે... સંતો૦॥
વણ પૂછે વળી ચાલે છે વાટે, જે વાટે નહિ અન્ન વારી; નહિ પો’ચાયે નહિ વળાયે પાછું, થાશે ખરી જો ખુવારી રે... સંતો૦॥ આ ભવમાં ભુલવણી છે ભારે, તેમાં ભૂલ્યાં નરનારી; જિયાં તિયાં આ જનમ જાણજો, હરિભક્તિ વિના બેઠાં હારી રે... સંતો૦॥
ભક્તિ વિના ભવપાર ન આવે, સમઝો એ વાત છે સારી; નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, ભક્તિનિધિ અતિ ભારી રે... સંતો૦॥ ૪॥ પદ॥ ભક્તિમાં પણ ભર્યા છે ભેદજી, કરે છે જન મન પામે છે ખેદજી। એક બીજાનો કરે છે ઉચ્છેદજી, તેનો નથી કેને ઉર નિર્વેદજી॥ નિર્વેદ વિના ખેદ પામી, કરે છે ખેંચાતાણ। નંદે વંદે છે એક એકને, એ સહુ થાય છે હેરાણ॥
નવે પ્રકારે કરી નાથની, ભક્તિના કહ્યા છે ભેદ। નિષ્કામ થઈ કોઈ નર કરે, તો શીદ પામે કોઈ ખેદ॥
પણ અંતર ઊંડો અભાવ છે, બહુ બળ દેખાડે છે બા’ર। જ્યાન થયું તે જાણતા નથી, કથી શું કહીયે વારમવાર॥ જેમ લેખક કરમાં લેખ આવે, તે લઈ લેખણ લીટો કરે। હતો પરવાનો પરમ પદનો, પણ કહો એમાંથી હવે શું સરે?॥
તેમ ભક્તિ અતિ ભલી હતી, તેમાં ભેળવ્યો ભાગ ભૂંડાઈનો। ખીર બગડી ખારું લૂણ પડ્યું, ટળ્યો ઉમેદ એના ઉપાઈનો॥ તેમ ભક્તિ કરતાં ભગવાનની, આવી અહં મમતની આડ। પ્રભુ પાસળ પો’ચતાં, આડું દીધું એ લોહ કમાડ॥ માટે નિરમમત થઈ નાથની, ભક્તિ કરો ભરી ભાવ। નિરાશી વા’લા નારાયણને, શીદ બાંધો છો જ્યાં ત્યાં દાવ॥
સકામ ભક્તિ સહું કરે છે, નથી કરતા નિષ્કામ કોય। તેમાં નવનીત નથી નિસરતું, નિત્ય વલોવતાં તોય॥
ઘોઘે જઈ કોઈ ઘેર આવ્યો, કરી આવ્યો નહિ કોય કામ। નિષ્કુળાનંદ એવી ભગતી, નવ કરવી નર ને વામ॥
કડવું - ૧૦
ભક્તિ કરવી તે કલ્યાણ કાજજી, તેમાં મર જાઓ કે રહો લોક લાજજી। તાન એક ઉરમાં રાજી કરવા મહારાજજી, તેમાં તન મન થાઓ સુખ ત્યાજજી॥
તનમન સુખ ત્યાગીને, કરે શુદ્ધભાવે કરી ભગતિ। સમ વિષમમાં સરખી રહે, માન અપમાને એક મતિ॥ પ્રસંશા સુણી નવ પોરસે, નિંદા સુણીને નવ મૂંઝાય। ઉભય ભાતનો અંતરે, હર્ષ શોક ન થાયે કાંય॥
જેમ નટ ચડે વળી વાંસડે, જોવા મળે સઘળું ગામ। પણ નટ ન જુવે કોઈને, જો જુવે તો બગડે કામ॥ તેમ ભક્તિ કરતાં ભક્તને, નવ જોવા દોષ અદોષ। ગુણ અવગુણ કેના ગોતતાં, અતિ થાય અપશોષ॥ વળી આ લોકની જે આબરુ, રહો કે જાઓ જરૂર। ભક્તિ ન મૂકવી ભગવાનની, તે ભક્ત જાણો ભરપુર॥
જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક। જોઈ જય પરાજય જક્તમાં, શીદ કરે ઉર કોઈ શોક॥
ભક્તિ કરતાં કેને ભાવે ન ભાવે, આવે કોઈને ગુણ અવગુણ। જેની નજર પો’તી છે પરાથી પર, તેને અધિક ન્યૂન કહો કુણ॥ જેને આવડ્યું જળ તરવું, તેને ઊંડું છીછરું છે નહિ। મીન પંખીને મારગમાં, કહો આડ્ય આવે કહિ॥
ખેચર ને ભૂચરની, જાણવી જૂજવી ગતી। નિષ્કુળાનંદ કે’ નોખું રહી, ભજાવી લેવી ભગતી॥
પદ – ૧૧
નિરધારી છે નિગમે વાત રે સંતો... નિરધારી૦। થાયે ભક્તિયે હરિ રળિયાત રે; સંતો૦॥ ટેક ભક્તિ વિના ભવરોગ ન નાસે, રહે દુઃખ દિન રાત। ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું સાક્ષાત રે; સંતો૦॥ ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા ઘાત। ભક્તિ કરી ભારે ભાગ્ય જાગે છે, નથી એ વાત અખ્યાત રે; સંતો૦॥
ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત। ધન્ય ધન્ય એ જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાત રે; સંતો૦॥ ભક્તિ કરી ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત। નિષ્કુળાનંદ કે’ નાથ મળીને, દીધી ભક્તિની દાત રે; સંતો૦॥ ૪॥ પદ॥
પદ – ૧૨
ભક્તિ છે ભવજળ વહાણ, સિંધુ તરવા સુખરૂપ છે એ। સમઝીને જુવો સુજાણ, પાર ઊતરવા એ અનુપ છે એ॥
એહ નાવથી જો અપાર, ઊતરિયા અર્ણવને એ। ન થાય તેનો નિરધાર, તો શું કરું તેના વર્ણવને એ॥ ઉચ્ચ ને નીચ અનંત, પાર સહુને પોત કરે એ। એમ ભક્તિથી જાણજો જન, સુખ કાંઈ પામ્યા સરે એ॥
ધન્ય એ ભક્તિ જા’જ, તારી તરીયે તીર કર્યાં એ। પામિયા સુખ સમાજ, તે ભક્તિપ્લવે ભવ તર્યા એ॥ બેઠા એ બેડીને માંયે, બૂડવાની તો બીક ટળી એ। કરવું રહ્યું નહિ કાંય, બ્રહ્મમોહોલમાં બેઠા ભળી એ॥ સંતને એ સુખરૂપ, હોડી રૂડી હરિભગતિ એ। કોણ ભિક્ષુ કોણ ભૂપ, સહુને આપે એ શુભ ગતિ એ॥
એહ વિના નર નિરધાર, પાર તે કોઈ પામ્યા નહિ એ। શું કહિયે વારમવાર, સહુ સમઝીને કરો સહી એ॥
વખાણી વા’ણને તોલ, ભક્તિ અતિ ભવ તરવા એ। ભાગે આવે બ્રહ્મમો’લ, કેડે ન રહે કાંઈ કરવા એ॥ ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કંઈ એ। સદા સુખ થાવાનું ઘર, ભક્તિ વિના ભાળ્યું નઈ એ॥
ભક્તિ વશ્ય ભગવાન, આવે છે અક્ષરધામથી એ। નક્કી એ વાત નિદાન, જૂઠી જરાયભાર નથી એ॥ જે જે ધર્યા અવતાર, તે ભક્તની ભક્તિ જોઈને એ। નથી થાતો નિરધાર, જે આવે જાણ્યા બીજા કોઈથી એ॥ જોઈ લીધું છે જરૂર, અવિનાશીનું આંહી આવવું એ। ભક્તિ ભાળી ભરપુર, ભક્તનું દુઃખ નસાવવું એ॥
તે વિના કર્યો તપાસ, અલબેલો આંહી આવે નહિ એ। ભક્તિવાળા ભક્ત પાસ રે’વા ભાવે બીજે ભાવે નહિ એ॥
બીજા ઉદ્યમ કરે છે અનેક, પણ ભક્તિવાળા ભાવે ઘણું એ। જેના તન મનમાં એ ટેક, જે કરવા ગમતું હરિતણું એ॥ એવા ભક્ત જે કોઈ ભાવિક, હરિભક્તિ વિના ભાવે નહિ એ। કરી અંતરમાંય વિવેક, ગુણ બીજાનો ગાવે નહિ એ॥
સર્વે સાધનમાંહિ સાર, ભક્તિ કળશ કંચનનો એ। રાખવો એનો આધાર, વિશ્વાસ વા’લાના વચનનો એ॥ તો પામિયે પરમ આનંદ, જીત થાય જોયા જેવડી એ। એમ કે’ છે નિષ્કુળાનંદ, સર્વે ઉપર સગ્ય ચડી એ॥ સંવત સુંદર ઓગણીસ, વરસ જુગલ વખાણિયે એ। ચૈત્ર સુદી નૌમી દિનેશ, ગ્રંથ પૂરણ પરમાણિયે એ॥
દો સોરઠા દોહા દોય, ચુંવાળીશ કડવાં કહીયે એ। પદ એકાદશ સોય, તેપર એક ધોળ લહીયે એ॥
પંચ શૂન્ય પર આઠ, ભક્તિનિધિનાં ચરણ છે એ। કહે સુણે કરે પાઠ, તેને અભયકરણ છે એ॥
પદ - ૩
સંતો અણસમજે એમ બને રે સંતો અણસમજે એમ બને, તે તો સમઝુને સમજવું મને રે... સંતો૦। ટેક ભક્તિ ન ભાવે વેર વસાવે, ગાવે દોષ નિશદિને; અર્થ ન સરે કરે અપરાધ, થાય ગુન્હેગાર વણગુન્હે રે... સંતો૦॥ શ્રીખંડ સદા શીતળ સુખકારી, તેને દઝાડે કોઈ દહને; અગર પણ થાય અંગારા, પ્રજાળે પ્રવરી વને રે... સંતો૦॥
કલ્પતરુ મળ્યે માગ્યો કુઠારો, દુર્મતિ થાવા દુઃખને; જેવું ઇચ્છે તેવું મળે એમાંથી, નો તપાસે એ સુરતરને રે... સંતો૦॥ એમ શઠ સુખદથી સારું ન ઇચ્છે, કોઈ પ્રગટ્યે થર પાપને; નિષ્કુળાનંદ કે’ ન જોવું એનું, પ્રકટ ભજવા આપને રે... સંતો૦॥ ૪॥ પદ॥ પ્રગટ પ્રભુની ભક્તિ અતિ સાચીજી, જેહ ભક્તિને મોટે મોટે જાચીજી। તેહ વિના બીજી છે સર્વે કાચીજી, તેહમાં ન રે’વું કેદિયે રાચીજી॥
રાચી રે’વું રસરૂપ પ્રભુમાં, જોઈ જીવન પ્રગટ પ્રમાણ। પછી ભક્તિ તેની ભાવશું, સમજીને કરવી સુજાણ॥
જોઈ મરજી જગદીશની, શીશ સાટે કરવું સાબિત। સુખ દુઃખ આવે તેમાં દેહને, પણ હારવી નહિ હીંમત॥ રામનું કામ કર્યું કપીએ, લાવી પથ્થર બાંધી પાજ। અવર ઉપાય અળગા કર્યા, રામજી રીઝવવા કાજ॥
એ જ ધ્યાન એ જ ધારણા, એ જ જપ તપ ને તીરથ। એ જ અષ્ટાંગયોગ સાધન, જે આવ્યાં પ્રગટને અરથ॥ નર નહિ એ વાનર વળી, તેણે રાજી કર્યા શ્રીરામ। ભક્તિ બીજા ભક્તની, તેહ કહો આવી શિયે કામ॥ નર ન આવ્યા પશુપાડમાં, પશુએ કર્યા પ્રભુ પ્રસન્ન। સમો જોઈ જે સેવા કરે, તે સમાન નહિ સાધન॥
વણ સમાની જે ભગતિ, અતિ કુરાજી કરવા કાજ। માટે જન સમો જોઈને, રાજી કરવા શ્રીમહારાજ॥
જેહ સમે જેવું ગમે હરિને, તેવું કરે થઈ તૈયાર। તેમાં સમ વિષમે ભાવ સરખો, એક ઉરમાંહી નિરધાર॥ એવા ભક્તની ભગતિ, અતિ વા’લી વા’લાને મન। નિષ્કુળાનંદ નિશ્ચે કરી, ન હોય કોઈ એને વિઘન॥
કડવું – ૧૪
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલીજી, કરી દીયે કામ એ જ એકલીજી। એહ વિના બીજી છે ભૂલવાની ગલીજી, જગમાં જે જે કે’વાય છે જેટલીજી॥ જેટલી ભક્તિ જન કરે છે, પરહરી પ્રભુ પ્રગટને। તેને ભક્ત કે’વો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાર્યો મર્કટને॥
તેણે ફાળ ભરી ફળ જોઈને, કોઈને ન પૂછી વાત। એમ પરોક્ષ ભક્તિ બહુ પેરની, લાખો લેખે ખાય છે લાત॥ જોને વાડવ વાસી વ્રજના, જોરે કરતા હતા જગન। પણ પ્રભુ પ્રગટને જમવા, અણુભાર ન આપ્યું અન્ન॥ જગનનું ફળ શું જડ્યું, પડ્યું પસ્તાવું પાછું વળી। એવી પરોક્ષભક્તની પ્રાપતિ, શ્રવણે લીધી છે સાંભળી॥
ધન્ય ધન્ય એની નારીને, જેણે જમાડ્યા જીવન પ્રાણને। પ્રગટ પ્રભુને પૂજતાં, તે પામી પરમ કલ્યાણને॥
માટે પ્રગટથી જેવી પ્રાપ્તિ છે, તેવી નથી પરોક્ષની માંય। એમ ભક્તિમાં બહુ ભેદ છે, સમઝુ સમઝો સદાય॥ માટે મુખોમુખની જે વારતા, તે સમ નહિ સંદેશા તણી। કાનની સૂણી સહુ કહે છે, નથી દીઠી નજરે આપણી॥
વાંચી કાગળ કોઈ કંથનો, જેમ નાર અપાર રાજી થઈ। પણ પ્રગટ સુખ પિયુતણું, અણુ જેટલું આવ્યું નઈ॥ માટે પ્રગટ ભક્તિ વિના પ્રાપતિ, નથી નર અમરને નિરધાર। નિષ્કુળાનંદ કહે જુવો નિહાળી, ઊંડું અંતર મોઝાર॥
કડવું – ૧૫
પ્રગટની ભક્તિ સારમાં સારજી, એમાં સંશય મા કરશો લગારજી। પ્રગટને ભજી પામ્યા કંઈ ભવ પારજી, ખગ મૃગ જાતિ નર ને નારજી॥ નર નારી અપાર ઉદ્ધર્યાં, પ્રભુ પ્રગટને પામી વળી। તેહના જેવી પ્રાપતિ, નથી કેની જો સાંભળી॥ જેની સાથે જમ્યા રમ્યા જીવન, પુરુષોત્તમ પ્રાણઆધાર। હળ્યા મળ્યા અઢળ ઢળ્યા, કહો કોણ આવે એની હાર॥
જે દર્શ સ્પર્શ પરબ્રહ્મનો, નિત્યપ્રત્યે પામ્યાં નરનાર। સદા સર્વદા સંગ રહી, આપ્યાં હરિએ સુખ અપાર॥
એવું વ્રજવાસીનું સુખ સાંભળી, શિવજીને થયો મને શોચ। કહ્યું પામત જન્મ પશુપાળનો, તો રે’ત નહિ કાંએ પોચ॥ એવી એ પ્રગટ ભક્તિનો, શંભુએ કર્યો સત્કાર। બ્રહ્માને જે ભાગ ન આવી, તે પામિયા વ્રજના રે’નાર॥
અજ અતિ દીન મીન થયો, પામવા પ્રસાદીકાજ। તે પામ્યાં ગોપી ગોવાળ બાળ, જે સોણે ન પામ્યો સુરરાજ॥ વાલ્મિકે વખાણ્યા વાનરને, વ્યાસે વખાણિયા પશુપાળ। તે પ્રગટ ભક્તિ પ્રતાપથી, વાધિયો જશ વિશાળ॥ સહુ પ્રગટ સેવી સુખ પામિયા, તમે સાંભળજો સુજાણ મળી। ડાહ્યા શાણા રહ્યા દેખતા, સુખ પામ્યા વ્રજવાસી વળી॥
એમ પ્રગટ ભક્તિ સહુ ઉપરે, એથી ઉપરાંત નથી કાંઈ। નિષ્કુળાનંદ નિશ્ચે વારતા, સૌને સમઝવી મનમાંઈ॥
કડવું – ૧૬
ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિશેકજી। એહને સમાન નહિ કોઈ એકજી, તે તકે મળે તો ન ભૂલવું નેકજી॥
તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઈ રે’વું સાવધાન। તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન॥ ધર્મ વિચારીને ધનંજયે, યુદ્ધ કરવું નો’તું જરૂર। પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત કર્યો ભરપૂર॥
તેમાં કુળ કુટુંબી સગા સંબંધી, સહુનો તે કર્યો સંહાર। ન ગણ્યા વળી ગુરુ ગોત્રને, સહુને પમાડ્યા પાર॥ એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઈકના પ્રાણ। તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યા પાર્થનાં વખાણ॥ એ સમે એમ ગમતું હતું, તેણે પ્રભુ થયા રળિયાત। શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુવો વિચારી વાત॥
એમ પ્રભુ પ્રગટને, જેહ સમે ગમે જાણો જેમ। તેમ કરવું કર જોડીને, નવ ચડવું બીજે વે’મ॥
વળી પ્રિયવ્રતે પ્રભુ પ્રસન્ન કરવા,નિવૃત્તિ મુકીને પ્રવૃત્તિ ગ્રહિ। તેહ જેવા આ જક્તમાં, બીજા બહુ ગણાણા નહિ॥ માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર। તેમાં હાણ્ય વૃદ્ધિ હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર॥
નિઃસંશય ને નરઉત્થાને, કરવી હરિની ભગતિ। નિષ્કુળાનંદ એ વારતા, મને માનજો છે મોટી અતિ॥
પદ – ૪
સંતો સમે સેવી લિયો સ્વામી રે સંતો સમે સેવી લિયો સ્વામી. જેને ભજતાં રહે નહિ ખામી રે... સંતો૦ ટેક. મટે ખોટ્ય મોટી માથેથી, કોટિક ટળીયે કામી; પૂરણ બ્રહ્મ પ્રભુ મળે પોતે, ધામ અનંતના ધામી રે. સંતો૦॥ જે પ્રભુ અગમ નિગમે કહ્યા, રહ્યા આગે કરભામી; તે પ્રભુ આજ પ્રગટ થયા છે, જે સર્વે નામના નામી રે. સંતો૦॥ અણુ એક એથી નથી અજાણ્યું, જાણો એ છે અંતરજામી; તેને તજીને જે ભજે બીજાને, તે તો કે’વાયે લૂણહરામી રે. સંતો૦॥
જેનાં દર્શ સ્પર્શ કરે પ્રાણી, તેનાં પાપ જાયે વામી; નિષ્કુળાનંદ કે’ આનંદ ઊપજે, પૂરણ પુરુષોત્તમ પામી રે. સંતો૦॥
પૂરણ પુરુષોત્તમ પામિયે જ્યારેજી, તન મનમાંહિ તપાસિયે ત્યારેજી। આવો અવસર ન આવે ક્યારેજી, એમ વિચારવું વારમવારેજી॥ વારમવાર વિચારવું, વણસવા ન દેવી વળી વાત। સમો જોઈને સેવકને, હરિ કરવા રાજી રળિયાત॥
અવળાઈને અળગી કરી, સદા સવળું વર્તવું સંત। અવળાઈયે દુઃખ ઊપજે, વળી રાજી ન થાય ભગવંત॥ જેમ ભૂપના ભૃત્ય ભેળા થઈ, સમા વિના કરે સેવકાઈ। જોઈ એવા જાલમ જનને, રાજા રાજી ન થાયે કાંઈ॥ જ્યા જોઈએ ભલુ ભાગવું, ત્યાં સામો થાય શૂરવીર। જ્યાં જોઈએ થાવું ઉતાવળું, ત્યાં ધરી રહે ધીર॥
જ્યાં જોઈએ હારવું, ત્યાં કરે હઠાડવા હોડ। જ્યાં જોઈએ નમવું, ત્યાં કરે નમાડવા કોડ॥
જ્યાં જોઈએ જાગવું, ત્યાં સૂવે સોડ તાણીને। જ્યાં જોઈએ બોલવું, ત્યાં બંધ કરે છે વાણીને॥ જ્યાં ન જોઈએ બોલવું, ત્યાં બોલે છે થઈ બેવકૂફ। જ્યાં જોઈએ વસવું, ત્યાંથી ખસી જાય છે ખૂબ॥
એવી ભક્તિ જો આવડી, જેમાં રાજી ન થાય રામ। કરવાનું તે કરે નહિ, કરે ન કરવાનું કામ॥ એવા સેવકને શ્રીહરિ, પાસળથી પરા કરે। નિષ્કુળાનંદ એ નરને, સેવતાં સુખ શું આવ્યું સરે॥
કડવું – ૧૮
પ્રગટ પ્રભુની જેને ભક્તિ ન આવડીજી, તેને તો ભૂલ્ય આવે ઘડી ઘડીજી। માગે જો મોળ્ય તો લાવે મોજડીજી, એવી અવળાઈની ટેવ જેને પડીજી॥ ટેવ પડી અવડાઈની, સવળું કરતાં સૂઝે નહિ। એવા ભક્તની ભગતિ, સુખદાયક નો’યે સહિ॥ પાણી માગે તો આપે પથરો, અન્ન માગે તો આપે અંગાર। વસ્ત્ર માગે તો આપે વાલણો, એવી અવડાઈનો કરનાર॥
આવ્ય કહે ત્યાં આવે નહિ, જા કહે ત્યાં ન જવાય। એવા ભક્તની ભગતિ, અતિ અવળી કે’વાય॥
બેસ્ય કહે ત્યાં બેસે નહિ, ઊભો રહે કહે ત્યાં દિયે દોટ। એવા સેવક જે શ્યામના, તે પામે નહિ કે’દી મોટ॥ વારે ત્યાં વળગે જઈ, વળગાડે ત્યાં નવ વળગાય। એવા ભક્ત ભગવાનથી, સુખ ન પામે કહું કાંય॥
જ્યાં રાખે ત્યાં નવ રહી શકે, નવ રાખે ત્યાં રે’વાય। ગ્રહે કહે તો ગ્રહી નવ શકે, મૂક્ય કહે તો નવ મુકાય॥ એવા અનાડી નરને, મર મળ્યા છે પ્રભુ પ્રકટ। પણ આઝો આવે કેમ એહનો, જે ઘેલી રાખશે ઘટે પટ॥ વળી બા’વરીને કહે બાળીશમાં, ઘણી જતન રાખજે ઘરની। તેણે મેલી અગ્નિ મોભથી, નવ માની શીખામણ નરની॥
એવી અવળાઈ આદરી, કોઈ ભક્ત કરે ભક્તાઈ। નિષ્કુળાનંદ એ નરને, નવ થાય કમાણી કાંઈ॥
કડવું – ૧૯
કમાણી કહો ક્યાં થકી થાયજી, નરે ન કર્યો કોઈ એવો ઉપાયજી। જે જે કર્યું તે ભર્યું દુઃખ માંયજી, તે કેમ કરી કરે સેવામાં સા’યજી॥
સા’ય ન થાય ભૂંડપની ભક્તિએ, કોઈ કરે જો કોટિ ઘણી। પરિચર્યા પામર નરની, તે સર્વે સામગ્રી સંકટતણી॥ ઉનાળે પે’રાવે ઊનનાં અંબર, ગરમ ઓઢાડે વળી ગોદડું। સમીપે કરી લાવે સગડી, કહો એથી અવળું શું વડું?॥
વળી પે’રાવે ગરમ પોશાગને, જમાડે ગરમ ભોજન। પાય પાણી ઊનું આણી, કહે પ્રભુ થાઓ પ્રસન્ન॥ જાવંત્રી કસ્તુરી ગરમ લાવી, આપે ઉનાળે એવો મુખવાસ। એવી સેવા કરે વણ સમજે, તે શત્રુ સરીખો દાસ॥ ચોમાસે ચલાવે કીચ વચ્ચે, જેમાં સૂળ્યોના હોય સમોહ। એવા દાસ દુશ્મન જેવા, જે કરાવે ધણીને કોહ॥
શિયાળે શીતળ જળ લઈ, નવરાવે કરીને નીરાંત। પછી ઓઢાડે પલળેલી પાંબડી, નાખે પવન ખરી કરી ખાંત॥
વળી ચર્ચે ચંદન મળિયાગરી, કંઠે પે’રાવે ભીંજેલ હાર। પ્રસન્ન કરે કેમ પ્રગટ પ્રભુને, એવી સેવાના કરનાર॥ સવળી સામગ્રી શોધતાં, અવલોકે ન મળે એક। અણ સમઝણે એવી સેવા, કરવી નહિ સેવક॥
જો આવડે તો જોઈ સમયે, સેવા કરવી સુજાણ। નિષ્કુળાનંદ નરનાથ છે, નથી પ્રભુ મૂર્તિ પાષાણ॥
કડવું – ૨૦
પાષાણ મૂર્તિ પૂજે છે જનજી, તેપણ સમયે જોઈ કરે સેવનજી। સમય વિના સેવા ન કરે કોઈ દનજી, જાણે એમ પ્રભુ ન થાય પ્રસન્નજી॥ પ્રસન્ન કરવા પ્રભુને, સમો જોઈને કરે છે સેવ। વણ સમાની સામગ્રીએ, પૂજે નહિ પ્રતિમા દેવ॥ પરોક્ષને પણ પ્રીતે કરી, સમો જોઈ પૂજે છે સેવક। ત્યારે પ્રભુ પ્રગટને પૂજતાં, જોઈયે વિધવિધ વિવેક॥
સમે દાતણ સમે મર્દન, સમો જોઈને લાવીયે નીર। સમે ચંદન ચરચિયે, સુંદર શ્યામને શરીર॥
સમે વસન સમે ભૂષણ, સમે સજાવવા શણગાર। સમો જોઈ પૂજા કરવી, સમે પે’રાવવા હાર॥ સમે ભોજન સમે શયન, સમે પોઢાડી ચાંપિયે પાય। સમા વિના સેવકને, સેવા ન કરવી કાંય॥
સમે સામું જોઈ રહી, જોવી કર નયણની સાન। તત્પર થઈ તેમ કરવું, રે’વું સમા પર સાવધાન॥ સમે દર્શન સમે પરશન, પૂછવાં તે પ્રેમે કરી। સમે ઉત્તર સાંભળી, તેમ કરવું ભાવે ભરી॥ સમો જોઈ સેવકને, રે’વું હાથ જોડીને હજૂર। સમા વિનાની જે વારતા, તેથી દાસને રે’વું દૂર॥
જે સમે જેવું ગમ્યું હરિને, તેવું કરવું કર જોડીને। નિષ્કુળાનંદ કે’ ન ભૂલવું, કરવું કારજ મન માન મોડીને॥
પદ – ૫
સરલ વરતવે છે સારું રે મનવા... સરલ, માની એટલું વચન મારું રે મનવા૦ ટેક. મન કર્મ વચને માનને રે મેલી, કાઢ્ય અભિમાન બા’રું; હાથ જોડી હાજી હાજી કરતાં, કેદી ન બગડે તે તારું રે; મનવા૦॥ આકડ નર લાકડ સૂકા સમ, એને વળવા ઉધારું। તેને તાપ આપી અતિ તીખો, સમું કરે છે સુતારું રે; મનવા૦॥
આંકડો વાંકડો વીંછીના સરખો, એવો ન રાખવો વારું। દેખી દૃગે કોઈ દયા ન આણે, પડે માથામાં પેજારું રે; મનવા૦॥ હેતનાં વચન ધારી લૈયે હૈયે, શું કહિયે વાતો હજારું। નિષ્કુળાનંદ નિજ કારજ કરવા, રાખિયે નહિ અંધારું રે; મનવા૦॥ ૪॥ પદ॥ નથી અંધારું નાથને ઘેરજી, એ પણ વિચારવું વારમવારજી। સમજીને સરલ વર્તવું રૂડી પેરજી, તો થાય માનજો મોટાની મે’રજી॥
મે’ર કરે મોટી અતિ, જો ઘણું રહિયે ગર્જવાન। ઉન્મત્તાઈ અળગી કરી, ધારી રહિયે નર નિર્માન॥
અવળાઈ કાંઈ અર્થ ન આવે, માટે શુદ્ધ વર્તવું સુજાણ। અંતર ખોલી ખરું કરવું, પોત વિના ન તરે પાષાણ॥ માટે જે કામ જેથી નીપજે, તે બીજે ન થાય મળે જો કોટ। તેને આગળ આધિન રહેતાં, ખરી ભાંગી જાય ખોટ॥
જેમ અન્ન અંબુ હોય એક ઘરે, બીજે જડે નહિ જગમાંઈ। એથી રાખિયે અણ મળતું, તો સુખ ન પામિયે ક્યાંઈ॥ માટે સર્વે સુખ શ્રી હરિમાં રહ્યાં, તે વિના નથી ત્રિલોકમાં। એમ સમુ જે નવ સમઝે, તે નર વરતે કધ્રોકમાં॥ જે ખરા ખપની ખોટવાળા, તે સુખાળા શું થાય છે?। અતિ અનુપમ અવસરમાં, મોટી ખોટને ખાય છે॥
અમળતી અતિ વારતા, તે મેળવી હરિ કરી મે’ર। એહ વારતાની વિગતી કરી, નથી પ્રીછતા કોઈ પેર॥
જેમ અજાણ નરને એક છે, પથ્થર પારસ એક પાડ। બાવના ચંદન બરોબરી, વળી જાણે છે બીજાં ઝાડ॥ પણ પુરુષોત્તમ પ્રગટનું મળવું, તે છે મોઘાં મૂલનું। નિષ્કુળાનંદ નર સમઝી, લેવું સુખ અતુલનું॥૧૦
કડવું – ૨૨
સુખ અતોલ પામવા માટજી, તન મન ધન મર જાય એહ સાટજી। તોય ન મૂકીયે એહ વળી વાટજી, તો સર્વે વારતા ઘણું બેસે ઘાટજી॥ ઘાટ બેસે વાત સરવે, વળી સરે તે સર્વે કામ। કેડે ન રહે કાંઈ કરવું, સેવતાં શ્રીઘનશ્યામ॥
સહુના સ્વામી જે શ્રીહરિ, સહુના નિયંતા જે નાથ। સહુના આશ્રય એહ સેવતાં, સદાય થાય સનાથ॥ દેવના દેવ જે અખંડ અભેવ, અશર્ણશર્ણ સૌના આધાર। સર્વે સુખના વળી સુખનિધિ, સર્વે સારનું પણ સાર॥ સર્વે રસના રસરૂપ અનુપ, સર્વે ભૂપના પણ ભૂપ। સર્વે તેજના તેજ છે એ જ, સર્વે રૂપના પણ રૂપ॥
પરાપાર અપાર એવા, જેની સેવા કરે સહુ કોય। ઈશના ઈશ પરમેશ્વર પોતે, એહ સમ અન્ય નહિ હોય॥
પુરુષોત્તમ પરબ્રહ્મ પૂરણ, સુખદ સર્વના શ્યામ। તેહ નરતન ધરી નાથજી, સુખ દેવા આવે સુખધામ॥ એહ સુર સુરેશ સરીખા નહિ, નહિ ઇશ અજ સમ એહ। પ્રકૃતિ પુરુષ સરીખા નહિ, નહિ પ્રધાન પુરુષ સમ તેહ॥
એવા અંતરજામી અવનિ મધ્યે, આપે આવે છે અલબેલ। ત્યારે સહુ નર નારને, સેવવા જેવા થાય છે સહેલ॥ હોય મનુષ્યાકાર અપાર મોટા, જેની સામર્થીનો નહિ પાર। નિષ્કુળાનંદ એહ નાથનો, કોણ કરી શકે નિરધાર॥
કડવું – ૨૩
નિરધાર ન થાય અપાર છે એવાજી, કહો કોણ જાય પાર તેનો લેવાજી। નથી કોઈ એવી ઉપમા એને દેવાજી, જેહ નાવે કહ્યામાં તો કહિયે એને કેવાજી॥ કહેવાય નહિ કોઈ સરખા, એવા મનુષ્યાકાર મહારાજ। એને મળતે સહુને મળ્યા, એને સેવ્યે સર્યાં સહુ કાજ॥ એને નીરખ્યે સહુ નીરખ્યા, એને પૂજ્યે પૂજ્યા સહુ દેવ। એને જમાડ્યે સહુ જમ્યા, થઈ સૌની એને સેવ્યે સેવ॥
એના થયે થયાં કામ સરવે, એને ભજ્યે ભજી ગઈ વાત। એનાં દરશ સ્પર્શે કરી, સર્વે કાજ સર્યાં સાક્ષાત॥
સહુની પાર સહુને સરે, નર અમરને અગમ અતિ। એવી મૂર્તિ જેને મળી, તેને થઈ છે પૂરણ પ્રાપતિ॥ સર્વે કાર્ય તેનું સરિયું, રહ્યું નહિ અધુરું એક। તે પ્રગટ મૂર્તિ પ્રસંગે, વળી જાય વડો વિશેક॥
પ્રગટ પ્રસન્ન પ્રગટ દર્શન, પ્રગટ કે’વું સુણવું વળી। અતિ મોટી એહ વારતા, વણ મળ્યાની માનો મળી॥ એહ વાત આવી હાથ જેને, તેને કમી કહો કાંઈ રઈ। પારસ ચિંતામણિ પામતાં, સર્વે વાતની સંકોચ ગઈ॥ પામ્યા પરમપદ પ્રાપતિ, અતિ અણતોળી અમાપ। તે કે’વાય નહિ સુખ મુખથી, વળી થાય નહિ કેણે થાપ॥
અખંડ આનંદ અતિ ઘણો, તે તો પ્રગટ મળે પમાય છે। નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એહ સમ અવર કોણ થાય છે॥
કડવું – ૨૪
એની સેવા કરવી શ્રદ્ધાયજી, તેહમાં કસર ન રાખવી કાંયજી। મોટો લાભ માની મનમાંયજી, તક પર તત્પર રે’વું સદાયજી॥
તત્પર રે’વું તક ઉપરે, પ્રમાદપણાને પરહરી। આવ્યો અવસર ઓળખી, કારજ આપણું લેવું કરી॥ અવસરે અર્થ સરે સઘળો, વણ અવસરે વણસે વાત। માટે સમો સાચવી, હરિને કરવા રળિયાત॥
જેમ લોહ લુહાર લૈ કરી, ઓરે છે અગનિ માંઈ। પણ ટેવ ન રાખે જો તા તણી, તો કામ ન સરે કાંઈ॥ એમ પામી પ્રભુ પ્રગટને, સમા પર રે’વું સાવધાન। જોઈ મરજી મહારાજની, ભલી ભક્તિ કરવી નિદાન॥ જેમ તડિત તેજે મોતી પરોવવું, તે પ્રમાદી કેમ પરોવી શકે। પરોવે કોઈ હોય પ્રવીણ પૂરા, તેહ તર્ત તૈયાર રહે તકે॥
એમ અલ્પ આયુષ્ય આપણી, તેમાં પ્રગટ પ્રભુ પ્રસન્ન કરો। જાયે પલ પાછી જડે નહિ, થાય એ વાતનો બહુ ખરખરો॥
જે ખેડુ કોઈ ખેતરમાં, વણ તકે વાવવા જાય। તે ઘેરે ન લાવે ભરી ગાડલાં, મર કરે કોટિ ઉપાય॥ તેમ પ્રગટ પ્રમાણ પ્રભુને મૂકી, ચૂકી સમો થાય સાવધાન। તે જાણે કમાણી કરશું, પણ સામું થયું જ્યાન॥
એહ મર્મ વિચારી માનવી, જાણી લેવી વાત જરૂર। નિષ્કુળાનંદ નિશ્ચે કહે, રહિયે હરિ હોય ત્યાં હજૂર॥
પદ – ૬
હજૂર રહિયે હાથ જોડી રે હરિશું... હજુર, બીજાં સર્વેની સાથેથી ત્રોડી રે; હરિશું૦ ટેક લોક પરલોકનાં સુખ સાંભળી, ધન્ય માની ન દેવું ધ્રોડી। મરીચિ જળ જેવાં માની લેવાં, તેમાં ખોવી નહિ ખરી મોડી રે; હરિશું૦॥ હીરાની આંખ્ય સુણી હૈયે હરખી, છતી છે તે ન નાખીએ ફોડી। તેમ પ્રભુજી પ્રગટ પખી, નથી વાત કોયે રૂડી રે; હરિશું૦॥ રૂડો રોકડો દોકડો દોપ્ય આવે, ના’વે કામ સ્વપ્નની ક્રોડી। તેમ પ્રગટ વિના જે પ્રતીતિ, તે તો ગધ્ધું માન્યું કરી ઘોડી રે; હરિશું૦॥
પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી, મર જો જણાતી હોય થોડી। નિષ્કુળાનંદ નિશ્ચે એમ જાણો, છે ભવસિંધુ તરવા હોડી રે; હરિશું૦॥ ૪॥ પદ॥
ભવજળ તરવા હરિભક્તિ કરોજી, તેહ વિના અન્ય તજો આગરોજી। શુદ્ધ મન ચિત્તે ભક્તિ આદરોજી, તેમાં તન મન મમત પરહરોજી॥ તન મન મમતને તજી, ભજી લેવા ભાવે ભગવાન। તેમાં વર્ણાશ્રમ વિદ્યા વાદનું, અળગું કરી અભિમાન॥
કોઈ દીન હીનમતિ માનવી, ગરીબ ગ્રસેલ રોગનો। તેની ઉપર તીખપ્ય તજી, કરવો ઉપાય સુખ સંજોગનો॥ સર્વે ઠેકાણે સમજવા, છે અંતરજામી અવિનાશ। રખે કોઈ મુજ થકી પણ, તનધારીને ઉપજે ત્રાસ॥ અલ્પ જીવની ઉપરે પણ, રાખે દયા અતિ દિલમાંઈ। પેખી પેખી ભરે પગલાં, રખે થાય અપરાધ કાંઈ॥
સ્થાવર જંગમ જીવ જેહ, તેહ સર્વના સુખદેણ। પશુ પંખી પ્રાણધારી પર, કરે નહિ કરડાં નેણ॥
ઇન્દ્રિયજીત અજાતશત્રુ, સગાં સહુના સુખસ્વરૂપ। દીનપણું ઘણું દાખવે, એવા અનેક ગુણ અનુપ॥ સાધુતા અતિ સર્વે અંગે, અસાધુતા નહિ અણુભાર। એવા ભક્ત ભગવાનના, તે સહુને સુખ દેનાર॥
હિતકારી સારી સૃષ્ટિના, પરમારથી પૂરા વળી। અપાર મોટા અગાધ મતિ, જેની સમજણ નવ જાય કળી॥ એવા ભક્ત જેહને જ મળે, ટળે તેના ત્રિવિધ તાપ। નિષ્કુળાનંદ એહ નાથના, નક્કી ભક્ત એ નિષ્પાપ॥
કડવું – ૨૬
ભક્તિ કરે તે ભક્ત કે’વાયજી, જેથી કોયે જીવ નવ દુઃખાયજી। મહાપ્રભુનો જાણે મોટો મહિમાયજી, સમજે મારા સ્વામી રહ્યા છે સહુમાંયજી॥ સ્વામી મારા રહ્યા સઘળે, સર્વે સાક્ષીરૂપે સદાય। એમ જાણી દિલે ડરતા રહે, રખે કોયે મુજથી દુઃખાય॥ અંતરજામી સ્વામી સૌમાં રહી, દેખે છે મારા દિલની। શું હું સંતાડું સંકલ્પને, એ જાણે છે પળ પળની॥
એમ ભક્ત ભગવાનને, ભાળે સહુમાં ભરપૂર। તેથી દુઃખાયે કોણ દિલમાં, જેને એવું વરતે છે ઉર॥
તે કોણ સાથે કપટ કરે, કોણ સાથે વળી વરતે છળે। કહો કોણનો તે દ્રોહ કરે, જે જાણે છે સ્વામી સઘળે॥ જેના ગુણ ગિરાયે ગાવા ઘટે, તેશું કેમ બોલાય કટુ વચને। જેને પૂજવા જોઈએ પ્રેમશું, તેને દેખાડાય કેમ ત્રાસ તને॥
જેને જમાડ્યા જોઈએ જુગતે કરી, તેને કેમ અપાય નહિ અન્ન। જેને જોઈએ જળ આપવું, તેને ન અપાય જળ કેમ જન॥ એમ સમજી જન હરિના, કરે ભક્તિ અતિ ભરી ભાવ। તેહ વિનાના ભક્ત જેહ, તેહ બાંધે જ્યાં ત્યાં દાવ॥ પણ ભક્ત જે ભગવાનના, તેને મત મમત હોય નહિ। આપાપર જેહ નવ પરઠે, તેહ સાચા ભક્ત કા’વે સહી॥
એવી ભક્તિ આદરવી, જેમાં કસર ન રહે કોઈ જાતની। નિષ્કુળાનંદ ન ભૂલવું, રાખવી ખટક આ વાતની॥
કડવું- ૨૭
ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ જનને મને સુખ ઉપજાવેજી। ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી॥
સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા। તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઈ રહે નહિ મણા॥ જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઈ ચાલે નહિ। સદા પ્રભુને પેખે પાસળે, તે મોકળે મને મા’લે નહિ॥
દૂર હરિને નહિ દેખતાં, સદા સમીપે દેખે છે શ્યામ। તેનું ચિત્ત ચોરી કરી કેમ શકે, ન કરે ન કર્યાનું કામ॥ જાણે પગે ભરું છું જે પગલાં, કરે કરું છું જેહ કામ। રસનાનું જાણે રસ રવનું, જાણે શ્રવણે સુણું તે શ્યામ॥ નયણે રૂપ જે નીરખું, ચરમે લિયું જે સ્પર્શ રસ। નાસે જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું અવશ્ય॥
એમ પેખે પ્રભુને પાસળે, તે ભવભુલવણીમાં ભૂલે નહિ। સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમઝો સહિ॥
એવા જન જગદીશને, માનો મળવા મોંઘા ઘણું। સર્વે શાસ્ત્રમાંહી સૂચવ્યું, માહાત્મ્ય એવા ભક્તતણું॥ જેહ ભક્તને વા’લા ભગવાન છે, તેહ ભક્ત વા’લા છે ભગવાનને। પણ ભક્ત નામે રખે ભૂલતા, એ તો ગાયા છે ગુણવાનને॥
ભાગ્ય હોય તો એવા ભક્તની, ભેટ્ય થાય ભવમાંઈ। નિષ્કુળાનંદ તો નરને, કરવું રહે નહિ કાંઈ॥
કડવું – ૨૮
કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી। જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી॥ હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ। આ દેહે કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ॥ આ નેણે નીરખીયે નાથને, મુખોમુખ કરિયે વાત। આવે અવસર એવો ક્યાં થકી, જે પ્રભુ મળે સાક્ષાત॥
અંગોઅંગ એને મળવું, તે તો મહા મોંઘો છે મેળાપ। નો’તો ભરોંસો ભીંતરે, જે મળશે અલબેલો આપ॥
જમવું રમવું જોડે બેસવું, એવો ક્યાં થકી પામિયે પ્રસંગ। મોટા મોટાને મુશ્કેલ મળવો, સુણી સદા રે’તા મનભંગ॥ સર્વે પ્રકારે સાક્ષાત સંબંધ, જેનો અતિ અગમ અગાધ્ય। તેહ મળે કેમ મનુષ્યને, જે દેવને પણ દુરારાધ્ય॥
તેહ પ્રભુજી પ્રસન્ન થઈ, નરતન ધરી મળ્યા નાથ। તેણે સર્વે રીતે સુખ આપિયાં, થાપિયા સહુથી સનાથ॥ હળી મળી અઢળ ઢળીને, આપી ભક્તિ આપણી। તેહ ભક્તિને ભવ બ્રહ્માએ, માગી મગન થઈ ઘણી॥ ભક્તિમાં છે ભાર ભારે, તે જેને તેને જડતી નથી। પુણ્યવાન કોઈ પામશે, વારેવારે શું કહિયે કથી॥
પ્રગટની પરિચરિયા, છે માનવીઓને મોંઘી ઘણી। નિષ્કુળાનંદ એ નૌત્તમ નિધિ, સૌ સમઝો છે સુખતણી॥
પદ - ૭
ભક્તિનિધિનો ભંડાર રે સંતો... ભક્તિ, તેને શું કહું હું વારમવાર રે... સંતો૦। ભક્તિ કરીને કંઈ સુખ પામ્યા, નર અમર અપાર। સુર નર મુનિજન સૌ કોઈ મનમાં, સમજ્યા ભક્તિમાં સાર રે; સંતો૦॥ ઋષિ તપસી વનવાસી ઉદાસી, ભાળે ભક્તિમાં ભાર। જાણે સેવા કેમ મળે હરિની, અંતરે એવો વિચાર રે; સંતો૦॥
આદિ અંતે મધ્યે મોટપ્ય પામ્યા, તે તો ભક્તિ થકી નિરધાર। ભક્તિ વિના ભટકણ ન ટળે, ભમવાનું ભવ મોઝાર રે; સંતો૦॥ તેહ ભક્તિ પ્રગટની પ્રીછજો, અતિ અનુપ ઉદાર। નિષ્કુળાનંદ નકી એ વારતા, તેમાં નહિ ફેરફાર રે; સંતો૦॥ ૪॥ પદ॥ ફેર નથી રતી ભક્તિ છે રૂડીજી, દોયલા દિવસની માનજો એ મુડીજી। એ છે સત્ય વાત નથી કાંઈ કૂડીજી, ભવજળ તરવા હરિભક્તિ છે હૂડીજી॥
હૂડી છે હરિની ભગતિ, ભવજળ તરવા કાજ। અપાર સંસાર સમુદ્રમાં, જબર જાણો એ ઝાજ॥
સો સો ઉપાય સિંધુ તરવા, કરી જુવે જગે જન કોય। વહાણ વિનાનાં વિલખાં, સમજી લેવાં જન સોય॥ તેમ ભક્તિ વિના ભવદુઃખનો, આવે નહિ કેદિયે અંત। માટે ભક્તિ ભજાવવી, સમજી વિચારીને સંત॥
ખાધા વિના જેમ ભૂખ ન ભાંગે, તૃષા વીતે નહિ વણ તોય। તેમ ભક્તિ વિના ભવદુઃખ જાવા, નથી ઉપાય કહું કોય॥ જગજીવન વિના જેમ નગ ન ભીંજે, રવિ વિના ટળે નહિ રાત। તેમ ભક્તિ વિના ભારે સુખ મળે, એવી રખે કરો કોઈ વાત॥ જેમ પ્રાણધારીના પ્રાણને, જાણો આહારતણો છે આધાર। તેમ ભક્તિ ભગવાનની, સર્વેને સુખ દેનાર॥
જળચરને જેમ જળ જીવન, વનચરને જીવન વન। તેમ ભક્ત ભગવાનનાને, જાણો ભક્તિ એ જ જીવન॥
જેમ ઝષ ન રહે જળ વિના, રહે કીચે દાદુર કૂર્મ। તેમ ભક્ત ન રહે હરિભક્તિ વિના, રહે ચિત્તે ચિંતવે જે ચર્મ॥ માટે ભક્તને નવ ભૂલવું, કરવી હરિની ભગતિ। નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, આદરશું કરવી અતિ॥
કડવું – ૩૦
અતિ આદરશું કરવી ભક્તિજી, તેમાં કાંઈ ફેર ન રાખવો રતિજી। પામવા મોટી પરમ પ્રાપતિજી, માટે રાખવી અડગ એક મતિજી॥ મતિ અડગ એક રાખવી, પરોક્ષ ભક્તના પ્રમાણ। આસ્તિકપણું ઘણું આણીને, જેણે ભજ્યા શ્યામ સુજાણ॥ શાસ્ત્ર થકી જેણે સાંભળ્યા, ભક્તિતણા વળી ભેદ। તેમની તેમ તેણે કરી, ઉર આણી અતિ નિરવેદ॥
કેણેક કર કપાવિયા, કેણે મુકાવિયું કરવત। કોઈ વેચાણા શ્વપચ ઘરે, કોઈ પડ્યા ચડી પરવત॥
કેણેક અસ્થિ આપિયાં, કેણે આપ્યું આમિષ। કેણેક ઋષિરથ તાણિયો, કેણેક પીધું વળી વિષ।૫॥ કેણેક તજી સર્વે સંપત્તિ, રાજપાટ સુખ સમાજ। અન્ન ધન ધામ ધરણી, મેલી મોહન મળવા કાજ॥ કોઈક લટક્યા કૂપ મધ્યે, કોણેક આપી ખેંચી તનખાલ। કોઈ સૂતા જઈ શૂળિયે, મોટો જાણી મહારાજ માંહિ માલ॥
કોણેક તપ કઠણ કર્યાં, મેલી આ તન સુખની આશ। હિંમત કરી હરિ મળવા, કહિયે ખરા એ હરિના દાસ॥ પરોક્ષ ભક્ત એ પ્રભુતણા, ઘણા અતિ એ આગ્રહવાન। ત્યારે પ્રગટના ભક્તને, કેમ સમે ન રે’વું સાવધાન॥ આદિ અંતે વિચારીને, કરી લેવું કામ આપણું। નિષ્કુળાનંદ ન રાખવું, હરિભક્તને ગાફલપણું॥
કડવું – ૩૧
ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે આપણોજી। પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાંગે કેમ ખરખરો એહ ખોટ તણોજી॥
ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નર નિશ્ચે કરી। જે ગઈ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી॥ પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ। જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ॥
નયણે ન નીરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિવાત। એ ખોટ્ય ભાંગે કેમ જુવો ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી જાત॥ પશુ પંખી પન્નગનાં વળી, આવે તન અનંત। તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત॥ માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઈ ન કહેવાય। તેહ સારુ સમઝી શાણા, નરતનના ગુણ ગાય॥
એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને। તેને થાશે ઉરે ઓરતો, સમઝી લેજો સહુ મર્મને॥
આવો સમાજ આવતો નથી, જુવો ચોરાશી દેહને ચિંતવી। તે તન ખોયું પશુ પાડમાં, કહો વાત શું સમજ્યા નવી॥ મનષ્ય હોય તેને મનમાં, કરવો વિવેક વિચાર। માનવ દેહ મોંઘો ઘણું, નહિ અન્ય દેહને એ હાર॥
માટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી। નિષ્કુળાનંદ નરતનનું, નથી થાતું મળવું ફરી॥
કડવું – ૩૨
ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો દાવોજી। સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી, અવર સુખનો કરી અભાવોજી॥ અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો। અમૂલ્ય આવા અવસરને, ખોઈને ખાટ્યો કોણ કહો॥
જેમ ચિંતામણિ મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે। શેતખાનની સાંકડે, હરિમંદિરને કેમ પાડિયે॥ તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર। તે વિષય સુખમાં વાવરી, ખરી કરવી નહિ ખુવાર॥ જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી, ફાડી બગાડી કરે બાળોતિયું। એ સમજણમાં સેલી પડો, કામધેનુ દોહી પાઈ કૂતિયું॥
તેમ મનુષ્ય દેહે કરી દાખડો, પોષિયું કુળ કુટુંબને। દાટો પરું એ ડા’પણને, ખરસાણી સારુ ખોયો અંબને॥
જેમ કુંભ ભરી ઘણા ઘી તણો, કોઈ રાખમાં રેડે લઈ। એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઈ॥ તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં। કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ વ્યર્થમાં॥
માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમઝી સવળું કામ। વણ અર્થે ન વણસાડવો, આવો દેહ અતિ ઇનામ॥ જે રહી ગઈ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો। નિષ્કુળાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો॥
પદ – ૮
ભજો ભક્તિ કરી ભગવન રે; સંતો ભક્તિ કરી ભગવન રે. માનો એટલું હિત વચન રે, સંતો૦। ટેક ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન। ભક્તિ વિના ભવદુઃખ ન ભાંગે, એ પણ માનવું મન રે; સંતો૦॥
ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન। ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સો સો જો સાધન રે; સંતો૦॥ ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન। જે પામી ન રહે પામવું, એવું એ સુખસદન રે; સંતો૦॥
તે ભક્તિ તન માનવે થાયે, નહિ અન્ય તન કરવા સંપન। નિષ્કુળાનંદ કે’ નિરાશ થઈને, કરો હરિસેવન રે; સંતો૦॥ ૪॥ પદ॥ સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી। એહને ભક્ત રખે કોઈ માનોજી, અંતર પિતળ છે બા’રે ધૂંસ સોનાનોજી॥ સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો। લાખો લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ ઉપલો॥
ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધશું। સારો સારો સહુ કોઈ કહે, પામ્યો આ લોક સુખ પ્રસિદ્ધશું॥
ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે ગામોગામ। મળ્યું સુખ વણ મહેનતે, જ્યારે કરી તિલક ધરી દામ॥ આડંબર આણી ઉપલ્યો, થયો ભક્ત તે ભરપૂર। જાણ્યું કસર કોઈ વાતની, જોતાં રહી નથી જરૂર॥
એવો બા’રે વેષ બનાવિયો, સારો સાચા સંત સમાન। પણ પાછું વળી નવ પેખિયું, એવું આવી ગયું અજ્ઞાન॥ જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્ત ભક્ત કહે છે ભવમાંઈ। ભક્તપણું નથી ભાસતું, ભાસે છે ઠાવકી ઠગાઈ॥ જે સર્વે સુખ શરીરનાં, લઈ લેવાં લોકની પાસથી। ભક્ત જાણી ભોળવાઈ ભોળા, આપે હૈયે હુલાસથી॥
વળી વા’લી વસ્તુ વિલોકીને, આણી આપે જાણી હરિદાસ। જાણે અરથ એથી સરશે, એવો આણી ઉરે વિશ્વાસ॥
તે વાત નથી તપાસતો, એવો દિલે દગાદાર છે। નિષ્કુળાનંદ નર કળ કરે છે, પણ સરવાળે શું સાર છે?॥
કડવું – ૩૪
ભક્તિ કરે તેહ ભક્ત કે’વાયજી, ભક્તિ વિના જેણે પળ ન રે’વાયજી। શ્વાસોશ્વાસે તે હરિગુણ ગાયજી, તેહ વિના બીજું તે ન સુહાયજી॥
સુહાય નહિ સુખ શરીરનાં, હરિભક્તિ વિના ભૂલ્યે કરી। અખંડ રહે અંતરમાં, કરવા ભક્તિ ભાવે ભરી॥ હમેશ રહે હરખ હૈયે, ભલી ભાતે ભક્તિ કરવા। ભૂલ્યે પણ હરિભક્તિ વિના, ઠામ ન દેખે ઠરવા॥
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, સુખ સ્વપ્ને પણ સમજે નઈ। ચૌદ લોક સુખ સુણી શ્રવણે, લોભાય નહિ લાલચુ થઈ॥ ભક્તિ વિનાનો નહિ ભરોસો, સદા સ્થિર રે’વા કોઈ ઠામ। માટે મૂકી ન શકે ભગતિને, અતિ સમજી સુખનું ધામ॥ નવે પ્રકારે નકી કરીને, ભાખ્યા ભક્તિતણા જેહ ભેદ। તે અતિ આદરશું આદરે, કરી અહંમમત ઉચ્છેદ॥
અહંમમત જાય જ્યારે ઊચલી, ત્યારે પ્રગટે પ્રેમલક્ષણા। ત્યારે તેહ ભક્તને વળી, રહે નહિ કોઈ મણા॥
અરસ પરસ રહે એકતા, સદા શ્રીહરિની જો સાથ। અંતરાય નહિ એકાંતિકપણું, ઘણું રહે શ્યામની સંગાથ॥ એવે ભક્તે ભગવાનની, ભલી ભાત્યે ભજવી ભગતિ। ભક્તિ કરી હરિ રીઝવ્યા, ફરી રહ્યું નહિ કરવું રતિ॥
કરીયે તો કરીયે એવી ભગતિ, જેમાં રહ્યો સુખનો સમાજ। નિષ્કુળાનંદ ન કરીએ, ભક્તિ લોક દેખાડવા કાજ॥
કડવું – ૩૫
સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ લાગેજી। ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી, તેહ વિના બીજું સરવસ ત્યાગેજી॥ ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર। ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર॥
અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાણી વળી સોડ। નિર્દોષ થાવા નાથનું, કરે ભજન સ્તવન કરજોડ॥ મહા મે’નતે કરી મેલિયું, વળી અર્થે ભર્યું એવું અન્ન। તે ખાઈને ખાટ્ય માને નહિ, જો ન થાય હરિનું ભજન॥ વળી વસ્ત્ર વિવિધ ભાતનાં, આપ્યાં અંગે ઓઢવા માટ। તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો, ખોળી જુવો શી થઈ ખાટ્ય॥
એણે આપ્યું નથી અન્ન ઉષર જાણી, હૈયે હજાર ઘણી છે લેવા હામ। એહ આપવું પડશે આપણે, કે આપશે શ્રીઘનશ્યામ॥
ઘનશ્યામને શિર શીદ દિયે, જૈયે ન કર્યું ભક્તિ ભજન। રહે વિચાર એહ વાતનો, હૃદિયામાંહિ રાત દન॥ ખરું ન કર્યું ખાધા જેટલું, ઇચ્છ્યો ભક્ત થાવા એકાંત। તે તો ઘાસકટુ ઘેવરનાં ભાતાં, ખાવા કરે છે ખાંત॥
એહ વાત બંધ કેમ બેસશે, હરિભક્ત તે હૈયે ધારિયે। માટે સૂતાં બેઠાં જાગતાં, અતિ હેતે હરિને સંભારિયે॥ એમ જાણે છે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ। નિષ્કુળાનંદ કહે વેશ વરાંસે, ફોગટ મને ફૂલે નહિ॥
કડવું – ૩૬
ફૂલ્યો ન ફરે ફોગટ વાતેજી, ભક્તિ હરિની કરે ભલી ભાતેજી। ભૂલ્યો ન ભમે ભક્તિની ભ્રાંતેજી, નક્કી વાત ન બેસે નિરાંતેજી॥ નિરાંત નહિ નક્કી વાત વિના, રહે અંતરે અતિ ઉતાપ। ઉર વિકાર વિરમ્યા વિના, નવ મનાય આપ નિષ્પાપ॥ દાસપણામાં જે દોષ છે, તે દૃગ આગળ દેખે વળી। માટે મોટપ્ય માને નહિ, સમઝે છે રીત એ સઘળી॥
ખોટ્ય મોટી એ ખોવા સારુ, કરે ભક્તિ હરિની ભાવે ભરી। જાણે ભક્તિ વિના ભાંગશે નહિ, ખોટ એહ ખરાખરી॥
માટે અતિ આગ્રહ કરી, હરિભક્તિ કરે ભરપૂર। ભક્તિમાં જેથી ભંગ પડે, તેથી રહે સદા દૂર॥ જાણે જે ઉદ્યમે જન્મોજન્મનું, દારિદ્ર્ય દૂર થાય। તે ઉદ્યમની આડી કરે, તેથી વેરી કોણ કે’વાય॥
તેમ ભક્તિ થકી ભવદુઃખ ભાગે, જાગે ભાગ્ય મોટું જાણવું। તે વિમુખની વાત સાંભળી, અંગે આળસ નવ આણવું॥ જેમ સહુ સહુને સ્વારથે, સાચું રળે છે સરવે। તેમ હરિભક્તને, કસર ન રાખવી ભક્તિ કરવે॥ મોટી કમાણી જાણી જન, તન મને રે’વું તતપર। બની વાત જાય બગડી, જો ચૂકિયે આ અવસર॥
જે તકે જે કામ નીપજે, તે વણ તકે નવ થાય। નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એ પણ સમજવું મનમાંય॥
પદ – ૯
સંતો મનમાં સમજવા માટ રે, સંતો મનમાં સમજવા માટ રે; કેદિ મેલવી નહિ એ વાટ રે; સંતો૦॥ જોઈ જોઈને જોયું છે સર્વે, વિવિધ ભાતે વૈરાટ। ભક્તિ વિના ભવ ઉદ્ભવનો, અળગો ન થાય ઉચ્ચાટ રે; સંતો૦॥ તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ। અવધિયે અવશ્ય અખંડ ન રહે, તો શી થઈ એમાં ખાટ્ય રે; સંતો૦॥
માટે ભક્તિ ભવભયહરણી, કરવી તે શીશને સાટ। તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટ રે; સંતો૦॥ ભક્તિથી કાયા જાણે છૈયે ડાહ્યા, એવું ડાહ્યાપણું પરું ડાટ। નિષ્કુળાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ હાટ રે; સંતો૦॥ ૪॥ પદ॥ ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી। તન મન ત્રિવિધ તાપનાં હરણજી, એવાં જાણી જન સદા રહે શરણજી॥
શરણે રહે સેવક થઈ, કેદિ અંતરે ન કરે અભાવ। જેમ વાયસ વાહણ તણો, તેને નહિ આધાર વિના નાવ॥
તેમ હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર। તે મૂકી ન શકે તને મને, જાણી ભારે સુખ ભંડાર॥ જેમ પતિવ્રતા હોય પ્રમદા, તે પતિ વિના પુરુષ પેખે નહિ। બીજા સો સો ગુણે કોઈ હોય સારા, તોય દોષિત જાણી દેખે નહિ॥
તેમ ભક્ત ભગવાનના, હોય પતિવ્રતાને પ્રમાણ। પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ॥ જેમ બપૈયો બીજું બુંદ ન બોટે, સ્વાતિ વિના સુધાસમ હોય। પિયુ પિયુ કરી પ્રાણ પરહરે, પણ પિયે નહિ અન્ય તોય॥ તેમ જન જગદીશના, એક નેક ટેકવાળા કે’વાય। સ્વાતિબિંદુ સમ સ્વામીનાં વચન, સુણી ઉતારી લિયે ઉરમાંય॥
જેમ ચકોરની ચક્ષુ ચંદ્ર વિના, નવ લોભાય ક્યાંહી લગાર। તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર॥
એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઈ। મન વચન કર્મે કરી, શ્રીહરિના રહ્યા થઈ॥ એવા ભક્તની ભક્તિ જાણો, વા’લી લાગે વા’લાને મન। નિષ્કુળાનંદ કહે નાથને, એવે જને કર્યા પ્રસન્ન॥ ૧૦॥ કડવું॥
કડવું – ૩૮
પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઈ વાત ન રહી અગમજી। સર્વે લોક ધામ થયાં સુગમજી, એમ કહે છે આગમ નિગમજી॥ આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઈ। સર્વે સુખની સંપતિ, આવિ રહી એના ઉરમાંઈ॥
સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને સરે જેહ સુખ। તે પામે છે ભક્ત પ્રભુતણા, ઘણું ઘણું શું કહીએ મુખ॥ સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તક પર જે મોડ। સહુથી એ સરસ થયા, કોણ કહિયે જાણો એની જોડ॥ સર્વે કમાણીને સરે કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય। તેહ પામી પૂરણ થયા, તે તો ભક્તિ કરી તેહ માટ્ય॥
સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીત પર થઈ જીત। સર્વે સારનું સાર પામિયા, જેને થઈ પ્રભુ સાથે પ્રીત॥
જેમ મોટા રાજાની રાજનિધિ, તે લડ્યે લેશ લેવાય નઈ। પણ જનમી એ જનક કર્યો. ત્યારે સર્વે સંપત્તિ એની થઈ॥ તેમ સેવક સુત શ્રીહરિતણા, મણા એને કોઈ વાતની નથી। પૂરણ પદની છે પ્રાપતિ, અતિશય શું કહિયે કથી॥
જેમ અતિ ઉંચો અંબરે ચઢે, આકાશે વસે જ્યાં અનળ। એથી ઊંચો તો એક શૂન્ય છે, બીજાં હેઠાં રહ્યાં સકળ॥ તેમ ભક્તિ થકી આ બ્રહ્માંડમાં, નથી સરસ જોયું શોધીને। નિષ્કુળાનંદ પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને॥
કડવું – ૩૯
મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી। જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી॥ ભક્તિ પ્રભુ પ્રગટની, જે જે કરી છે હરિજને। તે તેને પળ પાકી ગઈ, સહુ વિચારી જુવો મને॥ કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું હરિને અંગે ચંદન। તેણે કરી તન ટેડાઈ ટળી, વળી પામી સુખસદન॥
સઈ સુદામા માળીનું, સમાપર સરી ગયું કામ। તે પ્રગટ પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ॥
વિદુર ભાજીને ભોજને, જમાડિયા જગજીવન। તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષશું સાધન॥ સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ। તેણે દારિદ્ર દૂર ગયું, થયું અતિ સુખ અતુલ॥
પંચાલિયે પાત પાત્રમાંથી, શોધી જમાડિયા હરિ આપ। તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તે તો પ્રગટને પ્રતાપ॥ વળી ચીર ચીરીને ચિંથરી, આપી હરિ કરે બાંધવા કાજ। તેણે કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ॥ એમ પ્રગટના પ્રસંગથી, જે જે સર્યાં જનનાં કામ। તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઈ હામ॥
વારે વારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર। નિષ્કુળાનંદ તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર॥
કડવું – ૪૦
પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ્ય ઉરમાંયે આણીજી। સહુથી સરસ શિરોમણી જાણીજી, એહ ભક્તિથી તર્યાં કૈંક પ્રાણીજી॥ પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે ભલી। સર્વે થકી સરસ સારું, કરી દિયે કામ એ એકલી॥
જેમ તમ ટાળવા રાત્યનું, ઊગે ઉડુ આકાશે અનેક। પણ રવિ વિનાની રજની, કહો કાઢી શકે કોણ છેક॥ તેમ ભક્તિ ભગવાનની, સમજો સૂરજ સમાન। અતિ અંધારું અહંતાતણું, તે ભક્તિથી ટળે નિદાન॥ નમ્રતા ને જે નમવું, દમવું દેહ મન પ્રાણને। તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે હંમેશ થાવું હેરાણને॥
દુર્બળતા ને દીન રે’વું, રીબને ગરજું ઘણું। તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું॥
ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો। જાણું કમાણી કાઢશું, ત્યાં તો ઉલટો વળ્યો ઓટલો॥ જેમ ચોબો છબો થાવા ચાલિયો, દશો ચાલ્યો વિશો થાવા વળી। તે નીસર્યો મૂળગી નાતથી, રહ્યો ભટકતો નવ શક્યો ભળી॥
તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લૈ ભૂંડાઈ ભાગ। અતિ ઊલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ॥ તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઈ તે ભરપૂર। નિષ્કુળાનંદ એ નરને, થયું જ્યાન જાણો જરૂર॥
પદ – ૧૦
જ્યાન ન કરવું જોઈએ રે સંતો જ્યાન૦, અતિ અંગે ઉન્મત્ત હોઈ રે; સંતો૦॥ ટેક . જો જાયે જાવે તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઈ। નહિ તો બેસી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈ રે; સંતો૦॥
જો ડૂબકી દિયે દરિયામાં, મોતી સારુ મને મોહી। તો લાવિયે મુક્તા મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈ રે; સંતો૦॥ જો જાયે જળ જાહ્નવી ના’વા, તો આવીયે કિલબિષ ધોઈ। પણ સામુ ન લાવિયે સમઝી, પાપ પરનાં તે ઢોઈ રે; સંતો૦॥
તેમ ભક્ત થઈને ભક્તિ કરિયે, હરિચરણે ચિત્ત પ્રોઈ। નિષ્કુળાનંદ કે’ નર ઘર મૂકી, ન જીવીએ જનમ વગોઈ રે; સંતો૦॥ ૪॥ પદ॥ જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એ તો થયું જેમ મા’ મહિને માવઠુંજી। વિવાયે વે’ચાણી લાણીમાં એલઠુંજી, એહમાંહી સારું શું કર્યું એકઠુંજી॥ સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ। જેમ ગીંગો ગયો ગંગાજીએ, નાકે દુર્ગંધીનો ભરેલ॥
તેમ ભક્તિમાં કોઈ આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ। પાકી મૃત્તિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ॥
જેમ સિંધુ જોજન સો લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ। તે સમઝુ કેમ સમઝિયે, જે રાચ્યો રાંધવા પાષાણ॥ એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની વાત। જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત॥
એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ। જે એ ભક્તિ અતિ ભજાવશે, એવો દિલે ન રાખવો ડોડ॥ એમ ભાવ વિનાની ભગતિ, નર કરી શકે નહિ કોય। ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન હોય॥ જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની। તેને ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની॥
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઈ મન। રાત દિવસ રાચી રહે, સાચા કે’વાય તે હરિજન॥
પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ કલપ સમ થાય। નિષ્કુળાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગ માંય॥
કડવું – ૪૨
જુગો જુગ જીવન રહે જન હેતજી, જે જને સોંપ્યું તન મન સમેતજી। સહુશું તોડી જેણે પ્રભુશું જોડી પ્રીતજી, એવા ભક્તની કહું હવે રીતજી॥
રીત કહું હરિભક્તની હવે, જેણે પ્રભુ વિના પળ ન રે’વાય। જેમ જળ વિના ઝષના, પળ એકમાં પ્રાણ જાય॥ અમૃત લાગે તેને મૃત જેવું, પંચામૃત તે પંક સમાન। શય્યા લાગે શૂળી સરખી, જો ભાળે નહિ ભગવાન॥
શ્રીખંડ લાગે પંડ્યે પાવક જેવું, માળા લાગે મણીધર નાગ। હરિસેવા વિના હરિજનને, અન્ય સુખ થઈ ગયાં આગ॥ વળી ભુવન લાગે તેને ભાગશી, સંપત તે વિપત સરખી। કિર્તિ જાણે કલંકે ભરી, સુણી હૈયે ન જાય હરખી॥ નિરાશી ઉદાશી નિત્યે રહે, વહે નયણમાં જળધાર। હરિ વિનાનું હોય નહિ, હરિજનને સુખ લગાર॥
સૂતાં ન આવે નિદ્રા, જેને જમતાં ન ભાવે અન્ન। ભક્તિ વિના હરિભક્તને, એમ વરતે રાત ને દન॥
ગાન લાગે શબ્દ સિંહ સર્પ સમ, તાન લાગે તાડન તન। પડયું વિઘન જાણી તે પરહરે, ભક્તિ વિના ભાવે નહિ અન્ય॥ પ્રભુ વિના જેના પંડમાં, પ્રાણ પીડા પામે બહુપેર। એવા ભક્તને ભાળી વળી, મહાપ્રભુ કરે છે મે’ર॥
ભાખ્યા ગુણ હરિભક્તના, જોઈએ એવા જનમાં જરૂર। નિષ્કુળાનંદ કહે નાથ એવાથી, પળ એક રહે નહિ દૂર॥
કડવું – ૪૩
દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી। જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખે છે કૃપાળજી॥ કૃપાળ એમ કૃપા કરી, સમે સમે કરે છે સંભાળના। નિત્યે નજીક રહી નાથજી, પળે પળે કરે છે પ્રતિપાળના॥
ખાતાં પીતાં સૂતાં જાગતાં, ઘણી રાખે છે ખબર ખરી। ઊઠતાં બેસતાં ચાલતાં, હરે છે સંકટ શ્રીહરિ॥ નર અમર મનુજાદથી, રક્ષા કરે છે રમાપતિ। ભૂત ભૈરવ ભવાનીના ભયને, રાખે છે તે રોકી અતિ॥ અંતરશત્રુ ન દિયે કેદી ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર। નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી કરે વળી વા’ર॥
પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ। પણ ભક્તની ભીડ્ય ભાંગવા, રહે છે તૈયાર આઠું જામ॥
દેખી ન શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ। માને સુખ ત્યારે મનમાં, જ્યારે ટાળે જનના ત્રાસ॥ સાચા ભક્તની શ્રીહરિ, સદા સર્વદા કરે છે સહાય। તે લખ્યાં છે લક્ષણ ભક્તનાં, હરિએ હરિગીતા માંય॥
એવા ભક્તના અલબેલડો, પૂરે છે પૂરણ કોડ। તેહ વિનાના ત્રિશંકુ જેવા, રખે રાખો દલે કોઈ ડોડ॥ એક ભેરવજપ બીજી ભગતિ, તે અણમણતાં ઓપે નહિ। નિષ્કુળાનંદ નક્કી વારતા, જે કે’વાની હતી તે કહી॥
કડવું – ૪૪
ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી। સમજીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મુકાશેજી॥ મુકાશે બીજાં બંધનથી, રહેશે રાચી સાચી ભલી ભક્તિયે। ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે॥ વિધવિધે વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી। ભક્તિ વિના કોઈ ભલું કરવા, ભાળશે નહિ ભવમાં ફરી॥
સહુથી સરસ સમજશે, ભક્તિ અતિ ભગવાનની। તેને તોલ તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની॥
એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિ તણા। જાણશે પોતાના જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા॥ મોટે મોટે વળી મહિમા, ભાખ્યો ભક્તિનો ભારે બહુ। તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમજુ સમજી લિયો સહુ॥
બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું। પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું॥ માટે કોઈને એ કરતાં, ભાવ થાતો નથી ભીંતરમાં। પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું આદરી બેઠાં ઘરોઘરમાં॥ જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા ભગત। એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એ પણ જાણવી વિગત॥
સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર। નિષ્કુળાનંદ હવે નહિ કહે, સહુ સમજજો નિરધાર॥
પદ – ૧૧
નિરધારી છે નિગમે વાત રે સંતો... નિરધારી૦। થાયે ભક્તિયે હરિ રળિયાત રે; સંતો૦॥ ટેક ભક્તિ વિના ભવરોગ ન નાસે, રહે દુઃખ દિન રાત। ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું સાક્ષાત રે; સંતો૦॥ ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા ઘાત। ભક્તિ કરી ભારે ભાગ્ય જાગે છે, નથી એ વાત અખ્યાત રે; સંતો૦॥
ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત। ધન્ય ધન્ય એ જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાત રે; સંતો૦॥ ભક્તિ કરી ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત। નિષ્કુળાનંદ કે’ નાથ મળીને, દીધી ભક્તિની દાત રે; સંતો૦॥ ૪॥ પદ॥
પદ – ૧૨
ભક્તિ છે ભવજળ વહાણ, સિંધુ તરવા સુખરૂપ છે એ। સમઝીને જુવો સુજાણ, પાર ઊતરવા એ અનુપ છે એ॥
એહ નાવથી જો અપાર, ઊતરિયા અર્ણવને એ। ન થાય તેનો નિરધાર, તો શું કરું તેના વર્ણવને એ॥ ઉચ્ચ ને નીચ અનંત, પાર સહુને પોત કરે એ। એમ ભક્તિથી જાણજો જન, સુખ કાંઈ પામ્યા સરે એ॥
ધન્ય એ ભક્તિ જા’જ, તારી તરીયે તીર કર્યાં એ। પામિયા સુખ સમાજ, તે ભક્તિપ્લવે ભવ તર્યા એ॥ બેઠા એ બેડીને માંયે, બૂડવાની તો બીક ટળી એ। કરવું રહ્યું નહિ કાંય, બ્રહ્મમોહોલમાં બેઠા ભળી એ॥ સંતને એ સુખરૂપ, હોડી રૂડી હરિભગતિ એ। કોણ ભિક્ષુ કોણ ભૂપ, સહુને આપે એ શુભ ગતિ એ॥
એહ વિના નર નિરધાર, પાર તે કોઈ પામ્યા નહિ એ। શું કહિયે વારમવાર, સહુ સમઝીને કરો સહી એ॥
વખાણી વા’ણને તોલ, ભક્તિ અતિ ભવ તરવા એ। ભાગે આવે બ્રહ્મમો’લ, કેડે ન રહે કાંઈ કરવા એ॥ ભક્તિથી નર અમર, અસુર પણ ઉદ્ધર્યા કંઈ એ। સદા સુખ થાવાનું ઘર, ભક્તિ વિના ભાળ્યું નઈ એ॥
ભક્તિ વશ્ય ભગવાન, આવે છે અક્ષરધામથી એ। નક્કી એ વાત નિદાન, જૂઠી જરાયભાર નથી એ॥ જે જે ધર્યા અવતાર, તે ભક્તની ભક્તિ જોઈને એ। નથી થાતો નિરધાર, જે આવે જાણ્યા બીજા કોઈથી એ॥ જોઈ લીધું છે જરૂર, અવિનાશીનું આંહી આવવું એ। ભક્તિ ભાળી ભરપુર, ભક્તનું દુઃખ નસાવવું એ॥
તે વિના કર્યો તપાસ, અલબેલો આંહી આવે નહિ એ। ભક્તિવાળા ભક્ત પાસ રે’વા ભાવે બીજે ભાવે નહિ એ॥
બીજા ઉદ્યમ કરે છે અનેક, પણ ભક્તિવાળા ભાવે ઘણું એ। જેના તન મનમાં એ ટેક, જે કરવા ગમતું હરિતણું એ॥ એવા ભક્ત જે કોઈ ભાવિક, હરિભક્તિ વિના ભાવે નહિ એ। કરી અંતરમાંય વિવેક, ગુણ બીજાનો ગાવે નહિ એ॥
સર્વે સાધનમાંહિ સાર, ભક્તિ કળશ કંચનનો એ। રાખવો એનો આધાર, વિશ્વાસ વા’લાના વચનનો એ॥ તો પામિયે પરમ આનંદ, જીત થાય જોયા જેવડી એ। એમ કે’ છે નિષ્કુળાનંદ, સર્વે ઉપર સગ્ય ચડી એ॥ સંવત સુંદર ઓગણીસ, વરસ જુગલ વખાણિયે એ। ચૈત્ર સુદી નૌમી દિનેશ, ગ્રંથ પૂરણ પરમાણિયે એ॥
દો સોરઠા દોહા દોય, ચુંવાળીશ કડવાં કહીયે એ। પદ એકાદશ સોય, તેપર એક ધોળ લહીયે એ॥
પંચ શૂન્ય પર આઠ, ભક્તિનિધિનાં ચરણ છે એ। કહે સુણે કરે પાઠ, તેને અભયકરણ છે એ॥