શ્રી પુરુષોતમ પ્રસન્ન કરવા કાજજી, શું શું જોઈએ આ જીવને સમાજજી। જેણે કરી રીઝે શ્રીમહારાજજી, એવું શોધી સાર લૈ લેવું આજજી॥
Nishkulanand Swami
કડવું - ૧
શોધી સાર સર્વે તણો, લૈ લેવો લાભ લાલચ્યે કરી। આવ્યો અવસર ઓળખી, રાજી કરવા શ્રીહરિ॥ શ્રીહરિ રાજીએ સહુ રાજી, રાજી કર્યા ક્રોડ તેતરીસ। શેષ દિનેશ ને શશી સુરેશ, વળી કર્યા રાજી અજ ઈશ॥
જેમ રાજેન્દ્રને રાજી કરતાં, તેની પ્રજા પણ રાજી થઈ। તેમ પ્રભુને પ્રસન્ન કરતાં, કહો કમી તેને શાની રઈ॥ જેમ મહારત્નની મો’રમાં, અન્ય નાણું છે અતિ ઘણું। તેમ હરિ રીઝવતાં સહુ રીઝ્યા, ન રહ્યું કેનું કુરાજીપણું॥ જેમ અનંત ઉડુ ઉગે અંબરે, પણ અર્ક વિના રહે અંધેર। તેમ હરિ સેવા વિના સમજો, છે નિરર્થક નહિ ફેર॥
જેમ સો સો શૂન્ય સારાં કરે, પણ એક અંક ન કરે જો આગળે। તે સરવાળો શાનો મેલશે, જે કરે છે કાળપ કાગળે॥
તેમ એક હરિ ને પરહરે, બીજી કરે ચતુરાઈ કોટ। તે તો માથાફર ચાલે મારગે, જેમ જેમ ચાલે તેમ ખોટ॥ માટે અન્ય ઉપાય અળગા કરી, રાજી કરિયે રુડે રમાપતિ। નકી નિશાન ન ચૂકિયે, સમજી વિચારી શુભ મતિ॥
નિશ્ચે એમ નિર્ણય કરી, ખરી કરી લઈએ વળી ખોજ। નિષ્કુળાનંદ તો પામીયે, મનમાની મહારાજથી મોજ॥
કડવું - ૨
પ્રભુ પ્રસન્ન કરવા કરે છે ઉપાયજી, જૂજવા જૂજવા આ જગમાંયજી। જેવી રુચિ જનની જેવો અભિપ્રાયજી, તે વિના બીજું કરે નહિ કાંયજી॥ કરે નહિ બીજું કોઈ દિન, કરે તેમ માન્યું જેમ મન। મતિ ન પો’તી વૈરાગ્ય વિના, વણ સમઝે આદરે સાધન॥ કોઈ કહે જપે હરિ રીઝશે, કોઈ કહે તપે તતકાળ। કોઈ કહે તર્ત તીર્થથી, રાજી થાશે દીનદયાળ॥
કોઈ કહે જોગ જગ્ન કરતાં, પ્રસન્ન થાશે પરબ્રહ્મ। કોઈ કહે વ્રત નિયમ રાખતાં, શ્રીહરિ થાશે સુગમ॥
કોઈ કહે કરવત લીધે, સિધે કમળ પૂજાથી કામ। કોઈ કહે પા’ડ ચઢી પડતાં, રાજી થાય શ્રીહરિ શ્યામ॥ કોઈ કહે હિમાળે હાડ ગાળે, બાળે દાવાનળે દેહ। તો જરૂર રાજી થાશે જીવન, એહ વાતમાં નથી સંદેહ॥
કોઈ કહે ધન ત્રિયા ત્યાગે, ત્યાગે ઘર કરે વનવાસ। કોઈ કહે વેષ કેશ વધાર્યે, કોઈ કહે ફર્યે ઉદાસ॥ કોઈ કહે દિગંબર અન્ન અલૂણે, કોઈ કહે ફળ દળ જળપાન। કોઈ કહે પય પવન પીતાં, કેમ રાજી ન થાય ભગવાન॥ કોઈ કહે મુખે મુન્ય ગ્રહિયે, રહિયે અણવાણ અહોનિશ। કોઈ કહે પંચ અગનિ તાપી, રાજી કરિયે જગદીશ॥ એહ વિના અનેક ઉપાયે, રાજી કરવા ઇચ્છે છે રામ। નિષ્કુળાનંદ એ ભક્ત ભલા, પણ નકી નથી નિષ્કામ॥
કડવું - ૩
કોઈક ઇચ્છે રાજ સાજ રિદ્ધિજી, કોઈક ઇચ્છે સુરપુર પ્રસિદ્ધિજી। કોઈક ઇચ્છે મુક્તિ ચઉવિધિજી, એમ સુખ સારુ સૌએ દોટ દીધીજી॥ એમ દોટ સુખ સારુ દીધી, કીધી મોટા સુખની આશ। અલ્પ સુખથી મન ઉતારી, નિત્ય દેહ દમે છે દાસ॥ સહે છે સંકટ શરીરમાં, ફળ મળવા સાંધી છે ફાળ જાણ્યું રીઝવી જગદીશને, પામું અભય વર તતકાળ॥
તેહ સારુ તાવે છે તનને, રે’ છે મનમાં મોટી આશ। કૈયે રાજી કરું કૃષ્ણને, કૈયે પામું સુખ વિલાસ॥
અહોનિશ એવો અંતરે, વરતે છે અખંડ વિચાર। તેણે સહે સમૂહ સંકટના, તોય પામતા નથી હૈયે હાર॥ સવાસનિક નર એમ સુખ સારુ, અતિ અતિ કરે છે ઉપાય। મોટ્યપ ઇચ્છે છે મનમાં, તેહ વિના તન ન તવાય॥
અતિ આગ્રહે આદરી, કરે પ્રભુને પ્રસન્ન। પછી માગે સુખ શરીરનું, એવા પણ અજ્ઞાની જન॥ નિર્વાસનિક વિના નરને, સમું માગતાં સૂઝે નહિ। જેમ વાણાકરે વપુ વાણાકરનું, માગ્યું કાશિયે કરવત લઈ॥ એમ નાના વિષય ના’વ્યા નજરે, મોટા વિષય મળવા મન કર્યું। હતો અસાધ્ય રોગ અંગમાં, વળી વિશેષે કમળ ફર્યું॥
તેને પૂર્વ તે પશ્ચિમ થયું, હૈયું રહ્યું નહિ વળી હાથ। નિષ્કુળાનંદ એવા નર અમર, પામે નહિ મોટી મીરાંથ॥
કડવું - ૪
જેમ વનજનને વા’લું વનજી, તેને વસતાં વસ્તીએ માને નહિ મનજી। ફળ દળ ફૂલ ખાય નિશદિનજી, અતિ રસે સરસ પણ ન ભાવે ભોજનજી॥
ભોજન તેને કેમ ભાવે, જેણે ખાધાં કોઠાં કરી ખાંત્ય। ઉપર ખાધી આંબલી, તેણે અંબાઈ ગયા છે દાંત॥ જેની વિષય કોઠાંમાં વૃત્તિ વળગી, અહંમમતરૂપ ખાધી આંબલી। તેને ગોળ સારો કેમ લાગશે, કેમ કે’શે સાકરને ભલી॥
તેમ ભોગવ્યાં સુખ જેણે ભૂમિનાં, તેથી અધિક સુણ્યાં અમરેશનાં। તેને પામવા પામર નર, સહે છે દુઃખ હમેશનાં॥ જેમ અમલ પીતાં અકલ નાસે, તોયે અંતરે જાણે અધિકું પીઉં। આવ્યું ડૂલપણું તે નથી દેખતો, એવું અતિશે ફૂટી ગયું હઇયું॥ થોડી ઉપાધિયે પણ નથી ઠેકાણું, ઘણી ઉપાધિ કેમ ન ગૂંચવશે। સૂકું રણ ઉતરે સમર્થ નથી, તો કેમ ઉતરશે રણ જ્યારે વસે॥
જાણે પેસી ઊંડા અર્ણવમાં, તળે જળ પીને તરષા તજું। પણ બહુ દુઃખ છે બા’ર આવતાં, તે પણ તપાસિયે ગજું॥
આઘા પગ પરઠતાં, હૈયે કરવો નહિ હુલાસ। આગળ સુખ કે દુઃખ છે, તેનો કાઢવો તપાસ॥ તેમ વિષય સુખની વાટે ચાલતાં, વિચારી જોવી જન વાત। કૈકવાર સુખ પામ્યાં વામ્યાં, લાખો લેખે લાગી લાત॥
માટે વાટ એ મૂકવી, ન ચુકવી આવી આ પળ। નિષ્કુળાનંદ કહે નાથનાં, સેવવાં ચરણ કમળ॥
પદ – ૧
નિર્ભય ચરણ છે નાથનાં, સેવો શ્રદ્ધાએ સંત। અવર ઉપાય અળગા કરી, સમજો સાર સિદ્ધાંત... નિર્ભય૦॥ સુણી સુખ લોકાલોકનાં, શીદ કરો છો શોચ। એ તો ઉદંબરે ફળ વળગ્યાં, થડ થકી તે ટોચ... નિર્ભય૦॥ એમ વળગ્યાં વિષય પાંચમાં, નર સુર અજ ઈશ। અધિક ન્યૂન એમાં નથી, રવિ શશી સુરેશ... નિર્ભય૦॥
માટે ઊંડું વિચારી અંતરે, ખરી કરવી ખોળ્ય। નિષ્કુળાનંદ પ્રભુપદ પખી, જ્યાં જ્યાં જાય ત્યાં રોળ... નિર્ભય૦॥
એ તો કેને અંતરે નથી વૈરાગ્યજી, જેણે કરી થાય તનસુખ ત્યાગજી। એક હરિચરણે હોય અનુરાગજી, એવા તો કોઈક સંત સુભાગજી॥ સંત સુભાગી સરસ સહુથી, જેના અંતરમાં નિરવેદ। સુણી સુખ સર્વે લોકનાં, જેનું નથી પામતું મન ખેદ॥
ઊંડું વિચારી અંતરમાં, જોઈ લીધું જીવમાં જરૂર। વિષય સારુ સહુ વલખાં, કરે છે સુર અસુર॥ વૈરાગ્ય વિના વિષય સુખનો, તર્છટ ન થાયે ત્યાગ। ત્રોડી પાડે પિંડ બ્રહ્માંડથી, એવો તો એક વૈરાગ્ય॥ વૈરાગ્યવાન વિલસે નહિ, માયિક સુખની માંઈ। શૂન્ય સુમન સમ સમજી, ગંધ સુગંધ ન માને કાંઈ॥
જે નિર્વેદ નિધિ નરનું, જેવું કરી દિયે છે કામ। તેવું ન થાય કહું કોઈથી, શું લખું ઘણાનાં નામ॥
જેમ મળે એક ચિંતામણિ, ઘણી અગણિત વસ્તુનું ઘર। તેમ શુદ્ધ વૈરાગ્ય શિરોમણી, નથી એથી બીજું કાંઈ પર॥ સર્વે સુખની સંપત્તિ, વસી રહી વૈરાગ્યમાંઈ। મોટે ભાગ્યે જો આવી મળે, તો ન રહે કસર કાંઈ॥
વૈરાગ્યવાનને વિપત શાની, જે સમજ્યા સાર અસાર। જેમ તુંબું બોળે કોઈ તોયમાં, પણ નીસરી જાયે નીર બા’ર॥ વૈરાગ્ય વિના તો વાત ન બને, શુદ્ધ સાચું ન લેવાય સુખ। નિષ્કુળાનંદ નિરવેદ વિના, આદિ અંતે મધ્યે દુઃખ॥
કડવું - ૬
વૈરાગ્ય વિના વિધિલોકથી વિધિજી, સુતા સ્પર્શની ઇચ્છા ઉર કીધીજી। વૈરાગ્ય વિના પિનાકી પરસિદ્ધિજી, મોહિનીને મીટે જોવા લક લીધીજી॥ લક લીધી તક નવ તપાસી, વૈરાગ્ય વોણું વગોણું થયું। હતા અખંડ આત્મદરશી, પણ એ સમે એવું નવ રહ્યું॥ વળી પુરંદર વૈરાગ્ય પખી, માગ્યાં અસ્થિ ગર્યો ઋષિ ઘરમાં। વૈરાગ્ય વિના વિબુધ વિલખે, સદા રહી સુખના ભરમાં॥
વૈરાગ્ય વિના વિધુ વ્યાકુલ થઈ, જઈ હરી ગુરુની પતની। વૈરાગ્ય વિના જુવો વિચારી, સારી વાત તે શું બની॥
વૈરાગ્ય વિના અંગે અંધારું, રહી ગયું અર્કને અપાર। પરણ્યા વિના પતની કરી, તેનો ઉર ન આવ્યો વિચાર॥ નારદ પારાશર સૌભરી, ભૂલી ગયા વૈરાગ્ય વિના વાત। એકલશૃંગી અરણ્યમાં, થઈ વણ વૈરાગ્યે ઘાત॥
પાંડવ ભક્ત પ્રમાણિયે, પણ વણ વૈરાગ્યે વસાવ્યું વેર। કૌરવ કુળ નિર્મૂળ કર્યું, તેની મને આવી નહિ મે’ર॥ વૈરાગ્ય વિના ચિત્રકેતુ, પરણિયો પત્નીયો કોટ। આગ્નીધ્ર યયાતિ જેવે, વણ વૈરાગ્યે ભોગવી ખોટ॥ બ્રહ્મા આદિ કીટ પર્યંત, વણ વૈરાગ્યે વિકળ થયા। ત્યારે બીજાનું નવ બોલવું, જે પશુવત પામર રહ્યાં॥
વૈરાગ્ય વિના વિષય સુખનો, અંતરે ન થાય અભાવ। નિષ્કુળાનંદ નિરવેદ વિના, રૂઝે નહિ વિષયના ઘાવ॥
કડવું - ૭
જો શુદ્ધ વૈરાગ્ય ઊપજે અંગજી, તેને ન ગમે વિષય સુખનો સંગજી। અંતરે ઉદાસી રહે અભંગજી, તેને ચિત્તે ચઢે હરિનો રંગજી॥
ચિત્તે રંગ જાય ચડી, તે ઉતાર્યો ઉતરે નહિ। એવા વૈરાગ્યવાનને, પિંડ બ્રહ્માંડની ગણતી સહિ॥ એવા શુદ્ધ વૈરાગ્યવાળા શુકજી, જડભરતને પણ જાણીએ। કદરજમાં પણ કાચું નહિ, ખરા વૈરાગ્યવાન વખાણીએ॥
દેવ ઋષિ નરદેવની, કહી ખોટ મોટી ખોળીને। તેથી મનુષ્યની મોટ્યપ કે’તાં, તન મને જોવું તોળીને॥ પણ પ્રહ્લાદે પરબ્રહ્મથી, માયિક સુખ નવ માગિયું। કુંતા ભક્ત કૈ’યે ખરાં, વિદુરે નિજ રાજ્ય ત્યાગિયું॥ ગોપીચંદ બાજિંદ શેખ ભર્તૃહરિ, સબસ્ત બરેજ મનસુર મલેચ। અતિ વૈરાગ્યના વેગ વડ્યે, પડ્યા નહિ માયાને પેચ॥
શુદ્ધ વૈરાગ્ય શરીરમાં, અચાનક જેને ઉપજે। તેને બ્રહ્મા થકી આ ભૂમિના, સુખ નર અમરનાં નવ રજે॥
સાચો વૈરાગ્ય છે સુખનિધિ, જો આવી જાયે અચાનકે। તો કસર કોઈ નવ રહે, ઠીકોઠીક પોં’ચાડે સ્થાનકે॥ મોટે ભાગ્યે મનુષ્યને, મળે નિરવેદ રૂપણી નિધિ। રે’વા ન દીયે રંકપણું, વિષયસુખનું કોયે વિધિ॥
વણ વૈરાગ્યે એ છે વસમું, વૈરાગ્યવાનને વસમું નથી। તન કરી રાખ્યું છે તૃણ તોલે, કહે નિષ્કુળાનંદ શું કહું કથી॥
કડવું - ૮
વૈરાગ્યવાનને વાત નથી કઠણ કંઈજી, જે કોઈ મુકતાં મુકાય નઈજી। એવી વસ્તુ આ બ્રહ્માંડે સહીજી, જે વિના વિતરાગી ન શકે રહીજી॥ રહી ન શકે એવું જે રૂડું, ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહિ। મહાસુખ મુકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહિ॥
સર્વે લોકની સંપત્તિ, પાપરૂપ જાણી પેખે નહિ। મૂર્તિ મૂકી મહારાજની, બીજું દુઃખ જાણી દેખે નહિ॥ મોટા નાના માયિક સુખમાં, પડ્યા પરાધીન પરવશ છે। સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત, તેમાં કોણ કમ કોણ સરસ છે॥ જેમ અગ્નિ જ્વાળથી ઊંચા નીચા, લોહકઢામાં કણ ઊછળે। એમ પંચ વિષયમાં પડ્યા પ્રાણી, નાના મોટા સહુ બળે॥
વૈરાગ્યવાન જન એવું વિલોકી, મૂકી વિષય સુખની વાટ। તને મને તપાસીને, ઘણી વાત બેસારી છે ઘાટ॥
ખરું કર્યું એમ ખોળીને, વણ વૈરાગ્યે વણસાડ। રૂડું જાણીને ન રોપીયે, ઘર આંગણે ગરલનું ઝાડ॥ એમ એક પ્રભુને પરહરિ, જન જે જે કરે છે ઉપાય। તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો જન મનમાંય॥
પણ વણ વૈરાગ્યે વરતાય નહિ, અને વર્તે તે વૈરાગ્યવાન। માટે અસત્ય સુખથી મન ઉતારી, ભજે છે જે ભગવાન॥ શુદ્ધ વૈરાગ્યવાન સાચા, ભક્ત પ્રભુના ભણિયે। નિષ્કુળાનંદ કહે તે વિના, બીજા સર્વે સ્વાર્થી ગણિયે॥
પદ - ૨
શુદ્ધ વૈરાગ્યે કરી સેવિયે, પ્રેમે પ્રભુના પાય। માયિક સુખ ન માગીયે, મોહે કરી મનમાંય... શુદ્ધ॥
નિષ્કામી જનની નાથને, સારી લાગે છે સેવ। જે મોક્ષ આદિ નથી માગતા, નથી તજતા તે ટેવ... શુદ્ધ॥ સકામ ભક્તની શ્રીહરિ, પૂજા પરહરે દૂર। જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર... શુદ્ધ॥
શુદ્ધ વૈરાગ્ય વિના સમજો, નર નો’યે નિરાશ। નિષ્કુળાનંદ નિષ્કામથી, રીઝે શ્રી અવિનાશ... શુદ્ધ॥ વૈરાગ્યવાનનું વર્તવું વખાણુંજી, જેને માયિક સુખ સૌ સરખું જણાણુંજી લોકાલોકે જેનું મન ન લોભાણુંજી, એક હરિચરણે ઠીક મન ઠેરાણુંજી॥ ઠેરાણું ચિત્ત હરિચરણે, તેણે કરી તનસુખ ત્યાગ છે। સારું નરસું સરખું થયું, જેને ઉર અતિ વૈરાગ્ય છે॥
ખાતાં ન થાયે ખરખરો, જેવું અન્ન જડે તેવું જમે। સૂકું લૂખું સ્વાદું નિરસ્વાદું, ખાઈને દિન નિર્ગમે॥
જળ દળ ફળ ફૂલ જમી, સદાયે મને રહે સુખી। વૈરાગ્ય જેને ઉર ઊપજે, તે સહુ વાતે રહે સુખી॥ ફાટ્યાં તૂટ્યાં વીણી વીથીથી, ઘણા ચીરાની કંથા કરે। શીત ઉષ્ણ નિવારવા સારુ, એવી અંગે ઓઢી ફરે॥
સૂવા ન શોધે સાથરો, સુંદર સુંવાળી જાગ્ય। સમ વિષમ સમ સમજે, જેને તનસુખનો છે ત્યાગ॥ રાત દિવસ હૃદયા વિષે, દૃઢ રે’ છે હરિનું ધ્યાન। તેણે કરી નથી આવતું, અણુ ભાર અંગે અભિમાન॥ કોઈક નંદે કોઈક વંદે, કોઈ ના’પે આપે ખાવા અન્ન। કોઈ ગૃદ પથર ગોબર નાખે, તોય સદા રાજી રહે મન॥
એવી વૈરાગ્ય વિનાની વિપત્તિ, કહો કોણ સહિ શકે શરીર। વેષ લિધે વૈરાગ્યને, જાણો કેમ ધરાયે ધીર॥
વારીવારી જાઉં એ વૈરાગ્યને, જેણે જગસુખ દુઃખ જાણ્યું સહી। નિષ્કુળાનંદ નિરવેદ જેવું, બીજું હોય તો દેખાડો કહી॥
કડવું - ૧૦
વળી વૈરાગ્યવંતને જાઉં વારણેજી, તનસુખ ત્યાગ્યાં હરિ રાજી કર્યા કારણેજી। દેહ પર્યંત રહ્યા એક ધારણેજી, અહંતા મમતા કાઢી જેણે બારણેજી॥ બારણે કાઢી જેણે દેહબુદ્ધિ, સુધી વાતને સમજ્યા સહી। આપે મનાણું આતમા, કહ્યું કલેવર હું કેદી નહિ॥
જડ ચૈતન્ય જાણ્યાં જૂજવાં, ચૈતન્ય આપે ચોક્કસ કર્યું। તેહ વિના ત્રિગુણે રચિત, તે પરથી મન ઊતર્યું॥ તેહ દેશે પ્રદેશે પરવરે, કરે ઘર પરનું કામ। ભૂલ્યે પણ ભાખે નહિ, જે હું નહિ આતમારામ॥ જેમ પોતપોતાની જાત્યને, જન જાણે છે મનમાંય। તે સુતાં બેઠાં જાગતાં, ભૂલ્યે પણ બીજું ન મનાય॥
નારી નર નપુંસકપણું, વળી વીસરે નહિ કોઈ વિધ। તેમ આતમા રૂપ જાણ્યું આપણું, પ્રગટપણું પ્રસિદ્ધ॥
એવી વિગતી થૈ વૈરાગ્યથી, તે ટાળી પણ ટળે નહિ। રાત દિવસની રીતિયે, સત્ય તે અસત્યમાં ભળે નહિ॥ સત્ય નિત્ય એક નિજ આતમા, અસત્ય દેહાદિક આદ। તેમાં નાનાં મોટાં કેને કહિયે, એ તો સર્વે સરખી ઊંટ લાદ॥
એમ વૈરાગ્યવાનને વરતે, અખંડ એવો વિચાર। કેને વખાણે કેને વગોવે, દેખે માયિક સુખ એક હાર॥ વખાણે તો વખાણે વળી, વિશેષે વૈરાગ્યવંતને। નિષ્કુળાનંદ તનસુખ તજી, જે ભજે છે ભગવંતને॥
કડવું - ૧૧
ભગવંતને ભજશે નર નિરમોઈજી, જેને હરિ વિના વા’લું નથી કોઈજી। અખંડ રહ્યાં છે એક હરિને જોઈજી, એવા જન જેહ તેહ હરિના હોઈજી॥ હરિના જન તેણે જાણિયે, જે છતી મતિયે ઉન્મત્ત રહ્યા। વિવેકી પણ વૈરાગ્ય વડ્યે, જાણતાં અજાણ થયા॥ શ્રવણ છે પણ નથી સુણતા, દૃગ છે પણ ન દેખે રૂપ। ત્વચા છે પણ નથી જાણતા, શીત ઉષ્ણનું તે સ્વરૂપ॥
જિહ્વા છે પણ નથી જાણતા, ષટ્રસ ખાવાની રીત। વળી વચને કરી નથી વદતા, જે જાણી વાણી અનિત્ય॥
પગ છે પણ નથી ચાલતા, કર છે પણ ન કરે કામ। નાસા છે પણ નથી સૂંઘતા, સહુ આળસી પામ્યાં છે આરામ॥ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે, તે અંતઃકરણ કે’વાય। અતિ થયાં છે આળસુ, અસત્ય મારગ માંય॥
વૈરાગ્યે લીધી વર્તિયો વાળીને, સમેટીને સર્વે માંયથી। તે રાખી હરિના રૂપમાં, તે મૂકી બીજે જાતિ નથી॥ જે પરવરી ગઈતી પદાર્થમાં, વૃત્તિ થઈ તે વિષયાકાર। તે વાળી પાછી આણી અંતરે, તે તો નિરવેદથી નિરધાર॥ નિરવેદ વિના ખેદ પામે, અંતર ને નિરંતર બા’ર। દેવ અદેવ ને ઋષિ રાજવી, પશુ પન્નગ ને નર નાર॥
એક વૈરાગ્ય બીજી વજ્રમણિ, તેને તપાવી ન શકે કોઈ તાપ। નિષ્કુળાનંદ શીતળ સદા, વૈરાગ્ય વજ્રમણિ આપ॥
કડવું - ૧૨
વૈરાગ્યવંતને અત્યંત સુખજી, જેની ભાગી ગઈ સર્વે ભૂખજી। કોઈ વાતનું રહ્યું નહી દુઃખજી, સદાયે રહ્યા છે હરિ સનમુખજી॥ હરિ સનમુખ રહે સદા, જેણે આપદા અળગી કરી। સાજી ન રાખી શરીરશું, ગયા અહંમમતા માયા તરી॥
જેમ ચકોરની દૃષ્ટિ ચંદ્ર મૂકી, અરું પરું પેખે નહિ। તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિમૂર્તિ વિના દેખે નહિ॥ જેમ જળનું ઝષ જળમાં રહે, બા’રે નીસરતાં બળે ઘણું। તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિ વિના સુખ ન પામે અણું॥ જેમ અનળ રહે આકાશમાં, તેને ભોમ્યે આવ્યે ભારે દુઃખ છે। શીદ આવે તે અવનિયે, જેને શૂન્યે રે’વામાંહિ સુખ છે॥
તેમ વૈરાગ્યવાનની વરતિ, હરિમૂર્તિ માંઈ રહે વસી। તેને દેહમાં આવે દુઃખ ઊપજે, જે વાલમમાં રહી વિલસી॥
જેમ ભૂપભામિની ભવન તજી, રડવડે એકલી અરણ્ય ભુવન ભવન હીંડે ભીખત, તેને વદવી વાઘરણ્ય॥ તેમ હરિજનની વૃત્તિને, જોઈએ પૂરણ પતિવ્રતાપણું। મહા સુખમય મૂર્તિ મહારાજની, તે માંહિ ગરક રે’વું ઘણું॥
પણ બાંધી અલાબુ દિયે ડુબકી, તે નિસરે બા’રો નીરથી તેમ હરિમૂર્તિમાં બૂડતાં, સ્નેહ તોડવો શરીરથી॥ એટલા માટે જરૂર જોઈએ, નરને તે નિરવેદ। નિષ્કુળાનંદ કહે તે વિના, મટે નહિ મનને ખેદ॥
પદ - ૩
વા’લીનિધિ તો વૈરાગ્ય છે, જન જાણો જરૂર। તે વિના સર્વે તપાસિયું, રાખે હરિથી દૂર... વા’લી૦॥
અનેક ગુણ હોય જો અંગમાં, પણ એક ન હોય વૈરાગ્ય। તો તન અભિમાન ટળે નહિ, પાળ્યા પય પાઈ નાગ... વા’લી૦॥ કુરકટ ફલને જળે વળી, મળ માંયેથી જાય। તેમ વૈરાગ્ય ઔષધિ વખાણિયે, પીતાં રોગ પળાય... વા’લી૦॥
ખોળીખોળી ખરું કરી, વખાણિયે વૈરાગ્ય। નિષ્કુળાનંદ જેને ઉપજ્યો, તેનાં જાગિયાં ભાગ્ય... વા’લી૦॥ ૪॥ પદ॥ તીવ્રવૈરાગ્યની ધાર છે તીખીજી, નથી કે’વાતું એ વાતને શીખીજી। કાળજ કંપે છે દિશ એની દેખીજી, મોટપ એની નથી જતી લેખીજી॥ લેખી ન જાયે લેશ એની, મોટપ તે માનો સહિ। વણ અંગે એ વારતા, બરોબર કે’તાં બેસે નહિ॥
પણ જેના પંડ્યમાં એ પ્રગટે, રટે નિરંતર તે રામ। અંતર ઊંડા ઉતરી, સમરે છે સુંદર શ્યામ॥
વસ્તી વન ભુવનનું, ભીતર રહ્યું નથી ભાન। વીસરી ગઈ છે વાત બીજી, રે’તાં મૂર્તિમાં ગુલતાન॥ વર્ણ આશ્રમ જાતનું, નથી જાણપણું જરાય। નામ રૂપ રંક ભૂપ, નથી મનાતું મનમાંય॥
કવિ કોવિદ પંડિતપણું, પરઠતાં પણ પરઠાય નહિ। તે તીવ્ર વૈરાગ્યે નાખ્યું ત્રોડી, એક હરિમૂર્તિમાં રહી॥ હાણ વૃદ્ધિને હાર્યા જિત્યા, ખાટ્યા ખોયાનું નથી ખરું। હરિ મૂર્તિમાં વૃત્તિ વળગી, તેણે વીસરી ગયું પરું॥ જેમ ચઢે ઊંચે કોઈ અંબરે, તે તો ભૂમિઆકાર ભાળે નહિ। તે શુભાશુભ સહુ પર છે, અસત્ય સત્ય કોઈ કાળે નહિ॥
જે વસ્તુતાએ વસ્તુ નથી, તે વસ્તુ કેવી કે’વાય। એમ તીવ્ર વૈરાગ્યવાનને, એમ સે’જે વરતે છે સદાય॥
તીવ્ર વૈરાગ્ય તેણે કરીને, જગતસુખ જોયામાં નથી આવતું। નિષ્કુળાનંદ નાથ મૂર્તિ વિના, બીજું ભૂલ્યે પણ નથી ભાવતું॥
કડવું - ૧૪
તીવ્ર વૈરાગ્ય છે સુખની સીમાજી, અતિ આનંદ રહ્યો છે તેમાંજી। અણું એક ભાર નથી દુઃખ એમાંજી, તે તો તેહ જાણે જન પ્રગટ્યો છે જેમાંજી॥
જેને પ્રગટ્યો તે જન જાણે, બીજા શું વખાણે વાણિયે। વણ દીઠે કરે વારતા, તે પૂરી કેમ પ્રમાણિયે॥ પણ જેના પંડ્યમાં પ્રગટ્યો, તીખો તીવ્ર વૈરાગ્ય। તેહના અંગમાંહિ અજાનો, રે’વા તે ન દિયે ભાગ॥
જેમ કંચનને કુંદન કરતાં, તેને જાણજો જોયે તાપ। તેમ તીવ્ર વૈરાગ્યના તાપથી, શુદ્ધ થાયે અંતર આપ॥ વિશલ્યકરણી ઔષધિ વડે, શલ્ય નીસરી જાયે શરીરથી। તેમ તીવ્ર વૈરાગ્ય તેણે કરી, જાયે વિષયશલ્ય અચિરથી॥ જેમ સુરાખારને અરઘે કરી, ગોળી ગળીને નિસરે બાર। તેમ તીવ્ર વૈરાગ્યના વેગથી, રહે નહિ વિષય વિકાર॥
સુખ દુઃખના શલ્ય શરીરે, ક્ષણું ક્ષણુંએ ખટકે ખરાં। તે તીવ્ર વૈરાગ્યના વેગ વિના, પંડમાંથી ન થાય પરાં॥
સુતાં બેઠાં ચાલતાં, શલ્ય સૂક્ષ્મ સણકા કરે। તે બૃહત વૈરાગ્ય વિના, કોઈથી પણ નવ નીસરે॥ બા’રના દરદની ઔષધિ, કાષ્ટ ધાતુની કે’વાય છે। પણ તીવ્ર વૈરાગ્ય ટાળી, અંતર દુઃખ કાંયે જાય છે?॥
તીવ્ર વૈરાગ્ય તન મનને, શોધીને કરે છે શુદ્ધ। નિષ્કુળાનંદ એ સુખનિધિ છે, એમ કે’ છે સંત સુબુદ્ધ॥
કડવું - ૧૫
બૃહત વૈરાગ્યની વાત છે મોટીજી, તે વિના સર્વે સમજણ ખોટીજી। શીદને મરિયે એમાં શિર કૂટીજી, બા’ર હૈયાની આંખ્ય કેમ ફૂટીજી॥ ફૂટી આંખ્ય અંતરની, તે સુખ દુઃખ સૂઝે નહિ। વૈરાગ્ય વિના વાત સુધી, બુઝાવતાં બૂઝે નહિ॥
બૃહત વૈરાગ્ય વિના કોણ, બેઠો ઠાઉકો ઠરીને। વૈરાગ્ય જાણો વિપ્ર વિવા’માં, હાથોહાથ સોંપે હરિને॥ જેમ જુવતિને પતિ પામવા, જોયે બીજો કરતલ મેળાપ। તેમ જનને જગદીશ મળવા, બૃહત વૈરાગ્ય મેળવે આપ॥ પ્રથમ પે’લાં કામ પડે, હરિ વરવા બૃહત વૈરાગ્યનું। જેણે કરી પિયુ પામિયે, વામિયે મેણું દૂવાગનું॥
વર વર્યા વિના વનિતા, કોયે સુખ ન પામે સુંદરી। મોર્યે કહ્યાં સુખ મોટાં મોટાં, પામે વૈરાગ્યવાન વરતાં હરિ॥
વર વરવા ઇચ્છા કરે, તો આપે જરીનો એહ। તૈયે જરૂર વર એને વરશે, એહ વાતમાં નથી સંદેહ॥ ચોક્કસ ઓઢી જેણે એ ચુંનડી, અખંડ વરની અંગ। એવા જન જે જગ્તમાં, તેનો રહી ગયો રૂડો રંગ॥
પ્રથમ કહ્યાં એવાં સુખ પામવા, બૃહત વૈરાગ્યમાં છે જો વડાઈ, તેહ વિના તોળી તપાસ્યું, સુખ ના દીઠું કહું ક્યાંઈ॥ વારમવાર વિચાર કરી, મોટપ વૈરાગ્યની લૈ લખી। નિષ્કુળાનંદ કહે નરને, નથી સુખ બૃહત વૈરાગ્ય પખી॥
કડવું - ૧૬
બૃહત વૈરાગ્ય છે વણમૂલું ઘરેણુંજી, સર્વથી સરસ સદા સુખદેણુંજી। પે’રતાં ઊતરે માથેથી ભવ મે’ણુંજી, તે પામિયે હોય પૂરણ જો લે’ણુંજી॥ પૂરણ લે’ણે એ પામિયે, અંગે એવું આભૂષણ। તે શોભાડે સર્વે રીતશું, પમાડે પ્રભુ તતક્ષણ॥ જે જે શોભ્યા આ જગ્તમાં, તે તો સર્વે એ ઘરેણે ઘણું। પણ શુદ્ધ વૈરાગ્ય વિના સુર નરનું, પાણી ન રહ્યું મુખતણું॥
વૈરાગ્ય વિના આ વિશ્વમાં, અન્ય શોભાએ જે શોભ્યા ઘણા। વણ વૈરાગ્યે જક્ત કર્તા હર્તા, લાગ્યા અતિશે લજામણા॥
શુદ્ધ વૈરાગ્યે શોભા ઘણી, હરિજનની જાણો જરૂર। વૈરાગ્ય વિના લાગે વરવું, એ પણ વિચારવું ઉર॥ વૈરાગ્યવાન વા’લા હરિને, સામું જોઈને સરાયે અતિ। વણ વૈરાગ્યવાન વિલોકિને, હરિ રાજી નથી થાતા રતિ॥
શુક ભરત સનકાદિક શોભ્યા, બૃહત વૈરાગ્ય ઘરેણે ઘણું। જનક જયદેવ કદરજનું કહું, મુખ લાગ્યું સોયામણું॥ જો ધરો તો અંગે ધરજો, શુદ્ધ વૈરાગ્યરૂપ શણગાર। તો હેતે કરિ હરિ રીઝશે, નિશ્ચે જાણો નિરધાર॥ કોઈ સો સો શણગાર સજે શરીરે, કાછ શૃંખલા કથીરના। પણ કંચન વિના કેમ કહિયે, એ શોભાડનારા શરીરના॥
તેમ સારામાં સારું ઘરેણું, સુવર્ણ કહે શિરોમણિ। નિષ્કુળાનંદ બૃહત વૈરાગ્યની, મોટપ્ય નથી જાતી ગણી॥
પદ - ૪
તીવ્ર વૈરાગ્ય તડોવડ્યે, ના’વે સો સો સાધન। જપ તપ તીર્થ જોગ જે, કરે કોઈ જન જગન... તીવ્ર૦॥ દાન પુણ્ય પાળે કોઈ ધર્મને, ગાળે હિમાળે તન। પ્રભુ પ્રસન્ન કર્યા કારણે, જગમાં કરે છે જન... તીવ્ર૦॥
પણ બૃહત વૈરાગ્ય વિના, વાયદા પ્રભુ પામવા કાજ। અવર બીજા ઉપાયથી, રાજી નો’યે મહારાજ... તીવ્ર૦॥ બૃહત વૈરાગ્યથી નથી વેગળા, અલબેલો અવશ્ય। નિષ્કુળાનંદ નજીક છે, બૃહત વૈરાગ્યને વશ્ય... તીવ્ર૦॥ જેને ઉર ઉપજ્યો બૃહત વૈરાગ્યજી, તેનાં ઉઘડીયાં મહા મોટાં ભાગ્યજી। નથી એવો લાભ બીજો કહ્યા લાગ્યજી, જે થકી જડે છે મહાસુખમાં જાગ્યજી॥
મોટી જાગ્ય જડે છે જનને, તે તો જાણજો બૃહત વૈરાગ્ય વડ્યે। તે વિના તપાસિયું પણ, વાત નથી બેસતી ઘડ્યે॥
તીવ્ર વૈરાગ્ય તો ઊપજે, જો કૃપા કરે જગદીશ। કાં તો તેના જન મળે, વૈરાગ્યવાન મુનીશ॥ હરિકૃપા વિના હોય નહિ, પામવા બૃહત વૈરાગ્ય। કાં તો બૃહી જન હરિના મળે, તો વાત ન રહે કહ્યા લાગ્ય॥
તેહ વિના બૃહત વૈરાગ્યની, આશા ન રાખવી ઉર। જેમ વણ વૂઠે વરસાતને, વળી ના’વે નદીયે પૂર॥ જેમ નર નારી વિના ન નીપજે, બાળક તે બીજી પેર। તેમ બૃહત વૈરાગ્ય તો ઊપજે, જો હરિ હરિજન કરે મે’ર॥ જેમ પાથ પૃથ્વી બે વિના, કહું કદી ન ઉપજે અન્ન। તેમ તીવ્ર વૈરાગ્ય તો ઉપજે, જો મળે હરિ કે હરિના જન॥
તે વિના તીવ્ર વૈરાગ્યનો, નથી ઊપજવા ઉપાય। માટે હરિ હરિજનને, સેવીને કરવા સા’ય॥
જેહ પામવા ઇચ્છે કોઈ પ્રાપતિ, તેને અણગર્જુ ન રે’વું અંગ। દાસના દાસ થઈ રહી, રહિયે વૈરાગ્યવાનને સંગ॥ શુદ્ધ સંતથી એ સંપત્તિ, બૃહત વૈરાગ્યની મળે વળી। નિષ્કુળાનંદ તો તન મનના, વિકાર સર્વે જાયે ટળી॥
કડવું - ૧૮
બૃહત વૈરાગ્ય છે અનુપમ અતિજી, એહ સમાન નથી કોઈ સંપત્તિજી। તે તો સંત સા’યે થાયે પ્રાપતિજી, તો તેને કષ્ટ રહે નહિ રતિજી॥ રતિ કષ્ટ તેને કેમ રહે, જેને થાય મોટાની મે’ર। સંત શ્રીહરિ સિંધુની જેને, ઢળી વળી આવી લે’ર॥
જેમ રતનાકારમાં રતન મોતી, અમૂલ્ય છે અતિ ઘણાં। પણ તન મન અરપ્યા વિના, કેદિયે ન થાય આપણાં॥ સિંધુ તીરે શે’ર વસે છે, બીજાં પણ બહુ ગામ। તે લૂણ શંખલા સહુ લિયે, રત્ન મોતીનું ન પૂછે નામ॥ રત્ન મોતી મળે મોટી મે’નતે, વણ મે’નતે મળતાં નથી। માટે સહુ કોઈએ સમઝી, મેલ્યાં ઉતારી મનથી॥
પણ હરિ સાગર છે સુખના, નથી કોઈ વાતની એમાં ખોટ। તેમાં નિષ્કામી માગે નિરવેદને, સકામ માગે માયાસુખ મોટ॥
નિષ્કામ વિના નિરવેદનિધિ, રુચતી નથી રતિભાર। સાકરથી પણ સારો લાગ્યો, ખાવા સોમલખાર॥ તે તો હરિજનને જોવી નહિ, પ્રાકૃત પ્રાણીની રીત। સેવવા શ્રીભગવાનને, માગવો વૈરાગ્ય ચિત્ત॥
વૈરાગ્ય અંતરેથી જો ઊતરે, તો ડોકાં કાઢી રહ્યાં છે દુઃખ। આવે ધાઈ તે ઉરમાંઈ, રે’વા ન દિયે સુખ॥ માટે વા’લો કરી વૈરાગ્યને, રાખવો તે રૂડી રીત। નિષ્કુળાનંદ એ નરની, તો જરૂર જાણો થાયે જીત॥
કડવું - ૧૯
બૃહત વૈરાગ્ય વિના જન વારમવારજી, જૂજવા જૂજવા જીવ ધરે અવતારજી। દેવ દાનવ માનવમાં બહુવારજી, નિગમે ન થાય તેનો નિરધારજી॥ નિરધાર ન થાય નિગમે, એટલા લીધા અવતાર। વૈરાગ્ય વિના વપુ ધર્યાનો, આવ્યો નહિ વળી પાર॥ કૈકવાર સત્યલોક પામ્યો, કૈકવાર પામ્યો કૈલાસ। કૈકવાર ઇન્દ્રપદવી પામ્યો, તોયે ન ટળી વિષય સુખ આશ॥
કૈકવાર સુરપુર પામ્યો, વિબુધ કન્યા વિમાન। કૈકવાર ભૂમાં ભૂપતિ થયો, કૈકવાર થયો ધનવાન॥
કૈકવાર સૂર દાતાર થયો, કૈકવાર પુરાણી પંડિત। કૈકવાર પ્રશ્ન ઉત્તરથી, કરી પોતાની જિત॥ કૈકવાર ગુણ ગવૈયો થયો, જ્ઞાની ધ્યાની કોવિદ ને કવિ। કૈકવાર જાણ પ્રવીણ થયો, થયો અર્થ જાણતલ અનુભવી॥
એમ અનેકવાર પામિયો, ભોમે વ્યોમે અવતારને। પણ એક ન પામ્યો વૈરાગ્યને, ત્યારે શું પામ્યો જન સારને॥ જેમ મોટા શહેરના મોટલિયા, ઉપાડે કાચ કે વળી કોયલા। ખાતાં ન ખવાયે કાળપ થાયે, એ કાળા ધોળા જાણો નથી ભલા॥ પણ એવું ઇચ્છે છે સહુ અંતરે, નથી ઇચ્છતા આવવા વૈરાગ્યને। તેણે કરીને જનનાં, નથી ઉઘડતાં ભારે ભાગ્યને॥
એમ સર્વે વાતો તો ખરી કરી, પણ બૃહત વૈરાગ્ય માર્ગ નવ જડ્યો। નિષ્કુળાનંદ કહે શું થયું, તાડતળે રહ્યો કે ટોચે ચડ્યો॥
કડવું - ૨૦
સર્વે વાતનું શોધી લીધું સારજી, નથી કોઈ બૃહત વૈરાગ્યની હારજી। અંતર વિચારિયું વારમવારજી, શુદ્ધ વૈરાગ્ય તો સહુને પારજી॥ શુદ્ધ વૈરાગ્ય પાર સહુને, નથી એથી અધિક કોઈ એક। વાંધો ન રહે કોઈ વાતનો, જો આવી ઊપજે ઠીકોઠીક॥
શાસ્ત્ર સર્વે સાંભળ્યાં, તેમાં છે ચ્યાર પ્રકારની વાત। ધર્મ અર્થ કામનું કહ્યું, માંહી મોક્ષનું પણ સાક્ષાત॥ પણ બૃહત વૈરાગ્ય વિસ્તાર વિના, થોડે ઠેકાણે લખ્યો લહી। પણ તીખા તીવ્ર વૈરાગ્યની, વાત પૂરી પુરાણે નવ કહી॥ ખાન પાન વળી વિષય સુખનું, ઠામોઠામ સ્થાપન કર્યું। હરખ શોકને હાર્યા જીત્યા, એ સાંભળતામાં શું સર્યું॥
આખી અવનિમાં એકનું, કહ્યું ઉદય અસ્ત લગી રાજ। સુખ દુઃખ તેનાં સુણતાં, કહો શું સરિયું કાજ॥
આખા જગતમાં એવી વાતો, ઘરોઘર ઘણી ગવાય છે। પણ નર અમર નિશાચર, બૃહત વૈરાગ્યને કોઈ ચા’ય છે?॥ વૈરાગ્ય માગવો વિકટ છે, જેમ નાખવો કલેજે હાથ। જીવવા ન દિયે જીવથી, રે’વા ન દિયે કોઈનો સાથ॥
જેને મરવાનું હોય મનમાં, તે માગજો બૃહત વૈરાગ્ય। તે અક્ષરથી આણી કોરે, રે’વા ન દિયે જાગ્ય॥ એ તો મરજીવાનો માર્ગ છે, હોય મરજીવા તે માંડે પગ। નિષ્કુળાનંદ એ જેને પ્રગટે, તેને સર્વે ચડી જાયે સગ॥
પદ - ૫
સગ્ય ચડિ જાયે રે શુદ્ધ વૈરાગ્યથી રે, શું કહું બૃહત વૈરાગ્યની વડાઈ રે। તીવ્ર વૈરાગ્ય રે તે વડ્યે તનમાં રે, કસર રે’વા ન દિયે કાંઈ રે... સગ્ય૦॥
તીવ્ર વૈરાગ્ય રે તીખી તરવાર છે, અતિશે સજેલ આકરી ધાર રે। અડતામાં કરે રે સરવે વેગળું રે, લેશ ન રે’વા દિયે સંસાર રે.... સગ્ય૦॥ એક હરિ વિનારે કરે બીજું અળગું રે, તેની ઘણી લાગે નહિ વળી વાર રે। એવો ઉપાયરે અવર એકે નથી રે, શું કહિયે વર્ણવી એહની હાર રે... સગ્ય૦॥
અતિ મોટે ભાગ્યે રે જાગે એહ અંતરે રે, જેને હોયે પૂરણ પુણ્યનો જોગ રે। નિષ્કુળાનંદ રે કહે તેના મનમાં રે, રે’વા ન દિયે રતિયે રોગ રે... સગ્ય૦॥ બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુ વિધિજી, અતિશય મોટ્યપ એહની કિધિ જી। પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિજી॥ પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી મીરાંથ। સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ॥
જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ। જેને પામી ન રહે પામવું, પામી થવાયે પૂરણકામ॥
તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય છે વળાવો વળી। તેહ પોં’ચાડે હરિ હજૂરમાં, મુખોમુખ દિયે મેળવી॥ પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં। મળતાં શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં॥
કમી ન રહી કોઈ વાતની, પામ્યા પૂરણ પુરુષોત્તમ। સુંદર સાકાર મૂરતિ, અતિ રૂપાળી રૂડી રમ્ય॥ તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય। બીજું ન ઇચ્છે અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય॥ ભક્તિ વિના ભાવે નહિ, ભૂલ્યે પણ ભીંતર મોઝાર। સર્વે પ્રકારે સમજે, ભક્તિ સારમાં સાર॥
ભક્તિએ કરી હરિ રીઝવે, રીઝે સુખદ શ્રી મહારાજ। ત્યારે ખામી રતી પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ॥
ભાવે ભરી કરે ભગતિ, અતિ આનંદ આણી ઉર। નિષ્કુળાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર॥
કડવું - ૨૨
જરૂર હરિ રીઝવવા માટજી, ભક્તિ કરવી તે શીશને સાટજી। તેહ વિના વાત તે ન બેસે ઘાટજી, સમજી વિચારી લેવી એ વાટજી॥
સમજી વિચારી ઘનશ્યામની, ભક્તિ કરો ભાવે ભરી। ભાવ વિનાની ભક્તિયે, રાજી નહિ થાયે શ્રીહરિ॥ ભક્તિ કરવી ભગવાનની, સમા પર રહી સાવધાન। સમા વિનાની જે ભગતિ, અતિ જાણો કરે છે જ્યાન॥
સમે સેવીને સુખ લૈયે, વણ સમે સરે નહિ કામ। તે સમો મનમાં સમજી, રે’વું હરિ હજુર કરભામ॥ સમે સામું જોઈ રે’વું શ્યામને, જોવી કર નયણણી સાન। સમા પર તતપર થઈ, કરવી ભક્તિ તે નિદાન॥ એક પગ ભર ઊભાં આગળે, હાથ જોડીને રે’વું હજૂર। જેમ કહે તેમ કરવું, કરી ડા’પણ આપણું દૂર॥
વળી જેમ વાળે તેમ વળવું, તજી દેવી તનમન તાણ। અન્ય ભરોંસો અળગો કરી, થઈ રે’વું હરિના વેચાણ॥
ભક્ત તે જ જે ભક્તિ કરે, જોઈ મરજી જગદીશની। મરજી ન લોપે મહારાજની, એહ રીતિ સમજો શિષ્યની॥ મોટે ભાગ્યે ભેટે ભગતિ, પ્રગટ પ્રભુ પરમાણની। તેહ વિનાની જે ભગતિ, તે તો મત મમતના તાણની॥
કરિયે તો કરિયે સમજી, પ્રગટ પ્રભુજીની ભગતિ। નિષ્કુળાનંદ કહે તે વિના, નથી નરને કોઈ પ્રાપતિ॥
કડવું - ૨૩
ભક્તિ હરિની સહુથી અતિ સારીજી, જનને કરવી તે મનમાં વિચારીજી। હિતની વાત હૈયામાંયે ધારીજી, તક જોઈ રે’વું તરત તૈયારીજી॥ તૈયાર રે’વું તક ઉપરે, પ્રસન્ન કરવા પ્રગટને। શીત ઉષ્ણ વરસાદનું, સહી શરીરે સંકટને॥
સેવા કરતાં સેવકને, પંડસુખ સામું પેખવું નહિ। સમે સમાજ સારે સેવવા, તે વિના સુખ લેખવું નહિ॥ તકે દાતણ તકે નાવણ, તકે પે’રાવવાં અંબર। તકે ભોજન વ્યંજન કરી, જમાડવા શ્યામ સુંદર॥ સમે ચંદન ચરચવું, સમો જોઈ પે’રાવવા હાર। સમે આભુષણ અંગમાં, પે’રાવવાં કરીને પ્યાર॥
સમે ઉતારવી આરતી, સમે કરવી સ્તુતિ કર જોડ। સદા દીન આધિન રે’વું, કે’વું બક્ષજો ગુહ્ના પ્રભુ ક્રોડ॥
સમે પ્રભુને પોઢાડવા, સમે નાખવો પંખે પવન। સમે ચરણ ચાંપવાં, એમ કરવા પ્રભુ પ્રસન્ન॥ સમો જોઈ સેવકને, તત્પર રે’વું તૈયાર। મન કર્મ વચને કરી, કરવી સેવા કરી બહુ પ્યાર॥
જે ટાણે ગમે જેમ નાથને, તેહ ટાણે કરવું તેમ। જે ન ગમે જગદીશને, અણગમ્યું ન કરવું એમ॥ એવા અતિ સુતર જન જે, તે કરે પ્રભુને પ્રસન્ન। નિષ્કુળાનંદ કહે નાથના, એ કહિએ સાચા સેવક જન॥
કડવું - ૨૪
ભક્તિમાં ભાર ભારે છે બહુજી, કેટલીક મોટપ મુખે હું કહુંજી। તમે વિચારી જુઓ જન સહુજી, એહ મોટપને ઉપમા શી દઉંજી॥ દઉં શી એને ઉપમા, ભક્તિ બરોબર બીજું નથી। તે ભક્તિ પ્રભુ પ્રકટની, કહી નથી પરોક્ષની કથી॥ પામી પ્રભુ પ્રગટને, જેણે લીધો છે મોટો લાવો। મોટો લાભ મળી ગયો, ટળી ગયો પૂરણ દાવો॥
તેને તોલે ત્રિલોકમાંહી, ના’વે કોઈ નિરધાર। સમે સમે સુખ પામિયાં, પ્રભુ પ્રગટના ભજનાર॥
પ્રગટ ભક્તિ વ્રજવાસિયે કરી, પરોક્ષ ભક્ત અજ અમરેશ। જેવું સુખ ગોપી ગોવાળ પામિયાં, તેવું ન પામિયા વિધિ ઇશ॥ પ્રગટ ભજી ઋષિપતની, પરોક્ષ ભજ્યા ઋષિરાય। ઋષિપત્નીએ હરિ રાજી કર્યા, ઋષિ રહ્યા પરિતાપ માંય॥
પ્રભુ પ્રગટના પ્રસંગ વિના, રહી ગઈ એવા મોટાને ખોટ। આજ કાલના અભાગિયા, દિશ વિના દિયે છે દોટ॥ પ્રગટ વિના છે પાંપળાં, ભક્ત કરે છે ભવમાંય। ખરા ખાંડતાં કુસકા, કણ નહિ નીસરે તે માંય॥ હરિલાડીલા લાડુ જમી ગયા, કેડે પડ્યાં રહ્યાં પતરાવળાં। જેથી ભૂખ ન જાય સુખ ન થાય, વણ સમજે ચાટે છે સઘળાં॥
દન્તી ગયા દાંત રહ્યા, કેમ ભાગે કોટ કમાડ। નિષ્કુળાનંદ પરોક્ષ ભક્તિને, પ્રીછજો એહ પાડ॥
પદ - ૬
પરોક્ષ ભક્ત રે પામે નહિ પ્રાપતિ રે, જીવની જરાય જંપે નહિ ઝાળ રે, પૂરણ થયાનીરે પ્રતીતિ નવ પડે રે, સંશયવત રહે સદા કાળ રે... પરોક્ષ૦॥
મુખોન્મુખરે મળ્યા નથી માવજી રે, કેવા હરિ જાણી કરશે ધ્યાન રે। રૂપ અનુપમ રે કેવું હૃદે રાખશે રે, જેને અણ દીઠે છે અનુમાનરે... પરોક્ષ૦॥ અણ મળ્યાની રે અંતરે આગન્યા રે, પાળશે કઈ પેરે કરી પ્રીત રે। ધર્મને નિ’મ રે કેમ દ્રઢ ધારશે રે, જે નથી જાણતા હરિની રીત રે... પરોક્ષ૦॥
વણ દીઠે વાત રે વદને શું વદશે રે, નથી આવ્યા દયાળુ દીઠામાંય રે। નિષ્કુળાનંદ રે ન મળેલ નાથના રે, તેણે ધર્મ નીમ ન રહે કાંય રે... પરોક્ષ૦॥ ધર્મ દઢ રાખશે હરિના મળેલજી, જે જન તન મન સુખમાં ન ભળેલજી માયિક સુખથી પાછા વળેલજી, તેહને એ વાત સુધી છે સહેલજી સુધી સહેલ એ વાત છે, ધર્મ પાળવો દૃઢ મને॥ ધર્મ મૂકીને કામ કોઈ, કરવું નહિ કોઈ દને॥ ધર્મે બોલવું ધર્મે ડોલવું, ધર્મે જોવું દૃષ્ટે કરી॥ સુતાં બેઠાં જાગતાં, ધર્મ નેમ રહેવું ધરી॥
ધર્મે હાલવું ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી॥ ધર્મે રહેવું ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી॥
ધર્મે ખાવું ધર્મે પીવું, ધર્મ વિના ન ધરવા પાવ॥ કરે કરવું કામ ધર્મનું, ધર્મે કરવો તન નિભાવ॥ સર્વે કામ ધર્મે કરવાં, ધર્મ મૂકી ન કરવું કાંઈ॥ સર્વે કાળે એમ સમજી, રે’વું સદાય ધર્મ માંઈ॥
ધર્મ મૂકીને કારજ કોયે, કે’દી ન ઇચ્છે કરવા॥ કરી એવી અચળ મતિ, તે રતી ન દિયે ફરવા॥ દેહ પર્યંત ડોલવું નહિ, ધર્મ ધાર્યા છે તે માંયથી॥ ટેક નેક ન તજવી, સદા રે’વું હરિ આજ્ઞાએથી॥ ધર્મે થાય તે ઠીક છે, રહિયે અધર્મ થકી અળગા॥ એવા જન થઈ હરિના, રહિયે ધર્મને વળગા॥
સુખ દુઃખના સમુહ માંહિ, મૂંઝાઈ ધર્મ મૂકવો નહિ॥ નિષ્કુળાનંદ કહે નિશ્ચે કરી, ધાર્યો ધર્મ તે ચૂકવો નહિ॥
કડવું - ર૬
ધર્મ રાખે તેહ ધર્મી કા’વેજી, ધર્મ વિના જેને બીજું ન ભાવેજી સુતાં બેઠાં ગુણ ધર્મના ગાવેજી, ધર્મ વિના બીજુ નજરે નાવેજી ના’વે બીજું કાંઈ નજરે, ધર્મ વિના વળી કોઈ ધન॥ ધર્મ ગયે જે ધન મળે, તે જાણો થયું વિઘન॥ ધર્મ ગયે ધરા ધામ મળે, ધર્મ ગયે મળે સુત વામ॥ ધર્મ ગયે ખાન પાન મળે, તે કરવું સર્વે હરામ॥ ધર્મ ગયે સુખ સંપત્તિ મળે, ધર્મ ગયે મળે રાજપાટ॥ ધર્મ ગયે મોટપ્ય મળી, બળી વળી સઈ થઈ ખાટ॥
ધર્મ ગયે વસ્ત્ર મળે, આસન ને વાહન વળી॥ ધર્મ ગયે સનમાન મળે, એહ આદિ સર્વે જાજો બળી॥
ધર્મ ગયે જો તન રહે, તો તનને પણ ત્યાગવું॥ જીવવાનું જાતું કરીને, હરિ પાસે મરવાનું માગવું॥ ધર્મ ગયે સર્વે ગયું, ગયું નીર વળી નાકતણું॥ માટે મૂકી નિજ ધર્મને, ન કરવું મુખ લજામણું॥
ધર્મ વિના સુર અસુર નરનાં, સર્વેનાં શાહીસમ મુખ થયાં॥ ધર્મ વિના ધરા અંબર માંહી, મોટપ માન કેનાં રહ્યાં?॥ ધર્મ વિનાનું ધિક જીવવું, જન જાણજો જગમાંઈ॥ દેવ ઇચ્છિત દેહ આવિયો, પણ કામ ન આવિયો કાંઈ॥ ધર્મવાળા પર ધર્મના સુત, રે’છે રાજી રળિયાત॥ નિષ્કુળાનંદ ધર્મવાનની, શું કહિયે વર્ણવી વાત॥
કડવું - ૨૭
પરમ ધર્મ કહિયે સારમાં સારજી, સંત સરાયે જેને વારમવારજી નથી કોઈ આવતું ધર્મની હારજી, ધર્મ તે ધારી કહું નિરધારજી નિરધાર સાર શોધી કહું, ધારી લેજો ધર્મની રીત॥ જે ધર્મે અધર્મ ટળે, કહું તે ધર્મ કરી પ્રીત॥ ધર્મ તે ધર્મસુતનાં વચન, તેહ પાળવાં પ્રીતે કરી॥ જેને જેમ કરી આગન્યા, તે ફેરવવી નહિ ફરી॥ આગન્યાથી અધિક બીજો, નથી આવતો ધાર્યામાંય ધર્મ॥ તોળી તપાસી જોયું તને મને, એ જ ધર્મ છે વળી પર્મ॥
ત્યાગી ગૃહી જન જેહને, કરી જેને તે જેમ આગન્યા॥ તેને તે તેમ વર્તવું, નવ વરતવું વચન વિના॥
વચનમાં જેહ વરતે, તે પરમ ધર્મ પાળનાર॥ વચન વિરોધી જે વરતે, તે સર્વે ધર્મ ટાળનાર॥ અવિનાશીની જે આગન્યા, તે સમજવું શુદ્ધ ધર્મને॥ ધારી વિચારી રાખવી હૃદયે, તો પામિયે સુખ પરમને॥
વર્ણ આશ્રમ વેદવિધિના, ધર્મ પાળે છે ધરા ઉપરે॥ વે’વાર અર્થે વિવિધ ભાતે, પાળે છે તે બહુ પેરે॥ પણ પરમ ધર્મ છે વાલાનાં વચન, તે કહ્યાં જેને કૃપા કરી॥ તેહ વિના બીજાં સર્વે, પરાં મૂકવાં પરહરી॥ મોટો ધર્મ એ માનવો, જેહ કહ્યો ધર્મને બાળ॥ નિષ્કુળાનંદ મુખોમુખનાં વચન, ન ઉલ્લંઘવાં કોઈ કાળ॥
કડવું - ૨૮
પરમ ધર્મે કરી હરિને ગમવુંજી, ગમતું જોઈને દેહને દમવુંજી તેમાં સુખ દુઃખ આવે તે ખમવુંજી, ભૂલી બીજી વાતે કેદી ન ભમવુંજી ભમવું નહિ ભોળાપણે, રે’વું આગન્યાને અનુસાર॥ સર્વે ધર્મ તેણે સાચવ્યા, નિશ્ચે કરી નિરધાર॥ આગન્યામાં વસ્યા અહોનિશ રહી, જેમ વાળે તેમ વળવું॥ તર્ક ન કરવો તને મને, શ્રદ્ધાએ સેવામાં ભળવું॥ જેમ કહે તે જગદીશ જીભે, તેમ કરે તે કરભામીને॥ કેડે ન રહ્યું તેને કરવું, બેઠા પરમ ધર્મ પામીને॥
બેસ કહે તો બેસવું, ઊઠ્ય કહે તો ઊઠવું વળી॥ ચાલ્ય કહે તો ચાલવું, સુણી વચનને જાવું મળી॥
બોલ્ય કહે તો બોલવું, રહે મુન્ય કહે તો રે’વું મુન્ય॥ આગન્યાથી ઉપરાંત બીજું, જાણવું નહિ પાપ પુણ્ય॥ જેણે વચનમાં રે’વાનું દૃઢ કર્યું, તેણે ધર્મ ધર્યા છે સઘળા॥ તેહ વિના બીજા ધર્મ તે તો, પાપની પ્રજળી પળા॥
શુદ્ધ ધર્મ શ્રીમુખની વાણી, કહી છે જેને કરુણા કરી॥ એવી રીતે રૈ’યે તૈયે, જાણો શુદ્ધ ધર્મ રહ્યા ધરી॥ ધર્મ ધર્મ સહુ કોઈ કહે, પણ ધર્મમાં બહુ મર્મ છે॥ પ્રગટ પ્રભુનાં વચન પાળે, એથી મોટો કોઈ ધર્મ છે॥ હરિ કહે તેમ હાથ જોડી, ચોક્કસ કરવા છે ચિત્તમાં॥ નિષ્કુળાનંદ તેમાં સમ વિષમને, ધારવું નહિ ધર્મની રીતમાં॥
પદ - ૭
ધર્મ છે ધામ રે સર્વે સુખનું રે, રાખજો જન કરી જતન રે; ધર્મ ધારીને રે સંત સુખી થયા રે, વાલપે વરત્યા હરિને વચન રે… ધર્મ॥ વચન વિના રે ધોખે નથી ધારતા રે, માનતા નથી કેવળ ધર્મમાંહી માલ રે; બીજા જે ધર્મ રે જેવાં બોર બગાંમણાં રે, લાગે જંબુકને મન લાલ રે... ધર્મ॥
એવા ધર્મ અન્ય રે જાણીને ઉરથી રે, મેલી છે મનથી ઉતારી વાત રે; રાજા ઋષિનું રે, શ્રવણે સાંભળ્યું રે, સુખ સારુ દુઃખ પામ્યા સાક્ષાત રે... ધર્મ॥ શુદ્ધ સાચો ધર્મ રે શ્રીમુખે સાંભળી રે, વળગી રહ્યા છે વચન માંઈ રે; નિષ્કુળાનંદ રે જ્ઞાની તેને ગણવા રે, કરવું ન રહ્યું તેને કાંઈ રે… ધર્મ॥ ધર્મ રાખે તે ધર્મી કે’વાયજી, ધર્મ વિના જેણે પળ ન રે’વાયજી ધર્મ જાતાં સુખ સર્વે જાયજી, ધર્મ રહે છે એવા જનમાંયજી એવા જનમાં ધર્મ રહે, જે માહાત્મ્ય જાણે મહારાજનું॥ મહા મોંઘો મેળાપ જેનો, ક્યાંથી થાયે સર્વેને શિરતાજનું॥
નર અમર અમરેશને અગમ, અગમ ઈશ અજને ઘણું॥ પ્રકૃતિ પુરુષથી પરા રહ્યા, ક્યાંથી મળવું થાય તેને આપણું॥
સર્વે ધામના ધામી એ સ્વામી, વળી અનંત બ્રહ્માંડ આધાર॥ ક્ષર અક્ષરના આત્મા, પૂરણ સહુને પાર॥ તેહ પ્રભુ પ્રગટ થઈ, નાથે ધરિયું નરતન॥ એવા પ્રભુનાં આપણે, કહો ક્યાંથી મળે વચન॥
મોટા મોટા ઇચ્છે છે મનમાં, આગન્યા સારુ ઉરમાંય॥ એવા પ્રભુની આગન્યા, મળવી મોંઘી સહુને સદાય॥ તેહ હરિ કૃપા કરી કે’છે, વળી વા’લપનાં વચન॥ તે પડવા ન દેવા પૃથ્વીએ, લેવા ઝીલી અધરથી જન॥ જેમ મોરપત્ની બિંદુ આવતાં, રત્યે લિયે છે રસે ભરેલડાં॥ તેનો મયૂર થાય તદવત, થાય પડતાં બિંદુના ઢેલડાં॥
તેમ આવતાં વચન વા’લાતણાં, ગ્રહી લિયે નર ગરજું થઈ॥ તે પૂરણ પામે પ્રાપતિ, ફરી ફેરવણી રહે નઈ॥
સર્વે કામ તેણે સારિયું, વળી ધાર્યા સર્વે ધર્મ॥ નિષ્કુળાનંદ કહે નકી થયું, જેણે જાણ્યો આટલો મર્મ॥
કડવું - ૩૦
મર્મ મોટો એ સમજવો મનજી, તેમાં ફેર ન પાડવો કોઈ દનજી જતને જાળવવાં જેમ જાળવે રતનજી, ક્યાંથી મળે પ્રભુ પ્રગટનાં વચનજી વચન ન મળે વાલા તણાં, તેમ દર્શન પણ છે દોયલાં॥ તેહ મૂર્તિ મુખોન્મુખ મળી, સર્વે કામ થઈ ગયાં સોયલાં॥
અંગોઅંગ અવલોકીને, નખશિખ જોયા નાથ નીરખી॥ એથી પર નથી પામવું, એમ હૈયામાં ધારવું હરખી॥ જે ધારતાં રૂપ જન જાણજો, નથી આવતું ધ્યાનીના ધ્યાનમાં॥ તે પ્રભુ પ્રગટ મળ્યા, શી કસર રહી કહો જ્ઞાનમાં॥
જ્ઞાની તેને ગણીએ, જેને હરિમૂર્તિનું જ્ઞાન છે॥ તે વિના બકવાદ બીજે, એ જાણજો મોટું જ્યાન છે॥ જેણે નથી જોયા નાથને, નજરો નજર નયણાં ભરી॥ તે કેવા કહેશે શ્રીકૃષ્ણને, અટકળ ને અનુમાને કરી॥ જ્ઞાન વિના જ્ઞાની નહિ, જ્ઞાન હોય તેને જ્ઞાની કહિયે॥ સોણે સાધ્ય નથી હરિની, તો કેમ જાણશે જાગશે તૈયે॥
તે જ જ્ઞાની તે તત્ત્વવેત્તા, જેણે પ્રગટ પ્રભુને પેખિયા॥ તે વિના રખે જ્ઞાની ગણો, જેણે હરિ નયણે નથી દેખિયા॥
ભણેલે ભાળ્યા ન હોય નાથને, અણ ભણેલે હોય અવલોકિયા॥ જુવો વિચારી જીવમાં, એમાં જ્ઞાની અજ્ઞાની કેને કહ્યા॥ જ્ઞાની તે જેને ગમ્ય હરિની, એમ સમજવું એહ સાર છે॥ નિષ્કુળાનંદ કહે તેહ વિના, બીજું સર્વે અસાર છે॥
કડવું - ૩૧
સારમાં સાર હરિની મૂર્તિજી, તેમાં જેણે રાખી મનચિત્તવૃત્તિજી હરિ વિના બીજે રાખે નહિ રતિજી, તે ખરા સંત કહિયે મહામતિજી મહામતિ તે સંત ખરા, મૂકે નહિ મહારાજની મૂરતિ॥ અખંડ રાખે ઉર વિષે, જાણી કમાણી મોટી અતિ॥
ચર્ણ જુવે તો ચર્ણ જોઈ રહે, ચિહ્ન જુવે તો જોઈ રહે ચિહ્ન॥ નખ જુવે તો નખ જોઈ રહે, રહે ગર્ક મહાજળે જેમ મીન॥ ફણા ઘૂંટી પેનીને પેખી, લેખે જંઘા જોઈ તે સંત સુખ॥ જાનું ઉરુને જોઈ રહે, જોતાં કટિ મટી જાયે દુઃખ॥
ઉદર નાભીને નીરખે, પેટ છાતી જુવે પ્રેમે કરી॥ કંઠ તિલક કપોળ જોઈ, રાખે હરિમૂર્તિ ભાવે ભરી॥ શ્રવણ નયણ નાસિકા જોઈ, ભ્રકુટી ભાલને ભાળી રહે॥ શીશે કેશ સુંદર વેષ, નખશિખ રૂપ નીહાળી રહે॥ એમ અખંડ એક વરતિ, મૂર્તિને મૂકતી નથી॥ જેમ સરિતા સાગર માંઈ, સન્મુખ ચાલતાં ચૂકતી નથી॥
અંગો અંગ અવલોક્યા વિના, અણું અજાણ્યું પણ છે નહી॥ સાંગોપાંગ સર્વે સુંદર, હરિ હૈયામાં ગયા રહી॥
તે જ જ્ઞાની તે જ ધ્યાની, જેને અખંડ રહે છે એમ ઉર॥ જે જનને પ્રભુની મૂરતિ, રે’તી નથી અંતરથી દૂર॥ એથી ઉપરાંત અન્ય બીજા, જ્ઞાની તે કેને ગણિયે॥ નિષ્કુળાનંદ એ ખરા જ્ઞાની, બીજા ભવે ભળ્યા જ્ઞાની ભણિયે॥
કડવું - ૩૨
જ્ઞાની તેહ જેને હરિની ગમજી, નથી જેને નાથની મૂર્તિ અગમજી નખશિખા નીરખી કરી છે સુગમજી, ના’વે કોઈ એવા સંતની સમજી સંત સમાન તે શું કહિયે, જેને અખંડ મૂર્તિ છે ઉર॥ જોઈ જોઈ જોયું જીવમાં, એની જોડ્યે ન જડ્યું જરૂર॥ કામદુઘા કહું શી કલ્પતરુ, કહું નવ નિધિ સિદ્ધિ સમિત॥ પારસ કહું કે ચિંતામણિ, વજ્રમણિ ઘણી કહું સિત॥
અર્કમણિ કે કહું ઇંદુમણિ, ઘણી ઉપમા દઉ અમૃતની॥ જે જે કહું તે જોખે ભર્યાં, આપું ઉપમા કૈ પ્રતની॥ જેણે અંતરમાં અખંડ રાખ્યા, અલબેલોજી અવિનાશ॥ રાજી થઈને હરિ રહ્યા, દોષે રહિત દેખી નિજદાસ॥ જેમ પંચાનનીપય રે’વા પાત્ર, જોઈએ સોળવલું સુવર્ણ॥ એમ હરિને રે’વાતણું, શુદ્ધ જનનું અંતઃકર્ણ॥
જેમ જગજીવનના જળ જાણો, નથી રે’તું ખાંમા વિના ખમી॥ તેમ હરિજનનું અંતર, ગયું છે હરિને ગમી॥
જેમ સુગંધી રહી છે શ્રીખંડ માંય, રહ્યો ઇક્ષુ માંહિ જેમ રસ॥ તેમ હરિજનમાંહિ હરિ, હળી મળી રહ્યા એક રસ॥ જેમ ચમક ઉત્તર મુખનો, રહે ઉત્તર દિશ પર મુખ॥ તેમ હરિ હરિજન સામા રહે, સદાયે આપવા સુખ॥
એમ સાચા સંતની સનમુખ, સદાય રહે છે શ્રીહરિ॥ નિષ્કુળાનંદ કહે કાચા કોયે, ન હોય સુખિયા એ સુખે કરી॥
પદ - ૮
સુખ અંતરે રે સંત સાચા ભોગવે રે, કાચાને નાવે કેદિયે કામ રે; જેમ સાજો જમે રે સુંદર સુખડી રે, માંદાને મગઉદકે આરામ રે... સુખ॥
ચંદનની વાસે રે અલિ અલમસ્ત છે રે, મક્ષિકા દેખી રહે છે દૂર રે; ગોળનું ગાડું રે ગીંગાને ગમે નહિ રે, જેને પ્રીત પુરીષશું ભરપૂર રે... સુખ॥ કુમુદિની કે દી રે ન પામે સુખ સૂરથી રે, ચકવા કે દી ચંદ્ર ન ચા’ય રે; ઘણું અજવાળું રે ઘુડને ગમે નહિ રે, કોચવાઈ ગરે તે કોતરમાંય રે... સુખ॥
એમ સંત અસંતની રે જાણો રુચિ જૂજવી રે, સંત ભજે તજે તેને અસંત રે; નિષ્કુળાનંદ રે નકી એ વારતા રે, સમજી લેવું એવું સિદ્ધાંત રે… સુખ॥ સિદ્ધાંત વાત સંત સાચે જાણીજી, મન કર્મ વચને પૂરી પ્રમાણીજી સુખરૂપ સમજીને ઉરમાંયે આણીજી, એવા સંતની કહું એધાંણીજી એંધાણી કહું એવા સંતની, જેને માયિક સુખ થયાં ઝેર॥ કામ ક્રોધ લોભ કડવા થયા, થયું વિષય સુખશું વેર॥ જક્તનાં સુખ જોઈને, જેને અંતરે થયાં છે અળખામણાં॥ રૂડાં જાણી નથી રીઝતા, છે અવલ પણ ઇંદ્રામણાં॥
તે થોડે ખાધે થોડું દુઃખ છે, ઘણું ખાધે દુઃખ થાય ઘણું॥ જેમ ચિરોડી ચુનાની ચપટિયે, ગયું ભૂખ દુઃખ તે કિયાતણું॥
જેમ શોખે રાખે કોઈ સિંહને, પાળતાં પૂરણ પાપ છે॥ એમ ભવ સુખને ભોગવતાં, મહા મોટો સંતાપ છે॥ એવું થયું છે અળખામણું, હરિ વિના બીજું હરામ॥ મુક્તિ આદિ નથી માગતા, એવા સંત છે નિષ્કામ॥
વૈરાગ્યે ચિત્ત વાસિત છે, ભક્તિ ભાવે ભર્યું છે ભીતર॥ ધર્મમાં પણ દૃઢ મતિ છે, છે જ્ઞાનનું પણ ઘર॥ શુભ ગુણ કૈ’યે જે સંતના, તેહ આવી વસ્યા છે ઉરમાં॥ તેણે કરી જન તને મને, સૂધા વરતે છે સુરમાં॥ તેની દૃષ્ટે તન અભિમાની, ગીડર નર ગમતા નથી॥ જોઈ સ્વભાવ એ જીવનો, અભાવ રહે છે ઉરથી॥
તેશું મન મેળવતાં મળે નહિ, ભેળું ભળતાં પણ ન ભળાય॥ નિષ્કુળાનંદ તે નોખા રહે, તોય તેલને ન્યાય॥
કડવું - ૩૪
સંત અસંતની રીત જૂજવીજી, ભેળાં ન ભળે જેમ રાત ને રવિજી એમ કહે છે સહુ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઈની॥ રાગી ત્યાગીની રીત ભેળી, ભળે નહિ કોઈ કોઈની॥ એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું॥ એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું॥ એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર નવીન॥ એક ઇચ્છે અંતરે રે’વા ઊજળા, એક રહે મને મલીન॥
એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ॥ એક ઇચ્છે માયિક મોટપને, એક માયિક મોટપને દેખે નહિ॥
એક ઇચ્છે જગ જાણિત થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું॥ એક ઇચ્છે માન વધારવા, એક ઇચ્છે નિરમાનીપણું॥ એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા ઇચ્છે છે ત્યાગ॥ એક ઇચ્છે છે અલપ સુખને, એકને અલપ સુખ છે આગ॥
એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ॥ એક ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ॥ એમ ભક્ત અભક્તના ભાવને, જુદા જાણજો જરૂર॥ એકને ન ભળવું ભીડમાં, એકને રે’વું હરિશું હજુર॥ એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં ભારે રોળ છે॥ નિષ્કુળાનંદ નથી કે’વાતું, પણ તપાસે દુઃખ અતોળ છે॥
કડવું - ૩૫
અતોળ રોળ રહ્યા દેહદર્શીને સાથજી, જે રાતદિન ગાય દેહસુખની ગાથજી તેહ વિના વાત નથી આવી બીજી હાથજી, તે કેમ કરશે પ્રસન્ન નરનાથજી નાથ પ્રસન્ન કેમ કરશે, જેને સેવા કરવી છે શરીરની॥ તેને ભાવે નહિ બીજું ભીતરે, મર વાત હોય સુખશિરની॥ દેહને અર્થે દાખડો, રાત દિવસ કરે છે રહ્યો॥ જરાય ન કરે જીવ અરથે, તેને ઉપદેશ આપવો શિયો॥ શરીર સારુ સાચવી રાખે, સર્વે સુખતણો તે સમાજ॥ પણ જે જે કહે જીવ અરથે, તેનો તરત કરી દિયે તાજ॥
અન્ન અંબર સુંદર જોઈ, સારાં જાણી રાખે સાચવી॥ કાલે આવશે કામ મારે, એમ ઇચ્છા ઉરમાં નિત્ય નવી॥
તુચ્છ વસ્તુ પણ ત્યાગી ન શકે, ત્યારે કેમ ત્યાગશે મનવાંછિત॥ એ ત્યાગી નથી છે વેષ ત્યાગીનો, તેની પડે શી પ્રતીત॥ ગોળ તજી ખાય છે ખોળને, તૂપ તજી ખાય છે તેલ॥ તે પણ કો’યલ કણઝીતણું, ભૂંડી ગંધે દુઃખનું ભરેલ॥
એવાં સુખ શરીરનાં, લેવા સારુ વિસાર્યા નાથ॥ તેને સંગે વૈરાગ્યવંત સંત, કેમ કરી રહી શકે સાથ॥ ભ્રમર ગીંગો ભેળા થયા, આશય અન્યોઅન્યનો અળગો॥ ભ્રમર કમળ ભાળી રહ્યો, ગીંગો ગોબરવાડે વળગો॥ એમ સંત અસંત ભેળા રહે, પણ નોખા છે એકએકથી॥ નિષ્કુળાનંદ કહે એ નથી છાનું, કે’વરાવો છો શું કથી॥
કડવું - ૩૬
કથી નથી કે’વાતું કડવું લગાડીજી, ચોખા ચોખું ચોકસ પાંતિયા પાડીજી આવે અવસરે જે વરતે છે અનાડીજી, તેને કે’તાં ડરતાં રે’વાએ દાડીજી દાડી રે’વાયે ડરતાં, સાચું કે’તાં ઊપજે કલેશ॥ જેને આઠે અંગે તો કુસંગ છે, છે સતસંગનો તો વળી લેશ॥
જેમ નર્તક નર નારી થયો, પણ ઘર કેનું ચલાવશે॥ તેને જાણે છે જે યોષિતા, એ વાત બંધ કેમ બેસશે॥ વૈરાગ્યહીન ભક્તિહીન, અને ધર્મ તો ધરથી નથી॥ તેને વાતો ત્યાગની, શીદ કહીને મરિયે મથી॥
ઝાઝું કે’તાં જોખો ઊપજે, તેને કે’વું તે કળે કળે॥ સે’જે સે’જે કામ સારવું, પણ બહુ તો ન બોલવું બળે॥ જેમ સિંહ સમીપે બકરી, તે બીતી બીતી બોલી શકે॥ તેમ અનાડી નરને આગળે, કેમ બોલાએ વણ તકે॥ જેમ કાળા સર્પના કંડિયા, તે ઢાંકી રાખવા ઢાંકણે॥ તેને ઉઘાડતાં દુઃખ ઊપજે, રખે ઉઘાડતા ભોળાપણે॥
જેમ સાવજનું સાધુપણું, મર્કટ મુખે લીધા લગે॥ તેમ અસાધુ સાધુ થઈ, સાધુને સેવાએ ઠગે॥
એ પણ વાત ઓળખવી, અતિ રે’વું નહિ અજાણ॥ જેમ વ્યાઘ્ર લોટે ઊંટ આગળે, પણ લઈ લેવા છે પ્રાણ॥ ખરી વાત એ ખોટી નથી, સાચી માનજો સર્વે સહી॥ નિષ્કુળાનંદ કહે નથી કહ્યું, અંતરમાં ઈર્ષ્યા લઈ॥
પદ - ૯
સંત વિના સાચી કોણ કહે, સારા સુખની વાત; દયા રહી છે જેના દલમાં, નથી ઘટમાં ઘાત... સંત॥ જેમ જનનીને હૈયે હેત છે, સદા સુતને સાથ; અરોગી કરવા અર્ભકને, પાયે કડવેરા કવાથ... સંત॥ જેમ ભમરી ભરે ભારે ચટકો, પલટાવા ઇયળનું અંગ; તેમ સંત વચન કટુ કહે, આપવા આપનો રંગ... સંત॥
જાણો સંત સગાં છે સહુનાં, જીવ જરૂર જાણ; નિષ્કુળાનંદ નિર્ભય કરે, આપે પદ નિરવાણ... સંત॥
નિર્વાણ પદમાં પોં’ચાડે સંતજી, જે કોઈ દિલના દયાળુ અત્યંતજી જેને એક ઉર રહિયા ભગવંતજી, તેણે કરી સદાય છે શુભ બુદ્ધિવંતજી શુભ બુદ્ધિવાળા સંત જેહ, તેહ સહુના સુખદાય છે॥ તેથી દુઃખ ન ઊપજે, જે સુરતરુ સમ કે’વાય છે॥ જેમ વિટપ બહુ પરમારથી, પરમારથી પાથ ને પૃથવી॥ ઘન પવન પરમારથી, તેમ પરમારથી રાકેશ રવિ॥
જેમ તરુ સુખદાયી તેહથી, ફૂલ ફળ દળ શાખા મળે॥ વળી શીતળ કરે છાયા વડે, તેમ સર્વે સંકટ સંતથી ટળે॥ જેમ જળ મળ હરે જનના, વળી પાન કર્યે હરે પ્યાસ॥ તેમ સંત સુખ સહુને કરે, વળી હરે તન મન ત્રાસ॥ જેમ ભૂમિ પરમારથી ભણિયે, ઠામ ધામ ધાતુ આવે કામ॥ તેમ સંત પરમારથી સમજો, સર્વે પ્રાણીના છે સુખધામ॥
જેમ મેઘ જિવાડે છે મેદિની, જેમ અર્ક કરે છે ઉજાસ॥ જેમ શશી કરે છે શીતળતા, તેમ સંત સહુના સુખનિવાસ॥
જેમ પંચ ભૂતના પદાર્થથી, સર્વે સુખી રહે છે સંસાર॥ તેમ સંત અલૌકિક સુખના, જાણી લિયો જરૂર આપનાર॥ સાચા સંતથી સરી ગયાં, કૈક જીવોનાં કાજ॥ એવા સંતને સેવવા, અવસર આવિયો છે આજ॥
જો મનાય તો મને માનજો, છે અતિ અર્થની વાત॥ નિષ્કુળાનંદ નકી કહે, સુખ થાવાની એ સાક્ષાત॥
કડવું - ૩૮
સાક્ષાતકાર જેને મળિયા છે સ્વામીજી, તેણે કરી અંતરની વેદના વામીજી ભાંગી ગઈ ખોટ રહી નહિ ખામીજી, તે તો પ્રભુ પ્રકટ પ્રમાણને પામીજી પામી પ્રભુ પ્રગટને, જેને ઓછપ ન રહી અંગ॥ નખશિખ નિષ્પાપ છે, પ્રભુ પ્રગટને પ્રસંગ॥
શ્રીહરિના શબ્દ સાંભળ્યા, છે એના એ જ બે કાન॥ પ્રગટ પ્રભુનો સ્પર્શ કર્યો, છે તેની તે ત્વચા નિદાન॥ જેણે પ્રગટ રૂપને પેખિયું, છે એનાં એહ બેઉ નેત્ર॥ જેણે વાલ્યમશું વાતો કરી, છે એની એ જીહ્વા પવિત્ર॥
પ્રગટ પ્રભુને ચડ્યું જે ચંદન, વળી સુગંધી સુમનના હાર॥ તેની વાસ લીધેલ નાસિકા, છે તેમની તેમ નિરધાર॥ જે પ્રગટ પ્રભુના પ્રેર્યાં થકાં, ચાલ્યાં છે જેહ ચરણ॥ તેના તે બેઉ પાવ છે, એવા સંત જે સુખકરણ॥ જે કરે કરી હરિ સેવિયા, પાયાં પાણી જમાડ્યાં અન્ન॥ તેના તે બેઉ બાહુ છે, પ્રભુસ્પર્શના જેહ પાવન॥
એમ અંગોઅંગે અવિનાશને, સ્પર્શી કર્યાં છે પવિત્ર॥ તેને તોલે ત્રિલોકમાં, આવે અંગ કેમ ઇત્ર॥
એવા સંત સંસારમાં, પછી જોતાં પણ જડશે નહિ॥ માટે હળીમળી હેત કરો, તે વિના પાર પડશે નહિ॥ બીજા ગુણવાન તો ઘણા મળશે, પણ નહિ મળે હરિના મળેલ॥ નિષ્કુળાનંદ એવા સંત સંબંધે, અનંતનાં પાપ બળેલ॥
કડવું - ૩૯
એવા શુદ્ધ સંતનો સુખદાયી સંબંધજી, જેણે કરી છૂટે ભારી ભવબંધજી માયિક સુખનો નવ રહે ગંધજી, ઊઘડે અનુભવ આંખ્ય ન રહે અંધજી આંખ્ય ઊઘડે અનુભવની, તે તો સાચા સંત જનને સંગે॥ ઊતરે મેલ માયાતણો, ચિત્ત રંગાઈ જાય હરિને રંગે॥ તે સંત મળેલ શ્રીહરિના, પ્રભુ પ્રગટના પ્રમાણ॥ જે અર્સપર્સ પામી પૂરણ છે, સહુ સમજી લેજો સુજાણ॥
જેમ પારસ સ્પર્શે લોહને, તેમાં લોહપણું લેખવું નહિ॥ એ સાંગોપાંગ સુવર્ણ છે, આકારે અન્ય દેખવું નહિ॥ તેમ જે સંતને સ્પર્શ્યા શ્રીહરિ, તે સંત એ સર્વે શુદ્ધ છે॥ એમાં અન્ય ભાવ આણવો નહિ, એ જ સારી સુબુદ્ધ છે॥ જેમ ચંદન વાસે વૃક્ષ બીજાં, ચંદન સરિખાં થાય છે॥ તેમ શ્રીહરિના સંબંધથી, સંત કલ્યાણકારી કે’વાય છે॥
જેમ જાહ્નવીજળ જળ ગ્રામનું, સ્પર્શીને કરે છે પાવન॥ તેમ પ્રગટ પ્રભુના સ્પર્શથી, જાણો જાહ્નવીરૂપ હરિજન॥
એવા સંતને સંબંધે, દોષ કલંક થાય છે દૂર॥ શુદ્ધ થઈ જન સર્વે અંગે, પોં’ચે હરિ સમીપે હજૂર॥ સંત બહુ બીજા સંસારમાં, તેને તોલે રખે ત્રેવડો તમે॥ હંસ ને બક બરોબર બેઉ, સમજવા નહિ કોઈ સમે॥
જેમ ચક્રવર્તી ભૂપાળ બાળને, ગરીબ કંગાલ ગણવો નહિ॥ નિષ્કુળાનંદ એ નરેશ છે, ભૂલે બીજો ભણવો નહિ॥
કડવું - ૪૦
સંત સમર્થ છે શ્રીહરિ સેવીજી, આપું એને ઉપમા નથી કોઈ એવીજી અનુપમને ઉપમા સમજો શી દેવીજી, એ પણ વાત છે વિચાર્યા જેવીજી વિચાર્યા જેવી છે એ વારતા, જે આપવી સંતને ઉપમા॥ શા સરખા સૂચવિયે, જેને જક્ત સુખની નથી તમા॥ સિંધુને શા સરિખો કહું, અતિ ઊંડો ને ઘણો ગંભીર છે॥ તોલ માપ થાપ થાતો નથી, જેનું અતિ અગાધ નીર છે॥
જો તીખો અર્ક તપે ઘણું, પણ અણુભાર ઊનો નવ થાય॥ તેને સમ સર સરિતા વાપી, કૂપ કેમ કહેવાય॥ તેમ સંત ગંભીર ગરવા ઘણું, તપે નહિ ત્રણે તાપે કરી॥ અતિ પરમારથી પ્રાણધારીના, શોક સંશય સર્વે લિયે હરી॥ જેમ મહા અર્ણવ ઉલ્લંઘવા, નથી ઉપાય બીજો નાવ વિના॥ તેમ સંસાર સાગર પાર કરવા, જાણો સંત અજર ઝાઝ બન્યા॥
જેમ ચિંતામણિમાં ચૌદ લોકની, રકમ સર્વે રહી છે॥ તેમ સાચા સંતમાં સમજો, કહો કમી તે સઈ છે॥
મોટે ભાગ્યે કરી મળે માનો, સાચા સંતનો સમાગમ॥ તો તેણે કરી મહા સુખ પામે, વળી વામે વેળા વિષમ॥ સર્વે વાત જાય સુધરી, જો થાય એવા સંતશું પ્રીત॥ નૂન્ય ન રહે તેહ જનને, જાણો જોરે થઈ જાય જીત॥
પાર આવી જાય સર્વે પંથનો, વળી સરી જાય સહુ કામ॥ નિષ્કુળાનંદ શુદ્ધ સંત સેવ્યાથી, પમાયે પૂરણ પરમધામ॥
પદ - ૧૦
અનુપ સંતને આપું ઉપમા, એવું નથી જો એક; જોઈ જોઈ જોયું મેં જીવમાં, કરી ઊંડો વિવેક..અનુપ॥ સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, શોધે નાવે સંતને તોલ; દીઠાં સુણ્યાં તે તો દોષે ભયાર્ં, સંત અતિ અમળ અમોલ..અનુપ॥
સાતે દૃષ્ટાંતે સહુ સૂચવી, કહે કવિ જન કોય; સરે સાર તેમાં શોધતાં, સંત સમ નહિ સોય..અનુપ॥ જેવા સંત એ કહિયે શિરોમણિ, તેવા હરિ સહુ શિરમોડ; નિષ્કુળાનંદ નિહાળતાં, ન જડે એ બેની જોડ..અનુપ॥ જોડ્ય નથી જડતી જગમાંયે જોતેજી, ઘણી ઘણી રીતે ઘટમાં ગરી ગોતેજી બીજા અવતારના અવતારી પોતેજી, આપે આવિયા સર્વે સામર્થિ સોતેજી સર્વે સામર્થી સહિત આવ્યા, અલબેલોજી આણી વાર॥ પોતાના પ્રતાપથી, કર્યો અનેક જીવનો ઉદ્ધાર॥
ખગ મૃગ નર નિરજર, ભૂત ભૈરવ પામ્યા ભવપાર॥ સ્થાવર જંગમ જાતની, આણે સમે લીધી છે સાર॥
દૈવી આસુરી દોયને, તાર્યા આણે સમે અગણિત॥ ન જોઈ કરણી કોઈની, એવી નવી વર્તાવી રીત॥ તમોગુણી રજોગુણી તારિયા, સત્ત્વગુણીને આપિયા સુખ॥ શરણાગતને આ સમે, રહેવા દીધું નહિ દુઃખ॥
જે જન કોઈ પ્રકારે કરીને, ઉદ્ધરવાનો આઝો નહિ॥ એવા જન ઉદ્ધારિયા, તેની મોટપ્ય કેમ જાયે કહિ॥ ધર્મ રહિત ભક્ત રહિત, વળી વૈરાગ્ય જેને છે વેરવી॥ એવા પામર નર પાર કર્યા, એવી વર્તાવી વાત નવી॥ તૃણ કાષ્ઠ ને તુંબડાં તારે, એવાં વા’ણ તો હોયે ઘણાં॥ પણ લોહ પાષાણને તર ઉતારે, એહ નાવમાં નહિ મણા॥
તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે, તેનું આશ્ચર્ય શું જાણિયે॥ પણ આસુરી પામર નર તરે, તેથી વાત બીજી શું વખાણિયે॥
આ સમાના અવતારની, મોટપ મુખે કે’વાતી નથી॥ નિષ્કુળાનંદ કહે જન મને, વિચારી જુવો વિધવિધથી॥
કડવું - ૪૨
આ સમે સરિયાં જેવાં જનનાં કાજજી, એવાં ન સરિયાં વિચારિયું આજજી આ સમે સોંપિયા જે સુખના સમાજજી, અલૌકિક સુખ લોકે આપ્યું મહારાજજી અલૌકિક સુખ આ લોકમાંયે, અલબેલેજિયે આપિયું॥ ધ્યાન ધારણા સમાધિનું સુખ, આપી માયિક દુઃખ કાપિયું॥ અલૌકિક સુખ અવલોકીને, જન આશ્ચર્ય પામે ઉર॥ અનેક ધામ ધામી સહિત, હરિયે દેખાડ્યાં હજૂર॥ પર પોતાના ઘાટને, હરિ દેખાડે મૂર્તિમાન॥ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જેહ, તે નજરે નીરખે નિદાન॥
સર્વે અંગે સમેટીને, લાવે એક અંગમાં પ્રાણ॥ પછી દેહ તે જડવત રહે, જેવું સૂકું કાષ્ઠ પાષાણ॥
પછી બાળો કાપો કોઈ દેહને, તેને દુઃખ નહિ તલભાર॥ એવો અગણિત આ સમે, હરિયે દેખાડ્યો ચમત્કાર॥ ષટ ઊર્મિ ક્ષોભ નવ કરે, હરે ફરે કરે કાંઈ કામ॥ એવી આશ્ચર્ય વારતા, ઘણી દેખાડી ઘનશ્યામ॥
ભૌતિક દેહ ભૂમિ વ્યોમમાં, કરે પાણીમાં પણ પ્રવેશ॥ આડ્ય રહિત અટકે નહિ, નવ રહ્યું આવરણ લેશ॥ એવી અનંત રીત અલૌકિક આણી, જાણી નો’તી જે જગમાંઈ॥ અતિ સામર્થી વાલે વાવરી, નથી કહ્યે જાતી તે કાંઈ॥ અનેક અવતાર આગે ધર્યા, તે તો પોતાના જન કારણે॥ નિષ્કુળાનંદ સહજાનંદ પ્રભુપર, વારી વારી જાયે વારણે॥
કડવું - ૪૩
વારીવારી જાઉં વાલમજી મારાજી, આજ શોભ્યા છો સૌથી સારાજી પ્રાણજીવન ઘનશ્યામ છો પ્યારાજી, નિજજનને મહાસુખના દેનારાજી સુખ દેવાને શ્રીહરિ, પ્રભુ પ્રગટ થયા તમે આજ॥ મહા સુખમય મૂર્તિ ધરી, કર્યાં અનેક જનનાં કાજ॥ આગે મત્સ્ય કચ્છ વારાહ વપુ, થયા નરહરિ રૂપે નાથ॥ કર્યાં કારજ નિજ જનનાં, પણ સેવી સુખી ન થયો જનસાથ॥ વામન રૂપને ધરી હરિ, કર્યું બળિ રાજાનું કામ॥ એ પણ રૂપ અનુપમ હશે, પણ સંતે સેવી ન કરી પૂરી હામ॥
પરશુરામે ફરશી ફેરવી, કરી ભૂપ રહિત ભૂમિકા॥ તેને પણ સત્ત્વગુણી સંત, સેવી સુખ નવ લઈ શક્યા॥
રામ પ્રભુ તે રાજા થયા, તેને ગરીબ કેમ પૂજી શકે॥ દુર્બળ જાયે કોઈ દર્શને, તો દ્વારપાળ મારે ધકે॥ કૃષ્ણરૂપે અનુપ આપે થયા, કર્યાં અનેક જીવનાં કાજ॥ પણ એમનું એમ રાખ્યું નહિ, પછી થયા રાજઅધિરાજ॥
બુદ્ધ શુદ્ધ બોધ દેઈને, તાર્યા જીવ અનંત અપાર॥ કલકી ભાર ઉતારવાને, હરિ હવે લેશે અવતાર॥ એવા સર્વે અવતાર સૂચવી, ભાવે પ્રભુના ભાખિયા॥ પણ આજ સંતને સુખ આપતાં, કોઈ રીતે ઊણા ન રાખિયા॥ અનેક પ્રકારે આશ્રિત જનને, આપ્યો અખંડ આનંદ॥ નિષ્કુળાનંદ સુખદ સહુના, સ્વામી તે સહજાનંદ॥
કડવું - ૪૪
સ્વામી સહજાનંદ જે જને સેવ્યાજી, તેને ન રહ્યું કાંઈ કરવાનું કે’વાજી સૌપરી શિરોમણિ મળ્યા હરિ એવાજી, એવી નથી ઉપમા એને બીજી દેવાજી ઉપમા નથી એવી આપવા, જોઈ જોઈ જોયું જરૂર॥ ચૌદ લોકમાં જોયું ચિંતવી, એ સમ ન સમજાણું ઉર॥
અનેક તન ધરી હરિ, વિચર્યા વસુંધરા માંઈ॥ તેના મળેલ તપાસિયા, સુખ પામ્યા ન પામ્યા કાંઈ॥ આજની તો અલેખે વાત છે, અઢળ ઢળ્યા છે અલબેલ॥ હળ્યા મળ્યા હરિ હેતે કરી, વળી વાળી રંગડાની રેલ॥
જમ્યા રમ્યા જોડ્યે રહ્યા, દયા કરી દીન દયાળ॥ સમે સમે સુખ આપિયાં, કાપિયાં દુઃખ વિશાળ॥ અરસ પરસ એકમેક રહ્યા, અંતરાય ન રહિ અણુભાર॥ અનંત અવતાર આવિયા અવનિએ, પણ આંક વાળિયો આ વાર॥ અનેક પ્રતાપ અનેક પરચા, અનેક ઉદ્ધારિયા જન॥ કોયે વાતની કસર નહિ, એવા સહજાનંદ ભગવન॥
અનંત સામર્થી અનંત ઐશ્વર્ય, અનંત પરાક્રમ અપાર॥ અનંત ધામના ધણી હરિ, વળી અનંત શક્તિ આધાર॥
સહુ ઉપર એ શ્રીહરિ, એની ઉપર નહિ કોઈ એક॥ પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પોતે, એને આધારે બીજા અનેક॥ એવા પ્રતાપી પ્રભુ મળ્યા, તેના ટળિયા સર્વે તાપ॥ નિષ્કુળાનંદ શ્રીહરિ સંબંધે, શુદ્ધ થયા જન આપ॥
પદ - ૧૧
સુખી કર્યા રે જન જગતમાં, પ્રભુ પ્રગટી આ વાર; નિવાસી કર્યાં બ્રહ્મમો’લના, અગણિત નર નાર... સુખી॥ જે સુખ અગમ અજ ઈશને, સુર સુરેશને સોય; તે સુખ દીધું છે દાસને, જે સુખ ન પામે કોય... સુખી॥ ધામી વિના રે એહ ધામનું કોણ સુખ દેનાર; માટે આપે આવી આપિયું અખંડસુખ અપાર... સુખી॥
એહ સુખથી જે સુખી થયા, રહ્યા દુઃખ તેથી દૂર; નિષ્કુળાનંદ નિર્ભય થઈ; રહ્યા હરિને હજૂર... સુખી॥
હરિ હજૂર જે પામ્યા દાસ વાસજી, તેને કોઈ રહ્યો નહિ તન મને ત્રાસજી પરિપૂરણ પામ્યા સુખ વિલાસજી, જે સુખનો ન થાય કોઈ દિન નાશજી નાશ ન થાયે કોઈ દિને, એવું અવિનાશી એહ સુખ છે॥ તેહ વિના તપાસી જોયું, જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે॥ અટળ સુખના આપનારા, નથી કોઈ સહજાનંદજી સમાન॥ બીજે છે વાતોના વાયદા, એમ સમજવું બુદ્ધિમાન॥
સત્ય શાસ્ત્ર સંત સુધર્મને, શોધીને ગ્રે’વું સાર॥ જેવા તેવાથી જડતું નથી, અખંડ સુખ અપાર॥ માયિક સુખ પણ મોંઘાં ઘણાં, ત્યારે અમાયિકનો કોણ આપનાર॥ માટે સહજાનંદ સેવવા, ઉર કરી વળી વિચાર॥ જેહ સુખ જેહને ઘરે, તે તો તેનું દીધું દેવાય॥ તેહ વિના તોળી તપાસિયું, લેશ પણ આપણે ન લેવાય॥
એહ સુખને આપવા, આવ્યા અવનિએ અલબેલ॥ મહા મોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે એ સે’લ॥
પરમ પરમારથી પ્રગટ્યા, શ્રી સહજાનંદ સુખધામ॥ આવી મળ્યા જન જેહને, તેહ થયા તે પૂરણકામ॥ ભાંગી ભૂખ ભૂખ્યાતણી, ઘણી ઘનશ્યામે કરી મે’ર॥ એવો કોણ અભાગિયો, જે દુઃખી રે’શે આ વેર॥
આજ મો’રે આવી વારતા, કો’યે પર અવર પામ્યા નથી॥ નિષ્કુળાનંદ જેણે નથી દીઠા, તે કેવી રીતે કે’શે કથી॥
કડવું - ૪૬
કથી નથી કે’વાતી વણ જાણે વાતજી, કે’શે કોઈ સંત જે જાણે છે સાક્ષાતજી બીજા બહુને છે એ વાત અખ્યાતજી, દીઠા ભેટ્યા વિના ભાખશે કોણ ભાતજી કોણ ભાતે નર ભાખશે, જેને સ્વપ્ને પણ સંબંધ નથી॥ અટકળ અનુમાન કરી, મોટા મોટા મરે છે મથી॥ કોઈ કહે હજાર હાથ હરિને, કોઈ કહે આઠ ચાર કર છે॥ કાનનું સુણ્યું સહુ કહે, પણ ખરી કાંઈ ખબર છે?॥
કોઈ કહે હરિ અરૂપ છે, કોઈ કહે તેજોમય તન॥ કોઈ કહે વિશ્વમાંહિ વ્યાપી રહ્યા, કોઈ કહે આ બોલે વચન॥ કોઈ કહે પ્રભુને પરછાયો નહિ, કોઈ કહે ન ધરા ધરે પાવ॥ દીઠા વિના આપ ડા’પણે, અમથા કરે છે ઉઠાવ॥ પણ જાણો હરિને બે હાથ છે, બે પાવલિયા છે પુનિત॥ શ્રવણ નયન નાસિકા, મુખે બોલે છે રૂડી રીત॥
જમે રમે નિજજન ભેળા, લિયે દિયે પૂજા જે દાસ॥ હસે વસે સેવક સંગે, અલબેલો આપે અવિનાશ॥
સાકાર સુંદર મૂરતિ, સુખદાયી સહજાનંદ॥ તેને જાણ્યા વિના જડમતિ, નિરાકાર કહે નર મંદ॥ સવળું અવળું સમજી, પાડી આંટી ઘાટી ઉરમાંય॥ ઘૂંચાણા ઘણી ઘૂંચવણીમાં, પડ્યું નહિ પાધરું કાંય॥
પૂઠ્ય દઈ પૃથ્વીનાથને, ચોડ્યું ચિત્રામણમાંય ચિત્ત॥ નિષ્કુળાનંદ પ્રગટ મૂકી, કરી આળ પંપાળશું પ્રીત॥
કડવું - ૪૭
આળ પંપાળમાં આવરદા ન ખોવીજી, એ પણ વાત વિચારીને જોવીજી હીરો હાથ આવ્યે ધુડ્યને ન ધોવીજી, દિનમાં સૂઈ રહી રાત ન ડોવીજી દિનમાંહી હીંડે મારગ મળે, રાતમાંય ઘણું રડવડિયે॥ તેમ પ્રગટ મૂકીને પરોક્ષ ભજતાં, કહો પાર એમાં કાંઈ પડિયે॥ જેમ કોઈ ફૂલવાડીનાં ફૂલ મેલી, આકાશ ફૂલની આશા કરે॥ પાર વિના પરિશ્રમ પડે, સાર થોડું જ મળે સરે॥
તેમ પ્રગટ પ્રભુને પરહરી, પરોક્ષમાં કરે પ્રતીત॥ તે તો પીયુષનોતરું પરહરી, કરી છાશ પીવા ચાહે ચિત્ત॥ ટાણે ટેવ રાખી નહિ, કરે કટાંણે કોઈ ઉદ્યમ॥ તેમાં ન પડે પાંસરું, પડે તેમાં તે પૂરણ શ્રમ॥ માટે સમો સાચવવો, પ્રગટશું કરવી પ્રીત॥ તો પૂરણ તક પાકે ખરી, વળી થાય જગતમાંહી જીત॥
એટલું કર્યું તો સર્વે કર્યું, કેડે કરવું ન રહ્યું કાંઈ॥ મનુષ્ય દેહનો લાભ મળ્યો, આવી આ ભવમાંઈ॥
સર્વે સિદ્ધાંતનું સિદ્ધાંત એહ જ, રે’વું પ્રગટ પ્રભુ પરાયણ॥ મન વચન કર્મે કરી, ભજવા સ્વામિનારાયણ॥ એહ ઠીક ઠેરાવી વાત અંતરે, પછી રે’વું નિર્ભય નચિંત॥ એટલું સમજે સર્વે સમજ્યા, સમજાણી સનાતન રીત॥
મળ્યો મારગ મહાસુખનો, જેમાં દુઃખ નહિ લવલેશ॥ નિષ્કુળાનંદ નકી એ વારતા, માનવો મોટાનો ઉપદેશ॥
કડવું - ૪૮
સારસિદ્ધિ સુંદર ગ્રંથ છે સારોજી, સહુ શાણા મનમાં વિચારોજી પ્રગટ ઉપાસીને લાગશે પ્યારોજી, દુઃખ ટળી સુખનો આવશે વારોજી વારો આવશે સુખનો, સાંભળતામાં સાર શિરોમણિ॥ પ્રીત થાશે પ્રભુ પ્રગટમાં, ઘનશ્યામ માંઈ ઘણી ઘણી॥ અન્ય સુખથી મન ઉતારી, પ્રગટમાં સુખ પેખશે॥ લોકાલોકની લાલચ્ય મેલી, સુખ ધર્મસુતમાં લેખશે॥
જગસુખ અભાવની જુગતી, અતિ કહિ છે જો કથીકથી॥ સમજ્યા સરખી સુલભ છે, વાત અતિ રતી ઊંડી નથી॥ વૈરાગ્ય ભક્ત ધર્મની, વાત સારી પેઠ્યે સૂચવી॥ જ્ઞાનની પણ થોડી ઘણી, ચોકસપણે ચોખી ચવી॥ અસંત સંતની વારતા, તેહ પણ કાંઈક કહી છે॥ સાંગોપાંગ સમજવા, ઘણી ઘણી ગ્રંથોમાં રહી છે॥
સાર સાર શોધી કહ્યું, જે જે જાણ્યામાં મારે આવિયું॥ તેહ તેહ તપાસી તને મને, કાંઈક કાંઈક કા’વિયું॥
મુમુક્ષુને મગન કરવા, આમાં વાત છે વિધવિધની॥ નથી છાની છે વાત છતી, પ્રભુ પ્રગટ પ્રસિદ્વની॥ ખરા ખપવાળાને ખોળતાં, માનો વાત આવી તે મળે નહિ॥ ત્યાર તરછટ તાંદુલા, કરી દીધા છે સુંદર લહિ॥
આ ગ્રંથ ગાશે સુણશે, રે’શે એમાં કહ્યું એવી રીત॥ નિષ્કુળાનંદ એ નરનાં, ઊઘડશે ભાગ્ય અમિત॥
પદ - ૧૨
ભાગ્ય જાગ્યાં આજ જાણવાં, કોટિ થયાં કલ્યાણ; ઉધારો ન રહ્યો એહનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ... ભાગ્ય॥ અનાથપણાનું મે’ણું ઊતર્યું, સદા થયા સનાથ; ડર ન રહ્યો બીજા દેવનો, ગ્રહ્યો હરિયે હાથ... ભાગ્ય॥
કંગાલપણું કે’વા ન રહ્યું, સદા મનાણું સુખ; મસ્તી આવી રે અતિ અંગમાં, દૂર પલાણાં દુઃખ... ભાગ્ય॥ અણસમજણ અળગી થઈ, સમી સમજાણી વાત; પાંપળાં સર્વે પરાં પળ્યાં, મળ્યા શ્રીહરિ સાક્ષાત... ભાગ્ય॥ કસર ન રહી કોઈ વાતની, પામ્યા પ્રભુ પ્રગટ પ્રસંગ; ખોટ્ય મટીને ખાટ્ય થઈ, રહી ગયો છે રંગ... ભાગ્ય॥
ભૂધર મળતાં ભલું થયું, ફેરો ફાવ્યો આ વાર; સુખતણી સીમા શી કહું, મને મોદ અપાર... ભાગ્ય॥
આજ આનંદ વધામણાં, હૈયે હરખ ન માય; અમળતી વાત તે આવી મળી, શી કહું સુખની સીમાય... ભાગ્ય॥ આજ અમૃતની એલી થઈ, રહી નહિ કાંઈ ખોટ; એક કલ્યાણનું ક્યાં રહ્યું, થયાં કલ્યાણ કોટ... ભાગ્ય॥
રાંકપણું તો રહ્યું નહિ, કોઈ મ કે’શો કંગાલ; નિરધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ… ભાગ્ય॥ કોણ જાણે આ કેમ થયું, આવ્યું અણચિંતવ્યું સુખ; ઢાળો અલૌકિક ઢળી ગયો, મળ્યા હરિ મુખોમુખ... ભાગ્ય॥ ધન્ય ધન્ય અવસર આજનો, જેમાં મળિયા મહારાજ; નિષ્કુળાનંદ ડંકો જીતનો, વાગી ગયો છે આજ... ભાગ્ય॥