સમરો સુખદ શ્રીહરિદેવજી, જેથી પામીએ આનંદ અભેવજી જેહ આનંદનો નાવે કેદી છેવજી, તેહ સુખ આપે હરિ તતખેવજી હરિ હરખી સુખ આપે, જો વર્તીએ વચનમાંય॥ મેલી ગમતું મનતણું, રહીએ શ્યામ ગમતે સદાય॥ પૂરણ સુખને પામવા, રહીએ હરિઆજ્ઞા અનુસાર॥ તે વિના મોટપ્ય નવ મળે, જન જોવું કરી વિચાર॥
Nishkulanand Swami
કડવું – ૧
ભવ બ્રહ્મા આ બ્રહ્માંડમાં, મહા મોટા કહે સહુ કોય॥ તે મોટપ્ય શ્રીમહારાજથી, એહ સમજવું જન સોય॥ શશી સૂર્ય સમર્થ સહી, કરે સર્વે લોકે પ્રકાશ॥ તે પ્રસન્ન કરી પરબ્રહ્મને, અંગે પામ્યા એવો ઉજાસ॥ શેષ સુરેશ ને શારદા, ગણપતિ ગુણના ભંડાર॥ રામ રાજિયે હનુમાન હુવા, અતિ મોટા પરમ ઉદાર॥
ભૂત ભવિષ્ય વર્તમાનમાં, હરિ રાજીપામાં જે રહ્યા॥ દેવ દાનવ માનવ મુનિ, તે સર્વે મોટા થયા॥
મોટું થાવાનું હોય મનમાં, તો હરિવચનમાં હમેશ રૈ’યે॥ નિષ્કુળાનંદ કહે ન લોપિયે, વાલમનું વચન કૈયે॥
કડવું – ર
વચને કરી છે વર્ણાશ્રમજી, વચને કરી છે ત્યાગી-ગૃહી ધર્મજી વચને કરી છે કર્મ અકર્મજી, એહ જાણવો જન મને મર્મજી મર્મ એમ જન જાણીને, રહેવું વચન માંહે વળગી॥ વચન લોપી જાણે સુખ લેશું, એવી અવિદ્યા કરવી અળગી॥ વચને ઇન્દુ અર્ક ફરે, હરે તમ કરે પ્રકાશ॥ વચને ઇન્દ્ર વૃષ્ટિ કરે, માની વચનનો મને ત્રાસ॥ શેષજી શિરે ધરી રહ્યા, ચૌદ લોક ભૂમિનો ભાર॥ વચને કાળ શક્તિ કરે, ઉત્પત્તિ સ્થતિ સંહાર॥
વચને બાંધ્યો સિંધુ રહે, પાળ વિનાનું પાણી વળી॥ તેણે કરી શું તુચ્છ થયા, એહ આદ્યે સરવે મળી॥
વચન માંહી વર્તતાં, વણતોળી મોટપ્ય મળે॥ વચન વિરોધી વિમુખ નર, તાપત્રયમાં તેહ બળે॥ વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ, વચને બદ્ધ મુક્ત કહિયે॥ તે વચન શ્રીહરિ મુખનાં, સુખદાયક સરવે લહિયે॥
એમ સમજી સંત શાણા, વર્તે છે વચન પ્રમાણ॥ નિષ્કુળાનંદ તે ઉપરે, સદા રાજી રહે શ્યામ સુજાણ॥
કડવું – ૩
વચનમાં વરતે સંત શાણાજી, દેહ ગેહ સુખમાં જે ન લોભાણાજી મન કર્મ વચને હરિ બોલે બંધાણાજી, એવા જન જેહ તેહ મોટા ગણાણાજી મોટા ગણાણા તે માનવું, કર્યું ગમતું જેણે ગોવિંદતણું॥ તે વિના મોટપ્ય નવ મળે, ફરી ફરી શું કહિયે ઘણું॥ રાધાજિયે રાજી કર્યા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન॥ તેણે કરીને મોટપ્ય મળી, વળી પામિયા બહુ સનમાન॥ કમળાએ કૃષ્ણને રીઝવ્યા, રીઝ્યા અલબેલો અવિનાશ॥ તેણે કરીને તેહ પામિયાં, હરિ ઉરે અખંડ નિવાસ॥
વૃંદા વચનમાં વરતી, કર્યા પ્રભુને પ્રસન્ન॥ તેણે કરી હરિ અંઘ્રિમાં, રહ્યાં કરી સુખ સદન॥
વ્રજવનિતા વચને રહી, વળી વા’લા કર્યા વ્રજરાજ॥ તેણે કરીને તોલે તેને, ના’વે શિવ બ્રહ્મા સુરતાજ॥ પંચાલિયે પ્રસન્ન કર્યા પ્રભુને, આપી ચીરી ચીંથરી ચીરતણિ॥ તેણે કરી તને નગ્ન ન થયાં, વળી ભક્ત કા’વ્યાં શિરોમણિ॥
એહ રીતે મોટપ્ય મળે, પહેલા રાજી કર્યે પરબ્રહ્મ॥ નિષ્કુળાનંદ કહે તે વિના, ઠાલો પડે જાણો પરિશ્રમ॥
કડવું – ૪
માની વચન મોટા થયા કઈજી, જે મોટપ્ય કહેતાં કહેવાય નહીંજી તેહ પામ્યા વા’લાને વચને રહીજી, એ પણ મર્મ સમજવો સહીજી સહી સાબિત કરી શિરસાટે, રહ્યા વચનમાં કરી વાસ॥ ઉન્મત્તાઈ અળગી કરી, થઈ રહ્યા દાસના દાસ॥ મોટાં સુખને પામવા, વામવા કષ્ટ કલેશ॥ તેને વચનમાં વર્તતાં, નથી કઠણ કાંઈ લવલેશ॥
પામર પ્રાણી પામ્યા પ્રભુતા, રહી હરિ આજ્ઞા અનુસાર॥ આદ્યે અંત્યે મધ્યે મોટા થયા, તે તો વચનથી નિરધાર॥ સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞાલોપ॥ રાજી કરવાનું રહ્યું પરું, પણ કરાવિયે નહિ હરિને કોપ॥ મોટપ્ય માનવી કેમ મળે, વાઢી કાઢે વચનનાં મૂળ॥ સુખ થાવાનું શાનું રહ્યું, થયું સામું સો ઘણું શૂળ॥
અલ્પ સુખ સારુ આગન્યા, લોપે છે શ્રીહરિતણી॥ પરમ સુખ કેમ પામશે, ભાઈ ધારજો તેના ધણી॥
વસી નગર નરેશને, વેર વાવરે નરનાથશું॥ નિષ્કુળાનંદ કહે નરસું, એણે કર્યું એના હાથશું॥ નહિ પામે પામર નર સુખ રે, રહી હરિવચનથી વિમુખ રે… નહિ૦ ટેક. સુખ પામશે સંત સુજાણ રે, જે કોય વર્તે છે વચન પ્રમાણ રે; થઈ રહી વા’લાના વેચાણ રે… નહિ૦॥
કર્યું ધ્વજપટ ઘટ મન રે, વળે જેમ વાળે છે પવન રે; એમ માને વાલાનાં વચન રે… નહિ૦॥ જેમ નરમ તૃણ નદી તટ રે, વારિ વેગે વળી જાય ઝટ રે; તેને શીદને આવે સંકટ રે… નહિ૦॥ એમ વચન વશ થઈ રહે રે, તે તો મોટા સુખને લહે રે; નિશ્ચે નિષ્કુળાનંદ એમ કહે રે… નહિ૦॥
કડવું – ૫
વચનદ્રોહીનાં જો થાય વખાણજી, તો શીદને કોયે વરતે વચન પ્રમાણજી જેમાં તન મને થાવું હેરાણજી, સુખ મૂકી દુઃખ ન ઇચ્છે અજાણજી અજાણ પણ ઇચ્છે નહિ, કાયાને કારસો આપવા॥ વણ કારસે વારિ મળે તો, કોણ જાયે કૂપ કાપવા॥
ત્યારે દમે શીદ કોઈ દેહને, વણ દમે વિરમે વિપત્તિ॥ શીદ વરતે વચનમાં, વણ વરતે પામે સુખ સંપત્તિ॥ વચનમાં વસમું ઘણું, વરતવું નર અમરને॥ મોકળ્યમાં મજા ખરી, ચોખી જાણો ચરાચરને॥
પણ મોટી મોજ મળે નહીં, મોટાની મરજી મૂકતાં॥ મૂળગા મૂળમાંથી મટે, વડાના વચનમાંથી ચૂકતાં॥ એમ સમજી સમજુ, વરતે છે વચનમાંય॥ મોટા મોટા બીવે છે મનમાં, રખે ફેર પડતો કાંય॥ બની વાત જાય બગડી, જો લેશ લોપાય વચન॥ લેખે ન આવે દાખડો, વળી થઈ જવાય નિરધન॥
એહ મત શાણા સંતનો, નવ પાડે વચનમાં ફેર॥ નિષ્કુળાનંદ નિશ્ચે કરી, કહ્યું એ વેરમવેર॥
કડવું – ૬
વચન વાલાનું લોપશો મા લેશજી, એટલો તો માની લેજો ઉપદેશજી લોપતાં વચન આવશે કલેશજી, હેરાનગતિ પછી રહેશે હમેશજી હમેશ રહેશે હેરાન ગતિ, અતિ તુચ્છ કરશે તિરસ્કાર॥ આજ્ઞા હરિની લોપતાં, ભવમાં નહિ રહે ભાર॥
બ્રહ્માએ ભાંગી હરિ આગન્યા, જોયું નિજસુતાનું શરીર॥ જોતાં મતિ રતી નવ રહી, વળી ગઈ હૈયેથી ધીર॥ અણઘટિત ઘાટ ઊપજ્યો, જે મટાડતાં મટ્યો નહિ॥ તે પાંચમે મુખે પ્રકાશિયો, નેક અતિ નિર્લજ્જ થઈ॥
એવાને પણ એમ થયું, મરજાદા હરિની મેલતાં॥ ત્યારે બીજાની બકાત્ય સહી, ખેલ અખેલ્યા ખેલતાં॥ એવી અભંગ છે આગન્યા, અખંડ હરિની આકરી॥ તેને લોપતાં ત્રિલોકમાં, કહો કોણ બેઠો ઠરી॥ સુખ કરણી છે દુઃખ હરણી, આગન્યા શ્રીમહારાજની॥ આસુરી જનને અર્થ ન આવે, છે દૈવી જીવના કાજની॥
આસુરી મતિને જે આશર્યા, તેને આજ્ઞાની આડી કશી॥ નિષ્કુળાનંદ એ નરનું, નાક કાપવું ઘટે ઘશી॥
કડવું – ૭
વણ કાપે નાક ગયું છે કપાઈજી, તે જાણજો જરૂર જન મન માંઈજી તેની અપકીર્તિ ગ્રંથમાં ગવાઈજી, એથી નરસું નથી બીજું કાંઈજી નથી બીજું કાંઈ નરસું, હરિ આજ્ઞામાં હાલવું નહિ॥ એવા નર અમર અજ ઈશ, સુખ ક્યાંથી પામે સહિ॥ મહેશ મોટા દેવતા પણ, ભોળાનામની ભોળપ્ય રઈ॥ મોહિની રૂપની મનમાં, જોવાને ઇચ્છા થઈ॥
ત્યારે હરિયે વાર્યા ઘણું હરને, નથી રૂપ એ જોવા સરખું॥ પણ સનો લીધો સમજ્યા વિના, હરિવચનને નવ પરખ્યું॥ પછી ધરી હરિ રૂપ મોહિનીનું, આગળ આવી ઊભા રહ્યા॥ શિવ જોઈ સુધ બુદ્ધ ભૂલ્યા, વિવેક વિના વ્યાકુળ થયા॥ નૈષ્ઠિક વ્રત તે નવ રહ્યું, થયું જોગકળા માંહી જ્યાન જો॥ તે લખાણું છે કાગળે, સહુ જન એ સાચું માનજો॥
વળી ભવનું વચન લોપી ભવાની, ગયાં દક્ષના જગનમાં॥ ત્યાં અતિ અનાદરે તન ત્યાગી, બળી મૂવાં આપે અગનમાં॥
વચન લોપતાં દુઃખ લહે, દેવ દાનવ અહિ અતિ॥ નિષ્કુળાનંદ ન કીજિયે, વચન લોપ રાઈ રતિ॥
કડવું – ૮
ઇચ્છે કોઈ કરવા અવળું આપણુંજી, તે જન લોપે વચન હરિતણુંજી જેણે કરી થાય દુઃખ ઘણું ઘણુંજી, પામી દુઃખ પછી મુખ થાય લજામણુંજી લજામણું મુખ લઈને, જન જીવે જે જગમાંઈ॥ ધિક ધિક એ જીવિતવ્યને, કામ ન આવ્યું કાંઈ॥ સારપ્ય એની શું રહી, આવ્યો હરિવચનના વાંકમાં॥ મોર્યથી નાખી કર મૂછ પર, પછી છરી મંડાવી નાકમાં॥ શું થયું જપ તપ તીરથે, શું થયું વળી જોગ જગને॥ શું થયું વિદ્યા ગુણ ડહાપણથી, જો ન રહ્યો હરિને વચને॥
સુરગુરુ સરિખો નહિ, વળી બીજો કોઈ બુદ્ધિમાન॥ વીરની વધૂ વિલોકીને, ઉર આવી ગયું અજ્ઞાન॥
વિચાર વિના વચનનો, લોપ કર્યો લજ્જા તજી॥ માથે મેષ બેસી ગઈ, તે હરકોઈ કે’ છે હજી॥ જે જે વચન જેને કહ્યાં, તેમાં રે’વું સહુને રાજી થઈ॥ આજ્ઞા અદ્રિ ઉલ્લંઘતાં, સમજો સહુને સારું નઈ॥
શીદ લૈયે સંતાપને, વચનથી વરતી બા’ર॥ નિષ્કુળાનંદ ન લોપિયે, વચન હરિનું લગાર॥ વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કે’શું કે’વાને જો રે’શું રે… વચન૦ ટેક. જ્યારે પશ્ચિમે પ્રગટશે રવિ રે, થાશે બીજ રહિત પૃથ્વી રે; તોયે નહિ થાય રીત એ નવી રે… વચન૦॥ જ્યારે શૂન્ય સુમનની સ્રજ થાશે રે, ઝાંઝુજળ પાને જન ધાશે રે; તોયે એ વાત કાંઈ મનાશે રે… વચન૦॥
સુત ષંઢથી પામશે નારી રે, મળશે માખણ વલોવતાં વારિ રે; તોયે વિમુખ સુખ રે’શે હારી રે… વચન૦॥
એહ વાત પ્રમાણ છે પકી રે, તે તો ખોટી ન થાય કોઈ થકી રે; કહે નિષ્કુળાનંદ એમ નકી રે… વચન૦॥
કડવું – ૯
આજ્ઞા ઉલ્લંઘી શઠ સુરપતિજી, ગૌતમ ઘરમાંયે કરી ગતિજી તેણે દુઃખ પામ્યો અંગમાંયે અતિજી, રહ્યું નહિ સુખ શરીરમાં રતિજી સુખ શરીરે શાનું રહે, લોપી અવિનાશીની આગન્યા॥ શચી સરખી ત્રિયા તજી, રાચ્યો અહલ્યા રૂપે વિવેક વિના॥ પુરંદરને ઋષિપતની, ભોગવવું એ ભલું નહીં॥ પણ અમરેશના અભિમાનમાં, ખોટની ખબર નવ રહી॥ એવી અવળાઈ જોઈ ઇન્દ્રની, આપ્યો શાપ ઋષિએ રોષમાં॥ કહ્યું સહસ્ર ભગ પામી પુરંદર, રે’ જે સદા સદોષમાં॥
પરણીને ઘરુણી ઘણી રાખે, તોય ન થાય આજ્ઞા લોપ॥ અવર નારી એકમાં પણ, થયો ઋષિનો કોપ॥
વળી ભૂંડાં દુઃખને ભોગવવા, કર્યો કમળના વનમાંઈ વાસ॥ જ્યાં જ્યાં હતી એની કીરતિ, ત્યાં ત્યાં થાવા લાગી હાસ॥ એમ વચન લોપે જો લજ્જા રહે, તો કોણ માને વચનને॥ મહાપ્રભુની મરજાદ મૂકી, સહુ વરતે ગમતે મનને॥
મનમાને રે’તાં મોટપ્ય મળે, તો કોણ વેઠે વચનનું દુઃખ॥ નિષ્કુળાનંદ તો નર અમર, વર્તે હરિથી સહુ વિમુખ॥
કડવું – ૧૦
ભૂમાં એક ભૂપતિ નહુષ રાજનજી, તે પુણ્ય કરી પામ્યો ઇન્દ્રાસનજી ત્યારે કર્યું ઇન્દ્રાણી વરવાનું મનજી, ઉનમત્ત થઈ કહ્યું એમ વચનજી વચન કહ્યું વિકટ અતિ, તું વર્ય મને વેગે કરી॥ ત્યારે ઇન્દ્રાણી કહે વરી હું ઇન્દ્રને, હવે કેમ વરું નરને ફરી॥ ત્યારે નહુષ અમલે થયો આંધળો, ખરાખરી ખબર નવ પડી॥ ત્યારે જાણ્યું ઇન્દ્રાણિયે જોરે વરશે, કહ્યું આવ્ય કોરે વાહને ચડી॥ પછી વાહન સારુ વિલખાં કર્યા, પણ કોરું વાહન નવ જડ્યું॥ ત્યારે શિબિકાયે ઋષિરાય જોડ્યા, તેનું પાપ તર્ત નડ્યું॥
પછી ઇન્દ્રપણું આળશી ગયું, સર્પ સર્પ કે’તાં સર્પ થયો॥ વચનદ્રોહીનું ફળ જોઈ, રખે કોઈ વચન લોપો ભયો॥
પણ અટપટી છે એ વારતા, કરવું ગમતું ગોવિંદતણું॥ મન કર્મ વચને કરીને, મેલવું ગમતું આપણું॥ અતિ રાજી થઈ રળિયાત રહી, જે કોઈ વર્તે છે વચનમાં॥ ફેર પડે તો ફડકી મરે, અતિ તાપ થાયે તનમાં॥
એમ પાળે હરિની આગન્યા, એ માનો વચનની મૂરતિ॥ નિષ્કુળાનંદ એને નીરખતાં, રહે નહિ પાપ એક રતિ॥
કડવું – ૧૧
વચન આધારે વર્તે છે જેહજી, મોટા સુખને પામશે તેહજી એહ વાતમાં નહિ સંદેહજી, લોક પરલોકે પૂજ્યા જોગ્ય તેહજી લોક અલોકમાં આબરું, રે’શે એની રૂડી રીતશું॥ વચન વા’લાનાં વા’લાં કરી, પ્રસન્ન મને રાખ્યાં પ્રીતશું॥ વચન પાળતાં જો વિપત્તિ પડે, તો સહે શ્રદ્ધાયે કરી॥ વચન લોપતાં જો સુખ મળે, તો ઘોળ્યું પરું મેલે પરહરી॥ અશન વસન ભૂષણ ભૂમિ, મર મળે ત્રિલોકીનું રાજ॥ વચન જાતાં જાતું કરે, જાણે થાય એથી અકાજ॥
પ્રહલાદને કહ્યું એના પિતાયે, તને આપું રાજ અધિકાર॥ નામ મેલી દે નરહરિનું, આજથી મા કર્ય ઉચ્ચાર॥
પણ હળવા સુખ સારુ હરિજન, મૂકે કેમ મોટા સુખને॥ લોપી વચન મન લલચે, એવું ઘટે ઘણું વિમુખને॥ નાક કપાવી નથ પે’રવી, એ તો નારી નઠારીનું કામ છે॥ એથી મર રહીએ અડવાં, એવાં ભૂષણ પે’રવાં હરામ છે॥
એમ વચન ગયે વડાઈ મળે, તેને પાપરૂપ જાણી પરહરો॥ નિષ્કુળાનંદ નિશ્ચે કરી, હરિવચનમાં વાસ કરો॥
કડવું – ૧૨
વચનવિરોધીની વડાઈ કશીજી, જે જન વચનમાંથી ગયા ખશીજી મનમુખી થઈ મુખે ભૂસી મશીજી, જુવે જે વદન તે જન દિયે હસીજી હસી હસી હાંસી કરે, જોઈ એવા જનનું જોણ॥ કરી કાળું મુખ માન્યું રૂપાળું, કહો કહે હવે એને કોણ॥ વિધવા નારી કરે વડાઈ, સુત એક સારો જણી॥ પણ જાણતી નથી એ યોષિતા, જે શિર ઉપર નથી ધણી॥ વળી બીજીનો પતિ પરદેશ છે, ઇયાં સુત જનમ્યા છે સાત॥ નથી ખબર એહ ખોટ્ય તણી, ધણી કેમ થાશે રળિયાત॥
એમ વચન ઉલ્લંઘી વા’લા તણું, જે જે જન કરે છે કામ॥ તે લાજ જાશે આ લોકમાં, વળી થાશે જીવિત હરામ॥
હરામી જીવને હોય નહિ, હૈયે ડર હરિના વચનનો॥ આસુરી મતિ આવી અતિ, તેણે જોરો દેખાડે જોબનનો॥ કહો કામદુઘાનું ત્યાં કામ કશું, જ્યાં ઘણા ગદ્ધા ઘર બારણે॥ એમ આજ્ઞાકારીનું શું ઉપજે, જ્યાં વિમુખ હોય કાજ કારણે॥
પણ હરિજનને હમેશ કરવો, વિચાર વારમવાર॥ હરિવચન વિમુખ ન થાવું, કહે નિષ્કુળાનંદ નિરધાર॥ સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરિયે દિવસ ને રાત રે; સંતો વિશ્વાસ કરતાં વિમુખનો, વણશી જાયે જો વાત રે. સંતો૦॥ સંતો વિમુખ વિખ આપે વાતમાં, કરી હેત અપાર રે; સંતો રગરગમાં તે રમી રહે, ન રહે વચનનો ભાર રે. સંતો૦॥
સંતો સોબત ન ગમે પછી સંતની, વા’લા લાગે વિમુખ રે; સંતો નિયમ ન ગમે નાથનાં, માને મોકળે સુખ રે. સંતો૦॥
ત્યારે કરવાનું છે તે ક્યાંથી કરે, થાયે ન કર્યાનું કામ રે; કહે નિષ્કુળાનંદ નિશ્ચે નર, ન પામે સુખ ઠામ રે. સંતો૦॥
કડવું – ૧૩
વચન વિમુખ મા થાશો કોઈજી, નર અમર વિમુખનાં સુખ જોઈજી મોટા બેઠા મોટ્યપ વચન વિના ખોઈજી, માટે હરિ વચને રહો રાજી હોઈજી રાજી થઈ રહો વચનમાં, લોપશો મા વચન લગાર॥ વચન લોપતાં મોટા મોટા, પામ્યા દુઃખ અપાર॥
નારદ સરીખા નહિ કોયે, બીજા મહા મોટા મુનિજન॥ તેણે પણ ન તપાશિયું, લોપ્યું વાલાનું વચન॥ ત્યાગી થઈ ત્રિયા કર જોયો, ખોયો વિચાર વરવા કર્યું॥ પર્વત પણ ઇચ્છ્યા પરણવા, બેઉનું સિદ્ધાંત એક ઠર્યું॥
ત્યારે કન્યા તાતે વાત કહી, સ્વયંવર રચીશ સવારમાં॥ ઇચ્છાવર કન્યા વરશે, તમે બેઉ રે’જો તૈયારમાં॥ ત્યારે બેઉ ધાયા હરિ પાસળે, રૂડું માગવા રૂપ અનુપને॥ વળી પરસ્પર ઇચ્છ્યા, થાવા રૂપ કુરૂપને॥ ત્યારે હસીને હરિ બોલિયા, થાશે અવસર પર રૂપ એમ॥ પછી મર્કટ મુખ બન્યાં બેઉના, કહો કન્યા વરે તેને કેમ॥
લાજ ગઈ ને કાજ ન સર્યું, વળી લોપાણું હરિનું વચન॥ નિષ્કુળાનંદ કહે એ નીપજ્યું, તે જગે જાણે છે સહુ જન॥
કડવું – ૧૪
વળી એક વચન વિરોધીની વાતજી, સતી પતિવ્રતા સીતા સાક્ષાતજી આપે ઇન્દિરા જગે જાનકી વિખ્યાતજી, તેણે પણ કરી આજ્ઞાની ઘાતજી ઘાત થઈ તેની વાત કહું, જાનકી બોલિયાં એમ॥ લછમન તમારા ભાઈની ભીડ્યે, જાઓ બેસી રહ્યા કો’ કેમ॥ ત્યારે રામાનુજ કહે રામને, નથી લોપનાર ત્રિલોકમાં॥ વચન માની મગન રહો, શીદ રહો છો શોકમાં॥
ત્યારે વૈદેહીએ વચનનાં, લછમનને લગાડ્યાં બાણ॥ તું જાણે રામ મર્યે વરે મુજને, તે ન વરું તજીશ હું પ્રાણ॥ ત્યારે રામાનુજે હૃદે ધારિયું, ઇન્દિરા તોયે પણ સ્ત્રી ખરી॥ પછી રામની આણ્ય આપી ચાલિયા, કેડે લંકેશ વેષ આવ્યો ધરી॥ સંન્યાસીરૂપે કહ્યું સીતાને, આપ્ય ભિક્ષા મને આદર કરી॥ છૂટી ભિક્ષા હું છોડીને ચાલીશ, નૈ’તો આપ્ય આણ્યથી બાર નીસરી॥
આજ્ઞા લોપી શ્રીરામની, ભિક્ષા આપવા નીસરી બા’ર॥ તર્ત રાવણ તેડી ચાલિયો, પછી પામિયા દુઃખ અપાર॥
વિપત્તિ પડી વિયોગ થયો, રહ્યાં રામજીથી વળી દૂર॥ નિષ્કુળાનંદ કહે વચન લોપતાં, આવે દુઃખ જાણજો જરૂર॥
કડવું – ૧૫
પછી સીતા સારુ શ્રીરઘુવીરજી, બાંધી પાજ ઊતર્યા સિંધુતીરજી લીધી લંકા છેદી રાવણનાં શિરજી, પછી સીતા તેડાવ્યાં મળવા અચિરજી સીતાને કહ્યું રામજીએ, જેમ હોય તેમ રાખી વેશ॥ આવી મળો તમે અમને, ફેર પાડશો મા વળી લેશ॥ ત્યાં તો વિભીષણે ભાવે કરી, સજાવ્યો સુંદર શણગાર॥ તેડી આવ્યા રામ પાસળે, ત્યાં તો રામે કર્યો તિરસ્કાર॥
આજ્ઞા લોપીને આવિયાં, તેણે રાજી ન થયા રામ॥ પછી અગ્નિમાં અંગ અરપ્યું, એવું કરવું પડ્યું કામ॥ ત્યારે દશરથ આદિ દેવતા, સહુએ કર્યો સતકાર॥ ત્યારે રામજીએ રાખિયાં, શુદ્ધ જાણી સીતા નાર॥ વચન લોપતાં વિપત્ય પડી, શણગારનું ન રહ્યું સુખ॥ એમ આજ્ઞા ઉલ્લંઘીને, ન થાવું વચનથી વિમુખ॥
મોટાને પણ માનવા જોગ્ય, આજ્ઞા શ્રી જગદીશની॥ છોટી મોટી જે આગન્યા, તે સરવે છે વસા વિશની॥
આજ્ઞામાં આનંદ ઘણો, આવે નર નિર્જરને અતિ॥ નિષ્કુળાનંદ કહે ન લોપવી, આજ્ઞા હરિની એક રતિ॥
કડવું – ૧૬
વળી એક વારતા સાંભળો સારીજી, લીધી લંકાપુરી રાવણને મારીજી પછી કહ્યું રામે રામાનુજને વિચારીજી, વે’લા આવો વિભીષણને પાટે બેસારીજી પાટે બેસારી વે’લા આવજો, વિસારશો મા એહ વચનને॥ વળી વારું છું તમને, બેસશો મા રાવણ આસને॥ પછી જઈ જોઈ લંકાપુરી, દીઠી રાવણની રિદ્ધિ અતિ॥ ગમ વિના બેઠા ગાદિયે, તિયાં તર્ત ફરી ગઈ મતિ॥
ત્યાં તો સુણ્યું નગારું સેનનું, શ્રીરામનું શ્રવણે કરી॥ કહે કેનું નગારું એ કોણ છે, મારી કાઢો એ સેના પરી॥ એમ વચન વિસારતાં, મતિ રતી પણ નવ રઈ॥ પછી આસનથી ઊતર્યા, ત્યારે ભારે અતિ ભોંઠપ થઈ॥ વળી અયોધ્યાની વારતા, રામે કહ્યું રામાનુજને॥ આવવા મા દેશો અમ પાસળે, વળી પૂછ્યા વિના મુજને॥
અણ પૂછ્યે દીધી આગન્યા, દુર્વાસાને દર્શન તણી॥ તે વચન લોપાણું જાણી રામજી, કહ્યું જ્યારે મુનિસભા ભણી॥
ત્યારે ઋષિ કહે વચનદ્રોહીનું, મુખ ન જોવું પાછું ફરી॥ નિષ્કુળાનંદ પછી રામાનુજે, વાત સત્ય એ માની ખરી॥ સંતો વચનદ્રોહીનો ધણી નહિ, ઘણું રે ગુનેગાર રે; સંતો જ્યાં જ્યાં જાયે ત્યાં જન મળી, વળી કરે તિરસ્કાર રે. સંતો૦॥
સંતો લેશ વચન જો લોપિયે, અતિ થઈ ઉન્મત્ત રે; સંતો એક એકડો જેમ ટાળતાં, ખોટું થઈ જાયે ખત રે. સંતો૦॥ કોઈ સો કન્યા પરણાવે સુતને, પછી મરે મોટિયાર રે; રાંડ્યા વિના એમાં કોણ રહે, રાંડે સૌ એક હાર રે. સંતો૦॥ એમ વચન વિના આ વિશ્વમાં, વરતે છે જે વિમુખ રે; નિષ્કુળાનંદ તેને નીરખતાં, સંત ન માને સુખ રે. સંતો૦॥
કડવું – ૧૭
વિમુખનું મુખ અતિ દુઃખદેણજી, નજરોનજર ન જુઓ એનાં નેણજી કાને કરી કેદી ન સુણો એનું કે’ણજી, વદને ન વદો વિમુખશું વેણજી વદને ન વદવું વિમુખશું, તેમ સ્પર્શવું નહિ પંડ્યે કરી॥ સર્વે પ્રકારે સમજી, પાપીને મૂકવા પરહરી॥ કોઈ રીતે કુપાત્રનો, ગુણ ગરી જાય જો ઘટમાં॥ તો પાર પોત પામતાં, તરી ભાંગ્યું જાણો જઈ તટમાં॥ પય સાકર સુંદર ત્યાં લગી, જ્યાં લગી ન ભળી લાળ ભોયંગની॥ તેમ હરિજન સારો ત્યાં લગી, જ્યાં લગી નથી સોબત કુસંગની॥
શોભનિક શરીર ત્યાં લગી, જ્યાં લગી નથી કોઢ કપાળમાં॥ તેમ સંત શિરોમણિ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની જાળમાં॥
વાવ્યો મોલ સારો ત્યાં લગી, જ્યાં લગી નથી ખવાણો ખડજમાં॥ તેમ ભક્તની ભલાઈ ત્યાં લગી, જ્યાં લગી ના’વ્યો વિમુખની વડજમાં॥ તેમ મુકતની મોટપ ત્યાં લગી, જ્યાં લગી નથી પંચવિષયનો પ્રસંગ॥ દેહ ઇન્દ્રય મન પ્રાણથી, અતિ રહે છે અસંગ॥
જેવા વિમુખ છે બા’રના, તેવા વિમુખ છે ઉરમાંય॥ નિષ્કુળાનંદ કહે ન કરિયે, એનો વિશ્વાસ કાંય॥
કડવું – ૧૮
વિમુખનો સંગ તજો તતકાળજી, હૈયે જાણી હડકાયા શ્વાનની લાળજી વળગી અળગી કરતાં જંજાળજી, જાણજો જરૂર એજ જમ જાળજી જમની જાળ જાણીને, તન મનમાં રાખવો ત્રાસ॥ ભૂલ્યે પણ હરિભક્તને, નવ બેસવું એહને પાસ॥ જેમ રાહુ સંગે રાકેશ રવિનું, અતિ તમે થાય તેજ લીન॥ તેમ હરિ વિમુખના સંગથી, થાય મતિ અતિ મલિન॥ પ્રાવૃટ ઋતુ અંત પરખિયે, જ્યારે ઊગે અગસ્ત્ય આકાશ॥ જળ સંકોચાયે સ્થળથી, તેમ વિમુખથી મતિ નાશ॥
જેમ વાયુના વેગે કરીને, વિખાઈ જાયે વળી વાદળાં॥ તેમ વિમુખ વચનના વેગથી, જાય શુભ ગુણ આદિ સઘળાં॥
વાંસ વિછણ્ય વિયા જણ્યે, સુકે એક મૂકે શરીરને॥ એમ કુસંગ અંગમાં આવતાં, મારે મોટા મુનિ ધીરને॥ કહી કહીને કહીએ કેટલું, રે’જો હરિ વિમુખથી વેગળા॥ પરમ પદ તો પામશો, વામશો વળી દુઃખ સઘળાં॥
નિર્વિઘ્ન થાવા નરને, ન કરવો સંગ વિમુખનો॥ નિષ્કુળાનંદ નિશ્ચે કહે, એ છે ઉપાય સુખનો॥
કડવું – ૧૯
શિયા સુખ સારુ લોપે છે વચનજી, એમ મોટા મુનિ વિચારે છે મનજી જુવો જડબુદ્ધિવાળા જનજી, પોતાના સુખમાં પાડે છે વિઘનજી વિઘન પાડે છે વણ સમઝે, કાપે છે ડાળ બેસવા તણી॥ તેને પડ્યાનું શું પૂછવું, પડશે જરૂર એના ધણી॥
બહુ બૂકી બીજ ધતુરનાં, જાણે ખાઈ ભાંગીશ ભૂખને॥ પણ ઘડીક પછી ઘાંટો ઝલાઈ, મરીશ પામી બહુ દુઃખને॥ કાપે છે સર્પનો કંડિયો, માગ થાતાં મૂષો મલકાય છે॥ પણ જાણતો નથી આખુ આંધળો, જે હમણાં ખીજી નાગ ખાય છે॥
ચાલે છે ચોરને મારગે, ખરાખરું માને છે ક્ષેમ રે॥ પણ શીશ કપાણાં જ્યાં સોયે સોયનાં, ત્યાં કુશળ રહીશ કેમ રે॥ એમ વાઢી વેલી વચનની, ફેર પાકેલ ફળ કેમ મળશે॥ ફળ એનું ફજેત થઈને, વેઠ્યે વેકર્ય દળશે॥ કાં તો ખર ઊંટ અવતાર પામી, અણતોળ્યો ભાર ઉપાડશે॥ કસર કરશે ચાલતાં તો, ધણી એનો ધોકે તાડશે॥
માટે જોઈ વિચારી જગદીશનાં, વિમુખ રે’જો મા વચનથી॥ નિષ્કુળાનંદ કહે નાથના, ઘરમાં અંધારું ઘોર નથી॥
કડવું – ૨૦
જો જો આ જગતમાં જીવનાં સુખજી, દેહ પરજંત ભોગવે છે દુઃખજી અન્ન જળ તૃણ આહાર વિના વેઠે છે ભૂખજી, તે તો જન જાણજો હતા હરિથી વિમુખજી હરિ વિમુખની વારતા, સાંભળો તો સર્વે કઉં॥ નથી ઉધારો એહનો, નજરો નજર દેખાડી દઉં॥
જન્માંતરે જન જાણજો, હરિકથા ન સાંભળી કાન॥ તે તો નર બધિર થયા, એહ દંડ દીધો ભગવાન॥ જન્માંતરે હરિ હરિજનનું, રૂપ ન જોયું નયણે॥ તેણે કરી થયા આંધળા, હવે સૂઝે નહિ દિન રેયણે॥
જિહ્વાયે નામ જગદીશનું, અજાણે પણ ઉચ્ચર્યા નઈ॥ તે જન માનો મૂંગા થયા, બોલવાની હવે બંધી થઈ॥ જે જને હરિકથા સાંભળી, કાઢી દેશી કાલું કાલું કથી॥ તે જન થયા તોતળા, હવે બોલી સમઝાતી નથી॥ લૂલા પાંગળા રોગી વિયોગી, દુઃખી દીન દરિદ્રી અતિ॥ તે તો પૂર્વના પાપથી, દુઃખ ભોગવે છે દુર્મતિ॥
એહ દંડ જાણો દૈવનો, ભોગવે છે વિમુખ વળી॥ નિષ્કુળાનંદ ન લોપિયે, હરિવચન આવું સાંભળી॥
સમજીને સમજુ રે, વા’લાં કરો હરિનાં વચન; દેખી પેખીને દુઃખમાં, શીદ પરાણે પડિયે જન... સમજી૦॥ જેને વચને વિઘન વિરમે, પામિયે પરમ આનંદ; એવાં વચન જે ઉલ્લંઘે, તે તો કા’વે મૂરખ મતિમંદ... સમજી૦॥
અસમર્થની જે આગન્યા, મનાયે ન મનાયે મન; પણ સમર્થના વચનમાં, રહિયે રાજી થઈ નિશદિન... સમજી૦॥ શ્રીહરિ રીઝવી સુખ લૈયે, ખીજવીને ન ખાય ખોટ; નિષ્કુળાનંદ કહે ન કીજિયે, એવું લઈ અવરની ઓટ... સમજી૦॥
કડવું – ૨૧
ખીજવે હરિને ખાટ્ય ન થાયજી, એ પણ જાણવું જન મન માંયજી જેથી થાય દુઃખ સુખ સર્વ જાયજી, એવો નવ કરવો કોઈ ઉપાયજી ઉપાય એવો કરવો નહિ, જેણે કરી ખીજે જગદીશ॥ રાજી કર્યાનું રહ્યું પરું, પણ હરિને ન કરાવો રીશ॥
હઠ કરી હરિ ઉપરે, કોઈ સેવક કરે સેવકાઈ॥ તે સેવક નહિ શ્રી હરિતણો, એ છે દાસ જાણો દુઃખદાઈ॥ મન ગમતું મૂકે નહિ, કરે હરિ હઠાડવા હોડ॥ એવા ભક્ત જે ભગવાનના, તેને કહિયે કપાળના કોડ॥
ન કરે ગમતું ગોવિંદનું, નિજ ગમતું કરાવે નાથને॥ જો મોડે ગમતું એના મનનું, તો શોધે વિમુખના સાથને॥ હરકોઈ વાતે હટકી, ચટકીને ચાલી નીસરે॥ હેત તોડી હરિ હરિજનશું, વિમુખશું વાલ્યપ કરે॥ એવા જાલમ જનને, જાળવ્યા જોયે જગદીશને॥ રીઝે તો ન રહે રીતમાં, ખીજે તો કાપે શીશને॥
વચન દ્રોહીથી લાગે વસમી, એવા સેવકની સેવકાઈ॥ નિષ્કુળાનંદ એવી ભગતી, ભક્તને ન કરવી ભાઈ॥
કડવું – ૨૨
હઠ કરી હરિશું રાધિકા રાણીજી, શ્રીકૃષ્ણ સાથે બોલ્યા રીશ આણીજી હતા ગોલોકે પોતે પટરાણીજી, આવ્યા અવનિ પર થયા આહીર રાણીજી આહીરને ઘેર અવતર્યા, રહ્યાં દીનબંધુથી દૂર॥ એવી મોટપ મટો પરી, નથી જોઈતી જનને જરૂર॥ એ તો ભક્ત હતાં ભગવાનનાં, રાધિકા તે રમા સમાન॥ એને અરથે આવિયા, શ્રી કૃષ્ણ કૃપાનિધાન॥
પણ અતિ અવળાઈ આરંભી, શ્રી હરિથી લેવું સુખ॥ એવું ભક્ત ન કરે ભગવાનના, કરે હોય હરિથી વિમુખ॥ વળી એક સમામાં ઉમાએ, રોતા દીઠા રામજીને રાન॥ પિનાકી જઈ પાયે પડ્યા, થયાં સતી અતિ સંશયવાન॥ તેને શિવે ઘણું સમજાવિયાં, પણ સમજ્યાં નહિ લવલેશ॥ પારખું લેવા પરબ્રહ્મનું, લીધો વૈદેહીનો વેષ॥
ત્યારે રામ કહે દાક્ષાયણી, એકલાં કેમ છો ઈશ કિયાં॥ ત્યારે પામી લજ્જા ગયાં પિનાકી પાસળે, જેમ થયું તેમ કે’વા રહ્યાં॥
ત્યારે જાનકી થયાં જાણી જટીએ, તર્ત ત્યાગી દીધાં તેહને॥ નિષ્કુળાનંદ એવું નીપજ્યું, અવળાઈનું ફળ એહને॥
કડવું – ૨૩
મનનું ગમતું મૂકવું મોટાને પાસજી, વર્તવું વશ્ય થઈ દાસના દાસજી તો તન મને નાવે કે દી ત્રાસજી, જો રહે એવો અખંડ અભ્યાસજી અભ્યાસ એવો રાખવો, મોટા આગળ મેલવું માન॥ જોઈ લિયો સહુ જીવમાં, એમાં જાણો નથી કાંઈ જ્યાન॥ માન મૂકે માન વધે, માન રાખ્યે ઘટી જાય માન॥ એમ સમજી સંત શાણા, માન મૂકવા છે અતિ તાન॥
દેહધારી દુઃખી માનથી, નિરમાની રે’ સુખી સદાઈ॥ વિઘન રહે એથી વેગળાં, વળી કષ્ટ ન આવે કાંઈ॥ માને કરી મોટા તણો, અપરાધ તે આવે બની॥ તે કથા સુણી છે શ્રવણે, ચિત્રકેતુ સુરેશ ને શિવની॥ વચનદ્રોહી વિમુખથી, ખોટ્ય માનીની મોટી અતિ॥ અવગુણ લિયે હરિજન હરિનો, એવી માન ફેરવે છે મતિ॥
માની કેનું માને નહિ, મર હોયે વાલપ્યનાં વેણ॥ આપ ડા’પણમાં દેખે નહિ, રહે અંધધંધ દિન રેણ॥
કામી ક્રોધી લોભીને લજ્જા, કેદી આવી જાયે ઉરમાંઈ॥ નિષ્કુળાનંદ માનીને મને, લાજ શરમ નહિ કાંઈ॥
કડવું – ૨૪
હરિના જનને જાણજો એહ ખોટ્યજી, ગુણ વિના ગણે છે મનમાં મોટ્યજી તેમાં તો રહ્યા છે ક્લેશ કોટ્યજી, દૃગહીણા દીયે છે તેમાંહી દોટ્યજી દોટ્ય દિયે છે ખોટ્ય ટાળવા, પણ ખોટ્ય રજ ખસતી નથી॥ ઈર્ષ્યા રહી તેને આવરી, તે અળગી ન થાયે ઉરથી॥ ઈર્ષ્યા દેખે દોષ પરના, ભાળે નહિ પોતાની ભૂલ॥ અમાપને જાય માપવા, વળી કરે અમૂલનું મૂલ॥
ત્રાજુ લઈ બેસે તોળવા, સહુનો કાઢવા સમાર॥ બીજા થકી વળી બમણો, ભાળે પોતામાં ભાર॥ એવી અભાગણી ઈરષ્યા, જેને ગુરુ સંતની ગણતી નહિ॥ વિનાશ એવો નહિ વિમુખ સંગથી, જેવો ઈર્ષ્યા કરે છે રહી॥ જે જળમાંહિ મળ ટળે, તે જળમાં મળ ભૂંસે જઈ॥ તેને શુદ્ધ થવા શરીરે કરી, ઉપાય એકે મળે નઈ॥
જેવી વચનદ્રોહીની ખોટ્ય વર્ણવી, તેવી જ માન માંહી રહી॥ તેમ ઈર્ષ્યામાંહી ઓછી નથી, છે પરિપૂર્ણ માનો સહિ॥
હરિજનને હાણ હમેશે, ઈર્ષ્યા કરે છે ઉર તણી॥ નિષ્કુળાનંદ કહે નિત્ય પ્રત્યે, ખાટ્ય નથી છે ખોટ્ય ઘણી॥ સંત સાચા તે કહિયે રે, કાઢે ખોટ્ય ખોળી ખોળી બા’ર; અંતરમાં રહે ઊજળા, ડાઘ લાગવા ના’પે લગાર... સંત૦॥
દેખે નહિ દોષ પારકા, ભાળે પોતાની ભૂલ; ગણે અવગુણ આપણા, માને સંત હરિના અમૂલ.. .સંત૦॥ સમજે સુખદાયી સંતને, દુઃખદાયી પોતાનું મન; અરિ મિત્રને ઓળખી, તજે ભજે તે હરિજન... સંત૦॥ અંતરે ન પડે અવળી, આંટી હરિ હરિજન સાથ; નિષ્કુળાનંદ નિશ્ચે કરી, રીઝે એવા જનપર નાથ.. સંત૦॥
કડવું – ૨૫
હરિ રાજી કરવા હોય હૈયે હામજી, તો સંત સંગે હેત રાખો આઠું જામજી સંત છે સર્વ સુખના ધામજી, તેહ વિના કેદિયે ન સરે કામજી કામ ન સરે સતસંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ॥ મન કર્મ વચને કરી, થઈ રે’વા સંતના વેચાણ॥ આ લોક પરલોકમાં પડે, જાણો જરૂર જેનું કામ॥ તેને સંગાથે કેમ ત્રોડિયે, જાણી સદાય સુખનું ધામ॥ વિવાદ કરી કેમ વદીએ, અતિ વચન અકડથી॥ જેને ફળે ફૂલે દળે દુઃખ ટળે, તે તરુ ન છેદિયે થડથી॥
જે બારણેથી બંધ છૂટિયે, તે બંધ ન કરિયે બારણું॥ જેને આધારે જીવિયે, તેને ન કરિયે મારણું॥
જેમ કોઈ રાખે અન્ન પર રૂસણું, વળી વારિશું રાખે વેર॥ તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઈ પેર॥ એમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ॥ તે દિન થોડે દુઃખ પામશે, કાં કરતો નથી તપાસ॥
મળવું છે મહારાજને, રાખી સંત સંગાથે રોષ॥ નિષ્કુળાનંદ કહે એ નહિ બને, રખે દેતા કોઈને દોષ॥
કડવું – ૨૬
સંતને સોંપિયે સર્વે આપણુંજી, એથી અંતરાય ન રાખીએ અણુંજી કરિયે ગમતું સાચા સંતતણુંજી, તો સંત અત્યંત રાજી થાય ઘણુંજી ઘણું રાજી કરી સંતને, કૈક પામિયા પરમ ધામ॥ સંત વિના શોધી જુવો સઘળે, કહો કેનું સરિયું કામ॥ જેમ નાવ વિના નીરનિધિમાં, નથી તરવા અન્ય ઉપાય॥ તેમ સંત વિના સંસાર તરવા, શીદ ઇચ્છે કોઈ ઉરમાંય॥ જેમ રવિ વિનાની રજની, જાણો નથી જાવાની જરૂર॥ તેમ સંત વિના અજ્ઞાન અંધારું, કે દી ન થાયે દૂર॥૪॥ જેમ વરસાત વિના વસુંધરા, સદાયે સૂકી રહે॥ તેમ સંત વિના જીવ જગતના, કહો સુખ ક્યાંથી લહે॥
તેવા સંતશું ત્રોડિયે, જોડિયે પાપીશું પ્રીત॥ તેને સુખ થવાનું નથી સૂઝતું, ચિંતવી જોયે છૈયે ચિત્ત॥
ફોડી આંખ્ય થાય આંધળો, પછી ઇચ્છે જોવા રૂપને॥ રૂપ જોયાનું રહ્યું પરું, જો ભરે નહિ ઊંડા કૂપને॥ માટે સાચા સંત સેવીને, કરિયે રાજી રળિયાત॥ નિષ્કુળાનંદ તો નરને, સુધરી જાયે સર્વે વાત॥
કડવું – ૨૭
સાચા સંત જાણો જગતમાં થોડાજી, બીજા બહુ ઘરોઘર ફરે માથાફોડાજી જ્યાં ત્યાં ખાય છે જગતના જોડાજી, તોય નથી લાજતા પ્રજાપતિ ઘરઘોડાજી ઘોડા પ્રજાપત ઘરના, ખાયે ખતા ખણુંખણું એ ઘણા॥ એવા સાધુ કે’વાય છે સંસારમાં, અતિ લબાડ લજામણા॥
ખાનપાનને રહે ખોળતા, ત્રિયા ધનને તાકે ઘણું॥ માળા તિલક ને મુદ્રા એની, ધારે છે ધીરવવાપણું॥ વેષ ઉપદેશ વારતા, કરે સાચા સંતના સરખી॥ પણ ભરી ભૂંડાઈ ભીંતરે, તે તો કોણે પણ નવ્ય પરખી॥
ફેલમાં બહુ ફશી રહ્યા, વ્યસની ને વળી વટાળ ઘણો॥ તીર્થ વ્રત નિયમ ન માને, કરે દ્રોહ તે ધર્મતણો॥ એવા સાધુ થઈ સંસારમાં, પૂજાય છે પાપી મળી॥ પ્રભુની બાંધી મરજાદને, ત્રોડવા છે ત્યાર વળી॥ એવા સાધુને સેવતાં, પુણ્ય પૂર્વનાં પરજળે॥ આપે ખોટ્ય મોટી અતિ, જે જનને એવા મળે॥
ગદ્ધા ધોળા ઘોળ્યા પરા, સારી લાગે શ્યામળી ગાય॥ નિષ્કુળાનંદ ગાય પૂજીએ, પણ ખર ખરા ન પૂજાય॥
કડવું – ૨૮
સાચા શુદ્ધ સંતનો સમાગમ કયાંથીજી, થોડે પુણ્યે કરી એ થાતો નથીજી જેણે કરી છુટિયે મહાદુઃખમાંથીજી, જરૂર જીવના એ સાચા સંગાથીજી સાચા સંગાથી સંત છે, જાણો જીવના જગમાંય॥ ભવસાગરમાં ડૂબતાં, સાચા સંત કરે છે સા’ય॥ વા’રુ છે વસમી વેળાતણા, જ્યારે આવે પળ વળી આકરી॥ તે સમે સાચા સંત સગા, કાં તો સગા છે શ્રીહરિ॥ તેહ વિના ત્રિલોકમાં, નથી જીવને ઠરવા ઠામ॥ આદ્યે અંત્યે મધ્યે માનજો, સર્યા સહુનાં એથી કામ॥
તે સંત શાણા શુભગુણે, જેમાં અશુભ ગુણ નહિ એક॥ પરઉપકારી સગાં સહુનાં, ધર્મ નિયમવાળા વિશેક॥
કામ ક્રોધ લોભે કરી, જેને અંતરે નથી ઉત્તાપ॥ નિર્માની નિઃસ્પૃહી નિઃસ્વાદી, નિર્મોહી વળી નિષ્પાપ॥ જકતદોષ જેના જીવમાં, વળી અડ્યો નથી અણુ ભાર॥ એવા સંત શુદ્ધ શિરોમણિ, ત્રિલોકના તારનાર॥
વચન ન લોપે વાલાતણું, હોય પંડ્યમાં જ્યાં લગી પ્રાણ॥ નિષ્કુળાનંદ એવા સંતના, શ્રીહરિ કરે છે વખાણ॥ સંત સાચા તે સંસારમાં, રહે હરિવચને હમેશ રે; આપત્કાળ જો આવે આકરો, તોયે વચન લોપે નહિ લેશ રે. સંત૦॥ અખંડ પાળે જો હરિઆગન્યા, ઇચ્છે નહિ આ લોકના સુખ રે; દેહ અભિમાનને દૂર કરી, સદા રહે હરિસન્મુખ રે. સંત૦॥
મરજી ન લોપે મહારાજની, આવે અંગે દુઃખ જો અતોલ રે; સાબિત કીધી છે સાટે શીશને, ખરી કરી મનમાંય ખોળ રે. સંત૦॥
એવું એક અંગ રંગ ઊતરે નહિ, એક રે’ણી કે’ણી ટેક એક ઉર નિષ્કુળાનંદ કહે એવા સંતને, દરશને થાયે દુઃખ દૂર રે. સંત૦॥
કડવું – ૨૯
એવા સાચા સંતનો સમાગમ સારોજી, જેથી આવે જાણજો દુઃખનો આરોજી પ્રભુ પામવાનો ન રહે ઉધારોજી, બીજાનો સંગ છે બહુ નઠારોજી નઠારો સંગ નરસાતણો, કહું છું કોઈ કરશો નહિ॥ નાગ વાઘ વિષ વહનિ, એ વિમુખથી સારાં સહિ॥ ગાળે હિમાળે બાળે વિજળી, વળી કૂવે પડે નર કોય॥ શીશ કાપે આપે શૂળિયે, તોયે વિમુખ દુઃખસમ નોય॥
એથી મરવું એકવાર પડે, પછી પામીએ એહનો પાર॥ પણ જનમ મરણ જીવને, વિમુખથી વારમવાર॥ ઢેઢ ઢેમર ઢોલવી મ્લેછ, પારાધી ગઉમાર॥ એના સ્પર્શના પાપથી, વિમુખનું પાપ અપાર॥ પાપી વિમુખના સ્પર્શનું, ક્યાં જઈ ધુએ કિલબીષ॥ ટાળી ન ટળે કોઈની, જેમ ગળી મળીની મેષ
પૂરણ પાપે સ્પર્શ એનો, પામે કોઈ પ્રાણી મળી॥ અનંત જનમનું સુકૃત સર્વે, વિમુખ સ્પર્શે જાયે બળી॥
એમ સરવે પ્રકારે સમજીને, તજવો તે સંગ વિમુખનો॥ નિષ્કુળાનંદ કહે તો પામશો, સારો દિવસ સુખનો॥
કડવું – ૩૦
વચનદ્રોહીનો વિશ્વાસ કરતાંજી, પાર ન આવે ચોરાસી ફરતાંજી મહાદુઃખ પામિયે જનમતાં મરતાંજી, માટે દિલમાં રહિયે એથી સદાયે ડરતાંજી ડરતા રહિયે અતિ દુષ્ટથી, દૃગે દેખી લૈયે દગાદાર॥ સમો આવે તો શત્રુપણું, વાવરતાં ન કરે વાર॥ જેમ ચિત્ર ચાપ આપે નમે, પણ લિયે બીજાના પ્રાણ॥ તેમ વિમુખ મુખે મીઠું વદે, પણ ફેરવે ચારે ખાણ॥
જેમ ભરી બંદૂક બરિયાનમાં, કપિ કળી વળી મૂકે કાનમાં॥ અડાડીને રહે અળગો, પણ સામાને રોળે રાનમાં॥ સમજી સુંવાળા સર્પને, કોઈ સુવે વળી લઈ સોડ્યમાં॥ માનજો મને તેને મારશે, અવશ્ય કરડી ઓડ્યમાં॥ વિકટ અટવિ વાટમાં, વેરી લિયે વળાવડે॥ તેને કહો કુશળ રે’વાની, પ્રતીતિ તે કેમ પડે॥
તેમ વચનદ્રોહીનો વિશ્વાસ કરે, રાખે હરિવિમુખશું હેત॥ તેને સુખ થાવા શીદ પૂછવું, જે વશ્યો દુઃખનિકેત॥
માટે સર્વે પ્રકારે સમજો, વર્જો સંગ વચનદ્રોહીનો॥ નિષ્કુળાનંદ કહે નિર્ભય થાવા, રાખો સંગ સંત નિર્મોહીનો॥
કડવું – ૩૧
હરિવિમુખ થાશે હેરાણજી, મરશે ફરશે ભરશે ચારે ખાણજી થાશે પરવશ પરનો વેચાણજી, ત્યારે પડશે એ પાપની પે’ચાણજી પે’ચાણ પડશે પાપની, જ્યારે જડશે જોડા મૂંડમાં ત્યારે આંખ્ય ઊઘડશે, પડશે માર જ્યારે પંડમાં॥ જાણી જોઈ જગદીશનાં, વિમુખ લોપે છે વચનને॥ મર માણે આજ મોજને, પણ પડશે ખબર તજે તનને॥ ટીપ થાશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રે’શે વનમાં॥ રાત દિવસ રડવડશે, ત્યારે વિચારશે મનમાં॥
શીશ ડોલાવી શોક કરશે, કે’શે ક્યાંથી વચનદ્રોહી થયો॥ સંત ઘણું સમજાવતા, પણ હું તો દેહમાની રહ્યો॥
કિયાં જાઉં હવે કેમ કરું, સરું દુઃખનું નથી આવતું॥ મોટાની મરજાદ મૂકી, કર્યું મેં મન ભાવતું॥ એમ પસ્તાશે પાપિયો, લેશે ફળ વચન લોપ્યાતણું॥ દુઃખના દરિયા ઊલટશે, સુખ નહિ રહે એક અણું॥
એમ કે’ છે આગમમાં, સંત વળી મોટા મુનિ॥ નિષ્કુળાનંદ કે’ હરિદ્રોહી સમ, ખોળતાં વળી ન મળે ખૂની॥
કડવું – ૩૨
વચનદ્રોહીની વાત સાંભળીજી, વચનમાં રે’જો સહુ જન મળીજી નહિ તો વાત બગડશે સઘળીજી, કે’શો કેમ કહ્યું નહિ વે’લું તે વળીજી વળી વળી વાત વર્ણવી, વિમુખની વારમવાર॥ તે સરવે સાચી માનજો, જૂઠી જાણશો મા જવભાર॥ માની ઈરષ્યાવાનની, સંત અસંતની વાત વર્ણવી॥ તે પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઈ એ નવી॥
જે જે ગયા જમપુરીએ, તે તો વિમુખને વચને કરી॥ માટે સમજુ સમજી, મેલો પાપીને પરહરી॥ ભોળા મનુષ્યને ભોળવી, વળી ફાંસી નાંખશે કોટમાં॥ જીવ બિચારા જીવિતવ્ય હારી એટલા માટે ઓળખાવિયું, વિમુખનું વિઘન વળી॥ સહુ જન એ સાવચેત રે’જો, શીખની વાત આવી સાંભળી॥
જેમ છે તેમ જણાવિયું, સર્વે વાતનું સ્વરૂપ॥ હિતકારી છે હરિજનને, છે વિમુખને વિષરૂપ॥
પૂરણ સુખને પામવા, ઇચ્છા કરે કોઈ ઉર॥ નિષ્કુળાનંદ તે જનને, જોઈએ જાણવું આટલું જરૂર॥ જ્યાન છે જરૂર તે જાણજો, વસતાં તે વિમુખની પાસ રે; આળ આવી ચડે અણચિંતવી, થઈ જાયે ધર્મનો નાશ રે. જ્યાન૦॥
વિમુખ આપે છે પાંતી પાપમાં, ભોળવીને કરે ભાગદાર રે; અણકર્યું પડે આવી ઉપરે, ચાલતાં મારગે ચોર હાર રે. જ્યાન૦॥ ન હોય ઘાટ એવો ઘટમાં, થાવા વળી વચનથી બા’ર રે; વિમુખની વાત ઉર ઊતરે, તો થાયે પાપમાંહી પ્યાર રે. જ્યાન૦॥ પછી અટક ન રહે આજ્ઞાતણી, રાખે જ્યાં ત્યાં ન રે’વાય રે; નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચે, માનો ખરો મનમુખી થાય રે. જ્યાન૦॥
કડવું – ૩૩
મનમુખી દુઃખી ભેળા થાય જ્યારેજી, પરસ્પર નર કરે વાત ત્યારેજી; હું તો નીસર્યો વચનથી બા’રેજી, સર્વ અંગે સુખ પામ્યો તે વારેજી. સુખ પામ્યો સાંકડ્ય ટળી, નીસર્યો બંધનથી બારણે॥ કૈક ઉપાય કર્યા’તા કહું છું, મુજને રાખવા કારણે॥ ડાહ્યા સાધુએ આપ ડા’પણે, વળી રાખ્યો’તો મને રોકીને॥ પણ કેણ ન માન્યું મેં કોઈનું, આવ્યો હું મંડળી મૂકીને॥ માહાત્મ્ય મહિમા મોટપ્ય દેખાડી, જકડી બાંધ્યો’તો મારા જીવને॥ નીસર્યાનું નો’તું બારણું, કોણ જાણે કર્યું કેમ દૈવને॥
ઠામોઠામ મારા ઠાઉકા, ઓડા બાંધ્યા’તા અતિ ઘણા॥ પાસલામાં મને પાડવા, રાખી નો’તી કાંઈ મણાં॥
પણ સમો જોઈને હું સબક્યો, પાછો ખોળતાં ખોજ નવ જડ્યો॥ ઝાઝી જતન રાખતાં પણ, એના પેચમાં હું નવ્ય પડ્યો॥ અર્ધી રાતે હું ઊઠિયો, લખ્યાં હતાં તે પુસ્તક લઈને॥ સુતાં મૂકી હું સહુને વળી, આવ્યો છું દાંતુંમાં દઈને॥
એમ વિમુખ જન કરે વડાઈ, વિમુખ જનને આગળ્યે॥ નિષ્કુળાનંદ કહે નિશ્ચે જેને, જાવું છે જમની ભાગળ્યે॥
કડવું – ૩૪
વળી વદે વિમુખ મનફરજી, ઘણે દુઃખે ભર્યું મૂક્યું’તું ઘરજી અંગને ન મળતું અન્ન ને અંબરજી, જાણ્યું સત્સંગમાં એ છે સભરજી સભર છે સત્સંગમાં, ખાવા પીવા ખૂબ ખાસું મળે॥ જૂનું અન્ન વસન જડે નહિ, એવું સાંભળ્યું’તું સઘળે॥
ગળી રસોયું ગામો ગામમાં, ઘણી આપશે ઘેરેઘેર॥ જનમ ધરી જે જડી નથી, તે પામશું બહુ પેર॥ એવું સુણી હું આવ્યો હતો, સુણી સુખ સત્સંગ માંઈ॥ ઇયાં તો આણ્યો આંકસમાં, મન ગમતું ન થાયે કાંઈ॥
પોષ ભરી પાણી નાંખવું, અમૃત સરિખા અન્નમાં॥ ભેળું કરેલ ભાવે નહિ, અતિ મૂંઝવણ્ય થાય મનમાં॥ વળી માહાત્મ્ય દેખાડી મંદિરનું, ઉપડાવે ઈંટ પથરા ઘણું॥ ત્યારે સંસાર મૂકીને શું કમાણા, જ્યારે રહ્યું એનું એ કૂટણું॥ જાણ્યું ખાશું પીશું ખૂબી કરશું, ફરશું નિત્ય નવા ગામમાં॥ ત્યાં તો અટાટ નાખી આજ્ઞાતણો, કંઠ દબાવી જોડ્યો કામમાં॥
એમ બોલે અભાગિયા, હરિ સેવામાં શ્રદ્ધા ખોઈ॥ નિષ્કુળાનંદ એવા નરનું, મુખ રખે જોતા કોઈ॥
કડવું – ૩૫
વળી વિમુખ કહે હું દેખી દુઃખ ભાગોજી, સહુ મને કે’ આજ્ઞામાં અનુરાગોજી તન મન મમતા સર્વે ત્યાગોજી, એવો ઉપદેશ મને લેશ ન લાગોજી લાગ્યો નહિ લવલેશ એનો, ઉપદેશ તે મારે અંગે॥ ભોળો નહિ જે હું ભરમું, સમજી ન રહ્યો એને સંગે॥
પછી ગોતી કાઢ્યો મેં ગાફલ ગુરુ, જેને અતિ ખપ ચેલા કેરડો॥ જાણે અણચેલે રહે એકલો, જેવો ઊજડ ગામનો એરડો॥ એવો ઓશિયાળો મેત મળ્યો, તે તો કઠણ કેમ કહી શકે॥ દા’ડી રહિયે ડરાવતાં, વળી ટોકિયે તકે તકે॥
સ્વપ્ન શ્રાવણ માસમાં વળી, એકાદશીના જે ઉપવાસ॥ થાયે ન થાયે થડકો નહિ, તેનો તલભાર ન રહ્યો ત્રાસ॥ સર્વે નિયમ સતસંગના, પળે ન પળે પુરા વળી॥ કે’નાર તેનો કહો કોણ છે, કળી લીધી છે વાતો સઘળી॥ બા’રે બણી ઠણી બેસિયે, સાધુ સુંદર સારા સરખા॥ અંતરની અસાધુતાની, કહો કોણ કરે છે પરખા॥
એવા કપટી કુટિલનો, સંગ તે સારો નહિ॥ નિષ્કુળાનંદ નકી વારતા, કે’વાની હતી તે કહી॥
કડવું – ૩૬
વચન વા’લાનું લોપીને લબાડજી, પાપે પ્રવરતે છે જે પાપના પા’ડજી ભાંગી ભૂંસાડી વચનની વાડ્યજી, પછી જીયાંતીયાં થાય હાડ્ય હાડ્યજી હાડ્ય હાડ્ય થાય છે હરિ વિમુખ, વર્તતાં વચનથી બારણે॥ જીયાં તીયાં જડે છે જૂતિયાં, એવું કરે છે શિયા કારણે॥ આ લોકે પરલોકે આબરુ, જેની જડે નહિ જરા જેટલી॥ ભવમાં જે ભૂંડાઈ રહી છે, પાપી પામે છે તેટલી॥ ખાય છે ફટકાર ખલકની, મલકનો લિયે છે મેલ જો॥ એમાં ખોળી કાઢી શી ખાટ્યને, વળી શું સમજાણું સે’લ જો॥
પ્યાજ પેજારું ખાઈને પૈસા, અંતે જેહ આપવા પડે॥ તે મો’રેથી ન જાણે જે માનવી, તે પાછળ ઘણું ઘોડા ઘડે॥
દંડ ભોગવી ડા’પણ કરે, તેને ડા’યો કેદિયે ન દેખવો॥ પૂંઠ્ય પખાળી પુરીષ તજે, તેને મોટો મૂરખ લેખવો॥ લૂંટાવી સર્વે લૂગડાં, પછી નાગો થઈ ભાગ્યો ઘણો॥ એવું કર્યું એ અભાગિયે, હવે ડા’યો કે ભોળો ગણો॥
સમો ન શક્યો સાચવી, આવી તકમાં અવળું પડ્યું॥ નિષ્કુળાનંદ એ નરને, કોઈ પાપ પૂર્વનું આવી નડ્યું॥ પાપ પૂર્વનાં પ્રગટે પ્રાણીને, ત્યારે સૂઝે તે અવળો ઉપાય રે; કરવાનું જે હોય તે ન કરે, ન કર્યાનું કામ કરાય રે. પાપ પૂર્વનાં૦॥ સુખમાંહી તે સુખ ન સૂઝે, દુઃખમાંહી દુઃખ ન દેખાય રે; ખોટાને પણ ખરું કરી માને, સાચામાં સાચું ન લેખાય રે. પાપ પૂર્વનાં૦॥
એ જે વચનથી વિપત્તિ વિરમે, તે વચન વિષસમ લાગે રે; જેહ વચનથી જાય જમપુરમાં, તેહ વચનને અનુરાગે રે. પાપ પૂર્વનાં૦॥
એમ કુબુદ્ધિને ઊંધું સૂઝે અતિ, વળી મોટા રાખે ત્યાં ન રે’વાય રે; નિષ્કુળાનંદ એ નરનું ઠેકાણું, આલોકે પરલોકે ન કે’વાય રે. પાપ પૂર્વનાં૦॥
કડવું – ૩૭
હરિ આજ્ઞાએ વિબુધ વસ્યા વ્યોમજી, હરિ આજ્ઞાએ રહ્યા શૂન્યે રવિ સોમજી હરિ આજ્ઞાએ રહ્યા ભૂચર ભોમજી, તે લોપે નહિ આજ્ઞા થઈ બફોમજી બફોમ થઈ બદલે નહિ, રહે સહુસહુના સ્થાનમાં॥ અતિ પ્રસન્ન થઈ મનમાં, રહ્યા રાખ્યા ત્યાં ગુલતાનમાં॥ બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ॥ વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જૂજવો નિવાસ॥
ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેષજીને રાખ્યા પાતાળ॥ જ્યાં જ્યાં કરી હરિએ આગન્યા, તિયાં રહ્યાં સુખે સદાકાળ॥ બદરિતળે રાખ્યા ઋષીશ્વર, નિરન્નમુકત રાખ્યા શ્વેતદ્વીપમાં॥ ગોપી ગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં॥ એમ જેમ જેને રાખ્યા ઘટે, તેમ રાખ્યા છે કરી તપાસ॥ જેવો જોયે અધિકાર જેને, તેવો આપ્યો છે અવિનાશ॥
એ તો રહ્યાં છે સહુ રાજી થઈ, પોત પોતાને સ્થાન॥ લેશ વચન નથી લોપતા, જાણી સમર્થ શ્રીભગવાન॥
એમ સમજી આપણે રહીએ, આપ આપને સ્થાનકે॥ નિષ્કુળાનંદ કહે નહિ તો, આવે દુઃખ અચાનકે॥
કડવું – ૩૮
બહુ દુઃખ પામે થઈ સ્થાન ભ્રષ્ટજી, જિયાં જિયાં જાય તિયાં પામે કષ્ટજી સ્થાન ખોઈ થાય છે ખરા નર ખષ્ટજી, એહ વાત પુરાણે સૂચવી સુસ્પષ્ટજી સુસ્પષ્ટ શાસ્ત્રે સૂચવી, ખરી સ્થાનભ્રષ્ટની જે ખોટ॥ ઇન્દ્ર ઇન્દ્રાસને નવ રહ્યો, ત્યારે ગયો કમળ વનની ઓટ॥ ભવ બ્રહ્માનું ભાખતાં, લાગે લોકમાંય લજામણું॥ સ્થાનભ્રષ્ટ ભોમ વ્યોમમાં, થાય હેરાણ ઘણું ઘણું॥
નહુષ નરેશ નિજ રાજ્ય તજી, ઇછ્યો બેસવા ઇન્દ્રને આસને॥ ઇન્દ્રાસનનું સુખ આવ્યું નહિ, આવ્યું દુઃખ ભોગવી કાશને॥ ત્રિશંકુ તજી રાજ્ય ભૂમિનું, ઇછ્યો અમરપુરનાં જો સુખ॥ સુખ ન જડ્યું દુઃખ પડ્યું, વળી લટક્યો ઊંધે મુખ॥ સ્થાનભ્રષ્ટનો સર્વે ઠેકાણે, અતિ અનાદર થાય છે॥ દંત ને નખ કેશ નરા, ખરા નકારા કે’વાય છે॥
એમ સમજુ સમજીને, રે’વું સહુ સહુના સ્થાનમાં॥ સ્થાન તજીને જે જીવવું, તે જીવિત ગયું છે જ્યાનમાં॥
જેમ પોતાનો પિયુ પરહરી, કોઈ નારી થાય વ્યભિચારણી॥ નિષ્કુળાનંદ એ નાર નરસી, પુરુષનું પેટ બાળણી॥
કડવું – ૩૯
કોઈ કે’શે એમ કેમ રૈ’યે જીયાં દુઃખજી, બીજે જો જાયૈ તો પામિયે સુખજી એમ કહે છે નર હરિના વિમુખજી, તેની કહું કિયાં ભાંગશે ભૂખજી ભૂખ ભાંગવા ભમે ઘણું, જાણે કિયાં જઈ થાઉં સુખિયો॥ પણ દુઃખ ચાલે દશ ડગ આગળે, તે જિયાં જાય તિયાં દુઃખિયો॥ ભાગ્ય એનાં ભેળાં રહે, સુખ દુઃખનાં દેનાર॥ તેને નથી તપાસતો, વિમુખ વણ વિચાર॥ જેમ ચાલે કોઈક કમાણિયે, હોયે ફેલી વ્યસની વિશેષ॥ તે કે દી નહિ ભરે કોથળી, મર ફરે દેશ વિદેશ॥
જેમ ચોર ચાલ્યો વળી ચોરીએ, જાણે આવીશ ખરી કરી ખાટ॥ પણ જાણતો નથી જે જાશે જીવડો, જે શૂળી લખી છે લલાટ॥
એમ નર અભાગિયો, ભાંગે છે વચનની જો વાડ્ય॥ પર સુખ પોતાનાં કરવા, ધાય જેમ ગાય હરાડ્ય॥ એમ વિમુખ નર વિકળ થઈ, ભટકે છે ભવમાંહી અતિ॥ મન કરે છે સુખ મળવા, પણ મળતું નથી સુખ રતિ॥
એમ સ્થાનક ભ્રષ્ટ જે થયા, તે તો ગયા મૂળગા મૂળથી॥ નિષ્કુળાનંદ નિશ્ચે જાણજો, જેમ ફળ સુકાણું ફૂલથી॥
કડવું – ૪૦
હરિ આજ્ઞામાં રહ્યાં જે આપજી, જાણી પ્રભુનો મોટો પ્રતાપજી તેને તો મનાણું પાપિયે જબાપ એનો જડતો નથી, જે વર્તે છે વચનથી બા’ર॥ દેવ અદેવ દોયમાં વળી, એને ગણિયે કેની હાર॥ દૈવી આસુરી જીવ જગમાં, તે તો જાણે છે સહુ જન॥ દૈવી વરતે વચનમાં, આસુરી ન માને વચન॥
બીજા તો બીતા બહુ રહે, લોપે નહિ વચન લગાર॥ જિયાં જેને રાખિયા, તિયાં રહ્યા કરી નિરધાર॥ હેડ્ય બેડી કોટડિયે, નથી અવરાણા ઓરડિયે॥ બાંધ્યા નથી બીજે બાંધણે, બંધાણા છે વચન દોરડિયે॥ તેને દેખવા દુઃખિયા, લેખવા સુખિયા વિમુખને॥ એવા સમજું સહુ મરજો, પામી પૂરણ દુઃખને॥
સાકરટેટીથી સારાં લાગે, અતિ રૂડાં ઇન્દ્રામણાં॥ ખાવા બેસશે ખાંત્યે કરી, ત્યારે લાગશે વિષથી ભૂંડાં ઘણાં॥
આખુ જેમ અગ્ન બળતી, લઈ જાય નિજ ઘેર વાટ્ય॥ નિષ્કુળાનંદ એવું નર કરે છે, માને છે તેમાં ખાટ્ય॥ ખોટમાં દોટ દેવી નહિ દેખી, કરી લૈયે ખરાખરી ખાટ્ય રે; શીદ ખાયે ખોળી ખડ ધાન્યને, જ્યારે પામ્યા રાજ્ય ને પાટ્ય રે, ખોટમાં૦॥
શણગાર સોનાના સજી શરીરે, ભૂંસિયે નહિ મુખે ભૂંડી મશ રે; મુખ દેખે લેખે તે લજામણું, એમ શીદ ખોયે જાણી જશ રે. ખોટમાં૦॥ કરીથી ઊતરી ખરી પર ચડી, મોટી વાત મુખે ન કે’વાય રે; કાઢી કટિપટ કોઈ કરે પતાકા, એના શરીરની શોભા જાય રે. ખોટમાં૦॥ એમ પોતાનો પતિ પરહરી પરો, કોઈ નારી કરે વ્યભિચાર રે; નિષ્કુળાનંદ કે’ જાય જશ તેનો, વળી કોયે ન કરે પતિયાર રે. ખોટમાં૦॥
કડવું – ૪૧
જેમ એક પુરુષને પુત્ર બે ચારજી, તેને પરણાવી જૂજવી નારજી તે સૌ બાંધી બેઠા ઘરબારજી, તેમાં એક વનિતાયે કર્યો વ્યભિચારજી વ્યભિચાર કરી વણશી ગઈ, માંડ્યું જેઠનું જઈ ઘર॥ તેને શાણી ગઈ સમજાવવા, ત્યાં તો બોલી સામું બળભર॥
કહે શું સમજી શિખામણ દેવા, તું આવી અતિ ડાહી થઈ॥ ખબર વિના ખોટ ખોળે છે, એવી અક્કલ કેમ ઊઠી ગઈ॥ સાસુ સસરો ગોર ગોત્રજ, કુળદેવ બીજા નથી કરિયાં॥ નણંદ નાતિ જાતિ જાણો, એ તો એમ જ છે નથી ફરિયાં॥
ફેરવણીમાં ફેરવણી એટલી, પાલટો કર્યો એક પતિતણો॥ એને ઉપર આગ્રહ આવો, કહો કેમ કરો છો ઘણો॥ ઈર્ષ્યાયે કરી આળ ચડાવી, વણ વાંકે નાખો છો વાંકને॥ ફજેતી કરવા સૌ ફર્યા છો, નાખી કલંક કાપવા નાકને॥ મને કહ્યું એમ કહો બીજાને, તો તરત મળે તેનું ફળ॥ અમ જેવાં તો અનેક છે, તેની નથી તમને કાંઈ કળ॥
એમ અભાગણી ઉચ્ચરે, શુદ્ધ અતિ સાચી થઈ॥ નિષ્કુળાનંદ કહે એવા નિર્લજ્જને, લાજ ને શરમ શી રઈ॥
કડવું – ૪૨
એમ બેમર્યાદી થઈ બગડેલીજી, ભક્તિ ન કરવી મર્યાદા મેલીજી એ તો પરઠણ કરી છે જો પે’લીજી, ન કરવું કામ કોઈ નિયમને ઠેલીજી ઠેલી નિયમને કામ ન કરવું, મર હોય લાભ જો લાખનો॥ તોય લલચાવિયે નહિ લેશ મનને, જાણિયે મવાળો કાખનો॥
વારે વારે આવી વારતા, માનજો સહુને મળતી નથી॥ તે સ્વપ્ન સરખા સુખ સારુ, હારવી નહિ કહું હાથથી॥ શરીર કપાય મર સઘળું, થાય ટુકટુક મર તન॥ પણ ન દેવું કપાવા નાકને, તેની રાખવી ઝાઝી જતન॥
જેમ શૂરવીરને સંગ્રામ માંહી, લાગે ઘટમાં ઘાવ કંઈ॥ પણ ભાગતાં વાગે પૂઠે ભલકું, જાણો એ જેવું બીજું ભૂંડું નઈ॥ એમ ભક્ત થયો ભગવાનનો, પણ રહ્યો તે દેહનો જ દાસ॥ કુળ લજાવ્યું છે કેસરીએ, જે ખાવા લાગ્યો મુખે ઘાસ॥ ઘરની ગોલીનો ગોલો થયો, રહ્યો હાથ જોડીને હજુર॥ રાત દિવસ રાજી રાખવા, અતિ આખેપ રાખે છે ઉર॥
એવો ભક્ત ભગવાનને, કહો રાજી કરી કેમ શકે॥ નિષ્કુળાનંદ કે’ નાદાર નર, ચડ્યો શરીરના સુખને ધકે॥
કડવું – ૪૩
ધકા બહુ ખાય છે ધર્મના હીણજી, વિષયસુખ સારુ રે’ છે મન મીણજી તેણે કરી મતિ અતિ થઈ છે ક્ષીણજી, તોય પણ માને છે મનમાં પ્રવીણજી પ્રવીણપણું એનું પ્રીછિયું, તે તો નથી જાતું કેને કહિયું॥ ખાય છે ખલેલાં ખારેક તજી, એવું ટળી ગયું છે વળી હઇયું॥
કરી દીવો દિવસમાં, વળી મેલ્યું અવળું મોળિયું॥ તે જાણે મેં કાંયે કર્યું નથી, પણ કુળ સમૂળું બોળિયું॥ ઘોડું મૂકી દઈ ઘરનું, ચાલ્યો નર ખર પર ચડી॥ તોય પોતા સરીખામાં પોરસી, મરડે છે મૂરખ મૂછડી॥
લૂંટાવી કસુંબી લૂગડાં, પંડે પે’ર્યા છે ગળિયલ ઘણાં॥ તે દેખાડે છે દેશોદેશમાં, કે’ છે જો જો મુમાં કાંઈ છે મણા॥ એમ મેલી રીત સતસંગની, વળી રે’ છે કુસંગની રીતમાં॥ દ્વિજ ધામ તજી વશ્યો ઢેઢમાં, તોય ફૂલ્યો ફરે છે ચિત્તમાં॥ નકટે નકટા ભેળા થયા, વન્ઠેલમાં વન્ઠેલ વળી॥ એમ વિમુખ વિમુખ ભેળા વસ્યા, કરી હેત પરસ્પર મળી॥
તેમ મનમુખીને મોજ મનમુખીમાં, લાગે આજ્ઞાકારી અળખામણા॥ નિષ્કુળાનંદ એવા નર જેવા, નથી ત્રિલોકે કોઈ લજામણા॥
કડવું – ૪૪
લજામણાને લાજ ન હોયજી, નર મુનિવર મર વળી વગોયજી તિરસ્કાર તલભાર ન માને તોયજી, મર આવી કહે કોવિદ નર કોયજી કોઈનું કેમ માને કહ્યું, થયું જેને ગોઠણ જેટલું રોગરાજના રોગીને જેમ, ખુવે ખવરાવે તેટલું॥
જેમ ભાદરવે ભેંસ પૂછલી, જેમ પડ્યો ગજ અજાડિયે॥ જેમ લાગી ગોળી લલાટ માંયે, તેને જીવવાની ના પાડિયે॥ તેમ આવતે જોબને આવી મળ્યો, જબરા કુસંગનો જોગ॥ તેને સાધ્ય શી રહે શરીરમાંહી, જેને થયો અસાધ્ય રોગ॥
જેમ ચંદનઘોના ચાખેલની, વળી નહિ ઊગરવા આશ॥ તેમ કુસંગના કરડેલનો, જાણો ના’વે વળી વિશવાસ॥ જેમ મમોઈગર કર પારાધી કર પશું પડ્યું, તે નહિ નહિ જીવે નકી॥ તેમ ખરા કુસંગને પડ્યો ખબેડે, તેણે બુદ્ધિ ઊંધી આવી ઘણી॥ તેને સવળું કેમ સૂઝશે, રાખશે કેમ સત્સંગ શિરોમણિ॥
જેમ કોઈ ખાયે ઝાઝા ઝેરને, વળી કરડી જીભ કટકા કરે॥ નિષ્કુળાનંદ એ નરને, નથી જીવવાનું જાણો સરે॥
સરે સાર શોધતાં તે શું મળશે, કરતાં કુસંગનો સંગ વળી; સુખ સ્વપને નહિ આવે શરીરને રે, આવશે દુઃખ અતોલ મળી. સરે૦॥ જાણી ઝગમગ ઘણી હીરાકણી, ખાય ખાંત્યે ખૂબ પેટ ભરી; એમ કુસંગનો સંગ અંગમાં ઊતર્યો રે, કેમ રહે સતસંગ તેણે કરી. સરે૦॥
જેમ ખાય ઠગની ઠગમૂળી ઠાઉકી, તેને સાધ્ય શરીરે કેમ રહે; તેમ વચન વિમુખનાં ઉરમાં આવતાં રે, જે ન કે’વાનું તે સર્વે કહે. સરે૦॥ એણે આ લોક પરલોક બેઉ બગાડિયા, ખવરાઈ ગઈ ખળે આવી ખેતી; નિષ્કુળાનંદ કહે આવ્યે અવસરે રે, ચૂક પડી નવ શક્યો ચેતી. સરે૦॥
કડવું – ૪૫
વણ ચેતે અવસર વણસે કામજી, રાજી ન થાય શ્રીઘનશ્યામજી ત્યારે કેમ પામિયે પરમ ધામજી, વણ પામે ધામ નહિ સુખ ઠામજી ઠામ નથી કોઈ ઠરવા, હરિ આજ્ઞા વિના અણુ જેટલું॥ તે જડમતિ નથી જાણતો, કહી કહી કહિએ કેટલું॥ વાવે છે ઝેરનાં ઝાડવાં, કરે છે અમૃત ફળની આશ॥ તે ખાઈને કેમ ખેમ રે’શે, જેથી નર અમર પામ્યા નાશ॥
મારી કુંવર નરનાથનો, ટિલે બેસવા થાય છે તૈયાર॥ તેને રાજા રાજ કેમ આપશે, જાણી મોભી સુતનો મારનાર॥ તેમ ભક્ત થઈ ભગવાનનો, કરે વચનની જો વિઘાત॥ પછી ઇચ્છે સુખ આવવા, એહ કેમ બનશે વાત॥ નહિ પામે ઠેકાણું નરકમાં, શીદ કરે ધાંખના ધામની॥ ધામ નહિ મળે ધક્કા મળશે, ત્યારે ઊઘડશે આંખ્ય ગુલામની॥
લાત લાયક તે વાત ન માને, મર હોય અતિશય હેતની॥ સમુ કે’તાં વસમું લાગે, તેને મુખે પડો પસ રેતની॥
શરીર સુખ સારુ સુધો વરતે, કલ્યાણમાં વરતે કાસળે॥ નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળે॥
કડવું – ૪૬
પ્રભુ પાસ વાસ કરવા આશ જેનીજી, અતિ મતિ અવળી ન જોયે તેનીજી જે સુખનિયે શીખ ન લેવી કેનીજી, શી ગતિ થાશે તપાસું છું તેનીજી તપાસું છું હું તને મને, શી થાશે ગાફલ નરની ગતિ॥ અવળું કરવા છે ઉતાવળો, નથી સવળું કરવા શ્રદ્ધા રતિ॥ શરીરના સુખ કારણે, તતપર રહે છે તૈયાર॥ હરિ આજ્ઞામાં હાલતાં, પગ ભાંગી પડે છે તે વાર॥ પ્રભુ આજ્ઞામાં થયો પાંગળો, પંડ પોષવામાં પાંખો મળી॥ ખરી કરી રાખી વાતો ખોટિયું, સાચી વાત સર્વે ગયો ગળી॥
જેમ હોય કોઈ અતિ અમલી, આફૂ પૂરું શેર પીનાર॥ તેને પૈસાભાર પચાવતાં, સહુ સમજો છે શિયો ભાર॥
તેમ અનેક શાસ્ત્ર સાંભળ્યાં, સર્વે ગટકાવી ઉતાર્યા ગળે॥ તેને અલપ સલપ ઉપદેશથી, કહો અજ્ઞાન કેમ ટળે॥ ગમતું કરવા ગોવિંદનું, જેના જીવમાં જરાયે નથી॥ તેને આગે વાતો ઉપદેશની, કેટલીક કહીએ કથી॥
મનમુખી કે’ છે સૌ મુખ ઉપરે, નથી કે’તા વાત વળી વાંસળ્યે॥ નિષ્કુળાનંદ નિરભાગી નરને, નથી જાવું પ્રભુને પાસળ્યે॥
કડવું – ૪૭
પ્રભુ પાસ વાસ કરવા વિગત્યજી, વચન વા’લાનાં સર્વે માનવા સત્યજી સુખ દુઃખ પડ્યે ન હારવી હિમત્યજી, માન અપમાને રાખવી એક મત્યજી મતિ એક રતી નવ ફરે, આવે કાયાયે કોટિ કલેશ॥ વ્યાકુળ થઈ વિપત્તિમાંહી, લોપે નહિ વચનને લેશ॥ જેણે સાબિત કીધું છે શીશ સાટે, હરિમરજીમાં મરી મટવા॥ એવા જનને જોઈને, હરિ નહિ દિયે પાછો હટવા॥ પણ દેહાભિમાની દાસનો, ના’વે વાલમને વિશ્વાસ॥ જાણે ખરું કે’તાં ખમી નહિ શકે, કાં જે નથી વચનમાં વાસ॥
હરિવચનમાં પડે વસમું, તો લોપતાં લેશ ભૂલે નહિ॥ સુખ સદા રહે શરીરમાં, એમ સાબિત કીધું છે સહિ॥
તેને વચનમાં વરતતાં, કઠણથી કઠણ પડે ઘણું॥ જેને લેવું છે સુખ આ લોકનું, નથી લેવું સુખ શ્રીહરિતણું॥ જેમ પશુઘાતકી ઘરનું પશુ, નીલી ચાર્ય પર નજર છે॥ પણ કાતે કરી કંઠ કાપશે, તેની તેને કાંઈ ખબર છે?॥
તેમ પશુવત પામર નરને, વિષયરૂપ ચાર્ય મળી॥ નિષ્કુળાનંદ નિરભાગી નરને, દુઃખમાં સુખ મનાણું વળી॥
કડવું – ૪૮
વળી વચનદ્રોહી મતિમંદજી, પંચવિષયમાંહિ માન્યો છે આનંદજી તે કેમ ટાળશે માથેથી ભવફંદજી, જેણે હરિ વચનમાં માન્યું દુઃખ દ્વન્દ્વજી દ્વંદ્વ દુઃખના વચનદ્રોહીને, હરિવચનમાં રે’તાં વળી॥ અલપ સુખને અરથે, વાત બગાડે છે સઘળી॥
જે વચનથી મોટપ્ય મળે, વળી આવે વચનથી સુખ॥ તે સમજ્યા વિના શઠપણે, વરતે છે વચનથી વિમુખ॥ જે વચને નર અમર સુખી, અહિ અજ ઈશ અમરેશ॥ જે વચને શશી સૂર્ય સુખી, ગીરા ગજાનન મુક્ત મુનેશ॥
એવા વચનને ઉલ્લંઘી, બીજા આગળ કહે છે વાત॥ હું તો આવ્યો હતો ભારે ભીડ્યમાં, પણ ભલી ઊગરિયો એ ઘાત॥ ખાવું પીવું ને પે’રવું એહ, મુકાવ્યું હતું મનગમતું॥ એ મોટા દુઃખમાંથી નીસર્યો, હવે મનને રાખશું રમતું॥ ભલું થયું એહ આડ્ય ભાંગી, હવે મોકળે મને મા’લશું॥ દુઃખ દેખશું જ્યાં દેહને, તો ત્યાંથી તરત ચાલશું॥
એવા અભાગી નર અમરને, સુખ નહિ આવે સ્વપ્ને॥ નિષ્કુળાનંદ કહે જો એમ હોય તો, શીદ કરે કોઈ તપને॥
તપ જેવું વા’લું છે વાલમને, તેવું વા’લું નથી બીજું કાંઈ; વચનમાં રહી ને જે તપ કરે રે, તે તો સુખ પામશે સદાઈ. તપ૦॥ નારાયણ વચનથી વિધિએ, આદરિયું તે તપ અનુપ; તેણે કરી રમાપતિ રીઝિયા રે, આપ્યો વર સારો સુખરૂપ. તપ૦॥
શ્વેતદ્વીપમાંહિ મુનિ રહે, નિરન્નમુક્ત છે જેહનું નામ; અન્ન પાન વિના કરે તપ આકરું રે, રાજી કરવા ઘણું ઘનશ્યામ. તપ૦॥ બદ્રિકાશ્રમે બહુ મુનિ રહે, દમે છે કોઈ દેહ ઇન્દ્રય પ્રાણ; સુખ સર્વે તજી શરીરનાં, થઈ રહ્યાં વા’લાના વેચાણ. તપ૦॥ એને ન સમજો કોઈ અણસમજુ, તજ્યાં જેણે શરીરનાં સુખ; પામરને પ્રવીણ ન પ્રીછવા, જે કોઈ રહ્યા હરિથી વિમુખ. તપ૦॥
વચન વિમુખથી જેહ સુખ મળે, તેહ સુખ સર્વે જાજો સમૂળ; નિષ્કુળાનંદ એવું નવ કરો રે, જેમાં આવે દુઃખ અતુળ. તપ૦॥
કડવું – ૪૯
અતોળ રોળ રહ્યા છે જેમાંજી, શીદને તૈયાર રહો છો તેમાંજી અણુ એક ભાર નથી સુખ એમાંજી, દુઃખ દુઃખ દુઃખ છે દુઃખની સીમાજી સીમા છે સરવે દુઃખની, હરિ વિમુખનો વળી સંગ॥ મહાપ્રભુ મળવાને મારગે, જાણું આડો ઊતર્યો ભોયંગ॥
જેમ આવ્યો દિન આનંદનો, ત્યાં મૂવો મોટેરો સુત રે॥ તેમ અવસર આવ્યો હરિભજ્યાનો, ત્યાં મળ્યો જાણો યમદૂત રે॥ જેમ ભોજન બહુ રસે ભર્યાં, કર્યાં જુગત્યે જમવા જેહ॥ તેમાં પડી મૂઈ માખિયો, કહો કેમ ખવાય તેહ॥
તેમ મનુષ્ય દેહ મહામોંઘામાંહિ, વચન પડ્યાં વિમુખનાં॥ સુખ ન આવે સ્વપને, એ તો દેનાર છે દુઃખના॥ દૈત્ય દાનવ દનુજ થયા, યક્ષ રાક્ષસ ભૂત પલીત॥ તે સર્વે વિમુખના સંગથી, બીજી મા જાણજો કોઈ રીત॥ જેવી વચનદ્રોહીથી વાત વણસે, તેવી વણસે નહિ વેરી થકી॥ વેરી કાપે એક કંઠને, આ તો કોટિ કંઠે નથી નકી॥
એને સંગે એવા દુઃખ મળે, ત્યારે તેનાં તે દુઃખ કેવાં કહિયે॥ નિષ્કુળાનંદ ન કહિયે ઘણું, એ તો મનમાં સમજી લહિયે॥
કડવું – ૫૦
વિમુખ તે મરી થાશે વૈતાળજી, ક્ષુધા પિપાસા વધશે વિશાળજી જળાશયે જાતાં રોકશે વરુણ રખવાળજી, ત્યારે સર્વ દુઃખનો મળશે તાળજી તાલ મળશે તે જાણજો, પીવું પડશે પેશાબને॥ તે વિના જળ નહિ મળે, જ્યારે હરિ લેશે હિશાબને॥
ભૂત પલિતને ભોજન કરવા, નથી વિષ્ટા વિના બીજું વળી॥ એવાં સુખ છે વિમુખનાં, લીધાં છે શાસ્ત્રેથી સાંભળી॥ વ્યોમ વસુંધરા ઘાટ વાટ ઊજડ અગારે
ઝાડ પા’ડ નિરજળ દેશે, વસશે વસમા સ્થાનમાં॥ અશુદ્ધ જળ ઉતાર અન્નને, ખાઈ ખુશી રે’શે ખાન પાનમાં॥ એવાં દુઃખ ભોગવશે, વચન દ્રોહી વિમુખ જન જો॥ ત્યાં નથી ઉધારો એહનો, તૈયાર છે મુકતા તન જો॥ હમણાં તો જાણે ખાટ્યા ખરા, વિમુખ થઈ રહ્યાં વેગળા॥ પણ ખાધી મોટી ખોટ્યને, જ્યારે પ્રજળશે પાપની પળા॥
આજ તો થયું છે અટપટું, વર્તતાં વા’લાના વચનમાં॥ નિષ્કુળાનંદ કહે પછી વિમુખને, થાશે મૂંઝવણ્ય મનમાં॥
કડવું – ૫૧
તે સારુ ડરતા રહે સૌ જન દિન રાતજી, રખે કોય વચન લોપી થાય વાતજી ત્યારે તો જાણવું ઘણી થઈ ઘાતજી, હવે કેમ રે’શે હરિ રળિયાતજી રળિયાત કેમ રહેશે હરિ, ફરી ફરી વિચારે વાતને॥ સુખ સર્વે પરહરે પરાં, જાણી જગજીવન કળિયાતને॥ હરિ રાજી કરવા હૈયામાં, મનસુબો બહુ મનને॥ તન ધન સુખ સંપત જાતાં, રાજી કરે ભગવાનને॥
પ્રસન્ન કરવા મહાપ્રભુને, રહે તનમાં બહુબહુ તાન॥ બીજું જાયે મર બગડી, તેનું જરાય ન માને જ્યાન॥ સુખ નર નિરજરનાં, મર જાયે સમૂળાં સૌ મળી॥ હરિ કુરાજિયે કામ ન આવે, એવી વિચારે વાત વળી॥ બીજા રાજી કુરાજિયે કરી, નથી ખાટ્ય ને ખોટ્ય ખરી॥ માટે ગમતું કરવું ગોવિંદનું, બીજાનું મૂકવું પરહરી॥
તે જ સમજુ સંત શાણા, વળી તે જ બહુ બુદ્ધિવંત॥ તે જ ચતુર પરવીણ ડાહ્યા, જેણે રાજી કર્યા ભગવંત॥
કરી લીધી એણે સર્વ કમાણી, કેડ્યે ન રાખ્યું કરવું॥ નિષ્કુળાનંદ હરિ રાજિયે, ફરી ન રહ્યું પાછું ફરવું॥
કડવું – ૫૨
વચનવિધિ આ ગ્રંથ છે રૂડોજી, હરિવિમુખને લાગશે કૂડોજી જેને પેરવો છે પરનરનો ચૂડોજી, તે તો કે’શે આ કવિ કાલૂડોજી કાલુડાઈમાં ગ્રંથ કર્યો, તેમાં વગોવ્યા વિમુખ અતિ॥ દીઠા દુઃખિયા વિમુખને, ત્યારે સનમુખ શી પામ્યા ગતિ॥
એમ કહી અભાગિયા, કોઈ વિમુખપણું તજતા નથી॥ વચનદ્રોહીપણું દૃઢ કરી, હરિ કોઈ ભજતા નથી॥ હરિ ભજશે જન હરિના, માની મનમાં મોટા સુખને॥ સદા રહેશે સત્સંગમાં, નહિ વસે પાસ વિમુખને॥
વિમુખથી રહી વેગળા, કરી લેશે પોતાના કામને॥ સાચા સંતની શીખ લઈ, પામશે પ્રભુના ધામને॥ જે ધામને શુક સનકાદિક, વખાણે છે વારમવાર॥ તે ધામને પામશે, વામશે સરવે વિકાર॥ અવશ્ય કરવાનું એ જ છે, તે કરી લેશે કારજ॥ છેલ્લી શિખામણ સાંભળી, તેમાં ફેર નહિ રાખે એક રજ॥
પૂરણ સુખને પામવા, એટલું તો ધારવું ઉર॥ નિષ્કુળાનંદ નિશ્ચે કરી, જોઈએ આ વાત જાણવી જરૂર॥
જરૂર જાણજો જન જીવમાં, પામવું છે પરમ આનંદ રે; જે રે આનંદ જાય નહિ કહ્યે, સદા સર્વે સુખનું છે કંદ રે… જરૂર૦ અચળ અખંડ એનું નામ છે, અક્ષર અનંત અનુપ રે; જે એ પામે તે પાછો નવ પડે, એવું છે એ સત્ય સ્વરૂપ રે… જરૂર૦
આવે નહિ એકે જેને ઉપમા, જડે નહિ બીજી જેની જોડ રે; શોધતાં ન મળે સંસારમાં, ત્રિલોકે નહિ તેની તડોવડ રે… જરૂર૦ મહા મોટું સુખ માની મનમાં, મોટા મોટા મૂકી ચાલ્યા રાજ રે; તે તો સુખ મળે છે સે’જમાં, સત્સંગમાંહી રે’તા આજ રે… જરૂર૦ પૂરણ સુખને જ્યારે પામિયે, ત્યારે ઝાઝી કરવી જતન રે; સદાયે રહિયે એ સાચવતાં, જેમ રાંક સાચવે રતન રે… જરૂર૦
ગાફલપણે જો ઘણું ઘરમાં, જોતાં જોતાં થઈ જાયે જ્યાન રે; માટે પ્રમાદપણું પરહરી, સદાય રે’વું જો સાવધાન રે… જરૂર૦
લાભ અલભ્યને લઈ કરી, બેઠા છીએ બેપરવાઈ રે; સ્વામી સહજાનંદ સેવતાં, કસર રહી નથી કાંઈ રે… જરૂર૦ સદા રે’વું મનમાં મગન થઈ, કેદિયે ન માનવું કંગાલ રે; નિષ્કુળાનંદ કહે નીલકંઠ મળ્યે, થયાં છીએ નિર્ભય નિયાલ રે… જરૂર૦
આ ગ્રંથ અતિ અનુપમ છે, મુખ દેખાડવા દરપણ॥ પણ હબશી મુખ જોઈ હૈયે, લિયે નહિ લગારે ગુણ॥ દેખી મુખ દુઃખિયો થઈ, કરે ગ્રંથ મુકુર પર રોષ॥ જેમ છે તેમ દેખાડિયું, ગ્રંથ દર્પણનો શો દોષ॥