લાગું પાયે પરબ્રહ્મને, સોયે સદ્ગુરુ શ્યામ॥ સંતવેષે શ્રીહરિ, એક રૂપ ને ત્રય નામ॥
Nishkulanand Swami
વૃત્તિવિવાહ
મંગળ ઇચ્છે જો મનમાં, તો સોંપે શરણે શીશ॥ અખંડ સુખને પામવા, ગાઉં ગુણ હરિના હમિશ॥ વિવા’ તે નામે વધામણું, માંહી વર કન્યાની વાત॥ વૃત્તિ તે નામ વનિતા, વર શ્રીહરિ સાક્ષાત॥
વરે વર્યાની ઇચ્છા કરી, સોંપ્યું શ્રીફળ બૃહદવૈરાગ્ય॥ ઓઢી છે અવલ ઘાટડી, મારા સ્વામી તણો જે સુવાગ॥ સ્વાગણ થઈ છે સુંદરી, પામી અખંડ એવાતણ॥ આવો સખી સરવે મળી, ગાઈએ ગોવિંદજીના ગુણ॥ ધન્ય ધન્ય જન્મ માહેરો, થયું સગપણ શ્યામને સાથ॥ ઇચ્છા તે વર મુજને મળ્યો, નિષ્કુળાનંદનો નાથ॥
ઇચ્છ્યા અલબેલો વર મળિયા રે, ભય તો ભવસાગરના ટળિયા રે; અતિ એક અમૂલ્ય ઘાટડી રે, તે તો અમને અલબેલે જો ઓઢાડી રે.॥
ઘાટડી તો ઘણી મૂલી કે’વાય રે, તે તો અબળા વિના ન ઓઢાય રે; ઘાટડી તો શુકદેવે શોભાડી રે, ઓઢીને ઋષભદેવે દેખાડી રે.॥ ઘાટડી તો ઓઢી છે પ્રહલાદે રે, ઓઢી બીજે અનેક જને આદે રે; ઘાટડી તો ઓઢી છે ગોપીચંદે રે, ઘાટડી તો ઓઢી છે શાહા બાજન્દે રે.॥
ઘાટડી તો ભરથરીને ઘણી ભાવી રે, ઘાટડી તો કદરજે શોભાવી રે; કંઈક તો વણ ઓઢ્યે ફરે ફૂલ્યા રે, નિષ્કુળાનંદ કહે તે તો ભૂલ્યા રે.॥ શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી રે, ચુંદડી રંગે દીસે છે રૂપાળી રે... શોભે꠶॥ ચુંદડી રંગે તે મોહ્યા મોટા મુનિ રે, દેખી અંક અલૌકી અનુપ રે... શોભે꠶॥
ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ઘણું રે, ચુંદડી સરાયે સુર નર ભૂપ રે... શોભે꠶॥
ચુંદડી નયણા ભરીને નીરખી નારદે રે, સનકાદિકે કર્યો સતકાર રે... શોભે꠶॥ ચુંદડી વલ્લભ ઘણી છે વ્યાસને રે, વાલમિકે વખાણી વારમવાર રે... શોભે꠶॥
ચુંદડી શેષ વખાણે શારદા રે, નવ પામે તે પોતનો પાર રે... શોભે꠶॥ ચુંદડી અંતર પ્રીતે જે ઓઢશે રે, તેને સ્વપને નહિ ગમે સંસાર રે... શોભે꠶॥ ચુંદડી સારી સોયામણી રે, કર્યાં અનેક જનના જો કાજ રે... શોભે꠶॥
મળ્યા નિષ્કુળાનંદનો નાથજી રે, દયા કરીને આપી અમને આજ રે... શોભે꠶॥
ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજ રે; લગન લાડીલી મોકલે, વે’લા આવો મહારાજ રે.॥ વા’લાજી વિલંબ ન કિજિયે રે, દિજે દરશન દાન રે; ભૂધર તમને ભેટતાં, વળે અમારા વાન રે. મન રે॥
ઇચ્છે છે મળવા, નયણા જોવાને નાથ રે; શ્રવણ ઇચ્છે છે સુણવા, વા’લા મુખની વાત રે.॥ સર્વે અંગે સ્વામી તમને, સ્પરશી પાવન કરું રે; પિયુજી વેલેરા પધારજો, આવો અંક જ ભરું રે.॥ અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતા રે; અધમઉદ્ધારણ બિરુદ છે, રખે તે તમે ખોતા રે.॥
બિરુદ સામુ જોઈ શ્યામળા, કરજ્યો અમારાં કાજ રે; શું કહીને સંભળાવીએ, સર્વે જાણો મહારાજ રે.॥
થોડે લખ્યે ઘણું જાણજ્યો, દયા કરજો દયાળુ રે; જેમ જાણો તેમ જાણજ્યો, છૈયે તમારા પાળુ રે.॥ છોડતાં છેક છૂટો નહિ, તે કેમ છાંડો મહારાજ રે; નિષ્કુળાનંદના નાથજી, બાંય ગ્રહ્યાની લાજ રે.॥
શુદ્ધ વિચારથી સાબદા થાઓ રે, ચલી ચાલીને ચિદાકાશમાં જાઓ રે; જિયાં રે વસે છે જદુપતિ નાથ રે, કે’જ્યો જઈ વિનતિ જોડી બેઉ હાથ રે.॥ વે’લા પધારે હો વિશ્વાધાર રે, વાટ કોઈ જુવે છે વિરહવતી નાર રે; સર્વે સખાને તે તેડજ્યો સાથ રે, ઓપે આંગણિયું અમારું હો નાથ રે.॥ મારાં કુટુંબી બો’ળા છે બહુ રે, હાંસી જો કરવા આવશે સહુ રે; તે તો તમ થકી પામશે હાર રે, લવલવ કરતાં રહેશે નરનાર રે.॥
એક અમે તમે અંક જ ભરશું રે, મનના મનોરથ પૂરા કરશું રે; સુખનો સમાજ સંગે લાવજ્યો રે, નિષ્કુળાનંદના સ્વામી આવજ્યો રે.॥
જઈ કહી વિનતિ વિચારે રે, સુણી સર્વે સુંદરવર તે વારે રે; કીધું છે કાંઈ જાદવકુળમાં જાણ રે, વાજે છે અનહદ નાદ નિશાણ રે.॥ માનિની તે મળીને મંગળ ગાય રે, ઉછરંગ આનંદ અંગે ન માય રે; આવી સર્વે મળ્યો સખાનો જો સાથ રે, આજ્ઞા તેને આપે અનાથનો નાથ રે.॥
સજ્જ સર્વે થાઓ તે સખા સહિત રે, જાવું છે જાનમાં કરવી છે જિત રે; કોઈ જો મ આવશો કાયર કાચા રે, દુઃખિયા દુર્બળ વળજ્યો પાછા રે.॥ બુઢા ને બાળક રહેજ્યો બેસી રે, દુર્મતિ દેખીને કરશે હાંસી રે; જન બીજા અનેક મળીને જોશે રે, દુરમતિ વણ વાંકે વગોશે રે.॥ આપણ સહુ આનંદ માંહી રહેજ્યો રે, વચન તે કોઈને કટુ મ કે’જ્યો રે; આવજ્યો અજિત સર્વે અંગે રે, નિષ્કુળાનંદના સ્વામીને સંગે રે.॥
સુણી સજ્જ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ॥ આવ્યો સંતોષ મહા શૂરવીર, જેથી ધરે મુનિવર ધીર॥
આવ્યો શીલ મહા જો સુભટ, જેથી પળાય કામના કોટ॥ સજ્જ થઈ ક્ષમા અડીખંભ, જેથી ક્રોધ ન કરે આરંભ॥ દયા દીસે છે દલની દયાળ, સર્વે જીવતણી પ્રતિપાળ॥ ભક્તિ અદીનતા ધરી ધીર, માંહી જ્ઞાન વિજ્ઞાન ગંભીર॥
સમદૃષ્ટિ સદા સુખકારી, એક આત્મા રહે ભાવ ધારી॥ શુભ ગુણ વિવેક વિચાર, એવાં કે’તાં તે ના’વે પાર॥ એક એક થકી છે અનુપ, સર્વે સંતને છે સુખરૂપ॥ સર્વે મળીને શોભે છે જાન, માંહી વર દીસે કોડીલો કાન॥ પછી આવ્યા છે પુરને પાસ, દેખી દુર્મતિ પામ્યા છે ત્રાસ॥ એક કહે છે બુઢાને બાર, વર આવ્યા છે પુર મોઝાર॥
ત્યારે કુબુદ્ધિ કરે છે વિચાર, નાસી નીસરો પુરની બાર॥ હરિએ આવી કર્યો છે મુકામ, સર્વે ટાળ્યા અવિદ્યાના ઠામ॥
હાર્યો અહંકાર થઈ છે હાર, ત્યારે વરે સજ્યો શણગાર॥ વર સુંદરવર વનમાળી, કહે નિષ્કુળાનંદ નિહાળી॥ વર નિરગુણ રે થયા સગુણ રૂપ, ઓપે છે અનુપ ભૂપોશિર ભૂપ, જોઈ જન રૂપ કે નીરખે નાથને રે; વર દીસે છે દિલના દયાળ,દીન પ્રતિપાળ ભૂપના ભૂપાળ, કાળશિર કાળ સુખદાયી સાથમે રે.॥
વરે પે’ર્યો છે સુંદર સુરવાળ, ઝગે જામાચાળ કંઠે મોતીમાળ, દીસે છે વિશાળ કે ભલેરા ભાવની રે; વરે પેર્યો છે જામો જરકશી, કમર લઈ કસી મુખે રહ્યા હસી, જનમન વસી કે મૂરતિ માવની રે.॥ વરને કરે શોભે વેઢ વીંટી, પોંચી પે’રી દીઠી કડે જોત્ય કોટી, લીધી શોભા લૂંટી કે લોક ત્રણની રે; સોના સાંકળાં શોભે સુચંગ, બાંયે બાજુબંધ કુંડળ ઉતંગ, અતિ શોભા અંગ કે અશરણશરણની રે.॥ વરને શિરપર સોનેરી પાગ, શું કહે શેષનાગ કે’વા નહિ લાગ, અમારા જો ભાગ્ય કે હેતે મળ્યા હરિ રે; કેશર તિલક ભાલને વચ્ચ, પાઘડીને પેચ શોભે શિરપેચ, લાગી છે લાલચ કે કલંગી કેવી ધરી રે.॥
નખશિખ શોભા તે કહી ન જાય, કવિ કંઈ ગાય તે થાપ ન થાય, મોટો છે મહિમાંય કે અકળ એ નાથ છે રે; વરે કરમાં લીધી લાલ છડી, પાયે જો મોજડી મોતીએ તે જડી, વર ઘોડે ચડી કે સંગે સખા સાથ છે રે.॥
પરમહંસ બ્રહ્મરસના ભોગી, સંગે સાંખ્યયોગી અંતરે અરોગી, જે સંત સંયોગી કે સંગે સહજાનંદને રે; નિષ્કુળાનંદના સ્વામીને જોઈ, મન રહ્યું મોઈ હૈયે સુખ હોઈ, ભવદુઃખ ખોઈ કે પામ્યા આનંદને રે.॥ સુંદર વર તોરણે પધાર્યા રે, જનમન નવલા નેહ વધાર્યા રે; વાજિંત્ર વાજે છે બહુવિધ રે, પિયુ મારો પધારિયા પ્રસિદ્ધ રે.॥
પોંખણું લઈને આવે પનોતી રે, વર પોંખી વળી વધાવે છે મોતી રે; સાપટિયાં સુખ દુઃખના ભાંગ્યાં રે, પિંડલિયા તે પાપ પુન્યના ત્યાગ્યા રે.॥ અંતરપટ પરુ લઈ લીધું રે, દયા કરી દયાળે દર્શન દીધું રે; પછી પિયુ પ્રેમે પધાર્યા છે પાટે રે, મહાસુખ મુજને આપવા માટે રે.॥ ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે, મે’ર ઘણી કરી પધાર્યા મહારાજ રે; અમ ઉપર આજ અઢળ હરિ ઢળિયા રે, નિષ્કુળાનંદનો સ્વામીજી મળિયા રે.॥
માયરે બેઠા છે દેવ મોરાર રે, સુંદરીએ સજ્યો છે શણગાર રે; પહેર્યા છે આનંદના અણવટ રે, અજિત અડગ ને અમટ રે.॥
ઝાંઝર પ્રેમનાં નેમનાં કા’વે રે, ઉતરી ઉર હરિ એક ભાવે રે; માળા માદળિયા સાંકળી હાર રે, શમ દમ આદિ વિવેક વિચાર રે.॥ પે’ર્યો છે અખંડ વરનો ચૂડો રે, સુંદરી સુંદર વર પામી રૂડો રે; નાકે તે પે’ર્યા નિર્મળા મોતી રે, સજ્જ થઈ પિયુને મળવા પનોતી રે.॥
ચાંદલિયો અવિચળ વરનો ચોડ્યો રે, સંશય તે સર્વે અવર બીજો તોડ્યો રે; મેલ્યો છે નિઃશંકનો શિરમોડ રે, દેખી વાલો રાજી થયા રણછોડ રે.॥ ઘાટડી વૈરાગ્યની ઘણી સારી રે, સખી એવે શણગારે શણગારી રે; પધરાવ્યા પછી પિયુને પાસ રે, ટાળી છે લોકલાજ તનત્રાસ રે.॥ બની છે સુંદર સરખી જોડી રે, બાંધી છે ગાંઠ્ય ન છૂટે છોડી રે; વર કંઠે આરોપી વરમાળ રે, પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ રે.॥
તન મન સોંપ્યું છે હરિ તમને રે, તમ સંગે શોભા આવી છે અમને રે; ત્યારે હરિએ હેતે કરી સાયો હાથ રે, સખી તારે થશે જો સનાથ રે.॥
નિઃશંક નિર્ભય થઈ સર્વે અંગે રે, સુંદર શ્યામળિયા વર સંગે રે; સુંદરી સર્વે અંગે સુખ પામી રે, મળિયા છે નિષ્કુળાનંદનો સ્વામી રે.॥ ચોરી સ્તંભ રચ્યા તિયાં ચાર રે, રહે વ્રતમાને નર નાર રે॥ પિયુ સ્પરશી પ્રદક્ષિણા કરે રે, તે તો ભવમાં તે ફેરા ન ફરે રે॥
ધન્ય સખી સુંદર વર પરણે રે, તન મન સોંપી હરિશરણે રે॥ કામ ક્રોધના જવ તલ બાળ્યા રે, સંશય શોક સર્વે તિયાં ટાળ્યા રે॥ પિયુ પરણીને પાવન થયાં રે, સુખ મુખે ન જાય તે કહ્યાં રે॥ હરિહાથે જમ્યા જે કંસાર રે, તેને સ્વપને ન ગમે સંસાર રે॥ ફેરા ફરીને આજ ઊતર્યા રે, સર્વે કાજ અમારાં તે સર્યા રે॥ પ્રેમ નેમ ને ભક્તિ ભાવે રે, સખી ચાર મળીને વધાવે રે॥
વર વધાવી વારણે જાય રે, નાથ નીરખતા તૃપ્ત ન થાય રે॥ નાથ નીરખીને લોભ્યા છે નેણ રે, મુખ જોઈ મન થયાં મેણ રે॥
મુખ જોઈ મેલ્યું નવ જાય રે, રહેજ્યો અખંડ અંતર માંય રે॥ વા’લા વા’લપ્ય આવે છે હૈયે રે, જાણું અંગે આલિંગન લૈયે રે॥ પૂરું મનોરથ મારા મનના રે, ખંગ વાળું હું ખોયલા દનના રે॥ સખી પૂરણ પુણ્યે હું પામી રે, વર નિષ્કુળાનંદનો સ્વામી રે॥
છબીલા વાલા છોડો દેવાધિદેવ દોરડો રે, દીસે દોરડીયે દશ ગાંઠ રે... છબીલા꠶॥ ગાંઠ અનેક જનમની આવરી રે, તેને લાગશે લગારેક વાર રે... છબીલા꠶॥ કળે કળે કરીને છોડજ્યો રે, નહિ તો તૂટી જાશે નિરધાર રે... છબીલા꠶॥
અહં દેહ અભિમાન દોરડો રે, મહાવિકટ છે વિપરીત રે... છબીલા꠶॥
તમે તોડવાને તો તૈયાર છો રે, કાંઈ રાખજ્યો છોડવાની રીત રે... છબીલા꠶॥ પડી ગાંઠ્ય ઘૂંચાઈ ઘણા દિનની રે, માંહી અનેક રહ્યા છે ઉત્થાન રે... છબીલા꠶॥
નથી કાળીનાગ જે નાથશો રે, નથી દાવાનળ જે કરો પાન રે... છબીલા꠶॥ વા’લા આકળે અરથ સરે નહિ રે, ધરી ધીરજ કરો વિચાર રે... છબીલા꠶॥ વા’લા ગાંઠ્ય છોડ્યે તમે છૂટશો રે, આંટી કાઢી જોઈશે આણી વાર રે... છબીલા꠶॥
તે તો તમારે હાથે હરિ છૂટશે રે, એમાં નથી અમારો કાંઈ દોષ રે... છબીલા꠶॥
દયા કરીને છોડજ્યો દોરડો રે, રખે રાંક જાણી કરો રોષ રે... છબીલા꠶॥ તમે અનેક જુગતિ આદરી રે, વિધ્યે વિધ્યે કરો છો વિચાર રે... છબીલા꠶॥
સ્વામી નિષ્કુળાનંદના સમર્થ છો રે, જો છોડો તો સઈ છે વાર રે... છબીલા꠶॥ અહો આજ અમારા હો ભાગ્ય, અમર વર વરિયા રે; વર સુંદર શ્યામ સુજાણ, નીરખીને નયણાં ઠરિયાં રે.॥ વર નિરગુણ ને નિર્લેપ, સગુણ થયા સ્વામી રે; વર અખંડ ને અવિનાશ, અકળ અંતરજામી રે.॥
વર અતોલ ને રે અમાપ, થાય ન થાપ રતિ રે; વર હરિ હર અજના આધાર, પ્રકૃતિ પુરુષના પતિ રે.॥
વર પંડ્યે બ્રહ્માંડને પાર, અકળ ન જાય કળ્યા રે; નેતિ નેતિ કહે જેને વેદ, તે તો આજ અઢળ ઢળ્યા રે.॥ વર ગુરુવા ગુણને પાર, તે તો કેમ જાય કહ્યા રે; વર અજર છે જો અજિત, પ્રીતે પ્રગટ થયા રે.॥
વાલે ધર્યુ મનુષ્ય શરીર, જન હેત કારણે રે; જેને દરશે સ્પરશે પાપ જાય, વારી જાઉં વારણે રે.॥ મારા પુણ્ય તણો નહિ પાર, ભેટ્યા આજ ભાવે હરિ રે; મળ્યા નિષ્કુળાનંદનો નાથ, મને સનાથ કરી રે.॥ ત્યારે બોલી સખીની સાહેલી રે, મુખની મરજાદ પરી મેલી રે; મારે કે’વું છે કાંઈ કેણ રે, બોલીશ વાંકા વસમાં વેણ રે.॥
આ જો આશ્ચર્ય સરખી વાત રે, દીસે નાનડીઓ ઘણી ઘાત રે; એને જગમાં કોઈ ન જાણે રે, એ તો પોતે પોતાને વખાણે રે.॥
એ તો આજ કાલ્યનો નહિ કાળો રે, જાણું છું જાત્ય નંદજીનો લાલો રે; શીખ્યો કામણ ટૂમણ કાંઈ રે, મંત્ર મોરલીમાં નિત્ય ગાઈ રે.॥ એ તો ફોગટ ફૂલ્યો ફરે રે, એ તો અબળા તણા મન હરે રે; એ તો ધરનો છે ધુતારો રે, એને કોણ કહે છે સારો રે.॥
સહુ કોઈ રહ્યું છે સામું જોઈ રે, મુખપર કહી નથી શકતું કોઈ રે; કામણ મોરલીમાં કાંઈ કર્યું રે, તેણે અબળાનું મન હર્યું રે.॥ તેણે લાગ્યો હરિજીશું હેડો રે, વળી તેનો કા’ન ન મૂકે કેડો રે; ગોપી ભૂલી ઘરનાં કાજ રે, મેલી લોક કુટુંબની લાજ રે.॥ આપ ઇચ્છાએ હરિવર વરી રે, હવે બેઠી ઠેકાણે ઠરી રે; એને મનમાન્યો વર મળ્યો રે, હશે હેત તે પ્રીતે પળ્યો રે.॥
એમાં અમારું શિયું ગયું રે, ભલે સુખ જો સખીને થયું રે; એને અભાવ થયો છે અમારો રે, નિષ્કુળાનંદનો સ્વામી એને સારો રે.॥
એવું સુણીને બોલી છે સુંદરી, સખી સાંભળ તો કહું વાત, હો બેની એમ ન કહ્યે એહને વળી વિચાર વિના જે બોલવું, તે તો જીવ જણાવે જાત્ય. હો꠶॥ સખી બોલીને કેમ બગાડીએ, બોલ્યું અણબોલ્યું કેમ થાય. હો꠶॥ જે કોઈ વચન નીસરે મુખથી, તે તો પાછું કેમ સમાય. હો꠶॥
તું ન જાણીશ નંદજીનો લાડીલો, એ છે અખિલ ભુવનનો આધાર. હો꠶॥ સખી શેષ મહેશ ને શારદા, એનો કોઈ ન પામે પાર. હો꠶॥ એનો બ્રહ્મા તે ભેદ જાણે નહિ, વળી વેદ ન પામે પાર. હો꠶॥ સખી અનેક જનને ઉદ્ધારવા આવી, લીધો છે આ અવતાર. હો꠶॥ તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચવિષયને પાર. હો꠶॥ જેને વચને તે વિકાર વામીએ
એ તો ચૈતન્ય ઘનમય મૂરતિ, એને સ્પરશે નહિ પંચભૂત. હો꠶॥ એનું પૂરણકામ જો નામ છે, વળી કા’વે અખંડ અચ્યુત. હો꠶॥
દીન જાણી દયાળે દયા કરી, થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ. હો꠶॥ એ છે કોટી કલ્યાણની મૂરતિ, એ છે કોટી કૃપાનું રૂપ. હો꠶॥ હાથ જોડીને હરિ આગળે, રહિયે દીન આધીન એમ. હો꠶॥ સખી નિષ્કુળાનંદના નાથને, કટું વચન જો કૈ’યે કેમ. હો꠶॥
મારા બોલ્યા સામું જોઈ શ્યામ રે, રોષ રખે ધરતા તે રામ રે; કોઈ નવ સરે જો કામ કે, આવીને આ ભવમાં રે;॥ મોટા મન ધરજ્યો ધીર રે, ગુણવંત ગુણના ગંભીર રે; ઊનું ટાઢું થાય થોડું નીર કે, તવાઈને તવ્યમાં રે.॥ અમારા છે અવગુણિયા અનેક રે, હરિ હૈયે આણશો મા એક રે; અધમ ઉદ્ધારણ જે ટેક કે, પાળજ્યો તે પ્રીતશું રે;॥
વડાને નવ લાગે વિકાર રે, જેની મતિ અપરમપાર રે; નવ થાય કેણે નિરધાર કે, આદેશ અજિતશું રે.॥
વજ્રને જેમ વીંધ્યું નવ જાય રે, વેંધતલ સામું વીંધાય રે; અનેક જો કરીએ ઉપાય કે, નિશ્ચે નિષ્ફળ છે રે;॥ શશી જેમ શીતળ આપ રે, તેને તન લાગે નહિ તાપ રે; સ્પરશે નહિ પુણ્ય ને પાપ કે, નાથ નિરમળ છે રે.॥
દીસો છો કાંઈ દિલના દયાળ રે, દીનબંધુ દીનપ્રતિપાળ રે; નટવર નંદ ગોવાળ કે, નીરખી નયણાં ઠર્યા રે;॥ નિષ્કુળાનંદના સ્વામી રે, અલબેલા અંતરજામી રે; તમને નીરખી સુખ પામી કે, સર્વે કારજ સર્યા રે.॥ જી રે સજ્જ થાઓને સુંદરી, મૂકી પરી આવ્યાની રે આશ કે, સુંદર સુંદરી.॥ જી રે પ્રીત તજો રે પ્યારની, ચાલો ચાલો પિયુજીને પાસ કે; સુંદર꠶॥
જી રે પંનર નવને જી રે અલ્પ સુખ આ સંસારનાં, તેની પશુ કરે પ્રતીત કે; સુંદર꠶॥
જી રે ભર્યો ભવ ભંડાર કલેશનો, અંધઅંધ કે’વાય જે કૂપ કે; સુંદર꠶॥ જી રે જડ દુઃખ મિથ્યાને મેલી કરી, રહો સત ચિત આનંદ રૂપ કે; સુંદર꠶॥ જી રે મોટાં ભાગ્ય કરી માનજ્યે, પામી અખંડ વર અવિનાશ કે; સુંદર꠶॥ જી રે નિષ્કુળાનંદના નાથનાં, રહ્યે ચરણ કમળનાં જો દાસ કે; સુંદર꠶॥
સખી આજ આનંદ વધામણા, મારે હૈડે રે સખી હરખ ન માય કે… આજ꠶ દીન દયાળે દયા કરી, બળવંતે રે મારી ગ્રહી છે રે બાંયે કે... આજ꠶॥ સખી નેહ જણાવ્યો નયણમાં, જાણી વાલપ્ય રે સુણી મુખનાં વેણ કે... આજ꠶॥ સખી કરુણા રસમય મૂરતિ, નાથ નીરખી રે કાંઈ ઠરિયા છે નેણ કે... આજ꠶॥
સખી છબી છબીલાની જોઈને, મન મોહ્યું રે જોઈ વાલાનું મુખ કે... આજ꠶॥
ચિત્ત ચોરી લીધું લાલ લટકે, વણ દીઠે રે નવ થાય જો સુખ કે... આજ꠶॥ સખી નટવર કુંવર નીરખી, ઘણું હરખી રે મારા હૈડા માંય કે... આજ꠶॥
સખી પૂરણ પુણ્યે તે પામીએ, ભાગ્ય મોટા રે મુખ કહ્યાં ન જાય કે... આજ꠶॥ સખી ધન્ય ધન્ય અવસર આજનો, આજ પ્રગટ્યો રે અતિ નવો આનંદ કે... આજ꠶॥ મારું જીવિત સફળ કરી જાણિયું, રાજી થયા રે સ્વામી સહજાનંદ કે... આજ꠶॥
મુને વિસારી નહિ મારે વાલમે, સહજાનંદે રે મારી કરી છે સાર કે... આજ꠶॥
સખી નિષ્કુળાનંદના નાથને, જાઉં વારણે રે હું તો વારમવાર કે... આજ꠶॥ જેનાં પુણ્ય હશે તે એ વર પામશે રે, તે તો વામશે તનડાના તાપ રે; અખંડ વર એક છે રે. મનવાંછિત મહાસુખ માણશે રે, વળી જાણશે જે પિયુના પ્રતાપ રે... અખંડ꠶॥
સખી વરીએ તો અમર એ વરને રે, જેનું એવાતણ અખંડ અભંગ રે... અખંડ꠶॥ સખી સુખ અલ્પ આ સંસારનાં રે, તેનો સમજુ ન કરે કે દી સંગ રે... અખંડ꠶॥ સખી મૂર્ખ મનુષ્યની મંડળી રે, તે તો સંસારનાં સુખ સરાય રે... અખંડ꠶॥
સખી વિવેકી રહે છે તેથી વેગળા રે, તેનો સ્વપનામાં સંગ ન ચા’ય રે... અખંડ꠶॥
સખી સનકાદિકે શુકે શું કર્યું રે, દત્ત ભરત રહ્યા છે જેથી દૂર રે... અખંડ꠶॥ સખી નિષ્કુળાનંદના સ્વામી વિના રે, બીજું અન્ય ભજે જાણો ભૂર રે.. અખંડ॥
અહો ધન્ય ધન્ય ભાગ્ય આ ભૂમિના રે, અહો ધન્ય ધન્ય વૃક્ષ વેલી વન રે; અલોકી રીત આજની રે. અહો ધન્ય ધન્ય સર સરિતા સિંધુ રે, સ્પરશી હરિપદ થયાં છે પાવન રે... અલોકી꠶॥ અહો ધન્ય ધન્ય ખગ મૃગ જાતને રે, જેનો આરે સમામાં અવતાર રે... અલોકી꠶॥ અહો ધન્ય ધન્ય અશ્વ તે એહને રે, જેને ઉપર છે હરિ અસવાર રે... અલોકી꠶॥
અહો ધન્ય ધન્ય સતસંગી સંતને રે, જે કોઈ સદાય રહે છે હરિ સાથ રે... અલોકી꠶॥
જેને અરસ પરસ રહે એકતા રે, હરિ હેતે જમે છે જેને હાથ રે... અલોકી꠶॥ અહો ધન્ય ધન્ય સુર નર નાગને રે, જે કોઈ વસિયા આ બ્રહ્માંડે વાસ રે... અલોકી꠶॥
તે તો અંતરે ઇચ્છે છે તન ધારવા રે, થાવા ચરણકમળના દાસ રે... અલોકી꠶॥ તે તો કોણ જાણે જે કેમે હશે રે, તેનો મર્મ જાણે છે મહારાજ રે... અલોકી꠶॥ શમ દમ આદિ જે આગે કહ્યા રે, તે તો તન ધરી રહ્યા આજ રે... અલોકી꠶॥
સર્વે સમાજ સહિત પધારિયા રે, સંતજનને તે આપવા સુખ રે... અલોકી꠶॥
અહો ધન્ય ધન્ય સર્વે એ જનને રે, મોટાં ભાગ્ય ન જાય કહ્યાં મુખ રે... અલોકી꠶॥ કહ્યું નથી જાતું રે સુખ મુખથી રે, જેવું આપ્યું છે અલબેલે આજ રે... અલોકી꠶॥
મારા અંતરમાં બેસીને બોલિયા રે, હતું કે’વાનું જેટલું કાજ રે... અલોકી꠶॥ વિવા’ વરણવ્યો પદ છંદ વિશમાં રે, કહ્યું સંક્ષેપે સર્વેનું રૂપ રે... અલોકી꠶॥ વર નર તો એક નારાયણ છે રે, બીજા સર્વે છે સખીને સ્વરૂપ રે... અલોકી꠶॥
એવું નિશ્ચે જાણી રે જન સર્વેને રે, રે’વું સખી સ્વરૂપે સર્વે અંગ રે... અલોકી꠶॥
વર નિષ્કુળાનંદનો નાથ છે રે, રાખો હેત પ્રીત સ્વામીને સંગ રે... અલોકી꠶॥