મંગળરૂપ અનુપ, સમરતાં સદ્ય સુખ મળે॥ સો સહજાનંદ સુખરૂપ, જે ભજતાં ભવદુઃખ ટળે॥ કરવા માંગલિક કાજ, જન મનમાં જે ઇચ્છા કરે॥ તે સમરે શ્રી મહારાજ, તો વિઘ્ન તેનાં તર્ત હરે॥
Nishkulanand Swami
કડવું ૧
એવા શ્રી ઘનશ્યામ, નામે જેને નિર્વિઘ્ન થઈયે॥ વળી સરે સઘળાં કામ, તેને તજી બીજું શીદ ચહિયે॥ સર્વે સુખના સદન, દુઃખહરણ હરિ દીનબંધુ॥ તે પ્રભુ થઈ પ્રસન્ન, સા’ય કરજ્યો સદા સુખસિંધુ॥ પ્રથમ પ્રભુને પ્રણમી, કરું કથા ઉચ્ચાર॥ યમદંડની જે વારતા, કહું મતિ અનુસાર॥
મંગળમૂર્તિ મહાપ્રભુ, બહુનામી બદ્રિકાઈશ॥ ભક્તિધર્મ સુત ભાવશું, રહ્યા હૃદયમાં હમિશ॥
સુખસાગર સૌના પતિ, અતિ દયાસિંધુ દયાળ॥ પૂરણકામ સુખધામ સદા, નિજ ભક્તવત્સલ પ્રતિપાળ॥ તેહ પ્રભુ પૂર્વે પ્રગટ્યા, દ્વિજકુળ ધર્મને ઘેર॥ નામ ઘનશ્યામ સુંદર હરિ, કરી જન પર મે’ર॥
ત્યાંથી પ્રભુજી પધારિયા, પૂર્વથી પશ્ચિમ દેશ॥ અનેક જીવ ઉદ્ધારિયા, આપી અમળ ઉપદેશ॥ તેહ પ્રભુ મળ્યા મુજને, સ્વામી તે સહજાનંદ॥ જન્મ મરણ યમયાતના, જેથી છૂટ્યો હું સર્વે ફંદ॥ જેહ દુઃખ ન કહેવાય જીભથી, અતિ વિકટ છે વિપરીત॥ જે જન સુણે શ્રવણે, તે થાય અતિ ભયભીત॥
એહ દુઃખ જેને ઉપરે, તે સુખી નહિ નિરધાર॥ અલ્પ સુખને આશરી, નથી કરતા કોઈ વિચાર॥
બીજી વાતો બહુ સાંભળી, જીવ થાય રાજી રળિયાત॥ જન્મ મરણ જમપુરીની, કોઈ કાને ન સુણે વાત॥ માટે આજ્ઞા મને કરી, એહ વાત વિસ્તારવા કાજ॥ કૃપા કરી કહ્યું હરિ, શ્રીમુખે શ્રીમહારાજ॥
કહ્યું પૂર્વે મને પૂછ્યું હતું, પન્નગારિયે કરી પ્રીત॥ યથારથ યમદંડની, મેં કહી છે તેહને રીત॥ તેહ રીત હૃદયે ધરી, તું કહેજ્યે કરી વિસ્તાર॥ જે સુણી સહુ પાપથી, ડરી ચાલે નર ને નાર॥ એમ શ્રીમુખેથી મેં સાંભળી, વળી ઉર કર્યો વિચાર॥ જેમ કહ્યું તેમ કરવું, ફેર પાડવો નહિ લગાર॥
એહ હરિ આજ્ઞા ઉર ધરી, કહું કષ્ટ જીવનાં જેહ॥ નરનારી નિજ પાપથી, સહે છે દુઃખ જે દેહ॥
જન્મ મરણ યમયાતનું, કષ્ટ અતિ ઘણું છે અપાર॥ શ્રવણ દઈ સહુ સાંભળો, કહું નિરય દુઃખ નિરધાર॥ જેહ પાપે આ જીવને, નાખે છે નરકને કુંડ॥ પાપ તપાસી પ્રાણીનાં, જે દિયે છે દુષ્કર દંડ॥
જેવી વિકટ વાટ છે, જેવા છે યમદૂત ઘોર॥ કહું સંયમિની શહેરનાં, દુઃખ પામે પ્રભુના ચોર॥
જેવા નરકના કુંડમાં, છે જૂજવી જાતનાં દુઃખ॥ તેમાં પડીને પ્રાણિયો, પામે નહિ લેશ સુખ॥ સહુ મળી હવે સાંભળો, કહું સુંદર કથાસાર॥ જે સુણી આ જીવનો, નિશ્ચય હોય નિસ્તાર॥
તે તો પ્રત્યક્ષ પ્રભુને પામિયે, કાં તો તેના મળેલ જન મળે॥ જન્મમરણનું દુઃખ જીવને, તેહ વારે તર્ત ટળે॥ તેહ પ્રભુ જુગ જુગ માંહી, અખંડ રહે અવિનાશ॥ નિજ જ્ઞાન દઈ જીવનાં, કરવા કિલ્બિશ નાશ॥ દશ ચોવીશ આદિ અનંત, નિત્ય નિમિત્ત જે અવતાર॥ નરતન ધરી રહે નાથજી, કરે અનંત જીવ ઉદ્ધાર॥
મનુષ્યાકાર અપાર મોટા, વળી કળી ન શકે કોય॥ મહાસમર્થ થઈ મનુષ્ય જેવા, શ્રીહરિ વરતે સોય॥
અનંત બ્રહ્માંડ જેના રોમમાં, ઊડે છે અણુંને ઠામ કોણ લિયે તેના પારને, મન વાણી પામે છે વિરામ॥ સામર્થ્ય જોતાં સહુને સરે, પાર જોતાં સહુને પાર॥ મોટપણે મોટા અતિ, તેહ હરિ ધરે અવતાર॥
દુર્લભ તે સુલભ થઈ, થઈ અગમ સુગમ સ્વરૂપ॥ અગોચર તે ગોચર થઈ, કરે જીવને કૃપા અનુપ॥ વળી વિશેષે દયા કરી, વચનની બાંધે છે પાજ॥ મંદ વૈરાગ્યે ત્યાગે માનવી, તારવા તેહને કાજ॥ વચન માને જે મહારાજનું, નિશ્ચય કરી નર નાર॥ તે જાયે હરિના ધામમાં, પામે તે સુખ અપાર॥
સુખ સુખ સુખ અતિ, નહિ દુઃખનો લવલેશ॥ જે ધામમાં જાણજ્યો, નહિ કાળ માયાનો કલેશ॥
અખંડ આનંદ અતિ ઘણો, જે કહેતાં પણ કહેવાય નહિ॥ તે ભોગવે છે ભક્ત હરિના, વા’લાને વચને રહિ॥ વચન વડે સુખી સહુ, તેહનાં તે કહું એંધાણ॥ ભવ બ્રહ્મા વિષ્ણુ વળી, જે વડે આ સૃષ્ટ મંડાણ॥
અજ ઉપાવે વિષ્ણુ પાળે વળી, અને શિવ કરે તે સંહાર॥ તાન વચન પર તેહનું, નહિ બીજો ઉર વિચાર॥ સુર શશી સિંધુ શેષ જે, સુણી વચનને એક વાર॥ સદાય રહે મન ડરતા, નવ પાડે ફેર લગાર॥ કાળ કંપે જેની બીકથી, ઇન્દ્ર આદિ સર્વે અમર॥ લોપતાં લેશ વચનને, સહુ કંપે છે થરથર॥
મોટા એમ મનમાં ડરી, સદા વર્તે છે વચનમાંઈ॥ સમર્થ જાણી શ્રીહરિ, ફેર પડવા ન દિયે કાંઈ॥
મંદ ન જાણે એ મર્મને, લોપે છે વચન લબાડ॥ કૃતઘ્ની નર કુબુદ્ધિ, પાપી જે પાપનો પા’ડ॥ પ્રભુ વિમુખ જે પાપિયા, નવ માને નાથ વચન॥ તેહ જાય જમપુરીએ, કહું રીત સુણો સહુ જન॥
અલ્પ બુદ્ધિ તે પણ ઊંધી, સુધી વાત સમઝે નહિ॥ સદા હિતકારી શ્રીહરિ, અરિ તેને સમજ્યો સહિ॥ અતિ અકોણો લજ્જાવોણો, ઘરવગોણો ગણિયે॥ પરમ હેતુ પ્રભુ પરહરી, વરત્યો મતિ આપણિયે॥ જોને હરિ દયાળુ દલના, કર્યા અનેક એને ગુણ॥ તે જીવે એકે જાણ્યો નહિ, અતિ હોઈ હરામીલુણ॥
જોને ઘણું દુઃખ ગર્ભવાસમાં, ત્યાં કરી હરિએ એની સા’ય॥ પળ પળની પીડા હરી, તેનો પા’ડ ન માન્યો કાંય॥
ઉદરમાં દુઃખ અતિ ઘણું, કે’તાં તેનો ન આવે પાર॥ વેદનામાં વ્યાકુળ થઈ, કરતો પ્રભુને જે પોકાર॥ અતિ દીન દુઃખિયો હતો, પીડા પામ્યો ત્યાં બહુપેર॥ એહ દુઃખમાંથી કાઢિયો, હરિ કરી મોટી મે’ર॥
તે વેળા તુંને વીસરી, જ્યારે આવ્યો ઉદરથી બા’ર॥ સત્ય કહું સહુ સાંભળો, ઉદર દુઃખ અપાર॥ સર્વે સંકટ સાંભળ્યાં, જીવે ભોગવ્યાં છે જેહ॥ ઉદરના દુઃખ આગળે, વળી નથી ગણાતાં તેહ॥ દુઃખ દુઃખ દુઃખ જિયાં, નહિ સુખનો લવલેશ॥ માસ નવ સુધી જીવને, હેરાન ગતિ હમેશ॥
તે કહ્યું કપિલજીએ માતને, ગર્ભવાસનું દુઃખદ્વંદ્વ॥ તે સંભળાવું સહુને, એમ કહે નિષ્કુળાનંદ॥
કડવું ૨
જે રીતે આ જીવને, વીતે છે વસમી વાર॥ ગહન ગતિ ગર્ભવાસની, તે કહું કરી વિસ્તાર॥ મોટા મુનિએ મળી કર્યો, સર્વે નરકનો નિરધાર॥ તેથી અધિક દુઃખ ઉદરે, જેનો કહેતા તે નાવે પાર॥
જોગી જતિ તપસી ઋષિ, જે જે મોટા કહેવાય॥ એહ દુઃખને સાંભળી, સહુ કંપે છે મનમાંય॥ દેવ દાનવ મુનિ માનવી, સુખે બેઠા કરે છે વિલાસ॥ જન્મમરણ દુઃખ જ્યાં લગી, નથી સાંભરતો ગર્ભવાસ॥ ભૂપ અનુપમ રાજ્યને, વળી ભોગવે છે ભલી ભાત॥ તે પણ કંપે છે તનમાં, સુણી ગર્ભવાસની વાત॥
ભોંણ કોટડી ભાગશી, તેમાં રુંધી રાખે દિનરેણ॥ પણ ઉદર સમ એકે નહિ, સહુ સમજજ્યો પરવેણ॥
ઉદરમાં જે અતિ ઘણું દુઃખ, નવ માસ સુધી નહિ સુખ॥ ઊંધે શીશે લટકાવે લઈ, તિયાં દુઃખ તણો તે પાર નઈ॥ તપે જઠરા તાપ અપાર, બળે દેહ ને કરે પોકાર॥ દાઝે દેહ અતિ અકળાય, કોમળ તને તે કેમ સે’વાય॥
તેહ તાપે તરફડે પ્રાણી, જાણ્યું થાશે આ દેહની હાણી॥ નરકખાડથી નરસું ઠેકાણું, એથી બીજું શું હું ભૂંડું વખાણું॥ શુભ અશુભ આહારનો રસ, એહ મુખમાં આવે અવશ॥ પરુ પાચને રુધિર પીવું, મળ મૂત્ર મધ્યે તે રહેવું॥ ઊનું ટાઢું કોયેલું કસાયું, જે જે અન્ન જનનીએ ખાયું॥ તેને સ્પર્શે પીડાય છે તન, એહ દુઃખે દુઃખી રાતદન॥
ખારું ખાટું કડવું બળેલ, સડ્યું બગડ્યું અન્ન ઊતરેલ॥ એવું જમે જનની જે વાર, લાગે ગર્ભને અંગે અંગાર॥
મરચું મરી અજમો ને રાઈ, સૂંઠ સંચળ કરિયાતું કહેવાય॥ એવું એવું માતા જ્યારે જમે, તેનું દુઃખ બાળકને દમે॥ કાચું કોરું લૂખું દુઃખકારી, ખાય પેટ ભરીને મેતારી॥ ઊનું તાઢું પિયે પાણી જ્યારે, અતિ પિડાય છે બાળક ત્યારે॥
કોઈક ખાય છે લસણ ડુંગળી, ન ખાધાનું ખાય છે તે વળી॥ તેનો રસ પડે તન પર, તેણે સુખ નથી પલ ભર॥ રમે ભમે માતા લડથડે, ઘણું દુઃખ તે ગર્ભને નડે॥ અતિ અશુચિનું જે અગાર, જીવ પડિયો તેહ મોઝાર॥ મહા દુર્ગંધ મધ્યે ઘર રહેવા, ઘડી એક નહિ સુખ લેવા॥ ધાતુ સપ્તનો ભર્યો ભંડાર, રાત દિવસ કરે એ આહાર॥
જીવ જંતુ તિયાં વસે જોઈ, ડસે દેહને પિયે છે લોહી॥ મોટા જંતુ ફાડી રહ્યાં મુખ, રાત દિવસ દિયે બહુ દુઃખ॥
તેને દુઃખે નાસવાને જાય, નાસી ભાગી તે કિયાં જવાય॥ જેમ લટકે વડે વાગોળ્યું, એથી દુઃખ સહે અણતોળ્યું॥ વાયુ વડે બહુ ડોલે ડાળ, પામે દુઃખ વાગોળ્ય તેમ બાળ॥ ઊઠે બેસે ને ચાલે છે માતા, ત્યારે કેમ રહે સુખ શાતા
ચડે જેમ કોઈ નર ચગડોળ, રાત દિવસ રહે એમ રોળ॥ પેરે પેરે ન દીસે દિશ અતિ અંધકાર, બા’રે નિસરવા ન સૂઝે દ્વાર॥ રાત દિવસની ન પડે ગમ, સહ્યું ન જાય દુઃખ વિષમ॥
કઠણ કષ્ટ ને કાયા કોમળ, જુગ જેવડી વીતે છે પળ॥ ત્રાહિ ત્રાહિ ત્યાં કરે પોકાર, સ્વામી કરજ્યો મારી સાર॥ આ દુઃખથી જો અળગો થાઉં, તો હેતે ગુણ તમારા ગાઉં॥ સર્વે રીતે તમારે શરણ, રહું હરિ દુઃખના હરણ॥ શ્રવણે સુણું તમારી કથા, બીજું ન બોલું મુખથી વૃથા॥ નયણે નીરખું તમારું રૂપ, ત્વચાયે તમને ભેટું ભૂપ॥
કરે કરું તમારી જ સેવ, હૃદયે સ્મરું શ્રી હરિદેવ॥ રસનાએ રાખું તમારું નામ, શ્વાસ ઉચ્છવાસે સંભારું શ્યામ॥
ચરણે શરણે તમારે હું આવું, નખશિખ અંગ એમ વર્તાવું॥ કોલબોલ કરું હું કરાર, બહુનામી કાઢો મને બા’ર॥ એમ થયું ઉદરમાં જ્ઞાન, તે જ્ઞાનના દેનાર ભગવાન॥ તૈયે જીવે કરી અરદાસ, કહ્યું છોડાવો પ્રભુ ગર્ભવાસ॥
દયા કરોને દીનદયાળ, બદ્રીપતિ તમારો હું બાળ॥ એમ અરજ ઉદરમાં કરી, ત્યારે હુકમ કીધો છે હરિ॥ અતિ દયાળુ દીનપ્રતિપાળ, આરતવાનની લીધી સંભાળ॥ શ્રવણે જેને દયાનો વાસ, સુણ્યાં વચન જે કહ્યાં દાસ॥ જેની દષ્ટ અમૃતે ભરી, ન જોયા દોષને દયા કરી॥ પ્રસૂતિના વાયુને પ્રેરી, ટાળી પીડા ગર્ભવાસ કેરી॥
કર્યો હુકમ ને ખોલ્યું દ્વાર, આપી આજ્ઞા ઊઘડિયું બાર॥ જન્મસમે કરી હરિએ જતન, સુધુ સમું
અતિ કષ્ટમાં કરી એની સા’ય, જે કષ્ટ મુખથી કહ્યું ન જાય॥ જન્મ તણું છે દુઃખ વિકટ, જોર કઠોર છે યોનિસંકટ॥ કનક તણો જેમ તાણે તાર, તેથી વસમો લેવો અવતાર॥ જેમ પીલે ચીચુમાં શેરડી, તેથી કઠણ ઘણી એહ ઘડી॥
જેમ ભીડે સકંજે કપાસ, એથી તજવો કઠણ ગર્ભવાસ॥ અંગ ભીંસાણું ચંપાણું ભારે, જ્યારે કાઢ્યો ઉદરથી બા’રે॥ તાણી પરાણે કાઢિયો બા’ર, એવે દુઃખે થયો અવતાર॥ શ્વાસ ઉશ્વાસે ભરાણી છાતી, પામ્યો પીડા કહી નથી જાતી॥ અતિ અસોયો થયો અચેત , આવ્યો વીંટ્યો મળ મૂત્રે સમેત॥ ખરડ્યો નરકે સર્વ ખાટલો, તેમાં નાખ્યો જરાક જેટલો॥
પામ્યો શાંતિને થયું છે સુખ, વીસરી ગયું ગર્ભનું દુઃખ॥ આવ્યો બા’રે ને થયું અજ્ઞાન, ઉદરમાંહી જે હતું જ્ઞાન॥
ઉદરમાંહી જે હતી અસાધ્ય, આવ્યો બા’રેને વીસરી વ્યાધ॥ જેમ ભૂલ્યો ગોવિંદના ગુણ, તેમ સારી શીખ આપે કુણ॥ જિયાં એણે લીધો અવતાર, તે તો સ્વારથી સહુ નરનાર॥ પુત્ર આવ્યો જાણી પામ્યા આનંદ, હર્ષ વધાઈ કરે કુળવૃંદ॥
વાજે વધાઈ આનંદે ભરી, મોટી મે’ર કુળદેવે કરી॥ માતા કહે મુને પાળશે, પિતા કહે ચિંતા ટાળશે॥ ભાઈ કહે થઈ બીજી બાં’ય, કહે કુટુંબી કરશે સહાય॥ બેન કહે કરશે કંચવો, ફુઈ કરે મનોરથ નિત્ય નવો॥ આપ સ્વાર્થે બાંધી એમ આશ, જેમ રચ્યો પારધીએ પાશ॥ સહુ સહુને આશા જૂજવી, તન જતન કરે નિત્ય નવી॥
ખાનપાને કરી પોષે દેહ, થાય મોટો આપે સુખ એહ॥ એમ કરતાં થયાં વર્ષ પંચ, રમવા કારણ આપ્યો સંચ॥
અનેક વિધિ શીખવી અન્ય, ન શીખવ્યું હરિનું ભજન॥ જેણે કરી ભૂલે ભગવાન, એવું સમજાવ્યું સર્વે જ્ઞાન॥ કૂડ કપટ ને ઘણી ઘાતો, તેની કહી સમજાવી વાતો॥ છળ છેતર દગા દયાહીણ, એમાં કર્યો પૂરો પરવીણ॥
પેચ પાખંડ પરધન લેવું, અનેક રીતે શીખવ્યું એવું॥ ચોરી હિંસા કરવી હંમેશ, આપ્યો સહુએ એવો ઉપદેશ॥ તીર્થ વ્રત સાચા સાધુનો સંગ, તે સહુમાંથી કર્યો મનભંગ॥ દાન પુણ્ય કરિયે નહિ કે દી, મળે ધન તો લૈયે માથું છેદી॥ એવી શિખામણ સહુએ દીધી, મૂઢમતિએ માની તે લીધી॥ થયો મોટો દિયે બહું દોટું, ક્ષણક્ષણમાં હસે રુવે ખોટું॥
કૂદે ફાંદે ભરે મોટી ફાળ, બીવે બિવરાવે બીજા બાળ॥ ખાધા પીધાનો નિયમ ન મળે, વણ અર્થે વિચરે સઘળે॥
લાભ વિનાની કરે છે લવાની, થયો કુળમાં મોટો કવાની॥ વિના સ્વારથે વસાવે વેર, મારે ઝીણા જીવ નહિ મેર॥ આળ્યે આળ્યે કરે છે અનર્થ, એમ જાય છે જનમ વ્યર્થ॥ એમ કરતાં આવે યૌવન, ત્યારે પ્રિય લાગે પ્રમદા ને ધન॥
એ વિના બીજું વા’લું નહિ કાંઈ, રાત દિવસ રાચ્યો એહ માંઈ॥ એને અર્થે અનરથ કરે, ઊંધું અવળું કરતાં ન ડરે॥ મન રહે દામ વામે મોઈ, એમ બેસે આવરદાને ખોઈ॥ યમપુરીએ જાવાને કાજ, સજે એવા સરવે સમાજ॥ જેમ જેમ અધિકું થાય પાપ, તેમ તેમ રાજી રહે આપ॥ જોબનમાં જોર જુલમે, કરે તેમ જેમ મનને ગમે॥
નરતને ન કરવા જેવું, પાપી પાપ કરે નિત્ય એવું॥ પામી જોબન કરે છે જેહ, કહે નિષ્કુળાનંદ કહું તેહ॥
કડવું ૩
જોબનમાં જે જે કર્યુ, તેની કહું હવે વાત॥ દામ વામને કારણે, ઘણી ઘણી શીખ્યો ઘાત॥
પ્રીત બાંધી પતની સંગે, અને અંગે કરે અધર્મ॥ સાચા સંતની શીખ ન માને, અને કરે તે ખોટા કર્મ॥ કરે કર્મ અતિ ઘણાં ખોટાં, જેણે થાશે તે બંધન મોટાં॥ ચોરે ધન ને હરે છે નારી, થયો મદ્યમાંસનો આહારી॥
મારે જીવ આવે નહિ મે’ર, બાંધી અધર્મધ્વજા તે ઘર॥ બોલે ખોટું ને નાખે છે આળ, નિરબળ કંગાલનો કાળ॥ વાઢે વનને મૂકે છે આગ્ય, કીધો ધર્મ સુધર્મનો ત્યાગ॥ શીખ્યો છળબળ કળ ભૂંડી, અતિ અંતરે મમતા છે ઊંડી॥ સહુથી સરસ થવાનું છે સઈ, તેને અર્થે કરે પાપ કંઈ॥ રાત દિવસ ઘડે બહું ઘાટ, મનસુબો મોટું થાવા માટ॥
ઇચ્છે વસ્ત્ર આભૂષણ અંગે, રાચી રહ્યો તનસુખ રંગે॥ મરડે મૂછને પાઘ સંભાળે, લઈ દર્પણ મુખ નિહાળે॥
ચાલે જોબનમાં મદમાતો, દેખી ધન કુટુંબ ફુલાતો॥ જોઈ છબી છોગલાંની છાંય, તેને મગન રહે મનમાંય॥ બરોબર બેસતાં બનાવી, પે’રે લૂગડાં લજિત લાવી॥ પાઘે પેચ પોતિયે પાટલી, પાડે ભાવે કરી અતિ ભલી॥
બણીઠણી બેસે ચોરે ચોકે, જાણે લોક મને અવલોકે॥ ચાલે છકમાં દેખાડે છાતી, બીજી ભૂંડાઈ કહી નથી જાતી॥ જુવે પનઘટે જઈ પરનારી, અતિ હીણો હલકાઈ ભારી॥ નાખે નજર પરનારી પર, પાપીને નહિ પ્રભુનો ડર॥ સૂંઘે કાખ શીખ્યો સનકારા, થાય વિકળ દેખી પરદારા॥ કામી હરામીશું હેત રાખે, ભૂલ્યે નામ હરિનું ન ભાખે॥
મરડ ઠરડમાં રહે મલકાતો, ઘણું જોબન ને મદમાતો॥ રાત દિવસ રહે રડવડતો, દામ વામ અરથે આથડતો॥
જેમ હડકાયું શ્વાન દિયે દોટું, તેમ રઝળે કરવા કામ ખોટું॥ જેમ આથડે ઓખરિયું ઢોર, તેમ આથડે દૈવનો ચોર॥ ભાંડ ભવાઈ પાતર્યો જોવા, થાય તૈયાર ત્યાં ધન ખોવા॥ હોકા ભાંગ્ય ગાંજા ને અફીણ, થયો બંધાણી બુદ્ધિનો હીણ॥
હરિજન સાથે નહિ હેત, ચોરી અવેરીમાં ચોટ્યું ચિત્ત॥ ફાટી નજરે ફરતો ફરે, પગ પાપ મારગમાં ભરે॥ ચાલે ઠાઉકો થઈ ઠીકાઠીક, જેને નથી બગડ્યાની બીક॥ લોકમાંઈ કાંઈક ગણાણો, મૂરખ મનુષ્યમાંય મનાણો॥ લઈ લોક કુટુંબનો ભાર, કરે પાપ ન કરે વિચાર॥ અઘ મગનો થયો અધ્યારું, જાણે પાપની રીતિ હજારું॥
દંભ પાખંડમાં નર પૂરો, સર્વે કર્મ વિકર્મમાં શૂરો॥ કરે કર્મ ન જુવે તપાસી, શીખ્યો ઠગ ઠગાઈને હાંસી॥
નિત્ય પાપ કરે નર નવાં, રાચ્યો આપને સુખ પોષવા॥ એમ કરતાં તે મળી છે નારી, ત્યારે સર્વેને મેલ્યાં વિસારી॥ કેનાં માબાપ ભગિની ભાઈ, નહિ સુંદરી સમ સુખદાઈ॥ કેનો કાકો મામો માશી ફોઈ, થયા વેરી નારીમુખ જોઈ॥ કેનું કુળ કુટુંબ ગોત્ર ગામ, મળી નારી સૌ થયાં નકામ॥ રાત દિવસ રાચ્યો રામારંગે, ગયું જોબન જુવતિ સંગે॥
ધરે નિત્ય નારીનું તે ધ્યાન, જેમ કરકે સરાયે શ્વાન॥ નખશિખા ચિંતવે છે નારી, પામ્યો ભામાઉપાસના ભારી॥
એશું હળી મળી રહ્યો હેવાન, લાગ્યું તરુણી સંઘાથે તાન॥ અરસપરસ રહે એકમેક, ગયો ઉરથી ઊઠી વિવેક॥ નરનારી કરે એમ ક્રિળા, જેમ કર્કે કાગ થાય ભેળા॥ કરે મોજ મલકાય વળી, જેમ વિષ્ટા ગીંગાને તે મળી॥
રાતદિવસ રામારંગે રાચ્યો, જેમ માદણે મહિષો માચ્યો॥ કરે અંગના કાજે કુકર્મ, લોપી વેદવિધિના તે ધર્મ॥ જાણે કેમ રાજી રહે રમણી, રાખે સૌથી તે બરદાશ બમણી॥ હાજીહાજી કરે જોડી હાથ, વર્તે વનિતા આગે અનાથ॥ રાજી દેખે રમણીનું મુખ, ત્યારે વરતે શાંતિ ને સુખ॥ એને અર્થે કરે કંઈ કર્મ, તેમાં ન જુવે ધર્મ અધર્મ॥
આપ સ્વારથ સરે લગાર, તેમાં પરને પીડે અપાર॥ કરે પાપ ન જુવે વિચારી, એમ ગયો તે જોબન હારી॥
એમ કરતાં અર્ભકાં આવ્યાં બાંધી બાળ સંગે નર પ્રીતિ, એહ કારણે કરે અનીતિ॥ લાગે પ્રાણ થકી અતિ પ્યારાં, નર ન મેલે નિમિષ ન્યારાં॥ બોલે તોતળું તેહની સાથે, તેડે ભીડે ને ચઢાવે માથે॥
એમ કરતાં સુખી દુઃખી થાયે, ત્યારે ભૂવાને પૂછવા જાયે॥ ભૂવો કહે વળગી છે ભૂતડી, આપું આખ્યા તું રાખ્ય આખડી॥ ખાજ્યે ખપ્પરમાં ઊભો અન્ન, તો નથી તારા સુતને વિઘન॥ માની મૂરખે સાબિત કીધું, મેલી થાળીને ઠીકરું લીધું॥ વણ ગુને ગુનેગાર થયો, ખાવા ટાણે પણ ઊભો રહ્યો॥ એવો બહુ થાય છે બેહાલ, તોય મનમાં માને નિહાલ॥
ઝાઝી જતને જાળવે બાળ, પળે પળે કરે પ્રતિપાળ॥ ન મેલે નજર થકી ન્યારાં, લાગે પ્રાણ થકી અતિ પ્યારાં॥
અર્ધ ઘડી જો અળગાં જાય, કરે કલ્પના બહુ મનમાંય॥ નાનાં બાળને બહુ વિઘન, તેની કરવી જોઈએ જતન॥ એમ નર નારી કરે વાત, થયો મોટો માંડ્યો ઉતપાત॥ ફોડે ગોળા ને ભાંગે છે ઘડા, સામો રહી મારે છાતીમાં દડા॥
કરે નિત્ય નવી અતિ આળ્યો, વળી ઘણી ઘણી દિયે ગાળ્યો॥ તે તો સરવે સાંખીને રહે, પણ એનો અભાવ ન લહે॥ તાણે મૂછને પાડે પાઘડી, તોય માને મને ધન્ય ઘડી॥ કરે સનો જે જે સુણે દેખે, મળ્યા અમળ્યાનું નવ પેખે॥ એમ સારો દી કરે સંતાપ, તોય રાખે હેત માઈ બાપ॥ એવાં થયાં પાંચ છો છોકરાં, વીત્યા જનમનાં વેરી તે ખરાં॥
પાળી પોષીને તે પરણાવે, એમ કરતાં બૂઢાપણ આવે॥ બૂઢાપણમાં બગડી વાત, થયાં નેણ વેણ ક્ષીણ ગાત॥
ખસી ડગળી જાણે મારું કહ્યું માને સહુ, એવો દલમાં ડોડ છે બહુ॥ ન માને ઘર પરના રતિ, તોય હરિ ન ભજે કુમતિ॥ જાણે આપું શિખામણ સાર, ચાલે એના ઘરનો વ્યવહાર॥
સર્વે અંગ તો શિથિલ થયાં, કરવા જેવાં તો કોઈ ન રહ્યાં॥ ત્યારે વાધી લવરી લોલતા, લવલવ કરે છે બોલતાં॥ આ જો અલોધ સરખું છૈયું, તે તો મારું માને નહિ કૈયું॥ દૈયે નહિ ભિક્ષુકને દાણો, એ તો સર્વે ધૂતારા છે જાણો॥ કો’ને ધર્મ કીધે તે શું હોઈ, સુખ દુઃખ આવ્યું કોણ જોઈ॥ જાણો જૂઠું છે પુણ્ય ને પાપ, સર્વે જાણો વાણીનો વિલાપ॥
આ જો ગાયનો ગોધો સમારો, તો થાય બળદિયો સારો॥ દુઃખ દિયે ઉંદરડા દાડી, કહીએ કેટલું પાળો બિલાડી॥
ખાટ ગોદડે ચાંચડ ખાય, મારો માંકડ તો સુખ થાય॥ જુવા બગાં ને જૂ જે કે’વાય, તેને મારતાં પાપ ન થાય॥ જન્મ ધરી કર્યું પોતે જેહ, પાપી આપે શિખામણ એહ॥ નિત્ય શીખવે પાપની વાત, આપે કરે કરાવે છે ઘાત॥
પણ ન જોયું મને વિચારી, અંતે શી ગતિ થાશે જો મારી॥ એમ ખોઈ ખૂની અવતાર, જાવા તૈયાર થયો જમદ્વાર॥ જે જે ભેળું લીધું એણે ભાતું, તે તે મુખે કહ્યું નથી જાતું॥ એવા પાપી સુખ ક્યાંથી લહે, સત્ય નિષ્કુળાનંદ એમ કહે॥
કડવું ૪
પ્રભુ વિમુખ જે પાપિયો, પામે પરલોકમાં દુઃખ॥ કૃતઘ્ની જે કુબુદ્ધિ, તેને ક્યાંયે ન હોય સુખ॥ પરલોકે પીડા પામશે, આ લોકે દુઃખ અપાર॥ સુખ શાંતિ ક્યાંથી લહે, એવા પાપનાં કરનાર॥
બાળ જોબન વૃદ્ધમાંયે, કર્યા કર્મ અપાર॥ માન ઘટ્યું મમતા વધી, પછી સૌએ કર્યો તિરસ્કાર॥ હેતુ જેને જાણતો, રાખતો અતિ ઘણું હેત॥ તે જ લાગ્યાં તિરસ્કારવા, કહે પરો રહે પાપી પ્રેત॥ બાળ ત્રિયા અમે અમારું ઉકેલશું બેસી રે’ને દુર્મતિ ડોસાજી॥
લવલવ કરતાં લાજ ન આવે, કહી કહીને શું કહિયેજી॥ બોલતાં બંધ ન બેસે તારે, જીહ્વા ઝાલીને રહિયેજી॥
ઊનું ટાઢું હાજર હશે, એવું અન્ન આણી દેશુંજી॥ ટંક ટાણાની ટેવ નહિ રહે, જ્યારે નવરા થાશુંજી॥ તું જેવા નકામા નથી, અમારે છે કામજી॥ ન થાવાનાં નખરાં મૂકી, બેસી રહે એક ઠામજી॥
ન બોલ્યાનું બોલે છે બૂઢા, જિહ્વા મૂકી છૂટીજી॥ બા’રની બુંદાણી આંખ્યો, હૈયાની પણ ફૂટીજી॥ સમજ્યા વિના શાને માટે, લવરી કરે છે લાંબીજી॥ મેલ્ય મનસુબો મહાસુખ લેવા, કરી કમાણી આંબીજી॥ તારા કર્તવ્ય નડિયા તુંને, દે મા કેને દોષજી॥ ભાવે કરીને ભોગવ્ય હવે, મેલી મન અફસોષજી॥
ખાધા ટાણે ખાંચ્યો કાઢી, ખારું મોળું કહેતોજી॥ એ તો દિન વીતી ગયા આગે, પળમાં રિસાઇ રહેતોજી॥
એવાં વચન શ્રવણે સુણતાં, ચિત્તમાં લાગ્યો ચટકોજી॥ લઈ કર લાઠી ચૌટે ચાલ્યો, બાંધી ફાટો પટકોજી॥ પો’ર બે પો’ર ત્યાં બેસી રહ્યો, પણ કેણે ન પૂછી પેરજી॥ લાગી ભૂખ ને પ્યાસે પીડ્યો, અણતેડ્યો આવ્યો ઘેરજી॥
ઓશિયાળો આંગણિયે ઊભો, ટાંપાટૈયા કરવાજી॥ કાલાવાલા ક્રોડ કરે પણ, ઘરમાં ન દિયે ગરવાજી॥ ઓશરિયે ઊભો અન્ન વિના, કંપે થરથર કાયાજી॥ છોરું સહુ છણકાવા લાગ્યાં, ન જુવે સામું જાયાજી॥ પછી કહે ઘડી બે પછી, આપો એને અન્નજી॥ આજ પછી એ આવું વળી, ન કરે કોઈ દનજી॥
આદર વિના આપ્યું ખાવા, અન્ન અતિ ઊતરેલજી॥ માંખી મચ્છર માંહે પડ્યાં’તાં, હતું વણ ઢાંકેલજી॥
શ્વાનની પેઠે સ્વાદ જ મૂકી, ખાધું દીધું જેવું અન્નજી॥ હુવા હાલ હવાલ જ એવા, તોય ન વિચાર્યું મનજી॥ કાંય ન ચાલે સુખડાં સાલે, મોર્યનાં મન માંઈજી॥ ખટ રસ ભોજન ખાવા ભાવે, કહ્યું ન જાયે કાંઈજી॥
નયણે ન સૂઝે થરથર ધ્રૂજે, અંગની શોભા સૂકીજી॥ દંત ગયા તન ત્વચા લટકી, કેશે કાળપ્ય મૂકીજી॥ ચલણ ચૂક્યું માન ન મૂક્યું, થઈ જરજરી કાયાજી॥ હરિ ન ભજ્યો મોહ ન તજ્યો, મનમાં ઇચ્છ્યો માયાજી॥
અંતર બળે ભોગ ન મળે, મને કલપના થાયજી॥ ઇચ્છ્યું ન આવે મુખે ન ભાવે, ખાટ્યે સૂતો ખાયજી॥ મળ મૂત્ર માંય તે લોટે, ભૂંડી ગંધ્ય ઊઠે જ્યાં ભારીજી॥ તેને અભાવે અળગાં રહી, અન્ન આપે નર નારીજી॥ પાસું ન ફરે પ્યાસે મરે, કોઈ ન લિયે સારજી॥ લોક સગામાં લજ્જા ખોવા, પાપી કરે પોકારજી॥
જોજ્યો રે મારી આ સમામાં, કોઈ ન કરે સેવાજી॥ તરસ્યો ભૂખ્યો હું તલપું છું, નાવે ખબર લેવાજી॥
સહુ મળી સમજાવી કહોને, કરે ચાકરી મારીજી॥ નહિ તો મરીશ કૂવે પડીને, જાશે લાજ તમારીજી॥ એમ કરીને ઉચ્ચે સાદે, બોલ્યો બરકી બહુજી॥ નર નારી જે નાનાં મોટાં, આવ્યાં સુણી સહુજી॥
ઘરના કહે અકારા કરવા, પોકારે છે પાપીજી॥ સંબંધી સૌ સામટા મળી, કહે છે ઠપકો આપીજી॥ મળ્યાં પાપ અમારાં મોટાં, જે તારો અંત ન આવેજી॥ શું ભાખ્યું છે ભૂંડા તારું, કાંરે કુળ લજાવેજી॥ શું કહીને સમજાવિયે તુંને, બોલે છે કાળો કે’રજી॥ દાટ્યો રહેને દુર્મતિ ડોસા, લાગે છે કડવો ઝેરજી॥
લાજ્યું ઘર લાખેણું અમારું, કર્યા હાંસુ ને હેરાણજી॥ ખપવાળા ખપ્યા છે સર્વે, તારા ન ગયા પ્રાણજી॥
જેનો ખપ ઇયાં પણ નથી, તેનો ત્યાં પણ નથીજી॥ માગ્યાં મોત મહાપાપીને, કહોને આવે ક્યાંથીજી॥ સહુ જાણે જે સેવા તારી, નહિ કરતાં હોય કોઈજી॥ એમ અમને અકારા કીધા, વંઠેલ તેં વગોઈજી॥
મરજ્યે મરજ્યે મરજ્યે મૂરખ, એવી આશિષ દીધીજી॥ શા સુખ સારુ જીવે છે પાપી, લાજ અમારી લીધીજી॥ એમ કહીને ઊભા આગે, પ્યાસ ભૂખનું ન પૂછેજી॥ એવું કહ્યું ન જાય સહ્યું, કહ્યું સુખદુઃખનું તારે શું છેજી॥ એમ કહીને સંબંધી સર્વે, ઊઠી ચાલ્યાં અળગાંજી॥ સર્વે દુઃખ સજીને આવ્યાં, વળતાં તેને વળગ્યાંજી॥
આધિ વ્યાધિ છે અંગ કેડ્યે, કહી ન જાય કેણેજી॥ બાળ જોબન વૃદ્ધપણામાં, સહુ કોઈ પીડાય તેણેજી॥
નખ વેઢો ને નયુ પાક્યું, ઝામરો ને ઝામરીજી॥ સાતપડો ને સોજા ચઢિયા, તેની પીડા ખરીજી॥ રાફો રીંગણી રતવા, પત્યે પગ ખવાણાજી॥ કીડિયારાં પડિયાં ઘારા, ઝાઝું રૂવે ઝલાણાજી॥
કાળો કોઢ કળતરે બળતર, તેણે તન તવાયજી॥ જાનવે બે ગોઠણ ઝાલ્યા, શલ્ય ન સહેવાયજી॥ સાથળમૂળે વેળ્ય વસમી, ફોડાની ફજેતીજી॥ સારણ્ય ને સંઘરણી વાયુ, ભગંદર ભૂંડો અતિજી॥ તણખિયો-પ્રમેહ પાણવી, મૂત્રકચ્છ બંધાણીજી॥ અર્શરોગ ને હાથધોણે, પામે પીડા પ્રાણીજી॥
બદ બરોલ્ય બાંબલાઈ, પીડ્યે પેટે પાંસા શૂળજી॥ મુઝારો ને મૂર્છી માનો, મોટાં દુઃખનાં મૂળજી॥
નળ મળ પડી પેચુટી, ચાલી પેટે ચૂંકજી॥ આંતર ગાંઠ્ય ને ચડિયો ગોળો, ગળે ન ઊતરે થૂંકજી॥ ગડ ગુંબડ ને ગળે ગાંઠ્યો, ભરનિંગળ ભારીજી॥ હેડકી ને હીક હૈયામાં, મૂક્યો અરધો મારીજી॥
ઉધરસ ને ઊબકો આવે, ખાલી આવે ખાંસીજી॥ મુખ પાક્યું ને જીભ ઝલાણી, ન થયો તોય ઉદાસીજી॥ અંતરગળ ને અંડની વૃદ્ધિ, ઓકારી બહુ આવેજી॥ ક્ષયરોગ ને ખીલી-ખટકે, કોશ-રસોળી કા’વેજી॥ હલદરવો ને હૈયા-હોડી, મસ ખીલ મુટાણોજી॥ કંઠમાળ ને કરણક કાને, જોર કફ જડાણોજી॥
ધાતુ જાયે ધનુર ધાયે, થાયે સનેપાતજી॥ ઉદર ક્ષુદ્ર રોગ અતિશે, નથી કે’વાતી વાતજી॥
નાકે નાકસુર અતિ, આંખ્યે રોગ અપારજી॥ મસ્તક રોગ કહું કપાળી, કે’તાં ના’વે પારજી॥ કુંભ કમળો કમળી કહિયે, કાળજ્ય માંયથી કાપેજી॥ ઔદરી ને ઊર્ધ્વ-વાયુ, આફરો દુઃખ આપેજી॥
ઘેન ઘણું ને ઘાંટો ઝાલ્યો, ચાલ્યો શ્વાસ એકદંડજી॥ છાતીબંધ છપે નહિ છાનું, પીડા તેની પંડજી॥ દમ ભ્રમવા વિસફટક, ઉદર દરદ ઉપદંશજી॥ મેદ ને પરમેદ પેખો, કરે કાયાનો ભ્રંશજી॥ રક્ત-પિત્તને રજો આદિ, તાવ તાવલી આવેજી॥ તાવ તરિયો એકાંતરિયો, તાઢો ઊનો કાવેજી॥
પડીપડીને પાસાં સડિયાં, પડિયાં ભાઠાં ભારેજી॥ તૃષ્ણા મદનો રોગ ન મટ્યો, પીયો થયો ત્યારેજી॥
ગંડુશ ને ગાલ-પચોળાં, કાને પડી ધાકજી॥ મંદાગ્નિ અજીરણ માનો, આષ્ટીલ અપાકજી॥ વાળા દુઃખના માળા કહિયે, ચઢ્યો કૃમિનો ગોટોજી॥ આમવાયુ ગ્લાનિ ગણિયે, મરડો રોગ મોટોજી॥
એવાં એવાં દુઃખ અનંત, પડિયાં કાયા કેડેજી॥ બાળ જોબન વૃદ્ધપણામાં, પૂરણ પાપે પીડેજી॥ કાયા કંપે અતિ અજંપે, આંખ્યો પડિયો ઊંડીજી॥ નાક નમ્યું કટિ કોટ નમી, થઇ છે ગતિ ભૂંડીજી॥ ઝામર વાયે ઝાંઝાં મુઝાં, આંખ્યો આવી ઊઠીજી॥ ફૂલડિયા ને ક્રુવા પડિયા, બેઉ આંખ્યો ફૂટીજી॥
ઉપરસસે શ્વાસ ન બેસે, હૈયે હાલકલોલજી॥ એ આદિ દૈ અનંત વ્યાધિ, આવી છે અતોલજી॥
એમ આધિ વ્યાધિ આવ્યાં, પેરેપેરે પીડેજી॥ કહી ન શકે રહી ન શકે, કરકું ખાધું કીડેજી॥ શ્વાસ ન માયે સુખ ન થાયે, કંઠે ચઢિયું જાળુંજી॥ અન્ન ને પાણી તજ્યું ત્યારે, ભૂખે ઊઠે ઝાળુંજી॥
એ આદિ અનંત વ્યાધિમાં, પાપી બહુ પીડાયજી॥ કહે નિષ્કુળાનંદ નિશ્ચય, જમ વિન જીવ ન જાયજી॥ સુખ સર્વે સ્વપ્ના સમ થયાં, દુઃખ દરિયા ઉલટ્યાજી॥ પાપી પર હવે શું થાશે, જે શ્રીહરિ ન રટ્યાજી॥
કડવું ૫
શું થાશે હવે સાંભળો, જે આવ્યાં દુઃખ અનેક॥ અતિ વેદના વીંછી તણી, રોમ રોમ માંય વિશેક॥
ત્યારે જાણ થયું જમરાજને, કિંકર મેલ્યા કોટ॥ એહ પાપીને પીડતાં, લઈ આવજ્યો ચડી ચોટ॥ આપી આગન્યા થયું નગારું, હુવો હુકમ ઊઠ્યા હજારું॥ સંગ લઈ નેજા ને નિશાણ, જમરૂપે દીસે છે જોરાણ॥
અતિ કાળા ને બોલે છે ક્રૂર, નયણાં દીસે ઉગમતો સૂર॥ ક્રોધે ભર્યા અતિ વિકરાળ, તે તો સજ્જ થયા તતકાળ॥ ધર્યાં રૂપ ભયાનક ભૂંડા, અતિ લોચન દીસે છે ઊંડા॥ દીસે નાસિકા ગુફા સમાન, કીધા કપાટ જેવડા કાન॥ ફાડ્યાં મુખ ફાટ્યો જાણ્યું આભ, તેમાં રાક્ષસિયો બે બે વાંભ॥ અતિ દાંત દેખાડે છે બા’ર, જોતા જીભા ન પામિયે પાર॥
તીખા ત્રાક સરીખા છે રોમ,પિંડ પહોંચ્યાં પૃથ્વી ને વ્યોમ॥ પિંડ એવાં ને અવળાં મુખ, જેને જોતામાં જાય છે સુખ॥
ખરમુખા ને લાંબા છે કાન, અતિ દીસે છે વરવે વાન કેનાં શ્વાનના જેવા છે મુખ, ધર્યા તન દેવા અતિ દુઃખ॥ કેના પગ ફણા બે છે પૂંઠ્યે, ગર્જે મેઘ સમ ઘોર ઊઠે॥ કેનાં સિંહના સરીખાં છે મુખ, વ્યાઘ્રમુખા દિયે અતિ દુઃખ॥
ગજમુખા ઘોડામુખા ઘણા, નોળ નારમુખા બિયામણા॥ ઝરખ ઝૂડ મઘર મુખા કહિયે, ભૂખ્યા લોહી ને માંસના લહિયે॥ પાડામુખા વિઝુમુખા વળી, અજગરમુખા લિયે છે ગળી॥ ગર્જ્ય ગીધમુખા કૈ ગણાય, કવા ઘુડ મુખા છે ઘણાય॥ શિયાળ વ્યાળમુખા ભૂખ્યા ભમે, તે તો પાપી પ્રાણી દેખી દમે॥ મેશ શાહી થકી પણ કાળા, શૂળ સરખા છે અંગે મવાળા॥
રાતા દાંત રુધિરના ભર્યા, બહુ લાંબા તે બા’ર નીસર્યા॥ કેશ અવળા ને દીસે છે કાળા, ફેરે લોચન નીસરે જ્વાળા॥
કૈક શીશ વિના ધડ ધ્રોડે, કૈક નિજદંતે તન તોડે॥ કેના મુખ સુવરના જેવાં, કર્યા રૂપ ભયાનક એવાં॥ કોય ગોંદમાં મુખ દેખાડે, ધર્યાં તન એકવીશ તાડે॥ કર આંગળી લાંબા છે નોર, દીસે વજ્રથકી તે કઠોર॥
તેણે ટાળે છે પાપીનું ઠામ, નથી પડતું આયુધનું કામ॥ ઢીકા ધોલ ને ગડદા ઘણા, મેલે માથામાં ન રહે મણા॥ હાથે લીધાં છે બહુ હથિયાર, થયા કિંકર સહુ તૈયાર॥ લઈ ગદા ગૃજ્ય ખેલ સાથે, મુદગર મોગરિયો છે હાથે॥ પરશુ ત્રિશૂળને તરવાર, ધર્યા ધોકા છરા ને કટાર॥ ચક્ર ચિપિયા ચાપ ને બાણ, કાળપાશ ને કુંતડા પાણ॥
સુયા સાંણસિયો સૂડી સૂળી, એથી પીડા થાયે અણતુળી॥ મોટા ભાલા હાથમાં મૂસળ, પેખી પાપી ન માને કુશળ॥
આરા પનારા હાથે હથોડા, મારે માથામાં લોઢાના જોડા॥ એવાં આયુધ અતિ અપાર, તેનો કે’તાં તે ન આવે પાર॥ ચડ્યા ઊંટ ખરે તે અપાર, થયા ઝરખ પાડે અસવાર॥ રીંછ ભીંછ ભૂંડણાં ને રોઝ, થઈ ત્યાર ચાલી જમફોજ॥ કૈક ચડ્યા ને કૈક પાળા, કૈક બોડિયા કૈક શિંગાળા॥ કૈક પ્રૌઢ પરવત જેવા, આવે પાપીને તેડવા એવા॥
કૈક રૂઠા રિસાળા છે અંગે, કટ્ટા કાંણિયા ચાલ્યા છે સંગે॥ કાળિયો ને કૈ’યે દકાળિયો, અકાળિયો અચિરકાળિયો॥
લટપટિયો ને ઝટપટિયો, અટપટિયો ને કુટપટિયો॥ બળબળતો ને કળકળતો, વળવળતો ને ગળગળતો॥ હડહડતો ને ફડફડતો, કડકડતો ને ભડભડતો॥ એવાં જાણજ્યો જમનાં નામ, જેને મળે તેનું ટાળે ઠામ॥
મરડિયો ને કૈ’યે ઠરડિયો, ઘસરડિયો ને કરડિયો॥ કાણિયો ને કૈ’યે જોબાણિયો, તાણિયો ને વળી હેરાણિયો॥ જટો જમ ને કટો જો કહિયે, ઝટો ને વળી ઝપટો લહિયે॥ ત્રાડિયો ફાડિયો તીખા ઘણા, રાડિયો હાડિયો બિયામણા॥ દંતિયો અંતિયો બે આકરા, હંતિયો દુર્મતિયો ખરા॥ ત્રાંશિયો ફાંશિયો તીખાઆગ, માંસિયો કાંસિયો કાળા નાગ॥
કહિયે કર્મિયો ને અધર્મિયો, વિકર્મિયો વળી કુકર્મિયો॥ ઝેરિયો વેરિયો નમે’રિયો, મહાકોપનો ભર્યો કેરિયો॥
એક અડબંગો હુડધંગો, કહિયે કુઢંગો ને શિરભંગો॥ રોળિયો ને ડોળિયો રિસાળા, ત્રિશુળિયો બોળિયો બે કાળા॥ એવાં નામ જાણો જમતણાં, લખું કેટલાં છે અતિ ઘણાં॥ જેવાં નામ રૂપ પણ એવાં, તેનાં પ્રાક્રમ પણ જાણો તેવાં॥
હોઠ લાંબા દાંત મુખબા’રા, પેટ જાણિયે પાટ પટારા॥ મોટા ગોળા જેવડા બે ગાલ, ખરડ્યા રુધિરે દીસે બેહાલ॥ ફાટ્યાં મુખ ને ફરશિયો હાથે, ઘણા ઘૂંચાણા મવાળા માથે॥ વાંકા કાંધ ને વસમા ઘણા, ભૂંડા ભયંકાર બિયામણા॥ એવા ચૌદ ક્રોડ જમ જેહ, થઈ ભેળા નિરદયી તેહ॥ ચાલ્યા કિંકર સરવે સજી, જેમ મેઘ આવે ઘોર ગરજી॥
ધાયા કિંકર કુટુંબ લઈ, જેમ ઊલટે સમુદ્ર સઈ॥ કરે હોહો કતોહલ ભારી, જેમ ગર્જે વારિધિએ વારિ॥
માર્ય માર્ય કરતાં તે આવ્યા, સંગે સેન સઘળું તે લાવ્યા॥ એમ આવી ઘેર્યો પાપી પ્રાણી, મારો મારો કહે મુખવાણી॥ દઈ દંડ ને કાઢજ્યો બા’ર, રખે કરતા વેળ્ય લગાર॥ રુંધી દ્વાર દિયો બહુ દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ॥
ત્યારે બેઠા આવી કાનદ્વારે, કીધું બંધ સુણવાનું ત્યારે॥ કહે છે કાનમાં સહુ પોકારી, સગા સંબંધી ને સુત નારી॥ નાખી નોધારાં અમને આજ, મૂવો કટાણે કર્યું અકાજ॥ એમ કહે છે સુત નારી આવી, સાંત્યું સંઘર્યું જાજ્યે બતાવી॥ પણ ક્યાંથી સુણે એહ સમે, યમદૂત દુઃખ દઈ દમે॥ વળી આંખ્યે બેઠા છે અપાર, ટાળી ઓળખાણ તેહવાર॥
ઝાલી જીહ્વા ન બોલાય વાણી, રોક્યો કંઠ ન ઊતરે પાણી॥ કીધાં બંધ દશે એમ દ્વાર, પછી દિયે છે દંડ અપાર॥
કેનેક દોય ને કેનેક ચાર, કેનેક અષ્ટ કેનેક હજાર॥ અતિ પાપી હોય પાપવંત, તેને આવે તેડવા અનંત॥ દિયે દંડ નાવે દિલ દયા, પામે દુઃખ ન જાય મુખ કહ્યાં॥ તોય ન કર્યો એમ વિચાર, જે મેં ખોયો એળ્યે અવતાર॥
મૂકી ન્યાય મેં કીધો અન્યાય, પીડ્યાં રાંકને વાંક વિનાય॥ સાચા સદગુરુ સંત ન સેવ્યા, સેવ્યા તે નીસર્યા મુજ જેવા॥ જેના પંચ વિષયે હર્યા પ્રાણ, ધન ત્રિયા તણા જે વેચાણ॥ ફાંશિયા ને ફોગટિયા ફેલી, ચાલે ધર્મ મર્યાદાને મેલી॥ તેને જાણ્યા મેં સદગુરુ સંત, તેનું લાગ્યું આ પાપ અત્યંત॥ ભૂલ્યો ભોળાયે એને ભરોંસે, હવે સુખ થાવા સઈ આશે॥
આજ કેણે કીધી નહિ સા’ય, તેની ખોટ્ય ન સમજ્યો કાંય॥ હવે શિયો કરે એ ઉપાય, પૂર આવ્યે ન પાળ બંધાય॥
ખોટા ગુરુનાં ખાસડાં ખાઈ, ચાલ્યો જીવ જમપુરી માંઈ॥ સાચી વાત છે શાસ્ત્ર પુરાણે, ખોટી નહિ થાય અંતને ટાણે॥ કહ્યું બાળ યુવા વૃદ્ધ આદે, પણ રહેશો મા એવે વાયદે॥ નથી મરણ તણો નિરધાર, બાળ જોબન મરે અપાર॥
સઉ પડ્યાં છે કાળને પાશ, ત્યારે વૃદ્ધનો શિયો વિશ્વાસ॥ આજ કાલ્યમાં જવું છે ઊઠી, ઇયાં રહ્યાની વાત છે જૂઠી॥ એક જન્મે ને એક મરે છે, એમ અહોનિશ કાળ કરે છે॥ નથી રહેતું કોઈ નિરધાર, ચાલ્યો જાય છે સહુ સંસાર॥ કોઈ ચેતી શકો તો ચેતવું, સુણી શ્રવણે સંકટ એવું॥ ચેતવું ચિત્તે ચાનક લાવી, હાંહાં કરતાં વાત નડે આવી॥
જમ આવીને ઝાલશે ગળે, ત્યારે કોણ કેનું તેહ પળે॥ જેને માથે છે જમની ફોજ, તેને શિયાં સુખ સઈ મોજ॥
મોટાનું વેર માથે છે મોટું, હરિ ન ભજે ન થાય ખોટું॥ મટે વેર તો પામિયે સુખ, ફરી આવે નહિ એહ દુઃખ॥ જેણે કરી જાય જમ સાથે, એવું ન કરીએ નિજ હાથે॥ જેણે કરી મટે જમફંદ, કરિયે એવું કે નિષ્કુળાનંદ॥
કડવું ૬
પછી પાપી જીવને, ઘેરી રહ્યા હતા ઘટમાંય॥ કાયામાંથી કાઢવા, કર્યો યમકિંકરે ઉપાય॥
સઉ કિંકર થઈ સાબદા, વીંટી વળ્યા તે વાર॥ ક્રોધ કરી કઠણ અતિ, દિયે મૂઢમતિને માર॥ જોઈ ભૂંડાઈ જીવની, નથી આવતી યમને મે’ર॥ રૂંધ્યો ભૂંડી રીતશું, પીડવા બહુ પે’ર॥
જન્મ ધરી જે જે કર્યાં, પાપી જીવે જે પાપ॥ તે તે સંભારી સરવે, કર્યો યમદૂતે સંતાપ॥ બાળ જોબનમાં જે જે કર્યાં’તાં, વૃદ્ધપણામાં વળીજી॥ કર્યાં કરાવ્યાં પાપ જે પોતે, તે આવ્યાં છે મળીજી॥ સારી ઉમરમાં સુખને અર્થે, કર્મ વિકર્મ જે કીધુંજી॥ સર્વે મળીને અઘ તે આવ્યું, અંત્યે દુઃખ જ દીધુંજી॥
કર્યાં કર્મ કાળાં કંઈ, કુળ કુટુંબને કાજેજી॥ ભવ આખાની ભૂંડાઈ લીધી, લોકડિયાંની લાજેજી॥
કઠણ વેળાએ કામ ન આવી, પડી પોતાને માથેજી॥ પાપમાં પાંતી કેણે ન લીધી, જે કર્યા’તાં નિજ હાથેજી॥ બેખબરને ખબર તેની, પડી નહિ લગારજી॥ ભૂંડે હાલે ભોંયે સુવાર્યો, તોયે ના’વ્યો વિચારજી॥
ત્યાર પછી જે પાસળ હતાં, જમનાં જૂથ અપારજી॥ સર્વે આવી અંગે વળગ્યાં, કે’તાં ન આવે પારજી॥ ઘેરી લીધો ઘાંઘો કીધો, દીધો બહુ મારજી॥ અચાનક આવી વીંટ્યો, ગાફલ નર ગમારજી॥ મારો મારો શું વિચારો, ખૂની આવ્યો હાથજી॥ દયા રખે આણો દલમાં, એમ બોલે જમ સાથજી॥
કઠણ વાણી બોલે તાણી, આણી વચન વાંકાંજી॥ કાનપડિયા થયા ઉજડિયા, ફૂટી પડિયા ફાંકાંજી॥
કોયક ક્રૂર બોલે મુખથી, જાણ્યું ગર્જ્યો મેઘજી॥ પડી અંગ જાયે ને થયું અંધારું, તાંણી કરમાં તેગજી॥ કૈક આંખ્ય દેખાડે એવી, જેવી પડતી વીજજી॥ કરડે દાંત ને થાય કડાકા, તીખા લાગે તેજજી॥
કાઢી જીભ દેખાડે ડરાવે, સામુ જોયું ન જાયજી॥ રોક્યાં દ્વાર દશે જમે જ્યારે, ભાગી કેમ જવાયજી॥ આકુળ વ્યાકુળ થઈ આકળો, દિયે અંગમાં દોટુંજી॥ જીયાં જુવે ત્યાં જમને દેખે, પામે મહાદુઃખ મોટુંજી॥ ઘણે વાઘે વાનર ઘેર્યો, કરે જેમ કિલકારજી॥ હાકા-બાકા ચડ્યો હિલોળે, કરે બહુ પોકારજી॥
દુઃખનો દરિયો સભર ભરિયો, પડિયો તેમાં પ્રાણીજી॥ પેટ ભરી જે પાપ કર્યા’તાં, જમદુઃખ જૂઠાં જાણીજી॥
તે તો સર્વે સાચું થયું, ગયું સુખ સમૂળુંજી॥ હાં હાં કરતાં જનમ હાર્યો, આવ્યું દુઃખ અણતોળ્યુંજી॥
જમને દૂતે ઝાલ્યો ગળે, તેણે ડચકાં ભરેજી॥ મે’ર ન આવે મારે ઘણું, કાઢો કાઢો કરેજી॥ રગ મારગ રોકી તે વારે, બંધ પવન લઈ કીધોજી॥ સૂક્ષ્મ રૂપ ધરી શોધીને, પળમાં પકડી લીધોજી॥
મારી મુદગર ગાઢા ગરજી, બાંધ્યો બેઉ હાથેજી॥ પાયે ઝંજિરા સાંકળ સારી, મારી લીધો સાથેજી॥ મૂષો જેમ માર્જારે ઝાલ્યો, મછલી ઝાલી બકેજી॥ તેતરને જેમ બાજે ઝાલ્યો, એમ ઝાલ્યો અચાનકેજી॥ મનોરથ રહ્યા મનમાં, અધુરા આદરિયાજી॥ જમને દૂતે લીધો જોરે, રહ્યા મનસૂબા ધરિયાજી॥
બહુ બફોયો અતિ અસોયો, કીધો ભૂંડે હાલેજી॥ કાયામાંથી કાઢ્યા સારુ, એવાં દુઃખ આલેજી॥
પૂઠ્ય દ્વારેથી કાઢ્યો પછી, અંગથી અળગો કીધોજી॥ જીવ કાયાને થયો જુવારો, મારી મો’રે લીધોજી॥ જેમ દડે પડે બહુ ડાંગુ, ચોંકે ચારે કોરજી॥ એમ મારતા મહાપાપીને, ચાલ્યા જમરા ઘોરજી॥
જમપુરીમાં જઈ પોં’ચાડ્યો, માનો મુહૂર્ત માંઈજી॥ પાપ પુણ્ય પૂછી પ્રાણીનાં, વળતા લાવ્યા આંઈજી॥ કર્મ વિકર્મ કર્યાં જે સારુ, તેનું જોવા હેતજી॥ દ્વાદશ દિન સુધી દેખવા, પાપી થયો પ્રેતજી॥ પ્રેતના દેહને પામી હરામી, દેખે છે દુર્મતિજી॥ કમાણી તો કામ ન આવી, થઈ છે ભૂંડી ગતિજી॥
ત્યાર પછી જે તન પડ્યું’તું, દીઠું ખાલી જોતાંજી॥ કુટુંબ મળી કુતોહલ કીધો, રહે નહિ છાનાં રોતાંજી॥
માત તાત ભાઈ ને ભગિની, રુવે સુત ને નારીજી॥ ઊઠે દાઝ્ય એને અંતરમાં, સ્વારથ આપ સંભારીજી॥ કુળ કુટુંબ કૂડું કૂડું, રુવે માને ન્યા’લજી॥ ઘર ખેતર શેઢા સીમે, મોટું મટ્યું સાલજી॥
ઘરની નારી ઘર સંભારી, રુવે આઠું જામજી॥ ગોલાની પેઠે આ ઘરનું, કોણ કરશે કામજી॥ સંસારનું સુખડું સર્વે, જોતાં કરી ગયો ઝેરજી॥ ઓઢ્યા પે’ર્યાનું ઊતરિયું, કરિયે કઈ પેરજી॥ લટ ત્રટ ત્રોડી કંકણ ફોડી, જોડી આજ વિખંડીજી॥ એવાતણ ઊતરિયું મારું, હું સુવાગણ્ય રંડીજી॥
ભૂ પર લોટે હૈયું કૂટે, છૂટે કેશે નારીજી॥ રહી ભૂખ અંતરમાં મોટી, ભોગ તણી તે ભારીજી॥
કાગારોળ કાને સુણી, આવી બીજી બાઈયુંજી॥ વિવાહથી વા’લેરું લાગે, પારકું ત્રધાયુંજી॥ ઘેરઘેરથી ઘેરે વળીને, મળી મંડળી બાંધીજી॥ ગાણા સરખું રોણું રુવે, સર્વે રાગ જ સાંધીજી॥
ચલતી ચાલ્ય ચોકારો લઈને, ત્રોડે સરખું તાનજી॥ લડાવી લટકાં શું કરે, રોયા માંઈ ગાનજી॥ એક નારી કહે છે એને, જમનાં તેડાં નો’યજી॥ બીજી કહે મ બોલ્ય બાઈ, હોયે હોયે હોયજી॥ કૂટી પીટી કાઢ્યો બા’રો, ઠોકી ઠાલે હાથેજી॥ પાપ પુણ્ય જે કીધાં પ્રાણી, તે તો ચાલ્યાં સાથેજી॥
લઈ કાષ્ઠ લગાડી દીધો, કાં તો ભૂમાં દાટ્યોજી॥ જોજ્યો રે જે પાસળ હો તે, સરવાળે શું ખાટ્યોજી॥
ગામ ગરાસ ઘર હવેલી, પડ્યાં રહ્યાં પછવાડેજી॥ માલ ખજીના ખાવા જાણ્યું, નો’તું કોઈ દા’ડેજી॥ બાળી ઝાળી ટાળી કાયા, સૌ કોઈ આવ્યાં ઘેરજી॥ ઉતારીને મેલ્યો મનથી, કોઈ ન પૂછે પેરજી॥
ઠાલો આવ્યો ને ભૂલો ગયો, વાયો ને વગૂતોજી॥ જોજ્યો રે કમાણી કીધી, જમને ગાડે જૂતોજી॥ બાર દિવસ એ બેઠાં જોયું, જે જે કીધું કેડેજી॥ લાળ મવાળે થૂંકે બળખે, મુખ ભરાણું સેડેજી॥ ઘર ચૌટા મસાણમાંહી, દિન દ્વાદશ રહ્યોજી॥ તર્ત તિયાંથી દન તેરમેં, જમની સાથે ગયોજી॥
ચડીચોટે લીધો દોટે, જમને દૂતે જોરેજી॥ ત્યારે પાડે રાડ્યો કાળી, બહુ દુઃખે બકોરેજી॥
કાયર રોદન કરે કુબુદ્ધિ, કોઈ ન સુણે કાનેજી॥ સગાં સંબંધી સૌનો ટળિયો, પડિયો જમને પાનેજી॥ કિંકર કરે પડિયો પાપી, કરે કોણ સહાયજી॥ નિષ્કુળાનંદ કે’ નાથ ભજ્યા વિના, નહિ અવર ઉપાયજી॥
ઉપાય નથી આ જીવને, પ્રભુ ભજ્યા વિના કોઈ પેર॥ જન્મ મર્ણનું જોખમ માથેથી, મટે નહિ જમવેર॥ ઘડિયે ઘડિયે ઘટે આવરદા, આયુષ્ય ઓછું થાય॥ એહ દુઃખને મટાડવા, કરવો સહુને ઉપાય॥ એવું દુઃખ જે તે આવવા, વળી નથી કાંયે વાર॥ નથી ઉધારો એહનો, તન મૂકતાં છે તૈયાર॥
મળ્યું સુખ જાશે મટી, આવશે ઊલટી દુઃખ॥ માટે ગાફલતા મેલીને, શ્રીહરિ સમરવા મુખ॥
જાવું જોઈશે જમપુરીએ, જીવ જાણી લેજ્યો જરૂર॥ નિમિષ નિમિષે નિકટ આવે, દેખી લે નથી એહ દૂર॥
કડવું ૭
આવું સાંભળી શ્રવણે, રખે ઉર વિચારતા એમ॥ જીવ વસ્તુતાએ જડે નહિ, તો દુઃખ ભોગવશે કેમ॥ વળી કોઈ કે’શો જીવ ઝીણો, વ્યોમથી અતિ વિશેષ॥ અછેદ્ય અભેદ્ય અખંડ એહ, બળે સડે સૂકે નહિ લેશ॥ વળી કોઈક એમ કહેશો, કહ્યો જીવ તે બ્રહ્મસ્વરૂપ॥ કર્મ માયા કલ્પિત છે, કહ્યો આતમા એક અનુપ॥
એમ જણ જણ પ્રત્યે જૂજવું, જો પરઠી કરશો પ્રમાણ॥ તેહ ઉપર કહું સાંભળો, તમે સર્વે જન સુજાણ॥
વિવિધ ભાતે વર્ણવી, કહુ જીવની સર્વે વાત॥ શાસ્ત્ર સહુએ સત્ય કહ્યો, જીવ જૂઠો નહિ કોઈ ભાત॥ જીવ જોતાં જો નવ જડે, તો સાધન સર્વે વ્યર્થ છે॥ વંધ્યાસુતને વખાણે વગોવે, એમાં શિયો કહો અર્થ છે?॥
શૂન્યસુમનની સ્રજ સારુ, અતિ આગ્રહ કોણ કરે॥ શશશૃંગની શિબિકાયે, બેઠે ન બેઠે શું સરે?॥ જપ તપ તીરથ જોગ જજ્ઞ, દાન પુણ્ય વ્રતવિધિ મળી॥ કેને અરથે કરવું, પામનારો ન મળે વળી॥ પુણ્ય પાપ પર પોતાનાં, સમજ્યામાં શું સાર છે?॥ ન્યાયે અન્યાયે ન કરવું, એ પણ જૂઠો નિરધાર છે॥
એમ આગમ અસત્ય થયાં, વળી વક્તા ન સમજ્યા વાત॥ એ તો મત છે મૂરખનો, જીવ સાચો છે સાક્ષાત॥
વેદાંતી વણસમજ્યે કહે, બ્રહ્મ હતો તે જીવ થયો॥ એ પણ મોટો બાધ આવ્યો, તે પણ મર્મ નવ લહ્યો॥ અછેદ્ય અભેદ્ય અખંડ એહ, અક્ષર બ્રહ્મ કે’વાય છે॥ તેમાંથી આ જીવ ક્ષર્યો, એ કહેવાનો કાંઈ ન્યાય છે?॥
વળી ભળશે જીવ જ્યારે બ્રહ્મમાં, ત્યારે કોઈક દિન ક્ષરશે ખરો॥ ક્ષરણ સ્વભાવ બ્રહ્મમાં ખચીત, ત્યારે હર્ષ શોક શાને કરો॥ વળી ઉચ્ચ નીચમાં અવતર્યો, જ્યાં સુખ નહિ દુઃખ અતિ॥ ખર સૂકર શ્વાન સૃજવા, એવી કેમ આવી મતિ॥ સુખ તજીને દુઃખ લેવું, એવું અજ્ઞાની પણ ઇચ્છે નહિ॥ એ પણ વાત અસત્ય છે, જીવ સત્ય છે માનો સહિ॥
વળી પરસ્પર પંચભૂતને, નથી વૈરબુદ્ધિ વપુધારીને॥ આત્મા આત્મા એક છે, ત્યારે નાખે છે કેમ કેને મારીને॥
અરિ મિત્ર તો અસત્ય છે, જ્યારે આત્મા તો છે એક॥ એ તો વાણીનો વિલાસ છે, કહું હવે તેનો વિવેક॥ જેમ નર આકાશમાં, અતિ ઊંચો કરે પ્રવેશ॥ તેને આકાર અવનિ તણા, નજરે ન આવે લેશ॥
પણ અવનિ પર એ છે ખરા, નથી અસત્ય આકાર એક॥ નોખા નોખા નજરે, આવે છે એહ અનેક॥ તેમ નિરવિકલ્પ સમાધિમાં, નથી આવતાં નજરે જોય॥ પણ જીવ ઈશ્વર માયા વળી, એ સાચાં છે સહુ કોય॥ માયા ઈશ્વર સત્ય છે, જાણો સત્ય છે જીવ જેહ॥ અછેદ્ય અભેદ્ય અજનમા, નિત્ય નિરંશ કે’વાય તેહ॥
તેને ત્રણ શરીર ત્રણ અવસ્થા, અને ત્રણ ધરે અભિમાન॥ ત્રણ ગ્રંથિયે ગૂંથિયો, તેહ જાણો જીવ નિદાન॥
હરખ શોકને તે ભોગવે, વાસનાએ જુક્ત એ જીવ॥ જન્મમરણ સુખદુઃખમાં, રહે સંસૃતિ માંય સદૈવ॥ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર॥ એહ શરીર નવ તત્ત્વનું, જાણો જીવનું નિરધાર॥
સ્વપ્નમાં જે જાય આવે, મૂરતિ માન શરીર॥ સુખ-દુઃખને તે ભોગવે, મને માનજ્યો મહાધીર॥ જેમ વહનિ વ્યાપે લોહમાં, જુદા પણ જણાયે નહિ॥ તેમ જીવ અવસ્થા શરીરમાં, તદાત્મક રહ્યો થહિ॥ ઘણ એરણ્યને વચ્ચે આવી, લોહ જેમ ઘડાય છે॥ તેમ જીવ શરીર સંબંધે, માનો માર બહુ ખાય છે॥
અનેક તન આવ્યાં ગયાં, વળી જશે આવશે અનેક॥ દેહી નહિ દેહ વિના, એમ સમજી લેજ્યો વિવેક॥
જેમ ભોયંગ અંગથી ઊતરે, કાંચળિયો કહું કોટ॥ તોય અહિ તને આવે નહિ, જોને ખાલ્ય ઉતારતાં ખોટ॥ એમ જીવને જાણજ્યો, જો તજે તન અનંત॥ તોટો તોય આવે નહિ, મને માનજ્યો બુદ્ધિવંત॥
એવી રીતે આગમમાં, જોઈ કહ્યો જીવ અખંડ॥ તેને ઝાલી જાય છે, દિયે છે દુષ્કર દંડ॥ આ તન તજતે અંગુષ્ઠમાત્ર, થાય ત્રણ તત્ત્વનું તન॥ આકાશ વાયુ ને અગનિ, તેનું રૂપ બંધાય છે જન॥ પછી તેને પંડ દેતાં, વળી વીતે છે દશ દન॥ તેણે કરીને થાય છે, એક-મૂંઢા હાથનું તન॥
પછી દિન અગિયારમે, ષટ ઊર્મિ વ્યાપે શરીર॥ દ્વાદશ દિન સુધી રહીને, ચાલે તેરમે દિન અચીર॥
સગાં સંબંધી સર્વે મેલી, ચાલ્યો એકીલો આપ॥ સંગ ન ચાલી સંપત્તિ, ચાલ્યાં ભેળાં પુણ્ય ને પાપ॥ આદર્યું તે અધવચ રહ્યું, થયું વચમાં વિવા’નું બારમું॥ મનસૂબો મનમાં રહ્યો, થયું ચાલવાનું કારમું॥
હાથ ઠાલે ને ભૂંડે હાલે, જીવ ચાલ્યો જમપુર મારગે॥ અણતોળ્યાં દુઃખ આવિયાં, કહી કહી કહિયે ક્યાં લગે॥ મનુષ્યલોકથી છ્યાસી સહસ્ર, જોજન ત્રણસો ત્રણ॥ દક્ષિણ દેશમાં સંયમિની પુરી, વારિ વસુધા વચ્ચે ધરણ॥ તિયાં જાવાનું થયું જીવને, ભેળું ભલું ભૂંડું ભાતું લહિ॥ ખાવા લીધી સંગે ખરચી, જેમાં સુખનો લવલેશ નહિ॥
વાટ વસમી વિકટ વળી, જિયાં ઓળખાણ નહિ આપણી॥ પ્યાસ ભૂખનું કોણ પૂછે, દિયે માર બહુ સહુ ઘણી॥
એહ મારગમાં જે ગામ છે, તેનાં તે કહું હવે નામ॥ સોળ પુર છે દંડનાં, અને બીજાં તે અનેક ગામ॥ પ્રથમ યમપુર નામ છે, પુર સૌરી બીજું જાણ॥ વરિંદ્રપુર ત્રીજું કહિયે, ગાંધર્વ ચોથું વખાણ॥
શૈલાગમ પુર પાંચમું, ક્રૂર પુર જાણો એ ષષ્ઠ॥ ક્રૌંચ પુર એ સપ્તમું, વિચિત્ર પુર એ અષ્ટ॥ નવમું પુર બાહ્વાપદ, દશમું દુઃખદ જે નામ॥ નાનાક્રંદ દશ એક છે, સુતપ્ત દ્વાદશ ઠામ॥ રૌદ્રપુર એ તેરમું, પયોવર્ષણ દશ ને ચાર॥ શીતાઢ્યપુર એ પન્નરમું, બહુ બહુભીતિ ષોડશ વિચાર॥
એ સોળ પુર છે દંડનાં, એક એક થકી કઠોર॥ મંદભાગી એ મારગે ચાલ્યો, જેણે કીધાં કર્મ અતિ ઘોર॥
હવે જે જે દુઃખ ભોગવશે, સહેશે શરીરે માર॥ શ્રવણ દઈ સૌ સાંભળો, કહું કરી વિસ્તાર॥ પાછો ન ફર્યો પાપ કરતાં, કર્યાં અઘ અતિ અગણિત॥ તે જીવ ચાલ્યો જમપુરીએ, ભૂખ પ્યાસે ભૂંડી રીત॥
જમદૂતે જોરે ઝાલીને, નાખી કંઠમાં કાળપાશ॥ આયુધ ઉગામે મારવા, બહુ બહુ દેખાડે ત્રાસ॥ ઊંધે તે માથે તાણિયો, તેણે પ્રાણી કરે છે પોકાર॥ અઘવંતની એ સમે, કહો કરે કોણ વા’ર॥ કરતાં બહુ કુકર્મને, પાછું વાળી પેખ્યું નહિ॥ ભલું ભૂંડું પડશે ભોગવવું, એવું આંખ્યે તો દેખ્યું નહિ॥
અંધ ધંધે આયુષ્ય ખોઈ, કરી કમાણી જો પાપની॥ અભાગીને એ મારગે, સર્વે થઈ છે સંતાપની॥
જેહ અર્થે આ મનુષ્ય દેહ, તેહ કારજ કીધું નહિ॥ અવળાં આચરણ આચર્યો, તેહ ફળ લેતાં ફજેતી થહિ॥ અલ્પ સુખને આશરી, કરી ઘણી ઘણી ઘાત॥ એવો પાપી પ્રાણિયો, તે ચાલિયો જમ સંઘાત॥
પૂરણ દુઃખમાં જૈ પડ્યો, જેનો કે’તાં ન આવે પાર॥ નિષ્કુળાનંદ નિશ્ચય કહે, સત્ય માનજ્યો નરનાર॥
કડવું ૮
જંજીર બંધે બાંધિયો, મારીને લીધો મો’ર॥ ડગલે ડગલે દુઃખું ઘણું, નહિ લેવાં સુખ કોઈ ઠોર॥ બસેં ને સડતાળીશ જોજન, જમ ચલાવે છે નીત॥ જેવાં જેનાં કર્મ છે, તેવી તે દંડની રીત॥
મર્મસ્થળે મારે ઘણું, તેણે પાપી કરે પોકાર॥ પુણ્ય હીણા પ્રાણી તણી, એ સમે કરે કોણ સાર॥ શોધી સંધ્ય શરીરની, તિયાં માર દિયે મનગમતી॥ દંડ દેવાની રીતને, જાણે છે જમદૂત અતિ॥ તાળવે કપાળે કોણિયે, ગોઠણે માર દિયે ઘણી॥ છાતી નખ છેદે તેની, થાય પીડા અતિ તે તણી॥
નાશી ભાગી નવ શકે, પડિયો જમને હાથ॥ કષ્ટ સહેવાય કેટલું, અતિ પામે પીડા અનાથ॥
જેમ નર વાનરને, બળે ગળે બાંધે છે બંદ॥ તેમ જાયે ક્યાં જીવ પાપી, પડિયો જમને ફંદ॥ જેને દીઠે દુઃખ ઊપજે, વળી સ્પર્શે જાય પ્રાણ॥ વજ્ર જેવી વાણી વદે, એવા ભૂંડા જમરાણ॥
તેને સાથે ચાલિયો અનાથ રે, ઘણું ઘણું ઘસતો હાથ રે॥ કરે ઓરતો મનમાં બહુ રે, મારો મારો કરે જમ સહુ રે॥ પડે માથે મુદગર માર રે, કરે હાય હાય ત્યાં પોકાર રે॥ દઈ દઈ પાપનાં એંધાણ રે, દિયે દુઃખ ઘણું જમરાણ રે॥ જેહ સમે કર્યાં પાપ જેવાં રે, કહે એંધાણ સહિત એવાં રે॥ ત્યારે સાંભરે સર્વે વાત રે, એમ જાય જમને સંઘાત રે॥
ચાલતાં ચાલતાં પો’ર ચાર રે, પ્રાણી પામે છે પીડા અપાર રે॥ હારી થાકી થયો છે હેરાણ રે, અતિ પીડાને પામ્યો છે પ્રાણ રે॥
પડી રાત્ય આવ્યું તિયાં ગામ રે, જાણે જીવ કરીશ આરામ રે॥ ત્યાં તો આવે છે ગામનાં વાસી રે, ખાય માંસ રુધિરનાં પ્યાસી રે॥ હાથે કાતાં છરા ને કુઠાર રે, કાપી પાપીનો કરે આહાર રે॥ ખાઈ ખાઈ ધરાય જમ જ્યારે રે, બહુ વખાણ કરે છે ત્યારે રે॥
અમે ખાધું માંસ બહુ તણું રે, પણ સૌથી સ્વાદુ તારું ઘણું રે॥ ખારું ખાટું તીખું તમતમું રે, જમતો તું બહુ મનગમ્યું રે॥ ગળ્યું ચીકણું તળેલ તાવ્યું રે, વઘાર્યું ઘુંગાર્યું મનભાવ્યું રે॥ શુદ્ધાશુદ્ધ ખાધા ખટ રસ રે, તેણે કરી તારું માંસ સરસ રે॥ એમ કહી કાપી કાપી ખાય રે, તેને દુઃખે કરે હાય હાય રે॥ કરી પોકાર પડે અચેત રે, નથી ખમાતો માર મેં નિત્ય રે॥
ત્યારે કિંકર કહે સુણ્ય પ્રાણી રે, તેં આ વાટને કેમ ન જાણી રે॥ યાં તો કોઈ કોઈનું જ નથી રે, અમે કહિયે તુંને શું કથી રે॥
એમ કહીને આપે છે માર રે, તેને દુઃખે કરે છે પોકાર રે॥ પછી સાંભરે પાપ પોતાનાં રે, જે કાંઈ કર્યાં છે પ્રગટ છાનાં રે॥ કહે છે મનુષ્ય દેહને પામી રે, મારી શુભ મતિ સર્વે વામી રે॥ પાળ્યો નહિ મેં પવિત્ર ધર્મ રે, કર્યાં વિકળ થઈ વિકર્મ રે॥
મૂરખાઈ મૂકી સદાચાર રે, મેં તો કાંઈ ન કર્યો વિચાર રે॥ બા’ર ભીતર અપવિત્ર રહ્યો રે, સત્ય પુરુષનો ગુણ ન ગ્રહ્યો રે॥ અન્ન ધન જે આયુષ્ય મારું રે, ખોયું સત્ય માર્ગથી મેં બા’રું રે॥ ભજ્યા નહિ ભાવે ભગવંત રે, સેવ્યા નહિ સાચા સદ્ગુરુ સંત રે॥
આવી એવી મુજને કુબુદ્ધિ રે, ભૂલ્યો જન્મથી મરણ સુધી રે॥ આજ કોણ કરે મારી સા’ય રે, એમ કહી કરે હાય હાય રે॥ ત્યારે કિંકર કહે છે પ્રાણી રે, તેં આ વાતને નહોતી શું જાણી રે॥ જાવું જો’શે જમપુરી માંય રે, જિયાં નથી સગાં કોઈ સા’ય રે॥ નહિ મળે ત્યાં ઉછી-ઉધારું રે, નહિ કરે કોઈ દંડમાં વારુ રે॥ યાં તો કર્મ કર્યું જેણે જેવું રે, ભોગવવું પડે છે જો તેવું રે॥
જે જે ભેળું લાવ્યો તું ભાતું રે, તેનું વાંચી દેખાડિયે ખાતું રે॥ પોષ્યો અન્યાયે અસત્ય દેહ રે, કર્યો અસત્ય સગાંશું નેહ રે॥
તે તો રહ્યાં છે તિયાંનાં તિયાં રે, કોણ સગું થાય તારું ઇયાં રે॥ સત્ય પુરુષ ન સેવ્યા કદાપિ રે, માટે આ વાટે આવ્યો છું પાપી રે॥ કરતો પાપ ન ડરતો લગાર રે, ચાલ્યો મન ગમતે ગમાર રે॥ નો’તી બીક શંકા મનમાંય રે, કરતો પાપ આપ ઇચ્છાય રે॥
તેં તો જમપુરીને ન જાણી રે, તેમ સુણીને બીક ન આણી રે॥ જો તું અમથી બી’ત અભાગી રે, તો તું પાપબુદ્ધિ દેત ત્યાગી રે॥ માટે અમને ન ગણ્યા ગમાર રે, એમ કહી દિયે બહુ માર રે॥ દિયે માર અપાર તે સહે રે, વળી મુખે કિંકર એમ કહે રે॥ થયા ભૂખ્યા ને તરસ્યા ભારે રે, આપ્ય ખાવા ને પીવા આ વારે રે॥ તે તો જોઈશે અમારે જરૂર રે, લાગી ભૂખ ને જાવું છે દૂર રે॥
આપ્ય ખાવા નહિ તો તુંને ખાશું રે, ત્યારે મૂકશું સૌ જ્યારે ધરાશું રે॥ પછી કેડે દીધું હોય કાંય રે, ભાગ ત્રણ વહેંચે છે ત્યાંય રે॥
એક ભાગ જમદૂત લિયે રે, બીજો પ્રેતના ગણને દિયે રે॥ ત્રીજો ભાગ તે પોતે જમે રે, એમ દિન અઢાર નિગમે રે॥ દ્વાદશ મો’રના એહ અઢાર રે, મળી માસ થાય નિરધાર રે॥ રાત દિવસ ચાલે દડીદોટે રે, ચડ્યો જમના દૂતની ચોટે રે॥
ભૂખપ્યાસે પીડાણો છે અતિ રે, મહાદુઃખે મૂંઝાણી છે મતિ રે॥ થયો બફોયો ફોમ ન રહી રે, નિત્ય માર શકે કેમ સહી રે॥ ત્રાહી તોભા કરી ત્રિશ દન રે, અતિ કષ્ટે કર્યા ઉલ્લંઘન રે॥ તૈયે આવ્યું યમપુર જેહ રે, તિયાં પહોંચ્યો છે પ્રાણિયો એહ રે॥ તેમાં પ્રેત વસે છે જો ઘણા રે, બહુ ભયંકર બિયામણા રે॥ તિયાં પુષ્પભદ્રા નદી તટ રે, એક અતિ વિસ્તારે છે વટ રે॥
તિયાં બેઠાં છે પ્રેતનાં બાળ રે, દેખી જીવ આવે તતકાળ રે॥ કાપી કાપી કલેવર ખાય રે, વળગ્યાં અંગે અળગાં ન થાય રે॥
કાઢી લઈયે એનું કલેજુ રે, પછી મારે તીર કરી વેજું રે॥ દિયે દુઃખ દયા નહિ દલ રે, પામે દુઃખ સુખ નહિ પલ રે॥ તને તપે છે તાપ વિષમ રે, પ્રલયકાળના સૂરજ સમ રે॥ જીવે જોઈ એ વટનું વૃખ રે, છાંયે બેસવા કર્યો’તો હરખ રે॥
ત્યાં તો પ્રેત બાળ બીજાં મળી રે, ખાવા લાગ્યાં છે પાપીને વળી રે॥ ત્યાંથી આવ્યો પુરદ્વારે પ્રાણી રે, ઊઠ્યા લાગ લેવા દરવાણી રે॥ લીધું માંસ પીધું છે રુધિર રે, તેને દુઃખે રુવે છે અધીર રે॥ પછી જાય છે જમપુર માંય રે, લિયે લાગ ભાગ માગી ત્યાંય રે॥ લીધું માંસ રુધિર પીવાને રે, રાજા પ્રધાન વજીર દીવાને રે॥ કહે લઈ જાઓ જમ આંયથી રે, ઉતાવળો આ પુર માંયથી રે॥
આપી લાગ ને નીસર્યો બા’ર રે, ઉત્તરદ્વારેથી દક્ષિણ દ્વાર રે॥ મેલ્યું શહેર એક સોળમાં રે, એમ રાત દી જાય રોળમાં રે॥
કંપે કાળજ દેખી દૂતને રે, અતિ થરથર ધૂ્રજે છે તને રે॥ કેમ આવશે આ દુઃખ અંત રે, એમ કરે ઓરતો અત્યંત રે॥ તેને જોઈને જમના દૂત રે, દુઃખ દિયે છે એને અદ્ભુત રે॥ મો’રે કરે છે કિંકર મારી રે, જીવ ભોગવે છે દુઃખ ભારી રે॥
નિત્યે આવે છે જમનાં ગામ રે, તિયાં નથી સુખ લેવા ઠામ રે॥ સાંજ પડે ને થાય સવાર રે, દિયે નાનાં મોટાં સહુ માર રે॥ નરનારીને ન મળે મે’ર રે, જાણે ગોળનું ગાડું આવ્યું ઘેર રે॥ ખાય ધરાય થાય રળિયાત રે, વળી કરે પરસ્પર વાત રે॥ આનું માંસ લાગે છે મીઠું રે, આવું બીજા કોયનું ન દીઠું રે॥ ઘણે દને મળ્યું આજ ગળ્યું રે, આજ દિન મો’ર આવું ન મળ્યું રે॥
એમ પામે છે દુઃખ અપાર રે, કષ્ટ પામે પાપ કરનાર રે॥ પામે દુઃખ જાય નહિ સહ્યું રે, સત્ય નિષ્કુળાનંદે એ કહ્યું રે॥
કડવું ૯
મારે કરી આવે મૂરછા, પડે પ્રાણી પૃથવી મોઝાર॥ સંકટમાં સંબંધી સંભારી, પાપી કરે પોકાર॥ કિયાં ગયાં મારાં કુટુંબી, કિયાં ગઈ મૃગાનેણી નાર॥ કિયાં ગયા ભાઈ ભગિની, કિયાં ગયો પુત્ર પરિવાર॥
કિયાં ગયું ધામ ધરતી, કિયાં ગયાં અન્ન ધન માલ॥ આ સમે કામ કોયે ન આવે, મારા જોઈ આવા હાલ॥ એમ કહી કહી કર ઘસે, રુવે ભૂખ્યો તરશ્યો તેહ॥ માથે ભય જમરાણનો, તેણે થરથર ધ્રૂજે દેહ॥ જેને અર્થે અતિ ઘણો, કરતો અધર્મ આઠું જામ॥ તે તો ત્યાંનાં ત્યાં રહ્યાં, મારે કોઈ ન આવ્યાં કામ॥
માત તાત ભાઈ ભગિની, સુત કલત્રને કાજ॥ કર્યા કર્મ વિકર્મ કંઈ, તે ભોગવવાં પડ્યાં આજ॥
એને અર્થે આયુષ્ય ખોઈ, જોઈ નહિ વિચારી વાત॥ સંબંધીના સુખ કારણે, કર્યાં કપટ દગા ઘાત॥ નીચ માણસની સંગત્યે, કર્યાં અઘ અમોઘ અપાર॥ કુશળ રહેવાનું ક્યાં થકી, ખરી ખાવા રહી માર॥
તેને કિંકર કહે છે ભાઈ, એને સંભારે શું થાય આંઈ॥ કર્યાં કર્મ તેં ધર્મને ત્યાગી, મેલી સુખ દુઃખ લીધું માગી॥ આવ્યું સર્વે મળી તારે સાથે, જે જે કર્યું છે તેં તારે હાથે॥ તે તો વે’વું પડશે આ વાટે, કોઈ ભોગવે નહિ કેને સાટે॥ તું જાણતો નહોતો મન તારે, જાવું થાશે આ મારગે મારે॥ તિયાં ખરચી ખાવાને કાજ, સજ્યો એવો તેં કેમ સમાજ॥
હસી હસી કીધાં જે પાપ, રોઈ રોઈ ભોગવો તે આપ॥ એમ કહીને આપે છે માર, તેણે પ્રાણી કરે છે પોકાર॥
દુઃખ દરિયા સમ ઊલટ્યાં, સુખશાંતિ તો સરવે મટ્યાં॥ કરે કિંકર બહુ કંકાસ, નાખી કોટ માંહી કાળપાસ॥ દિયે ફાંસી ફડફડે પ્રાણી, બોલી ન શકે મુખથી વાણી॥ થંભી આંખ્ય રહે તિયાં થીજી, એમ માર દિયે જમ ખીજી॥
એમ કરતાં દોઢ માસ થાય, ત્યારે સૌરીપુરે પ્રાણી જાય॥ તેનો રાજા છે નામે સૌવરી, ગમે તેવું રૂપ લિયે ધરી॥ મહાવક્રને અતિ અટારો, દેખી પ્રાણીને આવે કંપારો॥ ભૂંડું મુખ અતિ ભયકાર, ખાય માંસ લોહીનો પીનાર॥ એની વાણી શ્રવણે સાંભળતાં, બંધ છૂટી જાય જો વળતાં॥ થાય પેશાબ ને પેટ છૂટે, તીખી નજરે મારવા તૂટે॥
કહે લાગ અમારો તું આપી, પુર બા’ર તું નીસર પાપી॥ લાગ લેશું દેશું ત્યારે જાવા, ખૂબ લેશું તું પાસેથી ખાવા॥
પછી શ્રાદ્ધ ત્રણ પક્ષ તણું, આપ્યું હોય કેડે થોડું ઘણું॥ કરે તેના પછી ત્રણ ભાગ, આપે તેમાંથી તેહને લાગ॥ બીજા બહુ આવી ભરે બચકાં, તેણે કરી દિયે છે ડચકાં॥ મુવો મુવો ગયો જાણ્યું શ્વાસ, ન રહી ઊગરવાની આશ॥
એવો અચેત થયો અપાર, નિત્ય નવો ન સે’વાય માર॥ બેશુદ્ધ માંય બોલી ન શકે, એમ કાઢે છે એ પુર થકે॥ પછી ત્યાંથી ચાલે નિરધાર, દક્ષિણ દ્વારેથી નીસરે બા’ર॥ સંગે કિંકર કરે સંતાપ, તપે ઉપર અત્યંત તાપ॥ વાટે આવે છે વિકટ વન, તેને કાંટે કરી ફાટે તન॥ અસિપત્ર વન એનું નામ, તેણે વીંટ્યું છે વરિંદ્ર ગામ॥
તિયાં જમના દૂત પરાણે, એહ કાંટા પર નાખીને તાણે॥ આંકડિયાળા ને અતિ અણી, તેણે ત્વચા ફાટે તનતણી॥
તેમાં નીસરે રુધિર ધારુ, દેખી આવે ત્યાં પંખી હજારું॥ લોહ ચાંચવાળા પંખી લાખું, તે તો તોડી ખાય તન આખું॥ સંગે કિંકર તે ખાય કાપી, તેની પીડામાં પીડાય પાપી॥ ભેળા ચાલનારનું એ ભાતું, પામે કષ્ટ કહ્યું નથી જાતું॥
એને કાપી ખાય જમ સાથ, પાછો સાજો કરે ફેરી હાથ॥ એમ ન કરે જો જમરાણ, તો ન પોં’ચે પંડ નિરવાણ॥ એમ ભોગવે છે દુઃખ ભારી, પડી જાય છે પૃથવીએ હારી॥ એમ હમેશ થાય હેરાણ, પેરે પેરે પીડે જમરાણ॥ બીજે માસે આવે છે એ શે’ર, જેના રાજા પ્રજાને નહિ મે’ર॥ સો સો શ્વાન સામટાં લઈ સંગે, વળગાડે છે પ્રાણીને અંગે॥
ફાડી ખાય છે પાપીનું તન, તેને દુઃખે કરે છે રૂદન॥ તેને કહે છે જમના કિંકર, પાપી નો’તો તુંને કેનો ડર॥
કર્યું પાપ પેટ ભરી પૂરું, કોઈ રીતે રાખ્યું નહિ અધૂરું॥ એમ કહી દિયે ફટકાર, વળી આપે છે બહુ બહુ માર॥ લઈ લાગ ને કાઢે છે બા’ર, દૂત લઈ ચાલે છે તે વાર॥ તે તો દૂત સદા રહે સાથે, જેણે બાંધી લીધો છે બે હાથે॥
કહે દૂત ભૂખ્યા થયા બહુ, આપ્ય ખાવા તો ખાઈએ સહુ॥ ત્યારે જીવ કહે ક્યાં થકી દિયું, આપ્યું હોય તો આ વાટ લીયું॥ નથી જમાડ્યા મેં વિપ્ર જન, નથી આપ્યું મેં સંતને અન્ન॥ સારું ખાધું મેં ખૂણે સંતાઈ, હવે ક્યાંથી મળે અન્ન આંઈ॥ પછી જમદૂત તેને જોઈ, ખાય માંસ ને પીવે છે લોઈ॥ ખાઈ ધરાઈ ચકચૂર થઈ, બહુ ચલાવે છે માર દઈ॥
ચાલતાં ચાલતાં દિનરાત, પામે દુઃખ ન કે’વાય વાત॥ સંગે કિંકર તે કાળા કેર, જેને નહિ દયા મન મે’ર॥
આળ્યે આળ્યે ઉગામે આયુધ, બહુ ધ્રૂજી થાય છે બેશુદ્ધ॥ ત્યારે જીવ કહે જમદૂત, શાને ઠાલું કરો તમે તૂત॥ કે દી પાપ કર્યું’તું મેં આવું, જેણે કરી નિત્ય માર ખાવું॥ ત્યારે જમદૂત કહે જીવ જાણે, કહિયે પાપ કર્યાં જે જે ટાણે॥
હતા પાસળે પંચ દેવતા, તે તો સરવે આવીને કહેતા॥ તેની લખી રાખી છે એંધાણી, શીદ કે’વરાવે છે તું પ્રાણી॥ તારા પાપને પ્રમાણે પાપી, નથી શકતા દંડ અમે આપી॥ બહુ રીસ ચઢે છે તું પર, પણ મારી મારી થાક્યા કર॥ એમ કહીને ઝાલ્યો છે ગળે, મારી કૂટીને કર્યો આગળે॥ એમ ચલાવે છે ચોંપે કરી, પડે લડથડે બહુ મારે કરી॥
એમ કરતાં અઢી માસ થાય, ત્યારે ગાંધર્વપુરમાં જાય॥ તેના દરવાણીને લાગ દઈ, પછી જાય રાજા પાસે લઈ॥
મન ગમતો દઈ રાજા દંડ, પછી કાપે છે પાપીનું પંડ॥ રાજા ને રાજાના શૂરવીર, ખાય માંસ ને પિયે રુધિર॥ તેમાં નાવે કેને મને મે’ર, એવું અતિ નિર્દય એ શે’ર॥ તેનો લાગભાગ સર્વે આપી, વળી પંથસર થાય પાપી॥
સંગે કિંકર બહુ સંતાપે, નિત્ય પ્રત્યે નવાં દુઃખ આપે॥ અતિ ચલાવે છે ઉતાવળો, આપી માર ને કરે આકળો॥ ચાલી ચાલી ત્રણ માસ જાવે, ત્યારે શૈલાગમ પુર આવે॥ તિયાં થાય છે પાણાની ઝડી, પડે પાપી ઉપર તડાતડી॥ તેણે ભાંગે છે હાડ મુંડ હૈયું, પામે દુઃખ તે ન જાય કૈયું॥ અંગોઅંગ ભાંગી ભૂકો થાય, કરે કોણ એ કષ્ટમાં સા’ય॥
આપ્યું હોય છત્ર ઘર છાંય, તો થાય એ દુઃખ માંહી સા’ય॥ વળી કેડે શ્રાદ્ધ કીધું હોય, ખાઈ ચાલે છે મારગે સોય॥
થાય ચોથો માસ પૂરો જ્યારે, ક્રૂરપુરે પોં’ચે પ્રાણી ત્યારે॥ ક્રૂરપુરનાં કષ્ટ કઠણ, લિયે લોહી માંસ એક મણ॥ તેમાં ઓછું ન લિયે લગાર, આપ્યા વિના ન જવાય બા’ર॥ શ્રાદ્ધ કરી આપ્યું હોય અન્ન, ભાવે જમાડ્યા હોય બ્રહ્મન॥
તેહ પુણ્ય તણા ત્રણ ભાગ, કરી આપે છે જૂજવા લાગ॥ કેડે રહે તેહ પોતે ખાઈ, પછી ચાલે છે ત્યાં થકી ભાઈ॥ ચાલી ચાલી થાય ચકચૂર, તૈયે પ્રાણી પોં’ચે ક્રૌંચપુર॥ તિયાં દંડ દિયે છે અપાર, જિયાં જાય તિયાં મારે માર॥ માગે ખાવા પીવા લોહી માંસ, તળે તનને કરી તપાસ॥ મારો મારો ખાઓ સહુ મળી, લાવો અજગર જાય એને ગળી॥
એમ કહે માંહોમાંહી સહુ, તેણે કરી પ્રાણી કંપે બહુ॥ અતિ અતિશે વસમું લાગે, જે જે આવે તે ખાવાને માગે॥
તે તો આપ્યું હોઈ કાંઈ વાંસે, ખાવા દેવાનું એટલું પાસે॥ એવી વિપત્તિ છે એહ વાટે, કહે નિષ્કુળાનંદ તે માટે॥
કડવું ૧૦
સુણો કથા સહુ શુભમતિ, જીવ નહિ નર ને નાર॥ જે જેવાં કર્તવ્ય કરે, તે ભોગવે આવે પાર॥
એમ દુઃખ ભોગવતાં, સાડા પાંચ માસ થાય॥ વિચિત્ર નામે પુર છે, તેમાં તે પ્રાણી જાય॥ વિચિત્ર પેરે વળી વળી, પૂછે પુરના રહેનાર॥ મનુષ્ય દેહ પામી હરામી, તુંને નર ફટકાર॥
દેવ ઇચ્છે જે દેહને, તે પામ્યો હતો તું પાપિયા॥ એહ દેહે ધર્મ ઉથાપી, અધર્મ અતિશે થાપિયા॥ ન્યાય મૂકી અન્યાય કીધો, ચાલ્યો મહા અઘ મારગે॥ દુર્મતિ અતિ અંધ થઈ, દીઠું નહિ કાઈ દગે॥ હદ્ય મેલીને હાલિયો, મૂકી મર્યાદ મહારાજની॥ પરલોકનાં સુખ પરહરી, કરી ખરચી દુઃખ સમાજની॥
ખોટ્ય મોટી ખાધી ખરી, કહીએ તુંને ક્યાં લગે॥ મોટા દુઃખ માંહી પડ્યો, આવ્યો જ્યારે આ મારગે॥
લાગ આપી લજ્જા વોણા, નીસર પુરથી બા’ર॥ આજ પછી અભાગિયા, આવું કરીશ મા કોઈ વાર॥ લઈ લાગ લોહી માંસ તણો, કરે છે અતિ હેરાન ઘણો॥ જિયાં તિયાંથી ઊઠે છે ખાવા, ખાઈ ધરાઈ પછી દીધો જાવા॥
કાઢ્યો બા’રે પડે શિર માર, જેમ લોહને ઘડે લુહાર॥ આવી મૂરછા પડિયો ભોમ, થયો બેશુદ્ધ ન રહી ફોમ॥ પછી ઘસરડી ઘાંઘો કરી, ઉઠાડીને આપે માર ફરી॥ લડથડે ને પડતો જાય, નિત્ય માર કેટલો ખમાય॥ મારી કૂટીને મો’રે જ કીધો, જેમ ચોર મારવાને લીધો॥ ઘડી એકમાં હીંડાડે ઘણું, નહિ પ્રમાણ ચાલવા તણું॥
એમ દુઃખે વીતે ષટ માસ, આવે બહ્વાપદપુર પાસ॥ તેને પાદર છે વૈતરણી, દુઃખદાયી તે ન જાય વરણી॥
શત જોજનમાં પરિવાહ, પરુ પાચે પૂરણ નહિ થાહ॥ તેમાં સર્પ વીંછી જંતુ ઘણા, સર્વે આહારી લોહી માંસ તણા॥ વળી ઉપર ઊડે માંસાહારી, લોહ ચાંચવાળાં પંખી ભારી॥ ભયંકાર ત્યાં ભમરા વળે, તપે વેળું તેમાં પગ બળે॥
તપે સૂરજ ઉપર તીખો, જાણે પ્રલયના કાળ સરીખો॥ એવો દેખી સર્વે સામાન, જીવ કરે ત્રાહિ ત્રાહિ માન॥ ત્યારે કહે છે ઉતારનાર, ગાય આપી હોય તો સંભાર॥ આવે ગાય તો ઉતારે સુખે, નહિ તો ઊતરીશ ઘણે દુઃખે॥ તે તો ક્યાંથી આપી હોય આણે, પછી તેમાં તાણે છે પરાણે॥ બૂડે મુંડ ને નીસરે બા’ર, વળગે અંગમાં જંતુ અપાર॥
માથે લોહ ચાંચે ભયાનક, આવી પડે પંખી અચાનક॥ ભાંગી ભેચો માથાનો લિયે છે, એવી ચોટ એ પંખી દિયે છે॥
કૈક લિયે કાન નાક તોડી, કૈક નાખે છે આંખ્યોને ફોડી॥ એમ તન ખાય કાપી કાપી, તિયાં દુઃખ પામે બહુ પાપી॥ જળ સમળ ટાઢું છે અતિ, તેમાં કરાવે છે એને ગતિ॥ તાઢ્યે ધ્રૂજી થાય તન શૂન્ય, માટે તે સારુ કરવું પુણ્ય॥
સહિ દુઃખ ચાલે સાત માસ, ત્યારે આવે દુઃખદ પુર પાસ॥ તેનું દુઃખ જાયે નહિ કહ્યું, તે તો સર્વે એ પ્રાણિએ સહ્યું॥ મોટા મોટા વાઘ વરુ વ્યાળ, તે તો લાવ્યા તિયાં તત્કાળ॥ લાવી વળગાડ્યા એને શરીર, ખાય માંસને પિયે રુધિર॥ મોટા દાંતને ફાડેલ મુખ, ખાય તન તોડી દિયે દુઃખ॥ તિયાં પ્રાણીઓ પાડે પોકાર, ભા’યો કોય કરો મારી વા’ર॥
નથી ખમાતું નિત્યનું દુઃખ, કહો કેમ પામું હવે સુખ॥ ત્યારે કિંકર કહે છે તે વાર, મા કર્ય સુખ લાલચ્ય લગાર॥
પાપ કરતાં પાછું નવ જોયું, ખોટા સુખમાં જીવિત ખોયું॥ હવે સુખની લાલચ ત્યાગી, કર્યાં કર્મ ભોગવ્ય અભાગી॥ એમ દુઃખ દઈ જો અપાર, પછી કાઢે છે પુરથી બા’ર॥ ત્યાંથી નાનાક્રંદ પુર કા’વે, તે તો આઠ માસ વીતે આવે॥
તેના દંડ છે જૂજવી જાતે, જીવ ભોગવે છે બહુ ભાતે॥ કાપે તન તળી તળી ખાય, વળી મુખે કહે છે વાહવાય॥ આવું માંસ કોઈનું ન દીઠું, જમ કે’ છે લાગે છે જો મીઠું॥ માંસ પાપીનું ક્યાં થકી મળે, એમ વખાણ્યું જમ સઘળે॥ એમ જીવને દુઃખ દિયે છે, લાગ લોહી માંસનો લિયે છે॥ નાના પ્રકારના દંડ દઈ, જમકિંકર ચાલે છે લઈ॥
તેનો તેજ માર્ગ કહેવાય, સુકૃતિને સુખરૂપ થાય॥ દાન પુણ્ય પાળ્યો સતધર્મ, કર્યાં હોય અહિંસાદિ કર્મ॥
તેને એ વાટમાં નહિ દુઃખ, દુઃખ પામે પ્રભુના વિમુખ॥ એમ જમપુરીની વાટ જાણો, કહી છે પુરાણે તે પ્રમાણો॥ પછી નવ માસે નિરધાર, પોં’ચે સુતપ્ત શહેર મોઝાર॥ સુતપ્તમાં તપાવીને લોઢું, બાળે હાથ પગ અંગ મોઢું॥
એમ સર્વે અંગ એનાં બાળે, પુણ્ય વિના શાંતિ કોણ વાળે॥ છત્ર વસ્ત્ર જોડા પાણી ઠામ, પંખા ચંદન ઘર વિશ્રામ॥ ચંદ્રવા આદિ આપે જો દાન, તેણે સુખ પામે એ નિદાન॥ તે તો ન આપ્યું ને ન અપાવ્યું, માટે એ દુઃખ સૌ ભોગવાવ્યું॥ દઈ દુઃખ કાઢ્યો પુર બા’ર, માથે પડે છે મુદગર માર॥ ત્યાંથી દશમે માસે જરૂર, આવે છે એ પ્રાણી રૌદ્રપુર॥
તે તો અતિશય ભયંકાર, આવી જાચે છે ત્યાંના રહેનાર॥ આપ્ય અમને ખાવું કાંઈ ખાવા, તો તુંને અમે આપિયે જાવા॥
ક્યાંથી આપે આપ્યું નહિ કેડે, ભૂખ્યા દૂત પછી આવી પીડે॥ ખાઈ ધરાઈને કાઢે બા’ર, નથી વાટમાં સુખ લગાર॥ સેવ્યા હોય ખોટા ગુરુ જેવા, જમ રૂપ ધરી આવે એવા॥ દેખે દૂરથી આવતા એને, જીવ જોઈ રાજી થાય તેને॥
જમદૂતને કહે છે પ્રાણી, આવ્યા વા’રે ગુરુ ગુરવાણી॥ જોને ભેળી છે ભેખની ઝુંડી, કરશે તમારી ગતિ જો ભૂંડી॥ એમ મનમાં આનંદ આણી, અતિ પ્રફુલ્લિત થાય પ્રાણી॥ જાણે હમણાં મુકાવશે મુને, ત્યાં તો આવી ખાય છે વપુને॥ તેને દુઃખે દુઃખી જીવ થાય, કહે ભરમાણો હું ભેખમાંય॥ ત્યારે જમગુરુ કહે છે પ્રાણી, અસદ્ગુરુની એંધાણી ન જાણી॥
આખા વિશ્વનાં રાખ્યાંતાં ફેલ, વળી વ્યભિચારી ને વટલેલ॥ કરતા ખોટો પ્રભુનો આકાર, નિંદતા ધર્મ નીમ સદાચાર॥
હતાં એવાં પ્રસિદ્ધ એંધાણ, તેની ન પડી તુંને ઓળખાણ॥ ખોયો જન્મ તેં ખોટાને સંગે, એમ કહી ચલાવે છે મગે॥ એમ વીતે માસ અગિયાર, આવે પ્રયોવૃષણ મોઝાર॥ તિયાં જીવને આવતો જોઈ, થાય રાજી જમ સહુ કોઈ॥
ભલે આવ્યો તું ભાંગવા ભૂખ, તુંને જોઈ ચળવળે છે મુખ॥ જાણું હમણાં જાયે તુંને ચાવી, પણ ખાશું તુંને નવરાવી॥ તિયાં તાઢાં જળ હિમસરખાં, તેનો વરસાવે છે માથે વરષા॥ તેણે ભીંજી ધ્રૂજે જીવ વળી, ઊડે તાઢ આપી હોય કામળી॥ પછી ત્યાંથી ચલાવે છે મગે, માસ સાડા અગિયાર લગે॥ દેખે છે દૂરથી શહેર સારું, પણ માંહી છે જમ હજારું॥
જોઈ રહ્યા છે જીવની વાટ, ખાવા માંસ પીવા લોહી માટ॥ આવે છે સહુ ઊઠીને સામા, કે’ છે અમે તારા કાકા મામા॥
અવળે મારગે ચલાવ્યો તુંને, તે તો ખાવા સારુ આ સહુને॥ આપ્ય ખાવા જાવા દૈયે જાણ, એમ કહે છે સહુ જમરાણ॥ પછી અંગે ચોળી મરચું મરી, મીઠું ભૂંશી ખાય ખાંતે કરી॥ એનું નામ શીતાઢ્ય નગર, વ્યાપે શીત ધ્રૂજે થરથર॥
ગોદડાં ગાદલાં સજ્યા સોય, ઓછાડ ઓશિશાં આપ્યાં હોય॥ તેણે સુખ પામે એહ પ્રાણી, માટે દાન દેવું એવું જાણી॥ તે જો નાપ્યું હોય નિજ હાથે, ત્યારે સંભારે છે સગાં સાથે॥ તે તો ક્યાંથી આપે એહ કેડ્યે, પછી રુવે પ્રાણી એહ પીડ્યે॥ ત્યાંથી જમદૂત દઈ માર, ચલાવે છે પ્રાણીને અપાર॥ બહુ દુઃખે વીતે માસ બાર, આવે બહુભીતિ પુર તે વાર॥
તિયાં જમના દંડને જોઈ, ભય પામી પ્રાણી દિયે રોઈ॥ કહે છે આ રાતાં ઝાડ છે શાનાં, નથી કેશું કેસર ચંપાનાં॥
ઊંચાં નીચાં ઊડે છે પવને, જાણું હમણાં અડશે ગગને॥ તેને જમકિંકર એમ કહે છે, નથી ઝાડ એ લોહી ઊડે છે॥ તું જેવાનો કરે છે તપાસ, માર્યે લોહી ઊડે છે આકાશ॥ તે સાંભળી જીવ ફડકે છે, કંપે કાળજ છાતી થડકે છે॥
એવા પ્રેતના પ્રહાર સાંભળી, તેવા માને છે પોતાને વળી॥ કહે કિયાં જાઉં કેમ કરું, આ મારથી હું કેમ ઊગરું॥ ન કર્યું દાન પુણ્ય સંતસેવા, સેવ્યા તે જમકિંકર જેવા॥ આપી પાપીએ અવળી મતિ, કરાવી આ મારગમાં ગતિ॥ કર્યું મોટા કસાઈનું કામ, મોકલ્યો મુને જમને ધામ॥ એમ શોચે પ્રાણી સુણો સહુ, કહે નિષ્કુળાનંદ શું કહું॥
કડવું ૧૧
સંકટ કહ્યાં સોળે શહેરનાં, સંક્ષેપે કરી મેં મુખ॥ પણ લખ્યાથી છે લાખઘણું, ભાઈ દંડતણું ત્યાં દુઃખ॥ સાચા સદ્ગુરુ સંતનો, અંગે લાગ્યો નહિ ઉપદેશ॥ પાપે પૂરણ પાપિયો, લિયે સુખ ક્યાંથી લવલેશ॥ એમ જમદૂતે જોરે કરી, પંથ કરાવિયો બહુપેર॥ વર્ષ વીત્યું એક વાટમાં, ત્યારે પોં’ચ્યો સંયમિની શહેર॥
શોભા સંયમિની શહેરની, વળી અતિ ઘણી છે અનુપ॥ તેહ જ પાપી પ્રાણીને, દેખતાં થાયે દુઃખરૂપ॥
પુણ્યવાન હોય કોઈ પ્રાણી, દેખે સંયમિની શોભાખાણી॥ તેહ પુર તણું પરિમાણ, કહું સુણજો સહુ સુજાણ॥ શત જોજન લંબાઈ લૈયે, પહોળી પણ સો જોજન કૈ’યે॥ કિલ્લો કનકનો તિયાં રાજે, શોભે ચાર સુંદર દરવાજે॥
એક સોનાનો બીજો રૂપાનો, ત્રીજો દ્વાર તાંબાનો છે માનો॥ ચોથો લોઢાનો દરવાજો લૈયે, દ્વાર ચાર એ પુરીનાં કૈ’યે॥ તિયાં જેનાં જેવાં કર્મ હોય, તેવે દ્વારે જાય જીવ સોય॥ ઉત્તર દ્વાર અનુપમ અતિ, તિયાં પુણ્યવાન કરે ગતિ॥ જિયાં રાજમાર્ગ ચૌટા શેરી, બહુ શોભાયે શોભે ઘણેરી॥ મેડી મો’લ હવેલિયો શોભે, જોઈ પુષ્પ ઝાડ મન લોભે॥
મીઠી વાણીએ કરે પંખી રવ, શોભે ભૂમિ ત્યાં બહુ વૈભવ॥ ધ્વજા પતાકા ત્યાં બહુ પેર, તે તો બાંધ્યાં ઘણાં ઘેરોઘેર॥
રાજ દુર્ગદ્વાર સ્ફટિક મણિ, કનક કમાડે શોભે છે ઘણી॥ વળી બ્રહ્માના પુત્ર જે બાર, શ્રવણ દેવતા બેઠા છે દ્વાર॥ પિતૃગણ જે અગ્નિષ્વાત્તાદિ, તેના ગોત્રપુરુષ સત્યવાદી॥ તેણે આપી આશિષો જે ઇયાં, તેને ભાવે લઈ વસ્યા તિયાં॥
તિયાં પુણ્યવાળો જીવ જાય, દેખે વિષ્ણુસમ ધર્મરાય॥ હવે કહું અધર્મીની રીત, દેખે એ પુરી મહા ભયભીત॥ એને લઈ આવે લોહ દ્વાર, મારે કરે કાયર પોકાર॥ ભર્યો લોહ ગોખરુએ મારગ, તેહ ઉપર મંડાવે પગ॥ મોટા શ્વાન સર્પ સિંહ ઘણા, મળે સામા એવા બિયામણા॥ ગીધ ગર્જ્ય કવા ચીલ ચાર, કરે ઉલૂ શબ્દ ભયંકાર॥
એવા શબ્દ સાંભળતાં કાને, ચાલ્યો જાય છે પાસે રાજાને॥ રાજદ્વારે લોઢાનાં કમાડ, અતિ તીખા ખીલા અંગફાડ॥
તેમાં તાણી જાય જમ જોરે, ફાટે તન ત્યાં પ્રાણી બકોરે॥ પછી આવે છે રાજાને પાસ, દેખી રૂપ પામે પ્રાણી ત્રાસ॥ રોષે ભર્યા અતિશે રિસાળ, દેખે ધર્મને મહા વિકરાળ॥ સામું જોયું પણ નવ જાય, જોઈ જીવ કરે ત્રાય ત્રાય॥
લીધો લોહતણો દંડ હાથે, જાણ્યું કોપી રહ્યા પાપી માથે॥ અતિ આંખ્યો દેખે ભરી રીસે, લાંબા દાંત મુખબાર દીસે॥ મોટી દાઢી લોઢા જેવું દેહ, દેખે પાપી રૂપ એવું તેહ॥ એવા સૂર્યસુત ધર્મરાય, તેને પૂછ્યું દૂતે લાગી પાય॥ અમે આવ્યા પ્રાણી એક લઈ, તેની આપો છો આગન્યા સઈ॥ ત્યારે રાયે તે કરી વિચાર, પૂછ્યું ચિત્રગુપ્તને તે વાર॥
કહો આ પ્રાણીનાં પુણ્ય પાપ, જોઈ ખાતું ને દિયો જબાપ॥ ત્યારે પ્રધાન કે’ છે સુણો રાય, એનાં પાપ કહ્યાં નવ જાય॥ કો’તો સંક્ષેપે સૂચવું સ્વામી, એણે કર્યું જે નરતન પામી॥ સુણ્યું શ્રવણે વિષયી ગાન, હરિકથામાં ન દીધા કાન॥
રસિકપ્રિયા રસમંજરી, એવાં બહુ સાંભળ્યાં ભાવ ભરી॥ નયણે નીરખી નારીનું રૂપ, કર્યાં નેત્ર તેમાં તદરૂપ॥ કર્યો ત્વચાએ નારીનો સ્પર્શ, ગાયા જિહ્વાએ નારીના જશ॥ નાસે નિત્ય કુવાસના લેતો, મુખે શ્રીકૃષ્ણ ભૂલ્યે ન કહેતો॥ કરે પૂરણ વિકર્મ કર્યાં, પગે પગલાં પાપમાં ભર્યાં॥ જે જે વડ્યે થાય શુભ કર્મ, તે તે વડ્યે કર્યું છે અધર્મ॥
એવું સુણી બોલ્યા ધર્મરાય, સુણ્ય પાપી તેં કર્યો અન્યાય॥ કર્યા ગુણ ન જાણ્યા તેં કેમ, કાં રે કૃતઘ્ની તું થયો એમ॥
જેણે ઉદરમાં કરી સાર, આપ્યો મનુષ્યનો અવતાર॥ માગે દેવ મનુષ્યનો દેહ, પામ્યો અભાગિયા તન તેહ॥ ભરતખંડ જંબુદ્વીપ માંય, રહે પ્રગટ શ્રીહરિ જ્યાંય॥ એવી ભૂમિમાં નરતન પામી, જ્યારે થયો તું લૂણહરામી॥
કરી આવ્યો તું અતિ અનર્થ, બક્ષુ ગુહ્ના અમે નહિ સમર્થ॥ બોલ્યા રાય કરી અતિ કોપ, પાપી કરી તે આગન્યા લોપ॥ શેષ ગણેશ શશી સૂરજ, ઈશ અમરેશ વળી અજ॥ તે તો ન લોપે આગન્યા લેશ, તેથી પણ તું થયો સરેશ॥ જે તેં ન ગણ્યા હુકમી હરિને, આવ્યો એવું તું કામ કરીને॥ નથી જોયા જેવું તારું મુખ, જા જા પરો પ્રભુના વિમુખ॥
લઈ જાઓ કિંકર યાંથી બાર, દિયો દંડ પ્રચંડ અપાર॥ એવું સુણ્યું કિંકર સઘળે, ચાલ્યા જીવને ઝાલીને ગળે॥
કર્યો માર અખાડામાં ઊભો, જાણી અતિશે પાપી અશુભો॥ પછી અનેક આયુધ લાવ્યા, તર્ત અગનિમાંયે તપાવ્યાં॥ તેણે બાળે છે પાપીનું તન, જેણે લોપ્યાં હરિનાં વચન॥ દઈ દઈ પાપનાં એંધાણ, કિંકર કરે છે બહુ હેરાણ॥
પછી તન તળે તેલ માંય, તેને દુઃખે કરે હાય હાય॥ હાથ હથેળીમાં ખીલા ખોડે, પગ ઘૂંટીએ ઘણેશું તોડે॥ આંખ્યમાં ગજ ઘાલે લોઢાના, ભૂંડા હાલ કરે છે મોંઢાના॥ તોડે જીભ સાંણસિયે તાણી, જે કોય બોલ્યો તો અસત્ય વાણી॥ બાળે કાન સીસાં ઊનાં ઘાલી, જેને વિષયવાત લાગી વાલી॥ પછી દંડનો બીજો ઉપાય, કરે છે વિચારી મન માંય॥
કરે લોહ તણી નર નાર, તેનું તન તપાવે અપાર॥ પછી કિંકર કહે વ્યભિચારો, ભરો બાથ શું મને વિચારો॥
જેણે બાથ ભરી એક વાર, તેની ભરાવે વાર હજાર॥ પરપુરુષ ને પરનારી, પામે વિષયસુખે દુઃખ ભારી॥ એમ દુઃખ દિયે છે અનંત, કહેતાં મુખે નાવે તેનો અંત॥ શ્યું થયું હજી શ્યું થાશે, જીવ નરકના કુંડમાં જાશે॥
ત્યાં તો તપાશી તપાશી પાપ, કરશે જમના દૂત સંતાપ॥ રતીરતી તણું લેખું લેશે, તે પ્રમાણે તેવો દંડ દેશે॥ પળપળનાં પાપ સંભારી, કા’સે કિંકર તે મારીમારી॥ થાકી જાશે જમદૂત જ્યારે, પછી પૂછશે પાપીને ત્યારે॥ ભાઈ અમે કાયા તુ ન કાયો, ભલો માર અપાર તેં ખાયો॥ એમ કહી વિચારે છે જમ, હવે કરિયે કોઈક ઉદ્યમ॥
થોડે મારે દુઃખ ઘણું થાય, એવો ગોતી કાઢિયે ઉપાય॥ તૈયેં બોલ્યો એક જૂનો જમ, સર્વે મારની મુને છે ગમ॥
તાળુ લલાટે તાડન કરો, મુખ આંખ્યમાં મરચાં ભરો॥ લમણામાં મારો લોહ લાંઠ્યે, એમ ભાંગો અંગ ગાંઠો ગાંઠ્યે॥ ગળુ દબાવો ને ઘડીવાર, તેણે પામશે દુઃખ અપાર॥ છાતીમાંય મારો મોટા ઘણ, ભાંગી કચરી નાખો વૃષણ॥
કોણી કાંડાં ગોઠણમાં ઘાવ, એહ કહ્યા મરમના દાવ॥ દૂંટી ઘૂંટી નળી વળી વાઢો, નખ વીશ વળી તાણી કાઢો॥ એમ દિયો દાવ ગોતી દુઃખ, તો હમણાં એ કા’સે વિમુખ॥ પછી તેમ જ કિંકરે કીધું, થોડે મારે દુઃખ બહુ દીધું॥ ત્યારે કઠણ પ્રાણીને પડ્યું, કર્યાં કર્મ તણું ફળ જડ્યું॥ જેવો ઈયાં માલ્યો મગરુર, તેવો તિયાં મારી કર્યો ચૂર॥
માટે સહુ વિચારજ્યો વાત, પોતે પોતાની કરશો મા ઘાત॥ સહુ સારું પોતાનું કરજ્યો, સુણી જમના દંડને ડરજ્યો॥
ખરું છે એ ખોટું નહિ થાય, પછી વિચારશો મનમાંય॥ કહે નિષ્કુળાનંદ શું કથી, પ્રભુ ભજ્યા વિના સુખ નથી॥
કડવું ૧૨
પછી પ્રાણી પોકારીને, કહે સુણો ધર્મ નિદાન॥ અધર્મ આવો કાં કરો, કાંરે કોયે ન સાંભળો કાન॥ જે દીથી તન મેં ત્યાગિયું, તે દીથી મારો જ માર॥ અંગોઅંગ ભાંગી ગયાં, તોય હજી ન આવ્યો પાર॥
ધર્મ નામ શીદ ધારિયું, જ્યારે દયા નહિ દિલમાંય॥ મુજ જેવા કંગાલ પર, નથી કરુણા જો કાંય॥ મેં જાણ્યું મન માહરે, ગુહ્ના બક્ષશે ધર્મરાય॥ ત્યાં તો સામું કોપ કરી, મુને નાખ્યો મહાદુઃખ માંય॥ એવું સુણી રાય બોલિયા, તું સાંભળ્ય પાપી વાત॥ જમદંડને તેં જૂઠા જાણી, ઘણી ઘણી કરતો ઘાત॥
કહ્યું શાસ્ત્ર સંતે મળી, સુણી તે ન માન્યું મન॥ આજ મનાવે છે અમને, જેને છે હરિનું વચન॥
સાચા સંતથી સુણ્યું નહિ, સત્યશાસ્ત્રનું તે સાર॥ નિજ દોષ નથી દેખતો, કરે છે બીજાને ગુનેગાર॥ હવે લઈ જાઓ જમદૂત એને, આપું છું આગન્યા એહ॥ અઠ્ઠાવીશ જે નરક છે, હવે ભોગવે મર તેહ॥
એમ રાયે આજ્ઞા કરી, તે ધરી જમદૂતે ચિત્ત॥ કઠણ છે કૂપ નરકના, મહા ભયંકાર ભયભીત॥ તે જુક્તે કરી કહું જૂજવાં, કહુ નરકનાં જે નામ॥ જેહ પાપે પડે નરકમાં, પાપી પુરુષ ને વામ॥ પંચમસ્કંધે પરીક્ષિત પ્રત્યે, શુકે કહ્યાં નરક સોય॥ વિધવિધે તે વર્ણવું, તમે સાંભળજ્યો સહુ કોય॥
તામિસ્ર અંધતામિસ્ર, રૌરવ મહારૌરવ જે॥ કુંભીપાક ને કાળસૂત્ર, અસિપત્રવન દુઃખદવ જે॥
સૂકરમુખ અંધકૂપ કહિયે, કૃમિભોજન ને સંદશ॥ તપ્તસૂર્મિ વજ્રકંટક, શાલ્મલી જાણો ત્રયોદશ॥ વૈતરણી પુયોદ પ્રાણરોધ, વૈશાસન નરક દુઃખ વળી॥ લાલાભક્ષ સારમેયાદન, અવિચિ અયઃપાન મળી॥
એકવીશ નરક એ કહ્યાં, ક્ષારકર્દમ રક્ષોગણ ભોજન॥ શૂલપ્રોત દંદશૂક, વળી અવટરોધન॥ પર્યાવર્તન સૂચિમુખ, એ સર્વે દુઃખના સ્થળ છે॥ નરક અઠ્ઠાવીશ નામ કહ્યાં, એ પાપીને પાપનું ફળ છે॥ જેણે જેવાં કર્મ કર્યા, તેહને તેહવો દંડ॥ પાપી જીવને પીડવા, કરિયા અઠ્ઠાવીશ કુંડ॥
જેવે પાપે એ જીવ પડે, નરકમાં નર નાર॥ શ્રવણ દઈ હવે સાંભળો, કહુ નરક તે નિરધાર॥
પરધન પરદારા પાપી, હરે પરના વળી બાળ॥ એહ પાપે એહ જીવને, નાખે તામિસ્રમાં તતકાળ॥ અતિ ભયાનક ભૂંડો ઊંડો, જેમાં જંતુ અતિ અંધાર॥ જમદૂતે ગળે બળે બાંધી, નાખ્યો તેહની મોઝાર॥
ખાવું પીવું ન દેવું કે’વું, હવે જોજ્યે પાપી તારા હાલ॥ એમ કહીને તાડે પછાડે, પાડે રાડોરાડ્ય કંગાલ॥ કહે કિયાં જાઉં કેમ કરું, કેમ પામીશ દુઃખનો પાર॥ પીડા માંહી પ્રાણિયો, કરે કાયર સાદે પોકાર॥ પછી કંઈક કલપે કાઢિયો, એહ નરકથી બા’ર॥ પાપ તપાશીને પાપીનાં, નાખે અંધતામિસ્ર મોઝાર॥
કપટ વિકટ કરતો ભરતો, પાપી પાપમાં પગ॥ ભોળા પુરુષને છળી વળી, લેતો ધન ત્રિયા તેનું ઠગ॥
એહ પાપે નાખિયો, તેહ અંધતામિસ્ર માંઈ॥ યમદૂતના મારથી, જેની મતિ ગઈ છે મુઝાઈ॥ મહા અંધારું જેમાં મોટા, જંતુ અતિશે અનંત॥ રોમેરોમે તન તોડી ખાય, તેનો ન આવે અંત॥
થડ થકી જેમ કાપતાં, વળી ઢળી પડે તરુ જેમ॥ તેમ પડે એ પ્રાણિયો, પૃથવી ઉપર એમ॥ નિરાધાર નિરાશ થઈ, બોલી ન શકે મુખ॥ નિત્ય ઊઠી નવા નવું, કેટલુંક ખમાય દુઃખ॥ મે’ર ન આવે મારતાં, યમને નિરદયા જોર॥ તેને હાથ પડ્યો પાપિયો, પાડે બહુ દુઃખે બકોર॥
પૂરણ દુઃખ દઈ લઈ, કાઢિયો કોઈક કાળ॥ કર્મ તપાશી તેહનાં, નાખ્યો રૌરવે તતકાળ॥
અધર્મે ઈયાં ધન મેળી, પોષ્યું નિજકુળ નિજદેહ॥ આપ સ્વારથ સારુ મારી, જાત્ય જંતુની જેહ॥ પછી નિજકુળ નિજદેહને, તજી જાયે જમપુરે જંત॥ તેહ પડે રૌરવમાં, જેમાં દુઃખનો નહિ અંત॥
વિકટ વ્યાળે ભર્યો ભયાનક, તેમાં જમદૂતે કરી જોર॥ નાખ્યો પરાણે એ નરકમાં, ભૂખે દુઃખે પાડે બકોર॥ રાત દિવસ દુઃખી રહે, નહિ સુખનો લવલેશ॥ જાય ઘડી જુગ જેવડી, હેરાણ ગતિ છે હંમેશ॥ કંઈક કાળે બા’ર કાઢે, જમદૂત તે એહ જન॥ પાપી પડે મહારૌરવે, જેમાં જંતુઓ તોડે તન॥
આ લોકમાં અભાગિયે, માર્યા હતા જીવને જેમ॥ તે જીવ મરી રુરુ થઈ, મારે છે અધર્મીને એમ॥
જીહ્વા સ્વાદે જીવનાં, મારીને ખાતો તો માંસ॥ એમ જ ખાધું એહનું, તેમ જ કરીને તપાસ॥ અલ્પ પાપ અણું જેટલું, વળી કર્યું હોય કોઈ સ્થળ॥ તે તે સંભારી સરવે, દિયે દુઃખ તેહ પળ॥
એવી રીત રુરુ તણી, રાય રંકનો એક ન્યાય॥ અધિક ન્યૂન એને નહિ, એમ જાણજ્યો મનમાંય॥ રુરુનામે ક્રવ્યાદ કે’યે, તે માંસ તોડી તોડી ખાય॥ જે જીવે નિજદેહ સારુ, કર્યા અસત્ય ઉપાય॥ એમ દુઃખને ભોગવી જ્યારે, નીસરે નરકથી બા’ર॥ પાપી પડે કુંભીપાકમાં, જિયાં દુઃખનો નહિ પાર॥
પશુ પંખી જીવતાં, રાંધીને ખાતો’તો માંસ॥ તેને તેલમાં રાંધિયો, કર્યો તેમ જ તનનો નાશ॥
દીધાં દુઃખ બહુ જીવને, મે’ર મનમાં ના’વી વળી॥ તે પાપે પડ્યો નરકમાં, કરી કમાણી આવી મળી॥ ઉગ્ર સ્વભાવી અભાગિયો, જેને નહિ કરુણા લેશ॥ કોઈ ન કરે કર્મ એવાં, તેવાં કરે છે અહોનિશ॥
આપ સ્વારથે અનર્થનો, કરતાં ન કરે વિચાર॥ જુલમ સર્વે જક્તનાં, રાખ્યા હૃદયા મોઝાર॥ પ્રપંચનું નવ પૂછવું, કહિયે કપટનો વળી કોટ॥ એહ આદિ અઘે ભર્યો, કોઈ વાતની નહિ ખોટ॥ તેહ પાપે પાપી કરે, કુંભીપાકમાં પ્રવેશ॥ જમદૂત દુઃખ દે ઘણું, જિયાં સુખનો નહિ લેશ॥
દુઃખના દરિયા ઊલટ્યાં, વળી મેલી દીધી મરજાદ॥ આવ્યાં મળી અઘ આપણાં, કરે કિયાં તે ફરિયાદ॥
હદ્ય મેલીને હાલિયો, બાંધી વૃષભ સાથે વેર॥ એવા અધર્મીને જોઈને, કહો કેને આવે મે’ર॥ એવી રીત નરકની કહી, પંચમસ્કંધ માંય જેહ॥ તેમની તેમ મેં લખી, કહે નિષ્કુળાનંદ એહ॥
કડવું ૧૩
હરિજનદ્રોહી વિપ્રવિરોધી, ગુરુદેવનો ગુનેગાર॥ એવો જે અભાગિયો, તે પડ્યો નરક મોઝાર॥ જે જેવાં કર્મ કરે, ભાઈ તેને જ તેવો દંડ॥ પછી પાપ તપાસી નાખિયો, કાળસૂત્ર નરકને કુંડ॥ પિતા વિપ્ર વેદ દ્રોહી, પશુ વેંધી કરે જે પાપ॥ તેહ પાપે કાળસૂત્રમાં, પાપી પામે છે સંતાપ॥
તે કુંડ ઊંડો ભૂંડો ઘણો, એને ઉપમા કેની દઈયે॥ પાપી પ્રાણીને પીડવા, સર્વે દુઃખનો સિંધુ કહિયે॥
દશ હજાર જોજન ફરતો, તાંબાવરણો છે તેહ॥ ઉપર હેઠે અગ્નિ અર્કે, અતિશય તપાવ્યો એહ॥ ભૂખ પ્યાસ પીડે ત્યાં અપાર, બળે દેહ અંતર ને બા’ર॥ માર્યા પશુ શરીરના વાળ, તેને લેખે કિંકર તતકાળ॥
એટલાં હજાર વર્ષ સુધી, મારે છે એ નરકમાં રુંધી॥ સુવે બેસે લોટે ઊભો થાય, ધોડે પડે ગોટિકલાં ખાય॥ તડફડે ફડફડે ઘણું, આવ્યું પાપ કરેલ આપણું॥ લીધો ઘેરી વેરી વશ થયો, મારો મારો કહે દુઃખ દિયો॥ શું વિચારી રહ્યા છો મનમાં, કરો પ્રહાર અતિ એના તનમાં॥ પછી તેમ જ દિયે છે દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ॥
એવી રીતે વીતે કંઈ દન, પછી નાંખ્યો અસિપત્ર વન॥ અસિ જેવી બેઉ કોરે ધાર, એવાં તાડના પત્ર અપાર॥
નિજધર્મ વેદે કહ્યો જેહ, આપત્કાળ વિના તજે તેહ॥ પરનો જે પાખંડ મારગ, ભરે અવશે તે માંહી પગ॥ નિચધર્મ માંહી બાંધી નેહ, તેમાં વટલાવે નિજદેહ॥ કરે અશુભ આહાર અભાગી, કુળધર્મ પોતાનો ત્યાગી॥
એહ પાપે અસિપત્ર વને, પડે પ્રાણી સહે દુઃખ તને॥ ધોડે ધાયે કપાય છે પંડ, દિયે દૂત ઉપરથી દંડ॥ તેણે કરી કરે હાય હાય, મુવો મુવો આવી મૂરછાય॥ ફળ પાખંડ ધર્મનું એહ, ભોગવી નર નીસરે તેહ॥ એવા નરકના કુંડના દુઃખ, તે તો કહ્યાં જાય કેમ મુખ॥ કે’તાં કે’તાં નાવે જેનો અંત, એવાં અહોનિશ દુઃખ અત્યંત॥
વળી આલોક માંહી અભાગી, કરે અન્યાય ન્યાયને ત્યાગી॥ રાજા રાજાના ચાકર જેહ, લૂંટે વણ વાંકે લોક તેહ॥
દિયે સંત વિપ્ર શિર દંડ, લૂંટે ઘર ગામ શે’ર ખંડ॥ વણ વાંકે કરે અનરત્ય, પછી નૃપ ને નૃપના ભૃત્ય॥ પડે સૂકરમુખ તે ઘડી, પીલે જેમ ચીચુંમાં શેલડી॥ એમ પીલે છે પાપીનું તન, તેણે કરે કાયર રોદન॥
વણ વાંકે રૈયતને રુંધી, લીધો દંડ મારી મૂવા સુધી॥ ના’વી મે’ર તેની મનમાંય, પરપીડાને ન જાણી કાંય॥ અતિ દુષ્ટ દયા નહિ લેશ, એવા પૃથવી પર નરેશ॥ એવા રાજા ને રાજાના ભૃત્ય, પડે સૂકરમુખે પામી મૃત્ય॥ સહે દુઃખ કાળ કંઈ જાય, ત્યારે એ દુઃખમાંથી મુકાય॥ સૂકરમુખનું દુર્ઘટ દુઃખ, તે ભોગવે હરિના વિમુખ॥
કર્યું નરસું નિઃશંક થઈ, એવા પ્રાણીની એ ગતિ કઈ॥ વળી આ લોકમાં જે વિમુખ, દિયે અલપ જીવને દુઃખ॥ ચાંચડ માંકડ જૂ જૂવા જેહ, બગા માંખી કીડી આદિ તેહ॥ પશુ પંખી વ્યાળાદિક વળી, એવા માર્યા જંતુ બહુ મળી॥
એહ પાપે પડે અંધકૂપ, જેમાં અતિ તમ દુઃખરૂપ॥ વળી ઝેરવાળા જંતુ બહુ, આવી વળગે અંગમાં સહુ॥ નાવે નિદ્રા નહિ સુખ ઘડી, ધોડે અકળાયે જાય પડી॥ શ્વાસ વિના જણાય શરીર, ચાલે આંખ્યમાં ચોધારાં નીર॥ હાય મુવો મુવો કહે મુખ, ભાઈઓ નથી ખમાતું આ દુઃખ॥ એમ ભોગવે દુઃખ અપાર, કૈક કલ્પ વીતે કાઢે બા’ર॥
પછી કર્યાં કર્મ તેહ વડે, પાપી કૃમિભોજનમાં પડે॥ જેણે ખાધું નહિ વેં’ચી અન્ન, વળી ન કર્યા પંચ જગન॥
નાપ્યું અતિથિને અન્ન કાંઈ, ખાધું એકલા ખૂણે સંતાઈ॥ એ પાપે નાખે જમ પરાણે, કૃમિભોજન નરકની ખાણે॥ શત સહસ્ર જોજન જેમાં જંત, ભર્યા કૃમિયા જેમાં અત્યંત॥ તેમાં નાખી કીટ ખવરાવે, દઈ માર મુખે ચવરાવે॥
કહે પાપ કરતો તું પ્રાણી, જમના દંડને જૂઠા જાણી॥ તે તો સાચાં થયાં પુણ્ય પાપ, હવે સુખે ભોગવ્ય તું આપ॥ સુખ સરવે ગયું છે મટી, આવ્યું એકલું દુઃખ ઊલટી॥ રાત દિવસ રોતાં ને રોતાં, દિન જાશે બહુ દુઃખ ડોતાં॥ એમ દઈ દૂત દુઃખ ભારે, કૈક વર્ષ વીતે કાઢે બા’રે॥ ત્યાંથી નાખે સંદશ મોઝાર, જેમાં દુઃખ તણો નહિ પાર॥
જેહ પાપે પડે એમાં જીવ, તેહ વાત કહુ તતખેવ॥ નરે ન કર્યાનાં કામ કીધાં, જેને તેને દુઃખ બહુ દીધાં॥
જેણે આ લોકે વિપ્રનાં ધન, ચોર્યા સુવર્ણાદિક રતન॥ વળી વણ પડ્યે આપતકાળ, ચોરે હેમ બીજાનું ચંડાળ॥ જેનું તેનું લેવું ઝડીઝોટી, ખરો તસ્કર નજર ખોટી॥ પાપી પોતાના સુખને કાજ, કરે દગા બહુ દગાબાજ॥
તેને નાખે છે સંદશ નરકે, જેના દંડ દુઃખે પ્રાણી થરકે॥ લાવે લોહસાણસિયો તાતી, તેણે તોડે ત્વચા કર છાતી॥ કાઢે તન તણી રગો તાણી, રખે ચોરતા જૂઠું એ જાણી॥ સર્વે ઋષિ મુનિનો એ મત, તે તો કે દી’ ન થાય અસત॥ મોટા મોટા ગયા એમ કથી, ખરાખરી છે ખોટી એ નથી॥ એમ ભોગવી દુઃખ વિકર્મી, ત્યાંથી કાઢી નાખે તપ્તસૂર્મી॥
જે પાપે એ નરકમાં પડે, કર્યાં કર્મ તે કેમ ન નડે॥ કામવશ થઈને કુકર્મી, કરે અનર્થ નર અધર્મી॥
આ લોકે અગમ્ય એવી દાર, પાપી તેશું કરે વ્યભિચાર॥ અથવા અગમ્ય એવો પુરુષ, કરે નારી સંગ કામવશ॥ તેહ પુરુષ અને તેહ નાર, પામે નરકમાં દુઃખ અપાર॥ તિયાં ત્રિયા કરે લોઢા તણી, અતિ તપાવે છે તેહ ઘણી॥
તેશું બથ લેવારે બહુ વાર, એકવારની વાર હજાર॥ તેમ લોઢાનો પુરુષ તપાવી, બથ ભરાવે નારીને લાવી॥ નારી નીરખે ચિંતવે ને સ્પરશે, તે નર મરી જન્મ જ્યાં ધરશે॥ તિયાં પામશે તેહનું ફળ, ખરો ખ્વાર થાશે નર ખળ॥ જેણે જોઈ નયણે પરનારી, થઈ કામાતુર ભૂર ભારી॥ તે નર જન્મોજન્મ આંધળો, થાય જાય જન્મ સઘળો॥
વળી જે જન ચિંતવે નારી, વિષયસુખ ન મેલે વિસારી॥ તે નર ક્ષયરોગમાં ખવાય, એવું ચિંતવ્યાનું ફળ થાય॥
જે નર સ્પર્શે પરનારી અંગ, થાય કોઢિયો તેને પ્રસંગ॥ એમ જન્મોજન્મ દુઃખ પામી, ખોશે આવરદાને હરામી॥ એ પ્રમાણે યોષિતાનું જાણો, મળે ફળ સમ પરમાણો॥ ભાંગી મર્યાદ મહાપ્રભુ કેરી, તેને ક્યાંથી મળે સુખ ફેરી॥
ભેળાં લીધાં છે પૂરણ ભાતાં, તે તો ખૂટશે નહિ ખાતાંખાતાં॥ કરી આવ્યો છે પૂરી કમાણી, જમપુરનું દુઃખ જૂઠું જાણી॥ એમ નરનારી થાય હેરાણ, જેના વિષય સાથે બાંધ્યા પ્રાણ॥ એમ દુઃખ પામે દોય આપ, જેણે કર્યાં છે પૂરણ પાપ॥ તેની વાત કહી બહુ વિધ, છે જો એમ પુરાણે પ્રસિદ્ધ॥ કહી નિષ્કુળાનંદે એ કથી, સત્ય માનજ્યો જૂઠી એ નથી॥
કડવું ૧૪
એહ નરકથી નીસર્યો, બહુ વરસ રહી બા’ર॥ ત્યાર પછી દુઃખ પામશે, તે કહું કરી વિસ્તાર॥ વજ્રકંટક શાલ્મલી, નામે નરક નિદાન॥ જેહ પાપે પાપી પડે, કહું સૌ સુણો દઈ કાન॥
પાપી પરત્રિય પશુ આદિ, કરે કામવશ પ્રસંગ॥ એહ પાપે પરલોકમાં, પામે તે દુઃખ અભંગ॥ સ્પર્શના જો સુખ સારુ, કર્યો ધર્મનો તે લોપ॥ તેની ઉપર દૂત જમના, કરે છે અતિશય કોપ॥ સમું કહેતાં વસમું, સમજતો નર સોય॥ વજ્રકંટકે વસિયો, જ્યાં સા’ય ન કરે કોય॥
વજ્ર સરીખે કાંટે કહિયે, શાલ્મલીનાં ઝાડ॥ તેહ ઉપર નાખી તાણે, પાડે ત્યાં રાડોરાડ॥
દેતાં દંડ જમદૂત હારે, ત્યારે જ આવે અંત॥ ચાલતો વહીવટ વિપત્તિનો, સત્ય માનજ્યો બુદ્ધિવંત॥ એમ પ્રાણી ભોગવે, નિત્ય પ્રત્યે દુઃખ અનંત॥ ત્યાંથી પડે વૈતરણીએ, ભાઈ કહું તેનું વરતંત॥
આલોકે નૃપ નૃપના જન રે, સતકુળમાં થયા ઉત્પન્ન રે॥ પણ ધર્મ મર્યાદાને ભાંગી રે, વર્તે અધર્મે નર અભાગી રે॥ એવા રાજા ને રાજાના ભૃત્ય રે, પડે વૈતરણીએ પામી મૃત્ય રે॥ જેમાં વિષ્ટા મૂત્ર પરુ લોઈ રે, કેશ નખ અસ્થિ મેદ સોઈ રે॥ માંસ ત્વચાએ ભરી વૈતરણી રે, દુઃખદાય કૈ’યે શું વરણી રે॥ નરક ખાઈરૂપ છે એ નદી રે, જેમાં જળ જંતુ રહ્યા મદી રે॥
જિયાં તિયાંથી તોડીને ખાય રે, તેને દુઃખે કરે હાયહાય રે॥ કર્યાં કર્મ સંભારે છે આપ રે, કે’ છે ક્યાંથી કર્યાં આવાં પાપ રે॥
પામે પીડા પ્રાણ ન નીસરે રે, હાય મુવોમુવો એમ કરે રે॥ એમ રાજા રાજાના પદાતિ રે, પામે પાપે દુઃખ દિન રાતિ રે॥ એવી વૈતરણી મહાવિકટ રે, જેમાં દુઃખ અતિ દુરઘટ રે॥ સહ્યું ન જાય શરીરે સોય રે, તમે સાંભળજ્યો સહુ કોય રે॥
વળી કહુ કુંડની રીત રે, જેમાં દુઃખ અતિ અગણિત રે॥ નર્ક નર્ક પ્રત્યે દુઃખ નોખાં રે, એક એક થકી અતિ ઓખાં રે॥ જેણે જેવાં કર્યાં હોય પાપ રે, તેવો તે પ્રાણી પામે સંતાપ રે॥ કર્યું કર્મ પોતાનું તે સે’વું રે, જેણે જેવું કર્યું હોય તેવું રે॥ વળી આ લોકે શૂદ્રીના સંગી રે, શૌચાચાર નિયમ ઉલ્લંઘી રે॥ નર પશુ પેઠે લજ્જા ત્યાગી રે, મનવશ વર્તે છે અભાગી રે॥
તે તો મરી પરલોકે જાય રે, પડે પુયોદ નરકની માંય રે॥ પરુ મૂત્ર વિષ્ટા લીંટ લાળ રે, તેનો ભર્યો સમુદ્ર કરાળ રે॥
તેમાં પડે પિયે ખાય તેહ રે, નર વૃષલીપતિ થયા જેહ રે॥ એમ વિચારી વિકળ ન થાવું રે, પડશે જરૂર જમપુર જાવું રે॥ તિયાં રંગીલાપણું નહિ રહે રે, સત્ય ધર્મવાળા સહુ કહે રે॥ મરડ ઠરડ મટાડશે મારી રે, કરજ્યો કર્મ વિચારી નરનારી રે॥
વળી પાપીના પાપ પ્રમાણે રે, નાખે પ્રાણરોધ નરક ખાણે રે॥ પ્રાણરોધમાં પડે છે પાપી રે, સુણો વાત સહુ કાન આપી રે॥ આ લોકે બ્રાહ્મણાદિક કૈ’યે રે, ખરા ખર સરીખા તે લૈયે રે॥ મારે મૃગને કરે અકાજ રે, જેની સત્યશાસ્ત્રે પાડી નાજ રે॥ તેહ મરી જમપુર જાય રે, પડે પ્રાણરોધ નરક માંય રે॥ તેનું કિંકર કરી નિશાણ રે, રોમરોમ વેંધે મારી બાણ રે॥
છેદી નાખે છે પાપીની છાતી રે, પામે પીડા કહી નથી જાતી રે॥ જોઈ જોઈ શરીરના હાલ રે, પછી રુવે કૃપણ કંગાલ રે॥
વળી આ લોકે પુરુષ દંભે રે, દંભમય જગન આરંભે રે॥ મારે પશુ એ જગન માંય રે, તે મરી વૈશાસન જાય રે॥ ઝાલે જમદૂત ગળે જોરે રે, મારે પશુ પેઠે તે બકોરે રે॥ પાડે કાળીરાડ્ય તે કુકર્મી રે, જે કોઈ ઇયાં થયા’તા અધર્મી રે॥
થોડા સુખ સારુ દુઃખ મોટું રે, બાંધી લીધી ભેળી પાપ પોટું રે॥ તે તો ભોગવે આવશે પાર રે, સહુ નિશ્ચે જાણો નિરધાર રે॥ વળી પોતાના પાપ પ્રતાપે રે, પડે લાલાભક્ષ માંય આપે રે॥ લાલાભક્ષનું દુઃખ અપાર રે, કહું કાંઈક તે નિરધાર રે॥ આ લોકે ત્રણે વર્ણના પુરુષ રે, આપે પાપી થઈ કામવશ રે॥ પોતાના વર્ણની જે નાર રે, પાપી તેશું કરે વ્યભિચાર રે॥
તેહ પાપે જમદૂત ત્યાંઈ રે, નાખે છે વીર્યની નદી માંઈ રે॥ મારી મુદગર મસ્તક માંય રે, પાપી જીવને વીર્ય ત્યાં પાય રે॥
આવે ઊબકા અતિ ઓકારી રે, તોય પીવરાવે મારી મારી રે॥ દિયે દંડ એમ દિનરાત રે, પામે પીડા પ્રાણી બહુ ભાત રે॥ વળી આપ પાપે પાપી જન રે, પડે છે તે સારમેયાદન રે॥ સારમેયાદનનું જે દુઃખ રે, તે તો કહ્યું જાય નહિ મુખ રે॥
જેહ પાપે પડે એહ માંઈ રે, તેહ સાંભળજ્યો કહું ભાઈ રે॥ કરે ચોરી મૂકે વળી આગ્ય રે, બાળે ગામ પુર વન જાગ્ય રે॥ દિયે ઝેર લૂંટે ગામ સાર્થ રે, એવો કરે છે પાપી અનર્થ રે॥ એવા કુકર્મના કરનાર રે, હોય રાજા કે રાજાના ચાકર રે॥ તે મરી જમપુરીમાં જાય રે, તેને જમના દૂત તોડી ખાય રે॥ શ્વાન સાતસો ને વીશ વળી રે, ચૂંથી ખાય છે પાપીને મળી રે॥
વજ્રસરીખી છે જેની દાઢ્યો રે, તોડે તન પાડે તેણે રાઢ્યો રે॥ કોણ મુકાવે મહાદુઃખમાંથી રે, જેણે સાચી વાત માની નથી રે॥
હોય સાચી વાતના કે’નારા રે, તે તો એને લાગ્યા નહિ સારા રે॥ વળી પાપીનો કરી તપાસ રે, નાખે અવિચી નરકમાં તાસ રે॥ અવિચીનું દુઃખ છે અલેખે રે, તે તો ભોગવશે રાઈ રેખે રે॥ તેમાં કરશે નહિ કાંઈ માપ રે, દેશે દુઃખ જોઈ જેવા પાપ રે॥
જેહ પૂરે જૂઠી સાખ્ય જન રે, બોલે અસત્ય લેતાં દેતાં ધન રે॥ આપી દાન ને બોલે અસત્ય રે, એવી પાપમય જેની મત્ય રે॥ પછી એને અવિચીથી નાખે રે, પાપીને કોણ પડતો રાખે રે॥ અવિચી નામે પર્વત જાણો રે, એવો નરક પ્રૌઢ પ્રમાણો રે॥ તેમાં ઊંચા પગ નીચું શીશ રે, એમ નાખે કિંકર કરી રીશ રે॥ શત જોજન ઊંચો છે એહ રે, તેને માથેથી નાખે છે તેહ રે॥
દીસે તરંગ નહિ જળ જેમાં રે, ભર્યા એકરસ પાણા તેમાં રે॥ થાય તલતલ કટકા તન રે, તોય મરે નહિ પાપી જન રે॥
એમ અસત્યના બોલનાર રે, સહે દુઃખ અપરમપાર રે॥ વળી વિપ્ર વિપ્રની જે ઘરુણી રે, કરે પ્રમાદે પાન વારુણી રે॥ વળી વિપ્ર વિના વર્ણ અન્ય રે, કરે વ્રતદિને સુરાપાન રે॥ ક્ષત્રી વૈશ્યાદિ પ્રમાદે વળી રે, જે પિયે છે સોમવલી મળી રે॥
તે પાપે એ જીવ નિદાન રે, પડે નરક નામે અયઃપાન રે॥ જ્યારે વિપ્ર આદિ ત્રણે વર્ણ રે, જાય જમપુરી પામી મર્ણ રે॥ તેની જમદૂત છાતી દબાવી રે, પાય લોહરસ તેને લાવી રે॥ તેહ દુઃખે કરે હાય હાય રે, ભૂખ પ્યાસે કરી પ્રાણ જાય રે॥ વળી ઈયાં અધમ નર છોટો રે, માને કરી માને છે હું મોટો રે॥ જે કોઈ જન્મ તપ વિદ્યા વર્ણે રે, મોટા આશ્રમ ચાર આચર્ણે રે॥
તેની ગણતી નહિ કહું કાંઈ રે, એવો અભિમાની મનમાંઈ રે॥ સૌથી જાણે પોતાને સરસ રે, બીજાને તો જાણે છે નરસ રે॥
તેનું કરે અપમાન અતિ રે, તે કરે ક્ષારકર્દમે ગતિ રે॥ હેઠું માથું ને ઊંચા છે પગ રે, નાવે થાહ પડ્યો તેમાં ઠગ રે॥ એવાં જમપુરીનાં જે દુઃખ રે, પામે પ્રાણી પ્રભુથી વિમુખ રે॥ સાચા સંતની શીખ ન માની રે, થયો અસંત સંગે અભિમાની રે॥
એવી અભાગી નરની રીત રે, ખોટા માંય છે ખરી પ્રતીત રે॥ જેવું જૂઠું અંતરમાં પેસે રે, તેવું સાચામાં મન ન બેસે રે॥ કહો કેમ થાય એહ સુખી રે, સાચી વાત ન માને મનમુખી રે॥ જે જીવના પરમ સનેહી રે, જાણ્યા શત્રુ સરીખા તેહી રે॥ તેહ પાપે પડે નરક માંય રે, ન મળે ઉપાય એનો હવે કાંય રે॥ હોય સમજુ તો સમજે સમું રે, લાગે અણસમજુને વસમું રે॥
વાત હેતની છે રાખો હૈયે રે, વારેવારે કેટલુંક કૈયે રે॥ કહે નિષ્કુળાનંદ કેટલું રે, આવું સુણી ચેતો તો છે ભલું રે॥
કડવું ૧૫
વળી અભાગી જીવને, સૂઝે જ અવળાં કામ॥ અઘમગમાં ચાલતાં, ક્યાંથી સુખને વિશ્રામ॥ ડોડા ભૂંડા ખાધાં ખરા, ધાંખે કરી ધંતૂરાતણા॥ ચડ્યો કેફ તેનો ચિત્તને, કહો કાંઈ રહે મણા?॥
સુણો સહું આ લોકમાં, કરે નરનારી મળી પાપ॥ કાળી ભૈરવ દેવ તામસી, જે જે નર પશુ મારી આપ॥ માંસ ખાઈ પશુ મનુષ્યનું, થાય નર નારી પ્રસન્ન॥ તેહ જાય જમપુરીએ, પડે રક્ષોગણ ભોજન॥ માર્યા નર પશુ અવતરી, ત્યાં રાક્ષસના ગણ થાય॥ જેમ ખાધું’તું માંસ એહનું, તેમ તેનું એહ જ ખાય॥
જેમ એ નરનારીએ, કર્યું હતું નૃત્ય ને ગાન॥ તેમનું તેમ રાક્ષસ કરે, ખાઈ માંસ કરી લોહીપાન॥
વળી આ લોકમાં અપરાધી રે, કરે પાપ ન કરે પારાધી રે॥ આવે શરણ જીવવાને જન રે, આણી અતિ વિશ્વાસ મન રે॥ એવા વન ગામના જીવ જેહ રે, આવે જીવવા આશરે તેહ રે॥ તેને શૂળ કે સૂત્રની ફાંસી રે, તેણે કરીને માર્યાં વિશ્વાસી રે॥
પછી મરી જમપુર જાય રે, તેને જમદૂત પ્રોવીને ખાય રે॥ આપે દુઃખ નાપે અન્નપાણી રે, આવે મૂરછા બંધાય વાણી રે॥ પડે પૃથવી ઉપર આપ રે, ત્યારે સંભારે પોતાનાં પાપ રે॥ ભાયો ક્યાંથી કર્મ આવાં કીધાં રે, ક્યાંથી જેને તેને દુઃખ દીધાં રે॥ એમ કહી પોકારે છે પ્રેત રે, પછી પડે ભૂમિએ અચેત રે॥ પડ્યો જાણી આવે પંખી ઝટ રે, લોહ ચાંચવાળાં કંક બટ રે॥
તે તો તોડી તોડી તન ખાય રે, પાપી પીડાય પ્રાણ ન જાય રે॥ એમ બહુ ભાતે દુઃખ ભોગવે રે, નોખા કષ્ટ કુંડ નવાનવે રે॥
નાવે અંત અત્યંત દુઃખનો રે, નહિ લવલેશ ત્યાં સુખનો રે॥ વળી આ લોકે નર જે તીખા રે, સ્વભાવ છે સર્પના સરીખા રે॥ જેને તેને દિયે બહુ દુઃખ રે, જેથી ન હોય કોઈને સુખ રે॥ પછી મરી જમપુર જાય રે, પડે દંદશૂક નરક માંય રે॥
સુણો ભાઈ એ નરકની વાત રે, મુખ જંતુનાં પાંચ વા સાત રે॥ અતિ કરડકણાં કરાળ રે, જાણું પાપી પ્રાણી તણો કાળ રે॥ ખાઉં ખાઉં ખાઉં એમ કરે રે, વણ વપુએ વડચકાં ભરે રે॥ તીખી દાઢો દીસે દુઃખદાઈ રે, એવા જંતુ એ નરકની માંઈ રે॥ ઉગ્ર સ્વભાવવાળાને એહ રે, તર્ત ગળી જાય જંતુ તેહ રે॥ પામે પીડા અતિ તિયાં ભારી રે, માટે કરવાં કર્મ વિચારી રે॥
વળી આ લોકમાં જે અભાગી રે, દિયે પરને દુઃખ દયા ત્યાગી રે॥ ખાડા કોઠલા ગુફા અંધારી રે, બીલ ભોમ જેમાં તમ ભારી રે॥
ઘર દર માંહી જીવ રૂંધી રે, મૂકે આગ્ય ધૂમ ત્યાં કુબુદ્ધિ રે॥ પછી તે પાપી પરલોક પામી રે, પડે અવટરોધને હરામી રે॥ ઝેર સહિત અગ્ન ધૂમાડે રે, રોકી એવે સ્થળે રોળ પાડે રે॥ ઈયાં જીવે કર્યાં પાપ જેમ રે, દિયે દંડ ત્યાં તેમનો તેમ રે॥
નથી અધિક ઓછું કરતા રે, રહે છે પ્રભુના ડરથી ડરતા રે॥ નથી ડરતો એ નર અભાગી રે, દુઃખ લિયે છે મુખથી જો માગી રે॥
વળી આ લોકે અભાગી નર રે, બાંધી બેઠા છે આશ્રમ ઘર રે॥ આવે આંગણે અતિથિ રાજ રે,અભ્યાગત અન્ન જળ કાજ રે॥ તે શું ક્રોધ કરી તતકાળ રે, કરે કરડી દૃષ્ટ કરાળ રે॥ અન્ન જળ જરાય ન આપે રે, સામું ક્રોધ કરીને સંતાપે રે॥
પછી જ્યારે પામે પાપી મૃત્ય રે, પડે નરકે નામ પર્યાવ્રત રે॥ તિયાં વજ્ર જેવાં ચાંચવાળાં રે, ગીધ કંક બટ જે રિસાળાં રે॥ ઝાલી બળે મારી ચાંચો પાંખો રે, કાઢી લિયે છે પાપીની આંખ્યો રે॥ ડોળા કાઢી લિયે દિયે માર રે, તેણે ચાલે છે રુધિરધાર રે॥ તેણે ભીંજાય મુખ શરીર રે, એવે દુઃખે રહે કેમ ધીર રે॥ એમ દિયે છે દંડ અપાર રે, સહે એવા પાપ કરનાર રે॥
સારું સુંદર નરતન પામી રે, કર્યાં પાપ રાખી નહિ ખામી રે॥ આવ્યા સમૂહ તેના સામટા રે, જેમ આવે ઘન ચડી ઘટા રે॥
વળી આલોકે કરી અનર્થ રે, બહુ પાપે કરી મેળ્યું ગર્થ રે॥ પામે ધન વાધે અભિમાન રે, જાણે નહિ કોય મુજ સમાન રે॥ ધનમદે બોલે વાંકાં વેણ રે, થયો દુર્બળને દુઃખદેણ રે॥ ધન ખરચતાં ખરખરો ઘણો રે, રાખે ભય રાજા ચોર તણો રે॥
મેળ્યું ધન જક્ષના સમાન રે, નાપ્યું તેમાંથી કોડી દાન રે॥ અભ્યાગત વિપ્ર ને કલોઈ રે, તેને અર્થે નાવ્યો દામ કોઈ રે॥ મેળ્યું ધન કેવળ કરી પાપ રે, તે ન ખરચ્યું ન ખાધું આપ રે॥ પછી ધન તન તજી તેહ રે, જાય જમપુરીમાંહી એહ રે॥ તેને નાખે સૂચિમુખ નરકે રે, પામે દુઃખ પાપી બહુ બરકે રે॥ જમદૂત દરજીની પેઠ્યે રે, એનું તન સીવી બહુ ગંઠ્યે રે॥
ચીરી ચામડી સોએ સીવે છે રે, મુવા સરીખો થઈ જીવે છે રે॥ સર્વે લોભનો લાભ દેખાડી રે, એક સીવે બીજો નાખે ફાડી રે॥
એમ બહુવિધિ આપે છે દુઃખ રે, તેહ ન કહેવાય ભાઈ મુખ રે॥ સુણી સર્વે પુરાણે અશેષ રે, કહ્યાં નરક એમ અઠ્ઠાવીશ રે॥ એહ વિના બીજા છે અપાર રે, સોએ સો ને હજારે હજાર રે॥ પાપી જીવને પીડવા કાજે રે, ધર્મરાયને રાખ્યા મહારાજે રે॥
જેણે જેવી કરી છે કમાણી રે, તેને ભોગવાવે તેવી જાણી રે॥ સંયમિનીને દક્ષિણ દ્વાર રે, નરક અગણિત છે અપાર રે॥ જેણે જેવાં કર્યાં હોય પાપ રે, તેવે નરક પડે પ્રાણી આપ રે॥ પડે સર્વે નરકે અધર્મી રે, હોય નર વા નારી વિકર્મી રે॥ નથી વાત જૂઠી એહ જાણો રે, સર્વે સાચી પુરાણે પ્રમાણો રે॥ તેને અર્થે કરે છે ઉપાય રે, દાન પુણ્ય વ્રત કહેવાય રે॥
એહ દુઃખને ટાળવા કાજ રે, કરે ઉપાય રંક ને રાજ રે॥ પણ પાપીનો સંગ નડે છે રે, તેણે કરી નરકમાં પડે છે રે॥
ખોટી દિશના દેખાડનાર રે, છે આ જગમાંઈ અપાર રે॥ તેના સંગને નથી તજતા રે, શુદ્ધ થઈ નથી હરિ ભજતા રે॥ આપ પાપે કરી નરક એહ રે, ભોગવે છે અનુક્રમે તેહ રે॥ તેમ ધર્મ અનુક્રમે જીવ રે, જાય સ્વર્ગાદિ લોકે સદૈવ રે॥
કેટલાક નરકેથી નીસરે રે, કેટલાક નરક માંય ગરે રે॥ એમ કૈક સ્વર્ગથી પડે છે રે, કૈક સ્વર્ગાદિ લોકે ચડે છે રે॥ એમ કરતાં વધે પુણ્ય પાપ રે, તેણે ફરે ચોરાશીમાં આપ રે॥ એમ રચી રહ્યો છે અખાડો રે, પ્રભુ ભજ્યા વિના છે પવાડો રે॥ ભજો હરિ તજી બીજી વાત રે, તો ટળે માથેથી જમઘાત રે॥ પ્રભુ ભજ્યા વિના એનો પાર રે, નથી આવતો જાણો નિરધાર રે॥
સાચા સંતનો સંગ કરીને રે, ભજો ભાવે કરીને હરિને રે॥ જો કોઈ ઇચ્છો એ ટાળવા દુઃખ રે, રહો શ્રીહરિને સનમુખ રે॥
જે એ દુઃખ કહ્યાં કથી કથી રે, તે તો હરિજન પર નથી રે॥ માટે હરિજન સહુ થાઓ રે, શીદ જમપુરીમાંહી જાઓ રે॥ મો’રે મોટા મોટા જો વિચારી રે, થયા ભકત પ્રભુજીના ભારી રે॥ રાજ સાજ સુખ ને સંપત્તિ રે, તજી ભજ્યા પ્રભુ પ્રાણપતિ રે॥
તે તો એ દુઃખ ટાળવા કાજ રે, મેલ્યો સર્વ સુખનો સમાજ રે॥ સુખ મૂકીને દુઃખને લેવું રે, તે તો ન ગમે કોઈને એવું રે॥ પણ જમપુરીનાં દુઃખ જાણી રે, ખરી પ્રતીત મનમાં આણી રે॥ તૈયે મેલી દીધો એ મારગ રે, પછી સુખમારગે ભર્યા પગ રે॥ માટે સહુને જોવું તપાસી રે, નથી આગળ ખેલ ને હાંસી રે॥ કહે નિષ્કુળાનંદ નિરધાર રે, કરવો સહુને એનો વિચાર રે॥
કડવું ૧૬
હવે સુણો સહુ શુભમતિ, કહુ કથા સુંદર સાર॥ પ્રગટ પ્રભુ ભજ્યા વિના, પામે પ્રાણી દુઃખ અપાર॥ સહે દુઃખ સોળે શહેરનાં, ભોગવે નરક અગણિત॥ પછી ચાલે ચોરાશિયે, સુણો સહુ કહું તેની રીત॥
ચોરાશી રાશિ દુઃખની, છે અતિ અતોલ અમાપ॥ જેમાં જીવ જૂજવા, પામે છે પરિતાપ॥ જેને માથે એહ દુઃખ છે, તે નથી સુખી લગાર॥ કોણ ડાહ્યાં ભોળાં કહિયે, કોણ ગુણવંત ને ગમાર॥ કોણ રંક રાજા કહિયે, કોણ શ્રીમંત ને શાહુકાર॥ જેને માથે જન્મ મરણ છે, તે તો સર્વે એક જ હાર॥
કોણ જોગી જતિ કહિયે, કોણ ત્યાગી તપસી તેહ॥ ચોરાસીનું નવ ચૂકિયું, તો અમથો કલેશ એહ॥
હાર્યો જીત્યો કોણ જાણિયે, કોણ સતી ને શૂરવીર॥ દાતા દીન કેને કહિયે, જેને એહ દુઃખ છે શિર॥ જેહ કષ્ટ કહેવાય નહિ, જિહ્વાએથી જરૂર॥ ચવું ચારે ખાણ્યનાં, ભારે દુઃખ ભરપૂર॥
અંડજ ઉદ્ભિજ સ્વેદજ જરાયુજ, ખરી એ ચારે ખાણ॥ એકવીશ લાખ એક એકમાં, તેહ પિંડ ધરે પરિમાણ॥ કિયાંક સુખી કિયાંક દુઃખી, તન સહે ત્રિવિધ તાપ॥ શરીરધારી સુખી નહિ, સદા રહે શિર સંતાપ॥ શુભાશુભ કર્મ અનુસાર, પામે જીવ બહુ અવતાર॥ લખ ચોરાશી ખાણો છે ચાર, ધરે તેમાં જૂજવા અવતાર॥
અંડજ ખાણ્યનાં જે અવતાર, તેના કહેતાં તે ન આવે પાર॥ સુખ થોડું ને દુઃખ અત્યંત, એવાં ધરવાં તન અનંત॥
જળજંતુ અંડજ કહેવાય, તેના દુઃખનો થાહ ન થાય॥ મત્સ્ય કચ્છ ક્રચલા કાતરણી, બીજી બહુ જાતી ન જાય વરણી॥ કીડી મકોડી ક્રોળાં ગરોળાં, માખી મણિધર ટીડડાં બો’ળાં॥ ભમર તમર આદિ ભણિયે, એ પણ અંડજમાંય ગણિયે॥
એહ આદિ જે જંતુ અપાર, મરે ધરે ત્યાં લે અવતાર॥ સુખ નહિ નહિ દુઃખ સરું, નિત્યે કષ્ટ પામે તિયાં નરું॥ શીત ઉષ્ણ વળી તનત્રાસ, હર્ષ શોક સહે ભૂખ પ્યાસ॥ આપથી સબળો દુઃખ આપે, પોતે પણ નિર્બળને સંતાપે॥ એમ સુખ દુઃખ સહેતાં અપાર, જાય જન્મ લાખ અગિયાર॥ ત્યારે જળ જંતુ જન્મ ટળે, સત્ય કહ્યું છે સંત સઘળે॥
વળી કર્મ અનુસારે એહ, પ્રાણી પામે છે પંખીના દેહ॥ સહે ત્રણ કાળના તે દુઃખ, પળ એક પામે નહિ સુખ॥
સહે અમોઘ મેઘની ધાર, શીત ઉષ્ણનું દુઃખ અપાર॥ ભૂખ પ્યાસમાં પીડાય બહુ, હર્ષ શોકમાં આતુર સહુ॥ એમ દશ લાખ ધરે દેહ, ત્યારે અંડજથી મુકાય એહ॥ અગિયાર દશ એહ કહ્યાં, મળી એકવીશ લાખ થયા॥
એક અંડજ ખાણ્યનાં જાણો, સત્ય વાત સહુ પરમાણો॥ ઉદ્ભિજમાં ધરે અવતાર, કહું સાંભળો તે નિરધાર॥ ખરાં ખાંણ્ય ચારેનાં જે દુઃખ, પામે પ્રભુથી છે જે વિમુખ॥ પ્રાણી આપ પાપ પ્રતાપે, પામે સ્થાવરનાં દેહ આપે॥ ઝાડ પા’ડમાં ધરે શરીર, કૈક કલ્પ લગી રહે સ્થર॥ બળે સળે કુઠારે કપાય, સિંચ્યાં વિના સમૂળાં સુકાય॥
શીત ઉષ્ણ સુખ દુઃખ સહે, આવે જાય નહિ સ્થિર રહે॥ વન વેલી ગુચ્છ ગિરિ તૃણ, થાય અગ્નિથી અચિર મરણ॥
એમ એકવીશ લાખ વાર, પામે ઉદ્ભિજમાં અવતાર॥ એમ લેતાં જન્મ પૂરા થાય, ત્યારે સ્થાવર દેહથી મુકાય॥ પછી સ્વેદજ ખાણ્યે શરીર, ધરે અભાગી જીવ અચિર॥ કર્યાં કર્મ થઈ તેને વશ, ધરે તન કૃમિ કીટ અવશ॥
ચાંચડ માંકડ જૂજૂવા સવા, ગિંગોડી ઈતડીને કંથવા॥ મોલો મચ્છર ધનાં માટલિયાં, એળ્યો શાળ્યો પુરાદિ મામલિયાં॥ એહ દેહમાંહી નહિ સુખ, પામે પીડા પ્રભુના વિમુખ॥ મુવા પછી શું નરકે જાય, એ તો જીવતાં છે નરકમાંય॥ એમ સહેતાં સુખ દુઃખ શીશ, વીતે જન્મ લાખ એકવીશ॥ ત્યાં સુધી રહે દુઃખી અપાર, પછી સ્વેદજથી કાઢે બા’ર॥
વળી જરાયુજ ખાણ્યમાં જેહ, જીવ ધરે છે જૂજવાં દેહ॥ નિજ કર્મ બંધે બંધાણો, ધરે પશુના જન્મને જાણો॥
સુખ નહિ ને સંકટ ઘણો, કહ્યો ન જાય મુખથી તે તણો॥ પડે પરવશ ને પરહાથ, બળે ગળે બાંધી ઘાલે નાથ॥ જોડે છોડે વાળે તેમ વળે, મગાવે લગાવે પાય સઘળે॥ આપે ખાવા પીવાને તો ખાય, નૈ’તો બાંધ્યા બાંધ્યા તે સુકાય॥
પરભયથી ભાગતો ફરે, પાણી ન પિયે ચારો નવ ચરે॥ કૈક ખીલે રહ્યાં છે બંધાઈ, અહોનિશ કીચવિચ્ચ માંઈ એમ નાનાં મોટાં પશુ પ્રાણી, સહે દુઃખ ભૂખ લિયો જાણી॥ સત્તર લાખ વાર તન ધારે, છૂટે પશુના જન્મથી ત્યારે॥ એહ દુઃખ જરાયુજનાં કહ્યાં, કહું બીજાં જે કહેવાનાં રહ્યાં॥ ચારે ખાણ્યનાં દુઃખ કહું ચવી, જે જે જીવ આવ્યો છે ભોગવી॥
પછી કર્મ અનુસારે એહ, પામે ચૌદ લાખ મનુષ્યના દેહ॥ તેમાં પણ અષ્ટ પ્રકાર, સુણો સહુ કહુ નિરધાર॥
કપિ નોળ ખિસકોલા કહિયે, રીંછ ને જળમાણસાં લહિયે॥ એકલટંગાં ઘૂડમુખાં ગણું, અષ્ટમું તન તે મનુષ્યતણું॥ તેમાં પણ છે બહુ પ્રકાર, સર્વે સરખા નહિ અવતાર॥ ભાઉ ભીલ કસાઈ કલાર, પારાધી ફાંસિયા મચ્છીમાર॥
મહામ્લેચ્છ નીચના જે દેહ, અતિ પાપમય તન તેહ॥ એહ માંયલું આવે એક તન, તેણે ન થાય મોક્ષનું જતન॥ કપિ આદિ કહ્યાં તન સાત, તેમાં તો નહિ મોક્ષની વાત॥ અષ્ટમું દેહ મનુષ્યનું કા’વે, તેહ પણ જો પાપીનું આવે॥ ન સરે અર્થ ન થાય કલ્યાણ, પાછી ચોરાશી ને ચાર ખાણ॥ અથવા આવે જો ઉત્તમ તન, મળે કુસંગ તો મૂળગા દન॥
દેશ કાળ ક્રિયા ધ્યાન જેહ, શાસ્ત્ર દીક્ષા મંત્ર સંગ તેહ॥ એહ અવળાં હોય જો અષ્ટ, આપે આ લોકે પરલોકે કષ્ટ॥
હોય સવળાં તો સરે કામ, પ્રાણી પામે શ્રીહરિનું ધામ॥ એહ સવળાં તે સતસંગ, એહ અવળાં તે કહિયે કુસંગ॥ સતસંગે કરી સરે કાજ, કુસંગે કરી નરક સમાજ॥ જે જે દુઃખ થયાં થાશે અંગે, હમણાં દુઃખી તે પણ કુસંગે॥
જે જે દુઃખ કહ્યાં સર્વે કથી, તે તો સૌ પામે છે કુસંગથી॥ કુસંગ છે કારણ દુઃખનું, સતસંગ છે કારણ સુખનું॥ કુસંગનો સંગ સહુ ત્યાગી, સર્વે હરિને ભજો સુભાગી॥ કુસંગ તો કરશો મા કોઈ, જમપુરીનાં દુઃખને જોઈ॥ કુસંગના ડરથી તો ડરવું, તો મટે જનમવું ને મરવું॥ જન્મમરણનાં દુઃખ છે જેહ, તે તો કહી સુણાવ્યાં મેં તેહ॥
તેહ સાંભળ્યું સૌએ સંકટ, વેઠ્યું જાય નહિ છે વિકટ॥ તે સમામાં વીતે છે પ્રાણીને, તે તો મનમાં રહે છે જાણીને॥
કહેવા જેવો નથી એહ સમો, ગમે તેવાં દુઃખ આવી દમો॥ તે તો જાણે છે પોતાનો જીવ, કાં જાણે છે પરમ હેતુ પીવ એહ સમો છે અતિ આકરો, ખમ્યો ન જાય છે ખરાખરો॥ એહ દુઃખ ટાળવા ઉપાય, કરવો સમજી સહુને સદાય॥
તજી કુસંગ સત્સંગ કરિયે, તો ફરી ભવફેરા ન ફરિયે॥ કહિયે વારે વારે શું કેટલું, કરવું સહુને પોતાનું ભલું॥ સહુ જને આ કથા સાંભળી, કરવો સત્સંગ સર્વેને મળી॥ કહે નિષ્કુળાનંદ નિરધાર, કહ્યું સર્વે વાતનું આ સાર॥
કડવું ૧૭
વિવિધ ભાતે વર્ણવી, કહ્યાં કષ્ટ જીવનાં જેહ॥ તેહ સાંભળતાં શ્રવણે, સહુના તે કંપે દેહ॥ અલ્પ આયુષ્યમાં એવડી, પીડા પામે છે પ્રાણી અપાર॥ એહ દુઃખની આગળે, સુખ સ્વપ્ના જેવો સંસાર॥ મનુષ્ય દેહને મૂકતાં, દુઃખ તરત છે એ તૈયાર॥ તેનો ઉપાય અભાગિયા, કાં રે કરો નહિ નરનાર॥
માથે નગારાં મોતનાં, વાજે છે બહુ વિધ॥ પળે પળે રીત પલટે, પેખી જુવોને પ્રસિદ્ધ॥
બાળ જુવાપણ બે ગયાં, વૃદ્ધપણ વણસતું જાય॥ આજ કાલ્યમાં ઊઠી ચાલવું, સહુ વિચારો મનમાંય॥ યાંથી અચાનક ચાલતાં, સઈ વસ્તુ આવશે સાથ॥ વણ સમજ્યે વિપત્તિની, શીદ ભરી રહ્યા છો બાથ॥
સાચો સમાગમ શોધીને, ટાળો માથેથી એ ત્રાસ॥ નરસે સંગે નહિ મટે, મરણ ને ગર્ભવાસ॥ મેં કહ્યું આ જીવને, કુસંગ છે દુઃખરૂપ॥ કુસંગ કહિયે જેહને, કહુ તેહનું હવે સ્વરૂપ॥ મોટો કુસંગ તે નિજદેહ, જેમાં જીવે બાંધ્યો છે સનેહ॥ એહ અર્થે કરતાં અનર્થ, જીવ ખુવે છે જનમ વ્યર્થ॥
કૂડ કપટ દગા ને ઘાત, થાય દેહ સારુ સર્વે વાત॥ છળ ચોરી હિંસા કરી હણે, આપ સ્વારથે પાપ ન ગણે॥
એવું પાપ નથી જગ માંય, જે કોઈ શરીર સારુ ન થાય॥ જ્યારે પિંડસુખ સામું પેખે, ત્યારે દોષમાત્રને ન દેખે॥ પરત્રિય પરધન લેવું, તનસુખ સારુ કરે એવું॥ દેહ સાથે સનેહ છે જેને, નહિ ધર્મ નિયમ લાજ તેને॥
દેહઅભિમાની નરનારી, થાય એથી અનરથ ભારી॥ જેણે દેહમાંહી સુખ માન્યાં, કરે પાપ કૈ પ્રગટ છાનાં॥ પોતાના પિંડના સુખ સારુ, કરે પાપ હજારે હજારુ॥ જેણે કરી જમપુર જવાય, તેનો ન કરે વિચાર કાંય॥ ન ખાધા સરીખું તેહ ખાય, ન પીધા સરીખું પીયે પાય॥ તે તો દેહના સુખને અર્થ, થાય અતિ ઘણા તે અનર્થ॥
જે અનર્થે જમપુરી જવાય, માટે મોટો કુસંગ એ કહેવાય॥ તેહ સારુ તજવો સનેહ, જાણી કુસંગરૂપ આ દેહ॥
દેહ માન્યે માને માઈબાપ, દેહ માન્યે માને પર આપ॥ દેહ માન્યે માને ભગિની ભ્રાત, દેહ માન્યે માને નાત જાત॥ દેહ માન્યે માને ગૃહ મેરી, દેહ માન્યે માને વા’લાં વેરી॥ દેહ માન્યે માને મારું તારું, દેહ માન્યે મમત હજારું॥
દેહ સારુ શુભાશુભ થાય, તેનો દોષ દેખે નહિ કાંય॥ અંધધંધ થઈ કરે પાપ, તે તો દેહ સારુ સહુ આપ॥ સર્વે નરકે જાવાનો સામાન, કરે જેને દેહ અભિમાન॥ માટે મોટો કુસંગ આ દેહ, તેશું તજવો જોયે સનેહ॥ તેહ વિના કુસંગ છે અન્ય, કહું તે પણ સાંભળો જન॥ કુસંગ તે ક્રવ્યાદની પેર
હરિ ને હરિના અવતાર, પાપી તેને ઘસારો દેનાર॥ શ્રીકૃષ્ણ જે ગોલોકપતિ, જનસુખદાયક મૂરતિ॥
ધરે જુગોજુગમાં અવતાર, કૈક જીવનો કરવા ઉદ્ધાર॥ વરાહાદિક વપુને ધારી, રહે ભૂભાર હરવા મુરારિ॥ દઈ દરશ પરશનું દાન, હરે કૈક જીવનું અજ્ઞાન॥ તેને તજીને અભાગી જન, કરે અન્ય દેવનું ભજન॥
કાળી ભૈરવ ભૂત ને વીર, પાપી માને પાવલિયા પીર॥ તેને બલિદાન દેવા બહુપેર, મારી જીવને કરે ઝમેર॥ એવા પાપીની પ્રતીતિ આવે, તોય પણ જમપુરીમાં જાવે॥ જેણે મનુષ્યદેહ આવી આપી, તેનો પાડ માને નહિ પાપી॥ કોઈક કર્મ કરી પ્રધાન, માને મોક્ષે જાવાનું હેવાન॥ કર્મે કરી સરવે થાય છે, એમ કર્મના ગુણ ગાય છે॥
પરમેશ્વરનો બેઠા પાડી કાળ, નાસ્તક એવા નર છે ચંડાળ॥ એનો સંગ તે કુસંગ કહેવાય, તેને સંગે જમપુર જવાય॥
કોઈક અદ્વૈતની ઓટ્ય લઈ, કરે કુકર્મ બેશર્મ થઈ॥ મેલી શરણ શ્રીકૃષ્ણ તણું, કરે મન જેમ માને આપણું॥ એક બ્રહ્મ કહી ભ્રમાવે લોક, કહે કર્મ ધર્મ સર્વે ફોક॥ કરે પાપ પુણ્ય થકી પાડે, તેમા નિર્દોષપણું દેખાડે॥
એવા નર જે હોય અભાગી, જાણી કુસંગ મૂકવા ત્યાગી॥ એનો સંગ ન દેવો લાગવા, એ છે જમપુરીના આગવા॥ કળિ માંય છે કુસંગ ઘણું, સુણો જન આચરણ તેહતણું॥ સત્ય શાસ્ત્ર મર્યાદને મેલી, મન મતે વરતે છે ફેલી॥ પાપી તજી નિજ કુળધર્મ, વિષય સારુ કરે છે વિકર્મ॥ વળી પેટ ભરવા પાખંડી, કરે અધર્મ ધર્મને છંડી॥
થઈ અભાગી નર ચંડાળ, કરે કરાવે જાતિવિટાળ॥ કોઈક નિજ માતા સુતા સંગ, કરે ભગિની સાથે વ્રતભંગ॥
એવા પંથ કળિમાં છે બહુ, તેમાં માની બેઠા મોક્ષ સહુ॥ તે તો સત્યશાસ્ત્ર જૂઠાં થાશે, ત્યારે એમાં કલ્યાણ કે’વાશે॥ માટે એવો સંગ તે કુસંગ, તેનો ન દેવો લાગવા રંગ॥ હોય પૂર્વ જનમનાં પાપ, મળે એવો સંગ તે પ્રતાપ॥
મળે વાઘ નાગ વિષ ખારું, પણ કુસંગ થકી સૌ સારું॥ એથી એક જનમ જાય જાણ્ય, કુસંગથી કોટી કોટી હાણ્ય॥ માટે કુસંગ કેણે ન કરવો, પાપરૂપ જાણી પરહરવો॥ એવા કુસંગને સંગે રહ્યા, તે તો લખ ચોરાશીમાં ગયા॥ વિધ વિધ સહ્યા જમદંડ, વળી ધરશે ચૌ ખાણ્યમાં પંડ॥ વર્ષા શીત સેહશે તને તાપ, તે તો કુસંગને પ્રતાપ॥
ફરશે ભરશે ચારે એ ખાણ્ય, ધરશે સ્થાવર જંગમ તન જાણ્ય॥ મહાકુસંગની ખોટ્ય મોટી, જેણે જન્મ લેવા કોટિ કોટિ॥
તેહ સારુ તે જોવું તપાસી, નથી આગળ ખેલ ને હાંસી॥ ત્યાં તો સરે સાચાથી જો કાજ, નહિ રહે કપટીની લાજ॥ દેહપાળક ઇન્દ્રના દાસ, તેનો રાખવો નહિ વિશ્વાસ॥ એને સંગે ખોટ્ય નવ ખાયે, સાચા સંત હોય તિયાં જાયે॥
પશુ પેઠે ન રહેવું બંધાઈ, સત્ય અસત્ય ઓળખવું ભાઈ॥ એહ કહી કુસંગની રીત, તેશું કે દી ન કરવી પ્રીત॥ માત તાત ભગિની જે ભાઈ, સુત દારા કુળ સગાં સાઈ॥ હરિ ભજતાં પાડે જે ભંગ, તે તો કહિયે સર્વે કુસંગ॥ દેવ ગુરુ અધ્યારુ પ્રવેણ, અન્નદાતા મિત્ર સુખદેણ॥ એહ હરિ ભજતાં જો વારે, સમજી શત્રુ તજી દેવા ત્યારે॥
મતિયાં પંથિયાં પરપંચી, બેઠા અભક્ત ભાગશી રચી॥ પીરા કબીરા પ્રભુના દ્રોહી, એહ આદ્યે એવાં બીજા કોહી॥
તેનો રાખવો નહિ વિશ્વાસ, જેથી ટળી જાયે હરિદાસ॥ પૃથ્વીપતિ પ્રધાન પટેલ, તે પણ હોય કુસંગે ભરેલ॥ દઈ ડારો ને દબાવી રાખે, હરિ ભજતાં વિઘન નાખે॥ તેનો દેશ ગામ તજી દેવું, જાણી અસુર મનમાં એવું॥
જેમ તેમ કરવો નિભાવ, પણ એનો કરવો અભાવ॥ એવો કુસંગ ક્યાં લગી કહું, કે’તાં કે’તાં તે પાર ન લહુ॥ એવાં કહ્યાં કુસંગ ઠેકાણાં, રહ્યાં ઘણાં ને થોડાં લખાણાં॥ જમપુરે લૈ જાવા જમાન, એહ સહુ રહે છે સાવધાન॥ માટે સચેત રહેવું સદાય, નહિ તો પોં’ચાડે જમપુરી માંય॥ હરિભક્તિમાં પડાવે ભંગ, કહે નિષ્કુળાનંદ એ કુસંગ॥
કડવું ૧૮
સદમતિ સહુ સાંભળો, મેં કહ્યું કુસંગનું રૂપ॥ અસત્ય નથી એમાં અણુ, છે તેમ જ તે તદરૂપ॥ વિષ વ્યાળ વેરી થકી, કહો સુખ પામે કુણ॥ અનેક જુગ વીત્યા વીતશે, તોય તેમાં તેના તે ગુણ॥ તેમ કૃતઘની નરથી, પ્રાણી પામે દુઃખ અપાર॥ તેનું આશ્ચર્ય નહિ કશું, નિશ્ચય જાણો નિરધાર॥
વળી કહ્યું મેં સતસંગથી, મટી જાય છે મહાદુઃખ॥ કહુ રૂપ હવે તેહનું, જેથી જીવને થાય છે સુખ॥
સુણો સર્વે હવે નર નાર, કહું સત્સંગનું રૂપ સાર॥ અતિ મહિમા જેનો છે અપાર, કહેતાં કોઈ પામે નહિ પાર॥ શેષ મહેશ ને સરસ્વતી, ગુણ ગાય જેના ગણપતિ॥ વળી શ્રીહરિ શ્રીમુખે કરી, ગાય સંતના જશ શ્રીહરિ॥
શોધી જોતાં સંતની સમાન, નથી ત્રિલોકે વસ્તુ નિદાન॥ કલ્પતરુ કામધેનુ જેહ, શુદ્ધ પારસ ચિંતામણિ તેહ॥ નવ નિધિ સિદ્ધિ સર્વે મળી, એહ આદિ સમૃદ્ધિ સઘળી॥ શોધી જોતાં એ સર્વેનું સાર, સુખ અલ્પ ને દુઃખ અપાર॥ તે તો સંત સમ તોલ નાવે, જેના જશ નિગમ નિત્ય ગાવે॥ એવા સંત સહુના સુખકારી, જેના હૃદામાં રહ્યા મુરારી॥
શુભ ગુણના સદન સંત, તેનો મહિમા મોટો છે અત્યંત॥ પરમારથી પુણ્ય પવિત્ર, નહિ શત્રુતા સહુના મિત્ર॥
કહિયે દિલના દયાળુ એને, ક્ષમા કરવાનો સ્વભાવ જેને॥ સર્વે જીવના છે હિતકારી, શીત ઉષ્ણ સહે દુઃખ ભારી॥ કેના ગુણમાં અવગુણ ન ગોતે, શાંત સ્વભાવવાળા છે પોતે॥ નથી શત્રુ જેને જગમાંય, વળી વર્તે છે વણ ઈરષાય॥
નથી કેને ઉપર જેને વેર, માને રહિત મને અતિ મે’ર॥ મત્સર નહિ સહુનું સહેવું, ઘટે બીજાને તેમ માન દેવું॥ સત્યરૂપ સૌને લાગે પ્યારી, એવી વાણી બોલે છે વિચારી॥ કામ ક્રોધ લોભ મોહ જીતી, નથી કોય મદપર પ્રીતિ॥ વળી દેહમાંહી અહંબુદ્ધિ, પદારથ જે દેહના સંબંધી॥ તેમાંથી અહંમમતનો ત્યાગ, સ્વધર્મમાં દૃઢ અનુરાગ॥
દંભે રહિત દયાના ભંડાર, સદા પવિત્ર ભીતર ને બા’ર॥ વળી દેહ ઇન્દ્રયો દમનાર, સરલ સ્વભાવ અતિ ઉદાર॥
જીતી છે ઇન્દ્રયો સર્વે જાણો, વળી પ્રમાદ રહિત પ્રમાણો॥ સુખ દુઃખ માન અપમાન, હર્ષ શોક લાભ વળી જ્યાન॥ તેણે કરી પરાભવ પામી, ધીરજતામાં ન આવે ખામી॥ કર્મ ઇન્દ્રિયોનું ચપળપણું, ટાળ્યું છે જ્ઞાન ઇન્દ્રિયોતણું॥
નિજધર્મ અનુસારે આવે, તેણે કરીને દેહ નિભાવે॥ તે વિના અધિક પદારથ, ન સંગ્રહે જાણી અનરથ॥ વળી બીજાને બોધ કરવા, અતિ ચતુર અજ્ઞાન હરવા॥ માને પોતાને આતમારૂપ, તેમાં નિષ્ઠા અતિશે અનૂપ॥ યથા યોગ્ય જીવની ઉપર, કરે ઉપકાર બહુ પેર॥ કોય પ્રકારનો ભય નથી, નથી ડરતા કોઈના ડરથી॥
અપેક્ષા પદારથ કોઈની, નથી ઇચ્છા સુખદ સોયની॥ દ્યૂતાદિક વ્યસને રહિત, સદા વર્તે છે શ્રદ્ધા સહિત॥ અતિ ઉદાર સ્વભાવે યુક્ત, તપ કરવા નિષ્ઠા એવા મુક્ત॥ ન કરે કોઈ પ્રકારનું પાપ, ત્યાગે વાત ગ્રામ્યકથા આપ॥
પંચ વિષયની આસક્તિ ટળી, આસ્તિક મતિવાળા છે વળી॥ સત્યાસત્યના વિવેક યુક્તે, મદ્ય માંસાદિ કે દી ન ભુક્તે॥ સતશાસ્ત્ર સુણવા વ્યસન, દૃઢ વ્રત ધાર્યા જેણે મન॥ ચાડી ચોરી કેદિયે ન કરે, હેરુપણું પરું પરહરે॥ છાની વાત કોઈની જો હોય, બીજા આગળ ન કહે સોય॥ જીતી નિદ્રાને જીત્યો આહાર, એવા સંત સદાય ઉદાર॥
જેવું મળે પદારથ જ્યારે, સદા સંતોષ રહે છે ત્યારે॥ નિજધર્મ વિષે બુદ્ધિ ઠેરી, હિંસા રહિત વૃત્તિ જેહ કેરી॥
પદારથની તૃષ્ણાને ટાળી, થાય પોતાને સુખદુઃખ વળી॥ તેમ પારકું સુખદુઃખ જાણે, પોતાને થાય તે પરમાણે॥ સતશાસ્ત્ર પાડે જેની નાજ, તે ન થાય આવે અતિ લાજ॥ ન કરે પોતે પોતાનાં વખાણ, ન કરે બીજાની નિંદા સુજાણ॥
સત્યશાસ્ત્રે કહ્યા નિષ્કામ, બ્રહ્મચર્ય વ્રતધારી નામ॥ અષ્ટ પ્રકારે પાળે છે એહ, જથારથ જાણી લિયો તેહ॥ યમ નિયમ જુક્ત છે એ જન, જેણે જીત્યાં છે સર્વે આસન॥ પ્રાણવાયુને જીત્યો છે જેણે, પ્રીત શ્રીહરિમાંય છે તેણે॥ શ્રીહરિનાં જે ચરણ કમળ, તેનો દૃઢ આશ્રય અચળ॥ શ્રીકૃષ્ણની ભક્તિપરાયણ, સદા રહે છે દિવસ રયણ॥
કરે કૃષ્ણ અર્થે ક્રિયા સર્વ, તજી માન મોટાઈ ને ગર્વ॥ શ્રીકૃષ્ણ અવતાર ચરિત્ર, હરખે સુણે શ્રવણે પવિત્ર॥
અવતારચરિત્રનું ગાન, કરે કીર્તનને તે નિદાન॥ કૃષ્ણમૂર્તિનું કરે છે ધ્યાન, તે પરાયણ છે જેનું તાન॥ હરિભક્તિ વિના કોઈ કાળ, નથી ખોતા એવા છે દયાળ॥ નિત્ય નારાયણને ભજે છે, અન્ય વાસના સર્વે તજે છે॥
એવાં લક્ષણે યુક્ત જે સંત, સત્પુરુષ કે’વાય મહંત॥ એહ આદિ શુભ ગુણ જેહ, હોય સાચા સંતમાંહી તેહ॥ એવા સદગુણે જે સંપન્ન, તેને કહિયે સાચા સંતજન॥ એવા સાચા સંત હોય તિયાં, હોય પ્રગટ શ્રીહરિ જિયાં॥ હરિ હોય તિયાં હરિજન, સતસંગની રીત પાવન॥ કાં તો મળે હરિ ધરી તન, કાં તો મળે તેના મળ્યા જન॥
સતસંગ એ ઉભય કહિયે, તેહ વિના કલ્યાણ ન લહિયે॥ કહી રીત એ સતસંગ તણી, જથારથ જાતી નથી ભણી॥
સંત સદા નિર્ભય નિશ્ચિંત, જેને પ્રગટ પ્રભુશું પ્રીત॥ સાક્ષાત હરિના સુખ માંય, રહ્યા અચળ પર્વતપ્રાય॥ હરિ અમલમાં હરે ફરે, કોટિ જીવનાં કલ્યાણ કરે॥ કૃષ્ણચરણમાં માન્યું ચિત્ત, બીજે રહી નહિ જેની પ્રીત॥
શ્યામસુખમાં રહ્યા સમાઈ, તેણે મગન ઘણું મનમાંઈ॥ અનુભવે અમલમાં બોલે, જાણે પિંડ બ્રહ્માંડ તૃણતોલે॥ સુખ સંસારી જે જે કે’વાય, તેને સ્વપ્ને પણ ન ચહાય॥ નર નિર્જરનાં સુખ જે છે, ઈશ અજનાં સુખને ન ઇચ્છે॥ એક રાધિકાપતિ શ્રીકૃષ્ણ, તેને પામીને રહ્યા છે પ્રષ્ણ॥ એવા સંત સુખિયા છે સરે, મળે જેને તેનાં કાજ કરે॥
એહ સતસંગ સુણો ભાઈ, તે હોય જુગો જુગની માંઈ॥ એહ મળે ટળે જમત્રાસ, પાછો આવે નહિ ગર્ભવાસ॥
મળે એવો સમાગમ જ્યારે, જીવ નિર્ભય થાય છે ત્યારે॥ સુખી થાવા સંતસમાગમ, નિશ્ચે કહે છે એમ નિગમ॥ એવા હોય સાચા જિયાં સંત, તિયાં હોય પોતે ભગવંત॥ તેહ વિના ન હોય એવી રીત, સર્વે લોક થકી જે પુનિત॥
એમ સમજી સમાગમ કરિયે, તો જન્મ મરણથી તરિયે॥ મટે માથેથી જમનો માર, આવે સર્વે દુઃખનો તે પાર॥ એહ વિના નથી જો ઉપાય, જેણે જન્મમરણ દુઃખ જાય॥ સાર માંહી વાત એ છે સાર, તે તો કહી દેખાડી કઈ વાર॥ કહે નિષ્કુળાનંદ એમ સત્ય, કહી સતસંગની વિગત્ય॥ સુખી થાવા જીવને એ ઠામ, તેહ વિના નથી વિશ્રામ॥
કડવું ૧૯
કુસંગ ને સતસંગનું, કહ્યું રૂડી રીતે કરી રૂપ॥ સર્વે જન હવે સાંભળો, કહું એક વાત અનુપ॥ જે સુણી આ જીવને, ઊઘડે અંતરની આંખ્ય॥ સતસંગ સમજી કરે, તજે કુસંગ કરવા ધાંખ॥ જેમ સર્વે સંત તણી, એક રે’ણી ને એક રીત॥ તેમ હરિની હોય નહિ, કહું તેહ સુણો દઈ ચિત્ત॥
જીવના કલ્યાણ કારણે, ધરે જૂજવી જાતના તન॥ જિયાં જેવું કામ પડે, તિયાં તેવા થાય ભગવન॥
હવે સાંભળો સહુ સુજાણ રે, કહું વાત શાસ્ત્ર પ્રમાણ રે॥ જેથી પ્રભુપણું પ્રિછાય રે, પ્રભુ પ્રગટમાં સંશય ન થાય રે॥ દશ ચોવીશ આદિ અનંત રે, ધરે તન ઉદ્ધારવા સંત રે॥ મત્સ્ય કચ્છ ને વરાહ નામ રે, નૃસિંહ વામન પરશુરામ રે॥
રામ કૃષ્ણ બુદ્ધ ને કલકી રે, એહ આદિ જે તન અલોકી રે॥ મત્સ્ય કચ્છ વારિમાં વિચર્યા રે, વરાહ નૃસિંહ વનમાં ફર્યા રે॥ વામન પરશુરામ કહું વર્ણી રે, રામ કૃષ્ણની અલૌકિક કર્ણી રે॥ બુદ્ધ શુદ્ધબોધના દાતાર રે, કલ્કી ભૂમિહરણ ભાર રે॥ ક્રિયા એકએકની ન મળે રે, એમ લખ્યું પુરાણ સઘળે રે॥ પણ કરવું જીવોનું કલ્યાણ રે, ધર્મ થાપી પાપી લેવા પ્રાણ રે॥
જુગોજુગ પ્રગટે પાપી રે, કરે અધર્મ ધર્મ ઉથાપી રે॥ દ્વિજ રાજ વળી વેષ ધારી રે, જેને કહ્યે વર્તે વર્ણ ચારી રે॥
એમાં આવી રહે છે અધર્મ રે, તેહ કરાવે સૌને કુકર્મ રે॥ સંત ભક્ત તપસી ને ત્યાગી રે, પીડે રંક ઋષિને અભાગી રે॥ સતશાસ્ત્ર શ્રવણે ન સુણે રે, ખોટાં શાસ્ત્ર વાંચે બેસી ખુણે રે॥ જેમાં મદ્ય માંસ વ્યભિચાર રે, જાતિવિટાળ ને અનાચાર રે॥
એવાં શાસ્ત્ર સહુને સુણાવે રે, પાપીને તેની પ્રતીત આવે રે॥ પછી મનને ગમે તે વરતે રે, બિયે નહિ અશુભ આચરતે રે॥ બાંધી મહાપ્રભુએ મરજાદ રે, તેને ભાખે કુકર્મી ક્રવ્યાદ રે॥ તેને દેખી ન શકે દયાળ રે, આવે એને અર્થે તત્કાળ રે॥ ધર્મરક્ષા કરવાને કાજ રે, જુગોજુગ પ્રગટે મહારાજ રે॥ તેમાં હરિજનનાં દુઃખ હરે રે, જેવું ઘટે તેવું તન ધરે રે॥
તાતપર્ય એ સર્વેનું એક રે, કહ્યું વિચારી કરી વિવેક રે॥ જેમ સાધુ સાધુતાયે અતિ રે, તેમ કૃષ્ણ કલ્યાણમૂરતિ રે॥
પણ એથી ન હોય અકાજ રે, છે એ કલ્યાણમૂર્તિ મહારાજ રે॥ જોને કામ ભાવે ભજી ગોપી રે, કુળ વેદ મર્યાદાને લોપી રે॥ ભયે ભજીયા કંસ ભૂપાળ રે, ક્રોધભાવે ભજ્યા શિશુપાળ રે॥ સ્નેહે વસુદેવ ને દેવકી રે, દુષ્ટભાવે કરી ભજી બકી રે॥
સખાભાવે પાંડવ પ્રમાણ રે, દાસભાવે ઉદ્ધવ સુજાણ રે॥ એહ આદિ સુખી થયા બહુ રે, પ્રગટ પ્રભુને સ્પરશી સહુ રે॥ માનો ન ફરે એહ એંધાણ રે, પ્રભુ મળ્યે કોટિ કલ્યાણ રે॥ વળી અજીત એવું આ મન રે, તેને જીતવે એ ભગવન રે॥ એહ એંધાણે લેવા ઓળખી રે, પણ ક્રિયા તો ન હોય સરખી રે॥ એહ મર્મ મેં કહ્યો અનુપ રે, સત્ય એમ છે એનું સ્વરૂપ રે॥
કૃપાસિંધુ જે કૃષ્ણ મુરારિ રે, તે તો અવતારના અવતારી રે॥ જે જે અવતાર કહ્યા મેં કથી રે, તે તો સર્વે શ્રીકૃષ્ણ માંયથી રે॥
સર્વેનું છે શ્રીકૃષ્ણ કારણ રે, ભવભયહારી ભક્તતારણ રે॥ આપ ઇચ્છાએ પ્રગટે મહારાજ રે, નિજજનની રક્ષાને કાજ રે॥ જ્યારે કરવું હોય જેવું કામ રે, તન તેવું ધરે ઘનશ્યામ રે॥ પણ સહુનું કારણ કૃષ્ણ રે, તેનું દુર્લભ સર્વને દષ્ણ રે॥
તે તો સ્વયં પ્રભુ શ્રીહરિદેવ રે, તેનો જાણ્યો છે વિરલે ભેવ રે॥ જે કોઈ મન વાણીને અગમ રે, તે તો થયા છે સહુને સુગમ રે॥ કરવા કોટિ જીવનાં કલ્યાણ રે, આજ આપે પ્રગટ પ્રમાણ રે॥ દેવા દર્શ સ્પર્શ અભયદાન રે, ઢળ્યા અઢળક ભગવાન રે॥ તેને આવી મળે જન જેહ રે, જમદંડથી મુકાય તેહ રે॥ ટળે સર્વે સંકટ ત્યારે રે, મળે સંત કે શ્રીહરિ જ્યારે રે॥
સુખકારી દુઃખહારી દોય રે, સાચા સંત કે શ્રીકૃષ્ણ સોય રે॥ જેને કહું છું શ્રીકૃષ્ણ અમે રે, તે જ શ્રીહરિ સમજો તમે રે
એહ સર્વે સુખનું છે ધામ રે, સુખદાયી શ્રીઘનશ્યામ રે॥ જન ઇચ્છે સુખી થાવા જેહ રે, અચળ એક ઠેકાણું છે એહ રે॥ તેહ વિના નથી સુખ થાવા રે, જન્મ મરણ મહાદુઃખ જાવા રે॥ કાં તો તે પ્રભુ કાં તેના જન રે, સુખી થાવા ઠામ માનો મન રે॥
નથી એહ વિના બીજો ઉપાય રે, સત્ય માની લેજ્યો મનમાંય રે॥ જેહ સમે જેનું હોય રાજ રે, તેહ સમે સરે તેથી કાજ રે॥ માટે આ સમે એહ ભગવન રે, નિશ્ચે માની લેજ્યો સહુજન રે॥ તે મળ્યા છે જેને મહારાજ રે, તેનાં સર્યાં છે સર્વે કાજ રે॥ નથી રહ્યું તેને કાંય કરવું રે, જન્મ મરણ ભવફેરા ફરવું રે॥ છેલ્લો જન્મ છે આ જાણી લેજ્યો રે, એમ જાણી આનંદમાં રે’જ્યો રે॥
જ્યારે આવશે આ તન અંત રે, તેનું સહુ જાણો છો વરતંત રે॥ નિશ્ચય આવે છે તેડવા નાથ રે, નિજસંત સખા લઈ સાથ રે॥
અશ્વ રથ વહેલ્ય વિમાન રે, ગજ ગરૂડ ગાડિયો નિદાન રે॥ આવે એક બે ત્રણ દિન આગે રે, દેઈ દર્શન ને દુઃખ ભાંગે રે॥ તેને આવી કહે એમ નાથ રે, તુંને તેડી જાશું અમ સાથ રે॥ થાજ્યે સાબદો કહી સહુને રે, કહેજ્યે આવ્યાં છે તેડવા મુને રે॥
કરજ્યે વાયદો વિશ્વાસ લાવી રે, તેડી જાશું તે સમે અમે આવી રે॥ નહિ પડે તેમાં ફેર કાંઈ રે, નિર્ભય રે’જ્યે તું મનમાંઈ રે॥ એમ આગેથી કહે અવિનાશ રે, તેણે મન મગન રહે દાસ રે॥ તેહ સમે તેડવાને આવે રે, સંગે સાજ અલૌકિક લાવે રે॥ સર્વે સુખમય તે સમાજ રે, એમ આવે તેડવા મહારાજ રે॥ વળી તે વિના બીજી છે રીત રે, સહુ સાંભળજો દઈ ચિત્ત રે॥
જ્યારે ત્યાગવું હોય તનને રે, ત્યારે મો’રે જણાય જનને રે॥ પછી બીજા જનને એમ કહે રે, મારો દેહ હવે નહિ રહે રે॥
આજ થકી પાંચ દશ દન રે, વીશ ત્રીશમાં ત્યાગીશ તન રે॥ જેને આવવું હોય મારે સંગે રે, તેને તેડી જાઉં હું ઉમંગે રે॥ કરવું હોય જો સાબિત કેને રે, હરિધામમાં પોં’ચાડું તેને રે॥ જે ધામમાં સદાય છે સુખ રે, નથી કોઈ વાતનું જિયાં દુઃખ રે॥
તે ધામ ગોલોક કે’વાય રે, જેને મોટામોટા મને ચા’ય રે॥ તેહ મધ્યે કરી રહો વાસ રે, જિયાં કાળ માયાનો નહિ ત્રાસ રે॥ એવી હિંમત સોત હરિજન રે, એમ કહીને ત્યાગે છે તન રે॥ એવી રીત સત્સંગ માંય રે, તેહ વિના બીજે નથી ક્યાંય રે॥ એહ મોટા પ્રતાપને માનો રે, નથી એ પ્રતાપ કાંઈ છાનો રે॥ સર્વે ધામ તણા જેહ ધામી રે, તે આવ્યા છે સહજાનંદ સ્વામી રે॥
આવી શક્કો બેસાર્યો નવલ રે, અતિ અનુપમ જે અવલ રે॥ સર્વે જીવ તણા સુખ કાજે રે, રૂડી રીત ચલાવી મહારાજ રે॥
સુણી હરિજન રે’જ્યો મગન રે, મને માની લેજ્યો ધન્યધન્ય રે॥ કહ્યાં જમપુરીનાં જે દુઃખ રે, તેના ભોગવનારા વિમુખ રે॥ જેણે પ્રગટ પ્રભુને ત્યાગી રે, બીજી વાતે વળગ્યા અભાગી રે॥ તે તો જમપુરીમાંઈ જાશે રે, તિયાં મનગમતો માર ખાશે રે॥
કહી વિસ્તારી સરવે વાત રે, સુખ દુઃખ કહ્યાં સાક્ષાત રે॥ નથી કે’વા કેડ્યે કાંઈ રાખ્યું રે, ભલી રીતે એ સર્વે ભાખ્યું રે॥ જેવું કહ્યું’તું મહારાજે મુને રે, તેવું કહી સમજાવ્યું સહુને રે॥ એહ મોટો થયો ઉપકાર રે, સુણી તરશે સહુ નરનાર રે॥ પાપી બી’શે કરતાં તે પાપ રે, સુણી આ ગ્રંથ શ્રવણે આપ રે॥ માટે રૂડું થયું જાણો જન રે, સુણી સહુ થાશે પાવન રે॥
કહ્યું સર્વે સૂચવી સહુને રે, જેવું હરિએ ઉપજાવ્યું મુને રે॥ આ જે જમદંડ ગ્રંથ ગાશે રે, સુણી જમદંડથી મુકાશે રે॥
દેશે સાંભળી વિપ્રને દાન રે, અન્ન ધન વસ્ત્રાદિ સન્માન રે॥ તે તો સુખી થાશે નરનાર રે, વળી સહજે તરસે સંસાર રે॥ કહી સુખદુઃખની મેં વિધિ રે, જેવી મહારાજે આજ્ઞા કીધી રે॥ કહ્યું મેં તો મતિ પ્રમાણે રે, જથાર્થ તો મહાપ્રભુ જાણે રે॥
ઓછું અધિકું કહ્યું હોય કાંઈ રે, તે તો નાવ્યું હોય જાણ્યામાંઈ રે॥ કહે નિષ્કુળાનંદ વિચારી રે, સહુ જન લેજ્યો હૈયે ધારી રે॥
કડવું ૨૦
જૂજવી રીતે જીવને, કહ્યાં જમપુરીનાં દુઃખ॥ હરિજન મગન રહેજ્યો, એ તો ભોગવશે વિમુખ॥
પ્રભુ વિમુખ પ્રાણિયો, જો કરે કોટિ ઉપાય॥ દુઃખ માથેથી મટે નહિ, જરૂર જમપુર જાય॥ ભૂલી દિશ ભગવાનની, અને લીધી બીજી વાટ્ય॥ તેમાં જેટલું ચોંપે ચાલશે, તેટલી ખોટ્ય નહિ ખાટ્ય॥
સમર્થના શરણ વિના, કુશળ ક્યાં થકી હોય॥ આપબળે નવ ઊગરે, જેમ સિંધુ તરવો સોય॥ જે જન્મ મરણ જીવને, દુઃખનો ભર્યો દરિયાવ॥ લે’રી પેઠે જનમ મરણ જ્યાં લગી, ત્યાં લગી જમનું જોર॥ જમ આવે તિયાં જાણજ્યો, કહ્યાં દુઃખ જે કેડામો’ર॥
જેને માથે છે મરવું, તોય ન ડરવું નિરધાર॥ તેહ જ મૂરખ મંદમતિ, અતિ ગાફલ કહિયે ગમાર॥
શું થયું શિયાણો થયે, શું થયું થયો ચતુર॥ ડાહ્યા સમજુએ શું થયું, જો હરિ ન રાખ્યા ઉર॥ પ્રભુ વિમુખ નર પરાક્રમે, જો હોય જગ જાણિત॥ અનેક ગુણને આશરે, પણ જમપુરે જાવા રીત॥
જમ આવે જેને તેડવા, કહુ તેના તનની રીત॥ અચેત મરે અસાધ્યમાં, જેને પ્રભુ સાથે નહિ પ્રીત॥ જેને આવે લેવા જમરાણ રે, તેનાં ઓળખાવું હું એંધાણ રે॥ જમ જોરે કાઢે એનો પ્રાણી રે, સર્વે નાડી અનાડીની તાણી રે॥ ત્યારે સજડ થાય શરીર રે, લોહલાઠ્ય સરખું અચીર રે॥ જેમ ન વળે સૂકું લક્કડ રે, એમ અંગ થાય છે અક્કડ રે॥
તે તો જમદૂત જોરે કરી રે, લિયે પાપી તણા પ્રાણ હરી રે॥ પછી હાથ પગ જેમ હોય રે, વાળ્યા વળે નહિ વળી સોય રે॥
આંખ્ય મુખ ફાટ્યું રહી જાય રે, પાછું બીડતાં તે ન બીડાય રે॥ નાડી તણાઈ સરવે ત્રૂટે રે, ગુદા શિષ્નુ તણા બંધ છુટે રે॥ થાય મળ મૂત્ર ને મગન રે, તેણે ખરડ્યે બગડે તન રે॥ હાયવોય કરતો તે મરે રે, થઈ વ્યાકુળ વલખાં કરે રે॥
સુત દારા મારાં શું કરશે રે, મુજ વિના દુઃખી થઈ મરશે રે॥ એમ આળપંપાળમાં મરે રે, જેના જમ જોરે પ્રાણ હરે રે॥ આવે જમ તેડવા જેને રે, થાય જેમ કહ્યું તેમ તેને રે॥ વળી હોય કોઈ વાસનાવાન રે, નાવે જમને હાથ નિદાન રે॥ તર્ત ભૂત પ્રેત તન ધરે રે, તે પણ નરકથી નરસું સરે રે॥ નદી કૂવા વાવ્ય તળાવે રે, તિયાં જળ પીવાને જો જાવે રે॥
ન દિયે પીવા વરુણની ચોકી રે, મરે પ્યાસે રાખ્યા ઘાટ રોકી રે॥ પછી અશુદ્ધ જળને ગોતે રે, તેહ વિના ન પીવાય ભૂતે રે॥
પિયે ગુદા ધોયાનું પાણી રે, અતિશય અશુદ્ધ એ જાણી રે॥ કાં તો લિંગ ભગ ધોયું તોય રે, ભૂત પ્રેતને પીવાનું સોય રે॥ નરક થકી નરસું છે જેમાં રે, જાણી જમ મૂકી દિયે તેમાં રે॥ એમ હરિ વિમુખને દુઃખ રે, જિયાં જાય તિયાં નહિ સુખ રે॥
એમ ભૂત પ્રેત નર નાગ રે, પ્રભુ વિમુખનાં ભૂંડાં ભાગ્ય રે॥ કાં તો અતિપાપી તન પામી રે, કરે પાપ રાખે નહિ ખામી રે॥ ભાવું ભીલ કસાઈ કલાર રે, પારાધી ફાંસિયા મચ્છીમાર રે॥ મહામ્લેચ્છ છે પાપનું મૂળ રે, મારે જીવ અહોનિશ અતુળ રે॥ તે તો મરી જમપુર જાય રે, પછી સદા રહે નરકમાંય રે॥ કોઈ કાળે ન નીસરે બા’ર રે, જેણે કર્યાં છે પાપ અપાર રે॥
આવે અભાગ્યે મનુષ્યનો વારો રે, નાવે જીવતો ગર્ભથી બા’રો રે॥ કાં તો ગળી જાય ગર્ભમાંય રે, કાં તો સંકટમાં સ્રવી જાય રે॥
કાં તો કાઢે ઉદરથી કાપી રે, નાવે ગર્ભથી જીવતો પાપી રે॥ એમ જન્મોજન્મ વેરેવેરે રે, ખુવે મનુષ્ય આયુષ્ય એ પેરે રે॥ પણ મનુષ્ય દેહનું જે સુખ રે, પામે નહિ પ્રભુના વિમુખ રે॥ એવી અતિ અધર્મની રીત રે, કહું બીજી સુણો દઈ ચિત્ત રે॥
નાના મોટા હોય નામધારી રે, જેની નવ ખંડે નામના ભારી રે॥ મર આ જગે હોય જાણીત રે, પણ સર્વે તણી એક રીત રે॥ વિદ્યા ગુણ પેચ પરાક્રમ રે, નો’ય બીજો કોઈ એહ સમ રે॥ સર્વ વાતનું કહી દેખાડે રે, પણ જમ આગે એક પાડે રે॥ એમ સાંભળ્યું શાસ્ત્ર સઘળે રે, એવે ગુણે જમત્રાસ ન ટળે રે॥ હરિ વિના મૃત્યુને ન તરે રે, સાચી વાત માનજ્યો એ સરે રે॥
કોઈ પઢે સર્વે પુરાણ રે, કા’વે સર્વે લોકમાં સુજાણ રે॥ કરી વાતે ડોલાવે બ્રહ્મંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
કોઈ કરે જગનને જાગ રે, આપે સર્વે અમરને ભાગ રે॥ હોમે નર પશુ કરી પંડ રે, પણ ટળે નહિ જમ દંડ રે॥ કોઈ પર્વતપરથી પડે રે, જ્યારે એવે વેગે મન ચડે રે॥ મળે સુત વિત્ત રાજ્ય રંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
કોઈ ફરે તીરથ સઘળે રે, રહે નિત્ય નવે વળી સ્થળે રે॥ જઈ જળમાં પખાળે પંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥ કોઈ કરે વ્રત ઉપવાસ રે, જાય ઉત્તરે થઈ ઉદાસ રે॥ જઈ ગાળે હિમાળામાં હંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥ કોઈ ચારે કોરે અગ્નિ બાળી રે, બેસે વચ્ચમાં આસન વાળી રે॥ માથે તપાવે જો માર્તંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
કોઈ અષ્ટાંગયોગને સાધે રે, એક આત્મારૂપ આરાધે રે॥ રોકે પ્રાણ અપાન પ્રચંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
કોઈ ભણે વેદાંત અનુપ રે, જાણે જીવેશ્વરમાયાનું રૂપ રે॥ જે તે સામો રોપે જઈ ઝંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥ કોઈ વદે છે વ્યાકરણવાણ રે, સુણી સહુ કરે પ્રમાણ રે॥ બોલે મુખથી શુદ્ધ અખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
કોઈ કવિ થઈ કાવ્ય જોડે રે, કોઈ કરે જ્ઞાન ગપોડે રે॥ જાણું ભેદી જાશે આ બ્રહ્મંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥ કોઈ સઉથી થઈ ઉદાસી રે, લિયે કરવત જઈ કાશી રે॥ મરે જળે બૂડી ભરી ભંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥ કોઈ સતી પતિ કેડે થાય રે, કોઈ જીવતાં ભૂમાં સમાય રે॥ એમ પરાણે કરે પ્રાણ છંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
કોઈ ત્યાગી થઈ વસે વન રે, ફરે નગન ન ખાય અન્ન રે॥ સહે શીત ઉષ્ણ પીડા પંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
કોઈ સા’ય કરે સિદ્ધિ અષ્ટ રે, પામે નિધિ કરી બહુ કષ્ટ રે॥ જાય ઇચ્છે તે લોકમાં ઊંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥ કોઈ જંત્ર મંત્રને વખાણે રે, બહુ નાટક ચેટક જાણે રે॥ જાણે બહુ પ્રપંચ પાખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
કોઈ આપે સર્વસ્વ દાન રે, વાધે કીર્તિ કર્ણ સમાન રે॥ પડે ખબર સરવે ખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥ કોઈ શૂરા પૂરા સંગ્રામે રે, વડા વેરીથી હાર ન પામે રે॥ કરે શત્રુ સેનાને વિખંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥ સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જશે રે, વ્યાપી રહ્યો સહુથી સરસ રે॥ હોય નર નારી વા ષંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
એવી રીત કિયાં લગી કહું રે, કે’તાં કે’તાં તે પાર ન લહુ રે॥ અંતે પડે તે નરકને કુંડ રે, પણ ટળે નહિ જમદંડ રે॥
એમ કહે છે સર્વે પુરાણ રે, સુણી સમજી લેજ્યો સુજાણ રે॥ નથી મુખની વાત મેં લખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે॥ જો આપ બળે સિંધુ તરાય રે, નાવ શોધવા તો શીદ જાય રે॥ હોય પોત પાર થાય સુખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે॥
જેમ અર્ક વિના અંધારું રે, કરે ટાળવા ઉપાય હજારું રે॥ ઉલેચતાં તમ થાય દુઃખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે॥ સર સરિતા સાગર સોય રે, ઘન વિના સૂક્યાં સહુ કોય રે॥ એહ એંધાણ લેવું ઓળખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે॥ એમ સો વાતની વાત એક રે, સમજુ હોય તે સમજો વિવેક રે॥ મમતે ન થાવું મનમુખી રે, નો’ય કલ્યાણ પ્રભુજી પખી રે॥
યમદંડ નામે છે આ ગ્રંથ રે, તેમાં ચરણે ચરણે એ અર્થ રે॥ લેવું પ્રકટ પ્રભુનું શરણ રે, ત્યારે ટળે જન્મ ને મરણ રે॥
જન્મ મરણ તિયાં જમ જાણો રે, જમ આવે એ દુઃખ પ્રમાણો રે॥ જાણો દુઃખ ટળી સુખ થાવું રે, ત્યારે પ્રગટ પ્રભુ પાસે જાવું રે॥ કહ્યો છેલ્લો મેં એહ ઉપાય રે, હોય હરિ જુગો જુગ માંય રે॥ તેને મળ્યે ટળે મહાદુઃખ રે, થાય શાંતિ પામે જીવ સુખ રે॥
આદ્યે અંતે મધ્યે એહ વાત રે, સહુ સમજી લ્યો સાક્ષાત રે॥ પ્રભુ મળ્યા વિના છે પાંપળાં રે, તજો તેને જાણીને ટાંપળાં રે॥ કરો પ્રગટ પ્રભુ સાથે પ્રીતિ રે, તો જાઓ જગમાંહી જીતી રે॥ નથી કઠણ વાત એ કાંઈ રે, સહુ સમજો એવી સુખદાઈ રે॥ સાચા ખોટામાં સરખો શ્રમ રે, શીદ નથી જાણતા એ મર્મ રે॥ જેમ દિશ મુવાડે
જેમ જેમ ચોંપેશું ચલાય રે, તેમ તેમ છેટું થાતું જાય રે॥ તેમ પ્રભુજીને પૂઠ્ય દઈ રે, જીવ કરે છે ભગતિ કઈ રે॥
તે તો નથી આવતી જો અર્થ રે, ઠાલો જન્મ ખુવે છે વ્યર્થ રે॥ વણ સમજ્યે વેઠે છે દુઃખ રે, જે કોઈ હરિ થકી છે વિમુખ રે॥ મટી વિમુખ સન્મુખ થાઓ રે, જાણી જોઈ કાં જમપુર જાઓ રે॥ પોતે પોતાનું કરવું કાજ રે, સ્મરી શ્રીઘનશ્યામ મહારાજ રે॥
અચળ એક આશરો એહ રે, એહ વાતમાં નથી સંદેહ રે॥ તેહ વિના ન હોય ભવપાર રે, કહે નિષ્કુળાનંદ નિરધાર રે॥ પામ્યા પામ્યા રે ભવજળપાર, શ્રીહરિ સંત મળી. વામ્યાં વામ્યાં રે દુઃખ અપાર, શ્રીહરિ꠶॥ નામ્યાં નામ્યાં રે શીશ પ્રભુ પાય, શ્રીહરિ꠶ જામ્યાં જામ્યાં રે સુખ ઉરમાંય, શ્રીહરિ꠶॥
સર્યાં સર્યાં રે સર્વે કાજ, શ્રીહરિ꠶ ભર્યાં ભર્યાં રે અભરે આજ, શ્રીહરિ꠶॥
ઠર્યાં ઠર્યાં રે પામી સુખઠામ, શ્રીહરિ꠶ કર્યાં કર્યાં રે પૂરણકામ, શ્રીહરિ꠶॥ ભાગ્યો ભાગ્યો રે ભવનો ભય, શ્રીહરિ꠶ જાગો જાગો રે થઈ જિતજય, શ્રીહરિ꠶॥
ત્યાગો ત્યાગો રે મનની તાણ, શ્રીહરિ꠶ માગો માગો રે પદ નિરવાણ લીધો લીધો રે પૂરણ લાવ, શ્રીહરિ꠶ દીધો દીધો રે જમશિર પાવ, શ્રીહરિ꠶॥ કીધો કીધો રે જન્મ સફળ શ્રીહરિ꠶ પીધો પીધો રે રસ અમળ શ્રીહરિ꠶॥
થઈ થઈ રે જગમાંય જીત, શ્રીહરિ꠶ ગઈ ગઈ રે અન્યની પ્રતીત, શ્રીહરિ꠶॥
રહી રહી રે લાખેણી લાજ, શ્રીહરિ꠶ સઈ સઈ રે વાત કહું આજ, શ્રીહરિ꠶॥ આવ્યો આવ્યો રે આજ આનંદ, શ્રીહરિ꠶ ફાવ્યો ફાવ્યો રે ફેરો ફાટ્યા ફંદ, શ્રીહરિ꠶॥
ભાવ્યો ભાવ્યો રે સાચો સત્સંગ, શ્રીહરિ꠶ નાવ્યો નાવ્યો રે અભાવ અંગ, શ્રીહરિ꠶॥ હર્યો હર્યો રે સર્વે સંતાપ, શ્રીહરિ꠶ તર્યો તર્યો રે ભવજળ આપ, શ્રીહરિ꠶॥ કર્યો કર્યો રે સર્વેનો ત્યાગ, શ્રીહરિ꠶ ઠર્યો ઠર્યો રે ઉર વૈરાગ, શ્રીહરિ꠶॥
જોયું જોયું રે જગમાં જરૂર, શ્રીહરિ꠶ ખોયું ખોયું રે દુઃખડું દૂર, શ્રીહરિ꠶॥
મોહ્યું મોહ્યું રે મન જોઈ નાથ, શ્રીહરિ꠶ પ્રોયું પ્રોયું રે ચિત્ત એહ સાથ, શ્રીહરિ꠶॥ દીધું દીધું રે દર્શન દાન, શ્રીહરિ꠶ કીધું કીધું રે અમૃતપાન, શ્રીહરિ꠶॥
લીધું લીધું રે સુખ અપાર, શ્રીહરિ꠶ સીધ્યું સીધ્યું રે કારજ આ વાર, શ્રીહરિ꠶॥ લાગ્યો લાગ્યો રે એ સંગે રંગ, શ્રીહરિ꠶ ભાગ્યો ભાગ્યો અન્યથી ઉમંગ, શ્રીહરિ꠶॥ વાગ્યો વાગ્યો રે જીતનો ડંક, શ્રીહરિ꠶ ત્યાગો ત્યાગો રે જૂઠી જગશંક, શ્રીહરિ꠶॥
લીધી લીધી રે શ્યામળે મારી સાર, શ્રીહરિ꠶ કીધી કીધી રે વાલે મારી વા’ર, શ્રીહરિ꠶॥
દીધી દીધી રે મોજ અનુપ, શ્રીહરિ꠶ સીધી સીધી રે વાત સુખરૂપ, શ્રીહરિ꠶॥ મળી મળી રે મહાસુખ મોજ, શ્રીહરિ꠶ દળી દળી રે જમદૂત ફોજ, શ્રીહરિ꠶॥
ટળી ટળી રે સર્વે ત્રાસ, શ્રીહરિ꠶ બળી બળી રે અન્ય બીજી આશ, શ્રીહરિ꠶॥ વળી વળી રે રંગડાની રેલ્ય, શ્રીહરિ꠶ ફળી ફળી રે સુફળ વેલ્ય, શ્રીહરિ꠶॥ ઢળી ઢળી રે ઢળી ગયો ઢાળ, શ્રીહરિ꠶ પળી પળી રે ગયાં પંપાળ, શ્રીહરિ꠶॥
ટળ્યો ટળ્યો રે જમનો ત્રાસ, શ્રીહરિ꠶ પળ્યો પળ્યો રે પરો ગર્ભવાસ, શ્રીહરિ꠶॥
મળ્યો મળ્યો રે સાચો સતસંગ, શ્રીહરિ꠶ વળ્યો વળ્યો રે દિન રહ્યો રંગ, શ્રીહરિ꠶॥ હુવો હુવો રે જય જયકાર, શ્રીહરિ꠶ જુવો જુવો રે સુખ અપાર, શ્રીહરિ꠶॥
સુવો સુવો રે સુખની સજ્જાય, શ્રીહરિ꠶ દુવો દુવો રે કામદુઘાય, શ્રીહરિ꠶॥ આજ આજ રે વરત્યો આનંદ, શ્રીહરિ꠶ કાજ કાજ રે સર્યાં ફાટ્યો ફંદ, શ્રીહરિ꠶॥ લાજ લાજ રે રહી મારી આજ, શ્રીહરિ꠶ નાજ નાજ રે ન કરું અકાજ, શ્રીહરિ꠶॥
રહે રહે રે સુખ અપાર, શ્રીહરિ꠶ વહે વહે રે કોણ ભવભાર, શ્રીહરિ꠶॥
સહે સહે રે કોણ દુઃખદ્વંદ, શ્રીહરિ꠶ કહે કહે રે નિષ્કુળાનંદ, શ્રીહરિ સંત મળી॥ અગિયારસો ચૌ અગિયાર ચર્ણ, ગણી ચોકસ કર્યાં, યમદંડનો વિસ્તાર, કહ્યો એટલામાંયે કથી॥